સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પોતાના લોકો સાથે વાત કરનાર ઈશ્વર યહોવા

પોતાના લોકો સાથે વાત કરનાર ઈશ્વર યહોવા

“કૃપા કરીને સાંભળ, એટલે હું બોલું.”—અયૂ. ૪૨:૪.

ગીતો: ૭ (46), ૨૦ (162)

૧-૩. (ક) યહોવાના અને મનુષ્યોના વિચારો તેમજ ભાષામાં આભ-જમીનનો ફરક છે, એમ શાના પરથી કહી શકાય? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

યહોવા આનંદી અને જીવંત ઈશ્વર છે. તેમણે સ્વર્ગદૂતો અને પછી મનુષ્યોનું સર્જન કર્યું, જેથી તેઓ પણ જીવન અને આનંદનો અનુભવ કરી શકે. (ગીત. ૩૬:૯) યહોવાએ સૌથી પહેલાં જેમનું સર્જન કર્યું, તેમને પ્રેરિત યોહાન “શબ્દ” તરીકે ઓળખાવે છે. (યોહા. ૧:૧; પ્રકટી. ૩:૧૪) તે “શબ્દ” એટલે કે ઈસુની જોડે યહોવાએ ઘણી વાતચીત કરી, તેમને પોતાનાં વિચારો અને લાગણીઓ જણાવ્યાં. (યોહા. ૧:૧૪, ૧૭; કોલો. ૧:૧૫) પ્રેરિત પાઊલ કહે છે કે સ્વર્ગદૂતોની પણ પોતાની ભાષા છે, જેના દ્વારા તેઓ એકબીજા સાથે વાતચીત કરે છે અને પોતાના વિચારો જણાવે છે. એ ભાષા મનુષ્યોની ભાષા કરતાં સાવ જુદી છે.—૧ કોરીં. ૧૩:૧.

યહોવા પોતાના અબજો સ્વર્ગદૂતો અને મનુષ્યો વિશે દરેકે દરેક બાબત જાણે છે. જ્યારે લાખો લોકો યહોવાને પ્રાર્થના કરે છે, ત્યારે તે એકસાથે દરેકની પ્રાર્થના સાંભળી શકે છે. એટલું જ નહિ, પ્રાર્થનામાં તેઓ શું જણાવી રહ્યા છે, એને પણ યહોવા સમજી શકે છે. પછી ભલેને બધાની ભાષા જુદી જુદી કેમ ન હોય! યહોવા મનુષ્યોની પ્રાર્થનાઓ સાંભળતા હોય છે ત્યારે સાથે સાથે પોતાના સ્વર્ગદૂતો જોડે વાતો પણ કરે છે. અરે, એ જ સમયે તેઓને જરૂરી સૂચનો પણ આપે છે. એમાં કોઈ શંકા નથી કે, એ બધું કરવા માટે યહોવાના વિચારો અને ભાષા, માણસોની ભાષા કરતાં ઘણા ચઢિયાતાં હોવાં જ જોઈએ. (યશાયા ૫૫:૮, ૯ વાંચો.) એટલે કહી શકાય કે મનુષ્યો સાથે વાત કરવા, યહોવા પોતાના સંદેશાને એટલો સરળ બનાવે છે કે મનુષ્યો એને સમજી શકે.

આ લેખમાં આપણે શીખીશું કે યહોવા કઈ રીતે પોતાના વિચારો મનુષ્યોને સ્પષ્ટતાથી જણાવે છે. આપણે એ પણ જોઈશું કે યહોવા સંજોગોને ધ્યાનમાં રાખીને કઈ રીતે પોતાની વાત કરવાની રીતો બદલે છે.

ઈશ્વર પોતાના વિચારો મનુષ્યોને જણાવે છે

૪. (ક) મુસા, શમૂએલ અને દાઊદ સાથે વાત કરવા યહોવાએ કઈ ભાષાનો ઉપયોગ કર્યો હતો? (ખ) બાઇબલમાં શાનો શાનો ઉલ્લેખ થયો છે?

યહોવાએ જ્યારે પહેલા પુરુષ આદમ સાથે એદન બાગમાં વાત કરી ત્યારે, તેમણે પ્રાચીન હિબ્રૂ ભાષા વાપરી હોય શકે. સમય જતાં, તેમણે પોતાનાં વિચારો અને લાગણીઓ મુસા, શમૂએલ, દાઊદ જેવા ભક્તોને જણાવ્યાં. ખરું કે, એ ભક્તોએ યહોવાના વિચારોને હિબ્રૂમાં પોતાની લેખનશૈલી અને શબ્દો પ્રમાણે ઢાળ્યા હતા. પરંતુ, તેઓએ જે લખ્યું એ તેઓના નહિ પણ ઈશ્વરના વિચારો હતા. એમાંના કેટલાક વાક્યો તો ઈશ્વરે જેવા કહ્યા એવાને એવા જ તેઓએ લખી લીધા. ઉપરાંત, યહોવા સાથે તેમના ભક્તોનો સંબંધ કેવો હતો એનો ઇતિહાસ પણ બાઇબલ લેખકોએ લખી લીધો. દાખલા તરીકે, ઈશ્વર માટેનાં તેઓનાં પ્રેમ અને શ્રદ્ધા વિશે નોંધવામાં આવ્યું છે. અરે, તેઓની ભૂલો અને બેવફાઈનો પણ ઉલ્લેખ થયો છે. એ બધી જ માહિતી આપણા લાભ માટે છે.—રોમ. ૧૫:૪.

૫. શું યહોવાએ પોતાના ભક્તો સાથે વાત કરવા હંમેશાં હિબ્રૂ ભાષાનો જ ઉપયોગ કર્યો હતો? સમજાવો.

જોકે, યહોવાએ પોતાના ભક્તો સાથે વાત કરવા હંમેશાં હિબ્રૂ ભાષાનો જ ઉપયોગ કર્યો ન હતો. જરા આનો વિચાર કરો: બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા પછી ઈસ્રાએલીઓમાંના કેટલાક પોતાના રોજિંદા જીવનમાં અરામિક ભાષા વાપરતા હતા. કદાચ એ કારણે જ યહોવાએ દાનીયેલ, યિર્મેયા અને એઝરાને બાઇબલના અમુક ભાગો અરામિક ભાષામાં લખવાની પ્રેરણા આપી હતી. *

૬. હિબ્રૂ શાસ્ત્રવચનોનો અનુવાદ ગ્રીક ભાષામાં કેમ કરવામાં આવ્યો હતો?

ગ્રીક સમ્રાટ સિકંદરે દુનિયાના મોટા ભાગના રાજ્યોને જીતી લીધાં હતાં. એના લીધે, તેના સામ્રાજ્યના ઘણા દેશોમાં રોજબરોજના જીવનમાં કોયને ગ્રીક મુખ્ય ભાષા બની ગઈ. ઘણા યહુદીઓ ગ્રીક ભાષા બોલવા લાગ્યા. એટલે, સમય જતાં હિબ્રૂ શાસ્ત્રવચનોનું ભાષાંતર ગ્રીક ભાષામાં કરવામાં આવ્યું. એ ભાષાંતરને સેપ્ટુઆજીંટ કહેવામાં આવે છે, જે બાઇબલનું સૌથી પહેલું અને બહુ મહત્ત્વનું ભાષાંતર છે. નિષ્ણાતો માને છે કે સેપ્ટુઆજીંટ પૂરું કરવામાં ૭૨ અનુવાદકોનો ફાળો હતો. * એમાંના અમુકે હિબ્રૂ શાસ્ત્રવચનોનું શબ્દેશબ્દ કે બેઠું ભાષાંતર કર્યું હતું. જ્યારે કે, બીજાઓએ ભાષાંતરની જુદી શૈલી અપનાવી હતી. પરિણામે, એની ભાષાંતર શૈલીમાં ઘણી વિવિધતા જોવા મળતી હતી. તેમ છતાં, ગ્રીક બોલનારા યહુદીઓ અને ખ્રિસ્તીઓ માટે તો સેપ્ટુઆજીંટ ઈશ્વરનો જ સંદેશો હતો.

૭. ઈસુએ પોતાના અનુયાયીઓને શીખવવા કઈ ભાષા વાપરી?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે કદાચ તે વાતચીત માટે હિબ્રૂ ભાષા વાપરતા. (યોહા. ૧૯:૨૦; ૨૦:૧૬; પ્રે.કૃ. ૨૬:૧૪) જોકે, તેમણે કેટલાક એવા અરામિક શબ્દો કે વાક્યોનો પણ ઉપયોગ કર્યો હતો, જે એ સમયના લોકોમાં સામાન્ય હતાં. મુસા અને બીજા પ્રબોધકો દ્વારા બોલાતી પ્રાચીન હિબ્રૂ ભાષા પણ ઈસુ જાણતા હતા. એમ શાના પરથી કહી શકાય? કેમ કે, ઈસુના સમયમાં સભાસ્થાનોમાં એ પ્રબોધકોનાં લખાણો દર અઠવાડિયે વાંચવામાં આવતાં. (લુક ૪:૧૭-૧૯; ૨૪:૪૪, ૪૫; પ્રે.કૃ. ૧૫:૨૧) ખરું કે, ઈસુના સમયમાં ગ્રીક અને લેટિન ભાષાનું પણ ચલણ હતું. પરંતુ, ઈસુએ એ ભાષાઓનો ઉપયોગ કર્યો હતો, એમ બાઇબલ જણાવતું નથી.

૮, ૯. શા માટે ખ્રિસ્તીઓ ગ્રીક ભાષા વાપરતા? એના પરથી આપણને યહોવા વિશે શું શીખવા મળે છે?

ઈસુના પ્રથમ શિષ્યોની ભાષા હિબ્રૂ હતી. જોકે, ઈસુના મરણ પછી તેઓ બીજી ભાષાઓ પણ બોલવા લાગ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૬:૧ વાંચો.) ખુશખબરનો ફેલાવો થતો ગયો તેમ ઘણા ખ્રિસ્તીઓ હિબ્રૂ ભાષાને બદલે ગ્રીક ભાષા વાપરવા લાગ્યા. એ વખતે ગ્રીક ભાષા સામાન્ય રીતે બોલાતી ભાષા હતી. એટલા માટે માથ્થી, માર્ક, લુક અને યોહાનનાં પુસ્તકોની ગ્રીક પ્રતો બહુ વિતરણ પામી હતી. * ઉપરાંત, પ્રેરિત પાઊલના પત્રો અને બાઇબલનાં બીજાં પુસ્તકો પણ ગ્રીકમાં લખાયાં હતાં.

નોંધવા જેવું છે કે ગ્રીક શાસ્ત્રવચનોનાં લેખકોએ જ્યારે પણ હિબ્રૂ શાસ્ત્રવચનો ટાંક્યાં, ત્યારે તેઓએ એ સેપ્ટુઆજીંટમાંથી ટાંક્યાં હતાં. અમુક વાર, એ વાક્યો મૂળ હિબ્રૂ લખાણો કરતાં સહેજ જુદાં પડતાં. આમ, અપૂર્ણ માનવીઓએ કરેલું ભાષાંતર ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા સંદેશાનો ભાગ બન્યું. એ બધા પરથી શીખવા મળે છે કે યહોવા કોઈ એક ભાષા કે સંસ્કૃતિને બીજાથી ચઢિયાતી ગણતા નથી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪ વાંચો.

૧૦. યહોવા મનુષ્યો સાથે જે રીતે વાત કરે છે એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૦ આપણે શીખ્યા કે યહોવા સંજોગો જોઈને મનુષ્યો સાથે પોતાની વાત કરવાની રીતને બદલે છે. તે એવી શરત નથી મૂકતા કે તેમના વિશે અથવા તેમના હેતુઓ વિશે જાણવા આપણે કોઈ ખાસ પ્રકારની ભાષા જ બોલીએ. (ઝખાર્યા ૮:૨૩; પ્રકટીકરણ ૭:૯, ૧૦ વાંચો.) આપણે એ પણ શીખ્યા કે યહોવાએ પોતાના અમુક ભક્તોને બાઇબલ લખવાની પ્રેરણા આપી હતી. પરંતુ, યહોવાએ એ વિચારોને તેઓના પોતાના શબ્દોમાં લખવાની છૂટ આપી.

ઈશ્વરે પોતાના સંદેશાનું રક્ષણ કર્યું

૧૧. મનુષ્યોમાં બોલાતી વિવિધ ભાષાઓ, કેમ યહોવા માટે કોઈ નડતર નથી?

૧૧ મનુષ્યો ઘણી બધી ભાષાઓ બોલે છે. પરંતુ, એમ હોવું યહોવા માટે કોઈ નડતર નથી. આપણે શાના આધારે એમ કહી શકીએ? ઈસુ જે મૂળ ભાષામાં બોલ્યા હતા, એ ભાષામાંના બહુ ઓછા શબ્દો બાઇબલમાં નોંધાયેલા છે. (માથ. ૨૭:૪૬; માર્ક ૫:૪૧; ૭:૩૪; ૧૪:૩૬) તેમ છતાં, યહોવાએ ખાતરી કરી કે ઈસુએ આપેલો સંદેશો પ્રથમ તો ગ્રીક ભાષામાં લખાય અને સમય જતાં બીજી ભાષાઓમાં અનુવાદ થાય. બીજું કે, ઘણી વાર યહુદીઓ અને ખ્રિસ્તીઓ દ્વારા શાસ્ત્રવચનોની નકલ ઉતારવામાં આવી હતી. એના લીધે ઈશ્વરનો સંદેશો સચવાઈ રહ્યો. સમય જતાં એ નકલોનો અનુવાદ બીજી ઘણી ભાષાઓમાં કરવામાં આવ્યો. ઈસુ પછીનાં આશરે ૪૦૦ વર્ષો બાદ જૉન ક્રાયસોસ્ટોમે જણાવ્યું હતું કે ઈસુના શિક્ષણનું ભાષાંતર સીરિયા (અરામ), ઇજિપ્ત, ભારત, ઇરાન, ઇથિયોપિયા અને બીજા ઘણા દેશોના લોકોની ભાષાઓમાં થયું હતું.

૧૨. બાઇબલ પર કઈ રીતે હુમલો કરવામાં આવ્યો?

૧૨ ઇતિહાસમાં જોવા મળે છે કે બાઇબલ પર, એના અનુવાદકો અને એનું વિતરણ કરનારાઓ પર ઘણા હુમલા કરવામાં આવ્યા છે. દાખલા તરીકે, ઈ.સ. ૩૦૩માં ડાયાક્લીશન નામનો રોમન શાસક થઈ ગયો. તેણે બાઇબલની બધી જ પ્રતોનો નાશ કરવાનો હુકમ આપ્યો હતો. એના લગભગ ૧,૨૦૦ વર્ષ પછી, બાઇબલ અનુવાદક વિલિયમ ટિંડેલની પણ આકરી સતાવણી થઈ. તેમણે બાઇબલનો અંગ્રેજીમાં અનુવાદ શરૂ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જો ઈશ્વર તેમને લાંબું આયુષ્ય બક્ષે તો તે એવા પ્રયત્નો કરશે કે ખેડૂતનો નાનો છોકરો પણ પાદરીઓ કરતાં સારી રીતે બાઇબલ સમજી શકે. પરંતુ, આકરી સતાવણીને કારણે ટિંડેલને ઇંગ્લૅન્ડથી યુરોપના એક દેશમાં નાસી જવું પડ્‌યું, જેથી તે બાઇબલનો અનુવાદ અને છાપકામ કરી શકે. એ સમયના ચર્ચના આગેવાનોએ તેઓના હાથે લાગેલી બાઇબલની બધી નકલોને બાળી નાખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, ટિંડેલે કરેલો અનુવાદ ઘણા લોકો સુધી પહોંચી ચૂક્યો હતો. અફસોસ કે, ટિંડેલને સ્તંભ પર ગળું દાબીને મારી નાખવામાં આવ્યા અને ત્યાં જ બાળી નાખવામાં આવ્યા! તેમ છતાં, તેમણે કરેલો બાઇબલ અનુવાદ ચર્ચના આગેવાનોના પંજામાંથી બચી ગયો. એ અનુવાદનો ઉપયોગ કરીને કિંગ જેમ્સ વર્ઝન નામનું બાઇબલ તૈયાર કરવામાં આવ્યું હતું.—૨ તીમોથી ૨:૯ વાંચો.

૧૩. બાઇબલની જૂની હસ્તપ્રતોનો અભ્યાસ શું બતાવે છે?

૧૩ ખરું કે, બાઇબલની અમુક પ્રાચીન નકલોમાં નજીવી ભૂલો અને નાના તફાવતો છે. જોકે, બાઇબલના નિષ્ણાતોએ હજારો હસ્તપ્રતો, એના અમુક ભાગો અને જૂના અનુવાદોનો ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો છે. એ બધાં લખાણોને એકબીજા સાથે સરખાવ્યાં બાદ તેઓને જોવા મળ્યું છે કે અમુક જ કલમોમાં થોડાક તફાવતો છે, જે એકદમ મામૂલી છે. પરંતુ, બાઇબલનો મૂળ સંદેશો બદલાયો નથી. નિષ્ણાતોના એવા અભ્યાસોને લીધે ખંતીલા બાઇબલ વિદ્યાર્થીઓને ભરોસો મળે છે કે આજે પણ તેઓ પાસે યહોવાનું પ્રેરિત વચન છે.—યશા. ૪૦:૮. *

૧૪. બાઇબલ જે હદે પ્રાપ્ય છે એના વિશે શું કહી શકાય?

૧૪ બાઇબલનો નાશ કરવાના ઘણા ઘણા પ્રયત્નો થયા છે. છતાં, આખેઆખા બાઇબલનો અથવા એના અમુક ભાગોનો આશરે ૨,૮૦૦ ભાષાઓમાં અનુવાદ થયો છે. બીજું કોઈ પુસ્તક બાઇબલની તોલે આવી શકતું નથી. ખરું કે, આજે ઘણા લોકોને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. તોપણ, ઇતિહાસ બતાવે છે કે બાઇબલ સૌથી વધુ વિતરણ પામેલું પુસ્તક છે. બાઇબલના અમુક અનુવાદો વાંચવામાં કદાચ અઘરા લાગે અથવા એકદમ સચોટ અર્થ ન આપે. છતાં, લગભગ બધાં જ બાઇબલનો મૂળ સંદેશો તો આશા અને અનંતજીવન વિશેનો છે.

બાઇબલના નવા અનુવાદની જરૂર પડી

૧૫. (ક) આજે ભાષાનું નડતર કઈ રીતે આંબવામાં આવ્યું છે? (ખ) શા માટે આપણાં સાહિત્યનું લખાણ સૌ પ્રથમ અંગ્રેજીમાં કરવામાં આવે છે?

૧૫ વર્ષ ૧૯૧૯માં બાઇબલ વિદ્યાર્થીઓના એક નાના સમૂહને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરીકે નીમવામાં આવ્યો. એ સમયમાં, વિશ્વાસુ ચાકર યહોવાના બીજા સેવકોને બાઇબલનું શિક્ષણ આપવા મોટા ભાગે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતો. (માથ. ૨૪:૪૫) પરંતુ, ભાષાનું નડતર આંબવા આજે બાઇબલ આધારિત સાહિત્ય ૭૦૦થી વધુ ભાષાઓમાં પૂરું પાડવામાં આવે છે. પહેલાંના સમયમાં ગ્રીક ભાષાનું ચલણ હતું તેમ, આજે દુનિયા ફરતે અંગ્રેજી ભાષાનું ચલણ છે. વેપાર અને શિક્ષણના ક્ષેત્રે અંગ્રેજી ભાષાનો વપરાશ એકદમ સામાન્ય થઈ ગયો છે. તેથી, આપણાં સાહિત્યનું લખાણ પ્રથમ તો અંગ્રેજીમાં થાય છે, પછી એનો અનુવાદ બીજી ભાષાઓમાં કરવામાં આવે છે.

૧૬, ૧૭. (ક) ઈશ્વરના લોકોને શાની જરૂર હતી? (ખ) એ જરૂર કઈ રીતે પૂરી પાડવામાં આવી? (ગ) ભાઈ નૉરની શી ઇચ્છા હતી?

૧૬ આપણું બધું જ સાહિત્ય બાઇબલ આધારિત હોય છે. અગાઉ આપણે કિંગ જેમ્સ વર્ઝનની આવૃત્તિ વાપરતા હતા, જે વર્ષ ૧૬૧૧માં બહાર પાડવામાં આવી હતી. પરંતુ, હવે એની ભાષા જૂની અને સમજવામાં અઘરી બની ગઈ છે. એટલું જ નહિ, પ્રાચીન હસ્તપ્રતોમાં હજારો વાર જોવા મળતું ઈશ્વરનું નામ, એ બાઇબલમાં બહુ ઓછી વાર વપરાયું હતું. ઉપરાંત, એ આવૃત્તિમાં એવી અમુક ભૂલો અને વધારાની કલમો હતી, જે સૌથી પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળી ન હતી. અંગ્રેજી ભાષાના બીજા બાઇબલ અનુવાદોમાં પણ એવી ખામીઓ જોવા મળે છે.

૧૭ તેથી, ઈશ્વરના લોકોને એક એવા બાઇબલ અનુવાદની જરૂર હતી, જે એકદમ સચોટ અને સમજવામાં સહેલો હોય. એટલે ન્યૂ વર્લ્ડ બાઇબલ ટ્રાન્સલેશન સમિતિની સ્થાપના કરવામાં આવી. એ સમિતિના ભાઈઓએ વર્ષ ૧૯૫૦થી ૧૯૬૦ દરમિયાન બાઇબલ અનુવાદના જુદા જુદા ભાગો બહાર પાડ્‌યા. એ બાઇબલ કુલ છ ભાગનું હતું, જેમાંનો પ્રથમ ભાગ ઑગસ્ટ ૨, ૧૯૫૦ના એક સંમેલનમાં બહાર પાડવામાં આવ્યો. સંમેલનમાં ભાઈ નૉરે કહ્યું હતું: ‘ઈશ્વરના લોકોને એવા બાઇબલ અનુવાદની જરૂર છે, જે ઈસુના શિષ્યોના મૂળ લખાણોની જેમ જ સમજવામાં સહેલો અને સચોટ હોય.’ ભાઈ નૉરની ઇચ્છા હતી કે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની મદદથી લાખો લોકો માટે યહોવાને ઓળખવું શક્ય બને.

૧૮. બીજી ભાષાઓમાં બાઇબલનો અનુવાદ કરવામાં શાના લીધે મદદ મળી?

૧૮ વર્ષ ૧૯૬૩ સુધીમાં તો ભાઈ નૉરનું એ સપનું સાકાર થવા લાગ્યું. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ ક્રિશ્ચિયન ગ્રીક સ્ક્રીપ્ચર્સ બાઇબલનો અનુવાદ ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, પોર્ટુગીઝ અને સ્પૅનિશ ભાષામાં પ્રાપ્ય બન્યો. આપણા બાઇબલ અનુવાદકોને મદદ મળે માટે, વર્ષ ૧૯૮૯માં યહોવાના સાક્ષીઓના નિયામક જૂથે, મુખ્યમથકમાં એક નવો વિભાગ શરૂ કર્યો. ૨૦૦પમાં, નિયામક જૂથે મંજૂરી આપી કે ચોકીબુરજ જે ભાષાઓમાં બહાર પડે છે, એ બધી ભાષામાં બાઇબલ અનુવાદ કરી શકાય. આમ, આજે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલ આખેઆખું અથવા એના અમુક ભાગો ૧૩૦થી વધુ ભાષાઓમાં પ્રાપ્ય છે.

૧૯. ૨૦૧૩માં કયો ખાસ બનાવ બન્યો અને આવતા લેખમાં આપણે શું શીખીશું?

૧૯ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલની પહેલી આવૃત્તિ બહાર પડ્‌યાને વર્ષો વીતી ચૂક્યાં છે. એ જમાનાથી લઈને આજ સુધીમાં અંગ્રેજી ભાષા બહુ બદલાઈ ગઈ છે. ભાષામાં આવેલાં પરિવર્તન સાથે તાલ મિલાવવા આપણા અંગ્રેજી બાઇબલના અનુવાદમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર હતી. તેથી, ૨૦૧૩માં ઑક્ટોબર ૫ અને ૬ના રોજ, આપણી વાર્ષિક સભામાં નિયામક જૂથના એક ભાઈએ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલની સુધારેલી આવૃત્તિ બહાર પાડી. વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સિલ્વેનિયાની એ ૧૨૯મી વાર્ષિક સભા હતી. એ સભાનું ૩૧ દેશોમાં સીધેસીધું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. આમ, કુલ ૧૪,૧૩,૬૭૬ લોકોને એ સભામાં હાજર રહેવાનો અથવા એને જોવાનો લહાવો મળ્યો હતો. ત્યાં હાજર રહેલાં ભાઈ-બહેનોને જ્યારે એ બાઇબલની વ્યક્તિગત પ્રત મળી ત્યારે, તેમના આનંદનો કોઈ પાર રહ્યો નહિ! ઘણા લોકોની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં. સભામાં વક્તાઓએ નવી આવૃત્તિમાંથી ફેરફારોવાળી કલમો વાંચી તેમ બધાને ખ્યાલ આવી ગયો કે એ બાઇબલ વાંચવામાં અને સમજવામાં વધુ સહેલું છે. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલની સુધારેલી આવૃત્તિ વિશે આપણે આવતા લેખમાં વધુ જાણીશું. ઉપરાંત એ પણ જોઈશું કે બીજી ભાષાઓમાં એનો અનુવાદ કઈ રીતે કરવામાં આવે છે.

^ ફકરો. 6 સેપ્ટુઆજીંટ શબ્દનો અર્થ “સિત્તેર” થાય છે. એવું લાગે છે કે એના અનુવાદની શરૂઆત ઈસુના જન્મનાં ૩૦૦ વર્ષો પહેલાં કરવામાં આવી હતી અને ૧૫૦ વર્ષોમાં એ અનુવાદ પૂરો થયો. એ અનુવાદ આજે પણ ઘણું મહત્ત્વ ધરાવે છે. કારણ કે, અઘરાં હિબ્રૂ શબ્દો અને કલમો સમજવાં નિષ્ણાતો એની મદદ લે છે.

^ ફકરો. 8 કેટલાક લોકો એમ માને છે કે માથ્થીએ પોતાનું પુસ્તક હિબ્રૂમાં લખ્યું અને પછી પોતે એનું ગ્રીકમાં ભાષાંતર કર્યું હતું.

^ ફકરો. 13 ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલની નવી આવૃત્તિમાં ઍપેન્ડિક્સ A૩ જુઓ. તેમ જ, સર્વ લોકો માટેનું પુસ્તકના પાન ૭ પરનો આ લેખ જુઓ: “પુસ્તક કઈ રીતે બચ્યું?”