સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“અમારો વિશ્વાસ વધાર”

“અમારો વિશ્વાસ વધાર”

‘મારા વિશ્વાસમાં જ્યાં ખામી છે ત્યાં મને મદદ કરો.’—માર્ક ૯:૨૪, NW.

ગીતો: ૨૮ (221), ૨૯ (222)

૧. વિશ્વાસનો ગુણ કેટલો જરૂરી છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

શું તમે કદી પણ આ સવાલ પર વિચાર કર્યો છે: “યહોવા મોટી વિપત્તિ વખતે જેઓને બચાવવા ચાહશે, તેઓમાં શું હું પણ હોઈશ?” પ્રેરિત પાઊલે જણાવ્યું કે વ્યક્તિના બચાવ માટે તેનામાં વિશ્વાસનો ગુણ હોવો ખૂબ જરૂરી છે. તેમણે લખ્યું, ‘વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા અશક્ય છે.’ (હિબ્રૂ ૧૧:૬) આપણને લાગે કે વિશ્વાસનો ગુણ કેળવવો આસાન છે, પણ હકીકત સાવ જુદી છે. બાઇબલ જણાવે છે કે બધા જ કંઈ “વિશ્વાસ કરનાર નથી.” (૨ થેસ્સા. ૩:૨) આ બંને કલમો આપણને એ સમજવા મદદ કરે છે કે આપણા વિશ્વાસને મજબૂત કરવો કેટલો જરૂરી છે.

૨, ૩. (ક) વિશ્વાસના મહત્ત્વ વિશે પીતર પાસેથી શું શીખી શકાય? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

પ્રેરિત પીતરે “પરખાયેલા” વિશ્વાસ વિશે વાત કરી હતી. (૧ પીતર ૧:૭ વાંચો.) આપણે પણ એવો વિશ્વાસ કેળવવા ચાહીએ છીએ, કારણ કે મોટી વિપત્તિ ખૂબ જ નજીક છે. આપણે એવા લોકો જેવા બનવા માગીએ છીએ, જેઓ પોતાના “જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા” છે. (હિબ્રૂ ૧૦:૩૯) તેથી, આપણે પોતાનો વિશ્વાસ મજબૂત કરવા સખત મહેનત કરવાની જરૂર છે. આપણે ચાહીએ છીએ કે આપણા રાજા ઈસુ ખ્રિસ્ત જ્યારે આર્માગેદન વખતે આવશે, ત્યારે આપણે પણ ઇનામ મેળવનાર લોકોમાંના એક હોઈએ. તેથી, આપણે પણ કદાચ એ માણસ જેવી અરજ કરવા ચાહીશું, જેણે ઈસુને આમ કહ્યું હતું: ‘મારા વિશ્વાસમાં જ્યાં ખામી છે ત્યાં મને મદદ કરો.’ (માર્ક ૯:૨૪, NW) અથવા આપણે પ્રેરિતોની જેમ આ વિનંતી કરવા ચાહીશું: “અમારો વિશ્વાસ વધાર.”—લુક ૧૭:૫.

આ લેખમાં આપણે આ પ્રશ્નો પર ચર્ચા કરીશું: આપણે કઈ રીતે આપણો વિશ્વાસ વધારી શકીએ? આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણો વિશ્વાસ મજબૂત છે? અને શા માટે આપણે ખાતરી રાખી શકીએ કે વિશ્વાસ વધારવા માટેની આપણી પ્રાર્થના યહોવા ચોક્કસ સાંભળશે?

વિશ્વાસ વધારવાથી ઈશ્વર ખુશ થાય છે

૪. કોનાં ઉદાહરણો પર મનન કરવાથી આપણો વિશ્વાસ મજબૂત બની શકે?

વિશ્વાસનો ગુણ બહુ મહત્ત્વનો છે. એટલે જ, યહોવાએ બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોનાં ઉદાહરણો નોંધાવ્યાં છે, જેઓએ અતૂટ વિશ્વાસ બતાવ્યો હતો. એ અહેવાલો ‘આપણને શિખામણ મળે એ માટે લખવામાં આવ્યા છે.’ (રોમ. ૧૫:૪) દાખલા તરીકે, ઈબ્રાહીમ, સારાહ, ઈસ્હાક, યાકૂબ, મુસા, રાહાબ, ગિદઓન, બારાક અને બીજા વફાદાર ઈશ્વરભક્તો. આપણે એવા ઈશ્વરભક્તો વિશે વાંચીએ છીએ ત્યારે, આપણો વિશ્વાસ કેટલો મજબૂત છે એ પારખવા ઉત્તેજન મળે છે. (હિબ્રૂ ૧૧:૩૨-૩૫) ઉપરાંત, આપણી પાસે આપણા સમયનાં ભાઈ-બહેનોના અનુભવો પણ છે, જેઓએ અતૂટ વિશ્વાસનું સારું ઉદાહરણ બેસાડ્યું છે.

૫. એલીયાએ કઈ રીતે બતાવ્યું કે તેમને યહોવા પર અતૂટ ભરોસો હતો? આપણે કયા સવાલ પર વિચાર કરવો જોઈએ?

ચાલો, પ્રબોધક એલીયાનો દાખલો લઈએ. તેમના જીવનના આ પાંચ સંજોગોનો વિચાર કરો, જેમાં તેમણે યહોવા પર અતૂટ ભરોસો રાખ્યો હતો. પહેલો, એલીયાએ રાજા આહાબને પૂરા ભરોસા સાથે જણાવ્યું કે યહોવા દુકાળ લાવશે. તેમણે જાહેર કર્યું: ‘ઈસ્રાએલનો ઈશ્વર યહોવા જેમની હજૂરમાં હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેનાં વર્ષોમાં ઓસ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે.’ (૧ રાજા. ૧૭:૧) બીજો, દુકાળ દરમિયાન યહોવા એલીયાની અને બીજા લોકોની જરૂરિયાતો પૂરી કરશે, એવી ખાતરી એલીયાને હતી. (૧ રાજા. ૧૭:૪, ૫, ૧૩, ૧૪) ત્રીજો, એલીયાને પૂરો ભરોસો હતો કે વિધવા સ્ત્રીના દીકરાને યહોવા સજીવન કરી શકે છે. (૧ રાજા. ૧૭:૨૧) ચોથો, એલીયાને કોઈ શંકા ન હતી કે કાર્મેલ પર્વત પર તેમણે ચઢાવેલા અર્પણને, યહોવા આગથી ભસ્મ કરીને માન્ય કરશે. (૧ રાજા. ૧૮:૨૪, ૩૭) પાંચમો, હજી વરસાદ શરૂ થયો ન હતો તોપણ, એલીયા પૂરા ભરોસા સાથે આહાબને કહે છે: “ઉપર જઈને ખા તથા પી; કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે.” (૧ રાજા. ૧૮:૪૧) એ સંજોગોને ધ્યાનમાં રાખીને આપણે આ સવાલનો વિચાર કરવો જોઈએ: “શું મારો વિશ્વાસ પણ એલીયા જેવો મજબૂત છે?”

વિશ્વાસ વધારવા આપણે શું કરવું જોઈએ?

૬. વિશ્વાસ વધારવા યહોવા પાસે શું માગવાની જરૂર છે?

આપણે પોતાનો વિશ્વાસ જાતે વધારી શકતા નથી. પણ એ માટે યહોવા પાસે પવિત્ર શક્તિ માંગવાની જરૂર પડે છે. શા માટે? કેમ કે, વિશ્વાસ તો પવિત્ર શક્તિના ફળનું એક પાસું છે. (ગલા. ૫:૨૨) આપણે જ્યારે ઈસુની સલાહ માનીને પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગીએ છીએ, ત્યારે સમજદારી બતાવીએ છીએ. ઈસુએ વચન આપ્યું છે કે યહોવા ‘પાસે જે કોઈ માગે, તેમને તે પવિત્ર શક્તિ આપશે.’—લુક ૧૧:૧૩.

૭. મજબૂત વિશ્વાસ જાળવી રાખવા શું કરવું જોઈએ? સમજાવો.

યહોવા પર આપણો વિશ્વાસ મજબૂત થઈ જાય, એ પછી એને જાળવી રાખવો જોઈએ. આપણા વિશ્વાસને એક સળગતા તાપણા સાથે સરખાવી શકાય. તાપણું સળગાવીએ ત્યારે, શરૂ શરૂમાં એની જ્વાળા ખૂબ તેજ હોય છે. જોકે, એમાં સતત લાકડાં નાંખતા રહેવું પડે છે. એમ નહિ કરીએ તો સમય જતાં એ હોલવાઈને રાખ થઈ જશે. વિશ્વાસ જાળવી રાખવા પણ એવું જ કંઈ કરવાની જરૂર પડે છે. આપણે દરરોજ બાઇબલ વાંચતા રહીશું અને એનો અભ્યાસ કરતા રહીશું તો, બાઇબલ અને યહોવા પ્રત્યેનો આપણો પ્રેમ વધશે. પરિણામે, આપણો વિશ્વાસ વધશે અને આપણે એને જાળવી રાખી શકીશું.

૮. વિશ્વાસ વધારવા અને એને જાળવી રાખવા શામાંથી મદદ મળશે?

વિશ્વાસ મજબૂત બનાવવા અને એને જાળવી રાખવા બીજા શાની જરૂર પડે છે? આપણે યહોવાને સમર્પણ કર્યા પછી પણ શીખતા રહેવાની જરૂર છે. (હિબ્રૂ ૬:૧, ૨) દાખલા તરીકે, આપણે એવી ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવો જોઈએ, જે પૂરી થઈ ગઈ છે. એમ કરવાથી આપણો વિશ્વાસ વધશે અને એને જાળવી રાખવામાં મદદ મળશે. આપણો વિશ્વાસ ખરેખર કેટલો મજબૂત છે, એ પારખવા પણ બાઇબલનો ઉપયોગ કરી શકીએ.—યાકૂબ ૧:૨૫; ૨:૨૪, ૨૬ વાંચો.

૯, ૧૦. (ક) આપણો વિશ્વાસ મજબૂત બનાવવા કઈ રીતે સારા મિત્રો મદદ કરે છે? (ખ) મંડળની સભાઓ કઈ રીતે આપણો વિશ્વાસ દૃઢ કરે છે? (ગ) ખુશખબર જણાવવાથી કઈ રીતે આપણો વિશ્વાસ મક્કમ બને છે?

પ્રેરિત પાઊલે જણાવ્યું કે પોતાના ‘વિશ્વાસથી’ આપણે “એકબીજાને ઉત્તેજન આપી” શકીએ છીએ. (રોમ. ૧:૧૨, IBSI) એનો શો અર્થ થાય? આપણે ભાઈ-બહેનો સાથે સમય પસાર કરીએ છીએ ત્યારે, એકબીજાનો વિશ્વાસ મજબૂત બનાવીએ છીએ. ખાસ તો જેઓ “વિશ્વાસની પરીક્ષામાં” પાર ઊતર્યાં છે, એવાં ભાઈ-બહેનોની સંગત કરવાથી એકબીજાનો વિશ્વાસ મજબૂત થાય છે. (યાકૂ. ૧:૩) ખરાબ મિત્રો આપણો વિશ્વાસ તોડી પાડે છે, જ્યારે કે સારા મિત્રો આપણો વિશ્વાસ મજબૂત બનાવે છે. (૧ કોરીં. ૧૫:૩૩) એટલે જ, આપણને નિયમિત રીતે સભાઓમાં જવાનું ઉત્તેજન આપવામાં આવે છે. કારણ કે ત્યાં “અરસપરસ ઉત્તેજન” મળતું રહે છે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫ વાંચો.) ઉપરાંત, સભાઓમાં જે સલાહ-સૂચનો આપવામાં આવે છે, એનાથી પણ આપણો વિશ્વાસ દૃઢ બને છે. બાઇબલ જણાવે છે કે “સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે.” (રોમ. ૧૦:૧૭) આપણે આ સવાલ પર વિચાર કરવો જોઈએ: “સભાઓમાં નિયમિત રીતે જવાને શું મેં પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે?”

૧૦ બીજાઓને ખુશખબર જણાવીને અને બાઇબલમાંથી શીખવીને પણ આપણો વિશ્વાસ મક્કમ બનાવી શકીએ છીએ. પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ આપણે પણ યહોવામાં ભરોસો મૂકતા શીખીએ છીએ. અરે, તેઓની જેમ કોઈ પણ સંજોગોમાં હિંમતથી સંદેશો જાહેર કરવાનું શીખીએ છીએ.—પ્રે.કૃ. ૪:૧૭-૨૦; ૧૩:૪૬.

૧૧. શા માટે કાલેબ અને યહોશુઆને યહોવા પર પૂરો ભરોસો હતો? આપણે કઈ રીતે તેમને અનુસરી શકીએ?

૧૧ યહોવા જે રીતે આપણને મદદ આપે છે અને આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે, એના પર મનન કરવાથી આપણો વિશ્વાસ વધે છે. ઈશ્વરભક્ત કાલેબ અને યહોશુઆનો વિચાર કરો. તેઓ બંને વચનના દેશમાં ગયા એના પરથી યહોવા પરનો તેઓનો ભરોસો દેખાઈ આવ્યો. સમય જતાં, જીવનના અલગ અલગ સંજોગોમાં તેઓએ યહોવાની મદદનો અનુભવ કર્યો. યહોવાએ જે રીતે તેઓને મદદ આપી હતી, એના પર ધ્યાન આપવાથી તેઓનો વિશ્વાસ વધતો ગયો. એટલે, યહોશુઆ પૂરી ખાતરી સાથે ઈસ્રાએલીઓને કહી શક્યા: ‘જે સારાં વચનો તમારા ઈશ્વર યહોવાએ તમારા વિશે કહ્યાં એમાંનું એકે નિષ્ફળ ગયું નથી.’ પછીથી, તેમણે કહ્યું: ‘યહોવાનો ભય રાખો અને પ્રામાણિકતાથી તેમજ સત્યતાથી તેમની સેવા કરો. હું અને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.’ (યહો. ૨૩:૧૪; ૨૪:૧૪, ૧૫) યહોવા પર ભરોસો રાખીશું અને જે રીતે તે આપણને મદદ કરે છે, એના પર મનન કરીશું તો, આપણો વિશ્વાસ હજીયે મજબૂત થશે.—ગીત. ૩૪:૮.

આપણે કઈ રીતે વિશ્વાસ બતાવવો જોઈએ

૧૨. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણો વિશ્વાસ દૃઢ છે?

૧૨ આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણો વિશ્વાસ દૃઢ છે? શિષ્ય યાકૂબે કહ્યું, “હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને દેખાડીશ.” (યાકૂ. ૨:૧૮) આપણો દૃઢ વિશ્વાસ આપણાં કાર્યોથી જાહેર થાય છે. કઈ રીતે? ચાલો જોઈએ.

પ્રચારમાં બનતું બધું કરીને, યહોવાના સેવકો પોતાના દૃઢ વિશ્વાસની સાબિતી આપે છે (ફકરો ૧૩ જુઓ)

૧૩. ખુશખબર ફેલાવીને કઈ રીતે આપણે વિશ્વાસ બતાવીએ છીએ?

૧૩ ખુશખબર ફેલાવવી એ વિશ્વાસ બતાવવાની એક સૌથી સારી રીત છે. કારણ કે, ખુશખબર ફેલાવીને આપણે એવો વિશ્વાસ સાબિત કરીએ છીએ કે અંત નજીક છે અને એમાં ‘વિલંબ થશે નહિ.’ (હબા. ૨:૩) તમારો વિશ્વાસ મજબૂત છે કે નહિ એ પારખવા આ સવાલો પર વિચાર કરો: “ખુશખબર ફેલાવવાનું કામ મારા માટે કેટલું મહત્ત્વનું છે? બીજાઓને યહોવા વિશે જણાવવા શું હું બનતું બધું જ કરું છું? યહોવાની સેવામાં વધુ કરવાની જુદી જુદી તક શું હું શોધું છું?” (૨ કોરીં. ૧૩:૫) આપણો વિશ્વાસ મજબૂત છે એમ દર્શાવવા ચાલો આપણે “તારણને અર્થે મોંથી કબૂલાત” કરીએ, એટલે કે ખુશખબર ફેલાવીએ.—રોમનો ૧૦:૧૦ વાંચો.

૧૪, ૧૫. (ક) રોજબરોજના જીવનમાં આપણે કઈ રીતે વિશ્વાસ બતાવી શકીએ? (ખ) પોતાનાં કાર્યોથી વિશ્વાસ બતાવ્યો હોય એવો અનુભવ જણાવો.

૧૪ આપણે જીવનમાં ડગલે ને પગલે પડકારોનો સામનો કરતા હોઈએ છીએ. જેમ કે ગરીબી, બીમારી, નિરાશા અને બીજી મુશ્કેલીઓ. આપણને પૂરો ભરોસો હોવો જોઈએ કે યહોવા અને ઈસુ આપણને ‘ખરા સમયે સહાય’ કરશે. આમ, પડકારોનો સામનો કરવામાં આપણે યહોવામાં વિશ્વાસ બતાવીએ છીએ. (હિબ્રૂ ૪:૧૬) યહોવા પાસે મદદ માંગીને આપણે તેમના પર વિશ્વાસ બતાવીએ છીએ. ઈસુના શબ્દો યાદ કરો. તેમણે જણાવ્યું હતું કે યહોવાને આપણે આ અરજ કરી શકીએ: ‘દિવસની અમારી રોટલી દરરોજ અમને આપો.’ (લુક ૧૧:૩) બાઇબલ અહેવાલો પરથી આપણને ખાતરી મળે છે કે યહોવા આપણી દરેક જરૂરિયાત ચોક્કસ પૂરી કરશે. ફરી એક વાર એલીયાનો વિચાર કરો. ઈસ્રાએલમાં આકરો દુકાળ પડ્યો ત્યારે, યહોવાએ તેમને ખોરાક અને પાણી પૂરાં પાડ્યાં. બાઇબલ જણાવે છે કે એલીયા માટે ‘કાગડા સવાર-સાંજ રોટલી અને માંસ લાવતાં. અને એલીયા ઝરણામાંથી પાણી પીતા.’ (૧ રાજા. ૧૭:૩-૬) તેથી, આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા આપણી પણ દરેક જરૂરિયાત પૂરી કરશે.

રોજબરોજના પડકારોનો સામનો કરીને આપણે વિશ્વાસ બતાવી છીએ (ફકરો ૧૪ જુઓ)

૧૫ આપણને પૂરી ખાતરી છે કે કુટુંબની કાળજી લેવામાં બાઇબલના સિદ્ધાંતો મદદ કરે છે. એશિયામાં રહેતાં બહેન રિબકાનો દાખલો લઈએ. તે જણાવે છે કે તેમણે અને તેમના કુટુંબે કઈ રીતે માથ્થી ૬:૩૩ અને નીતિવચનો ૧૦:૪ના સિદ્ધાંતો લાગુ પાડ્યા. તેમના પતિને લાગતું કે યહોવા સાથે તેઓનો સંબંધ નોકરીને લીધે ખતરામાં મુકાઈ રહ્યો છે. તેથી, તેમણે એ નોકરી છોડી દીધી. જોકે, તેઓ સામે પોતાનાં ચાર બાળકોનાં ભરણપોષણનો પ્રશ્ન હતો. એ માટે તેઓએ ખાવાની વસ્તુઓ બનાવીને વેચવાનું શરૂ કર્યું. પોતાની જરૂરિયાતો પૂરી થાય એટલા પૈસા તેઓ એમાંથી કમાઈ લેતાં. બહેન કહે છે: ‘અમે અનુભવ્યું કે યહોવા હંમેશાં અમારી સાથે હતાં. અમે એક દિવસ પણ ભૂખ્યા પેટે ઊંઘ્યાં નથી.’ શું તમને પણ ક્યારેય એવો અનુભવ થયો છે, જેનાથી તમારો વિશ્વાસ દૃઢ બન્યો હોય?

૧૬. યહોવા પર વિશ્વાસ રાખીશું તો શું બનશે?

૧૬ યહોવાના માર્ગદર્શનને અનુસરવામાં આપણું જ ભલું છે, એમાં આપણને જરાય શંકા ન હોવી જોઈએ. પાઊલે પ્રબોધક હબાક્કૂકના શબ્દોનો ઉલ્લેખ કરતા કહ્યું: ‘ન્યાયી વ્યક્તિ વિશ્વાસથી જીવશે.’ (ગલા. ૩:૧૧; હબા. ૨:૪) એટલે જ, આપણે યહોવા પર દૃઢ વિશ્વાસ રાખવો જોઈએ, કેમ કે તે જ આપણા ખરા મદદગાર છે. પાઊલ આપણને યાદ અપાવે છે કે યહોવા “આપણામાં કાર્ય કરનાર” છે, જે પોતાના ‘સામર્થ્યથી આપણી માંગણી કે કલ્પના કરતાં પણ વધારે આપે છે.’ (એફે. ૩:૨૦) યહોવાના સેવકો તરીકે આપણે તેમની ઇચ્છા પ્રમાણે કરવા બનતું બધું જ કરીએ છીએ. જોકે, આપણે જાણીએ છીએ કે આપણા દરેકની કેટલીક મર્યાદાઓ છે. પણ, યહોવા આપણી સાથે છે અને આપણા બધા જ પ્રયત્નોને આશીર્વાદ આપે છે. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ!

તમારી પ્રાર્થનાનો જવાબ મળશે

૧૭. (ક) ઈસુએ પ્રેરિતોની અરજનો કઈ રીતે જવાબ આપ્યો? (ખ) આપણે શા માટે આશા રાખી શકીએ કે વિશ્વાસ વધારવાની આપણી અરજને યહોવા સાંભળશે?

૧૭ અત્યાર સુધીની ચર્ચા પરથી આપણને પણ ઈસુના શિષ્યો જેવું લાગી શકે. તેઓએ ઈસુને અરજ કરી હતી કે “અમારો વિશ્વાસ વધાર.” (લુક ૧૭:૫) ઈસુએ તેઓની અરજનો જવાબ સાલ ૩૩, પેન્તેકોસ્તના દિવસે એક ખાસ રીતે આપ્યો. એ દિવસે શિષ્યો પર પવિત્ર શક્તિ રેડવામાં આવી અને તેઓ યહોવાના હેતુની ઊંડી સમજણ મેળવી શક્યા. એના લીધે, તેઓનો વિશ્વાસ દૃઢ બન્યો. એનું કેવું પરિણામ આવ્યું? તેઓએ ખુશખબર ફેલાવવા એ સમયની સૌથી મોટી ઝુંબેશ શરૂ કરી. (કોલો. ૧:૨૩) શું આપણે પણ આશા રાખી શકીએ કે વિશ્વાસ વધારવાની આપણી અરજને ઈશ્વર સાંભળશે? હા, કેમ નહિ! યહોવાએ વચન આપ્યું છે કે જો ‘આપણે તેમની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ,’ તો તે આપણું સાંભળશે.—૧ યોહા. ૫:૧૪.

૧૮. જેઓ વિશ્વાસ કેળવે છે, તેઓને યહોવા કેવો આશીર્વાદ આપે છે?

૧૮ આપણે યહોવા પર પૂરો ભરોસો રાખીએ છીએ ત્યારે, તે આપણાથી ખુશ થાય છે. વિશ્વાસ વધારવાની આપણી અરજને તે જરૂર સાંભળશે અને આપણો વિશ્વાસ વધુ મજબૂત કરશે. આમ, આપણે ‘ઈશ્વરના રાજ્ય માટે યોગ્ય ગણાઈશું.’—૨ થેસ્સા. ૧:૩, ૫.