સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

પૂરાઈ સંબંધોમાં પડેલી તિરાડ

પૂરાઈ સંબંધોમાં પડેલી તિરાડ

મારી મમ્મીએ મારા પર સવાલોનો વરસાદ વરસાવ્યો: ‘પૂર્વજોની ઉપાસના તું કેમ નહિ કરે? શું તને જરાય ભાન નથી કે તેઓના લીધે જ તને જીવન મળ્યું છે? શું તને તેઓની જરાય કદર નથી? પેઢીઓથી ચાલી આવતાં આપણાં રીતરિવાજોને તું કઈ રીતે આમ છોડી દઈ શકે? આ રીતે પૂર્વજોનો અનાદર કરવો તો જાણે એમ કહેવા જેવું છે કે પૂર્વજોની ઉપાસના મૂર્ખતા છે.’ એ બધું કહ્યાં પછી મમ્મી રડી પડી.

એ બનાવના અમુક મહિનાઓ પહેલાં યહોવાના સાક્ષીઓએ મારી મમ્મીને બાઇબલ અભ્યાસ વિશે પૂછ્‌યું હતું. મમ્મીને અભ્યાસ કરવો ન હતો. પરંતુ, સાક્ષીઓને ખોટું ન લાગે એ માટે, મમ્મીએ તેઓને જણાવ્યું: ‘તમે મારી દીકરીને બાઇબલમાંથી શીખવી શકો.’ પણ હવે એ વાતને લઈને મમ્મી મારાથી નારાજ હતી. એ મારા માટે નવાઈ પમાડનારું હતું, કેમ કે હું તો હંમેશાં મમ્મીનું કહેવું માનતી હતી. જોકે, આ વખતે હું યહોવાને ખુશ કરવા ચાહતી હતી એટલે મમ્મીનું કહેવું માની શકતી ન હતી. મારા માટે એમ કરવું સહેલું ન હતું, પણ યહોવાએ મને હિંમત આપી.

યહોવા સાથે ઓળખાણ

જાપાનના મોટા ભાગના લોકોની જેમ મારું કુટુંબ પણ બૌદ્ધ ધર્મ પાળતું હતું. પરંતુ, યહોવાના સાક્ષીઓ સાથે બે મહિના બાઇબલમાંથી શીખ્યા પછી, મને ખાતરી થઈ ગઈ કે બાઇબલ જે શીખવે છે એ જ સાચું છે. જ્યારે મને ખબર પડી કે ઈશ્વર યહોવા જ આપણા પિતા છે, ત્યારે મને તેમને વધુ નજીકથી ઓળખવાની ઇચ્છા થઈ. હું જે શીખતી હતી એ વિશે શરૂ શરૂમાં તો હું અને મમ્મી ખુશી ખુશી વાત કરતાં. હું રવિવારની સભા માટે રાજ્યગૃહમાં જવા લાગી. બાઇબલમાંથી વધારે શીખી ત્યારે મેં મમ્મીને કહ્યું કે હવેથી હું બૌદ્ધ ધર્મનાં કોઈ પણ રીતરિવાજમાં ભાગ નહિ લઉં. તરત જ તેનો મિજાજ બદલાયો! તેણે કહ્યું, ‘જેને પૂર્વજો માટે જરાય પ્રેમ ન હોય એવી વ્યક્તિ કુટુંબમાં હોવી, એ તો કેટલી શરમની વાત કહેવાય!’ તેણે ફરમાવ્યું કે હું બાઇબલ અભ્યાસ બંધ કરી દઉં અને સભાઓમાં જવાનું છોડી દઉં. મેં કદી વિચાર્યું પણ ન હતું કે મારી મમ્મી મને આવું કહી શકે! તે એકદમ જ બદલાઈ ગઈ હતી!

મારા પપ્પા પણ મમ્મીની વાતથી સહમત હતા. એફેસી છઠ્‌ઠા અધ્યાયમાંથી હું શીખી હતી કે હું મારાં મમ્મી-પપ્પાનું કહ્યું માનું એવું યહોવા ચાહે છે. ઉપરાંત, હું મારા કુટુંબમાં ફરીથી શાંતિ લાવવા માંગતી હતી. મને લાગતું કે જો હું તેમનું સાંભળીશ તો સમય જતાં તેઓ પણ મારું સાંભળવા લાગશે. એમ પણ સ્કૂલની પરીક્ષાઓ પાસે આવી રહી હતી અને મારે એની તૈયારી કરવાની હતી. તેથી, મેં નિર્ણય લીધો કે આવનાર ત્રણ મહિના સુધી હું મમ્મી-પપ્પાની મરજી પ્રમાણે કરીશ. જોકે, મેં યહોવાને વચન આપ્યું કે ત્રણ મહિના પછી હું ફરીથી નિયમિત સભાઓમાં જવાનું શરૂ કરી દઈશ.

મારો એ નિર્ણય બે કારણોને લીધે સારો ન હતો. પહેલું, ત્યારે મને લાગતું હતું કે યહોવાની ભક્તિ કરવાની મારી ઇચ્છા ત્રણ મહિના પછી પણ પ્રબળ રહેશે. પરંતુ, યહોવા સાથેનો મારો સંબંધ બહુ ઝડપથી નબળો પડવા લાગ્યો. બીજું, હું યહોવાની ભક્તિ કરવાનું છોડી દઉં માટે મમ્મી-પપ્પા વધુને વધુ કોશિશ કરવાં લાગ્યાં.

વિરોધ અને એનો સામનો કરવા મદદ

હું સભાઓમાં જતી હતી ત્યારે એવા ઘણા સાક્ષીઓને મળી હતી, જેઓ પણ પોતાના કુટુંબ તરફથી વિરોધ સહન કરી રહ્યા હતા. તેઓએ મને ખાતરી આપી કે યહોવા મને સાથ આપશે. (માથ. ૧૦:૩૪-૩૭) તેઓએ મને એ પણ સમજાવ્યું કે જો હું યહોવાને વફાદાર રહીશ, તો મારા કુટુંબને પણ યહોવા વિશે શીખવાની તક મળશે. હું યહોવા પર આધાર રાખવા માંગતી હતી, એટલે પ્રાર્થનામાં યહોવાને વધુ આજીજી કરવા લાગી.

મને સત્ય શીખવાથી રોકવા મારા કુટુંબે અલગ અલગ નુસખા અજમાવ્યા. મારી મમ્મી મને કગરવા લાગી કે હું બાઇબલમાંથી શીખવાનું બંધ કરી દઉં. તેણે મને સમજાવવા ઘણી દલીલો પણ કરી. મોટા ભાગે ત્યારે હું ચૂપ રહેતી. અને જો હું તેમને કંઈ સમજાવવાનો પ્રયત્ન કરતી, તો અમારી ચર્ચા તકરારમાં ફેરવાઈ જતી. કારણ કે અમે બંને પોતાનો કક્કો ખરો સાબિત કરવાનો પ્રયત્ન કરતાં. પણ, હવે મને અહેસાસ થાય છે કે જો મેં મમ્મીની લાગણીઓને અને તેની માન્યતાને માન આપ્યું હોત, તો કદાચ અમારા સંબંધોમાં શાંતિ જળવાઈ રહી હોત. હું ઘરમાં જ પુરાઈ રહું માટે મમ્મી-પપ્પા મારા પર ઘરકામનો ઢગલો વાળી દેતાં. અમુક વાર તેઓ મને ઘરમાંથી બહાર કાઢીને દરવાજો અંદરથી બંધ કરી દેતાં. કેટલીક વાર તેઓ મારી માટે કંઈ જમવાનું ન રાખતાં.

મને સમજાવવા મમ્મી બીજા લોકોની મદદ માંગવા લાગી. તેણે મારા શિક્ષક સાથે વાત કરી, પણ તેનું કામ બન્યું નહિ. એક વાર મમ્મી મને તેના મેનેજર પાસે લઈ ગઈ, જેથી તે મને સમજાવે. મેનેજરે તો મને સમજાવ્યું કે બધાં ધર્મો નકામા છે! મમ્મી મદદ માટે અમારા સગાં-સંબંધીઓને ફોન કરવા લાગી. ઘણી વાર તેઓને વિનંતી કરતાં કરતાં તે રડી પડતી. મમ્મીના એવા વર્તનને લીધે હું ખૂબ ચિડાઈ જતી. પરંતુ, હું સભાઓમાં જતી ત્યારે વડીલો મને આશ્વાસન આપતા. તેઓએ મને એ જોવા મદદ કરી કે જ્યારે મારી મમ્મી મારા વિશે બીજાઓને જણાવે છે, ત્યારે તે પોતે જ તેઓને સાક્ષી આપવાનું કામ કરે છે.

મારાં મમ્મી-પપ્પા ઇચ્છતાં કે હું યુનિવર્સિટીમાં ઉચ્ચ ભણતર લઉં જેથી મને સારી નોકરી મળે. પણ અમે એકબીજાથી એટલાં ચિડાઈ ગયાં હતાં કે એ વિષય પર શાંતિથી વાત કરવી અમારા માટે શક્ય ન હતી. એટલા માટે, મેં કેટલીક ચિઠ્‌ઠીઓ લખીને તેઓને મારા ધ્યેય વિશે સમજાવવાની કોશિશ કરી. જોકે, એનાથી પપ્પા ઘણા ગુસ્સે થયા અને કહ્યું: ‘જો તું નોકરી શોધી શકતી હોય તો કાલ સુધીમાં શોધી કાઢ, નહિતર ઘર છોડીને જતી રહે.’ ત્યારે મદદ માટે મેં યહોવાને વિનંતી કરી. બીજા દિવસે હું પ્રચારમાં હતી ત્યારે બે બહેનોએ તેઓનાં બાળકોને ભણાવવાનું કામ મને આપ્યું. મને એ કામ મળ્યું એનાથી પપ્પા જરાય ખુશ ન થયા. અરે, તેમણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને મને ટાળવા લાગ્યા! મમ્મીએ તો મને મહેણું મારતા કહ્યું: ‘તું યહોવાની સાક્ષી બની એના કરતાં, ચોર કે ડાકુ બની હોત તો વધારે સારું થાત!’

યહોવાએ મને મારા વિચારોમાં સુધારો કરવા અને શું કરવું એ નક્કી કરવા મદદ કરી

હું ઘણી હદે મારાં મમ્મી-પપ્પાની ઇચ્છા વિરુદ્ધ થઈ હતી. એટલે, કેટલીક વાર મને સવાલ થતો કે, ‘શું યહોવા મારી પાસે આવું જ ઇચ્છે છે?’ મેં યહોવાને પ્રાર્થના કરી અને બાઇબલમાંથી તેમના પ્રેમ વિશે મનન કરવા લાગી. એનાથી મને યોગ્ય વલણ કેળવવા મદદ મળી. હું એ પણ સમજી શકી કે મારાં મમ્મી-પપ્પા મને એટલા માટે રોકતાં હતાં, કેમ કે તેઓને મારી ચિંતા હતી. યહોવાએ મને મારા વિચારોમાં સુધારો કરવા મદદ કરી. ઉપરાંત, મારે શું કરવું જોઈએ એનો મને ખ્યાલ આવી રહ્યો હતો. હું જેટલું વધારે પ્રચારમાં જતી એટલો વધારે આનંદ માણી શકતી. એના લીધે, મારા મનમાં પાયોનિયર બનવાનો ઉમંગ જાગ્યો.

પાયોનિયર સેવાની શરૂઆત

જ્યારે અમુક બહેનોએ જાણ્યું કે હું પાયોનિયરીંગ કરવા માંગું છું, ત્યારે તેઓએ મને કહ્યું કે મમ્મી-પપ્પા થોડા શાંત પડે પછી એમ કરજે. પણ મેં પ્રાર્થના કરી જેથી હું સમજી વિચારીને નિર્ણય લઈ શકું. મેં એ વિશે આપણા સાહિત્યમાં સંશોધન કર્યું અને પછી વિચાર્યું કે હું શા માટે પાયોનિયર બનવા માંગું છું. મેં અનુભવી ભાઈ-બહેનો સાથે પણ વાત કરી. ત્યાર બાદ, મેં નક્કી કર્યું કે મારે યહોવાને ખુશ કરવા છે. મને થયું કે જો પાયોનિયરીંગ શરૂ કરવા થોડી રાહ જોઉં, તોપણ મમ્મી-પપ્પા તો મારો વિરોધ કરી જ શકે છે.

હું હાઇસ્કૂલના છેલ્લા વર્ષમાં હતી ત્યારે મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. થોડા જ સમયમાં, મને એવી જગ્યાએ સેવા આપવાની ઇચ્છા જાગી, જ્યાં જરૂર વધારે હોય. પણ મમ્મી-પપ્પાને મારી ચિંતા હતી, માટે તેઓ ચાહતાં ન હતાં કે હું ઘર છોડીને જાઉં. એટલે, હું ૨૦ વર્ષની થઈ ત્યાં સુધી મારે રાહ જોવી પડી. મારાં કેટલાંક સગાં-સંબંધીઓ દક્ષિણ જાપાનમાં રહેતાં હતાં. તેથી, મેં દક્ષિણ જાપાનમાં સોંપણી માટે શાખા કચેરીને વિનંતી કરી, જેથી મારી મમ્મીને મારી બહુ ચિંતા ન થાય.

દક્ષિણ જાપાનમાં મારી સેવા દરમિયાન મારા અમુક બાઇબલ વિદ્યાર્થીઓએ બાપ્તિસ્મા લીધું. એનાથી મને ઘણી ખુશી થઈ. હું મારી સેવા વધારવા માંગતી હતી, એટલે મેં અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. મારા મંડળમાં એવા બે ભાઈઓ હતા જેઓ ખાસ પાયોનિયર તરીકે સેવા આપતા હતા. તેઓનો ઉત્સાહ અને બીજાઓને તેઓ જે રીતે મદદ આપતા હતા, એ જોઈને મેં નક્કી કર્યું કે હું પણ એક ખાસ પાયોનિયર બનીશ. એ સમયગાળામાં મમ્મી બે વાર ગંભીર રીતે બીમાર પડી. બંને વખત તેની સંભાળ રાખવા હું ઘરે ગઈ. એનાથી તેને ઘણી નવાઈ લાગી અને મારા પ્રત્યે તે થોડી નરમદિલ બની.

એક પછી એક આશીર્વાદો

સાત વર્ષ પછી, મને અતશુશીનો પત્ર આવ્યો. અગાઉ મેં તમને જે બે ખાસ પાયોનિયર ભાઈઓ વિશે જણાવ્યું એમાંના તે એક હતા. તે મારી સાથે લગ્ન કરવા માંગતા હતા. તેમને જાણવું હતું કે તેમના વિશે મારો શો વિચાર છે. એ સમયે, મને અતશુશી માટે કોઈ રોમૅન્ટિક લાગણીઓ ન હતી. મને ન લાગતું કે તેમને પણ મારા માટે એવી કોઈ લાગણીઓ હતી. એક મહિના પછી, મેં તેમના પત્રનો જવાબ આપ્યો અને જણાવ્યું કે હું તેમને વધારે જાણવા માંગું છું. સમય વીત્યો તેમ અમે સમજી શક્યા કે અમારા ધ્યેયો એક જેવા છે. અમે બંને પૂરા સમયની સેવામાં આગળ વધવાં માંગતાં હતાં અને કોઈ પણ સોંપણી સ્વીકારવા તૈયાર હતાં. સમય જતાં, અમે લગ્ન કર્યાં. હું ઘણી ખુશ હતી કે મારાં મમ્મી-પપ્પા અને અમુક સગાંવહાલાં મારા લગ્નમાં આવ્યાં હતાં.

નેપાળ

લગ્ન પછી, અમે નિયમિત પાયોનિયર તરીકે સેવા આપવાં લાગ્યાં. એ દરમિયાન અતશુશીને અવેજી સરકીટ નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા. એના પછી, બીજા આશીર્વાદો મળ્યા! અમને ખાસ પાયોનિયર તરીકેની અને પછીથી સરકીટ નિરીક્ષક તરીકેની સોંપણી આપવામાં આવી. અમે સરકીટના બધાં મંડળોની પહેલી મુલાકાત પૂરી કરી ત્યાં તો બીજો એક મોટો લહાવો મળ્યો. નેપાળ જઈને સરકીટ કામ કરવા વિશે શાખા કચેરીએ અમને ફોન કરીને અમારી ઇચ્છા પૂછી.

જુદાં જુદાં દેશોમાં સેવા આપવાથી, યહોવા વિશે મને ઘણું બધું શીખવા મળ્યું

એ સોંપણી માટે મારે મમ્મી-પપ્પાથી ઘણું દૂર જવાનું હતું. હું ચિંતામાં પડી કે એના વિશે તેઓને કેવું લાગશે. મેં તેઓને ફોન કર્યો ત્યારે પપ્પાએ મને કહ્યું: ‘તું એક સારી જગ્યાએ જઈ રહી છે.’ એક અઠવાડિયા પહેલાં જ તેમના એક દોસ્તે તેમને એક પુસ્તક આપ્યું હતું, જેમાં નેપાળની માહિતી હતી. અરે, પપ્પા તો એમ પણ વિચારી રહ્યા હતા કે નેપાળ જવા લાયક જગ્યા છે.

નેપાળના મળતાવડા લોકો વચ્ચે કામ કરવાથી અમને ઘણી ખુશી મળી. ત્યાર પછી, અમારી સોંપણીમાં બાંગ્લાદેશ પણ ઉમેરવામાં આવ્યો. નેપાળની એકદમ નજીક હોવા છતાં એ દેશ સાવ અલગ હતો. ત્યાં પ્રચારકામમાં અમને તરેહ તરેહના લોકો મળતા. પાંચ વર્ષ પછી, અમને ફરીથી જાપાનમાં સોંપણી મળી. હવે, અમે ફરી એકવાર જાપાનમાં સરકીટ કામનો આનંદ માણી રહ્યા છીએ.

અમે જ્યારે જાપાન, નેપાળ અને બાંગ્લાદેશમાં સેવા આપતાં હતાં, ત્યારે યહોવા વિશે મને ઘણું બધું શીખવા મળ્યું. એ બધા દેશોના લોકોની સંસ્કૃતિ, જીવનઢબ અને રીતરિવાજો અલગ અલગ છે. દરેકનું વ્યક્તિત્વ જુદું છે. છતાં, યહોવા એકેએકની સંભાળ રાખે છે, આવકારે છે, મદદ કરે છે અને આશીર્વાદો આપે છે.

મારા જીવનમાં એવું ઘણું છે જે માટે હું યહોવાનો ઉપકાર માનું છું. તેમણે મને આવકાર આપ્યો, જેથી હું તેમને જાણી શકું અને તેમનું કામ કરી શકું. તેમણે મને એક સારો જીવનસાથી આપ્યો. પિતા યહોવાએ મને સારા નિર્ણયો લેવા મદદ આપી. આજે, યહોવા અને મારા કુટુંબીજનો સાથેનો મારો સંબંધ ઘણો સારો બન્યો છે. અરે, હું અને મમ્મી ફરી સારી બહેનપણીઓ બની ગયા છીએ! યહોવાની ઘણી મહેરબાની કે સંબંધોમાં પડેલી તિરાડો તેમની મદદથી પૂરાઈ ગઈ છે!

સરકીટ કામમાં અમને ખૂબ મજા આવે છે