સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવી દુનિયાના જીવન માટે હમણાંથી જ તૈયારી કરીએ

નવી દુનિયાના જીવન માટે હમણાંથી જ તૈયારી કરીએ

‘તેઓને જણાવ કે તેઓ ભલું કરે, જેથી તેઓ ખરા જીવન પર મજબૂત પકડ મેળવી શકે.’—૧ તીમો. ૬:૧૮, ૧૯, NW.

ગીતો: ૯ (53), ૨૯ (222)

૧, ૨. (ક) નવી દુનિયામાં તમે કયા આશીર્વાદો મેળવવાની રાહ જોઈ રહ્યા છો? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) નવી દુનિયામાં સૌથી વધારે ખુશી શાનાથી મળશે?

આપણે “અનંતજીવન”ની આતુરતાથી રાહ જોઈએ છીએ. પ્રેરિત પાઊલે એને “ખરેખરું જીવન” કહ્યું. (૧ તીમોથી ૬:૧૨, ૧૯ વાંચો.) પાઊલના એ શબ્દો સાંભળતા જ મોટા ભાગના લોકોના મનમાં શું આવશે? બાગ જેવી સુંદર પૃથ્વી પર હંમેશ માટેનું જીવન. નવી દુનિયાનું એ જીવન આપણી કલ્પના બહાર છે. ત્યારે આપણે દરરોજ સવારે પૂરી તંદુરસ્તી, આનંદ અને સંતોષ સાથે ઊઠીશું. જરા વિચારો એ કેટલું અનોખું હશે! (યશા. ૩૫:૫, ૬) કુટુંબ અને મિત્રો સાથે સમય વિતાવવાની કેટલી મજા આવશે. અરે, સજીવન થયેલા લોકો પણ આપણી સાથે હશે! (યોહા. ૫:૨૮, ૨૯; પ્રે.કૃ. ૨૪:૧૫) નવા નવા હુન્નર શીખવાનો આપણી પાસે સમય હશે. આપણને જે કરવાનું ગમે છે એવાં કામોમાં કુશળ બનવાનો સમય હશે. જેમ કે, વિજ્ઞાન વિશે વધારે શીખીશું, સંગીત વગાડતા શીખીશું અને પોતાનું ઘર જાતે બનાવતા શીખીશું.

ખરું કે ભાવિમાં એ બધા આશીર્વાદો મળે એની આપણે રાહ જોઈએ છીએ. પરંતુ, એ સમયે સૌથી વધારે ખુશી યહોવાની સેવા કરવાથી મળશે. ત્યારે, બધા લોકો યહોવાના નામને પવિત્ર મનાવશે અને યહોવાને જ પોતાના રાજા માનશે. ખરેખર, એ બધું ઘણી ખુશી આપનારું હશે. (માથ. ૬:૯, ૧૦) યહોવાએ શરૂઆતમાં ચાહ્યું હતું તેમ, આખી પૃથ્વી સંપૂર્ણ મનુષ્યોથી ભરપૂર હશે. એ કેટલો રોમાંચક સમય હશે! આપણે સંપૂર્ણ બનતા જઈશું તેમ, યહોવાના ગાઢ મિત્ર બનવું આપણા માટે કેટલું સહેલું થઈ જશે!—ગીત. ૭૩:૨૮; યાકૂ. ૪:૮.

૩. આપણે હમણાંથી જ શાની તૈયારી કરવી જોઈએ?

ઈશ્વર એ બધાં જ અદ્ભુત કામો કરશે એવો આપણને પૂરો ભરોસો છે. કારણ કે “ઈશ્વરને સર્વ શક્ય છે.” (માથ. ૧૯:૨૫, ૨૬) જો આપણે નવી દુનિયામાં હંમેશ માટે જીવવા ઇચ્છતા હોઈએ, તો આજે જ એ જીવન પર ‘મજબૂત પકડ મેળવી’ લઈએ. આપણને પૂરો ભરોસો છે કે અંત જલદી જ આવશે અને એ કોઈ પણ ઘડીએ આવી શકે છે. એ ભરોસો આપણી જીવનઢબ પરથી દેખાઈ આવવો જોઈએ. નવી દુનિયાના જીવન માટે પોતાને તૈયાર રાખવા આપણે હમણાંથી જ બનતું બધું કરવું જોઈએ. આપણે એમ કઈ રીતે કરી શકીએ? ચાલો જોઈએ.

કઈ રીતે તૈયારી કરવી

૪. દાખલો આપીને સમજાવો કે આપણે કઈ રીતે હમણાંથી જ નવી દુનિયાના જીવન માટે તૈયારી કરી શકીએ.

આપણે કઈ રીતે હમણાંથી જ નવી દુનિયાની તૈયારી કરી શકીએ? એ સમજવા ચાલો એક દાખલો લઈએ. જો આપણે બીજા દેશમાં જઈને વસવાના હોઈએ, તો એ દેશની જીવનઢબમાં પોતાને ઢાળવા અગાઉથી અમુક તૈયારીઓ કરીશું. કદાચ ત્યાંના લોકોની ભાષા અને રીતભાત શીખવા લાગીશું. એ દેશની અમુક વાનગીઓ અજમાવી જોઈશું. એવી જ રીતે, આપણે અમુક હદે હમણાંથી જ નવી દુનિયાની તૈયારી કરી શકીએ. નવી દુનિયાની જીવનઢબ આજથી જ અપનાવવા પૂરો પ્રયત્ન કરીએ. ચાલો, એની અમુક રીતો જોઈએ.

૫, ૬. સંગઠનના માર્ગદર્શનને આધીન રહેવાથી, નવી દુનિયા માટે તૈયાર થવા કઈ રીતે મદદ મળશે?

આ દુનિયા શેતાનની મુઠ્ઠીમાં છે. તે બધા લોકોને એવું માનવા પ્રેરે છે કે તેઓ મનફાવે એમ કરી શકે છે. ઘણા લોકોને લાગે છે કે પોતાની મરજી પ્રમાણે જીવવું મહત્ત્વનું છે. ઈશ્વરને આધીન રહેવાની કોઈ જરૂર નથી. આવા વલણનું કેવું પરિણામ આવ્યું છે? એનાથી મનુષ્યો પર ઘણાં દુઃખ-તકલીફો આવ્યાં છે. (યિર્મે. ૧૦:૨૩) જ્યારે કે, નવી દુનિયામાં બધા જ લોકો આપણા પ્રેમાળ રાજા યહોવાને આધીન રહેશે. ત્યારે જીવન કેટલું મજાનું હશે!

નવી દુનિયામાં યહોવાના સંગઠનનું માર્ગદર્શન પાળવામાં ઘણી મજા આવશે. પૃથ્વીને એક સુંદર બાગ બનાવવામાં એ માર્ગદર્શનથી ઘણી મદદ મળશે. તેમજ, સજીવન થઈને આવેલા લોકોને શીખવવામાં પણ મદદ મળશે. ત્યારે યહોવા આપણને ઘણાં કામ સોંપશે. પણ એ સમયે આગેવાની લેતા ભાઈઓ, આપણને ન ગમે એવું કામ સોંપે તો શું કરીશું? શું આપણે તેઓનું માનીશું? એ કામ પૂરું કરવા શું રાજીખુશીથી બનતો પ્રયાસ કરીશું? જો આપણે આજે યહોવાના સંગઠન તરફથી મળતું માર્ગદર્શન પાળીશું, તો નવી દુનિયાના જીવન માટે તૈયાર થઈ શકીશું.

૭, ૮. (ક) આગેવાની લેતા ભાઈઓને શા માટે સહકાર આપવો જોઈએ? (ખ) અમુક ભાઈ-બહેનોએ કેવા ફેરફારો અનુભવ્યા છે? (ગ) નવી દુનિયાના જીવન વિશે આપણે શાની ખાતરી રાખી શકીએ?

નવી દુનિયાના જીવન માટે તૈયાર થવા આપણે બીજું પણ કંઈ કરવાની જરૂર છે. આપણે સંતોષ રાખતા અને બીજાઓને સાથ-સહકાર આપતા શીખવાની જરૂર છે. દાખલા તરીકે, આપણને નવી સોંપણી મળે ત્યારે આપણે પૂરો સહકાર આપીએ છીએ. તેમજ, સંતોષ અને આનંદ જાળવી રાખવા પૂરો પ્રયત્ન કરીએ છીએ. હાલમાં આગેવાની લેતા ભાઈઓને સહકાર આપતા રહીશું તો, નવી દુનિયામાં પણ એમ કરી શકીશું. (હિબ્રૂ ૧૩:૧૭ વાંચો.) ઈસ્રાએલીઓ વચનના દેશમાં પહોંચ્યા ત્યારે, તેઓને જણાવવામાં આવ્યું હતું કે તેઓએ કઈ જગ્યાએ વસવાનું છે. (ગણ. ૨૬:૫૨-૫૬; યહો. ૧૪:૧, ૨) નવી દુનિયામાં આપણને કઈ જગ્યાએ રહેવાનું કહેવામાં આવશે, એ આપણે જાણતા નથી. પરંતુ, આપણે સહકાર આપતા શીખ્યા હોઈશું તો, યહોવાની ઇચ્છા પ્રમાણે કરવામાં આપણને ખુશી થશે. પછી ભલે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ.

નવી દુનિયામાં ઈશ્વરના રાજમાં, તેમની સેવા કરવાનો લહાવો ખરેખર મોટો છે. એ કારણને લીધે, આપણે યહોવાના સંગઠનને આજે ખુશીથી સહકાર આપીએ છીએ. તેમજ, જે કોઈ પણ સોંપણી મળે તેને પૂરી કરીએ છીએ. બની શકે કે કોઈક વાર આપણી સોંપણી બદલવામાં આવે. દાખલા તરીકે, અમેરિકાના બેથેલમાં સેવા આપતાં અમુક ભાઈ-બહેનોની સોંપણી બદલવામાં આવી. તેઓને પાયોનિયર તરીકે મંડળોમાં મોકલવામાં આવ્યાં. અમુક પ્રવાસી નિરીક્ષકોને તેઓની ઉંમર અને સંજોગોને લીધે ખાસ પાયોનિયર તરીકે નવી સોંપણી આપવામાં આવી છે. એ બધાં ભાઈ-બહેનો નવી સોંપણીમાં ખુશ છે અને યહોવા તેઓને આશીર્વાદ આપે છે. ચાલો, આપણે યહોવાને પ્રાર્થના કરીએ, તેમની સેવામાં મહેનત કરીએ અને આપણી સોંપણીમાં સંતોષી રહીએ. એમ કરીશું તો આપણે ખુશ રહીશું અને યહોવાના આશીર્વાદ પણ મેળવી શકીશું. (નીતિવચનો ૧૦:૨૨ વાંચો.) પરંતુ, નવી દુનિયામાં આપણને ગમતી કોઈ જગ્યાને બદલે, બીજી કોઈ જગ્યાએ રહેવાનું કહેવામાં આવે તો શું? એ સમયે આપણે ક્યાં રહેતા હોઈશું કે કયું કામ કરતા હોઈશું, એ મહત્ત્વનું નહિ હોય. મહત્ત્વનું તો એ હશે કે આપણે યહોવાના આશીર્વાદથી નવી દુનિયામાં પહોંચી ગયા હોઈશું. એ માટે આપણે તેમનો આભાર માનીશું.—નહે. ૮:૧૦.

૯, ૧૦. (ક) નવી દુનિયામાં ધીરજ બતાવવાની શા માટે જરૂર પડી શકે? (ખ) આપણે હાલમાં ધીરજ બતાવવા શું કરી શકીએ?

નવી દુનિયામાં આપણે કેટલીક વાર ધીરજથી કામ લેવું પડશે. દાખલા તરીકે, અમુક લોકોનાં સગાં-વહાલાં અને મિત્રો સજીવન થઈને પાછાં આવશે ત્યારે તેઓની ખુશીનો કોઈ પાર નહિ હોય. પણ બની શકે કે આપણાં સ્નેહીજનો સજીવન થાય એની આપણે રાહ જોવી પડે. જો એમ થાય તો, શું આપણે ધીરજ બતાવીશું અને બીજાઓની ખુશીમાં ખુશ થઈશું? (રોમ. ૧૨:૧૫) યહોવા પોતાનાં વચનો પૂરાં કરે એ માટે, જો અત્યારે ધીરજ બતાવતા શીખીશું, તો નવી દુનિયામાં પણ ધીરજ બતાવવી સહેલી બનશે.—સભા. ૭:૮.

૧૦ બાઇબલ આધારિત આપણી સમજણમાં કેટલીક વાર ફેરફારો આવે છે. એ વિશે ધીરજ બતાવીને પણ આપણે નવી દુનિયાના જીવન માટે તૈયારી કરી શકીએ. શું આપણે નવાં સાહિત્યનો સારો અભ્યાસ કરીએ છીએ? કદાચ એમાંની અમુક બાબત આપણને ન સમજાય ત્યારે, શું આપણે ધીરજ બતાવીએ છીએ? એમ કરતા હોઈશું તો, નવી દુનિયામાં ધીરજ બતાવવી આસાન બનશે. એ સમયે, યહોવા જ્યારે મનુષ્યો માટે કોઈ નવાં સૂચનો આપશે, ત્યારે આપણે ધીરજ બતાવી શકીશું.—નીતિ. ૪:૧૮; યોહા. ૧૬:૧૨.

૧૧. શા માટે આપણે બીજાઓને માફ કરતા શીખવું જોઈએ? એમ કરવાથી શો ફાયદો થશે?

૧૧ નવી દુનિયા માટે તૈયારી કરવાની બીજી એક રીત છે કે આપણે માફી આપતા શીખીએ. ઈસુના હજાર વર્ષના રાજ દરમિયાન દરેકને સંપૂર્ણ બનતા સમય લાગી શકે. (પ્રે.કૃ. ૨૪:૧૫) એ દરમિયાન શું આપણે એકબીજા માટે પ્રેમ અને માફીનો ગુણ બતાવીશું? આપણે એકબીજાને માફ કરતા શીખીએ અને બીજાઓ સાથે સારા સંબંધો જાળવી રાખવાનું પણ શીખીએ. જો અત્યારથી જ એમ કરીશું, તો નવી દુનિયામાં પણ એવા ગુણો બતાવવા સહેલા બનશે.—કોલોસી ૩:૧૨-૧૪ વાંચો.

૧૨. આપણે શા માટે અત્યારથી જ નવી દુનિયાની તૈયારી કરવી જોઈએ?

૧૨ નવી દુનિયામાં આપણી બધી જ ઇચ્છાઓ, આપણે ચાહીએ ત્યારે પૂરી થાય, એવું જરૂરી નથી. કદાચ એ માટે આપણે રાહ જોવી પડે. નવી દુનિયામાં આપણે બધી વાતે સંતોષ અને આભાર માનવાનું વલણ રાખવાની જરૂર પડશે. યહોવા આપણને અત્યારે જે ગુણો શીખવી રહ્યા છે, એની જરૂર ત્યારે પણ પડશે. તેથી, જો આપણે આજે એ ગુણો બતાવવાનું શીખીશું, તો સાબિત કરીશું કે નવી દુનિયા આપણા માટે એક હકીકત છે. એ પણ સાબિત કરીશું કે અનંતજીવન માટે આપણે અત્યારથી તૈયારી કરી રહ્યા છીએ. (હિબ્રૂ ૨:૫; ૧૧:૧) ઉપરાંત, બતાવીશું કે આપણે એવી દુનિયામાં જીવવા ચાહીએ છીએ, જ્યાં દરેક જણ યહોવાને આધીન રહેશે.

યહોવાની સેવામાં ધ્યેયો બાંધીએ

ઉત્સાહથી ખુશખબર ફેલાવીએ

૧૩. નવી દુનિયામાં આપણા માટે સૌથી મહત્ત્વનું શું હશે?

૧૩ નવી દુનિયામાં આપણી પાસે એ બધું જ હશે, જેનાથી જીવનનો આનંદ માણી શકીશું. ખરું કે ત્યારે ભરપૂર માત્રામાં ખોરાક અને બીજી જીવન જરૂરિયાતો આપણને મળી રહેશે. પરંતુ, સૌથી વધારે ખુશીની વાત એ હશે કે આપણે યહોવા સાથે નિકટનો સંબંધ કેળવી શકીશું. (માથ. ૪:૪) આપણે યહોવાની સેવામાં વ્યસ્ત અને આનંદી રહીશું. (ગીત. ૩૭:૪) તેથી, આજે યહોવાને જીવનમાં પ્રથમ સ્થાન આપીને, આપણે નવી દુનિયા માટે પોતાને તૈયાર કરીએ છીએ.—માથ્થી ૬:૧૯-૨૧ વાંચો.

૧૪. યહોવાની સેવામાં યુવાનો કયા ધ્યેયો બાંધી શકે?

૧૪ યહોવાની સેવામાં આપણો આનંદ વધારવા શું કરી શકીએ? એક રીત છે કે તેમની ભક્તિમાં વધુ કરવા ધ્યેયો બાંધીએ. જો તમે યુવાન હો, તો યહોવાની સેવામાં તમારું જીવન વાપરવા પર ખાસ વિચાર કરો. પૂરા સમયની સેવાની જુદી જુદી રીતો જાણવા, કેમ નહિ કે તમે આપણાં સાહિત્યમાંથી સંશોધન કરો! * એમાંથી તમે કોઈ પણ ધ્યેય બાંધી શકો. જે ભાઈ-બહેનોએ ઘણાં વર્ષોથી પૂરા સમયની સેવા કરી છે, તેઓ સાથે વાત કરો. જો તમે તમારું જીવન યહોવાની સેવામાં વાપરશો, તો તમને ઘણું બધું શીખવા મળશે. એ રીતે મળેલી તાલીમ અને અનુભવો તમને નવી દુનિયામાં પણ યહોવાની સેવા કરવા મદદ કરશે.

યહોવાની સેવામાં ધ્યેયો બાંધીએ

૧૫. આપણે યહોવાની સેવામાં બીજા કયા ધ્યેયો બાંધી શકીએ?

૧૫ યહોવાની સેવામાં આપણે બીજા ઘણા ધ્યેયો બાંધી શકીએ છીએ. જેમ કે, સાક્ષીકાર્યમાં કોઈ નવી આવડત કેળવવાનો ધ્યેય રાખીએ. બાઇબલના સિદ્ધાંતોને સારી રીતે સમજીને જીવનમાં લાગુ પાડતા શીખવાનો પ્રયત્ન કરીએ. આપણે સભામાં આપણું વાંચન, પ્રવચનો કે જવાબો વધુ સારા બનાવવાનો ધ્યેય રાખીએ. સૌથી મહત્ત્વનું તો આ છે: યહોવાની સેવામાં ધ્યેયો બાંધીશું તો, આપણો ઉત્સાહ વધારવા અને નવી દુનિયાના જીવન માટે તૈયાર થવા મદદ મળશે.

આજના સમયમાં સૌથી સારું જીવન

યહોવાના દરેક આશીર્વાદ માટે આભાર માનીએ

૧૬. શા માટે કહી શકાય કે યહોવાની સેવા કરવી એ જ જીવનનો સૌથી સારો માર્ગ છે?

૧૬ નવી દુનિયાની તૈયારીમાં હમણાંથી સમય આપીને શું આપણે આજનું સંતોષ આપનારું જીવન ગુમાવી રહ્યા છીએ? ના! જરાય નહિ. યહોવાની સેવા કરવી એ તો જીવનનો સૌથી સારો માર્ગ છે. આપણે કોઈના દબાણમાં આવીને કે પછી મોટી વિપત્તિમાંથી બચી જવાના હેતુથી તેમની સેવા કરતા નથી. યહોવા સાથે સારો સંબંધ હોવાથી આપણું જીવન વધુ સારું અને સુખી બને છે. ઈશ્વરે આપણને એ જ રીતે બનાવ્યા છે. આપણે યહોવાનો પ્રેમ મેળવીએ અને તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ, એના કરતાં વધુ સારું બીજું કંઈ જ નથી! (ગીતશાસ્ત્ર ૬૩:૧-૩ વાંચો.) પૂરા દિલથી યહોવાની ઉપાસના કરવાથી આપણને ઘણી ખુશી મળે છે. વર્ષોથી યહોવાની સેવા કરનારા ભક્તો, પોતાના અનુભવ પરથી કહેશે કે યહોવાની સેવા કરવી એ જ જીવનનો સૌથી સારો માર્ગ છે.—ગીત. ૧:૧-૩; યશા. ૫૮:૧૩, ૧૪.

બાઇબલમાંથી માર્ગદર્શન મેળવીએ

૧૭. નવી દુનિયામાં શોખ અને આનંદપ્રમોદ આપણા માટે કેટલા મહત્ત્વનાં હશે?

૧૭ નવી દુનિયામાં આપણા શોખ પૂરા કરવામાં અને આનંદપ્રમોદમાં સમય આપવાની મજા આવશે. હકીકતમાં યહોવાએ જ આપણમાં આનંદપ્રમોદ કરવાની ઇચ્છા મૂકી છે. તેમણે વચન આપ્યું છે કે તે “સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત” કરશે. (ગીત. ૧૪૫:૧૬; સભા. ૨:૨૪) મનોરંજન અને આરામ આપણા માટે જરૂરી છે. પણ જ્યારે આપણે યહોવાને જીવનમાં પ્રથમ સ્થાને મૂકીએ છીએ, ત્યારે આપણને વધારે આનંદ મળે છે. નવી દુનિયામાં પણ એવું જ હશે. તેથી, સારું રહેશે કે આપણે યહોવાના ‘રાજ્યને પ્રથમ રાખીએ’ અને તેમની સેવામાં મળતા આશીર્વાદો પર ધ્યાન આપીએ.—માથ. ૬:૩૩.

૧૮. આપણે નવી દુનિયા માટે તૈયારી કરીએ છીએ, એ કઈ રીતે બતાવી શકીએ?

૧૮ નવી દુનિયાનું જીવન આપણી કલ્પનાઓ કરતાં ઘણું સારું હશે. “ખરેખરું જીવન” મેળવવા, ચાલો આપણે પૂરેપૂરી તૈયારી કરીને બતાવીએ કે આપણે ત્યાં પહોંચવા આતુર છીએ. યહોવા જેવા ગુણો કેળવીએ. પૂરા જોશથી ખુશખબર ફેલાવીએ. અનુભવ કરીએ કે યહોવાની ઉપાસનાને જીવનમાં પ્રથમ સ્થાને રાખવાથી કેટલી બધી ખુશી મળે છે! આપણને યહોવાના દરેક વચનમાં પૂરો ભરોસો છે. ચાલો, એવા ભરોસા સાથે ધીરજથી નવી દુનિયાના જીવનની રાહ જોઈએ!

^ ફકરો. 14 પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે (અંગ્રેજી), ભાગ ૨, પાન ૩૧૧-૩૧૮ જુઓ. અથવા નવેમ્બર ૧, ૨૦૧૦ના ચોકીબુરજમાં લેખ “યુવાનો, તમે જીવનમાં શું કરવા ચાહો છો?” જુઓ. તેમજ, સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૪ના ચોકીબુરજમાં પાન ૩૦ ઉપર આ બૉક્સ જુઓ: “પૂરા સમયની જુદી જુદી સેવાઓ.”