સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાની સેવામાંથી ધ્યાન ફંટાવા ન દો

યહોવાની સેવામાંથી ધ્યાન ફંટાવા ન દો

‘મરિયમ ઈસુની વાતો સાંભળી રહી હતી. જ્યારે કે મારથાનું ધ્યાન ઘણાં કામોને લીધે ફંટાઈ ગયું હતું.’—લુક ૧૦:૩૯, ૪૦, NW.

ગીતો: ૨૬ (204), ૨૩ (187)

૧, ૨. ઈસુને મારથા પર શા માટે પ્રેમ હતો? મારથાની કઈ ભૂલ પરથી દેખાઈ આવે છે કે તે પણ અપૂર્ણ હતી?

લાજરસની બહેન મારથાનો વિચાર કરો ત્યારે, તમારા મનમાં તેનું કેવું ચિત્ર ઊભું થાય છે? બાઇબલ પ્રમાણે મારથા પણ ઈસુના મિત્રોમાંની એક હતી. ઈસુને મારથા માટે ઘણો પ્રેમ અને આદર હતો. બીજી સ્ત્રીઓ પ્રત્યે પણ ઈસુને એવો જ પ્રેમ અને આદર હતો. દાખલા તરીકે, મારથાની બહેન મરિયમ પણ ઈસુની ગાઢ મિત્ર હતી. તેમજ, ઈસુ પોતાની માતા મરિયમને ખૂબ ચાહતા. (યોહા. ૧૧:૫; ૧૯:૨૫-૨૭) ચાલો, જોઈએ કે ઈસુ શા માટે મારથા પ્રત્યે પ્રેમ રાખતા હતા?

મારથા ઘણી દયાળુ અને ઉદાર દિલની હતી. ઉપરાંત, તે એક મહેનતું સ્ત્રી હતી. એટલે, ઈસુએ મારથા પ્રત્યે પ્રેમ બતાવ્યો. પરંતુ, મારથા પર પ્રેમ બતાવવાનું સૌથી મહત્ત્વનું કારણ હતું કે તેની શ્રદ્ધા ખૂબ મજબૂત હતી. તેને ઈસુના શિક્ષણ પર પૂરો વિશ્વાસ હતો. તેમજ, તેને પૂરી ખાતરી હતી કે ઈસુ જ વચન પ્રમાણેના મસીહ છે. (યોહા. ૧૧:૨૧-૨૭) જોકે, મારથા પણ આપણી જેમ અપૂર્ણ હતી અને તેનાથી પણ ભૂલો થતી. દાખલા તરીકે, એક વાર ઈસુ તેના ઘરે આવ્યા હતા ત્યારે, મારથા પોતાની બહેનથી નારાજ થઈ જાય છે. તે ઈસુને ફરિયાદ કરે છે: ‘પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? તેથી તેને કહો કે તે મને મદદ કરે.’ (લુક ૧૦:૩૮-૪૨ વાંચો.) મારથાએ એવી ફરિયાદ શા માટે કરી? ઈસુએ તેને જે જવાબ આપ્યો એમાંથી આપણે શું શીખી શકીએ?

મારથાનું ધ્યાન ફંટાઈ ગયું

૩, ૪. મરિયમની કઈ વાતને ઈસુએ વખાણી? એ પ્રસંગે માર્થાને શું શીખવા મળ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

મારથા અને મરિયમની મહેમાનગતિ માટે ઈસુ ઘણા આભારી હતા. જોકે, એ તકનો ઉપયોગ કરીને ઈસુ તેઓને યહોવા વિશેનું કીમતી સત્ય શીખવવા ચાહતા હતા. મરિયમ તો તરત જ ઈસુના ચરણ આગળ બેસીને ‘તેમની વાતો સાંભળવા લાગી.’ મહાન ગુરુ ઈસુ પાસેથી શીખવાની તકનો તે પૂરેપૂરો લાભ ઉઠાવવા માંગતી હતી. મારથા પણ એવી પસંદગી કરી શકી હોત. જો તેણે પણ બીજું બધું પડતું મૂકીને ઈસુની વાત તરફ ધ્યાન આપ્યું હોત, તો ઈસુએ તેના પણ વખાણ કર્યા હોત.

પરંતુ, ઘણાં કામને લીધે મારથા ગભરાઈ ગઈ અને તેનું ધ્યાન ફંટાઈ ગયું. ઈસુ માટે એક ખાસ ભોજન બનાવવામાં અને બીજી વ્યવસ્થાઓ કરવામાં તે વ્યસ્ત થઈ ગઈ. મારથાએ જોયું કે એ કામોમાં મરિયમ તેને કોઈ મદદ કરી રહી ન હતી. તેથી, તે ચિડાઈ ગઈ અને ઈસુને ફરિયાદ કરવા લાગી. ઈસુ જાણતા હતા કે મારથા જરૂર કરતાં વધારે કરવા માંગતી હતી. એટલે, ઈસુએ તેને પ્રેમથી કહ્યું, “મારથા, મારથા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે.” પછી, ઈસુએ મારથાને સલાહ આપી કે ખરેખર તો “એક વાતની જરૂર છે.” એ શબ્દોથી ઈસુ કહેવા માંગતા હતા કે જમવામાં એક સાદી વાનગી હશે તોપણ ચાલશે. જ્યારે કે, મરિયમનું પૂરું ધ્યાન ઈસુ જે શીખવી રહ્યા હતા એના પર હતું. એ માટે ઈસુએ તેના વખાણ કર્યા. ઈસુએ કહ્યું, “મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, કે જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.” જરા વિચારો, એ રાતે મરિયમે શું ખાધું હતું, એ સમય જતાં તે ભૂલી ગઈ હશે. પરંતુ, ઈસુ પાસેથી તે જે વાતો શીખી હતી અને તેને જે શાબાશી મળી એ તે ક્યારેય ભૂલી નહિ હોય. એ બનાવનાં લગભગ ૬૦ વર્ષ પછી, મારથાનો ઉલ્લેખ કરતા પ્રેરિત યોહાને આમ લખ્યું: ‘મારથા, તેની બહેન તથા લાજરસ ઉપર ઈસુ પ્રેમ રાખતા હતા.’ (યોહા. ૧૧:૫) એ શબ્દો બતાવે છે કે મારથાએ ઈસુની સલાહ ધ્યાનમાં લીધી અને જીવનપર્યંત વફાદારીથી યહોવાની સેવા કરી.

૫. મહત્ત્વની બાબતો પર ધ્યાન આપવું આજે કેમ મુશ્કેલ બની ગયું છે? આપણે કયા સવાલ પર ચર્ચા કરીશું?

બાઇબલના સમયની સરખામણીમાં, આજે યહોવાની ભક્તિમાંથી ધ્યાન ફંટાવનારી બાબતો ઘણી છે. સપ્ટેમ્બર ૧૫, ૧૯૫૮ના ધ વૉચટાવરમાં જે જણાવ્યું હતું એનો વિચાર કરો. એમાં ભાઈ-બહેનોને સાવધ કરવામાં આવ્યાં હતાં કે તેઓ એ સમયના આધુનિક સાધનોના ગુલામ ન બની જાય. કેમ કે, એનાથી તેઓનું ધ્યાન યહોવાની ભક્તિમાંથી ફંટાઈ જવાનું જોખમ હતું. એ સમયે પણ ટૅક્નોલૉજીના ક્ષેત્રમાં દરરોજ કંઈક નવું આવતું રહેતું. દાખલા તરીકે, આકર્ષક મૅગેઝિનો, રેડિયો, ફિલ્મો અને ટી.વી. કાર્યક્રમો ઘણાં લોકપ્રિય બન્યાં હતાં. આપણા એ ચોકીબુરજમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે અંતનો સમય નજીક આવશે તેમ, ‘ધ્યાન ફંટાવનારી બાબતો વધી જશે.’ આજે એ કેટલું સાચું છે! પહેલાંની સરખામણીમાં આજે ધ્યાન ફંટાવનારી બાબતો ઘણાં મોટાં પ્રમાણમાં જોવા મળે છે. તેથી, સવાલ થાય કે મરિયમની જેમ યહોવાની ભક્તિ પર ધ્યાન લગાવી રાખવા આપણે શું કરવું જોઈએ?

આ જગતમાં તલ્લીન ન થઈ જાઓ

૬. યહોવાના લોકોએ ટૅક્નોલૉજીનો કેવો ઉપયોગ કર્યો છે?

યહોવાના લોકોએ હંમેશાંથી ટૅક્નોલૉજીનો સારો ઉપયોગ કરીને ખુશખબર ફેલાવી છે. દાખલા તરીકે, પ્રથમ વિશ્વયુદ્ધ અગાઉ અને દરમિયાન તેઓએ પ્રચાર કરવા, એક ફિલ્મનો ઉપયોગ કર્યો હતો. એનું નામ હતું, “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન,” જે અવાજવાળી એક રંગીન ફિલ્મ હતી. એમાં સ્લાઈડનો ઉપયોગ કરવામાં આવતો. એની મદદથી આપણે ઘણા દેશમાં લાખો લોકો સુધી ખુશખબર ફેલાવી શક્યા છીએ. એ ફિલ્મનો અંતિમ ભાગ બતાવતો કે ઈસુ પૃથ્વી પર રાજ કરશે ત્યારે શાંતિનો યુગ હશે. સમય જતાં, યહોવાના લોકોએ રેડિયોનો ઉપયોગ કરીને, દુનિયા ફરતે લાખો લોકોને રાજ્યની ખુશખબર જણાવી. આજે, કૉમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આપણે દુનિયાના ખૂણે ખૂણે લોકોને ખુશખબર જણાવી રહ્યા છીએ. અરે, છૂટાછવાયા ટાપુઓ પર પણ આપણે ખુશખબર ફેલાવી રહ્યા છીએ!

યહોવાની સેવામાંથી ધ્યાન ફંટાય નહિ એ માટે દરેક બિનજરૂરી બાબત ટાળીએ (ફકરો ૭ જુઓ)

૭. (ક) દુનિયાની સુવિધાઓમાં તલ્લીન થઈ જવામાં કયું જોખમ રહેલું છે? (ખ) આપણે શાનું ધ્યાન રાખવાની જરૂર છે?

બાઇબલ ચેતવણી આપે છે કે આપણે આ જગતમાં તલ્લીન ન થઈ જઈએ. એટલે કે જગતની સુખ-સુવિધાઓનો આનંદ માણવામાં જરૂર કરતાં વધારે સમય ન આપીએ. (૧ કોરીંથી ૭:૨૯-૩૧ વાંચો.) ખરું કે આ જગતની બધી બાબતો ખોટી નથી. પણ, જો સાવચેત ન રહીએ તો આપણો કીમતી સમય બરબાદ થઈ શકે. કદાચ આપણને આવાં શોખ હોય શકે: જેમ કે, પુસ્તકો વાંચવાંનો, ટી.વી. જોવાનો, નવી નવી જગ્યાએ ફરવાનો, ખરીદી કરવાનો, નવાં ઇલેક્ટ્રોનિક સાધનો વિશે જાણવાનો, વગેરે. જ્યારે કે, ઘણાને ઇન્ટરનેટ પર વાત કરવી, ઈ-મેઇલ કરવા, મોબાઇલ પર મૅસેજ મોકલવા, રમતગમતના તેમજ બીજા સમાચારો જોવાનું ગમતું હોય છે. પરંતુ, જો આ બધામાં ડૂબી જઈશું તો એના ગુલામ બની જઈશું. * (સભા. ૩:૧, ૬) ધ્યાન ન રાખીએ તો આપણો ઘણો સમય, નકામી બાબતોમાં વેડફાઈ જઈ શકે. પરિણામે, આપણું ધ્યાન યહોવાની સેવા પરથી ફંટાઈ જઈ શકે, જે જીવનમાં સૌથી મહત્ત્વની છે.—એફેસી ૫:૧૫-૧૭ વાંચો.

૮. આપણે ‘જગત પર પ્રેમ ન રાખીએ’ એ શા માટે જરૂરી છે?

યહોવાની સેવામાંથી આપણું ધ્યાન ફંટાવી દેવા શેતાન સતત પ્રયત્નો કરે છે. એ માટે, તે આ જગતની બાબતો વાપરે છે. શેતાને પ્રથમ સદીમાં એવું જ કર્યું હતું અને આજે તો એમ કરવામાં તેણે પૂરેપૂરું જોર લગાવી દીધું છે. (૨ તીમો. ૪:૧૦) એટલે જ, દુનિયાની સુખ-સુવિધાઓ પ્રત્યે આપણું વલણ કેવું છે એની પરખ કરતા રહેવું જોઈએ. એ પછી, આપણાં વલણમાં જ્યાં જરૂર લાગે ત્યાં સુધારો કરીએ. બાઇબલ આપણને જણાવે છે કે “જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો.” એના બદલે, આપણે “પિતા પરનો પ્રેમ” મજબૂત બનાવવા મહેનત કરીએ. એમ કરવાથી યહોવાની આજ્ઞા પાળવી આપણા માટે સહેલી બનશે અને આપણે તેમની વધુ નિકટ જઈશું.—૧ યોહા. ૨:૧૫-૧૭.

સૌથી મહત્ત્વની બાબત પર ધ્યાન આપો

૯. ઈસુએ શિષ્યોને શાના પર ધ્યાન ટકાવી રાખવા શીખવ્યું? તે પોતે કેવું ઉદાહરણ બન્યા?

ઈસુએ મારથાને જે સલાહ આપી હતી, એ જ સલાહ તેમણે પ્રેમથી પોતાના શિષ્યોને પણ આપી. તેમણે પોતાના શિષ્યોને યહોવાની સેવા અને તેમના રાજ્ય તરફ ધ્યાન ટકાવી રાખવા ઉત્તેજન આપ્યું. (માથ્થી ૬:૨૨, ૩૩ વાંચો.) એ માટે ઈસુ પોતે એક જોરદાર ઉદાહરણ બન્યા! તે કંઈ સાધનસામગ્રી, ઘર કે માલમિલકત મેળવવા પાછળ પડ્યા નહિ.—લુક ૯:૫૮; ૧૯:૩૩-૩૫.

૧૦. ઈસુએ આપણા માટે કેવું ઉદાહરણ બેસાડ્યું છે?

૧૦ ઈસુના સેવાકાર્ય દરમિયાન એવું ઘણું આવ્યું, જેના લીધે તેમનું ધ્યાન ભટકી શકતું હતું. ઈસુ કાપરનાહુમમાં ખુશખબર ફેલાવવા ગયા ત્યારનો વિચાર કરો. ત્યાંના લોકો ચાહતા હતા કે ઈસુ વધુ સમય એ શહેરમાં વિતાવે. પણ ઈસુએ ત્યારે શું કર્યું? તેમણે ત્યાંના લોકોને કહ્યું, “મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.” આમ, તેમણે પોતાનું ધ્યાન પોતાની સોંપણી પર ટકાવી રાખ્યું. (લુક ૪:૪૨-૪૪) ખુશખબર ફેલાવવા અને લોકોને શીખવવા ઈસુ દૂર દૂર સુધી ચાલીને જતા. વધુને વધુ લોકો સુધી ખુશખબર ફેલાવવા તે સખત મહેનત કરતા. એટલે જ, સંપૂર્ણ હોવા છતાં તેમને થાક લાગતો અને આરામની જરૂર પડતી.—લુક ૮:૨૩; યોહા. ૪:૬.

૧૧. ફરિયાદ લઈને આવેલા એક માણસને ઈસુએ શું કહ્યું? અને ઈસુએ કઈ ચેતવણી આપી હતી?

૧૧ એક વાર ઈસુ પોતાના અનુયાયીઓને એક મહત્ત્વનો બોધપાઠ શીખવી રહ્યા હતા. એવામાં, એક જણ ઈસુ પાસે આવીને તેમને સમસ્યા ઉકેલી આપવા કહે છે: “ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે.” એ સમયે ઈસુએ શું ન કર્યું? ઈસુ એ માણસની સમસ્યા ઉકેલવા બેસી ન ગયા. પણ એ તકનો ઉપયોગ કરીને ઈસુએ પોતાના શિષ્યોને એક મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો. તેમણે શીખવ્યું કે ઘણું બધું મેળવવા પાછળ પડી જઈશું તો, યહોવાની સેવામાંથી ધ્યાન ભટકી જશે.—લુક ૧૨:૧૩-૧૫.

૧૨, ૧૩. (ક) ઈસુના કયા કાર્યથી અમુક ગ્રીક લોકો પ્રભાવિત થયા હતા? (ખ) અમુક ગ્રીક લોકોએ ઈસુને મળવાની ઇચ્છા બતાવી ત્યારે ઈસુએ શું કર્યું?

૧૨ ઈસુના જીવનના છેલ્લા દિવસોનો વિચાર કરો. એ કેટલા તણાવભર્યા હતા! (માથ. ૨૬:૩૮; યોહા. ૧૨:૨૭) તેમને ખબર હતી કે તેમણે ભારે દુઃખ સહેવું પડશે અને તેમને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવશે. તેમને એ પણ ખબર હતી કે મૃત્યુ પહેલાં તેમણે હજી ઘણું કરવાનું હતું. જેમ કે, રવિવાર, નીસાન ૯મીનો બનાવ યાદ કરો. ઈસુ ભવિષ્યવાણી પ્રમાણે એક ગધેડા પર બેસીને યરુશાલેમ જાય છે. ત્યાં લોકોનું ટોળું ઈસુનો આવકાર એક રાજા તરીકે કરે છે. (લુક ૧૯:૩૮) એના બીજા દિવસે ઈસુ યરુશાલેમના મંદિરમાં જાય છે. ત્યાં લાલચું વેપારીઓ ઊંચા ભાવે ચીજો વેચીને લોકોને લૂંટતા હતા. ઈસુ એ વેપારીઓને મંદિરમાંથી હાંકી કાઢે છે.—લુક ૧૯:૪૫, ૪૬.

૧૩ એ સમયે, અમુક ગ્રીક લોકો પણ પાસ્ખા ઉજવવા યરુશાલેમ આવ્યા હતા. ઈસુએ મંદિરમાં જે કર્યું હતું, એ તેઓએ જોયું અને તેઓ એનાથી ઘણા પ્રભાવિત થયા. તેઓએ પ્રેરિત ફિલિપને વિનંતી કરી કે તેઓ ઈસુને મળવા માંગે છે. ફિલિપે એ સંદેશો ઈસુને આપ્યો. જો ઈસુએ ચાહ્યું હોત, તો એવા લોકોનો સાથ લઈને તે પોતાના દુશ્મનોના હાથે મરવાથી બચી શક્યા હોત. પણ તેમણે એમ ન કર્યું. તે જાણતા હતા કે વધારે મહત્ત્વનું શું છે. તેમણે યહોવાની ઇચ્છા પૂરી કરવા પર ધ્યાન ટકાવી રાખ્યું, એટલે કે પોતાના જીવનું બલિદાન આપવા પર ધ્યાન આપ્યું. એ યાદ અપાવતા ઈસુએ શિષ્યોને કહ્યું કે પોતે જલદી જ મરણ પામશે. ઈસુ એમ પણ કહે છે કે જેઓ તેમને અનુસરવા ચાહે છે, તેઓએ પણ પોતાનો જીવ આપવા તૈયાર રહેવું જોઈએ. ઈસુએ ફિલિપ અને બીજા શિષ્યોને કહ્યું: ‘જે કોઈ પોતાના જીવને વહાલો ગણે છે, તે એને ગુમાવે છે; અને જે આ જગતમાં પોતાના જીવને ધિક્કારે છે, તે અનંતજીવનને માટે એને બચાવી રાખશે.’ આમ, ઈસુએ પેલા ગ્રીક લોકોની ઇચ્છા પૂરી કરવાને બદલે, શિષ્યોને બોધપાઠ આપ્યો. તેમણે વચન આપ્યું કે જે કોઈ તેમને અનુસરશે ‘તેને પિતા યહોવા માન આપશે’ અને હંમેશ માટેના જીવનનું ઇનામ આપશે. એ ખુશખબર ફિલિપે જરૂર પેલા ગ્રીક લોકોને જણાવી હશે.—યોહા. ૧૨:૨૦-૨૬.

૧૪. ઈસુએ સેવાકાર્યને પ્રથમ સ્થાને રાખવાની સાથે સાથે બીજા શાનું ધ્યાન રાખ્યું?

૧૪ ખરું કે ઈસુએ પૂરું ધ્યાન હંમેશાં સેવાકાર્ય પર રાખ્યું, જોકે તે પોતાના માટે પણ સમય કાઢતા. જેમ કે, બાઇબલમાં જોવા મળે છે કે તે ઓછામાં ઓછી એક વાર તો લગ્નપ્રસંગમાં ગયા હતા. એ પ્રસંગે તેમણે પાણીને દ્રાક્ષદારૂમાં ફેરવી નાખ્યો હતો. (યોહા. ૨:૨, ૬-૧૦) ખુશખબરમાં રસ લેતા લોકો અને મિત્રો ઈસુને જમવાનું આમંત્રણ આપતા ત્યારે, તે એનો સ્વીકાર કરતા. (લુક ૫:૨૯; યોહા. ૧૨:૨) એથી વધુ મહત્ત્વનું તો, ઈસુએ ધ્યાન રાખ્યું કે પોતાને પૂરતો આરામ અને મનન તેમજ પ્રાર્થના માટે જરૂરી એકાંત મળી રહે.—માથ. ૧૪:૨૩; માર્ક ૧:૩૫; ૬:૩૧, ૩૨.

‘દરેક જાતનો બોજો નાખી દઈએ’

૧૫. પ્રેરિત પાઊલે ખ્રિસ્તીઓને કઈ સલાહ આપી? તેમણે પોતે કેવો દાખલો બેસાડ્યો?

૧૫ પ્રેરિત પાઊલે જણાવ્યું કે ખ્રિસ્તીઓ તો જાણે એક લાંબી દોડમાં દોડી રહ્યા છે. એ દોડને પૂરી કરવા તેઓએ ‘દરેક જાતનો બોજો નાખી દેવો જોઈએ,’ જેથી તેઓ ધીમા પડી ન જાય કે દોડવાનું બંધ કરી ન દે. (હિબ્રૂ ૧૨:૧ વાંચો.) પાઊલે પોતે એ માટે સારો દાખલો બેસાડ્યો છે. તે ચાહત તો યહુદી ધર્મગુરુ તરીકે ઘણા ધનવાન અને પ્રખ્યાત બની શક્યા હોત. પરંતુ, તેમણે એ કારકિર્દી ત્યજીને “જે શ્રેષ્ઠ” હતું, એટલે કે જે વધારે મહત્ત્વનું હતું એના પર ધ્યાન આપ્યું. તેમણે સેવાકાર્યમાં સખત મહેનત કરી અને ખુશખબર ફેલાવવા ઘણી જગ્યાઓએ ગયા. જેમ કે, સીરિયા, એશિયા માયનોર, મકદોનિયા અને યહુદિયા. પાઊલે હંમેશાં પોતાની નજર સ્વર્ગમાં મળનારા જીવનના ઇનામ પર રાખી. તેમણે કહ્યું, ‘જે પાછળ છે એને ભૂલીને અને જે આગળ છે એની તરફ વધીને હું ઇનામ માટે, ધ્યેય તરફ આગળ વધુ છું.’ (ફિલિ. ૧:૧૦; ૩:૮, ૧૩, ૧૪) શક્ય છે કે પાઊલ એ સમયે પરણેલા ન હતા. એટલે, તેમણે પોતાના સંજોગોનો પૂરો ફાયદો ઉઠાવીને “એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા” કરી.—૧ કોરીં. ૭:૩૨-૩૫.

૧૬, ૧૭. પરણેલા અને કુંવારા લોકો કઈ રીતે પાઊલના દાખલાને અનુસરી શકે? માર્ક અને ક્લૅરે કઈ રીતે પાઊલનું અનુકરણ કર્યું?

૧૬ પાઊલની જેમ આજે પણ યહોવાના અમુક સેવકોએ કુંવારા રહેવાનો નિર્ણય લીધો છે, જેથી તેઓ યહોવાની સેવામાં વધુ કરી શકે. (માથ. ૧૯:૧૧, ૧૨) કેમ કે, પરણેલા લોકોની સરખામણીમાં કુંવારા લોકો પાસે કુટુંબની જવાબદારીઓ ઓછી હોય છે. ભલે આપણે પરણેલા હોઈએ કે કુંવારા, આપણે બધાએ ‘દરેક જાતનો બોજો નાખી દેવો જોઈએ,’ જેથી યહોવાની સેવામાં પૂરેપૂરું ધ્યાન આપી શકીએ. એ માટે કદાચ આપણે એવી આદતોમાં બદલાણ લાવવું પડે, જે આપણો કીમતી સમય ખાઈ જાય છે. એમ કરીને આપણે એ સમય યહોવાની સેવામાં વાપરી શકીશું.

૧૭ માર્ક અને ક્લૅર નામના યુગલનો વિચાર કરો. બંનેનો ઉછેર વેલ્શમાં થયો અને સ્કૂલના ભણતર પછી બંનેએ પાયોનિયરીંગ શરૂ કર્યું. લગ્ન પછી બંને સાથે મળીને પાયોનિયરીંગ કરતાં રહ્યાં. જોકે, તેઓ યહોવાની સેવામાં વધુ કરવાં ચાહતાં હતાં. માર્ક જણાવે છે: ‘અમે અમારું જીવન હજીયે વધારે સાદું બનાવ્યું. ત્રણ બેડરૂમવાળા અમારાં ઘરને અને અમારી પાર્ટ-ટાઈમ નોકરીને અમે જતાં કર્યાં, જેથી અમે આંતરરાષ્ટ્રીય બાંધકામ સેવામાં જોડાઈ શકીએ.’ પાછલાં ૨૦ વર્ષોથી એ યુગલે આફ્રિકાના ઘણા વિસ્તારોમાં જઈને, રાજ્યગૃહ બાંધકામમાં મદદ આપી છે. અમુક વાર તેઓ પાસે ખૂબ ઓછા પૈસા હતા. પણ યહોવાએ હંમેશાં તેઓની કાળજી રાખી. બહેન ક્લૅર કહે છે, ‘દર એક દિવસ યહોવાની સેવામાં વિતાવવાથી અમને ખૂબ સંતોષ મળે છે. આ સેવા દરમિયાન અમે ઘણા સારા મિત્રો બનાવ્યા છે અને અમને કશાની અછત પડી નથી. પૂરા સમયની સેવામાં જોડાવાથી અમને જે ખુશી મળી છે, એની સામે અમે જે જતું કર્યું છે એ કંઈ જ નથી.’ પૂરા સમયના બીજા ઘણા સેવકોએ પણ આ યુગલની જેમ જ અનુભવ્યું છે. *

૧૮. આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?

૧૮ શું તમને લાગે છે કે યહોવાની સેવામાં તમે હજીયે વધારે ઉત્સાહ બતાવી શકો? શું તમારા જીવનમાં એવું કંઈક છે, જેના લીધે વધારે મહત્ત્વની બાબત પરથી તમારું ધ્યાન ભટકી જઈ શકે? જો એમ હોય તો તમે શું કરી શકો? બની શકે કે તમે જે રીતે બાઇબલ વાંચો છો અને એનો અભ્યાસ કરો છો, એને વધારે અસરકારક બનાવવાની જરૂર છે. એમ કઈ રીતે કરી શકીએ એ વિશે આપણે આવતા લેખમાં જોઈશું.

^ ફકરો. 17 ડેવિડ અને ગ્વેન કાર્ટરાઇટનો જીવન અનુભવ જણાવતો આ લેખ જુઓ: “અમને મળી વધુ ઉજ્જવળ કારકિર્દી.” (માર્ચ ૧૫, ૨૦૧૫નું ચોકીબુરજ) લેખમાં વાંચો કે જીવનમાં રાજ્યને પ્રથમ રાખવાના તેઓના મક્કમ ઇરાદાને લીધે તેઓને કેવાં સારાં ફળ મળ્યાં.