સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની સરકાર પૃથ્વી પર ક્યારે રાજ શરૂ કરશે?

ઈશ્વરની સરકાર પૃથ્વી પર ક્યારે રાજ શરૂ કરશે?

ઈશ્વરની સરકાર પૃથ્વી પર ક્યારે રાજ શરૂ કરશે?

‘પ્રભુ, શું તું આ વખતે ઈસ્રાએલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે?’ (પ્રેરિતોનાં કૃત્યો ૧:૬) આ સવાલ ઈસુના શિષ્યોએ પૂછ્યો. તેઓને જાણવું હતું કે ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે. ક્યારે ઈશ્વર ધરતી પર રાજ કરશે. ૨,૦૦૦ વર્ષ પછી પણ લોકો હજી એ જ સવાલ પૂછે છે.

ઈસુએ એ સવાલનો જવાબ આપ્યો. પૃથ્વી પર હતા ત્યારે પ્રચારમાં તેમણે કહ્યું કે પોતાનું ‘આવવાનું’ થશે. એટલે કે ઈસુ સ્વર્ગમાં રાજા હશે ત્યારે ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર રાજ કરવાની તૈયારીમાં હશે. (માત્થી ૨૪:૩૭) ચાલો આપણે ચાર મુદ્દા તપાસીએ જે બતાવે છે કે ઈસુ સ્વર્ગમાં રાજ કરે છે.

૧. ઈસુ મરણ પામ્યા એના ઘણા સમય પછી તે ઈશ્વરનાં રાજ્યમાં રાજા બન્યા. ઈસુએ એક દાખલામાં સમજાવ્યું કે એક માણસની જેમ તે ‘રાજ્ય મેળવવા દૂર દેશ ગયા.’ (લુક ૧૯:૧૨) એ કઈ રીતે સાચું પડ્યું? ઈસુ મરણ પામીને સજીવન થયા પછી “દૂર દેશ” એટલે કે સ્વર્ગમાં ગયા. બીજા દાખલામાં ઈસુએ સમજાવ્યું કે રાજા બનવા તેમને ‘લાંબો’ સમય રાહ જોવી પડશે.—માત્થી ૨૫:૧૯.

ઈસુ સ્વર્ગમાં ગયા એના થોડાં વર્ષો પછી ઈશ્વરભક્ત પાઊલે લખ્યું કે ‘આપણાં પાપોને માટે ઈસુએ સદાને માટે એક જ વાર બલિદાન આપ્યું છે અને તેઓ ઈશ્વરની જમણી બાજુએ બિરાજયા છે. ત્યાંથી તે તેમના શત્રુઓને તેમનું પાયાસન કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે.’ (હિબ્રૂ ૧૦:૧૨, ૧૩ IBSI) એ બતાવે છે કે ઈસુ સ્વર્ગમાં ગયા. ત્યાં તેમને રાજા બનવા માટે લાંબો સમય રાહ જોવી પડી. યહોવાહે સમય જતા ઈસુને રાજા બનાવ્યા. શું માનવે એ જોયું?

૨. ઈસુ રાજા બન્યા એ લોકો જોઈ શકશે નહિ. પણ ઈસુએ કહ્યું કે જ્યારે તે રાજા બનશે ત્યારે પૃથ્વી પર લોકો અમુક નિશાની જોશે. (માત્થી ૨૪:૩) જો ઈસુ રાજા બને એ લોકો જોઈ શકતા હોત તો, આવી કોઈ નિશાનીની જરૂર ન પડત. પણ એવું નથી. તે રાજા બને એ ઘટનાને કોઈ માણસ જોઈ શકવાનો ન હતો. એ સમજવા એક દાખલો લઈએ. માની લો કે તમને દરિયા કિનારે જવું છે. રસ્તામાં અમુક નિશાનીના બોર્ડ જુઓ છો, જે બતાવે છે કે દરિયા કિનારે કેવી રીતે જવાય. દરિયા કિનારે પહોંચો ત્યારે શું તમને નિશાનીની જરૂર પડશે કે દરિયો આ બાજુ છે? જરાય નહિ. કેમ કે તમે પોતે દરિયાને જોઈ રહ્યા છો.

હવે લોકો એ જોઈ શકવાના ન હતા કે ઈસુ ક્યારે રાજા બનશે. એટલે તેમણે નિશાની આપી જેથી આપણને સહેલાઈથી ખબર પડે કે તે ક્યારે રાજા બન્યા. ઈસુએ કહ્યું કે ‘આ સઘળી બાબતો જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ પાસે છે.’ (લુક ૨૧:૩૧) કેવી નિશાની અથવા કેવા બનાવો પૃથ્વી પર બનવાના હતા જે બતાવે કે ઈસુ રાજા બન્યા?

૩. ઈસુ સ્વર્ગમાં રાજા બનશે પછી પૃથ્વી પર અનેક આફતો આવશે. ઈસુએ કહ્યું હતું કે તે રાજા બનશે ત્યારે પૃથ્વી પર યુદ્ધો, દુકાળો ને ધરતીકંપો થવા લાગશે. અન્યાય વધશે. જાત-જાતની બીમારીઓ થશે. (માત્થી ૨૪:૭-૧૨; લુક ૨૧:૧૦, ૧૧) પણ શા માટે એવું થાય છે? બાઇબલ જણાવે છે ઈસુ સ્વર્ગમાં રાજ કરે છે, તેથી ‘જગતના અધિકારી’ શેતાનના નાશનો બહુ થોડો સમય રહેલો છે. એટલે તે બહુ ગુસ્સે ભરાયો છે. (યોહાન ૧૨:૩૧; પ્રકટીકરણ ૧૨:૯, ૧૨) તે પોતાનો ક્રોધ પૃથ્વી પર ઠાલવે છે. એટલે પૃથ્વી પર આફતો આવે છે. એ જોઈને આપણને શીખવા મળે છે કે ઈસુ હાલમાં સ્વર્ગમાં રાજા છે. આ આફતો ખાસ કરીને ૧૯૧૪થી વધારે થાય છે. ઇતિહાસકારો પણ માને છે કે ૧૯૧૪થી દુનિયાની હાલત સાવ બગડી ગઈ છે.

આ બધું જોઈને તમને લાગતું હશે કે પૃથ્વીની હાલત કોઈ દિવસ સુધરશે નહિ. પણ એ સાચું નથી. એ હાલત બતાવે છે કે સ્વર્ગમાં ઈસુ ઈશ્વરનાં રાજ્યમાં રાજ કરે છે. ટૂંક સમયમાં જ એ સરકાર પૃથ્વી પર રાજ કરશે. પણ લોકો આ સરકારને કેવી રીતે સાથ આપી શકે?

૪. ઈસુ રાજા બન્યા પછી લોકો ઈશ્વરના રાજ્ય વિષે પ્રચાર કરશે. ઈસુએ કહ્યું કે ‘નુહના સમયમાં જે બન્યું’ તેવું જ તેમના ‘આવવાના સમયે’ એટલે રાજ દરમિયાન થશે. * (માત્થી ૨૪:૩૭-૩૯) નુહ એક ઈશ્વરભકત હતા. તેમના જમાનામાં લોકો બહુ જ ખરાબ થઈ ગયા હતા. યહોવાહે કહ્યું કે એવા લોકોનો નાશ કરશે. યહોવાહે નુહને કહ્યું કે તેના બચાવ માટે વહાણ બાંધે, અને લોકોને જણાવે કે શું થશે. નુહે એમ જ કર્યું. બાઇબલ જણાવે છે કે તે “ન્યાયીપણાના ઉપદેશક” હતા. (૨ પીતર ૨:૫) હવે ઈસુએ કહ્યું કે તે સ્વર્ગમાં રાજ કરશે ત્યારે ઈશ્વરભક્તો નુહની જેમ પ્રચાર કરીને લોકોને ચેતવણી આપશે. ઈસુએ કહ્યું કે “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”—માત્થી ૨૪:૧૪.

બીજા લેખમાં જોયું તેમ, ઈશ્વરની સરકાર બધી માનવ સરકારોનો નાશ કરશે. એટલે ઈશ્વરભક્તો પ્રચાર કરીને લોકોને ચેતવણી આપે છે. તેઓ જણાવે છે કે જલદી જ ઈશ્વરની સરકાર પૃથ્વી પર ન્યાયી રાજ્ય લાવશે. એટલે તેઓ જણાવે છે કે લોકોએ ઈશ્વરની સરકારને સાથ આપવા શું કરવું જોઈએ, જેથી તેઓ બચી શકે. હવે સવાલ થાય છે કે તમે શું કરશો?

શું ઈશ્વરનું રાજ્ય તમારા માટે ખુશખબર છે?

ઈશ્વરના રાજ વિષે ઈસુએ જે આશા આપી હતી એ બેજોડ હતી. જ્યારે યહોવાહે માનવને બનાવ્યો ત્યારે તેમણે નક્કી કર્યું કે તેઓ હંમેશાં જીવશે. સ્વર્ગ જેવી પૃથ્વી પર રહેશે. પણ પહેલા માણસ આદમના પાપને લીધે આપણે અત્યારે એવી હાલતમાં નથી. આદમે પાપ કર્યું ત્યારે યહોવાહે એ જ સમયે નક્કી કર્યું કે પોતે એક રાજ્ય કે સરકાર બનાવશે. એ સરકાર પૃથ્વી પર અનેક ફેરફારો કરશે, જેથી સ્વર્ગ જેવી પૃથ્વી પર આપણે અમર જીવન જીવી શકીએ. આજે એ સરકાર સ્વર્ગમાં રાજ કરી રહી છે.

તેમ છતાં પૃથ્વી પર શેતાન ઝેરી હવા ફેલાવી રહ્યો છે. પણ ચિંતા ન કરો. અત્યારે ઈશ્વરે પસંદ કરેલા રાજા ઈસુ દુશ્મનો પર રાજ કરી રહ્યા છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૨) ઈશ્વરની ઇચ્છા છે કે આ દુષ્ટ દુનિયામાં એવા લોકોને શોધવામાં આવે જેઓ ઈશ્વરને ઓળખવા માગે છે. તેમના કહ્યા પ્રમાણે જીવવા માગે છે. ઈસુ એ ઇચ્છા પૂરી કરી રહ્યા છે. (યોહાન ૪:૨૪) ઈશ્વરની સરકારમાં બધી નાત-જાતના, કોઈ પણ ઉંમરના લોકો અમર જીવનની આશા રાખી શકે છે. (પ્રેરિતોના કૃત્યો ૧૦:૩૪, ૩૫) એટલે અમે ચાહીએ છીએ કે આજથી જ ઈશ્વરના રાજ્ય વિષે શીખવાનું શરૂ કરો. જો તમે એમ કરશો તો એ ન્યાયી રાજ્યમાં અમર જીવન જીવવાનો મોકો મળશે!—૧ યોહાન ૨:૧૭. (w08 1/1)

[ફુટનોટ]

^ ગુજરાતી બાઇબલની જેમ અમુક બીજા અનુવાદ કહે છે કે ઈસુ ‘આવશે’ કે તેમનું ‘આગમન થશે.’ પણ અહીંયા ખરો અનુવાદ થયો નથી, કેમ કે એ શબ્દો બસ એક ટૂંકો બનાવ બતાવે છે. પણ ઈસુએ એમ ન કહ્યું કે જળપ્રલય આવ્યો ને ગયો તેમ તેમનું રાજ હશે. ના, એ કંઈ નાનો બનાવ નહિ હોય. પણ ઈસુએ કહ્યું કે તેમનું રાજ ‘નુહના સમય’ કે જમાના જેવું હશે. એટલે કે એ લાંબો સમયગાળો ચાલશે. નુહના જમાનાની જેમ ઈસુ રાજ કરવા લાગશે ત્યારે અમુક સમયગાળા પછી દુનિયાનો અંત આવશે. નુહના સમયની જેમ જ આ જમાનામાં પણ લોકો રોજિંદા જીવનમાં ડૂબેલા હશે. તેઓ યહોવાહની ચેતવણી સાંભળશે જ નહિ.

[પાન ૬ પર ચિત્રો]

રોજ-બ-રોજના ખરાબ સમાચાર સાંભળીને પુરાવો મળે છે કે જલદી ઈશ્વરની સરકાર ધરતી પર રાજ કરશે

[ક્રેડીટ લાઈન]

વિમાનો તોડી પાડતી તોપ: U.S. Army photo