સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નમ્ર દિલના હજારો લોકો સત્ય શીખે છે

નમ્ર દિલના હજારો લોકો સત્ય શીખે છે

નમ્ર દિલના હજારો લોકો સત્ય શીખે છે

“અનંતજીવનને સારૂ જેટલા નિર્માણ થએલા હતા તેટલાએ વિશ્વાસ કર્યો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮.

૧, ૨. ઈસુની ભવિષ્યવાણી વિષે જાણીને પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ શું કર્યું?

 ઈસુએ ભાખ્યું કે યહોવાહની સરકાર વિષેની ખુશખબરી આખી દુનિયામાં ફેલાશે. (માત્થી ૨૪:૧૪) પ્રેરિતોનાં કૃત્યોમાં જોવા મળે છે કે ઈસુની આ ભવિષ્યવાણી વિષે જાણીને ત્યાંના ખ્રિસ્તીઓએ આનંદથી પ્રચાર કર્યો. અનેક ખ્રિસ્તીઓએ પ્રચાર કરવા તનતોડ મહેનત કરી. તેઓએ સર્વ માટે દાખલો બેસાડ્યો. યરૂશાલેમના ભાઈ-બહેનોએ એટલી ધગસથી પ્રચાર કર્યો કે હજારો લોકો ખ્રિસ્તી બન્યા. અરે, “ઘણા યાજકો પણ” મંડળ સાથે જોડાયા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧; ૪:૪; ૬:૭.

એ પછી ઘણાએ મિશનરી સેવા કરી. દાખલા તરીકે, ફિલિપ સમારીઆ ગયા ને ત્યાંના લોકોને ઈશ્વરના રાજ્યનો સંદેશો જાહેર કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૫-૮) પાઊલે જુદા જુદા ઘણા ભાઈઓ સાથે સૈપ્રસ, એશિયા માઈનોર, મકદોનિયા, ગ્રીસ ને ઇટાલીમાં પ્રચાર કર્યો. એ શહેરના અનેક યહુદીઓ ને ગ્રીક લોકો ખ્રિસ્તી બન્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧; ૧૬:૫; ૧૭:૪) તીતસે ક્રીતમાં પ્રચાર કર્યો. (તીતસ ૧:૫) પીતર બાબેલોનમાં પ્રચાર કરવામાં ખૂબ વ્યસ્ત રહ્યા. તેમણે આશરે ૬૨-૬૪ની સાલમાં પીતરનું પહેલું પુસ્તક લખ્યું. એ વખતે પંતસ, ગલાતીઆ, કાપાદોકીઆ, આસિયા અને બિથુનીઆ જેવી દૂર દૂરની જગ્યાના લોકો પણ ઈશ્વરના રાજ્ય વિષે જાણતા હતા. (૧ પીતર ૧:૨; ૫:૧૩) એ દિવસો કેટલા રોમાંચક હતા! ભાઈ-બહેનોએ બહુ ધગસથી પ્રચાર કર્યો. તેથી દુશ્મનોએ કહ્યું કે તેઓએ “જગતને ઊથલપાથલ” કરી નાખ્યું છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૬; ૨૮:૨૨.

૩. પ્રચાર કામથી કેવાં ફળો આવ્યાં છે? આ વધારો જોઈને તમને કેવું લાગે છે?

આજે પણ મંડળોમાં વધારો થઈ રહ્યો છે. દર વર્ષે યહોવાહના સાક્ષીઓનો સેવા અહેવાલ જોઈને શું તમને ખુશી નથી થતી? હમણાં આશરે ૬૦ લાખથી વધારે લોકો બાઇબલ સ્ટડી કરી રહ્યા છે. અરે, ગયા વર્ષે મેમોરિયલમાં લગભગ એક કરોડ લોકો આવ્યા હતા. જોકે તેઓ બધા સાક્ષીઓ નથી. આ બધું જાણીને તમને કેવું લાગે છે? આ બધું શું બતાવે છે? એ જ કે હજી પણ ખૂબ પ્રચાર કામ બાકી છે.

૪. આજે કેવા લોકો સત્ય સ્વીકારે છે?

પ્રથમ સદીની જેમ આજે પણ ‘અનંતજીવનને સારૂ જેટલા નિર્માણ થએલા છે’ તેઓ સત્યનો સંદેશો સ્વીકારી રહ્યા છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) અહીં “નિર્માણ થએલા” એવા લોકોને બતાવે છે જે યહોવાહના જ્ઞાન માટે તલપે છે. એવા નમ્ર લોકોને યહોવાહ પોતાની સંસ્થામાં લાવે છે. (હાગ્ગાય ૨:૭ વાંચો.) આપણે લોકોને મંડળમાં લાવી શકીએ માટે યહોવાહની સંસ્થા માર્ગદર્શન આપે છે. પણ શું આપણે એ સાંભળીએ છીએ?

બધાને પ્રચાર કરીએ

૫. યહોવાહ કેવા લોકોને કૃપા બતાવે છે?

પ્રથમ સદીના ખ્રિસ્તીઓ જાણતા હતા કે ‘ઈશ્વર પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) જેઓ ઈસુ પર, તેમણે આપેલા બલિદાન પર શ્રદ્ધા રાખે છે તેઓ જ યહોવાહ સાથે નાતો બાંધી શકશે. (યોહાન ૩:૧૬, ૩૬) યહોવાહ ચાહે છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.”—૧ તીમોથી ૨:૩, ૪.

૬. પ્રચારમાં તમારે શું ન કરવું જોઈએ? શા માટે?

શું તમે પ્રચાર કરો ત્યારે ભેદભાવ રાખો છો? નાત-જાત, પદવી, દેખાવ, ધર્મ કે બીજી બાબત જોઈને પ્રચાર કરો છો? જરા વિચાર કરો કે તમને કોણે સત્ય શીખવ્યું. જો તેઓએ ભેદભાવ રાખ્યો હોત, તો શું તમે આજે મંડળમાં હોત? કદાચ નહિ, ખરું ને? તો પછી, શું તમારે પણ દરેકને પ્રચાર ન કરવો જોઈએ?—માત્થી ૭:૧૨ વાંચો.

૭. પ્રચારમાં કેમ બીજાનો ઇન્સાફ ન કરવો જોઈએ?

યહોવાહે ઇન્સાફ કરવાની જવાબદારી ઈસુને આપી છે. તેથી આપણને બીજા લોકોનો ઇન્સાફ કરવાનો કોઈ હક્ક નથી. એ વિષે ઈસુએ કહ્યું કે આપણે ‘પોતાની આંખે જોયા પ્રમાણે ઇન્સાફ’ કરીએ છીએ. ‘પોતાના કાને સાંભળ્યા પ્રમાણે નિર્ણય’ કરીએ છીએ. જ્યારે કે ઈસુ તો વ્યક્તિનું દિલ ને વિચારો પારખીને ઇન્સાફ કરે છે.—યશાયાહ ૧૧:૧-૫; ૨ તીમોથી ૪:૧.

૮, ૯. (ક) શાઊલ ખ્રિસ્તી બન્યા પહેલાં કેવા હતા? (ખ) પાઊલનો દાખલો તમને શું શીખવે છે?

જુદી જુદી નાત-જાત અને સમાજના લોકો પણ યહોવાહના ભક્ત બન્યા છે. અરે, આપણે માની ન શકીએ એવા લોકો પણ યહોવાહના ભક્ત બન્યા છે! તાર્સસના શાઊલનો વિચાર કરો, જે ઈસુના શિષ્ય બન્યા પછી પાઊલ નામથી ઓળખાયા. તે ફરોશી હતા. યહોવાહના ભક્તોના કટ્ટર દુશ્મન. તેમને લાગ્યું કે ઈસુના પગલે ચાલીને ખ્રિસ્તી બનવું ખોટું છે. એટલે તે તેઓને રિબાવતા, સતાવતા. (ગલાતી ૧:૧૩) આપણને થાય કે શાઊલ ‘ક્યારેય યહોવાહના ભક્ત નહિ બને.’ પણ ઈસુ જોઈ શક્યા કે શાઊલનું દિલ સાફ હતું. એટલે તેમણે શાઊલને એક ખાસ જવાબદારી સોંપી. પછી શાઊલ પ્રથમ સદીના બધા ભાઈ-બહેનો કરતાં વધારે જોશીલા પ્રચારક બન્યા.

પાઊલનો દાખલો આપણને શું શીખવે છે? એ જ કે દરેકને સત્ય જાણવાનો મોકો મળવો જોઈએ. પછી ભલેને તેઓ આપણને નફરત કરતા હોય. કદાચ આપણને લાગશે કે તેઓ ક્યારેય સત્ય નહિ સાંભળે. તોપણ હિંમતથી તેઓને સત્ય જણાવતા રહેવું જોઈએ. ઘણી વાર આપણે ધાર્યું પણ ન હોય એવા લોકો આપણા ભાઈ-બહેન બને છે. તેથી આપણે સર્વ લોકોને વારંવાર પ્રચાર કરવાનું ‘છોડવું’ ન જોઈએ.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨ વાંચો.

પ્રચાર કરવાથી આવતા આશીર્વાદો

૧૦. ડરામણી વ્યક્તિને પણ કેમ પ્રચાર કરવો જોઈએ? એ વિષે અનુભવ જણાવો.

૧૦ આપણને ઘણી વાર વ્યક્તિના દેખાવ પરથી લાગે કે તે સત્યમાં રસ નહિ બતાવે. પણ એમ વિચારવું ખોટું છે. ઇજ્ઞેશિયોનો * વિચાર કરો. તે દક્ષિણ અમેરિકાની જેલમાં હતો ત્યારે સત્ય શીખવા લાગ્યો. તે ખૂબ હિંસક હતો. જેલમાં બધા તેનાથી ડરતા હતા. જેલમાં કેદીઓ વસ્તુઓ બનાવીને અંદરો-અંદર વેચતા. જો કોઈ પૈસા ન ચૂકવે તો ઇજ્ઞેશિયો તેઓને માર-પીટ કરીને પૈસા કઢાવતો. પણ સત્ય તેના દિલમાં પહોંચ્યું તેમ તેનો સ્વભાવ બદલાવા લાગ્યો. તે ખૂબ માયાળુ બનવા લાગ્યો. બીજાને માર-પીટ કરવાનું છોડી દીધું. સત્ય શીખવાથી ઇજ્ઞેશિયો ખૂબ ખુશ છે. ઈશ્વરની શક્તિથી તેના સ્વભાવમાં પણ ફેરફાર આવ્યો. સાક્ષીઓએ ભેદભાવ વગર તેની સાથે સ્ટડી કરી એનો તે ખૂબ આભાર માને છે.

૧૧. આપણે કેમ વારંવાર લોકોને મળવા જઈએ છીએ?

૧૧ લોકો આપણું ન સાંભળે તોપણ આપણે કેમ વારંવાર પાછા જઈએ છીએ? કેમ કે તેઓના સંજોગો, વિચારો ને જીવન બદલાયા હોઈ શકે. કદાચ તેઓ હાલમાં ખૂબ બીમાર હોય, નોકરી ગુમાવી હોય. કે પછી કુટુંબમાં કોઈ ગુજરી ગયું હોવાથી ગમમાં હોય. (સભાશિક્ષક ૯:૧૧ વાંચો.) અથવા દુનિયાની બગડતી હાલત જોઈને તેઓ ચિંતામાં પડી ગયા હોય. ભલે પહેલાં એ વ્યક્તિએ કોઈ રસ બતાવ્યો ન હોય, કે આપણો વિરોધ પણ કર્યો હોય. પણ હવે તેઓ બદલાયા હોય શકે. તેથી આપણને કોઈ પણ તક મળે ત્યારે લોકોને પ્રચાર કરવાથી અચકાવું જોઈએ નહિ.

૧૨. પ્રચારમાં આપણે લોકો વિષે કેવું વિચારવું જોઈએ? શા માટે?

૧૨ દરેક વ્યક્તિને બીજાની ભૂલો કાઢવાની ટેવ હોય છે. અમુક જાતિના લોકો માટે ભેદભાવ પણ હોય છે. પણ યહોવાહ એવા નથી. તે દરેક વ્યક્તિના સારા ગુણો જુએ છે. તે જોઈ શકે છે કે દરેક વ્યક્તિને મોકો મળે તો તે સુધરશે કે નહિ. (૧ શમૂએલ ૧૬:૭ વાંચો.) પ્રચાર કરીએ ત્યારે આપણે પણ તેમની જેમ વિચારવું જોઈએ. ઘણા ભાઈ-બહેનોના અનુભવથી જોવા મળ્યું છે કે યહોવાહ જેવા વિચાર કરવાથી પ્રચારમાં સારાં પરિણામો મળ્યાં છે.

૧૩, ૧૪. (ક) એક પાયોનિયર બહેને કેવી ભૂલ કરી? (ખ) આ અનુભવમાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ સાન્ડ્રાબહેનનો દાખલો લઈએ. તે કૅરેબિયનના એક ટાપુ પર પાયોનિયરીંગ કરે છે. એક વાર ઘર ઘરના પ્રચારમાં તે રૂથ નામની સ્ત્રીને મળ્યા. રૂથને સત્યમાં રસ હોવાથી સાન્ડ્રાબહેન સાથે બાઇબલ સ્ટડીની ગોઠવણ કરી. એ ટાપુ પર દર વર્ષે મોટો મેળો ભરાતો. એમાં રૂથ રાણી જેવાં કપડાં પહેરતી હોવાથી બે વાર મેળાની રાણી તરીકે તેને ઈનામ મળ્યું હતું. સાન્ડ્રાબહેન કહે છે: ‘એક વાર સ્ટડી માટે હું રૂથના ઘરે ગઈ તો, દીવાલ પર તેનો એક મોટો ફોટો હતો. એમાં તે રાણીની જેમ બની-ઠનીને ઊભી હતી. ફોટાની બાજુમાં તેની અનેક ટ્રૉફી પણ હતી. મને લાગ્યું કે તે મશહૂર છે. મેળાના ધંધામાં ડૂબેલી છે. તેને સત્યમાં રસ નહિ હોય. એટલે હું ફરી વાર તેના ઘરે ગઈ નહિ.’

૧૪ થોડા દિવસ પછી રૂથ એકલી કિંગ્ડમ હૉલમાં આવી. મિટિંગ પછી તેણે સાન્ડ્રાબહેનને કહ્યું: “તમે મારી સાથે સ્ટડી કરવા પાછા કેમ આવ્યા નહિ?” સાન્ડ્રાબહેને માફી માંગી ને ફરી સ્ટડી કરવાની ગોઠવણ કરી. રૂથે સત્યમાં જલદીથી પ્રગતિ કરી. તેણે મેળાના બધા ફોટા ઉતારી નાખ્યા. તે મિટિંગ ને પ્રચારમાં જવા લાગી. પછી તેણે બાપ્તિસ્મા લીધું. સાન્ડ્રાબહેનને સમજાયું કે પોતે રૂથ વિષે શરૂઆતમાં ખોટું વિચાર્યું હતું.

૧૫, ૧૬. (ક) એક બહેને તેમના સગાંને પ્રચાર કર્યો એનું શું પરિણામ આવ્યું? (ખ) ધર્મચુસ્ત સગાં-વહાલાં સાથે પણ બાઇબલ વિષે વાત કરતા કેમ ગભરાવું ન જોઈએ?

૧૫ ઘણા ભાઈ-બહેનોએ તેઓના સગાં-વહાલાંને પણ પ્રચાર કર્યો છે. તેઓમાંના ઘણાને એવું લાગ્યું હતું કે સગાંઓ સત્યમાં કદીયે રસ નહિ બતાવે. અમેરિકાના જોઈસબહેનનો દાખલો લો. તેમના બનેવી યુવાન હતા ત્યારથી ઘણી વાર જેલમાં જઈ આવ્યા છે. જોઈસ કહે છે: “લોકો તેમને સાવ નકામો કહેતા. તે ડ્રગ્સ વેચતા, ચોરી કરતા ને ખરાબ કામો કરતા. તોપણ હું તેમની સાથે બાઇબલ વિષે વાત કરતી રહી. એ સહેલું ન હતું. તોપણ ૩૭ વર્ષ હું એમ કરતી રહી.” છેવટે તે બાઇબલ વિષે શીખવા લાગ્યા. તેમણે જીવનમાં મોટા ફેરફારો કર્યા, ત્યારે ધીરજના ફળ મીઠા લાગ્યા. હાલમાં જ તેમણે કેલીફોર્નિયામાં ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં પચાસેક વર્ષની વયે બાપ્તિસ્મા લીધું. જોઈસ કહે છે, “એ જોઈને હું ખુશીની મારી રડી પડી. મને બહુ ખુશી છે કે હું હિંમત ન હારી.”

૧૬ કદાચ તમારા અમુક સગાં-વહાલાં પણ ખૂબ ધર્મચુસ્ત હશે. તેઓ સાથે બાઇબલ વિષે વાત કરવાનો તમને ડર લાગતો હોય. પણ જોઈસબહેનની જેમ હિંમતવાન બનો. આપણે જાણતા નથી કે સગાં-વહાલાંના દિલમાં શું છે. કદાચ તેઓ દિલથી સત્ય જાણવા ચાહતા હોય. તેઓથી ગભરાશો નહિ અને સત્ય જાણવાની તક આપો.—નીતિવચનો ૩:૨૭ વાંચો.

બાઇબલ સ્ટડી માટેનું સરસ પુસ્તક!

૧૭, ૧૮. (ક) બાઇબલ શીખવે છે પુસ્તક વાપરવાથી કેવા આશીર્વાદો આવે છે? (ખ) આ પુસ્તકથી તમને થયેલો સારો અનુભવ જણાવો.

૧૭ ઘણા દેશોની બ્રાંચ ઑફિસમાંથી રિપોર્ટ મળ્યો છે કે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકની મદદથી ઘણા નમ્ર લોકો સત્યમાં સારી પ્રગતિ કરી રહ્યા છે. અમેરિકામાં પેની નામની પાયોનિયર બહેન છે. તેમણે એ પુસ્તકમાંથી ઘણી બાઇબલ સ્ટડી શરૂ કરી છે. એમાંથી બે વ્યક્તિ ઉંમરવાળી છે. તેઓ ચર્ચના ચુસ્ત ખ્રિસ્તીઓ છે. શરૂઆતમાં પેનીબહેન થોડા ડરી ગયા. બાઇબલ શીખવે છે પુસ્તકમાં જે રીતે સત્ય સમજાવ્યું છે એના વિષે તેઓને કેવું લાગશે એની પેનીને ખબર ન હતી. તોપણ તેમણે તેઓ સાથે સ્ટડી કરી. પેની કહે છે: “આ પુસ્તકમાં બધી માહિતી એકદમ સરળ છે. વાંચીને તરત જ સમજ પડી જાય એવી છે. આ બંને વ્યક્તિઓએ કોઈ વાંધો ઉઠાવ્યા વગર સત્ય સ્વીકારી લીધું!”

૧૮ હવે એશિયાથી આવેલી એક સ્ત્રીનો અનુભવ જોઈએ. અમુક ખરાબ સૈનિકો તેના પતિ અને દીકરાઓને બળજબરીથી ઉપાડી ગયા. એ પછી તે સ્ત્રી પતિ અને દીકરીઓને ક્યારેય જોઈ ન શકી. સ્ત્રીને મોતની ધમકીઓ આપવામાં આવી. તેનું ઘર બાળી નાખવામાં આવ્યું. એક ગેંગે તેના પર બળાત્કાર કર્યો. તે જીવ બચાવવા પોતાનો દેશ છોડીને ભાગી. આમ તે બ્રિટન આવી. ઘણી વાર તેને આપઘાત કરવાના વિચારો આવતા. એવામાં તેને પૅટબહેન મળ્યા. તે પૅટ સાથે બાઇબલ સ્ટડી કરવા લાગી. એનાથી સ્ત્રીના દિલમાં આશાનું કિરણ જાગ્યું. પૅટબહેન કહે છે: “બાઇબલ શીખવે છે પુસ્તકમાં સમજણ ને દાખલાઓ એકદમ સાદા છે. એનાથી સ્ત્રીના દિલ પર ઊંડી અસર થઈ.” આ સ્ત્રીએ સારી પ્રગતિ કરી. થોડા દિવસોમાં તો તે પ્રચારમાં જવા લાગી. તેણે એમ પણ જણાવ્યું કે પોતે આવતા સંમેલનમાં બાપ્તિસ્મા લેવા ચાહે છે. સાફ દિલના લોકોને બાઇબલમાંથી આશા આપવી ને સત્ય શીખવવું કેટલું આનંદભર્યું કામ છે!

“સારૂં કરતાં આપણે થાકવું નહિ”

૧૯. આજે પ્રચાર કામ કેમ આટલું તાકીદનું છે?

૧૯ દિવસો પસાર થાય તેમ પ્રચાર કરવાની ને શિષ્યો બનાવવાની આજ્ઞા પાળવી બહુ જ તાકીદની છે. દર વર્ષે હજારો નમ્ર લોકો સત્ય સ્વીકારે છે. યહોવાહના ભક્તો બને છે. પરંતુ જેઓ યહોવાહનું સાંભળતા નથી, તેમની ભક્તિ કરતા નથી, તેઓનું ‘મોત’ ચોક્કસ છે. કેમ કે “યહોવાહનો મહાન દિવસ નજીક છે.”—સફાન્યાહ ૧:૧૪; નીતિવચનો ૨૪:૧૧.

૨૦. આપણે શું કરવાની મનમાં ગાંઠ વાળવી જોઈએ?

૨૦ લોકોને મદદ કરવાનો હજી સમય છે. તેથી ચાલો આપણે પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ ‘ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું કામ છોડીએ નહિ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨) આપણે દુઃખ-તકલીફો સહન કરવા પડે તોપણ કુશળતાથી લોકોને સત્ય શીખવીએ. ભેદભાવ વગર સર્વ લોકો સાથે વાત કરીએ. આપણે ‘સારું કરતાં થાકીએ નહિ.’ પછી યહોવાહ પણ આપણા પર પુષ્કળ આશીર્વાદો વરસાવશે.—૨ તીમોથી ૪:૨; ગલાતી ૬:૯ વાંચો. (w08 1/15)

[ફુટનોટ]

^ અમુક નામો બદલવામાં આવ્યા છે.

જવાબમાં શું કહેશો?

• આજે કેવા લોકો સત્ય સ્વીકારે છે?

• આપણે કેમ લોકોનો ઇન્સાફ ન કરવો જોઈએ?

• પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક વાપરવાથી કેવાં પરિણામો આવ્યાં છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર ચિત્રો]

હજારો નમ્ર લોકો સત્ય સ્વીકારે છે

[પાન ૨૦ પર ચિત્રો]

આપણે બીજાઓનો ઇન્સાફ કરવો ન જોઈએ