સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે’

‘ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે’

‘જે માણસ ક્યારેય છાપું વાંચતો નથી તે મૂર્ખ છે; જોકે, જેને એમ લાગે છે કે છાપાંમાં આવ્યું છે એટલે માની લેવું જોઈએ, એ માણસ તો એનાથી પણ વધારે મૂર્ખ છે.’—ઑગસ્ત વોન શુલર, જર્મન ઇતિહાસકાર અને લેખક (૧૭૩૫-૧૮૦૯).

આજથી લગભગ ૨૦૦ વર્ષ પહેલાં, છાપામાંની દરેકે દરેક વાત પર ભરોસો કરી શકાતો નહિ. આજે પણ એવું જ છે. આપણે પણ ઇન્ટરનેટની બધી જ માહિતીને સાચી માની શકીએ નહિ. ઇન્ટરનેટ પર માહિતીનો ધોધ વહે છે. અરે, આજનાં આધુનિક સાધનો ઇન્ટરનેટની માહિતીને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવી આપે છે. એમાંની ઘણીખરી માહિતી સાચી, ઉપયોગી અને જોખમ વગરની હોય છે. જ્યારે કે ઘણી માહિતી ખોટી, નકામી અને હાનિકારક હોય છે. તેથી, આપણે શું વાંચીએ છીએ એના વિશે સાવધ રહેવું જોઈએ. જેઓ ઇન્ટરનેટ વાપરવામાં હજી નવા છે, કદાચ તેઓ કોઈ સમાચાર પર એટલે ભરોસો કરી લે છે, કેમ કે એ ઇન્ટરનેટ પર છે અથવા કોઈ દોસ્તે તેમને ઈ-મેઈલ કર્યો છે. એવા લોકો કોઈ પણ અજુગતી માહિતીને ખરી માની લે છે. પરંતુ, બાઇબલ આપણને ચેતવણી આપે છે: ‘ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.’—નીતિ. ૧૪:૧૫.

ભોળા માણસ કરતાં એક ડાહ્યો કે સમજદાર માણસ સાવ જુદો હોય છે. તે દરેક વાત પર ભરોસો કરવાની મૂર્ખતા કરતો નથી. જો આપણે પણ સમજદાર હોઈશું, તો દરેક વાતને સાચી માની લેવાથી સાવધ રહીશું. બીજું કે, કોઈ વાત સાચી હોવાની આપણને પૂરી ખાતરી હોય તો જ એના પર ભરોસો કરીશું. કોઈ પણ બનાવટી વાત ખરી માનીને આપણે એનાથી છેતરાઈ જઈશું નહિ. પછી, ભલેને એ માહિતી ઇન્ટરનેટ પર ગમે તેટલી પ્રચલિત કેમ ન બની ગઈ હોય! પણ આપણે છેતરાઈએ નહિ એ માટે શું મદદ કરી શકે? આવા પ્રશ્નો પર વિચાર કરવાથી મદદ મળી શકે: “શું એ માહિતી ભરોસાપાત્ર વેબસાઇટ પરથી છે? કે પછી એવી વેબસાઇટ પરથી છે, જ્યાં કોઈ પણ પોતાના વિચારો લખી શકે? અથવા શું એ માહિતી ક્યાંથી આવી છે એનો કોઈ ઉલ્લેખ છે? શું કોઈ ભરોસાપાત્ર વેબસાઇટે એ માહિતીને ખોટી પુરવાર કરી દીધી છે?” * એ સવાલો પર વિચાર કર્યા પછી, ‘ખરુંખોટું પારખીને’ નિર્ણય લો. (હિબ્રૂ ૫:૧૪) જો કોઈ માહિતી પર શંકા જાય, તો બની શકે કે ખરેખર એ ભરોસો કરવાને લાયક નથી. ઉપરાંત, જો કોઈ વ્યક્તિનું નામ બદનામ કરનારા સમાચાર તમે વાંચો, તો વિચારો કે એને ફેલાવવાથી કોને ફાયદો થઈ શકે અને એને ફેલાવવા પાછળ શું ઇરાદો હોય શકે.

શું તમને બધે ઈ-મેઈલ મોકલવાની ટેવ પડી ગઈ છે?

અમુક લોકો કદાચ માહિતીની સચ્ચાઈ તપાસ્યા વગર બધાને ઈ-મેઈલ કરી દે છે. અથવા અમુક લોકો એવી માહિતી મોકલતા પહેલાં પરિણામનો વિચાર પણ કરતા નથી. કદાચ તેઓનો ઇરાદો બીજાઓનું સતત ધ્યાન ખેંચવાનો અથવા પોતે સૌથી પહેલા માહિતી આપી છે એમ બતાવવાનો હોય શકે. (૨ શમૂ. ૧૩:૨૮-૩૩) પરંતુ, એક સમજદાર માણસ પહેલાં વિચારશે કે એવી રીતે બધાને ઈ-મેઈલ ફેલાવવાનું શું પરિણામ આવી શકે. જેમ કે, એનાથી કોઈ વ્યક્તિ કે કોઈ સંગઠનની આબરૂને નુકસાન તો નહિ પહોંચે ને?

ઈ-મેઈલ મોકલનાર વ્યક્તિ કદાચ માહિતીની ખાતરી એટલા માટે નથી કરતી, કારણ કે એ માટે સમય અને પ્રયત્નો લાગે છે. તે કદાચ એવું ધારે છે કે જેઓ ઈ-મેઈલ મેળવશે તેઓ એની ખાતરી કરી લેશે. પરંતુ, ઈ-મેઈલ મેળવનારા માટે પણ સમય તો કીમતી છે. (એફે. ૫:૧૫, ૧૬) તેથી, જે માહિતી વિશે આપણે ચોક્કસ નથી એને બધે ફેલાવવી ન જોઈએ. એના બદલે, આમ વિચારવામાં સમજદારી કહેવાશે: “જો મને આ માહિતી પર શંકા થાય, તો સારું થશે કે હું એને ડિલીટ કરી નાખું!”

જરા આ સવાલનો વિચાર કરો: “શું મને ઈ-મેઈલ બધે મોકલવાની ટેવ પડી ગઈ છે? શું ક્યારેય એવું બન્યું છે કે ખોટી માહિતી મોકલવા બદલ, મારે માફી માંગવાનો વારો આવ્યો હોય? કે પછી, શું કોઈએ મને એવા ઈ-મેઈલ તેમને મોકલવાની મના કરી દીધી છે?” યાદ રાખો કે જો તમારા મિત્રો પાસે ઈ-મેઈલ એડ્રેસ હોય, તો તેઓ ચોક્કસ ઇન્ટરનેટ વાપરતાં હશે. એટલે, તેઓને ગમતી માહિતી મેળવવા માટે તેઓને તમારા પર આધાર રાખવાની જરૂર નથી. તેઓ નહિ ચાહે કે તમે તેઓ પર જાતજાતના વિડીયો, ફોટો, કે પછી કહાનીઓના ઈ-મેઈલનો મારો ચલાવો. ઉપરાંત, બાઇબલ પ્રવચનોનાં રેકોર્ડિંગ અથવા વિગતવાર લીધેલી નોંધ બધે મોકલવામાં પણ સમજદારી નથી. * બીજું કે, વ્યક્તિ જાતે બાઇબલનો ઊંડો અભ્યાસ કરે, એની કલમો તપાસે અથવા સભાઓ માટે જાતે જવાબો તૈયાર કરે, તો તેને વધુ ફાયદો થશે. તમે એવી માહિતી તૈયાર કરીને તેને મોકલશો તો, તેને એટલો ફાયદો નહિ થાય.

શું મારે. . . આ રોચક ઈ-મેઈલ બીજાઓને મોકલવો જોઈએ?

જો ઇન્ટરનેટ પર તમારી સામે એવી કોઈ માહિતી આવે, જે યહોવાના સંગઠન વિશે ઘોર નિંદા ફેલાવતી હોય, તો શું કરશો? તરત એ વેબસાઇટ બંધ કરી દો! એમાં જરાય વિશ્વાસ કરશો નહિ. તમારા વાંચવામાં જે આવ્યું હોય, એની ચર્ચા બીજાઓ સાથે કરવામાં પણ સમજદારી નથી. ઉપરાંત, એ વિશે બીજાઓનો મત જાણવા માટે પણ એની ચર્ચા કરવી સારી નહિ કહેવાય. કેમ કે, એનાથી તો નુકસાનકારક વાતો વધુ ફેલાશે. પરંતુ, એવી માહિતીથી જો તમે મૂંઝવણમાં મુકાઈ ગયા હો, તો શું કરશો? એ સારું ગણાશે કે તમે પ્રાર્થનામાં યહોવા પાસે ડહાપણ માંગો અને મંડળનાં પરિપક્વ ભાઈઓ સાથે વાત કરો. (યાકૂ. ૧:૫, ૬; યહુ. ૨૨, ૨૩) લોકો આપણા વિશે જૂઠાણું ફેલાવે એમાં કોઈ નવાઈની વાત નથી. કારણ કે, લોકોએ ઈસુ વિશે પણ ઘણાં જૂઠાણાં ફેલાવ્યાં હતાં. અરે, ઈસુએ ખુદ ભાખ્યું હતું કે તેમના શિષ્યોની સતાવણી થશે અને વિરોધીઓ તેઓ માટે “તરેહ તરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે.” (માથ. ૫:૧૧; ૧૧:૧૯; યોહા. ૧૦:૧૯-૨૧) તેથી, જો તમે સમજશક્તિ વાપરશો, તો પારખી શકશો કે કોણ જૂઠું કહી રહ્યું છે અથવા કોણ છેતરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.—નીતિ. ૨:૧૦-૧૬.

બીજાઓનું માન જાળવો

આપણાં ભાઈ-બહેનો વિશેના સમાચાર કે અનુભવો જણાવવામાં પણ સાવધ રહેવું જોઈએ. અમુક વાર, ભલે એ માહિતી સાચી હોય તોપણ, એને ફેલાવવી સારું કે પ્રેમાળ નહિ કહેવાય. (માથ. ૭:૧૨) દાખલા તરીકે, ભાઈ-બહેનોની માનહાનિ કરતી વાતો ફેલાવવી પ્રેમાળ કે ઉત્તેજનકારક નહિ કહેવાય. (૨ થેસ્સા. ૩:૧૧; ૧ તીમો. ૫:૧૩) બીજું કે, અમુક માહિતી કદાચ ખાનગી હોય શકે. એવી માહિતીને તેઓ કદાચ તેઓના સમયે અથવા તેઓની રીતે કહેવા માંગતા હોય. એટલા માટે આપણે તેઓના એ નિર્ણયને માન આપવું જોઈએ. અરે, એવી માહિતી આપણે બીજાઓ આગળ સમય પહેલાં ખુલી પાડીશું તો, એનાથી ઘણું નુકસાન થઈ શકે.

આજે કોઈ પણ સમાચારને ફેલાતા વાર નથી લાગતી. પછી, ભલે એ વાત સાચી હોય કે ખોટી, ઉપયોગી હોય કે નકામી, જોખમી હોય કે ન હોય. ભલે તમે એવા સમાચાર કોઈ એક જ વ્યક્તિને મોકલ્યા હોય, તોપણ એ વ્યક્તિ એ માહિતીને ઘડીભરમાં આખી દુનિયામાં ફેલાવી શકે છે. એટલા માટે, કોઈ પણ માહિતીને તરત અને બધે ફેલાવાની લાલચને કાબૂમાં રાખો. ખરું કે પ્રેમ “સઘળું ખરું માને છે” અને કોઈ શંકા કરતો નથી. પણ એનો અર્થ એવો નથી કે આપણે ભોળા બનીને દરેક નવી અને રોચક માહિતીને ખરી માની લઈએ. (૧ કોરીં. ૧૩:૭) આપણે યહોવાના સંગઠન અને ભાઈ-બહેનોને ઘણો પ્રેમ કરીએ છીએ. તેથી, તેઓ વિરુદ્ધના કોઈ પણ જૂઠાણા કે ધિક્કારજનક વાતો પર ક્યારેય ભરોસો કરીશું નહિ. હંમેશાં યાદ રાખો કે જેઓ એવી વાતો ઉપજાવી કાઢે છે અને ફેલાવે છે, તેઓ શેતાનને ખુશ કરે છે, જે “જૂઠાનો બાપ છે.” (યોહા. ૮:૪૪) ચાલો, આપણે સમજદાર બનીએ અને રોજબરોજના જીવનમાં મળી રહેતી અઢળક માહિતીનો ઉપયોગ સમજી-વિચારીને કરીએ. બાઇબલ જણાવે છે કે “ભોળા માણસો મૂર્ખાઈનો વારસો પામે છે; પણ ડાહ્યા માણસોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.”—નીતિ. ૧૪:૧૮.

^ ફકરો. 4 એમ પણ બને કે અગાઉ જે માહિતી જૂઠી સાબિત થઈ ગઈ છે, એમાં અમુક ફેરફાર કરીને એને ખરી માહિતી તરીકે અવારનવાર રજૂ કરવામાં આવે.

^ ફકરો. 8 એપ્રિલ, ૨૦૧૦ની આપણી રાજ્ય સેવામાં “સવાલ-જવાબ” જુઓ.