સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધીરજથી અંતની રાહ જોતા રહીએ

ધીરજથી અંતની રાહ જોતા રહીએ

‘એને વાર લાગે, તોપણ એની રાહ જો!’—હબા. ૨:૩.

ગીતો: ૧૯ (143), ૬ (43)

૧, ૨. યહોવાના સેવકોએ હંમેશાં કેવું વલણ બતાવ્યું છે?

બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થતી જોવા યહોવાના ભક્તોએ હંમેશાં ધીરજથી રાહ જોઈ છે. યિર્મેયાનો વિચાર કરો. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે બાબેલોનીઓ દ્વારા યહુદાહ શહેરનો નાશ થશે. એ ભવિષ્યવાણી પૂરી થવાની તે રાહ જોતા હતા અને ઈ.સ. પૂર્વે ૬૦૭માં એ ભવિષ્યવાણી પૂરી થઈ! (યિર્મે. ૨૫:૮-૧૧) પછીથી, યશાયાએ ભવિષ્યવાણી કરી હતી કે યહોવા એ યહુદીઓને ગુલામીમાંથી છોડાવશે અને યહુદાહમાં પાછા લાવશે. એ ભવિષ્યવાણી પૂરી થવાની રાહ જોતા યશાયાએ કહ્યું હતું: ‘જેઓ તેમની રાહ જુએ છે, તેઓ સર્વને ધન્ય છે.’ (યશા. ૩૦:૧૮) પ્રબોધક મીખાહ પણ આશા રાખતા હતા કે યહોવાનાં વચનો સાચાં પડશે. મીખાહે કહ્યું હતું: “હું તો યહોવા તરફ જોઈ રહીશ.” (મીખા. ૭:૭) એવી જ રીતે, સદીઓ દરમિયાન યહોવાના ભક્તોએ પૂરો ભરોસો રાખ્યો કે વચન પ્રમાણેના મસીહ અથવા ખ્રિસ્ત આવશે.—લુક ૩:૧૫; ૧ પીત. ૧:૧૦-૧૨. *

આજે આપણે પણ યહોવાના રાજ્યને લગતી બધી ભવિષ્યવાણીઓ પૂરી થવાની રાહ જોઈએ છીએ. એ રાજ્યના રાજા ઈસુ, ઈશ્વરભક્તોને આ ખતરનાક દુનિયાથી જલદી જ છોડાવશે. બધા દુષ્ટોનો તે નાશ કરશે અને બધી જ તકલીફોનો અંત લાવશે. (૧ યોહા. ૫:૧૯) યહોવાનો દિવસ કોઈ પણ ઘડીએ આવી શકે છે. તેથી, આપણે આતુરતાથી એની રાહ જોઈએ. તેમજ, એ માટે તૈયાર રહેવા બનતું બધું કરીએ.

૩. અંતની રાહ જોતાં જોતાં વર્ષો વીતી ગયાં હોય તો, મનમાં કયો વિચાર આવી શકે?

યહોવાની ઇચ્છા પૃથ્વી પર પૂરી થાય એની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. (માથ. ૬:૧૦) બની શકે કે આપણે વર્ષોથી અંત આવવાની રાહ જોઈ રહ્યા છીએ. તેથી, કદાચ આપણને એવો વિચાર આવી શકે કે “મારે શા માટે હજીયે એવી આશા રાખવી જોઈએ કે અંત જલદી જ આવશે?”

અંતની રાહ જોતા રહીએ—શા માટે?

૪. ‘સાવધ રહેવું’ આપણા માટે કેમ મહત્ત્વનું છે?

ઈસુએ પોતાના અનુયાયીઓને ‘સાવધ રહેવા’ અને ‘જાગતા રહેવા’ની આજ્ઞા આપી હતી. તેથી, ધીરજ રાખીને અંતની રાહ જોતા રહેવું આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. (લુક ૨૧:૩૪-૩૬; માથ. ૨૪:૪૨) યહોવાનું સંગઠન પણ વારંવાર આપણને યાદ અપાવે છે કે ‘ઈશ્વરનો દિવસ આવે એની આતુરતાથી અપેક્ષા રાખીએ.’ તેમજ, નવી દુનિયા વિશે યહોવાએ આપેલું વચન હંમેશાં મનમાં રાખીએ.—૨ પીતર ૩:૧૧-૧૩ વાંચો.

૫. યહોવાના દિવસની રાહ જોવાનું આપણી પાસે શું બીજું કોઈ કારણ છે? સમજાવો.

પ્રથમ સદીના ખ્રિસ્તીઓ માટે યહોવાના દિવસની આતુરતાથી રાહ જોવી ખૂબ જરૂરી હતું. તો વિચારો કે આપણા માટે એ કેટલું વધારે જરૂરી છે! કારણ કે ઈસુએ આપેલી નિશાની સાબિત કરે છે કે તે ૧૯૧૪થી ઈશ્વરના રાજ્યના રાજા બન્યા છે. તેમજ, આપણે છેલ્લા દિવસોમાં એટલે કે “જગતના અંત”ના સમયમાં જીવી રહ્યા છીએ. ઈસુએ ભવિષ્યવાણી કરી હતી એ પ્રમાણે આજે થઈ રહ્યું છે. દુનિયાની પરિસ્થિતિ બગડતી જાય છે. બીજું કે, ઈશ્વરના રાજ્યની ખુશખબર આખી પૃથ્વી પર ફેલાઈ રહી છે. (માથ. ૨૪:૩, ૭-૧૪) જોકે, ઈસુએ એ જણાવ્યું ન હતું કે “જગતના અંત”નો સમય કેટલો લાંબો ચાલશે. જગતનો અંત ગમે ત્યારે આવી શકે છે. એટલે આપણે હર ઘડી એના માટે તૈયાર રહેવું જોઈએ.

૬. શા માટે કહી શકાય કે અંત નજીક આવતો જશે તેમ, દુનિયાની પરિસ્થિતિ બગડતી જશે?

બાઇબલ જણાવે છે કે જગતના “છેલ્લા સમયમાં” લોકો વધારેને વધારે દુષ્ટ બનશે. (૨ તીમો. ૩:૧, ૧૩; માથ. ૨૪:૨૧; પ્રકટી. ૧૨:૧૨) ખરું કે, એ ભવિષ્યવાણી પ્રમાણે આજે દુનિયા ખૂબ દુષ્ટ બની ગઈ છે અને ભાવિમાં હજીયે દુષ્ટ બનતી જશે. તો પછી, શું આપણે એમ ધારવું જોઈએ કે “મોટી વિપત્તિ” આવતા પહેલાં દુનિયાની પરિસ્થિતિ સાવ ખરાબ થવી જ જોઈએ?

૭. માથ્થી ૨૪:૩૭-૩૯ની કલમો “છેલ્લા સમયમાં” દુનિયાની પરિસ્થિતિ વિશે શું જણાવે છે?

અમુક લોકોને એમ લાગી શકે કે “મોટી વિપત્તિ” પહેલાં એકેએક દેશમાં યુદ્ધ થશે અને આશરે બધા જ લોકોએ બીમારી અને ભૂખમરાનો સામનો કરવો પડશે. (પ્રકટી. ૭:૧૪) પણ, જો એમ થાય તો બધા લોકો આસાનીથી પારખી શકે કે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. અરે, બાઇબલમાં રસ ન લેનારા લોકોને પણ સમજાઈ જાય કે બાઇબલની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. જ્યારે કે, ઈસુએ તો કહ્યું હતું કે છેલ્લા દિવસોમાં મોટા ભાગના લોકો એ ભવિષ્યવાણી ‘સમજી શકશે નહિ.’ તેઓ પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત રહેશે અને યહોવાનો દિવસ આવે ત્યારે ચોંકી ઊઠશે. (માથ્થી ૨૪:૩૭-૩૯ વાંચો.) તેથી, આપણે એવું ન ધારીએ કે “મોટી વિપત્તિ” આવતા પહેલાં દુનિયાની પરિસ્થિતિ એકદમ ખરાબ થવી જ જોઈએ.—લુક ૧૭:૨૦; ૨ પીત. ૩:૩, ૪.

૮. ઈસુએ આપેલી નિશાની વિશે સાવધ હોવાથી આપણને શાની ખાતરી છે?

ઈસુએ પોતાના શિષ્યોને જે નિશાની આપી હતી, એ તેઓ માટે એક ચેતવણી હતી. જે સમય તેઓ પર આવી પડવાનો હતો, એ વિશે તેઓએ સાવધ રહેવાનું હતું. ઈસુના અનુયાયીઓએ હંમેશાંથી એવું જ કર્યું છે. (માથ. ૨૪:૨૭, ૪૨) ઈસુએ આપેલી નિશાની ૧૯૧૪થી સાચી પડી રહી છે. તેમજ, આપણને પૂરી ખાતરી છે કે આપણે “જગતના અંત”ના સમયમાં જીવી રહ્યા છીએ. યહોવાએ નક્કી કરી લીધું છે કે તે શેતાનની દુષ્ટ દુનિયાનો વિનાશ ક્યારે કરવાના છે.

૯. અંત જલદી જ આવશે એવી રાહ આપણે શા માટે જોવી જોઈએ?

અંત જલદી જ આવશે એવી રાહ આપણે શા માટે જોતા રહેવી જોઈએ? કારણ કે આપણે ઈસુની ચેતવણી પ્રમાણે કરવા ઇચ્છીએ છીએ. ઉપરાંત, એ સાફ છે કે છેલ્લા દિવસો વિશે ઈસુએ જે નિશાની આપી હતી એ સાચી પડી રહી છે. અંત ખૂબ નજીક છે એવું આપણે કોઈના કહેવા પરથી નહિ, પણ બાઇબલ ભવિષ્યવાણીઓની સાબિતી પરથી માનીએ છીએ. તેથી, આપણે સાવધ રહેવું જ જોઈએ. અંતનો સામનો કરવા તૈયાર રહેવું જ જોઈએ.

હજી કેટલી રાહ જોવાની?

૧૦, ૧૧. (ક) ઈસુએ શા માટે પોતાના શિષ્યોને ‘સાવધ રહેવા’ કહ્યું? (ખ) શિષ્યોને લાગે કે અંત આવવામાં મોડું થઈ રહ્યું છે તો, ઈસુએ તેઓને શું કરવાનું કહ્યું હતું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૦ ઘણાં ભાઈ-બહેનો વર્ષોથી યહોવાની સેવા વફાદારીથી કરી રહ્યાં છે અને જગતના અંતની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ભલે આપણે ગમે તેટલાં વર્ષોથી અંતની રાહ જોતા હોઈએ તોપણ, આશા ન ગુમાવીએ કે અંત જલદી જ આવશે. આ દુષ્ટ દુનિયાનો વિનાશ કરવા ઈસુ આવશે ત્યારે, આપણે તૈયાર હોવા જોઈએ. યાદ કરો કે ઈસુએ પોતાના શિષ્યોને શું કહ્યું હતું: ‘સાવધ રહો અને જાગતા રહો, કેમ કે એ સમય ક્યારે આવશે એ તમે જાણતા નથી. એ આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં પ્રવાસ કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતો રહેવાની આજ્ઞા આપી હોય. માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, કે મધરાતે, કે મરઘો બોલતી વખતે, કે સવારે; જેથી તે અચાનક આવીને તમને ઊંઘતા ન જુએ. અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું, કે જાગતા રહો.’—માર્ક ૧૩:૩૩-૩૭.

૧૧ ઈસુના અનુયાયીઓ સમજી શક્યા કે વર્ષ ૧૯૧૪થી ઈસુએ રાજ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારથી તેઓને ખબર છે કે અંત કોઈ પણ ઘડીએ આવી શકે છે. તેથી, ઉત્સાહથી પ્રચાર કરીને તેઓએ પોતાને તૈયાર રાખ્યા. ઈસુએ જણાવ્યું હતું કે માલિક કદાચ “મરઘો બોલતી વખતે” એટલે કે મળસકે અથવા “સવારે” આવી શકે છે. જો એમ થાય તો ઈસુના અનુયાયીઓએ શું કરવાનું હતું? ઈસુએ કહ્યું હતું, “સાવધ રહો.” તેથી, જો આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા હોઈએ, તો એમ ન ધારીએ કે અંત આવવાની તો હજી ઘણી વાર છે. અથવા એમ ન વિચારીએ કે “મારા જીવન દરમિયાન તો એ નહિ જ આવે!”

૧૨. હબાક્કૂકે યહોવાને શું પૂછ્યું અને યહોવાએ તેમને શો જવાબ આપ્યો?

૧૨ પ્રબોધક હબાક્કૂકે યરુશાલેમના વિનાશ વિશે સંદેશો જાહેર કર્યો હતો. એ દરમિયાન તેમણે એ વિનાશની ધીરજથી રાહ પણ જોઈ. તેમની અગાઉ બીજા પ્રબોધકોએ પણ ઘણાં વર્ષો સુધી એ સંદેશો જાહેર કર્યો હતો. હબાક્કૂક જોઈ શક્યા કે પહેલાંની સરખામણીમાં દુષ્ટતા અને અન્યાય ઘણાં વધી ગયાં છે. તેમણે યહોવા પાસે મદદ માટે કાલાવાલા કર્યા અને કહ્યું: “હે યહોવા, ક્યાં સુધી હું પોકાર કરીશ?” એના જવાબમાં યહોવાએ તેમને એ ન જણાવ્યું કે અંત કઈ ઘડીએ આવશે. પરંતુ, તેમણે વચન આપ્યું કે ‘એને વાર નહિ લાગે!’ યહોવાએ હબાક્કૂકને ‘એની રાહ જોતા રહેવા’ જણાવ્યું.—હબાક્કૂક ૧:૧-૪; ૨:૩ વાંચો.

૧૩. હબાક્કૂક કેવું વિચારી શક્યા હોત અને એમ વિચારવું શા માટે જોખમી સાબિત થયું હોત?

૧૩ કલ્પના કરો કે અંતની રાહ જોઈ જોઈને હબાક્કૂક કંટાળીને કહે છે: “હું વર્ષોથી યરુશાલેમના વિનાશની રાહ જોઈ રહ્યો છું. પણ જો અંત આવવાને હજી ઘણી વાર હોય, તો મને નથી લાગતું કે મારે સંદેશો જણાવવો જોઈએ. એ કામ બીજાઓ કરી લેશે.” જો હબાક્કૂકે આમ વિચાર્યું હોત તો શું થયું હોત? તેમણે યહોવાની કૃપા ગુમાવી દીધી હોત. અરે, યરુશાલેમના વિનાશ વખતે જો તે તૈયાર ન હોત, તો પોતાનો જીવ પણ ગુમાવી બેઠા હોત!

૧૪. યહોવાએ આપણને અંતની રાહ જોતા રહેવા ચેતવ્યા છે, એનો આભાર આપણે શા માટે માનીશું?

૧૪ આપણે નવી દુનિયામાં હોઈશું ત્યારનો વિચાર કરો. છેલ્લા દિવસો વિશે યહોવાએ જે કંઈ ભાખ્યું છે, એ બધું જ સાચું પડ્યું હશે. એના લીધે, યહોવા પર આપણો ભરોસો ખૂબ વધી ગયો હશે. અરે, આપણને કોઈ શંકા નહિ હોય કે તેમણે આપેલાં બીજાં વચનો પણ તે ચોક્કસ પૂરાં કરશે! (યહોશુઆ ૨૩:૧૪ વાંચો.) ઉપરાંત, આપણે યહોવાના ખૂબ આભારી હોઈશું કે, અંત માટે તેમણે યોગ્ય સમય ઠરાવ્યો અને આપણને એની રાહ જોતા રહેવા અગાઉથી ચેતવ્યા હતા.—પ્રે.કૃ. ૧:૭; ૧ પીત. ૪:૭.

સાક્ષીકાર્યમાં લાગુ રહીને રાહ જોતા રહીએ

શું તમે ખુશખબર જણાવવામાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છો? (ફકરો ૧૫ જુઓ)

૧૫, ૧૬. આ અંતના સમયમાં આપણે શા માટે સાક્ષીકાર્યમાં બનતું બધું જ કરવું જોઈએ?

૧૫ યહોવાની સેવા કરવી એ આપણા જીવનનો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. અને એ વાત યહોવાનું સંગઠન આપણને વારંવાર યાદ અપાવતું રહેશે. એનાથી આપણને યહોવાની સેવામાં મંડ્યા રહેવા મદદ મળે છે. ઉપરાંત, એ પણ જોવા મદદ મળે છે કે પ્રચારકાર્યમાં ઢીલ ન કરવી ખૂબ જ જરૂરી છે. આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે ઈસુએ આપેલી નિશાની હાલમાં પૂરી થઈ રહી છે અને અંત એકદમ નજીક છે. તેથી, આપણે યહોવાની સેવાને જીવનમાં સૌથી વધારે મહત્ત્વ આપીએ છીએ. તેમજ, તેમના રાજ્યની ખુશખબર જણાવતા રહીએ છીએ.—માથ. ૬:૩૩; માર્ક ૧૩:૧૦.

૧૬ શેતાનની દુનિયાનો જલદી જ નાશ થવાનો છે. તેથી, આપણે ખુશખબર જણાવીને લોકોને એ નાશથી બચવા મદદ કરીએ છીએ. વર્ષ ૧૯૪૫માં બનેલા એક ભયાનક દરિયાઈ અકસ્માતનો વિચાર કરો. એ વર્ષે વિલ્હેમ ગસ્ટલોફ નામનું એક જહાજ પાણીમાં ડૂબી ગયું. હજારો લોકો એમાં મરણ પામ્યા. જોકે, એ અકસ્માતમાં આપણાં એક બહેન અને તેમના પતિ બચી ગયાં. બહેનને યાદ છે કે જહાજ ડૂબી રહ્યું હતું ને એક સ્ત્રી બૂમો પાડતી હતી કે, ‘મારો સામાન! મારો સામાન! મારાં ઘરેણાં! મારાં બધાં ઘરેણાં પેલી કેબિનમાં છે. હાય, મારું બધું જ જતું રહ્યું!’ જ્યારે કે, બીજા મુસાફરોને ખ્યાલ આવી ગયો કે એ સમયે સૌથી મહત્ત્વનું શું હતું. તેઓ તરત લોકોનો જીવ બચાવવાના કામમાં લાગી ગયા. આજે, એવી જ પરિસ્થિતિ છે. આજે, લોકોનો જીવ જોખમમાં છે. આપણે પેલા યાત્રીઓ જેવા બનવા ઇચ્છીએ છીએ, જેઓએ લોકોને બચાવવાની પરવા કરી. એ માટે આપણે અગત્યના સાક્ષીકાર્ય પર પૂરું ધ્યાન આપીએ છીએ. લોકોને આ દુષ્ટ દુનિયાના નાશમાંથી બચાવવા આપણે બનતું બધું જ કરવું જોઈએ.

સારા નિર્ણયો લો, જેથી અગત્યના પ્રચારકાર્ય પરથી ધ્યાન ફંટાય નહિ (ફકરો ૧૭ જુઓ)

૧૭. જગતનો અંત કોઈ પણ ઘડીએ આવી શકે છે, એમ આપણે શા માટે માનવું જોઈએ?

૧૭ બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે અને આ દુષ્ટ દુનિયાનો અંત ખૂબ નજીક છે. એ હકીકત આપણે સ્પષ્ટ રીતે સમજીએ છીએ. બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે “દશ શિંગડાં તથા શ્વાપદ,” જલદી જ મહાન બાબેલોન એટલે કે જૂઠા ધર્મ પર હુમલો કરશે. (પ્રકટી. ૧૭:૧૬) આપણે એ બનાવની રાહ જોઈ રહ્યા છીએ. એ દરમિયાન, આપણે એમ ન વિચારવું જોઈએ કે એ બનાવને હજી ઘણી વાર લાગશે. ભૂલીએ નહિ કે જૂઠા ધર્મ પર હુમલો કરવાનો વિચાર ખુદ ઈશ્વર “તેઓના [એટલે કે, દશ શિંગડાં તથા શ્વાપદના] મનમાં” મૂકશે. એ બનાવ અચાનક અને કોઈ પણ ઘડીએ બની શકે છે! (પ્રકટી. ૧૭:૧૭) શેતાનની દુનિયાનો સર્વનાશ બસ હાથવેંતમાં છે. તેથી, આપણે હંમેશાં ઈસુની આ આજ્ઞાને મનમાં રાખીને જીવીએ: “તમે પોતાના વિશે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે.” (લુક ૨૧:૩૪; પ્રકટી. ૧૬:૧૫) ચાલો, આપણે સાવધ રહીએ અને યહોવાની સેવામાં મંડ્યા રહીએ. પૂરી શ્રદ્ધા રાખીએ કે ‘રાહ જોનારાઓ માટે’ યહોવા જરૂર પગલાં ભરશે.—યશા. ૬૪:૪.

૧૮. આવતા લેખમાં આપણે કયા પ્રશ્નની ચર્ચા કરીશું?

૧૮ આ દુષ્ટ દુનિયાના અંતની આપણે રાહ જોઈએ છીએ ત્યારે, શિષ્ય યહુદાની આ સલાહ ધ્યાનમાં રાખીએ: ‘વહાલાઓ, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને, પવિત્ર શક્તિ પ્રમાણે પ્રાર્થના કરીને અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની રાહ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.’ (યહુ. ૨૦, ૨૧) પરંતુ, કઈ રીતે સાબિત કરી શકીએ કે નવી દુનિયા જલદી જ આવશે એવી આપણને આશા છે? તેમજ, કઈ રીતે બતાવી શકીએ કે આપણે એની આતુરતાથી રાહ જોઈએ છીએ? એની ચર્ચા આપણે આવતા લેખમાં કરીશું.

^ ફકરો. 1 મસીહને લગતી ભવિષ્યવાણીઓ અને એ કઈ રીતે પૂરી થઈ એની માહિતી માટે, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પાન ૨૦૦ જુઓ.