સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે મોટે ભાગે તેમણે ઈશ્વરના રાજ્યનો પ્રચાર કર્યો. (લુક ૪:૪૩) એના વિષે યહુદી લોકોએ ઘણી વાર સાંભળ્યું. શું તેઓ એ સાંભળીને મૂંઝાઈ ગયા? પૂછપરછ કરવા લાગ્યા કે ઈશ્વરનું રાજ્ય શું છે? ના. બાઇબલ એવું કંઈ જણાવતું નથી.

ઈશ્વરનું રાજ્ય શું છે એ વિષે તેઓ સારી રીતે જાણતા હતા. એના દ્વારા દુનિયામાં ક્યા ફેરફારો થશે એ વિષે પણ તેમને ખબર હતી. કઈ રીતે? કેમ કે તેઓ જે શાસ્ત્ર વાંચતા એમાં સાદી રીતે બધું જણાવ્યું હતું. આજે ઈશ્વરનાં રાજ્ય વિષે શીખવું હોય તો આપણે પણ તેઓની જેમ શાસ્ત્રમાંથી વાંચવું જોઈએ. ચાલો આપણે પવિત્ર બાઇબલમાંથી સાત સાબિતીઓ જોઈએ જે સમજાવે છે કે ઈશ્વરનું રાજ્ય શું છે. પહેલી ત્રણ સાબિતીઓ ઈસુની પહેલાના યહુદીઓને ખબર હતી. સાથે સાથે ઈસુના સમયમાં જીવતા હતા એ યહુદીઓ પણ એનાથી જાણકાર હતા. પછીની ત્રણ સાબિતીઓ પહેલી સદીમાં ઈસુએ તેમના શિષ્યોને જણાવી હતી. છેલ્લી સાબિતી આપણા સમયમાં જોવા મળે છે.

૧. ઈશ્વરનું રાજ્ય એક સરકાર છે જે હંમેશ માટે ટકશે. બાઇબલની પહેલી ભવિષ્યવાણી રાજ્ય વિષે જણાવે છે. એ સમજવા માટે આપણે માણસજાતની શરૂઆતમાં જઈએ. એ વખતે આદમ, હવા અને શેતાન યહોવાહની સામે થયા. તેઓના પાપને લીધે આખી દુનિયા ખરાબ હાલતમાં છે. એ હાલતમાંથી આપણને છોડાવવા યહોવાહે એક ‘સંતાન’ વિષે ભવિષ્યવાણી કરી. (ઉત્પત્તિ ૩:૧૫) ઘણા સમય પછી, ઈશ્વરભક્ત દાઊદને જણાવવામાં આવ્યું કે એ ‘સંતાન’ કે મસીહ યહોવાહનાં રાજ્યમાં રાજ કરશે. એ રાજ્ય કે સરકાર બીજી કોઈ પણ માનવ સરકાર કરતાં અલગ હશે, કેમ કે ઈશ્વરની સરકાર હંમેશ માટે ટકશે.—૨ શમૂએલ ૭:૧૨-૧૪.

૨. યહોવાહની સરકાર બીજી સરકારોનો નાશ કરશે. એના વિષે ઈશ્વરભક્ત દાનીયેલને સંદર્શન મળ્યું. એમાં જોયું કે તેમના સમયથી આપણા સમય સુધી દુનિયામાં કોણ કોણ રાજ કરશે. પછી જોવા મળ્યું કે ‘એ રાજાઓના સમયમાં સ્વર્ગમાં ઈશ્વર એક રાજ્ય શરૂ કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજ્યનો વિનાશ કરશે અને તે સદા રહેશે.’ આનાથી જોવા મળે છે કે યહોવાહ બીજા રાજ્યો કે સરકારોનો નાશ કરશે. દુનિયામાં લડાઈ, અન્યાય ને ભ્રષ્ટાચાર નહિ હોય. બાઇબલ એ પણ જણાવે છે કે યહોવાહની સરકાર સ્વર્ગમાં છે. સમય જતા એ આખી પૃથ્વી પર રાજ કરશે. (દાનિયેલ ૨:૪૪, ૪૫, કોમન લેંગ્વેજ) આપણે ભરોસો રાખવો જોઈએ કે એવું બનશે જ કેમ કે એ પરમેશ્વરની સરકાર છે.

૩. ઈશ્વરની સરકાર પૃથ્વી પર રાજ કરશે ત્યારે લડાઈ, બીમારી ને દુકાળ નહિ હોય. અરે કોઈ મરશે પણ નહિ! આ વિષે બાઇબલમાં અનેક ભવિષ્યવાણીઓ છે. લડાઈ વિષે બાઇબલ કહે છે કે ‘ઈશ્વર પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.’ વિચાર કરો કે એ સમયે હથિયારનું નામ-નિશાન નહિ હોય! (ગીતશાસ્ત્ર ૪૬:૯) એ વખતે હૉસ્પિટલ ને ડૉક્ટરની જરૂર નહિ પડે, કેમ કે કોઈ બીમાર જ નહિ પડે! બાઇબલ કહે છે કે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) સર્વ લોકો પેટ ભરીને ખાશે કેમ કે “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) કબ્રસ્તાન કે સ્મશાનની જરૂર નહિ પડે. ગુજરી ગયેલા પાછળ વિધિઓ નહિ કરવી પડે. શોક પાળનારા પણ નહિ હોય. શા માટે? ‘યહોવાહે સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવાહ સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.’ (યશાયાહ ૨૫:૮) આવા ફેરફારો માણસની સરકારે કદી કર્યા નથી ને ભવિષ્યમાં કરશે પણ નહિ.

૪. ઈશ્વરના રાજ્ય માટે તેમણે પોતે રાજા પસંદ કર્યો છે. ઈશ્વરનાં રાજ્યમાં મસીહ રાજ કરશે. પણ એ માટે કોણે તેમને પસંદ કર્યા છે? ઈશ્વર યહોવાહે. મસીહ કે ખ્રિસ્ત બંનેનો અર્થ છે કે ‘અભિષિક્ત વ્યક્તિ.’ એટલે કે યહોવાહે પસંદ કરેલી વ્યક્તિ. યહોવાહ તેમના વિષે કહે છે કે ‘મારા સેવકને જુઓ. મે તેનો હાથ ઝાલ્યો છે; મારો પસંદ કરાએલો, જેમાં મારો આનંદ છે. મેં તેનામાં મારી શક્તિ મૂકી છે; તે જગતના સર્વ લોકોને ન્યાય પ્રગટ કરશે.’ (યશાયા ૪૨:૧ IBSI; માત્થી ૧૨:૧૭, ૧૮) એમાંથી જોવા મળે છે કે સર્જનહાર યહોવાહ જ જાણે છે કે આપણા માટે સૌથી સારા રાજા કોણ હશે.

૫. ઈશ્વરે પસંદ કરેલા રાજાએ માનવને બતાવ્યું છે કે શા માટે તે રાજા તરીકે યોગ્ય છે. ઈશ્વરના રાજ્યમાં ઈસુ રાજા છે. તે મસીહ છે. શા માટે? ઘણા વર્ષ પહેલાં યહોવાહે નક્કી કર્યું હતું કે એક વંશમાંથી મસીહ આવશે. (ઉત્પત્તિ ૨૨:૧૮; ૧ કાળવૃત્તાંત ૧૭:૧૧; માત્થી ૧:૧) મસીહ વિષે અનેક ભવિષ્યવાણી કરવામાં આવી હતી. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે એ દરેક ભવિષ્યવાણી પૂરી થઈ. બીજું કે યહોવાહે સ્વર્ગમાંથી કહ્યું કે ઈસુ જ મસીહ છે. સ્વર્ગદૂતોએ પણ જાહેર કર્યું કે ઈસુ જ મસીહ છે. ઈસુએ તેમનાં વર્તનથી લોકોને બતાવ્યું કે તે કેવા સારા રાજા બનશે. જેમ કે લોકોને મદદ કરવાની તેમની તમન્‍ના હતી. (માત્થી ૮:૧-૩) તેમનામાં હમદર્દી હતી. હિંમત હતી. નમ્રતા હતી. સ્વાર્થ વગરનો પ્રેમ હતો. છેવટે યહોવાહની મદદથી જ ઈસુએ ઘણા લોકો સામે અનેક ચમત્કારો કર્યા. * તેમની જીવન કહાણી બાઇબલમાં છે, જેથી બધા એ વાંચી શકે.

૬. ઈશ્વરના રાજ્યમાં રાજા ઈસુ સાથે ૧,૪૪,૦૦૦ સાથીઓ હશે. ઈસુએ કહ્યું કે તેમના શિષ્યો અને બીજાઓ તેમની સાથે સ્વર્ગમાં રાજ કરશે. ઈસુએ તેઓને “નાની ટોળી” તરીકે ઓળખાવ્યા. (લુક ૧૨:૩૨) સમય જતા ઈશ્વરભક્ત યોહાનને જણાવવામાં આવ્યું કે ફક્ત ૧,૪૪,૦૦૦ ઈસુ સાથે રાજ કરશે. સ્વર્ગમાં યહોવાહ તેઓને મોટી જવાબદારી આપશે.—પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧,.

૭. ઈશ્વરનું રાજ્ય અત્યારે સ્વર્ગમાં રાજ કરે છે ને પૃથ્વી પર રાજ કરવા તૈયાર છે. બાઇબલમાં ઘણા પુરાવા છે કે હાલમાં ઈસુ સ્વર્ગમાં રાજા છે. જલદી જ તે પૃથ્વી પર રાજ કરશે. ઉપર જણાવેલા ફેરફારો બહુ જલદી જ પૃથ્વી પર થશે. એ જાણીને આપણને કેટલી રાહત થાય છે! પણ હવે બે સવાલ છે. કેવી રીતે આપણે ખાતરી રાખી શકીએ કે ઈશ્વરનું રાજ્ય અત્યારે રાજ કરે છે? એ સરકાર ક્યારે પૃથ્વીની દેખભાળ શરૂ કરશે? (w08 1/1)

[ફુટનોટ]

^ બીજા દાખલાઓ માટે માત્થી ૩:૧૭; લુક ૨:૧૦-૧૪; યોહાન ૬:૫-૧૪ વાંચો.