તમારા તરુણોને યહોવાની ભક્તિ કરવાનું શીખવો
‘ઈસુ જ્ઞાનમાં તથા કદમાં અને ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વધતા ગયા.’—લુક ૨:૫૨.
૧, ૨. (ક) બાળકો તરુણ થાય ત્યારે કેટલાક માબાપને કઈ ચિંતા સતાવતી હોય છે? (ખ) બાળકો પોતાની તરુણ ઉંમરમાંથી કઈ રીતે ફાયદો મેળવી શકે છે?
કોઈ પણ માબાપ માટે પોતાના તરુણને તેનું જીવન યહોવાને સમર્પણ કરતા જોવો એક અનેરો આનંદ છે. બહેન બૅરનિસે એ લાગણી અનુભવી છે. તેમને ચાર બાળકો છે, જેઓ ૧૪ વર્ષની ઉંમરનાં થયાં એ પહેલાં બાપ્તિસ્મા પામ્યાં. બહેન જણાવે છે, ‘એ મારા જીવનની સૌથી લાગણીમય ઘડી હતી. અમારાં બાળકો યહોવાની સેવા કરવા માંગે છે, એ જોઈને અમે યહોવાના ખૂબ આભારી હતાં. જોકે, અમને એ પણ ખબર હતી કે તરુણો તરીકે તેઓએ ઘણા પડકારોનો સામનો કરવો પડશે.’ જો તમારું સંતાન પણ તરુણ હોય અથવા તરુણ થવાનું હોય, તો તમને પણ એવી ચિંતા સતાવતી હશે.
૨ બાળકોનાં વર્તન પર અભ્યાસ કરનાર એક મનોવૈજ્ઞાનિકનું કહેવું છે કે બાળકોની તરુણ ઉંમર, માબાપ અને બાળકો, બંને માટે મુશ્કેલીભર્યો સમય બની શકે. પરંતુ, માબાપે એમ ન વિચારવું જોઈએ કે તેઓનું બાળક મૂર્ખ કે નાદાન છે. એ નિષ્ણાતનું કહેવું છે કે, તરુણ વયનાં બાળકો નવું નવું વિચારનારાં અને ઘણાં લાગણીશીલ હોય છે. એ વર્ષોમાં તેઓએ દોસ્તો સાથે વધુ સમય વિતાવવાની જરૂર હોય છે. તેથી, સમજી શકાય કે બાળક તરુણ બને ત્યારથી જ યહોવા સાથે ગાઢ મિત્રતા બાંધી શકે છે. ઈસુ સાથે એવું જ બન્યું હતું. તે તરુણ હતા ત્યારથી જ તેમણે યહોવા સાથે મિત્રતા બાંધી હતી. (લુક ૨:૫૨ વાંચો.) બાળક તરુણ થાય એ સમયગાળામાં ખુશખબર જણાવવાની તેની કળા નીખરી શકે છે. અને યહોવાની સેવામાં વધુ કરવાની તેની ઇચ્છા પ્રબળ બની શકે છે. એટલું જ નહિ, એ ઉંમરમાં તે જાતે નિર્ણયો લઈ શકે છે. જેમ કે, યહોવાને પોતાનું જીવન સમર્પણ કરવાનો અને તેમના માર્ગમાં ચાલવાનો નિર્ણય તે લઈ શકે છે. તેથી, જો તમારું બાળક તરુણ હોય, તો તમે તેને યહોવાની સેવા કરવાનું કઈ રીતે શીખવી શકો? ઈસુએ પ્રેમ, નમ્રતા અને સમજશક્તિ વાપરીને પોતાના શિષ્યોને શીખવ્યું હતું. તમે પણ તમારા તરુણોને શીખવવામાં ઈસુને અનુસરી શકો.
તમારા તરુણોને પ્રેમ બતાવો
૩. શિષ્યો શાના પરથી જાણી શક્યા કે ઈસુ તેઓના મિત્ર છે?
૩ ખરું કે, શિષ્યો માટે ઈસુ એક માલિક જેવા હતા. છતાં, ઈસુ તેઓ સાથે એક માલિકની જેમ નહિ, પણ એક મિત્રની જેમ વર્ત્યા. (યોહાન ૧૫:૧૫ વાંચો.) બાઇબલના જમાનામાં સામાન્ય રીતે માલિકો તેઓના ચાકરોને પોતાનાં વિચારો અને લાગણીઓ જણાવવાનું પસંદ ન કરતા. જ્યારે કે, ઈસુ તો ખુશી ખુશી પોતાનાં વિચારો અને લાગણીઓ શિષ્યોને જણાવતાં. એ જ રીતે, જ્યારે શિષ્યો પોતાનાં વિચારો અને લાગણીઓ ઈસુને જણાવતા, ત્યારે તે ધ્યાનથી સાંભળતા. ઈસુને પોતાના પ્રેરિતો પર પ્રેમ હતો અને તેઓ સાથે તે ઘણો સમય વિતાવતા. (માર્ક ૬:૩૦-૩૨) ઈસુ અને શિષ્યો વચ્ચેની એ વાતચીતથી તેઓની મિત્રતા વધુ ગાઢ બની. એ દોસ્તીને લીધે પ્રેરિતો ભાવિમાં મળનાર જવાબદારી માટે તૈયાર થઈ શક્યા.
૪. માતાપિતાઓ, તમારાં બાળકોના દોસ્તો બનવા તમે શું કરી શકો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૪ ખરું કે, માબાપ તરીકે તમને બાળકો પર પૂરો અધિકાર છે. છતાં, તમે તેઓના મિત્રો પણ બની શકો છો. મિત્રો એકબીજા સાથે ઘણો સમય પસાર કરે છે. તેથી, તમે નોકરી-ધંધા કે બીજાં કામોમાંથી સમય કાઢીને બાળકોને સમય આપવાનો પ્રયત્ન કરો. એમ કરવું બહુ જરૂરી છે, એટલે એ વિશે પ્રાર્થના કરો અને ગંભીરતાથી વિચારો. બીજું કે, મિત્રોનાં રસ-રુચિ એક જેવાં હોવાથી તેઓ સાથે મળીને એનો આનંદ ઉઠાવતા હોય છે. તેથી, એ જાણવાનો પ્રયત્ન કરો કે તમારા તરુણોને શામાં મજા આવે છે. જેમ કે, તેઓને કેવાં ગીતો, ફિલ્મો અથવા રમતો ગમે છે. એ જાણ્યા પછી તેઓ સાથે મળીને એનો આનંદ માણી શકો. ઇટલીમાં રહેતાં ઈલેરિયા જણાવે છે: ‘હું જે ગીતો સાંભળતી એમાં મારાં મમ્મી-પપ્પા પણ રસ લેતાં. અરે, પપ્પા તો મારા બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા. એટલે, હું તેમની સાથે મારી કોઈ પણ વાત દિલ ખોલીને કરી શકતી. પછી ભલેને એ વાત ગમે તેટલી અંગત કેમ ન હોય!’ બાળકોના દોસ્ત બનવાથી અને તેઓને યહોવાના મિત્રો બનવામાં મદદ કરવાથી, તમારો તેઓ પરનો અધિકાર જતો રહેતો નથી. (યાકૂ. ૨:૨૩) અરે, એનાથી તો તમારાં બાળકો જોઈ શકશે કે તમે તેઓને પ્રેમ કરો છો અને તમને તેઓ માટે માન છે. એ પછી, તેઓ સાથે કોઈ પણ વિષય પર વાત કરવી તમારા માટે સહેલી બનશે.
૫. યહોવાની સેવામાં સાચું સુખ મેળવવા ઈસુના શિષ્યોએ શું કરવાનું હતું?
૫ ઈસુ જાણતા હતા કે જો તેમના શિષ્યો યહોવાની ભક્તિમાં ઉત્સાહી બનશે અને ખુશખબર ફેલાવવામાં વ્યસ્ત રહેશે, તો તેઓ ખરા અર્થમાં સુખી થશે. તેથી, ઈસુએ તેઓને પ્રચારકાર્યમાં મહેનતુ બનવાનું ઉત્તેજન આપ્યું. એટલું જ નહિ, તેમણે તેઓને એ વચન પણ આપ્યું કે તે તેઓને એમાં મદદ કરશે.—માથ. ૨૮:૧૯,૨૦.
૬, ૭. યહોવાની ભક્તિમાં નિયમિત રહેવાનું શીખવીને તમે કઈ રીતે બાળકોને પ્રેમ બતાવો છો?
૬ તમે ચાહો છો કે તમારાં તરુણો યહોવા સાથે સારી મિત્રતા બનાવી રાખે. અને યહોવા ચાહે છે કે તમે બાળકોને તાલીમ અને શિસ્ત આપો. તેમણે એમ કરવાનો તમને અધિકાર પણ આપ્યો છે. (એફે. ૬:૪) તેથી, તમારાં બાળકોને નિયમિત રીતે તાલીમ મળે એની ખાતરી કરવાની જવાબદારી તમારી છે. જરા વિચારો કે તેઓ નિયમિત સ્કૂલે જાય એની તમે ખાતરી કરો છો. કારણ કે, તમને ખબર છે કે તેઓનું ભણતર મહત્ત્વનું છે. તમે ચાહશો કે તેઓ નવી નવી વાતો શીખવાનો આનંદ ઉઠાવે. એવી જ રીતે, તમારે ખાતરી કરવી જોઈએ કે બાળકો સભાઓમાં, સંમેલનોમાં અને કુટુંબ તરીકેની ભક્તિમાં પૂરો ભાગ લે. આખરે તો યહોવા તરફથી મળતું શિક્ષણ જ તેઓનું જીવન બચાવી શકે એમ છે. એટલે, તેઓને યહોવા વિશે શીખવામાં આનંદ આવે એ માટે મદદ કરો. યહોવા જ તેઓને સાચું જ્ઞાન આપી શકે છે એ અહેસાસ તેઓને કરાવો. (નીતિ. ૧૯:૮) ઉપરાંત, બાળકોને નિયમિત રીતે પ્રચારમાં જવાનું શીખવો. ઈસુના દાખલાને અનુસરીને તેઓને મદદ કરો, જેથી તેઓ લોકોને બાઇબલમાંથી શીખવવામાં આનંદ માણી શકે.
૭ બાઇબલના અભ્યાસમાં, સભાઓમાં અને પ્રચારમાં નિયમિત રહેવું, કઈ રીતે તરુણો માટે સારું છે? દક્ષિણ આફ્રિકામાં રહેતાં બહેન એરિન જણાવે છે: ‘બાળકો તરીકે અમને બાઇબલ અભ્યાસ કરવામાં અને સભાઓમાં તેમજ પ્રચારમાં જવામાં જોર આવતું અને અમે બહાનાં શોધતાં. કેટલીક વાર તો અમે જાણીજોઈને એવું કંઈક કરતા, જેથી કૌટુંબિક બાઇબલ અભ્યાસમાંથી છટકી શકીએ. જોકે, અમારાં મમ્મી-પપ્પાએ ક્યારેય હાર માની નહિ.’ એરિનનાં મમ્મી-પપ્પાએ તેને અહેસાસ કરાવ્યો કે એ બધું કેટલું જરૂરી છે. એ માટે એરિન પોતાનાં મમ્મી-પપ્પાનો ખૂબ આભાર માને છે. હવે, કોઈ કારણસર એરિન સભામાં અથવા પ્રચારમાં ભાગ લેવાનું ચૂકી જાય ત્યારે, તે પ્રયત્ન કરે છે કે બને તેટલું જલદી પોતાના નિત્યક્રમમાં પાછાં આવી જાય.
નમ્રતાનો દાખલો બેસાડો
૮. (ક) ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે નમ્ર છે? (ખ) ઈસુની નમ્રતાની શિષ્યો પર કેવી અસર પડી?
૮ સંપૂર્ણ હોવા છતાં ઈસુએ શિષ્યો આગળ નમ્રતાથી સ્વીકાર્યું કે મદદ માટે તે પોતે પણ યહોવા પર આધાર રાખે છે. (યોહાન ૫:૧૯ વાંચો.) શું એમ જણાવવાથી શિષ્યોની નજરમાં ઈસુનું માન ઘટી ગયું? ના. એના બદલે, ઈસુએ જ્યારે પણ મદદ માટે યહોવાનો આશરો લીધો, ત્યારે ઈસુ પર શિષ્યોનો ભરોસો વધતો ગયો. આમ, સમય જતાં તેઓ પોતે પણ ઈસુનાં પગલે ચાલીને નમ્રતા બતાવી શક્યા.—પ્રે.કૃ. ૩:૧૨, ૧૩, ૧૬.
૯. તમને ભૂલ કબૂલ કરતા અને ભૂલ માટે અફસોસ વ્યક્ત કરતા જોઈને તરુણો પર કેવી અસર પડે છે?
૯ ઈસુની જેમ આપણે સંપૂર્ણ નથી, એટલે ઘણી વાર ભૂલો કરીએ છીએ. તેથી, વિચારો કે આપણું નમ્ર હોવું કેટલું વધારે જરૂરી છે! આપણે એ સ્વીકારવું જોઈએ કે, એવી ઘણી બાબતો છે જે આપણે કરી શકતા નથી અને ભૂલો કરી બેસીએ છીએ. (૧ યોહા. ૧:૮) તમારાં બાળકો તમને ભૂલ કબૂલ કરતા જોશે ત્યારે, તેઓ પણ પોતાની ભૂલો સ્વીકારવાનું શીખશે. અરે, તમારા પ્રત્યે તેઓનું માન વધશે. વિચારો કે તમે કેવા બૉસને વધારે માન આપશો? એવા બૉસને જે પોતાની ભૂલો કબૂલે કે પછી, એવાને જે કદીયે ન કબૂલે! ચાલો બહેન રોઝમૅરીનો દાખલો જોઈએ. તેમને ત્રણ બાળકો છે. તેમનું કહેવું છે કે તે અને તેમના પતિ પોતાની ભૂલો કબૂલવાનું વલણ હંમેશાં બતાવે છે. રોઝમૅરી જણાવે છે, ‘એવું વલણ રાખવાથી, અમારાં બાળકો તેઓની કોઈ પણ મુશ્કેલી વિશે દિલ ખોલીને અમને જણાવે છે.’ બહેન આગળ જણાવે છે: ‘અમે બાળકોને એ જોવા મદદ કરી છે કે તેઓની મુશ્કેલીનો સૌથી સારો ઉપાય ક્યાંથી મળી શકે. તેઓને જ્યારે પણ કોઈ મદદની જરૂર પડતી, ત્યારે અમે તેઓને આપણાં બાઇબલ આધારિત સાહિત્ય તરફ દોરતાં. પછી, તેઓ સાથે ભેગા મળીને અમે પ્રાર્થના કરતાં.’
૧૦. શિષ્યોને આજ્ઞા આપતી વખતે ઈસુ કઈ રીતે નમ્રતા બતાવતા?
૧૦ ઈસુને પોતાના શિષ્યો પર અધિકાર હતો માટે તે હક્કથી તેઓને જણાવતા કે તેઓએ શું કરવું જોઈએ. પરંતુ, નમ્રતાના ગુણને લીધે તે એ પણ જણાવતા કે તેઓએ એમ શા માટે કરવું જોઈએ. દાખલા તરીકે, ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે પહેલાં ઈશ્વરના રાજ્યને શોધો. ત્યારે તેમણે એ પણ જણાવ્યું કે એમ શા માટે કરવું જોઈએ. તેમણે કહ્યું: “એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.” ઉપરાંત, જ્યારે ઈસુએ શિષ્યોને જણાવ્યું કે બીજાઓનો વાંક કાઢવાનું બંધ કરો, ત્યારે તેમણે એની પાછળનું કારણ પણ આપ્યું: “કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે.”—માથ. ૬:૩૧–૭:૨.
૧૧. તરુણો માટે તમે કોઈ નિયમ કે નિર્ણય લો, ત્યારે એની પાછળનું કારણ જણાવવામાં શા માટે સમજદારી છે?
૧૧ તમે પોતાના તરુણો માટે કોઈ નિયમ બનાવો કે કોઈ નિર્ણય લો, ત્યારે યોગ્ય સમયે તેઓને એનું કારણ પણ જણાવો. એ કારણ સમજ્યા પછી તેઓને તમારા કહ્યા પ્રમાણે કરવાનું મન થશે. બૅરી નામનાં બહેને પોતાનાં ચાર બાળકોનો ઉછેર કર્યો છે. તે જણાવે છે: ‘તરુણ વયનાં બાળકોને કોઈ વાત પાછળનું કારણ સમજાવવાથી, તેઓ તમારા પર ભરોસો મૂકવા લાગે છે.’ એમ કરવાથી તરુણો જોઈ શકશે કે, તમે કોઈ નિર્ણય અથવા નિયમને અધિકારને લીધે નહિ, પણ એક સારા કારણને લીધે બનાવ્યો છે. તમે એ પણ ભૂલશો નહિ કે તમારા તરુણો હવે કંઈ નાનાં બાળકો નથી. હવે, તેઓ જાતે પોતાનો ખ્યાલ રાખવાનું શીખી રહ્યા છે અને તેઓ જાતે નિર્ણયો લેવા ચાહશે. (રોમ. ૧૨:૧) બહેન બૅરી જણાવે છે કે, ‘તરુણોએ પોતાના નિર્ણયો લાગણીવશ થઈને નહિ, પણ ઠોસ કારણોને આધારે લેવા જોઈએ.’ (ગીત. ૧૧૯:૩૪) તેથી, નમ્રતા બતાવતા તેઓને તમારા નિર્ણય પાછળનું કારણ સમજાવો. એમ કરવાથી તરુણો જાતે સારા નિર્ણય લેતા શીખશે. એટલું જ નહિ, તેઓ એ પણ જોઈ શકશે કે તમે તેઓના નિર્ણયને માન આપો છો અને સમજો છો કે તેઓ હવે મોટા થઈ રહ્યા છે.
સમજદારી બતાવો, તમારા તરુણોને સમજો
૧૨. પીતરને મદદ આપવા ઈસુએ પોતાની સમજશક્તિનો કઈ રીતે ઉપયોગ કર્યો?
૧૨ સમજશક્તિથી ભરપૂર હોવાને કારણે ઈસુ સમજી જતા કે પોતાના શિષ્યોને શાની જરૂર છે. દાખલા તરીકે, ઈસુએ શિષ્યોને જણાવ્યું કે તે હવે મરણ પામશે. ત્યારે પીતર તેમને પોતાના પર દયા કરવા જણાવે છે. પીતરનો પ્રેમ ઈસુ જોઈ શકતા હતા. પરંતુ, ઈસુ એ પણ સમજતા હતા કે પીતરનું એમ વિચારવું ખોટું છે. ઈસુએ કઈ રીતે પીતરને અને બીજા શિષ્યોને મદદ આપી? પહેલા તો, ઈસુએ પીતરના વિચારોમાં સુધારો લાવવા મદદ કરી. પછી, ઈસુએ સમજાવ્યું કે એ બધા લોકોનું શું થશે, જેઓ યહોવાની આજ્ઞા અઘરી લાગતી હોવાથી એને પડતી મૂકે છે. ઈસુએ એ પણ જણાવ્યું કે યહોવાની ઇચ્છા પ્રમાણે કરવા જેઓ કંઈ પણ જતું કરવાની ભાવના બતાવે છે તેઓને કેવા આશીર્વાદો મળે છે. (માથ. ૧૬:૨૧-૨૭) એના પરથી પીતર સમજી ગયા કે તેમને ક્યાં સુધારો કરવાની જરૂર છે.—૧ પીત. ૨:૨૦, ૨૧.
૧૩, ૧૪. (ક) શાના પરથી લાગી શકે કે તમારા તરુણનો વિશ્વાસ મજબૂત કરવાની જરૂર છે? (ખ) તમારાં દીકરા કે દીકરીને કઈ મદદની જરૂર છે, એ કઈ રીતે શોધી શકો?
૧૩ તમારા તરુણોને શાની જરૂર છે, એ પારખવા યહોવા પાસે પ્રાર્થનામાં સમજશક્તિ માંગો. (ગીત. ૩૨:૮) કદાચ તમારા ધ્યાનમાં આવ્યું હોય કે તમારો તરુણ યહોવાની ભક્તિ કરવામાં પહેલાં જેટલો ખુશ નથી અથવા તે ભાઈ-બહેનો વિશે સારું બોલતો નથી. કદાચ તમને એમ પણ લાગે કે તે તમારાથી કંઈક છુપાવી રહ્યો છે. એવા કિસ્સામાં એમ વિચારવાની ઉતાવળ ન કરો કે તે છાનીછૂપી રીતે કોઈ ખરાબ કામ કરી રહ્યો છે. * જોકે, એ વિશે આંખઆડા કાન પણ ન કરશો. અથવા સમય જતાં એ બધું ઠીક થઈ જશે એમ પણ ન વિચારશો. કદાચ, તમારે તેનો વિશ્વાસ મજબૂત કરવા તેને મદદ આપવાની જરૂર છે.
૧૪ તમારા તરુણને કઈ રીતે મદદ કરી શકાય એ પારખી લો. એ માટે પ્રેમ અને આદરથી તેને સવાલો પૂછો. એ જાણે કૂવામાંથી પાણી બહાર કાઢવા જેવું છે. જો તમે પાણી જલદી જલદી બહાર કાઢવાનો પ્રયત્નો કરશો, તો તમારી ડોલમાં વધારે પાણી નહિ આવે. એવી જ રીતે, બાળકોને પ્રશ્નો નીતિવચનો ૨૦:૫ વાંચો.) ઈલેરિયાને યાદ છે કે તે તરુણ હતાં ત્યારે સ્કૂલના દોસ્તો સાથે વધારે સમય પસાર કરવાનું તેમને મન થતું. જોકે, તે એ પણ જાણતાં હતાં કે એમ કરવું સારું ન કહેવાય. તેમનાં મમ્મી-પપ્પા જોઈ શક્યાં કે તે કોઈ વાતને લઈને મૂંઝાઈ રહ્યાં હતાં. ઈલેરિયા જણાવે છે: ‘એક સાંજે, મમ્મી-પપ્પાએ મને ફક્ત એટલું જ કહ્યું કે, કેટલાક દિવસથી તેઓ મને થોડી ગુમસૂમ જોઈ રહ્યાં છે. તેઓએ પૂછ્યું કે મને શું સતાવે છે. એ સાંભળતાં જ હું રડી પડી અને મેં મારી મૂંઝવણ તેઓને જણાવી. તેઓ મને ભેટી પડ્યાં અને વહાલ કરતાં કહ્યું કે મારી લાગણીઓ તેઓ સમજે છે અને મને ચોક્કસ મદદ કરશે.’ પછી, ઈલેરિયાનાં મમ્મી-પપ્પાએ તેમને મંડળમાંથી સારા મિત્રો બનાવવા મદદ કરી.
પૂછતી વખતે ધીરજ બતાવવાની જરૂર છે. જો તમે અધીરા બનશો કે પછી તેની પાસેથી જવાબ કઢાવવા જબરદસ્તી કરશો, તો તમે એ નહિ જાણી શકો કે તે ખરેખર શું વિચારે છે અને કેવું અનુભવે છે. (૧૫. સમજાવો કે ઈસુએ બીજાઓ સાથેના વર્તનમાં કઈ રીતે સમજદારીથી કામ લીધું.
૧૫ ઈસુએ પોતાના શિષ્યોના સારા ગુણો જોવામાં પણ સમજશક્તિનો ઉપયોગ કર્યો. દાખલા તરીકે, ઈસુ નાઝરેથના છે એ સાંભળ્યું ત્યારે નાથાનાએલે કહ્યું: “શું નાઝારેથમાંથી કંઈ સારું નીકળી શકે?” (યોહા. ૧:૪૬) જો તમે ત્યાં હોત તમને કેવું લાગ્યું હોત? શું તમે એવું વિચાર્યું હોત કે નાથાનાએલ ઈસુ વિરુદ્ધ બોલે છે? અથવા તે ભેદભાવ રાખે છે, કે પછી તેને વિશ્વાસ નથી? ઈસુએ એવું ન વિચાર્યું. એને બદલે, તેમણે સમજદારીથી કામ લીધું. તેમણે નાથાનાએલમાં પ્રમાણિકતાનો ગુણ જોયો. તેથી, ઈસુએ કહ્યું: “જુઓ, આ ખરેખરો ઈસ્રાએલી છે, તેનામાં કંઈ પણ કપટ નથી!” (યોહા. ૧:૪૭) ઈસુ તો કોઈનું પણ દિલ વાંચી શકતા હતા. પોતાની એ ક્ષમતાનો ઉપયોગ તેમણે લોકોમાં સારા ગુણો જોવામાં કર્યો.
૧૬. તમારા તરુણને સુધારો કરવાનું ઉત્તેજન આપવા તમે શું કરી શકો?
૧૬ ભલે તમે ઈસુની જેમ લોકોના મન વાંચી શકતા નથી, પણ તમારી સમજશક્તિ જરૂર વાપરી શકો છો. યહોવા તમને તમારા તરુણોમાં સારા ગુણો જોવા મદદ કરી શકે છે. તમારો તરુણ તમને નિરાશ કરે ત્યારે, કદીયે એમ ન કહેશો કે તે ખરાબ છે અથવા મુસીબતો ઊભી કરનાર છે. અરે, તમારા મનમાં પણ એવું વિચારશો નહિ. એને બદલે, તેને જણાવો કે તમે તેનામાં સારા ગુણો જોઈ શકો છો અને તમને ખાતરી છે કે તે જે સારું છે એ જ કરવા ચાહે છે. તેનામાં જો તમે કોઈ સુધારો જુઓ, તો એને ધ્યાનમાં લો અને શાબાશી આપો. તેના એ સારા ગુણને વિકસાવવા મદદ આપો. એ માટે, શક્ય હોય ત્યારે તેને વધારે જવાબદારી સોંપો. ઈસુએ પોતાના શિષ્યો સાથે એવું જ કર્યું હતું. નાથાનાએલ, જે બારથલમી પણ કહેવાતા, તેમને મળ્યાને દોઢ વર્ષ પછી ઈસુએ તેમને એક મહત્ત્વની જવાબદારી સોંપી. ઈસુએ તેમને પ્રેરિત બનાવ્યા અને તેમણે એ જવાબદારી વફાદારીથી નિભાવી. (લુક ૬:૧૩, ૧૪; પ્રે.કૃ. ૧:૧૩, ૧૪) તેથી, તમારા તરુણને કદીએ એવું ન લાગવા દેશો કે તે જે કરી રહ્યો છે, એ પૂરતું નથી. તેના પ્રયત્નોના વખાણ કરો અને ઉત્તેજન આપો. તેને અહેસાસ કરાવો કે તે તમને અને યહોવાને ખુશ કરી શકે છે. અને તે યહોવાની સેવામાં પોતાની આવડતો વાપરી શકે છે.
તાલીમ જે અનેરો આનંદ આપે છે
૧૭, ૧૮. તરુણોને યહોવાની સેવા કરવાની તાલીમ આપતા રહેશો તો, કેવાં પરિણામો આવશે?
૧૭ તમને કદાચ પ્રેરિત પાઊલ જેવું લાગી શકે. તે જેઓને પોતાનાં બાળકો સમાન ગણતા હતા, તેઓની તે ખૂબ ચિંતા કરતા હતા. તેઓને યહોવા વિશે શીખવા તેમણે મદદ કરી હતી. પાઊલને તેઓ પર ખૂબ પ્રેમ હતો. તેઓમાંનું કોઈ યહોવાની સેવા કરવાનું છોડી દેશે, એવો વિચાર પણ તેમને દુઃખ પહોંચાડતો. (૨ કોરીં. ૨:૪; ૧ કોરીં. ૪:૧૫) વિક્ટર ભાઈએ ત્રણ બાળકો મોટાં કર્યાં છે. તે જણાવે છે કે ‘તરુણ વયનાં બાળકો ઉછેરવાં અમારી માટે આસાન ન હતું. જોકે, માબાપ તરીકે અમે જે પડકારોનો સામનો કર્યો, એ અમને મળેલી ખુશીની સામે કંઈ જ ન હતા. યહોવાની મહેરબાનીથી અમે અમારાં બાળકો સાથે ગાઢ મિત્રતાનો આનંદ માણી શક્યાં.’
૧૮ માતાપિતાઓ, તમે તમારાં બાળકોને તાલીમ આપવામાં સખત મહેનત કરો છો. કેમ કે, તમે તેઓને ખૂબ ચાહો છો. તેઓને યહોવાના જ્ઞાનમાં ઉછેરવામાં કદી હાર માનશો નહિ. જરા વિચારો કે, તમારાં બાળકો યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લેશે અને વફાદારીથી તેમની સેવા કરતા રહેશે ત્યારે, તમને કેટલી બધી ખુશી થશે!—૩ યોહા. ૪.
^ ફકરો. 13 માતાપિતાઓ, તમે ચાહો તો આ સાહિત્યમાંથી મદદ લઈ શકો: સપ્ટેમ્બર ૧, ૨૦૦૭ના ચોકીબુરજમાં પાન ૨૯, ફકરો ૧૨ અને પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, (અંગ્રેજી) ભાગ ૨, પાન ૧૩૬-૧૪૧ જુઓ.