સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા, પ્રેમના ઈશ્વર

યહોવા, પ્રેમના ઈશ્વર

“ઈશ્વર પ્રેમ છે.”—૧ યોહા. ૪:૮, ૧૬.

ગીતો: ૨ (15), ૨૪ (200)

૧. ઈશ્વરનો મુખ્ય ગુણ કયો છે અને એ જાણીને તેમના વિશે તમને કેવું લાગે છે?

બાઇબલ જણાવે છે કે “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) પરંતુ, એ શબ્દોનો શો અર્થ થાય? પ્રેમનો ગુણ યહોવાના ઘણા સુંદર ગુણોમાંનો એક છે. અરે, પ્રેમનો ગુણ તો તેમનો મુખ્ય ગુણ છે. યહોવા પ્રેમનો ગુણ ધરાવે છે, એટલું જ નહિ, બાઇબલ જણાવે છે કે તે પોતે પ્રેમ છે. તે જે કંઈ કરે છે એ પ્રેમથી પ્રેરાઈને કરે છે. પ્રેમથી પ્રેરાઈને તેમણે આખી દુનિયા અને અનેક જીવો બનાવ્યાં છે. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ!

૨. ઈશ્વરનો પ્રેમ આપણને કઈ ખાતરી અપાવે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

યહોવાએ જે કંઈ બનાવ્યું છે એના પ્રત્યે તેમને ઘણી દયા અને મમતા છે. આપણા પરનો તેમનો પ્રેમ ખાતરી અપાવે છે કે મનુષ્યો માટેનો તેમનો હેતુ ચોક્કસ પૂરો થશે અને એ પણ સૌથી સારી રીતે. એમ થશે ત્યારે, તેમની આજ્ઞા પાળનારા લોકો સાચું સુખ અનુભવશે. દાખલા તરીકે, પ્રેમથી પ્રેરાઈને યહોવાએ “એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ [ઈસુ] દ્વારા જગતનો અદલ ઇન્સાફ કરશે.” (પ્રે.કૃ. ૧૭:૩૧) એ ઇન્સાફ જરૂર થશે, એવી આપણને પૂરી ખાતરી છે. આમ, આજ્ઞાધીન મનુષ્યોને હંમેશ માટેનું સુંદર ભાવિ મળશે.

ઇતિહાસ પરથી શું સાબિત થાય છે?

૩. જો યહોવા મનુષ્યોને પ્રેમ કરતા ન હોત, તો આપણું ભાવિ કેવું હોત?

જો ઈશ્વરનો મુખ્ય ગુણ પ્રેમ ન હોત, તો વિચારો કે મનુષ્યોના ભાવિનું શું થયું હોત! બધા મનુષ્યો આ જગતના દુષ્ટ અને નિર્દય દેવ, શેતાનના ભરમાવામાં આવીને, એકબીજા પર સત્તા ચલાવતા રહ્યા હોત. (૨ કોરીં. ૪:૪; ૧ યોહા. ૫:૧૯; પ્રકટીકરણ ૧૨:૯, ૧૨ વાંચો.) જો યહોવા આપણને પ્રેમ કરતા ન હોત, તો આપણું ભવિષ્ય કેટલું અંધકારમય બની ગયું હોત!

૪. યહોવાએ તેમના રાજ સામે ઊઠેલા બળવાને શા માટે તરત દબાવી દીધો નહિ?

યહોવાના રાજ સામે શેતાને બળવો કર્યો ત્યારે, તેણે આપણાં પ્રથમ માતા-પિતા આદમ અને હવાને પણ એમાં સંડોવ્યાં. તેણે વિશ્વ પર રાજ કરવાના યહોવા ઈશ્વરના હક્ક સામે આંગળી ચીંધી. તેણે દાવો કર્યો કે પોતાનું રાજ ઈશ્વરના રાજ કરતાં વધારે સારું રહેશે. (ઉત. ૩:૧-૫) યહોવાએ પોતાની ઊંડી સમજદારીનો પરચો આપતા, શેતાનને તેનો દાવો સાબિત કરવા થોડો સમય આપ્યો. પરંતુ, ઇતિહાસ પરથી સાફ દેખાઈ આવે છે કે રાજ મનુષ્યોનું હોય કે શેતાનનું, એ કદીયે સારું રહ્યું નથી.

૫. માનવ ઇતિહાસ શું સાબિત કરે છે?

આજે દુનિયાની હાલત દરેક રીતે કથળી રહી છે. છેલ્લાં, ૧૦૦ વર્ષોમાં થયેલાં યુદ્ધોમાં દસ કરોડથી વધુ લોકો માર્યા ગયા છે. “છેલ્લા સમય” વિશે બાઇબલ જણાવે છે કે “દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે.” (૨ તીમો. ૩:૧, ૧૩) બાઇબલ એમ પણ જણાવે છે: “હે યહોવા, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મે. ૧૦:૨૩) ઇતિહાસ ગવાહ છે કે બાઇબલના એ શબ્દો એકદમ સાચા છે. યહોવાએ મનુષ્યોને એ હક્ક આપ્યો જ નથી કે તેઓ તેમના માર્ગદર્શન વગર બીજા મનુષ્યો પર રાજ કરે. અરે, તેઓને એવી આવડત સાથે બનાવ્યા જ નથી!

૬. શા માટે ઈશ્વરે દુષ્ટતાને ચાલવા દીધી છે?

યહોવાએ અમુક સમય માટે દુષ્ટતાને ચાલવા દીધી છે, જેથી એ પણ સાબિત થાય કે ફક્ત તે જ સારી રીતે રાજ કરી શકે છે. ઈશ્વર ભવિષ્યમાં દરેક દુષ્ટનો વિનાશ કરશે. પછી, જો કોઈ ઈશ્વરના પ્રેમાળ શાસન સામે સવાલ ઉઠાવશે, તો તેને યહોવાએ કોઈ તક આપવાની જરૂર નહિ રહે. તેને યહોવા તરત જ ખતમ કરી નાખશે. પણ શું એમ કરવું અદ્દલ ન્યાય ગણાશે? હા. યહોવા પાસે એ સમયે જવાબ હશે કે અગાઉ પણ માણસોનું રાજ ઘણી દુઃખ-તકલીફોનું કારણ બન્યું હતું. એ પુરાવાને આધારે યહોવા ફરી ક્યારેય દુષ્ટતા ચાલવા દેશે નહિ.

યહોવાનો પ્રેમ શાના પરથી દેખાય આવે છે?

૭, ૮. યહોવાએ તેમનો પ્રેમ કઈ રીતે બતાવ્યો છે?

યહોવાએ પોતાનો મહાન પ્રેમ ઘણી રીતોથી બતાવ્યો છે. આપણું વિશ્વ કેટલું સુંદર અને વિશાળ છે એનો વિચાર કરો. દરેક આકાશગંગામાં અબજો તારા અને ગ્રહો છે. અને એવી અબજો આકાશગંગાઓ છે. આપણે જે આકાશગંગામાં રહીએ છીએ, એ મિલ્કી વે તરીકે ઓળખાય છે. એમાં અબજો તારાઓ છે, જેમાંનો એક સૂર્ય છે. સૂર્ય વગર પૃથ્વી પર જીવન અશક્ય છે. એ દરેક રચના સાબિત કરે છે કે યહોવા આપણા ઉત્પન્નકર્તા છે. તેમણે બનાવેલી સૃષ્ટિ પરથી તેમની શક્તિ, ડહાપણ અને પ્રેમ જેવા ગુણો દેખાઈ આવે છે. હા, તેમના ‘અદૃશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ, જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.’—રોમ. ૧:૨૦.

યહોવાએ પૃથ્વીને ખાસ એ રીતે બનાવી છે કે એના પર જીવન ટકી શકે. પૃથ્વી પર જે કંઈ છે એ બધું જ પ્રાણીઓ અને મનુષ્યોના લાભ માટે છે. મનુષ્યોના રહેવા માટે ઈશ્વરે તેઓને ઘર તરીકે એક સુંદર બગીચો આપ્યો હતો. એટલું જ નહિ, તેઓને સંપૂર્ણ મગજ અને શરીર આપ્યું હતું, જેથી તેઓ હંમેશ માટે જીવી શકે. (પ્રકટીકરણ ૪:૧૧ વાંચો.) વધુમાં, ‘તે બધા સજીવોને ખોરાક આપે છે, કેમ કે તેમનો પ્રેમ હંમેશ માટે ટકે છે.’—ગીત. ૧૩૬:૨૫, NW.

૯. યહોવાને દુષ્ટતા વિશે કેવું લાગે છે અને શા માટે?

ખરું કે યહોવા પ્રેમના સાગર છે. પરંતુ, જે ખોટું છે એને ધિક્કારવામાં તે કદીયે પીછેહઠ કરતા નથી. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૫:૪-૬ યહોવા વિશે જણાવે છે: ‘દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી. તમે દુષ્ટતા કરનારા સર્વને ધિક્કારો છો. ખૂની તથા કપટી માણસોથી યહોવાને સખત નફરત છે.’

દુષ્ટતા જલદી જ, હતી ન હતી થઈ જશે

૧૦, ૧૧. (ક) દુષ્ટ લોકોનું શું થશે? (ખ) પોતાના વફાદાર ભક્તોને યહોવા કેવું ઇનામ આપશે?

૧૦ યહોવા પ્રેમના ઈશ્વર છે અને તે દરેક પ્રકારની દુષ્ટતાને ધિક્કારે છે. એટલે જ, યોગ્ય સમયે તે આખા વિશ્વમાંથી દુષ્ટતાનું નામનિશાન મિટાવી દેશે. યહોવા વચન આપે છે: ‘દુષ્ટતા કરનારાઓનો સંહાર થશે. પણ યહોવા પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે. કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે.’ અરે, ‘ધુમાડો ઊડી જાય તેમ યહોવાના શત્રુઓનો નાશ થશે.’—ગીત. ૩૭:૯, ૧૦, ૨૦.

૧૧ યહોવાએ એ પણ વચન આપ્યું છે કે, ‘ન્યાયીઓ દેશનો વારસો પામશે અને એમાં તેઓ સદાકાળ રહેશે.’ (ગીત. ૩૭:૨૯) ઉપરાંત, ત્યારે વફાદાર ‘લોકો પુષ્કળ શાંતિમાં આનંદ કરશે.’ (ગીત. ૩૭:૧૧) કારણ કે આપણા પ્રેમાળ ઈશ્વર યહોવા પોતાના વફાદાર ભક્તો માટે હંમેશાં જે સૌથી સારું છે એ જ કરે છે. તેમણે વચન આપ્યું છે કે, “તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” (પ્રકટી. ૨૧:૪) યહોવાના પ્રેમની કદર કરનારા વફાદાર લોકો માટે એ કેવું ઉજ્જવળ ભાવિ!

૧૨. “નિર્દોષ માણસ” કોને કહેવાય?

૧૨ બાઇબલમાં લખ્યું છે, ‘નિર્દોષ માણસનો વિચાર કર અને પ્રામાણિક માણસ તરફ જો, કેમ કે શાંતિપ્રિય માણસને બદલો મળશે. પણ અપરાધીઓ સમૂળગા નાશ પામશે. પરિણામે, દુષ્ટોનો નાશ થશે.’ (ગીત. ૩૭:૩૭, ૩૮) “નિર્દોષ માણસ” કોને કહેવાય? એવા માણસને જે યહોવા અને ઈસુને ઓળખે છે, તેમજ આધીન રહીને યહોવાની ઇચ્છા પ્રમાણે કરે છે. (યોહાન ૧૭:૩ વાંચો.) તેને પૂરી ખાતરી હોય છે કે “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહા. ૨:૧૭) આ દુષ્ટ જગતનો અંત ઘણો નજીક છે. તેથી, બહુ જરૂરી છે કે આપણે ‘યહોવાની રાહ જોઈએ અને તેમના માર્ગે ચાલીએ.’—ગીત. ૩૭:૩૪.

ઈશ્વરના પ્રેમની સૌથી મોટી સાબિતી

૧૩. યહોવાના પ્રેમની સૌથી મોટી સાબિતી કઈ છે?

૧૩ ખરું કે, આપણે અપૂર્ણ માનવીઓ છીએ. છતાં, આપણે યહોવાની આજ્ઞાઓ પાળી શકીએ છીએ. એટલું જ નહિ, આપણે યહોવા સાથે નજીકનો સંબંધ પણ બાંધી શકીએ છીએ. કેમ કે, યહોવાએ ઈસુના બલિદાનની ગોઠવણ કરી છે, જે તેમના અપાર પ્રેમની સાબિતી છે. ઉપરાંત, એ બલિદાનને લીધે વફાદાર મનુષ્યોને પાપ અને મરણની ગુલામીમાંથી છૂટવાનો અદ્ભુત મોકો મળ્યો છે. (રોમનો ૫:૧૨; ૬:૨૩ વાંચો.) ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે યુગોના યુગો સુધી યહોવાને વફાદાર રહ્યા હતા. તેથી, યહોવાને પૂરો ભરોસો હતો કે તેમનો પુત્ર ઈસુ, પૃથ્વી પર જશે ત્યારે પણ વફાદારી જાળવી રાખશે. જરા વિચારો કે લોકો જ્યારે ઈસુ સાથે ક્રૂર રીતે વર્ત્યા, ત્યારે તેમના પિતા યહોવાને કેટલું દુઃખ થયું હશે! એવી આકરી સતાવણીમાં પણ, ઈસુએ યહોવાના રાજ કરવાના હક્કને જ ટેકો આપ્યો. આમ, તેમણે પુરવાર કર્યું કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ, એક સંપૂર્ણ મનુષ્ય માટે યહોવા પ્રત્યે પોતાની વફાદારી જાળવવી શક્ય છે.

પ્રેમથી પ્રેરાઈને યહોવાએ પોતાના પુત્રને પૃથ્વી પર મોકલ્યો (ફકરો ૧૩ જુઓ)

૧૪, ૧૫. ઈસુના બલિદાનથી મનુષ્યો માટે શું શક્ય બન્યું?

૧૪ આકરી કસોટીઓ સહીને પણ, ઈસુ યહોવાને વફાદાર રહ્યા અને રાજ કરવાના યહોવાના હક્કને ટેકો આપ્યો. ઈસુએ આપણા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું માટે આપણે કેટલા આભારી છીએ! કેમ કે, એના દ્વારા આપણને ઈશ્વરની નવી દુનિયામાં કાયમ માટે જીવવાની તક મળે છે. એ બલિદાન પરથી યહોવા અને ઈસુનો પ્રેમ જોઈ શકાય છે. એ પ્રેમનું વર્ણન કરતા પ્રેરિત પાઊલે લખ્યું: ‘કેમ કે આપણે હજી નિર્બળ હતા, એટલામાં અધર્મીઓ માટે ખ્રિસ્ત યોગ્ય સમયે મરણ પામ્યા. હવે, ન્યાયી માણસ માટે ભાગ્યેજ કોઈ મરે; સારા માણસ માટે તો કોઈ એક કદાચ મરવાને હિંમત પણ બતાવે. પરંતુ, આપણે તો પાપી હતા ત્યારે, ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.’ (રોમ. ૫:૬-૮) પ્રેરિત યોહાને પણ લખ્યું: ‘ઈશ્વરે પોતાના એકનાએક પુત્રને જગતમાં મોકલ્યો, કે આપણે તેનાથી જીવીએ, એ પરથી આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો. આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહિ, પણ તેમણે આપણા પર જે પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત થવા માટે મોકલ્યો, એમાં પ્રેમ છે.’—૧ યોહા. ૪:૯, ૧૦.

૧૫ ઈસુએ કહ્યું, ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહા. ૩:૧૬) યહોવા માટે પોતાના દીકરાનું બલિદાન આપવું ઘણી જ વેદના આપનારું હતું. છતાં તે એમ કરવા તૈયાર હતા. એના પરથી સાબિત થાય છે કે તે મનુષ્યોને કેટલો બધો પ્રેમ કરે છે. એ તો એવો પ્રેમ છે જે હંમેશાં ટકે છે! પ્રેરિત પાઊલે લખ્યું, “મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, ઈશ્વરની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.”—રોમ. ૮:૩૮, ૩૯.

ઈશ્વરના રાજ્યની સત્તા

૧૬. મસીહી રાજ્ય શું છે? એના રાજા તરીકે યહોવાએ કોને નીમ્યા છે?

૧૬ યહોવાની સરકાર, એટલે કે મસીહી રાજ્ય દ્વારા પણ યહોવાએ મનુષ્યો પરના પ્રેમની સાબિતી આપી છે. એમ શા માટે કહી શકાય? કારણ કે યહોવાએ એ સરકારના રાજા તરીકે ઈસુને નીમ્યા છે. ઈસુને પણ મનુષ્યો પર પ્રેમ છે અને તે રાજ કરવા માટે દરેક રીતે લાયક છે. (નીતિ. ૮:૩૧) યહોવાએ ઈસુ જોડે સ્વર્ગમાંથી રાજ કરવા ૧,૪૪,૦૦૦ મનુષ્યોને પસંદ કર્યા છે. સ્વર્ગમાં જવા તેઓ સજીવન થાય છે ત્યારે, તેઓ પૃથ્વી પરના જીવનનો અનુભવ સાથે લેતા જાય છે. (પ્રકટી. ૧૪:૧) યાદ કરો કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમના શિક્ષણનો મુખ્ય વિષય ઈશ્વરનું રાજ્ય હતું. તેમણે શિષ્યોને આ પ્રાર્થના શીખવી હતી: ‘ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ (માથ. ૬:૯, ૧૦) આપણે એ સમયની રાહ જોઈ રહ્યા છીએ, જ્યારે એવી પ્રાર્થનાઓ મુજબ યહોવાની સરકાર આખી માનવજાતને ઘણા આશીર્વાદો આપશે.

૧૭. મનુષ્યના અને ઈસુના રાજમાં કયો ફરક છે?

૧૭ ઈસુના પ્રેમાળ રાજમાં અને આજે ચાલી રહેલા મનુષ્યના રાજમાં આભ-જમીનનો ફરક છે. મનુષ્યના રાજમાં ઘણાં યુદ્ધો થયા છે, જેના લીધે કરોડો લોકો માર્યા ગયા છે. જ્યારે કે આપણા રાજા ઈસુ તો પોતાના પ્રજાજનોની દિલથી પરવા કરે છે અને યહોવાના સુંદર ગુણોને અનુસરે છે. ખાસ કરીને યહોવાના પ્રેમના ગુણને. (પ્રકટી. ૭:૧૦, ૧૬, ૧૭) ઈસુએ કહ્યું હતું: ‘ઓ સખત મજૂરી કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતાના પર લો અને મારી પાસેથી શીખો; કેમ કે હું દિલમાં નમ્ર તથા દીન છું અને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમ કે મારી ઝૂંસરી સહેલી છે અને મારો બોજો હલકો છે.’ (માથ. ૧૧:૨૮-૩૦) પ્રેમથી પ્રેરાઈને ઈસુએ કેટલું સુંદર વચન આપ્યું છે!

૧૮. (ક) ૧૯૧૪થી શું કરવામાં આવી રહ્યું છે? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૮ બાઇબલની ભવિષ્યવાણીઓ સાબિત કરે છે કે ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં ૧૯૧૪થી શરૂ થઈ ગયું છે. એ સમયથી લઈને અત્યાર સુધી, એ લોકોને એકઠા કરવામાં આવી રહ્યા છે, જેઓ ઈસુની સાથે રાજ કરવાના છે. ઉપરાંત, આ જગતના અંતમાંથી બચીને, નવી દુનિયામાં જનારા “મોટી સભા”ના લોકોને પણ એકઠા કરવામાં આવી રહ્યા છે. (પ્રકટી. ૭:૯, ૧૩, ૧૪) આજે “મોટી સભા” કેટલી વિશાળ બની ગઈ છે? યહોવા તેઓ પાસેથી કેવી અપેક્ષા રાખે છે? આવતા લેખમાં આપણે એ પ્રશ્નોની ચર્ચા કરીશું.