સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજ્ય માટે યોગ્ય ગણાયા

રાજ્ય માટે યોગ્ય ગણાયા

રાજ્ય માટે યોગ્ય ગણાયા

‘આ તો ઈશ્વરના ન્યાયનો પુરાવો છે. તે તમને પોતાના રાજ્યને યોગ્ય બનાવે છે.’—૨ થેસ્સાલોનિકી ૧:૫, IBSI.

૧, ૨. ઈશ્વરે શું નક્કી કર્યું છે? ઇન્સાફ કોણ કરશે?

 લગભગ ઈસવીસન પચાસમાં પ્રેરિત પાઊલ આથેન્સમાં હતા. એ શહેરના લોકો અનેક દેવ-દેવીઓમાં માનતા. ત્યાં ખૂણેખૂણે મૂર્તિપૂજા થતી. એ જોઈને પાઊલ દુઃખી થઈ ગયા ને લોકોને યહોવાહનું સત્ય જણાવવા પ્રેરાયા. તેમણે તેઓ સાથે સમજી-વિચારીને વાત કરી. તેમણે અંતમાં જે કહ્યું એનાથી લોકોના કાનમાં પડઘા પડ્યા જ હશે: ‘હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની ઈશ્વર આજ્ઞા કરે છે; કેમ કે તેણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇન્સાફ કરશે; જે વિષે તેણે તેને મૂએલાંમાંથી પાછો ઉઠાડીને સર્વેને ખાતરી કરી આપી છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૦, ૩૧.

ઈશ્વરે જગતનો ન્યાય કે ઇન્સાફ કરવાનો દિવસ નક્કી કર્યો છે! ઘણા એને કયામતનો દિવસ પણ કહે છે. જોકે પાઊલે ‘નીમેલા માણસનું’ નામ જણાવ્યું નથી. તોપણ આપણે જાણીએ છીએ કે મૂએલાંમાંથી પાછો ઊઠેલો માણસ ઈસુ ખ્રિસ્ત છે. ઈસુનો ઇન્સાફ જેવો-તેવો નહિ હોય. તેમના ઇન્સાફથી મરણ અથવા જીવન મળશે.

૩. યહોવાહે ઈબ્રાહીમ સાથે કેમ કરાર કર્યો? એ કરાર પ્રમાણે કામ પૂરું કરવા કોણ આગેવાની લેશે?

ન્યાયનો દિવસ ચોવીસ કલાકનો નહિ, પણ હજાર વર્ષનો છે. એ સમયમાં યહોવાહ ઈસુને રાજ કરવા દેશે. જોકે ઈસુ એકલા રાજ નહિ કરે. યહોવાહે અમુક ઈશ્વરભક્તોને ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરવા પસંદ કર્યા છે. તેઓ ઈસુને ઇન્સાફ કરવામાં મદદ કરશે. (વધુ માહિતી: લુક ૨૨:૨૯, ૩૦) ચારેક હજાર વર્ષ પહેલાં યહોવાહે ઇન્સાફના દિવસની તૈયારી કરી હતી. કેવી રીતે? ઈશ્વરભક્ત ઈબ્રાહીમ સાથે કરાર કરીને. (ઉત્પત્તિ ૨૨:૧૭, ૧૮ વાંચો.) એ કરાર ઈ.સ. પૂર્વે ૧૯૪૩થી શરૂ થયો. જોકે ઈબ્રાહીમ પૂરી રીતે એ કરારનો અર્થ સમજ્યા ન હતા. એ કરારથી ઇન્સાનને કેવા લાભ થશે એનાથી પણ તે અજાણ હતા. પણ આપણે અજાણ નથી. એ કરાર પ્રમાણે ઈબ્રાહીમના વંશમાંથી એક સંતાન આવ્યું. તે યહોવાહના મકસદ પ્રમાણે સર્વ ઇન્સાનનો ન્યાય કરશે.

૪, ૫. (ક) ઈબ્રાહીમના વંશમાંથી આવનાર મુખ્ય સંતાન કોણ છે? તેમણે ઈશ્વરના રાજ્ય વિષે શું કહ્યું? (ખ) લોકો ઈશ્વરના રાજ્યનો ભાગ બની શકે એવી ગોઠવણ ક્યારથી કરવામાં આવી?

ઈબ્રાહીમના વંશમાંથી આવનાર મુખ્ય સંતાન ઈસુ છે. યહોવાહના વચન પ્રમાણે ઈ.સ. ૨૯માં ઈસુએ બાપ્તિસ્મા લીધું. ખુદ યહોવાહે પોતાના આશીર્વાદથી તેમને મસીહ કે ખ્રિસ્ત તરીકે પસંદ કર્યા. (ગલાતી ૩:૧૬) ત્યાર પછી ઈસુએ સાડા ત્રણ વર્ષ સુધી યહુદીઓને યહોવાહના રાજ્યનો પ્રચાર કર્યો. યોહાન બાપ્તિસ્મકને જેલ થયા પછી ઈસુએ જણાવ્યું કે યહુદી સિવાય બીજા લોકો પણ યહોવાહના રાજ્યનો ભાગ બની શકે છે. ઈસુએ કહ્યું: ‘યોહાને ઉપદેશ અને બાપ્તિસ્માની સેવા શરૂ કરી ત્યારથી માંડીને આજ સુધી સંખ્યાબંધ આતુર લોકો સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવા ધસી રહ્યા છે, અને તેઓ એ મેળવે છે.’—માથ્થી ૧૧:૧૨, IBSI.

એ પહેલા ઈસુએ કહ્યું હતું: “હું તમને ખચીત કહું છું, કે સ્ત્રીઓથી જેટલા જન્મ્યા છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્‍ન થયો નથી; તો પણ આકાશના રાજ્યમાં જે નાનો છે તે પણ તેના કરતાં મોટો છે.” (માત્થી ૧૧:૧૧) ઈસુએ શા માટે એમ કહ્યું? કેમ કે ઈ.સ. ૩૩, પેન્તેકોસ્તના દિવસે ઈસુના શિષ્યો પર યહોવાહનો આશીર્વાદ રેડવામાં આવ્યો ત્યાં સુધી તેઓ ઈશ્વરના રાજ્યનો ભાગ બની શકતા ન હતા. એ ગોઠવણ છેક ૩૩ની સાલમાં કરવામાં આવી. બાપ્તિસ્મા આપનાર યોહાન એ ગોઠવણ થઈ એ પહેલાં જ મરણ પામ્યા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪.

ઈબ્રાહીમનો વંશ ન્યાયી ગણાયો

૬, ૭. (ક) કયા અર્થમાં ઈબ્રાહીમનો વંશ “આકાશના તારા” જેટલો બનવાનો હતો? (ખ) ઈબ્રાહીમને કેવા આશીર્વાદો મળ્યા? ઈબ્રાહીમ સામે તેમના વંશના સંતાનો કેવા આશીર્વાદો પામ્યા?

ઈબ્રાહીમને કહેવામાં આવ્યું હતું કે તેમનો વંશ “આકાશના તારા” ને સમુદ્રના કાંઠાની રેતી જેટલો થશે. (ઉત્પત્તિ ૧૩:૧૬; ૨૨:૧૭) એનો શું અર્થ થાય? એ જ કે ઈબ્રાહીમના સમયમાં એ કહેવું અશક્ય હતું કે એ વંશમાં કેટલા લોકો હશે. જોકે સમય જતાં યહોવાહે પોતાના ભક્તોને જણાવ્યું કે એ વંશમાંથી કેટલા લોકો સ્વર્ગમાં જશે. ઈસુ સાથે ૧,૪૪,૦૦૦ ઈશ્વરભક્તો સ્વર્ગમાં હશે.—પ્રકટીકરણ ૭:૪; ૧૪:૧.

ઈબ્રાહીમની શ્રદ્ધા વિષે બાઇબલ કહે છે: ‘ઈબ્રાહીમે યહોવાહ પર વિશ્વાસ કર્યો; અને એ યહોવાહે ન્યાયીપણાને અર્થે તેના લાભમાં ગણ્યું.’ (ઉત્પત્તિ ૧૫:૫, ૬) ખરું કે કોઈ પણ ઇન્સાન પૂરી રીતે ન્યાયી નથી. (યાકૂબ ૩:૨) પરંતુ ઈબ્રાહીમને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હોવાથી યહોવાહે તેમને ન્યાયી ગણ્યા. યહોવાહે તેમને પોતાનો મિત્ર પણ કહ્યાં. (યશાયાહ ૪૧:૮) ઈસુ અને ૧,૪૪,૦૦૦ ઈશ્વરભક્તો ઈબ્રાહીમના વંશના હોવાથી તેઓ પણ યહોવાહની નજરે ન્યાયી છે. એટલે તેઓને ઈબ્રાહીમ કરતાં વધારે આશીર્વાદો મળે છે.

૮. ઈબ્રાહીમનાં વંશના સંતાનોને કયો આશીર્વાદ મળ્યો?

અભિષિક્તો ઈસુની કુરબાનીમાં શ્રદ્ધા મૂકે છે એ માટે પણ યહોવાહ તેઓને ન્યાયી ગણે છે. (રૂમી ૩:૨૪, ૨૮) યહોવાહની નજરે તેઓ નિર્દોષ અને પાપ વગરના છે. એટલે ઈસુની જેમ તેઓ પણ ઈશ્વરના દીકરા કહેવાય. બાઇબલ તેઓને ઈસુના ભાઈઓ પણ કહે છે. (યોહાન ૧:૧૨, ૧૩) ઈસુએ તેઓ સાથે રાજ્યનો કરાર એટલે કે નવો કરાર કર્યો છે. તેઓને ‘ઈશ્વરના ઈસ્રાએલ’ કે નવી પ્રજા કહેવામાં આવે છે. (ગલાતી ૬:૧૬; લુક ૨૨:૨૦) તેઓ માટે એ અજોડ આશીર્વાદ કહેવાય! યહોવાહે આશીર્વાદ આપ્યો હોવાથી તેઓને પૃથ્વી પર નહિ પણ સ્વર્ગમાં અમર જીવનનું વરદાન મળ્યું છે. તેઓ ઈસુ સાથે હજાર વર્ષ રાજ કરશે. ન્યાયકાળે ઈસુને ઇન્સાફ કરવામાં મદદ કરશે.—રૂમી ૮:૧૭ વાંચો.

૯, ૧૦. (ક) ઈસુના શિષ્યો પર યહોવાહે પહેલી વાર ક્યારે આશીર્વાદ રેડ્યો? તેઓએ એ પછી શું કરવાનું હતું? (ખ) તેઓને કઈ મદદ મળી?

ઈ.સ. ૩૩, પેન્તેકોસ્તના દિવસે ઈસુના લગભગ ૧૨૦ શિષ્યો યરૂશાલેમમાં ભેગા થયા હતા. યહોવાહે તેઓ પર આશીર્વાદ રેડ્યો. તેઓ પહેલી વાર આ રીતે બાપ્તિસ્મા પામ્યા હતા. એટલે તેઓ અભિષિક્ત કહેવાયા. હવેથી તેઓએ શેતાનની કસોટીઓ સહન કરવાની હતી. તેઓ મરતા સુધી યહોવાહને વફાદાર રહે તો જ સ્વર્ગમાં અમર જીવનનો મુગટ મળવાનો હતો.—પ્રકટીકરણ ૨:૧૦.

૧૦ યહોવાહે આ અભિષિક્તોને શાસ્ત્ર અને પોતાના મંડળ દ્વારા માર્ગદર્શન અને ઉત્તેજન આપ્યું, જેથી તેઓ છેલ્લે સુધી વફાદાર રહી શકે. દાખલા તરીકે, પ્રેરિત પાઊલે થેસ્સાલોનીકી મંડળના અભિષિક્તોને લખ્યું: ‘જેમ બાપ પોતાનાં છોકરાંને, તેમ અમે તમારામાંના દરેકને બોધ, ઉત્તેજન તથા ચેતવણી આપતા હતા, એ માટે કે ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેને યોગ્ય તમે ચાલો.’—૧ થેસ્સાલોનીકી ૨:૧૧, ૧૨.

૧૧. ‘ઈશ્વરના ઈસ્રાએલના’ સભ્યો માટે યહોવાહે શું પૂરું પાડ્યું?

૧૧ શરૂઆતમાં યહોવાહે ઈસ્રાએલીઓને હેબ્રી શાસ્ત્રવચન આપ્યું ત્યારે, તેઓનો યહોવાહ સાથે પાક્કો નાતો હતો. સમય જતાં ઈસુએ પૃથ્વી પર આવીને પ્રચાર કર્યો. પછી ઈ.સ. ૩૩માં શિષ્યોને અભિષિક્ત કરવામાં આવ્યા. એ પછીના આશરે સાઠેક વર્ષમાં યહોવાહે ઈસુનું સેવા કાર્ય અને તેમના શિષ્યોને આપેલી સલાહ લખાવી લીધી. એ લખાણને ગ્રીક શાસ્ત્રવચનો કહેવાય છે. એને હેબ્રી શાસ્ત્રવચનો સાથે જોડવામાં આવ્યું. ગ્રીક શાસ્ત્રવચન ખાસ કરીને ‘ઈશ્વરના ઈસ્રાએલ’ માટે છે. એટલે ઈસુ સાથે રાજ કરવાના છે તેઓ માટે છે. બાઇબલ તેઓને ઈશ્વરના દીકરા ને ઈસુના ભાઈઓ કહે છે. જોકે હેબ્રી શાસ્ત્રવચનો ફક્ત ઈસ્રાએલીઓ માટે જ નથી. ગ્રીક શાસ્ત્રવચનો પણ અભિષિક્ત જનો માટે જ નથી. એ બધા માટે છે. આપણા સર્વ માટે. આપણે જો એ બંને શાસ્ત્ર વાંચીએ, એ પ્રમાણે જીવીએ તો આપણને જરૂર લાભ થશે!—૨ તીમોથી ૩:૧૫-૧૭ વાંચો.

૧૨. પાઊલે પોતાના સમયના ભાઈઓને શું યાદ કરાવ્યું?

૧૨ યહોવાહે પહેલી સદીના ખ્રિસ્તીઓને ન્યાયી ગણ્યા. તેઓ સ્વર્ગમાંથી રાજ કરી શકે એ માટે અભિષિક્ત પણ કર્યા. એનો અર્થ એ ન હતો કે તેઓ પૃથ્વી પર હતા ત્યારે પોતાના ભાઈ-બહેનો પર રાજ કરે. તેમ છતાં, અમુક જણ એ ભૂલી ગયા ને મંડળમાં રાજાની જેમ વર્તવાની કોશિશ કરવા લાગ્યા. તેથી પ્રેરિત પાઊલે તેઓને પૂછ્યું: ‘તમે ક્યારના તૃપ્ત થઈ ગયા છો, શ્રીમંત થયા છો, અમારા વિના રાજ કરવા લાગ્યા છો. અમારી ઇચ્છા છે કે તમે રાજ કરો તો અમે પણ તમારી સાથે રાજ કરીએ.’ (૧ કોરીંથી ૪:૮) આમ પાઊલે તેઓને યાદ કરાવ્યું: ‘હું તમારા ને તમારા વિશ્વાસ પર અધિકાર ચલાવવા માગતો નથી. પણ તમારો સાથી કામ કરનાર હોઈને તમારા આનંદમાં આનંદ માણું છું.’—૨ કોરીંથી ૧:૨૪, IBSI.

૧,૪૪,૦૦૦ને ભેગા કરવામાં આવશે

૧૩. ઈ.સ. ૩૩ પછી અભિષિક્તોની શોધમાં શું થઈ રહ્યું છે?

૧૩ પહેલી સદીમાં જ સર્વ ૧,૪૪,૦૦૦ને અભિષિક્ત કે પસંદ કરવામાં આવ્યા ન હતા. પણ પ્રેરિતોના સમયથી આજ સુધી યહોવાહ યોગ્ય વ્યક્તિઓને ધીમે ધીમે શોધી રહ્યા છે. (માત્થી ૨૮:૨૦) ઈસુ ૧૯૧૪માં રાજા બન્યા પછી અભિષિક્ત બનવા યોગ્ય છે તેઓની ઝડપથી શોધ થઈ રહી છે.

૧૪, ૧૫. આપણા જમાનામાં અભિષિક્ત વ્યક્તિઓની શોધમાં શું બની રહ્યું છે?

૧૪ ઈસુ રાજા બન્યા પછી સ્વર્ગમાંથી પોતાના દુશ્મનોને પૃથ્વી પર ફેંકી દીધા. (પ્રકટીકરણ ૧૨:૧૦, ૧૨ વાંચો.) પછી પોતાની સાથે રાજ કરવામાં જેઓ બાકી રહ્યા હતા તેઓને ભેગા કરવા લાગ્યા, જેથી ૧,૪૪,૦૦૦ સંખ્યા પૂરી થઈ શકે. ૧૯૩૫ સુધી પસંદ કરવાનું કામ લગભગ પૂરું થઈ ગયું હતું. એ સમયમાં પ્રચારને લીધે ઘણા લોકો યહોવાહના ભક્તો બન્યા. તેઓમાંના મોટા ભાગના ભાઈ-બહેનો પૃથ્વી પર અમર જીવનની ઇચ્છા રાખતા હતા. (વધુ માહિતી: રૂમી ૮:૧૬) સ્વર્ગ જેવી પૃથ્વી પર રહેવાની આશા રાખનારાઓને બાઇબલ “બીજાં ઘેટાં” કહે છે. (યોહાન ૧૦:૧૬) ૧૯૩૫ પછીના પ્રચાર કામથી તેઓને ભેગા કરવામાં આવી રહ્યા છે. પ્રેરિત યોહાને સંદર્શનમાં જોયું કે “મોટી વિપત્તિમાંથી” ‘મોટી સભા’ બચી જશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૪.

૧૫ તેમ છતાં ૧૯૩૦ના દાયકા પછી પણ યહોવાહ અમુક વ્યક્તિઓને ઈસુ સાથે રાજ કરવા પસંદ કરી રહ્યા છે. એવું કેમ? બની શકે કે યહોવાહે પહેલાં જેઓને પસંદ કર્યા હતા તેઓ મરણ સુધી યહોવાહને વફાદાર ન રહ્યાં હોય. (વધુ માહિતી: પ્રકટીકરણ ૩:૧૬) પ્રેરિત પાઊલે પણ પોતાના સમયના એવા અમુકની વાત કરી જેઓએ યહોવાહની ભક્તિ છોડી દીધી હતી. (ફિલિપી ૩:૧૭-૧૯) તેઓની જગ્યા લેવા યહોવાહ કોને પસંદ કરશે? એ નક્કી કરવું યહોવાહનું કામ છે. તોપણ આપણી સમજણ પ્રમાણે તે એવા લોકોને પસંદ કરશે જેઓ વર્ષોથી તેમને ભજતા હોય. તેમને વફાદાર રહ્યા હોય. ઈસુએ પણ પોતાના શિષ્યો પસંદ કર્યા ત્યારે તેઓને એવું જ કહ્યું હતું. *લુક ૨૨:૨૮.

૧૬. અભિષિક્તો વિષે આપણે કઈ ખાતરી રાખી શકીએ? આપણને શાની ખાતરી છે?

૧૬ ૧૯૩૦ના દાયકા પછી પણ અભિષિક્ત લોકોને પસંદ કરવામાં આવ્યા છે. શું એનો એવો અર્થ થાય કે ૧૯૩૦ પહેલાં જેઓ અભિષિક્તો હતા તેઓમાંના અમુક બેવફા બન્યા હોવાથી નવી વ્યક્તિઓને પસંદ કરવામાં આવી? અમુક હદે એમ હોઈ શકે. પરંતુ આ નવાને પસંદ કરવા પાછળ બીજું એક કારણ પણ છે. યહોવાહે ગોઠવણ કરી છે કે આ દુષ્ટ જગતના અંતના દિવસોથી લઈને “મહાન બાબેલોન” એટલે કે જૂઠા ધર્મનો તે નાશ કરે ત્યાં સુધી અભિષિક્ત જનો આપણી સાથે હોય. * (પ્રકટીકરણ ૧૭:૫) આપણે ભરોસો રાખી શકીએ કે યહોવાહ નક્કી કરેલા સમય સુધીમાં ૧,૪૪,૦૦૦ને પસંદ કરી લેશે. તેઓ સર્વ ઈસુ સાથે રાજ કરવા તૈયાર હશે. એ પણ ભરોસો રાખી શકીએ કે બાઇબલના કહેવા પ્રમાણે ‘મોટી સભા’ દિવસે દિવસે વધતી જશે. તેમ જ તેઓ અંત સુધી યહોવાહને વફાદાર રહેશે. હવે બહુ જ જલદી શેતાનના જગત પર આવનાર “મોટી વિપત્તિમાંથી” એ ‘મોટી સભા’ બચી જશે. તેઓ યહોવાહની નવી દુનિયામાં જીવનનો આનંદ માણશે.

મોટા ભાગના ૧,૪૪,૦૦૦ પસંદ થઈ ચૂક્યા છે!

૧૭. ૧ થેસ્સાલોનીકી ૪:૧૫-૧૭ અને પ્રકટીકરણ ૬:૯-૧૧ પ્રમાણે મરણ સુધી વફાદાર રહેલા અભિષિક્તોને શું મળ્યું છે?

૧૭ ઈ.સ. ૩૩થી લઈને આજ સુધી મોટા ભાગના અભિષિક્તો યહોવાહની ભક્તિમાં અડગ રહ્યા છે. મરણ સુધી યહોવાહને વફાદાર રહ્યા છે. તેઓએ સાબિત કર્યું છે કે પોતે ઈસુ સાથે રાજ કરવા યોગ્ય છે. એટલે જ ઈસુ રાજા બન્યા ત્યારથી તેઓમાંના મોટા ભાગનાને સ્વર્ગનું ઈનામ મળ્યું છે.—૧ થેસ્સાલોનીકી ૪:૧૫-૧૭; પ્રકટીકરણ ૬:૯-૧૧ વાંચો.

૧૮. (ક) આપણી સાથે રહેલા અભિષિક્તોને શાની ખાતરી છે? (ખ) આપણને અભિષિક્ત ભાઈ-બહેનો વિષે કેવું લાગે છે?

૧૮ પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તોને અતૂટ શ્રદ્ધા છે કે તેઓ અંત સુધી યહોવાહને વફાદાર રહેશે તો, ઈસુ સાથે રાજ કરશે. તેઓની શ્રદ્ધા વિષે મોટા ટોળાના ભાઈ-બહેનો વિચારે છે ત્યારે, તેઓને પ્રેરિત પાઊલના શબ્દો યાદ આવે છે. પાઊલે થેસ્સાલોનીકા મંડળના અભિષિક્તો વિષે કહ્યું હતું: ‘તમારા પર જે સર્વ સતાવણી થાય છે તથા જે વિપત્તિ તમે વેઠો છો, તેઓમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેને લીધે અમે પોતે ઈશ્વરની મંડળીઓમાં તમારાં વખાણ કરીએ છીએ. એ તો ઈશ્વરના ન્યાયી ઇન્સાફનું પ્રમાણ છે, જેથી ઈશ્વરના જે રાજ્યને સારૂ તમે દુઃખ વેઠો છો, તે રાજ્યમાં દાખલ થવાને યોગ્ય તમે ગણાઓ.’ (૨ થેસ્સાલોનીકી ૧:૩-૫) યહોવાહે પસંદ કરેલા અભિષિક્તોમાંથી છેલ્લી વ્યક્તિ ગુજરી જશે ત્યારે, યહોવાહની સરકારમાં પૂરા સભ્યો હશે. જોકે આપણે જાણતા નથી કે એ ક્યારે થશે. પણ એ ચોક્કસ થશે. ત્યારે સ્વર્ગમાં ને પૃથ્વી પર આનંદનો પાર નહિ હોય! (w08 1/15)

[ફુટનોટ્‌સ]

^ માર્ચ ૧, ૧૯૯૨, ધી વૉચટાવર, પાન ૨૦, ફકરો ૧૭ જુઓ.

^ મે ૧, ૨૦૦૭, ધી વૉચટાવર,વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.

તમે કેવી રીતે સમજાવશો?

• યહોવાહે ઈબ્રાહીમને જે જણાવ્યું એને ન્યાયના દિવસ સાથે શું સંબંધ છે?

• યહોવાહે ઈબ્રાહીમને કેમ ન્યાયી ગણ્યા?

• ઈબ્રાહીમનો વંશ ન્યાયી ગણાયો હોવાથી તેઓને કેવા આશીર્વાદ મળશે?

• યહોવાહના ભક્તોને શાની ખાતરી છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨१ પર ચિત્રો]

ઈસુએ શિષ્યોને ઉત્તેજન આપ્યું કે ઈશ્વરના રાજ્યમાં ભાગ લેવા તેઓ વફાદાર રહે

[પાન ૨૨ પર ચિત્રો]

ઈ.સ. ૩૩, પેન્તેકોસ્તના દિવસથી ઈબ્રાહીમના વંશમાંથી સ્વર્ગમાં જનારાઓને યહોવાહ પસંદ કરવા લાગ્યા

[પાન ૨૪ પર ચિત્રો]

બીજાં ઘેટાં ખુશ છે કે દુષ્ટ જગતના છેલ્લા દિવસોમાં પણ અભિષિક્ત જનો તેઓ સાથે છે