સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ ભાષાંતરનો ઉત્તમ નમૂનો

બાઇબલ ભાષાંતરનો ઉત્તમ નમૂનો

‘ઈશ્વરનો શબ્દ જીવંત છે.’—હિબ્રૂ ૪:૧૨.

ગીતો: ૨૦ (162), ૭ (46)

૧. (ક) યહોવાએ આદમને કયું કામ સોંપ્યું હતું? (ખ) હંમેશાંથી યહોવાના લોકોએ ભાષાની ભેટનો ઉપયોગ શામાં કર્યો છે?

યહોવાએ મનુષ્યોને ભાષાની અદ્ભુત ભેટ આપી છે. એદન બાગમાં યહોવાએ આદમને બધાં જાનવરોનાં નામ પાડવાનું કામ સોંપ્યું હતું. એ ભેટનો ઉપયોગ કરીને આદમે બધાં જ જાનવરોનાં અર્થપૂર્ણ નામ પાડ્‌યાં હતાં. (ઉત. ૨:૧૯, ૨૦) હંમેશાંથી યહોવાના લોકોએ ભાષાની ભેટનો ઉપયોગ યહોવાની સ્તુતિમાં અને બીજાઓને યહોવા વિશે જણાવવામાં કર્યો છે. હાલના સમયમાં, યહોવાના લોકોએ બાઇબલનું ભાષાંતર કરવામાં એ ભેટનો ઉપયોગ કર્યો છે, જેથી વધુને વધુ લોકો યહોવા વિશે શીખી શકે.

૨. (ક) ન્યૂ વર્લ્ડ બાઇબલ ટ્રાન્સલેશન સમિતિએ કયા સિદ્ધાંતોને વળગી રહેવાનું નક્કી કર્યું? (ખ) આ લેખમાં આપણે શું શીખીશું?

આજે બાઇબલના હજારો ભાષાંતરો પ્રાપ્ય છે, જેમાંના કેટલાક બીજાઓ કરતાં થોડા વધારે સચોટ છે. બાઇબલનો એકદમ સચોટ રીતે અનુવાદ કરવા, ન્યૂ વર્લ્ડ બાઇબલ ટ્રાન્સલેશન સમિતિએ આ ત્રણ સિદ્ધાંતો પ્રમાણે કરવાનું નક્કી કર્યું: (૧) ઈશ્વરના નામને આદર આપવો અને મૂળ લખાણોમાં જે જગ્યાઓએ તેમનું નામ હતું, એ જગ્યાઓએ ભાષાંતરમાં ઈશ્વરનું નામ વાપરવું. (માથ્થી ૬:૯ વાંચો.) (૨) જો શબ્દેશબ્દ બેઠું ભાષાંતર ખરો અર્થ આપતું હોય, તો એમ જ કરવું. જો એમ શક્ય ન હોય તો એ રીતે ભાષાંતર કરવું, જેથી મૂળ અર્થ સમજાય. (૩) સહેલાઈથી વંચાય અને સમજાય એવી ભાષા વાપરવી. * (નહેમ્યા ૮:૮, ૧૨ વાંચો.) એ ત્રણ સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને, અનુવાદકોએ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનનું ૧૩૦થી વધુ ભાષાઓમાં ભાષાંતર કર્યું છે. આ લેખમાં આપણે જોઈશું કે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ૨૦૧૩ની આવૃત્તિમાં અને એમાંથી થયેલા બીજી ભાષાના અનુવાદોમાં કઈ રીતે એ સિદ્ધાંતો લાગુ પાડવામાં આવ્યા છે.

ઈશ્વરના નામને આદર આપતું એક બાઇબલ

૩, ૪. (ક) ઈશ્વરનું નામ રજૂ કરતા ચાર મૂળાક્ષરો ક્યાં જોવા મળે છે? (ખ) બાઇબલના ઘણા અનુવાદોમાં ઈશ્વરના નામનું શું કરવામાં આવ્યું છે?

ઈશ્વરનું નામ હિબ્રૂ ભાષાના ચાર મૂળાક્ષરોથી (ટેટ્રાગ્રામેટોનથી) રજૂ કરવામાં આવે છે. પ્રાચીન હિબ્રૂની ઘણી હસ્તપ્રતોમાં એ ચાર મૂળાક્ષરો જોવા મળે છે. જેમ કે, મૃત સરોવરના વીંટાઓમાં. એ નામ ગ્રીક સેપ્ટુઆજીંટની અમુક નકલોમાં પણ જોવા મળે છે. એ નકલો ઈસુના જન્મનાં ૨૦૦ વર્ષો પહેલાંથી લઈને, તેમના જન્મ પછીનાં ૧૦૦ વર્ષો દરમિયાન તૈયાર કરવામાં આવી હતી. જૂની હસ્તપ્રતોમાં ઈશ્વરનું નામ આટલી બધી વાર લખાયેલું જોઈને ઘણા લોકો નવાઈ પામે છે.

એના પરથી સાફ જોઈ શકાય છે કે બાઇબલમાં ઈશ્વરનું નામ હોવું જ જોઈએ. છતાં, ઘણા અનુવાદોમાં ઈશ્વરના નામનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. દાખલા તરીકે, અમેરિકન સ્ટાન્ડર્ડ વર્ઝનની સુધારેલી આવૃત્તિ. એ આવૃત્તિ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ ક્રિશ્ચિયન ગ્રીક સ્ક્રીપ્ચર્સ બહાર પડ્‌યું, એના બે વર્ષ પછી બહાર પાડવામાં આવી હતી. ૧૯૦૧માં બહાર પડેલા અમેરિકન સ્ટાન્ડર્ડ વર્ઝન બાઇબલમાં ઈશ્વરનું નામ જોવા મળતું હતું. પરંતુ, ૧૯૫૨માં બહાર પડેલી એની સુધારેલી આવૃત્તિમાંથી ઈશ્વરનું નામ કાઢી નાખવામાં આવ્યું. એવું શા માટે કરવામાં આવ્યું? કારણ કે એના અનુવાદકોને લાગતું હતું કે ઈશ્વરનું નામ વાપરવું ‘એકદમ અયોગ્ય’ કહેવાય. અંગ્રેજી અને બીજી ભાષાઓના ઘણા અનુવાદોમાંથી પણ ઈશ્વરનું નામ કાઢી નાખવામાં આવ્યું.

૫. બાઇબલના અનુવાદોમાં ઈશ્વરના નામનો ઉપયોગ કરવો શા માટે જરૂરી છે?

અનુવાદકો પોતાના અનુવાદમાં ઈશ્વરનું નામ લખે કે ન લખે, શું એનાથી કોઈ ફરક પડે છે? હા, એનાથી ચોક્કસ ફરક પડે છે. કારણ કે, બાઇબલ લખવાની પ્રેરણા આપનાર યહોવા, પોતે જ ચાહે છે કે લોકો તેમને નામથી ઓળખે. એક સારા અનુવાદકે જાણવું જોઈએ કે મૂળ લેખક શું ચાહે છે. એટલું જ નહિ, એની અસર તેણે અનુવાદમાં લીધેલા નિર્ણય પર દેખાઈ આવવી જોઈએ. બાઇબલમાં એવી ઘણી કલમો છે જે સાબિત કરે છે કે ઈશ્વરનું નામ મહત્ત્વનું છે અને તેમના નામને આદર મળવો જ જોઈએ. (નિર્ગ. ૩:૧૫; ગીત. ૮૩:૧૮; ૧૪૮:૧૩; યશા. ૪૨:૮; ૪૩:૧૦; યોહા. ૧૭:૬, ૨૬; પ્રે.કૃ. ૧૫:૧૪) પ્રાચીન હસ્તપ્રતોમાં હજારો વાર “યહોવા” નામ લખવાની પ્રેરણા યહોવાએ પોતે બાઇબલ લેખકોને આપી હતી. (હઝકીએલ ૩૮:૨૩ વાંચો.) એટલે, જ્યારે અનુવાદકો બાઇબલમાંથી ઈશ્વરનું નામ કાઢી નાંખે છે, ત્યારે તેઓ યહોવાને માન આપતા નથી.

૬. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ૨૦૧૩ની આવૃત્તિમાં ઈશ્વરનું નામ શા માટે વધુ ૬ જગ્યાઓએ મૂકવામાં આવ્યું છે?

આજે, એવા ઘણા પુરાવા મળી રહે છે, જે બતાવે છે કે આપણે ઈશ્વરના નામનો ઉપયોગ કરવો જ જોઈએ. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ૨૦૧૩ની આવૃત્તિમાં ઈશ્વરનું નામ ૭,૨૧૬ વખત જોવા મળે છે. સાલ ૧૯૮૪ની આવૃત્તિ કરતાં ૨૦૧૩ની આવૃત્તિમાં વધુ ૬ જગ્યાઓએ ઈશ્વરનું નામ મૂકવામાં આવ્યું છે. એમાંની પાંચ જગ્યાએ ઈશ્વરનું નામ મૂકવાનું કારણ છે કે, હાલમાં બહાર પાડવામાં આવેલા મૃત સરોવરના વીંટાઓમાં એ જગ્યાઓએ ઈશ્વરનું નામ જોવા મળ્યું છે. * એ નામ પહેલો શમૂએલ ૨:૨૫; ૬:૩; ૧૦:૨૬; ૨૩:૧૪, ૧૬ની કલમોમાં જોવા મળ્યું છે. ઉપરાંત, બાઇબલની પ્રાચીન હસ્તપ્રતો પર વધુ અભ્યાસ પછી જોવા મળ્યું કે ન્યાયાધીશો ૧૯:૧૮માં પણ ઈશ્વરનું નામ છે. તેથી, એ કલમમાં પણ ઈશ્વરનું નામ મૂકવામાં આવ્યું છે.

૭, ૮. યહોવા નામનો શો અર્થ થાય?

સાચા ઈશ્વરભક્તો માટે ઈશ્વરના નામનો પૂરેપૂરો અર્થ સમજવો ખૂબ મહત્ત્વનો છે. ઈશ્વરના નામનો અર્થ થાય: “તે ચાહે એ બને છે.” * અગાઉ આપણાં સાહિત્યમાં નિર્ગમન ૩:૧૪ની કલમને આધારે ઈશ્વરનું નામ સમજાવવામાં આવ્યું છે. એ કલમ કહે છે, “હું જે છું તે છું.” ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ૧૯૮૪ની આવૃત્તિમાં સમજાવવામાં આવ્યું હતું કે યહોવા પોતાનાં વચનો પૂરાં કરવાં, તે પોતે ચાહે એ બને છે. જોકે, ૨૦૧૩ની આવૃત્તિ આમ સમજણ આપે છે: ‘ખરું કે, યહોવા નામમાં એ વિચાર આવે છે. પરંતુ, એ વિચાર એટલા પૂરતો મર્યાદિત નથી કે તે પોતે ચાહે એ બને છે. તેમના નામનો અર્થ એમ પણ થાય કે, તે પોતાનો હેતુ પૂરો કરવા જે કંઈ જરૂરી હોય એ પોતે રચેલી સૃષ્ટિ દ્વારા શક્ય બનાવે છે.’

યહોવા પોતે રચેલી સૃષ્ટિને પોતાની ઇચ્છા પ્રમાણે જે ચાહે એ બનાવે છે. દાખલા તરીકે, ઈશ્વરે નુહને વહાણ બાંધનાર, બસાલએલને અજોડ કારીગર, ગિદઓનને મહાન યોદ્ધા અને પાઊલને એક મિશનરી બનાવ્યા. ઈશ્વરના લોકો સમજે છે કે ઈશ્વરના નામમાં ઊંડો અર્થ રહેલો છે. તેથી જ, ન્યૂ વર્લ્ડ બાઇબલ ટ્રાન્સલેશન સમિતિએ, બાઇબલ ભાષાંતરમાં ઈશ્વરનું નામ જાળવી રાખ્યું છે.

૯. બાઇબલ ભાષાંતર કામને શા માટે સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે?

આજે, બાઇબલ અનુવાદોમાંથી ઈશ્વરનું નામ કાઢી નાખવાનું ચલણ વધી રહ્યું છે. ઈશ્વરના નામને બદલે, “પ્રભુ” જેવા ખિતાબો અથવા કોઈ દેવી-દેવતાનું નામ મૂકવામાં આવે છે! આ મુખ્ય કારણને લીધે નિયામક જૂથને લાગે છે કે દરેક ભાષાના લોકો પાસે એવું બાઇબલ હોવું જોઈએ, જેમાં ઈશ્વરનું નામ વાપરીને તેમને માન આપવામાં આવ્યું હોય. (માલાખી ૩:૧૬ વાંચો.) અત્યાર સુધીમાં ૧૩૦ ભાષાઓમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનનો અનુવાદ થયો છે. એ દરેકમાં યહોવાના નામનો ઉપયોગ કરીને તેમને માન આપવામાં આવ્યું છે.

એક સ્પષ્ટ અને સચોટ અનુવાદ

૧૦, ૧૧. બીજી ભાષાઓમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનનો અનુવાદ કરવાના અમુક પડકારો કયા હતા?

૧૦ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન અંગ્રેજી બાઇબલમાંથી બીજી ભાષાઓમાં અનુવાદ કરવામાં કેટલાક પડકારો આવતા હતા. દાખલા તરીકે, એ બાઇબલમાં સભાશિક્ષક ૯:૧૦ અને બીજી અમુક કલમોમાં હિબ્રૂ શબ્દ “શેઓલ” વાપરવામાં આવ્યો હતો. બીજા અંગ્રેજી બાઇબલો પણ એ જ શબ્દ વાપરતા. જોકે, બીજી ભાષાઓના અનુવાદમાં એ શબ્દ વાપરવાથી મુશ્કેલી ઊભી થતી. એ ભાષાના વાચકો હિબ્રૂ શબ્દ “શેઓલ”નો અર્થ જાણતા નથી. અરે, એ શબ્દ તેઓના શબ્દકોશમાં પણ નથી. અમુકને તો એમ લાગતું કે એ કોઈ જગ્યાનું નામ છે. આ મુશ્કેલીઓ આંબવા ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનના અનુવાદકોને એક મંજૂરી આપવામાં આવી. તેઓ હિબ્રૂ શબ્દ “શેઓલ” અને ગ્રીક શબ્દ “હાડેસ” માટે હવે “કબર” શબ્દ વાપરી શકે છે. એને લીધે ભાષાંતર એકદમ સચોટ અને સમજવામાં સહેલું બન્યું છે.

૧૧ અમુક ભાષાઓના અનુવાદકોને “જીવ” માટેનો હિબ્રૂ શબ્દ “નેફેશ” (neʹphesh) અને ગ્રીક શબ્દ “સાયકે”નો (psy·kheʹ) અનુવાદ કરવો અઘરો લાગતો હતો. શા માટે? કારણ કે, અમુક ભાષાઓમાં એ શબ્દોનો અનુવાદ “અમર આત્મા” જેવો ખોટો અર્થ આપતો. એવી ગેરસમજ ઊભી ન થાય માટે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનના અનુવાદકોને એ શબ્દોનો અનુવાદ સંદર્ભ પ્રમાણે કરવાની મંજૂરી આપવામાં આવી. “જીવ” માટેના હિબ્રૂ શબ્દના જુદા જુદા અર્થ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ—વીથ રેફરન્સીસ બાઇબલની ઍપેન્ડિક્સમાં આપવામાં આવ્યા છે. ઉપરાંત, એ બાઇબલમાં હિબ્રૂ અને ગ્રીક શબ્દો વિશેની માહિતી ફૂટનોટમાં પણ મૂકવામાં આવી. એના લીધે લખાણ વાંચવામાં અને સમજવામાં સહેલું બન્યું.

૧૨. ૨૦૧૩ની આવૃત્તિમાં બીજા કયા ફેરફારો કરવામાં આવ્યા છે? (આ અંકમાં આપેલો “ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન—૨૦૧૩ની આવૃત્તિ” લેખ પણ જુઓ.)

૧૨ અનુવાદકોના સવાલો પરથી એ જાણવા મદદ મળી કે અંગ્રેજી બાઇબલમાં બીજી કેટલીક ગેરસમજણ ઊભી થઈ શકે એમ છે. તેથી, સપ્ટેમ્બર ૨૦૦૭માં નિયામક જૂથે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં ફેરફાર કરીને નવી આવૃત્તિ બહાર પાડવાની મંજૂરી આપી. ફેરફારો કરતી વખતે બાઇબલ સમિતિએ એ હજારો સવાલો તપાસ્યા, જે અનુવાદકોએ પૂછ્‌યા હતા. જૂના અંગ્રેજી વાક્યાંશો કે શબ્દપ્રયોગોની જગ્યાએ, હાલમાં વપરાતા શબ્દપ્રયોગો મૂકવામાં આવ્યા. એના લીધે, લખાણ સચોટ હોવાની સાથે સાથે, વાંચવામાં અને સમજવામાં સહેલું બન્યું. ઉપરાંત, હાલમાં થયેલા બીજી ભાષાઓના અનુવાદથી પણ અંગ્રેજી બાઇબલને સુધારવા મદદ મળી છે.—નીતિ. ૨૭:૧૭.

દિલથી કદર કરવામાં આવી

૧૩. ભાઈ-બહેનોને ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની ૨૦૧૩ સુધારેલી આવૃત્તિ કેવી લાગી છે?

૧૩ ભાઈ-બહેનોને ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની સુધારેલી આવૃત્તિ કેવી લાગી છે? બ્રુકલિનમાં આવેલા આપણા મુખ્યમથકને ભાઈ-બહેનો તરફથી કદર બતાવતા હજારો પત્રો મળ્યા છે. ઘણા લોકોએ એક બહેનની આ લાગણી જેવું અનુભવ્યું છે, જેમણે લખ્યું: ‘બાઇબલ એક ખજાના જેવું છે, જે મૂલ્યવાન રત્નોથી ભરપૂર છે. ૨૦૧૩ની આવૃત્તિમાંથી યહોવાના શબ્દોને વાંચવા જાણે, એમાંના દરેક રત્નને બારીકાઈથી નિહાળવા જેવું છે, જેમાં એનાં ઘણાં પાસાં, એની સ્પષ્ટતા, એનાં રંગ અને સુંદરતાને વખાણી શકાય છે. કલમોમાં વપરાયેલી સહેલી ભાષાને લીધે, હું યહોવાને વધુ સારી રીતે ઓળખી શકી છું. મને લાગે છે કે જાણે યહોવા પિતા મને ગોદમાં લઈને બાઇબલમાંથી પ્રેમાળ શબ્દો વાંચી સંભળાવતા હોય!’

૧૪, ૧૫. પોતાની ભાષામાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન મેળવીને ભાઈ-બહેનોએ કેવું અનુભવ્યું છે?

૧૪ બીજી ભાષાના ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન માટે પણ ભાઈ-બહેનોએ આભાર વ્યક્ત કર્યો છે. બલ્ગેરિયાના સોફિયા શહેરમાં રહેતા, આપણા એક વૃદ્ધ ભાઈ, બલ્ગેરિયન અનુવાદ માટે આમ જણાવે છે: ‘હું ઘણાં વર્ષોથી બાઇબલ વાંચું છું. પરંતુ, આવું ભાષાંતર મેં ક્યારેય વાંચ્યું નથી, જે સમજવામાં સહેલું હોય અને સીધેસીધું દિલમાં ઊતરી જાય.’ એવી જ રીતે, આલ્બેનિયાના એક બહેને લખ્યું: ‘આલ્બેનિયન ભાષામાં ઈશ્વરનું વચન સાંભળવું કેટલું મીઠું લાગે છે! યહોવાને અમારી ભાષામાં બોલતા સાંભળવા ખરેખર એક લહાવો છે!’

૧૫ અમુક દેશોમાં બાઇબલ મોંઘા હોય છે અથવા સહેલાઈથી મળી શકતા નથી. એટલે, ખાસ એવા દેશોમાં પોતાની પાસે બાઇબલ હોવું એક મોટો આશીર્વાદ છે! રુવાન્ડાથી મળેલો એક અહેવાલ આમ જણાવે છે: ‘ભાઈ-બહેનો જે વિદ્યાર્થીઓનો અભ્યાસ લઈ રહ્યાં હતાં, તેઓ પાસે બાઇબલ ન હોવાથી, તેઓમાંથી ઘણાંની પ્રગતિ લાંબા સમયથી રૂંધાઈ રહી હતી. તેઓને ચર્ચ પાસેથી બાઇબલ ખરીદવાં પોસાય એમ ન હતું. એટલું જ નહિ, એ બાઇબલોમાંની અમુક કલમો સમજવી કેટલીક વાર અઘરી પડતી. એટલે, તેઓની પ્રગતિમાં અડચણ આવતી.’ રુવાન્ડામાં રહેતા એક કુટુંબમાં ચાર તરુણો છે. તેઓએ પોતાની ભાષામાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન મેળવ્યા પછી આમ જણાવ્યું: ‘આ બાઇબલ આપવા માટે અમે યહોવાનો અને વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરનો ખૂબ આભાર માનીએ છીએ! અમે ઘણા ગરીબ છીએ અને કુટુંબના દરેક સભ્ય માટે બાઇબલ ખરીદવા અમારી પાસે પૈસા ન હતા. પરંતુ, હવે અમારામાંના દરેક પાસે પોતાનું બાઇબલ છે. એ માટે યહોવાને કદર બતાવવા અમે કુટુંબ તરીકે દરરોજ બાઇબલ વાંચીએ છીએ.’

૧૬, ૧૭. (ક) યહોવા પોતાના લોકો માટે કઈ ઇચ્છા રાખે છે? (ખ) આપણે બધાએ કયો દૃઢ નિર્ણય કરવો જોઈએ?

૧૬ ભાવિમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનને બીજી ઘણી ભાષાઓમાં બહાર પાડવામાં આવશે. એ કામને અટકાવવા શેતાન મથી રહ્યો છે. પરંતુ, આપણે યહોવાની ઇચ્છા જાણીએ છીએ. તે ચાહે છે કે તેમના બધા લોકો તેમની વાણી સ્પષ્ટ અને સમજાય એવી ભાષામાં સાંભળે. (યશાયા ૩૦:૨૧ વાંચો.) જલદી જ, “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.”—યશા. ૧૧:૯.

૧૭ યહોવાએ આપણને ઘણી ભેટ આપી છે, જેમાં તેમના નામને આદર આપતા આ બાઇબલ અનુવાદનો પણ સમાવેશ થાય છે. ચાલો, એ બધી ભેટનો ઉપયોગ કરવાનો દૃઢ નિર્ણય કરીએ. બાઇબલ દ્વારા દરરોજ તેમને આપણી સાથે વાત કરવા દઈએ. આપણે પ્રાર્થનામાં તેમની સાથે વાત કરીએ છીએ ત્યારે, તે પણ આપણું ધ્યાનથી સાંભળે છે. આ રીતે, વાતચીત કરવાથી આપણે તેમની વધુ નજીક આવીશું અને તેમના માટેનો આપણો પ્રેમ વધતો જશે.—યોહા. ૧૭:૩.

‘યહોવાને અમારી ભાષામાં બોલતા સાંભળવા ખરેખર એક લહાવો છે!’

^ ફકરો. 2 ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલની સુધારેલી આવૃત્તિમાં, ઍપેન્ડિક્સ A૧ જુઓ. તેમ જ, મે ૧, ૨૦૦૮ના ચોકીબુરજમાં (અંગ્રેજી) પાન ૧૮ પરનો લેખ જુઓ.

^ ફકરો. 6 મેસોરાની હિબ્રૂ હસ્તપ્રતો કરતાં મૃત સરોવરના વીંટાઓ ૧,૦૦૦ વર્ષોથી પણ જૂના છે.

^ ફકરો. 7 આ સમજણ સંશોધન અને અભ્યાસ માટેનાં અમુક પુસ્તકોમાં જોવા મળે છે. જોકે, બધા જ નિષ્ણાતો એની સાથે સહમત નથી.