સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

યુવાનીમાં લીધેલા નિર્ણયનો તેમને કદી અફસોસ ન થયો

યુવાનીમાં લીધેલા નિર્ણયનો તેમને કદી અફસોસ ન થયો

મારી દાદીના મોટા ભાઈનું નામ નિકોલાય ડૂબોવિંસ્કી હતું. તેમણે પોતાના જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન યહોવાની સેવામાં થયેલા કેટલાક ખાસ બનાવો વિશે લખ્યું હતું, જેમાં આનંદના છાંયડાની સાથે સાથે પડકારોનો તડકો પણ હતો. મોટા ભાગના એ બનાવો એ સમયના હતા જ્યારે અગાઉના સોવિયેત સંઘે આપણા કામ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઘણાં પડકારો અને મુસીબતો હોવાં છતાં, દાદા નિકોલાય હંમેશાં યહોવાને વફાદાર રહ્યા અને જીવન પ્રત્યે તેમણે જોરદાર ઉત્સાહ બતાવ્યો. દાદા ઘણી વાર કહેતા કે યુવાનો તેમનો જીવન અનુભવ સાંભળે એવી તેમની ઇચ્છા છે. તો ચાલો, હું તેમના જીવનના અમુક ખાસ બનાવો વિશે જણાવું. દાદા નિકોલાયનો જન્મ વર્ષ ૧૯૨૬માં પોડવિરીવકા ગામમાં એક ખેડૂત કુટુંબમાં થયો હતો. એ ગામ યુક્રેઇનના ચેરનીવત્સી ઑબ્લાસ્ટ વિસ્તારમાં આવેલું હતું.

દાદા નિકોલાયને સત્ય મળ્યું

દાદા આમ લખીને શરૂઆત કરે છે: ‘વર્ષ ૧૯૪૧નો સમય હતો. એક દિવસે મારા મોટા ભાઈ ઈવાન, કેટલાંક ચોકીબુરજ અને નાની પુસ્તિકા લઈ આવ્યા. તે ધ હાર્પ ઑફ ગૉડ (અંગ્રેજી) અને ધ ડિવાઈન પ્લાન ઑફ ધી એજીસ (અંગ્રેજી) નામનાં પુસ્તકો પણ લાવ્યા હતા. મેં એ બધું વાંચી કાઢ્યું. મને એ જાણીને ખૂબ નવાઈ લાગી કે આ દુનિયામાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓ પાછળ ઈશ્વરનો નહિ, પણ શેતાનનો હાથ છે. એ સાહિત્ય ઉપરાંત મેં બાઇબલમાંથી સુવાર્તાનાં પુસ્તકો વાંચ્યાં. મને ખ્યાલ આવી ગયો કે મને સત્ય જડ્યું છે. ઈશ્વરના રાજ્ય દ્વારા જે આશીર્વાદો મળવાના હતા, એ વિશે હું બીજાઓને પણ જણાવવા લાગ્યો. મેં એ સાહિત્યનો અભ્યાસ કર્યો તેમ, સત્ય વિશેની મારી સમજણ વધતી ગઈ અને યહોવાનો સેવક બનવાની મારી ઇચ્છા પ્રબળ બની.

‘મને અંદાજો આવી ગયો હતો કે મારી આ નવી માન્યતાઓને લીધે મારે સહન કરવું પડશે. કારણ કે, એ યુદ્ધનો સમય હતો અને હું કોઈ પણ કિંમતે યુદ્ધમાં ભાગ લેવાનો ન હતો. એ કસોટી માટે પોતાને તૈયાર કરવા હું બાઇબલની અમુક કલમો મોઢે કરવા લાગ્યો. જેમ કે, માથ્થી ૧૦:૨૮ અને ૨૬:૫૨. યહોવાને હંમેશાં વફાદાર રહેવાનો મારો નિર્ણય મક્કમ હતો, પછી ભલે એ માટે મારે જીવ કેમ ન આપવો પડે!

‘વર્ષ ૧૯૪૪માં હું ૧૮ વર્ષનો થયો ત્યારે, મને લશ્કરમાં જોડાવવાનો હુકમ કરવામાં આવ્યો. મારા નામની નોંધણી કરવા મને લશ્કરી દફતરમાં હાજર થવા જણાવવામાં આવ્યું. કેટલાક સાક્ષી યુવાનોને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારે હું પહેલી વાર યહોવાના સાક્ષીઓને મળ્યો હતો. અમે બધાએ મક્કમ રીતે અધિકારીઓને જણાવ્યું કે અમે યુદ્ધમાં ભાગ લઈશું નહિ. ગુસ્સે ભરાયેલા સેના અધિકારીએ અમને ધમકી આપી કે તે અમને ભૂખે મારશે, ખાડા ખોદાવીને મજૂરી કરાવશે અથવા ગોળીએ ઉડાવી દેશે. પરંતુ, અમે બધાએ હિંમતથી તેને જવાબ આપ્યો: “તમે અમારી સાથે ચાહો એ કરી શકો, પણ અમે તો ઈશ્વરે આપેલી ‘ખૂન ન કરવાની’ આજ્ઞા નહિ જ તોડીએ!”—નિર્ગ. ૨૦:૧૩.

‘આખરે, મને અને બીજા બે ભાઈઓને મજૂરી કરવા બેલારુસ મોકલવામાં આવ્યા. ત્યાં અમારે ખેતરોમાં મજૂરી કરવાની હતી અને યુદ્ધને લીધે નુકસાન પામેલાં ઘરોનું સમારકામ કરવાનું હતું. મિંસ્ક શહેરની આસપાસના વિસ્તારોમાં યુદ્ધના કારણે ઘણી તબાહી થઈ હતી. એ ખોફનાક દૃશ્ય મને હજીયે યાદ છે. રસ્તાઓની આજુબાજુનાં વૃક્ષો બળીને ખાખ થઈ ગયાં હતાં. જંગલો અને ખાડા-ખાઈઓમાં માણસોની લાશો અને ઘોડાનાં ફૂલી ગયેલાં મૃતદેહો પડેલાં હતાં. મેં ત્યાં પડતી મુકાયેલી ગાડીઓ, તોપો અને ભાંગી પડેલું વિમાન પણ જોયાં. માણસો જ્યારે યહોવાની આજ્ઞાઓ તોડે છે, ત્યારે એનું કેવું પરિણામ આવે છે, એ મારી નજર સામે હતું.

‘છેવટે, વર્ષ ૧૯૪૫માં યુદ્ધ બંધ થયું. પરંતુ, યુદ્ધમાં ભાગ ન લેવાને લીધે અમને ૧૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. પહેલા ત્રણ વર્ષો દરમિયાન, અમારી પાસે કોઈ સાહિત્ય ન હતું અને ભાઈ-બહેનોને પણ અમે મળી શકતા ન હતા. અમે પત્રો દ્વારા અમુક બહેનોનો સંપર્ક કરી શક્યા, પણ તેઓની ધરપકડ થઈ. તેઓને ૨૫ વર્ષો માટે કાળી મજૂરી કરવા મજૂરોની છાવણીમાં મોકલવામાં આવ્યાં.

‘જોકે, અમારી સજાનાં અમુક વર્ષો માફ કરવામાં આવ્યાં અને વર્ષ ૧૯૫૦માં અમને છોડી મૂકવામાં આવ્યા. હું કેદમાં હતો એ દરમિયાન, મારી નાની બહેન મારિયા અને મારાં મમ્મી યહોવાના સાક્ષીઓ બની ગયાં હતાં. ઉપરાંત, મારા મોટા ભાઈઓ બાઇબલનો અભ્યાસ કરી રહ્યા હતા. હું ઘણા ઉત્સાહથી પ્રચાર કામ કરતો, એટલે સોવિયેતનું સુરક્ષા દળ મને ફરી એક વાર જેલમાં નાખવાના લાગમાં હતું. તે સમયે આપણાં સાહિત્યનું છાપકામ છૂપી રીતે થતું હતું. આપણાં કામની આગેવાની લેતા ભાઈઓએ મને એ કામમાં મદદ આપવાનું જણાવ્યું. ત્યારે હું ૨૪ વર્ષનો હતો.’

સાહિત્ય તૈયાર કરવું

‘સાક્ષીઓમાં એ વખતે એક કહેવતનું ઘણું ચલણ હતું: “માણસો જો ભૂમિ ઉપર રાજ્યનું કામ અટકાવશે, તો ભૂમિ નીચે એ કામ ચાલતું રહેશે.” (નીતિ. ૨૮:૨૮) આ સમય દરમિયાન આપણું મોટા ભાગનું છાપકામ ભોંયરાંમાં છૂપી રીતે કરવામાં આવતું. એવું જ એક નાનકડું ભોંયરું, મારા જીવનની પહેલી ઑફિસ હતી. મારા મોટા ભાઈ દમૈત્રીના મકાનની નીચે એ ભોંયરું હતું. અમુક વાર તો હું બબ્બે અઠવાડિયાં સુધી એમાં જ રહેતો. એ ભોંયરામાં ઓક્સિજન ઘટી જવાથી, કેરોસીનની ફાનસ જો બુઝાઈ જતી, તો હું સૂઈ જતો અને ભોંયરું ફરી તાજી હવાથી ભરાય એની રાહ જોતો.

નિકોલાય છૂપી રીતે જ્યાં સાહિત્યની નકલ ઉતારતા એ ભોંયરાનાં ચિત્રો

‘આપણાં કામમાં સામેલ એક ભાઈએ મને એક દિવસે મારા બાપ્તિસ્મા વિશે પૂછ્યું. હું ૧૧ વર્ષોથી યહોવાની સેવા કરી રહ્યો હતો, પણ હજુ મારું બાપ્તિસ્મા થયું ન હતું. તેથી, એ વિશે ભાઈએ મારી સાથે ચર્ચા કરી અને એ જ રાતે મેં એક મોટા તળાવમાં બાપ્તિસ્મા લીધું. ત્યારે હું ૨૬ વર્ષનો હતો. ત્રણ વર્ષ પછી, મને એક વધુ જવાબદારી સોંપવામાં આવી. મને એ દેશની કન્ટ્રી કમિટીનો સભ્ય બનાવવામાં આવ્યો. એ સમયે જે ભાઈઓ કેદ હતા તેઓની જવાબદારી ઉપાડવા બીજા ભાઈઓ નિમવામાં આવ્યા. આમ, રાજ્યનું કામ ચાલતું રહ્યું, બંધ પડ્યું નહિ.’

ભોંયરામાં રહીને કામ કરવાના પડકારો

‘છૂપી રીતે ભોંયરાંમાં છાપકામ કરવું તો કેદખાનામાં જીવવા કરતાંય ઘણું અઘરું હતું! સોવિયેત રાજ્યની સુરક્ષા સમિતિની (KGBની) નજરે હું ન ચઢું માટે મારે સભાઓમાં જવાનું જતું કરવું પડતું. ઉપરાંત, એ સાત વર્ષો દરમિયાન મારે એનો પણ ખ્યાલ રાખવાનો હતો કે ભક્તિમાં ઠંડો ન પડી જઉં! હું ભાગ્યેજ મારા કુટુંબીજનોને મળી શકતો. એ પણ હું તેઓને ત્યાં જતો ત્યારે જ મળી શકતો. જોકે, તેઓ મારા સંજોગો સમજતા હતા, એ જોઈને મને ઉત્તેજન મળતું. સતત ચિંતાને લીધે મારું શરીર કમજોર પડી રહ્યું હતું. અમારે દરેક સંજોગ માટે તૈયાર રહેવાનું હતું. દાખલા તરીકે, હું જે ઘરમાં રહેતો હતો, ત્યાં એકવાર બે પોલીસ અધિકારીઓ આવી ચઢ્યા. હું ઘરની બીજી બાજુ આવેલી બારીમાંથી કૂદીને ત્યાંથી છટકી ગયો અને જંગલમાં નાસી ગયો. હું ખેતરોમાં થઈને ભાગી રહ્યો હતો ત્યારે, મને કંઈક અવાજ સંભળાયો. તરત જ મને ખ્યાલ આવ્યો કે એ અવાજ બંદૂકમાંથી છૂટતી ગોળીઓનો હતો. મારી પાછળ પડેલા લોકોમાંથી એક માણસ ઘોડા પર સવાર થઈને ગોળીઓ વરસાવી રહ્યો હતો. બધી ગોળીઓ પતી ગઈ ત્યાં સુધી, તેણે એનો મારો ચલાવ્યો. એક ગોળી મારા હાથ પર વાગી ગઈ. છેવટે, પાંચ કિલોમીટર દોડ્યા પછી, હું જંગલમાં સંતાઈ ગયો. આમ, તેઓના હાથમાંથી છટકી ગયો. પછીથી, મુકદ્દમા વખતે મને જણાવવામાં આવ્યું કે મારા પર કુલ ૩૨ ગોળીઓ ચલાવવામાં આવી હતી.

‘ભોંયરામાં છૂપી રીતે લાંબો સમય કામ કરવાને લીધે મારો રંગ ફિક્કો પડી ગયો હતો. એટલો ફિક્કો કે મને જોઈને કોઈ પણ અંદાજ લગાવી શકે કે હું કોઈ છૂપા કામમાં જોડાયેલો છું. તેથી, હું બને એટલો સમય તડકામાં વિતાવતો. ભોંયરામાં કામ કરવાની અસર મારી તબિયત પર પણ થઈ. એક વાર હું ભાઈઓ સાથેની એક મહત્ત્વની સભા પણ ચૂકી ગયો. હું ન જઈ શક્યો કારણ કે મારા મોં અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.’

દાદા નિકોલાયની ધરપકડ

સાલ ૧૯૬૩માં મોર્ડવિનિયાની મજૂર છાવણીમાં

‘જાન્યુઆરી ૨૬, ૧૯૫૭માં મારી ધરપકડ થઈ. કેદના ૬ મહિના પછી યુક્રેઇનની ઉચ્ચ અદાલતે પોતાનો ફેસલો જણાવ્યો. મને બંદૂકે મારી નાખવાનો ચુકાદો આપ્યો. પરંતુ, એ દેશના કાયદામાંથી મોતની સજા રદ કરવામાં આવી હોવાથી, મને ૨૫ વર્ષનો કારાવાસ થયો. મારી સાથે બીજા ૭ સાક્ષીઓને પણ સખત મજૂરીની સજા થઈ. અમને મોર્ડવિનિયાની છાવણીઓમાં મોકલવામાં આવ્યા. ત્યાં આશરે ૫૦૦ સાક્ષીઓ પહેલેથી જ હતા. અમે ચોકીબુરજના અભ્યાસ માટે છૂપી રીતે નાના નાના સમૂહમાં ભેગા થતાં. એક વાર, આપણાં સામયિકોની જપ્ત કરેલી અમુક પ્રતો હવાલદારે વાંચી. તે વખાણ કરતા બોલી ઊઠ્યો: “તમે એ વાંચતા રહેશો તો તમારી શ્રદ્ધાને કોઈ ડગાવી નહિ શકે!” છાવણીમાં અમે પ્રામાણિકતાથી કામ કરતા અને કેટલીક વાર તો વધારાનું કામ કરી આપતા. તેમ છતાં, છાવણીનો અમલદાર વાંક કાઢતા કહેતો: “અમારી માટે તમારું કામ નહિ, પણ દેશ પ્રત્યે તમારી વફાદારી અને ફરજ વધુ મહત્ત્વનાં છે.”’

‘છાવણીમાં અમે પ્રામાણિકતાથી કામ કરતા. કેટલીક વાર તો વધારાનું કામ પણ કરી આપતા’

તેમની વફાદારી જરાય ફિક્કી પડી નહિ

વેલીકીયા લૂકીમાં રાજ્યગૃહ

મજૂરોની છાવણીમાંથી નિકોલાય દાદા વર્ષ ૧૯૬૭માં છૂટ્યા. એ પછી તેમણે રશિયામાં એસ્ટોનિયા અને સેન્ટ પીટર્સબર્ગનાં મંડળોની દેખરેખ રાખવાના કામમાં મદદ આપી. વર્ષ ૧૯૫૭માં અદાલતે સાક્ષીઓ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. સાલ ૧૯૯૧ની શરૂઆતમાં એ ચુકાદો પાછો ખેંચવામાં આવ્યો કેમ કે અદાલત ગુનો સાબિત ન કરી શકી. અધિકારીઓના જુલમનો ભોગ બનેલા બધા સાક્ષીઓ એ સાલમાં માનભેર છોડી મૂકવામાં આવ્યા. વર્ષ ૧૯૯૬માં દાદા નિકોલાય શહેર વેલીકીયા લૂકીમાં રહેવા ગયા. સેન્ટ પીટર્સબર્ગથી આશરે ૫૦૦ કિલોમીટર દૂર આવેલું એ શહેર પસ્કૉફ ઑબ્લાસ્ટમાં છે. દાદાએ ત્યાં એક નાનું મકાન ખરીદ્યું હતું, જેમાં એક બાજુ જમીન પણ હતી. એ જમીન પર સાલ ૨૦૦૩માં રાજ્યગૃહ બાંધવામાં આવ્યું હતું. હાલમાં, પ્રગતિ કરી રહેલાં બે મંડળો ત્યાં સભા ભરે છે.

હું અને મારા પતિ રશિયામાં યહોવાના સાક્ષીઓની શાખા કચેરીમાં સેવા આપીએ છીએ. દાદા નિકોલાય માર્ચ ૨૦૧૧ની સાલમાં ગુજરી ગયા. તેમના મરણના અમુક મહિનાઓ પહેલાં, તે છેલ્લી વાર અમારા ઘરે આવ્યા હતા. એ સમયે તેમણે જે શબ્દો કહ્યા હતા એ અમારાં દિલોને સ્પર્શી ગયા. આંખોમાં એક અનોખી ચમક સાથે તેમણે કહ્યું હતું: ‘બધી બાબતો પરથી હું જોઈ શકું છું કે જાણે યરીખો ફરતેની સાતમી કૂચ શરૂ થઈ ચૂકી છે!’ (યહો. ૬:૧૫) દાદા નિકોલાય ૮૫ વર્ષ જીવ્યા. આપણે જોયું તેમ, તેમનું જીવન કંઈ સહેલું ન હતું. તેમ છતાં, તે પોતાના જીવનનો સાર આ શબ્દોમાં આપે છે: ‘હું બહુ ખુશ છું કે મેં મારી યુવાની યહોવાની સેવામાં આપવાનો નિર્ણય લીધો! મને મારા એ નિર્ણયનો કદી અફસોસ થયો નથી!’