સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એકબીજાના હમદર્દ બનો

એકબીજાના હમદર્દ બનો

એકબીજાના હમદર્દ બનો

આજની દુનિયામાં ઘણા લોકો ગરીબી, ભૂખમરો, રોગો, ખૂનખરાબી સહન કરે છે. અંદરોઅંદરની લડાઈનો કે કુદરતી આફતોનો ભોગ બને છે. આવી હાલતમાં આપણે એકબીજાને મદદ કરવી પડે છે. સથવારો આપવો પડે છે. હમદર્દી બતાવવી પડે છે. જેમ સખત તાપ હોય ને તરસી વ્યક્તિને પાણી પીને હાશ થાય છે, તેમ દુઃખી વ્યક્તિને હમદર્દી બતાવીએ તો તેને રાહત મળે છે. તેનું દુઃખ ઓછું થાય છે. તેને મનની શાંતિ મળે છે.

પણ આપણે હમદર્દી કેવી રીતે બતાવી શકીએ? લોકોને મદદની જરૂર પડે ત્યારે તરત જ મદદ કરીએ. બે મીઠા બોલ બોલીએ. પણ શું પોતાના કુટુંબ કે ફ્રેન્ડ-સર્કલમાં જ મદદ કરવી જોઈએ? ના, કેમ કે મહાન ગુરુ ઈસુએ સલાહ આપી કે “જેઓ તમારા પર પ્રીતિ કરે છે, તેઓ પર જો તમે પ્રીતિ કરો છો, તો તમને શું ફળ છે?” એટલે કે આપણે બધાને મદદ કરવી જોઈએ. ઈસુએ કહ્યું કે “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.”—માત્થી ૫:૪૬, ૪૭; ૭:૧૨.

એ સલાહ બાઇબલમાં છે. ઘણા માને છે કે હમદર્દી બતાવવા બાઇબલ સૌથી સારું માર્ગદર્શન આપે છે. આપણા સર્જનહાર, યહોવાહે બાઇબલ લખાવ્યું છે. તે પોતે દયાના સાગર છે. એટલે તે બાઇબલમાં ઘણી વાર જણાવે છે કે લાચારને મદદ કરવી જોઈએ. હમદર્દી બતાવવી જોઈએ.

બાઇબલ જણાવે છે કે ઈશ્વર યહોવાહ “અનાથની તથા વિધવાની દાદ સાંભળે છે, ને પરદેશીને અન્‍ન તથા વસ્ત્ર આપીને તેના પર પ્રીતિ રાખે છે.” (પુનર્નિયમ ૧૦:૧૮) “તે હેરાન થએલાની દાદ સાંભળે છે; તે ભૂખ્યાને અન્‍ન આપે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૭) પરદેશી માટે ઈશ્વર કહે છે કે “પરદેશીને તમારે વતનીના જેવો ગણવો, ને તારે પોતાના જેવી જ પ્રીતિ તેના પર કરવી.”—લેવીય ૧૯:૩૪.

પણ હમદર્દી બતાવવી એ સહેલું નથી. એટલે ઈશ્વરભક્ત પાઊલે કહ્યું હતું કે ‘જૂનો સ્વભાવ ને તેની ટેવો છોડવા પ્રયત્ન કરો. અને નવો સ્વભાવ કેળવવા પ્રયત્ન કરો. એ સ્વભાવના સર્જનહાર હંમેશાં એને પોતાની પ્રતિમા પ્રમાણે નવો કરતા જાય છે. તમે ઈશ્વરના લોક છો; તેમણે તમારા પર પ્રેમ કર્યો અને તમને પોતાના બનાવવા માટે પસંદ કર્યા છે. તેથી તમારે દયાળુ બનવું જોઈએ.’—કોલોસી ૩:૯, ૧૦, ૧૨, પ્રેમસંદેશ.

ઈશ્વરભક્ત પાઊલ પહેલાંના રોમની ક્રૂર દુનિયામાં રહેતા હતા. એટલે પાઊલે ભક્તોને કહ્યું કે તેઓએ સ્વભાવમાં અનેક ફેરફારો કરવા પડશે. એનાથી તેઓ બીજાનું દુઃખ પારખી શકશે. મમતા બતાવી શકશે. આજે આપણે પણ એવો સ્વભાવ કેળવવા પ્રયત્ન કરીએ.

હમદર્દી બતાવવાના ફાયદા

અમુક લોકો દયા કે હમદર્દી બતાવવાને કમજોરી ગણે છે. પણ શું એવું વિચારવું બરાબર છે?

જરાય નહિ! વ્યક્તિમાં હમદર્દી હોય તો તેનામાં પ્રેમ છે. પ્રેમ તો યહોવાહ તરફથી છે. તે પોતે પ્રેમના સાગર છે કેમ કે ‘ઈશ્વર પ્રેમ છે.’ (૧ યોહાન ૪:૧૬) યહોવાહ ‘કરુણાના પિતા તથા સર્વ દિલાસાના ઈશ્વર છે.’ (૨ કોરીંથી ૧:૩) ‘કરુણા બતાવવી’ એટલે કે પારકે દુઃખે દુઃખી થવું. અરે યહોવાહ તો ‘ભૂંડાઓ પર પણ માયાળુ છે.’—લુક ૬:૩૫.

આપણા સર્જનહાર યહોવાહ ચાહે છે કે આપણે પણ દયા-પ્રેમભાવ રાખીએ. બાઇબલ કહે છે કે ‘હે મનુષ્ય, સારું શું છે તે ઈશ્વરે તને બતાવ્યું છે; ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો. એ સિવાય યહોવાહ તારી પાસે બીજું શું માગે છે?’ (મીખાહ ૬:૮) બીજું એક વચન કહે છે કે “માણસ પોતાના દયાળુપણાના પ્રમાણમાં પ્રિય થાય છે.” (નીતિવચનો ૧૯:૨૨) ઈસુ ખ્રિસ્તે પણ એમ જ વિચાર્યું. તેમણે યહોવાહ જેવો જ સ્વભાવ કેળવ્યો. એટલે તેમણે ઈશ્વરભક્તોને કહ્યું કે “તમારો બાપ દયાળુ છે, તેવા તમે દયાળુ થાઓ.” (લુક ૬:૩૬) ધ જેરુશાલેમ બાઇબલ આમ કહે છે: ‘પરમેશ્વરની જેમ રહેમ બતાવો.’

એમ કરીશું તો આપણને ઘણો ફાયદો થશે. બાઇબલ કહે છે કે ‘દયા બતાવનાર પોતાનું હિત કરે છે.’ (નીતિવચનો ૧૧:૧૭) જ્યારે આપણે કોઈને મદદ કરીએ ત્યારે યહોવાહ બહુ ખુશ થાય છે. આપણને આશીર્વાદ આપે છે. એની આપણે સો ટકા ખાતરી રાખી શકીએ, કેમ કે ‘ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે, તે તેને બદલો આપશે.’ (નીતિવચનો ૧૯:૧૭) ‘જે કોઈ કંઈ સારું કરશે, પ્રભુ તેને તે જ પ્રમાણે બદલો આપશે.’—એફેસી ૬:૮.

જો આપણામાં પ્રેમ-દયાભાવ હશે તો બધા સાથે હળી-મળીને રહીશું. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ સાથે કંઈ વાંકું પડે તો, દયાભાવને લીધે મોટું દિલ રાખી વાત કરી શકીશું. ઘણી વાર શા માટે ગેરસમજ થાય છે? કદાચ વ્યક્તિ સાથે ખુલ્લા દિલે વાત ન કરી હોય. અથવા આપણાથી તેને ખોટું લાગ્યું હોય. પણ જો વ્યક્તિ જાણતી હોય કે આપણે દયાળુ છીએ તો તે સહેલાઈથી માફ કરી શકશે. જો આપણામાં હમદર્દી હશે, તો આ સલાહ દિલમાં ઉતારીશું: “એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો.”—કોલોસી ૩:૧૩.

આપણામાં હમદર્દી હશે તો શું કરીશું?

વ્યક્તિને મદદ કરીને હમદર્દી બતાવીશું તો તેનો બોજો હળવો થશે. શા માટે આપણે એમ કરીએ છીએ? કેમ કે વ્યક્તિ દુઃખી છે. તેનું દિલ તૂટી ગયું છે. જ્યારે એની લાગણીઓ અને ભાવનાઓને સમજીએ છીએ ત્યારે તેના દુઃખે આપણે પણ દુઃખી થઈએ છીએ.

આ રીતે આપણે ઈસુને પગલે ચાલીએ છીએ. લોકોના જીવનમાં તકલીફ પડી ત્યારે તેમણે મદદ કરી. લોકોને ઈશ્વર સાથે નાતો બાંધવા પણ મદદ કરી. કોઈ પણ વખતે લોકોને મદદની જરૂર પડતી ત્યારે ઈસુ તૈયાર જ હતા.

દાખલા તરીકે, ઈસુએ જોયું કે ધર્મગુરુઓને લોકોની કંઈ પડી નથી. તેમને કેવું લાગ્યું? બાઇબલ જણાવે છે કે ‘લોકોને જોઈને ઈસુને દયા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઈ ગએલા હતા.’ (માત્થી ૯:૩૬) આ કલમમાં “દયા આવી” શબ્દો વિષે અમુક કહે છે કે: ‘ગ્રીક ભાષામાં હમદર્દી બતાવવા માટે આ શબ્દો સૌથી સારા છે.’ એક બાઇબલ પંડિતે કહ્યું કે ‘દયાનો આ કલમમાં અર્થ થાય કે મદદ કરવાની લાગણીઓ વ્યક્તિના દિલમાંથી જાગી ઊઠે છે.’

આપણે ઈસુની જેમ કોઈ પણ રીતે બીજાઓને દયા, હમદર્દી બતાવીએ. બાઇબલ જણાવે છે કે ‘તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારા અને કરુણાળુ થાઓ.’ (૧ પીતર ૩:૮) ચાલો એક દાખલો લઈએ જેમાં વ્યક્તિઓએ આ સલાહ પોતાના દિલમાં ઉતારી છે. એક કુટુંબ છે. તબિયતને લીધે તેઓને બીજે રહેવા જવાની જરૂર પડી. ત્યાંના યહોવાહના ભક્તોએ એ સાંભળ્યું ત્યારે, કુટુંબને છ મહિના સુધી એક ઘર રહેવા આપ્યું. એનું ભાડું પણ ના લીધું. પેલા કુટુંબનો પતિ કહે છે કે ‘ભાઈ-બહેનો રોજ અમને મળવા આવતા. અમારા ખબર-અંતર પૂછતા. અમને ત્યાં જરાય એકલું ન લાગ્યું.’

યહોવાહના ભક્તો સાથી ભક્તોને જ નહિ પણ બીજાઓને પણ મદદ કરે છે. બીજાઓને મદદ કરવા સમય, શક્તિ ને સાધનો વાપરે છે. જેમ કે ગયા લેખમાં જોયું કે અમુક વૉલન્ટિયરોએ એક વ્યક્તિને ઓળખતા ન હતા છતાં મદદ કરી. એ વૉલન્ટિયરો યહોવાહના ભક્તો હતા.

આ રીતે યહોવાહના ભક્તો બધા પર પ્રેમ રાખે છે. એટલે તેઓ મંડળમાં અને બીજાઓને મદદ કરવા તૈયાર હોય છે. ખાસ કરીને વિધવા અને અનાથને. તેઓ કદાચ ગરીબ હોય. બીમારીમાં દવાના પૈસા પણ ના હોય. અથવા રહેવાનું ઠેકાણું ન હોય. આપણે બધાએ એવા લોકોને મદદ કરવી જોઈએ.

ગ્રીસના એક યુગલનો દાખલો લઈએ. તેઓની સંતરાની વાડી હતી. તેઓ સંતરા વેચીને રોજી-રોટી કમાઈ લેતા. એક વખત જ્યારે સંતરાની સીઝન હતી, ત્યારે પતિને સ્ટ્રોકનો હુમલો થયો. પત્નીએ પતિને લઈને બહુ દૂર હૉસ્પિટલમાં જવું પડ્યું. તેઓને પાકની બહુ ચિંતા હતી. પણ મંડળના ભાઈ-બહેનોએ એ સંતરા ઉતારીને વેચ્યાં. યુગલને એ જાણવા મળ્યું ત્યારે તેમને કેટલી રાહત થઈ. એ પૈસાએ તેઓની રોજી પૂરી પડી.

બીજી રીતે પણ આપણે મદદ કરી શકીએ. અમુક વખત દુઃખી વ્યક્તિને મળીને તેના દિલની વાત સાંભળીએ. હમદર્દી બતાવીએ. બાઇબલમાંથી અમુક કલમો વાંચી સંભળાવીએ જેનાથી તેને દિલાસો મળે.—રૂમી ૧૨:૧૫.

યહોવાહના હમદર્દ લોકોમાં હળો-મળો

આખી દુનિયામાં યહોવાહના ભક્તોના મંડળમાં પ્રેમ છે. તેઓ ઈશ્વર યહોવાહને પગલે ચાલવા પ્રયત્ન કરે છે જેથી તેમની જેમ રહેમ બતાવી શકે. પ્રેમ બતાવી શકે. એનાથી લોકોને દિલાસો મળે છે. આજની કઠોર દુનિયામાં પણ યહોવાહના ભક્તો એકબીજાના હમદર્દ થઈને રહે છે.

યહોવાહના ભક્તો પૂરા દિલથી તમને મંડળમાં આવકારે છે. તમે પણ આવો અને પ્રેમ અહેસાસ કરો. હમદર્દીનો અહેસાસ કરો. (w07 12/15)

[પાન ૫ પર ચિત્રો]

ઈશ્વરભક્ત પાઊલે એકબીજાને પ્રેમ, દયા, હમદર્દી બતાવવા વિષે લખ્યું

[પાન ૭ પર ચિત્રો]

લાચાર લોકોને દુઃખે ઈસુ દુઃખી થયા અને મદદ કરી