સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨૦૧૩ની સુધારેલી આવૃત્તિમાં કયા મુખ્ય ફેરફારો છે?

૨૦૧૩ની સુધારેલી આવૃત્તિમાં કયા મુખ્ય ફેરફારો છે?

વર્ષો દરમિયાન, અંગ્રેજી ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલમાં અમુક ફેરફારો કરીને, એની કેટલીક નવી આવૃત્તિઓ બહાર પાડવામાં આવી છે. પરંતુ, એ બધામાંથી ૨૦૧૩ની આવૃત્તિમાં સૌથી વધુ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે, એમાં લગભગ ૧૦ ટકા ઓછા શબ્દો જોવા મળે છે. બાઇબલમાં જોવા મળતા અમુક મુખ્ય શબ્દો બદલવામાં આવ્યા છે. અમુક અધ્યાયો કવિતાના રૂપમાં મૂકવામાં આવ્યા છે. ઉપરાંત, સ્પષ્ટ સમજણ આપતી ઘણી ફૂટનોટ પણ આપવામાં આવી છે. એ બધા ફેરફારોની ચર્ચા આ લેખમાં કરવી શક્ય નથી. પરંતુ, ચાલો આપણે એમાંના અમુક મુખ્ય ફેરફારો વિશે જોઈએ.

બાઇબલમાં જોવા મળતા કયા મુખ્ય શબ્દપ્રયોગો બદલવામાં આવ્યા છે? પાછલા લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમ “શેઓલ,” “હાડેસ” અને “જીવ” માટેના શબ્દોને બદલવામાં આવ્યા છે. ઉપરાંત, બીજા અમુક શબ્દપ્રયોગોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

દાખલા તરીકે, ઈસુને જે રીતે મારી નાખવામાં આવ્યા, એ દર્શાવવા જે અંગ્રેજી શબ્દ (Impaled) વપરાતો એનો અર્થ થાય: “કોઈ અણીદાર વસ્તુ ભોંકી દેવી.” પણ એનાથી વાચકોના મનમાં ખોટું ચિત્ર ઊભું થતું. તેથી, આ આવૃત્તિમાં અંગ્રેજીના એવા શબ્દપ્રયોગો વાપરવામાં આવ્યા જેનો અર્થ થાય: “વધસ્તંભે ચઢાવવું” અથવા “વધસ્તંભે ખીલાથી જડી દેવું.” (માથ. ૨૦:૧૯; ૨૭:૩૧) ઉપરાંત, ગ્રીક શબ્દ “અસેલગિયા” માટે અંગ્રેજીમાં જે શબ્દ (Loose conduct) વાપરવામાં આવ્યો હતો, એનો અર્થ થાય, “ચરિત્રહીન કૃત્યો.” પરંતુ, મૂળ ગ્રીક શબ્દનો ખરો અર્થ આપવા અંગ્રેજીમાં એવો શબ્દ (Brazen conduct) વાપરવામાં આવ્યો, જેનો અર્થ થાય “એકદમ બેશરમ કામો.” વધુમાં, “સહનશીલતા” માટે અંગ્રેજીમાં જે શબ્દ (Long-suffering) વપરાતો એનો અર્થ “ધીરજ” થાય. જોકે, એ શબ્દનો બીજો પણ એક અર્થ થઈ શકે કે “લાંબા સમયથી દુઃખી.” એ ખોટો અર્થ છે. એટલે, અંગ્રેજીમાં “સહનશીલતા” (Long-suffering) શબ્દને બદલે “ધીરજ” (Patience) શબ્દ મૂકવામાં આવ્યો. એ જ પ્રમાણે “વિલાસ” (Revelries) શબ્દને બદલે “બેફામ મિજબાનીઓ” (Wild parties) શબ્દ વાપરવામાં આવ્યો છે, જેથી આજના સમયના લોકોને સહેલાઈથી સમજ પડે.—ગલા. ૫:૧૯-૨૨.

અગાઉ હિબ્રૂ અને ગ્રીકના અમુક શબ્દો માટે અંગ્રેજીમાં અમુક શબ્દો નક્કી કરી દેવામાં આવ્યા હતા અને દરેક જગ્યાએ એ જ શબ્દો વાપરવામાં આવતા. જોકે, હવે સંદર્ભ પ્રમાણે બંધબેસતા અંગ્રેજી શબ્દો મૂકવામાં આવ્યા છે. દાખલા તરીકે, હિબ્રૂ શબ્દ “ઓહલામ”નો અર્થ “સદાકાળ” તરીકે થઈ શકે. જોકે, સંદર્ભ પ્રમાણે ગીતશાસ્ત્ર ૯૦:૨માં “સદાકાળ” અને મીખાહ ૫:૨માં એને “એક ચોક્કસ સમયગાળા” તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

હિબ્રૂ અને ગ્રીકના એક શબ્દનો અનુવાદ અંગ્રેજીમાં “બીજ” (Seed) તરીકે કરવામાં આવ્યો છે. કલમોમાં એ ઘણી વાર ખેતીવાડી અને વનસ્પતિ તેમજ “સંતાન”ના સાંકેતિક અર્થ માટે વપરાયો છે. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની જૂની આવૃત્તિઓમાં ઉત્પત્તિ ૩:૧૫ અને બીજી કલમોમાં “બીજ” શબ્દ જાળવી રાખવામાં આવ્યો હતો. જોકે, હવે અંગ્રેજી ભાષામાં “બીજ” શબ્દનો ઉપયોગ “સંતાન”ને રજૂ કરવા માટે થતો નથી. તેથી, હવે ઉત્પત્તિ ૩:૧૫ અને એને લગતી બીજી કલમોમાં “બીજ” (Seed) શબ્દને બદલે, “સંતાન” (Offspring) શબ્દ વાપરવામાં આવ્યો છે. (ઉત. ૨૨:૧૭, ૧૮; પ્રકટી. ૧૨:૧૭) બીજી કલમોમાં સંદર્ભ પ્રમાણે શબ્દો વાપરવામાં આવ્યા છે.—ઉત. ૧:૧૧; ગીત. ૨૨:૩૦; યશા. ૫૭:૩.

શા માટે શબ્દેશબ્દ અનુવાદ પામેલા અમુક શબ્દપ્રયોગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે? સારા બાઇબલ અનુવાદની ખાસિયત વિશે ૨૦૧૩ની આવૃત્તિની ઍપેન્ડિક્સ A૧ આમ જણાવે છે: ‘શબ્દેશબ્દ બેઠું ભાષાંતર ખોટું કે પછી ગૂંચવણભર્યું લાગે, ત્યારે એ વાક્યનો મૂળ અર્થ જણાવતું ભાષાંતર કરવામાં આવે છે.’ એ ધ્યાનમાં રાખીને, મૂળ ભાષામાં જે રૂઢિપ્રયોગોનું બેઠું ભાષાંતર સાચો અર્થ આપતું ત્યારે એનું શબ્દેશબ્દ ભાષાંતર કરવામાં આવ્યું છે. દાખલા તરીકે, પ્રકટીકરણ ૨:૨૩માં “દિલને પારખનાર” (Searches the hearts) શબ્દપ્રયોગ વાપરવામાં આવ્યો છે. બીજી ઘણી ભાષાઓમાં પણ એનો શબ્દેશબ્દ અનુવાદ સાચો અર્થ આપે છે. પરંતુ, એ જ કલમમાં બીજો એક શબ્દપ્રયોગ “ગુરદા પારખનાર” (Searches the kidneys) વાપરવામાં આવ્યો છે. અંગ્રેજીની એ કલમમાં “ગુરદા” વ્યક્તિના “મનના ઊંડા વિચારો”ને રજૂ કરે છે. જોઈ શકાય કે એ શબ્દપ્રયોગ સમજવો અઘરો છે. તેથી, અંગ્રેજીમાં “ગુરદા” (Kidneys) શબ્દને બદલે એનો ખરો અર્થ આપતો શબ્દપ્રયોગ “મનના ઊંડા વિચારો” (Innermost thoughts) વાપરવામાં આવ્યો છે. એવાં જ કારણોને લીધે “બેસુનત હોઠો” (Uncircumcised in lips) શબ્દપ્રયોગને બદલે સહેલાઈથી સમજાય એવો શબ્દપ્રયોગ “બોલવામાં તકલીફ પડવી” (Speak with difficulty) મૂકવામાં આવ્યો છે. (નિર્ગ. ૬:૧૨) એ જ રીતે, બીજા અમુક હિબ્રૂ શબ્દો માટે પણ અંગ્રેજીના સહેલા શબ્દપ્રયોગો મૂકવામાં આવ્યા છે. ઉપરાંત, ૨૦૧૩ની આવૃત્તિમાં હિબ્રૂ વ્યાકરણ શૈલીને અંગ્રેજીમાં જાળવવાનો પ્રયત્ન કરાયો નથી, જેથી લખાણ સ્પષ્ટ અને સમજવામાં સહેલું બને.

“ઈસ્રાએલ પુત્રો” અને “પિતા વિનાના છોકરા” શબ્દપ્રયોગોને બદલે, કેમ “ઈસ્રાએલીઓ” અને “પિતા વિનાનાં બાળકો” મૂકવામાં આવ્યા છે? હિબ્રૂ ભાષાનો કોઈ શબ્દ સ્ત્રીજાતિ માટે કે પુરુષજાતિ માટે વપરાયો છે, એ વાક્યના સંદર્ભ પરથી નક્કી થાય છે. પુરુષજાતિના અમુક શબ્દો બંને જાતિ માટે લાગુ પડતા હોય શકે. જેમ કે, “ઈસ્રાએલ પુત્રો” (Sons of Israel) માટેનો શબ્દ. પરંતુ, સંદર્ભ પરથી ખ્યાલ આવે છે કે અમુક કલમોમાં એ શબ્દ સ્ત્રીઓ તેમજ પુરુષો બંનેને લાગુ પડે છે. તેથી, એ શબ્દપ્રયોગને બદલે અંગ્રેજીમાં “ઈસ્રાએલીઓ” (Israelites) શબ્દ વાપરવામાં આવ્યો.—નિર્ગ. ૧:૭; ૩૫:૨૯; ૨ રાજા. ૮:૧૨.

એ જ પ્રમાણે, અગાઉની આપણી આવૃત્તિઓમાં ઉત્પત્તિ ૩:૧૬ની કલમમાં “પુત્રો” (Sons) શબ્દનો અનુવાદ “બાળકો” (Children) તરીકે કરવામાં આવ્યો હતો. પરંતુ, નિર્ગમન ૨૨:૨૪માં એમ કરવામાં આવ્યું ન હતું. તેથી, હવે એ કલમ સુધારીને આમ મૂકવામાં આવી છે, “તમારાં બાળકો [હિબ્રૂ, “પુત્રો”] પિતા વગરના થશે.” એ જ સિદ્ધાંત બીજા કિસ્સાઓમાં પણ લાગુ પાડવામાં આવ્યો છે. હવે, “પિતા વિનાનો છોકરો” (Fatherless boy) શબ્દપ્રયોગને બદલે “પિતા વિનાનું બાળક” (Fatherless child) અથવા “અનાથ” (Orphan) શબ્દો વપરાયા છે. (પુન. ૧૦:૧૮; અયૂ. ૬:૨૭) ગ્રીક સેપ્ટુઆજીંટમાં પણ એ જ રીતે મૂકવામાં આવ્યું હતું.

મૂળ લખાણ કવિતા સ્વરૂપે હોવાથી હવે ઘણા અધ્યાયોને કવિતા સ્વરૂપે મૂકવામાં આવ્યા છે

અમુક અધ્યાયોને શા માટે કવિતાના રૂપમાં મૂકવામાં આવ્યા છે? મૂળ લખાણોમાં બાઇબલના ઘણા અહેવાલો કવિતાના રૂપમાં હતા. આજના સમયની ભાષાઓમાં, લખાણમાં પ્રાસ બેસાડવામાં આવ્યો હોય તો એને કવિતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કે હિબ્રૂ ભાષામાં કવિતા રચવા સરખામણીઓ અને વિરોધાભાસ વપરાય છે. હિબ્રૂ કવિતામાં લય જાળવવા શબ્દોનો પ્રાસ નહિ, પણ વિચારોને તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવવામાં આવે છે.

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની અગાઉની આવૃત્તિઓમાં અયૂબ અને ગીતશાસ્ત્રનાં પુસ્તકોની કલમોને કવિતાની કડીઓના રૂપમાં લખવામાં આવી હતી. કારણ કે એ કલમો ગાવા અથવા મોટેથી ઉચ્ચારવા માટે લખાઈ હતી. કાવ્યાત્મક ભાષા વાપરવાથી મુખ્ય મુદ્દા સહેલાઈથી બહાર તરી આવે છે અને યાદ રાખવા સહેલા બને છે. ૨૦૧૩ની આવૃત્તિમાં નીતિવચનો, ગીતોનું ગીત અને પ્રબોધકોએ લખેલાં પુસ્તકોના ઘણા અધ્યાયોને પણ કવિતાની કડીઓના રૂપમાં મૂકવામાં આવ્યા છે. કેમ? એ દર્શાવવા કે એ અધ્યાયો મૂળ રીતે કવિતાના રૂપમાં લખવામાં આવ્યા હતા. એટલું જ નહિ, સરખામણીઓ અને વિરોધાભાસ બહાર લાવવા એમ કરવામાં આવ્યું છે. દાખલા તરીકે, યશાયા ૨૪:૨માં દરેક વાક્યમાં વિરોધાભાસ જોવા મળે છે. એક વાક્ય બીજા વાક્યનો આધાર બને છે, જેથી એ વિચાર પર ભાર મુકાય કે યહોવાના ન્યાયથી કોઈ પણ છટકી શકતું નથી. ઉપરાંત, જ્યારે કોઈ વાચક એવા અહેવાલોને કાવ્ય રૂપે જુએ છે ત્યારે તેને સમજાય છે કે બાઇબલ લેખકોએ કંઈ એમ જ એકનીએક બાબત વારંવાર લખી નથી. લેખક તો કાવ્યાત્મક ભાષા વાપરીને ઈશ્વરના સંદેશા પર ભાર મૂકે છે.

હિબ્રૂમાં કવિતાઓ અને પાઠ વચ્ચેનો ફરક અમુક વાર સાફ દેખાઈ આવતો નથી. તેથી, એવા અહેવાલોને અમુક અનુવાદો કવિતા સ્વરૂપે તો બીજા કેટલાક પાઠના સ્વરૂપે મૂકે છે. કઈ કલમો કવિતા સ્વરૂપમાં છપાશે એ નિર્ણય લેવા અનુવાદકોએ પોતાની પારખશક્તિ વાપરવી પડે છે. અમુક પાઠ મુખ્ય મુદ્દો બહાર કાઢવા કાવ્યાત્મક ભાષા, શબ્દચિત્રો અને સરખામણીઓ વાપરે છે.

૨૦૧૩ની આવૃત્તિમાં દરેક પુસ્તકની શરૂઆતમાં એના “મુખ્ય વિચારો” મૂકવામાં આવ્યા છે, જે ઘણું ઉપયોગી પાસું છે. એ ખાસ કરીને, ગીતોનું ગીત પુસ્તકની પ્રાચીન કવિતા માટે ઘણું ઉપયોગી છે. એ ગીતમાંનાં ઘણાં પાત્રોમાંથી કયું પાત્ર બોલી રહ્યું છે એ પારખવામાં મદદ મળે છે.

મૂળ લખાણની હસ્તપ્રતોનો અભ્યાસ કરવાથી ૨૦૧૩ની આવૃત્તિને સુધારવામાં કઈ રીતે મદદ મળી છે? ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની પહેલી આવૃત્તિ મેસોરાની હિબ્રૂ હસ્તપ્રતો તેમજ વેસ્ટકોટ અને હોર્ટના ગ્રીક લખાણો પર આધારિત હતી. પ્રાચીન હસ્તપ્રતો પર વધુ સંશોધન ચાલતું રહ્યું છે, જેનાથી બાઇબલની અમુક કલમોનો મૂળ ભાષામાં શો અર્થ હતો એ જાણવા મળે છે. ઉપરાંત, મૃત સરોવરના વીંટાની નકલો પણ પ્રાપ્ય બની છે. અન્ય ગ્રીક હસ્તપ્રતો પર પણ સંશોધન કરવામાં આવ્યું છે. હાલમાં મળી આવેલી અમુક હસ્તપ્રતોની એવી નકલો બહાર પાડવામાં આવી છે, જે કૉમ્પ્યુટર પર જોઈ શકાય છે. આમ, અલગ અલગ હસ્તપ્રતોમાં તફાવત શોધવો સહેલું બની ગયું છે. એના લીધે, એ પારખવું સહેલું બન્યું છે કે એ હસ્તપ્રતોમાંથી કયો ભાગ મૂળ હિબ્રૂ અને ગ્રીક લખાણ સાથે સૌથી સારી રીતે મેળ ખાય છે. એ બધા અભ્યાસોનો લાભ લઈને ન્યૂ વર્લ્ડ બાઇબલ ટ્રાન્સલેશન સમિતિને અમુક કલમો પર વધુ અભ્યાસ કરવા અને એમાં ફેરફાર કરવા મદદ મળી છે.

દાખલા તરીકે, ૨ શમૂએલ ૧૩:૨૧ની કલમ ગ્રીક સેપ્ટુઆજીંટમાં આ રીતે લખવામાં આવી છે: ‘તે પોતાના પુત્ર આમ્નોનને દુઃખ પહોંચાડશે નહિ, કારણ કે તે તેને પ્રેમ કરે છે અને તે તેનો પ્રથમજનિત પુત્ર છે.’ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની અગાઉની આવૃત્તિઓમાં એ શબ્દો ન હતા. કારણ કે મેસોરાના લખાણમાં એ શબ્દો જોવા મળતા નથી. જોકે, મૃત સરોવરના વીંટામાં એ શબ્દો છે. એટલે, ૨૦૧૩ની આવૃત્તિમાં એ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એવાં જ કારણોને લીધે, ૧ શમૂએલના પુસ્તકમાં ૫ જગ્યાઓએ ઈશ્વરનું નામ મૂકવામાં આવ્યું છે. ગ્રીક હસ્તપ્રતોના અભ્યાસોને આધારે માથ્થી ૨૧:૨૯-૩૧ના વિચારોનો ક્રમ બદલવામાં આવ્યો છે. આમ જોઈ શકાય છે કે બધા ફેરફારો કોઈ એક મુખ્ય ગ્રીક લખાણને આધારે નહિ, પરંતુ ઘણી બધી હસ્તપ્રતોમાંથી મળેલા ઠોસ પુરાવાઓને આધારે કરવામાં આવ્યા છે.

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં થયેલા ફેરફારોમાંના આ તો અમુક જ છે. એનાથી, ઈશ્વર તરફથી મળેલી ભેટનો ઉપયોગ કરતા લોકો માટે, એમાંથી વાંચવું અને સમજવું સહેલું બન્યું છે. બાઇબલ દ્વારા યહોવાની વાણી સાંભળવાનો કેવો સુંદર લહાવો!