સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણી શીખવવાની કળામાં સુધારો કરીએ

આપણી શીખવવાની કળામાં સુધારો કરીએ

આપણી શીખવવાની કળામાં સુધારો કરીએ

‘તું ઈશ્વરનું વચન પ્રગટ કર. જરૂર જણાય ત્યારે તું તારા લોકોને ઠપકો આપ અને તેઓને સાચા માર્ગ પર લાવ. સારા કામ કરવા તેઓને ઉત્તેજન આપ અને ધીરજથી ઈશ્વરનાં વચન શીખવ્યા કર.’—૨ તિમોથી ૪:૨, IBSI.

૧. ઈસુ શાનાથી ઓળખાતા? તેમણે આપણને કઈ આજ્ઞા આપી?

 ઈસુએ ઘણા ચમત્કાર કર્યા. જાતજાતના રોગ મટાડીને ઘણાને સાજા કર્યા. તોપણ લોકો તેમને ચમત્કાર કરનાર તરીકે નહિ, પણ ઉપદેશક, શિક્ષક તરીકે ઓળખતા. (માર્ક ૧૨:૧૯; ૧૩:૧) ઈશ્વર વિષે, તેમના રાજ વિષે લોકોને કહેવાનું કામ ઈસુને મન સૌથી પહેલું, પછી બીજું બધું આવે. આજે ઈસુને પગલે ચાલનારાનું પણ એવું જ છે. ઈસુએ આપણને આજ્ઞા આપી છે કે લોકોને જઈને ઈશ્વર વિષે કહો, શીખવો. પછી લોકો પણ ઈશ્વર યહોવાહને માર્ગે ચાલનારા બનશે.—માત્થી ૨૮:૧૯, ૨૦.

૨. લોકોને સારી રીતે શીખવવા આપણે શું કરવાની જરૂર છે?

આપણે લોકોને સારી રીતે શીખવવું હોય તો શું કરવું જોઈએ? આપણી શીખવવાની કળામાં સુધારો કરતા રહીએ. ઈશ્વરભક્ત પાઊલે પોતાના સાથી તીમોથીને એમ જ કરવા કહ્યું: “તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમ જ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.” (૧ તીમોથી ૪:૧૬) પાઊલ એમ કહેતા ન હતા કે લોકોને ફક્ત જ્ઞાન આપો. ના, પણ જો આપણે સારી રીતે શીખવીશું, તો એ જ્ઞાન લોકોના દિલમાં ઊતરી જશે. લોકો જીવનમાં ફેરફારો કરશે અને સુખી થશે. પણ એ રીતે ‘શીખવવાની’ આવડત આપોઆપ આવી જતી નથી. તો પછી, લોકોને યહોવાહનું જ્ઞાન તરત ગળે ઊતરે એ માટે શું કરવું જોઈએ?—૨ તીમોથી ૪:૨.

સારી રીતે શીખવીએ

૩, ૪. (ક) લોકોને સારી રીતે શીખવવા શું કરવું જોઈએ? (ખ) દેવશાહી સેવા શાળા આપણને કઈ રીતે મદદ કરે છે?

લોકોને ઈશ્વરનાં વચન સારી રીતે શીખવવા આપણે પોતે ધ્યાન આપીને સ્ટડી કરવી જોઈએ. જે કંઈ શીખીએ એને જીવનમાં ઉતારીએ. બીજા જે રીતે શીખવે એમાંથી શીખીએ. યહોવાહ વિષે લોકોને સારી રીતે શીખવવા એ ત્રણેય બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ પણ વિષયની સમજણ મેળવવા પ્રાર્થનામાં યહોવાહની મદદ માગીએ. એ વિષયની સ્ટડી કરીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૨૭, ૩૪ વાંચો.) અનુભવી ભાઈ કે બહેન કઈ રીતે શીખવે છે, એ જોઈએ. પછી એ રીતે લોકોને શીખવવા પ્રયત્ન કરીએ. આ રીતે દિવસે દિવસે આપણી રીતમાં સુધારો થતો જશે.—લુક ૬:૪૦; ૧ તીમોથી ૪:૧૩-૧૫.

યહોવાહ પોતે આપણા મહાન શિક્ષક છે. તે પોતાના સંગઠન દ્વારા આપણને શીખવે છે કે કઈ રીતે પ્રચાર કરવો. કઈ રીતે લોકોને શીખવવું. (યશાયાહ ૩૦:૨૦, ૨૧) એટલે મંડળમાં દર અઠવાડિયે દેવશાહી સેવા શાળા ચાલે છે. એમાંથી આપણે બધાય શીખી શકીએ છીએ કે કઈ રીતે લોકો સાથે વાતચીત કરી શકાય. આ સ્કૂલમાં બાઇબલમાંથી વિચારો લેવાય છે. એમાંથી જાણવા મળે છે કે લોકો સાથે કેવા કેવા વિષય પર વાત કરવી. કઈ રીતે વાત કરવાથી લોકો સાંભળવા તૈયાર થઈ શકે. એ સ્કૂલ વારંવાર યાદ અપાવે છે કે આપણે લોકોને બાઇબલમાંથી જ શીખવીએ. સમજી-વિચારીને સવાલો પૂછીએ. સાદી રીતે શીખવીએ. લોકો પર પ્રેમ રાખીએ. ચાલો હવે એક પછી એક એ મુદ્દાઓ પર વિચાર કરીએ. એના પછી જોઈશું કે કઈ રીતે વ્યક્તિના દિલ સુધી એ જ્ઞાન લઈ જઈ શકાય.

બાઇબલમાંથી જ શીખવો

૫. આપણે લોકોને શામાંથી શીખવવું જોઈએ? શા માટે?

આપણા મહાન શિક્ષક ઈસુએ પણ શાસ્ત્રમાંથી જ શીખવ્યું. (માત્થી ૨૧:૧૩; યોહાન ૬:૪૫; ૮:૧૭) પોતાના મનના વિચારો નહિ, પણ યહોવાહના વિચારો પ્રમાણે શિક્ષણ આપ્યું. (યોહાન ૭:૧૬-૧૮) આપણે પણ તેમના પગલે જ ચાલવું છે. એટલે પ્રચારમાં કે બાઇબલ સ્ટડીમાં પોતાના વિચારો નહિ, પણ બાઇબલમાંથી જ શીખવીએ. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) બાઇબલના શબ્દોમાં યહોવાહની શક્તિ છે. આપણે ગમે એટલી સારી રીતે સમજાવતા હોઈએ પણ એ બાઇબલમાંથી સમજાવીએ. વ્યક્તિને એમાંથી બતાવીએ, વંચાવીએ.—હેબ્રી ૪:૧૨ વાંચો.

૬. વ્યક્તિ સારી રીતે સમજે એ માટે શીખવનારે શું કરવું જોઈએ?

આપણે બાઇબલમાંથી ફક્ત કલમો વાંચીને શીખવવાનું નથી. એ માટે તૈયારી તો કરવી જ પડે. વ્યક્તિ સાથે સ્ટડી કરતી વખતે કઈ કલમો વાંચવી કઈ ન વાંચવી, એનો વિચાર પહેલેથી કરવો પડે. મોટે ભાગે આપણી માન્યતાને ટેકો આપતી કલમો વાંચીએ તો સારું થશે. વાંચ્યા પછી વ્યક્તિને એ સમજવા પણ મદદ કરીએ.—૧ કોરીંથી ૧૪:૮, ૯.

સમજી-વિચારીને સવાલો પૂછો

૭. સવાલો પૂછવા એ કેમ શીખવવાની એક સારી રીત છે?

આપણે સમજી-વિચારીને સવાલ પૂછીએ તો વ્યક્તિના દિલમાં શું છે એ જાણી શકાશે. મોટે ભાગે આપણે વ્યક્તિને કલમ સમજાવીએ છીએ. એને બદલે, તેમને કહીએ કે તે આપણને સમજાવે. એક-બે સવાલ પૂછી શકાય. એનાથી વ્યક્તિ પોતે એ કલમની ખરી સમજણ મેળવશે. એ સમજણ પર કેમ આવ્યા એ વ્યક્તિ આવા સવાલોથી જોઈ શકશે. સાથે સાથે એ સમજણ તેમના દિલમાં ઠસાવવા પણ આપણે મદદ કરીએ છીએ.—માત્થી ૧૭:૨૪-૨૬; લુક ૧૦:૩૬, ૩૭.

૮. વ્યક્તિના દિલમાં શું છે એ જાણવા આપણે શું કરી શકીએ?

આપણા પુસ્તકોમાંથી સવાલ-જવાબથી સ્ટડી ચલાવવામાં આવે છે. મોટે ભાગે સ્ટડી કરનાર વ્યક્તિને ફકરામાંથી સવાલનો જવાબ શોધી કાઢતા વાર લાગતી નથી. ભલે એ ખરો જવાબ હોય તોપણ, આપણે એટલાથી જ સંતોષ માની લેવો ન જોઈએ. દાખલા તરીકે, બાઇબલ વ્યભિચાર વિષે શું જણાવે છે, એ વ્યક્તિ તરત જ બોલી જાય. (૧ કોરીંથી ૬:૧૮) તોપણ, કદાચ આવા સવાલો પૂછી શકાય: ‘પતિ-પત્ની સિવાય કોઈ શરીર-સંબંધ બાંધે તો બાઇબલ એને કેમ પાપ ગણે છે? એ નિયમ વિષે તમને કેવું લાગે છે? એનાથી કોઈ ફાયદો થતો હોય એવું તમને લાગે છે?’ આવા સવાલોના જવાબથી જાણી શકાશે કે તે વ્યક્તિના દિલમાં શું છે.માત્થી ૧૬:૧૩-૧૭ વાંચો.

સમજાય એવી રીતે શીખવો

૯. બાઇબલની કલમ પર વાતચીત કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

બાઇબલના વિચારો મોટે ભાગે સમજવા સહેલા છે. પણ શક્ય છે કે સ્ટડી કરનારને પહેલાંની માન્યતાઓને લીધે અમુક વિચારો સમજવા મુશ્કેલ લાગતા હોય. આપણે તેઓને સમજાય એવી રીતે શીખવીએ. આપણે સાદી રીતે, સહેલી રીતે અને સાચી રીતે શીખવીએ. એમ કરીશું તો, બાઇબલની અમૃતવાણી વ્યક્તિના ગળે જલદી ઊતરશે. આપણે વધારાની માહિતી ઉમેર્યા કરવાની જરૂર નથી. બાઇબલની કલમના દરેક ભાગ સમજાવવાની જરૂર નથી. જે કોઈ વિષય પર આપણે વાત કરતા હોઈએ, એને લગતી માહિતી પર જ ધ્યાન આપીએ. સ્ટડી કરનાર જેમ પ્રગતિ કરે તેમ તેમ, બાઇબલના ઊંડા સત્યોની સમજણ પણ મેળવશે.—હેબ્રી ૫:૧૩, ૧૪.

૧૦. દરેક વખતે કેટલી માહિતીની ચર્ચા કરવી જોઈએ એ શાના પરથી નક્કી થઈ શકે?

૧૦ દરેક વખતે કેટલી માહિતીની ચર્ચા કરવી જોઈએ? દરેક વ્યક્તિની આવડત અને સંજોગો અલગ-અલગ છે. એટલે આપણે વ્યક્તિને પૂરતો ટાઇમ આપીએ, જેથી તે બાઇબલમાંથી વાંચે, સમજે અને સ્વીકારે. વ્યક્તિ ન સમજે તો અમુક ભાગ પૂરો કરવા ઉતાવળ ન કરવી જોઈએ. એ પણ ધ્યાન રાખીએ કે વ્યક્તિ સમજી જાય તો આગળ વધતા રહીએ. આપણે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે વ્યક્તિની શ્રદ્ધા વધારવા સ્ટડી કરીએ છીએ.—કોલોસી ૨:૬, ૭.

૧૧. પાઊલ પાસેથી આપણે શું શીખી શકીએ છીએ?

૧૧ ઈશ્વરભક્ત પાઊલે નવા ભાઈ-બહેનો સાથે સહેલાઈથી સમજાય એ રીતે વાત કરી. પાઊલ તો ભણેલા-ગણેલા હતા. તોપણ, તેમણે પંડિતોની ભાષા વાપરી નહિ. (૧ કોરીંથી ૨:૧, ૨ વાંચો.) ઊંડાં સત્યોને પણ બાઇબલ સાદી રીતે સમજાવે છે. એ લોકોને ગમે છે. એનાથી તેઓનાં દિલને ઠંડક વળે છે. તેઓના સવાલોના પણ જવાબ મળે છે. બાઇબલ સમજવા મોટા પ્રોફેસર બનવાની જરૂર નથી.—માત્થી ૧૧:૨૫; પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩; ૧ કોરીંથી ૧:૨૬, ૨૭.

અનમોલ સત્યની કદર કરતા શીખવો

૧૨, ૧૩. વ્યક્તિ જે શીખે છે એ જીવનમાં ઉતારવા કઈ રીતે મદદ કરી શકાય? દાખલો આપો.

૧૨ આપણે એવી રીતે શીખવીએ કે એ વ્યક્તિના દિલમાં ઊતરી જાય. વ્યક્તિને સમજણ પડવી જોઈએ કે પોતે શીખે છે એ કઈ રીતે પોતાને લાગુ પડે છે. અને બાઇબલની સલાહ પ્રમાણે જીવવાથી તેનું જીવન કઈ રીતે સુખી થઈ શકે.—યશાયાહ ૪૮:૧૭, ૧૮.

૧૩ માનો કે આપણે હેબ્રી ૧૦:૨૪, ૨૫ની વાત કરતા હોઈએ. એ આપણામાં ભેગા મળવાની હોંશ જગાડે છે. એ બતાવે છે કે એકેય મિટિંગ ન ચૂકીએ, જ્યાં આપણા વહાલા ભાઈ-બહેનો છે. જો સ્ટડી કરનાર હજુ એકેય મિટિંગમાં આવ્યા ન હોય, તો જણાવીએ કે મિટિંગમાં શું થાય છે. સાથે સાથે એ પણ જણાવીએ કે મિટિંગમાં ભેગા મળીને આપણે યહોવાહની ભક્તિ કરીએ છીએ. એનાથી તેમને પણ ચોક્કસ ફાયદો થશે. પછી સ્ટડી કરનારને મિટિંગમાં આવવા કહીએ. તોપણ, એવું નહિ કે તે આપણને રાજી કરવા મિટિંગમાં આવે. ના, પણ તે યહોવાહની ભક્તિ કરવા તેમની આજ્ઞા પાળીને મિટિંગમાં આવે.—ગલાતી ૬:૪, ૫.

૧૪, ૧૫. (ક) સ્ટડી કરનાર યહોવાહ વિષે શું શીખી શકે? (ખ) યહોવાહ કેવા છે એ જાણીને વ્યક્તિને શું ફાયદો થશે?

૧૪ બાઇબલમાંથી શીખીને વ્યક્તિને સૌથી મોટો કયો ફાયદો થાય છે? વ્યક્તિ જ્યારે એના શિક્ષણ પ્રમાણે જીવે છે, ત્યારે તે યહોવાહને ઓળખી શકે છે. (યશાયાહ ૪૨:૮) યહોવાહ તો આપણા ભગવાન છે, ખુદા છે, માલિક છે. જો આપણે દિલોજાનથી યહોવાહની ભક્તિ કરીશું, તો એ તેમના ગુણો આપણને શીખવશે. (નિર્ગમન ૩૪:૬, ૭ વાંચો.) એ વખતનો વિચાર કરો જ્યારે ઈસ્રાએલી પ્રજાને ઇજિપ્તની ગુલામીમાંથી બહાર કાઢી લાવવા યહોવાહે મુસાને મોકલ્યા હતા. યહોવાહે મુસાને પોતાની ઓળખ આપતા કહ્યું, “હું જે છું તે છું.” (નિર્ગમન ૩:૧૩-૧૫) એટલે કે પોતાના લોકો માટે યહોવાહ જે ધારે છે, એ ચોક્કસ પૂરું કરીને રહે છે. ઈસ્રાએલીઓને તેમણે બચાવ્યા. તેઓ માટે લડ્યા. જે કંઈ ચીજ-વસ્તુની જરૂર હતી, એ પૂરી પાડી. આમ યહોવાહે પોતાનાં વચનો પૂરાં કર્યાં. યહોવાહે પોતાના લોકો માટે જે કંઈ કરવાની જરૂર પડી, એ બધું જ કર્યું.—નિર્ગમન ૧૫:૨, ૩; ૧૬:૨-૫; યહોશુઆ ૨૩:૧૪.

૧૫ મુસાએ પોતે એ બધાનો અનુભવ કર્યો. સ્ટડી કરનારને કદાચ એવા અનુભવ ન પણ થાય. તોયે વ્યક્તિ જે શીખે એ પોતાના જીવનમાં લાગુ પાડશે ત્યારે શું થશે? તેને લાગશે કે યહોવાહ પાસેથી હિંમત, સમજણ અને માર્ગદર્શનની જરૂર છે. એનાથી વ્યક્તિ પોતે અનુભવશે કે યહોવાહ કેવા છે. તે જોઈ શકશે કે યહોવાહ રક્ષણ કરે છે અને જરૂરી ચીજો પણ પૂરી પાડે છે. તેમની સલાહ પર સો ટકા ભરોસો મૂકી શકાય છે.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૬૩:૭; નીતિવચનો ૩:૫, ૬.

લોકો પર પ્રેમ રાખો

૧૬. આપણે શીખવવામાં ઍક્સ્પર્ટ ન હોઈએ તો કેમ નિરાશ થવાની જરૂર નથી?

૧૬ કદાચ આપણને થઈ શકે કે ‘મારી પાસે શીખવવાની આવડત ક્યાં છે?’ નિરાશ ન થાવ, કેમ કે આખી દુનિયામાં થતા આ કામ પર યહોવાહનો આશીર્વાદ છે. ઈસુ એના પર દેખરેખ રાખે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૭, ૮; પ્રકટીકરણ ૧૪:૬) તેઓનો સાથ હોય તો પછી ચિંતા શાની? તેઓના સાથથી આપણે વ્યક્તિને જરૂર મદદ કરી શકીશું. (યોહાન ૬:૪૪) આપણે કદાચ શીખવવામાં ઍક્સ્પર્ટ ન પણ હોઈએ. તોયે વ્યક્તિને પ્રેમથી અને દિલથી મદદ કરીશું તો યહોવાહ જરૂર આશીર્વાદ આપશે. પાઊલે પણ જેઓને શીખવ્યું તેઓ પર પ્રેમ રાખ્યો ને દિલથી મદદ કરી.૧ થેસ્સાલોનીકી ૨:૭, ૮ વાંચો.

૧૭. આપણે સ્ટડી કરનાર માટે કઈ કઈ રીતે પ્રેમ બતાવી શકીએ?

૧૭ આપણે સ્ટડી કરનાર માટે કઈ કઈ રીતે પ્રેમ બતાવી શકીએ? તેમને સારી રીતે ઓળખવા વધારે ટાઇમ કાઢીએ. સ્ટડી કરીએ તેમ તેમ, મોટે ભાગે તેમના સંજોગો સારી રીતે જાણી શકીશું. કદાચ એમ પણ જોવા મળે કે અમુક રીતે તે બાઇબલ પ્રમાણે જ જીવે છે. જ્યારે કે અમુક રીતે જીવનમાં ફેરફારો કરવાની જરૂર હોય. આપણે તેમને પ્રેમથી, ધીરજથી શીખવીએ કે તે કઈ રીતે બાઇબલનું શિક્ષણ પોતાના જીવનમાં ઉતારે. આમ તે ધીમે ધીમે યહોવાહની દિલથી ભક્તિ કરી શકશે.

૧૮. સ્ટડી કરનાર સાથે કેમ પ્રાર્થના કરવી જોઈએ?

૧૮ સૌથી મહત્ત્વનું તો આપણે તેમની સાથે પ્રાર્થના કરીએ. એમાં તેમનું નામ જણાવીએ. વ્યક્તિના મનમાં એક વાત સાફ હોવી જોઈએ: આપણે સ્ટડી એટલા માટે કરીએ છીએ, જેથી તે યહોવાહને જાણે, ઓળખે. તેમની સાથે પાકો નાતો બાંધીને તેમના ભક્ત બને. યહોવાહના આશીર્વાદ પામે. (ગીતશાસ્ત્ર ૨૫:૪, ૫ વાંચો.) આપણે યહોવાહને જણાવીએ કે વ્યક્તિ જેમ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે, તેમ તેમને મદદ આપે. એનાથી સ્ટડી કરનાર પણ જોશે કે તેમણે “વચનના પાળનારા” બનવાનું છે. (યાકૂબ ૧:૨૨) આપણી પ્રાર્થના પરથી વ્યક્તિ પોતે પણ પ્રાર્થના કરતા શીખશે. આ રીતે તેમને યહોવાહ સાથે પાકો નાતો બાંધવા મદદ કરવાનો આશીર્વાદ આપણને મળે છે!

૧૯. હવે પછીનો લેખ શાની વાત કરશે?

૧૯ આજે દુનિયામાં ૬૫ લાખથી પણ વધારે યહોવાહના સાક્ષીઓ છે. ઈસુએ આજ્ઞા આપી હતી એમ જ, તેઓ લોકોને યહોવાહનો માર્ગ બતાવે છે. લોકોને સારી રીતે શીખવવા તેઓ સુધારો કરતા જ રહે છે. એનાથી શું બન્યું છે? ચાલો હવે પછીના લેખમાં જોઈએ. (w08 1/15)

ચાલો આપણે યાદ કરીએ

• લોકોને શીખવવાની આપણી કળામાં કેમ સુધારો કરતા રહેવું જોઈએ?

• કઈ રીતે શીખવવાથી વ્યક્તિ પર વધારે અસર પડશે?

• આપણી પાસે શીખવવાની આવડત ન હોય તોપણ શાનાથી મદદ મળશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્રો]

શું તમે દેવશાહી સેવા શાળામાં છો?

[પાન ૧૪ પર ચિત્રો]

આપણે કેમ વ્યક્તિને બાઇબલમાંથી વંચાવવું જોઈએ?

[પાન ૧૬ પર ચિત્રો]

સ્ટડી કરનાર સાથે તેમની માટે પ્રાર્થના કરો