સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ પાસેથી શીખીએ

ઈસુ પાસેથી શીખીએ

ઈસુ પાસેથી શીખીએ

“હું તેની પાસેથી આવ્યો છું, અને તેણે મને મોકલ્યો છે.”—યોહાન ૭:૨૯.

૧, ૨. કોને સૌથી સારા મિશનરી કહેવાય?

 તમારા મનમાં મિશનરી શબ્દ સાંભળીને કેવા કેવા વિચારો આવે? અમુક તરત જ ચર્ચના મિશનરીઓનો વિચાર કરશે. એવા ઘણા મિશનરીઓ જે દેશોમાં ગયા છે, ત્યાં રાજકારણમાં માથું મારે છે. પણ યહોવાહના સાક્ષીઓના મિશનરીઓ સાવ જુદા જ છે. ઈશ્વરના આવનાર રાજ્યની ખુશખબર આપવા, ગવર્નિંગ બૉડી તેઓને આખી દુનિયામાં મોકલે છે. (માત્થી ૨૪:૧૪) એ મિશનરીઓ કોઈ પણ જાતના સ્વાર્થ વિના લોકોને ઈશ્વર યહોવાહ વિષે શીખવે છે. ઈશ્વરની દિલથી ભક્તિ કરવા મદદ કરે છે.—યાકૂબ ૪:૮.

ખરું કે બાઇબલમાં મિશનરી શબ્દ આવતો નથી. પણ એફેસી ૪:૧૨ “સુવાર્તિકો” વિષે જણાવે છે. ગ્રીક ભાષામાં સુવાર્તિકનો અર્થ મિશનરી પણ થઈ શકે છે. યહોવાહ પોતે સુવાર્તિક કે ખુશખબર જણાવનાર છે. ઈસુએ તેમના વિષે જણાવ્યું: “હું તેની પાસેથી આવ્યો છું, અને તેણે મને મોકલ્યો છે.” (યોહાન ૭:૨૯) ઈસુ તો સૌથી સારા મિશનરી કહેવાય, કેમ કે ‘સત્ય વિષે સાક્ષી આપવા’ તેમને પૃથ્વી પર મોકલવામાં આવ્યા. (યોહાન ૧૮:૩૭) એમાં આપણા પરનો યહોવાહનો પ્રેમ છલકાય છે. (યોહાન ૩:૧૬) ઈસુએ સૌથી સારી રીતે લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર આપી. એના આશીર્વાદોનો ફાયદો આજે આપણને પણ મળે છે. આપણે મિશનરી હોઈએ કે નહિ, પણ ઈસુની પાસેથી ઘણું ઘણું શીખી શકીએ છીએ. એ જ પ્રમાણે લોકોને શીખવી શકીએ.

૩. આપણે કેવા સવાલોનો વિચાર કરીશું?

ઈસુના પ્રચાર કામનો વિચાર કરતા આવા સવાલો ઊભા થાય છે: ઈસુને કેવા કેવા અનુભવો થયા? તેમનું શિક્ષણ લોકોને કેમ ગમ્યું? ઈસુ મિશનરી તરીકે કેમ કામયાબ થયા?

રાજી-ખુશીથી સેવા કરી

૪-૬. ઈસુએ પૃથ્વી પર જીવનમાં કેવા કેવા ફેરફારો કર્યા?

આજે પ્રચારમાં વધારે જરૂર હોય એવી જગ્યાએ ઘણા મિશનરીઓ કે બીજા ભાઈ-બહેનોને મોકલવામાં આવ્યા છે. તેઓએ પોતે ટેવાયેલા હોય એનાથી જુદી જગ્યાએ રહેવા ઘણા ફેરફારો કરવા પડે છે. હવે ઈસુનો વિચાર કરો. તેમણે જીવનમાં કેટલા ફેરફારો કરવા પડ્યા હશે! તે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા. સ્વર્ગમાં તો બધા સ્વર્ગદૂતો યહોવાહની ભક્તિ પવિત્ર મનથી કરે. (અયૂબ ૧:૬; ૨:૧) જ્યારે કે પૃથ્વી પર આપણા જેવા પાપી લોકો વચ્ચે રહેવાનું ઈસુને કેટલું મુશ્કેલ લાગ્યું હશે! (માર્ક ૭:૨૦-૨૩) અરે, તેમના જિગરી દોસ્તો પણ અંદરોઅંદર કેટલું ઝગડતા. (લુક ૨૦:૪૬; ૨૨:૨૪) તોપણ, ઈસુ દરેક સંજોગોમાં સૌથી સારી રીતે વર્ત્યા.

ઈસુને આપણી ભાષા આપોઆપ આવડી ગઈ ન હતી. તેમણે નાનપણથી ભાષા શીખવી પડી! “દૂતોની” ભાષા કરતાં “માણસોની” ભાષા સાવ જુદી. (૧ કોરીંથી ૧૩:૧) તોયે તેમના જેવું કોઈ બોલ્યું ન હતું. તેમને સાંભળીને લોકો મોંમાં આંગળા નાખી જતા!—લુક ૪:૨૨.

જોકે ઈસુને આદમના પાપનો વારસો મળ્યો ન હતો, પણ માનવ શરીરમાં તેમણે જીવવુ પડ્યું. બાઇબલ કહે છે કે તેમણે ‘સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવું’ થવાનું હતું. (હેબ્રી ૨:૧૭, ૧૮ વાંચો.) પૃથ્વી પર આવ્યા પહેલા યહોવાહે ઈસુને બધા સ્વર્ગદૂતો પર અધિકાર આપ્યો. (યહુદા ૯) પણ વિચાર કરો પૃથ્વી પરની છેલ્લી રાતે ઈસુને સ્વર્ગદૂતોની મદદ જોઈતી હોય તો તેમણે યહોવાહને પૂછવું પડે. (માત્થી ૨૬:૫૩) પૃથ્વી પર ઈસુએ ઘણા ચમત્કારો કર્યા. પણ એ સમયે જો તે સ્વર્ગમાં હોત તો વધારે ચમત્કારો કર્યા હોત. આ બધું બતાવે છે કે પૃથ્વી પર આવીને ઈસુએ જીવનમાં કેટલા બધા ફેરફારો કર્યા.

૭. શું ઈસ્રાએલી લોકોએ ઈશ્વરના નિયમો પાળ્યા?

ઈસુ સ્વર્ગમાં “શબ્દ” તરીકે ઓળખાતા. કદાચ તેમણે યહોવાહ પાસેથી ઈસ્રાએલી લોકોને માર્ગદર્શન આપ્યું હોય શકે. (યોહાન ૧:૧; નિર્ગમન ૨૩:૨૦-૨૩) તોપણ ઈસ્રાએલી લોકોએ ‘દૂતો દ્વારા મળેલો નિયમ પાળ્યો નહિ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૨; હેબ્રી ૨:૨, ૩) અરે, પહેલી સદીના યહુદી ધર્મગુરુઓએ પણ ખરી રીતે નિયમ પાળ્યો નહિ. સાબ્બાથના નિયમનો દાખલો લો. (માર્ક ૩:૪-૬ વાંચો.) એ ગુરુઓએ ‘નિયમશાસ્ત્રની મોટી વાતો, એટલે ન્યાય, દયા અને વિશ્વાસ પડતાં મૂક્યાં.’ (માત્થી ૨૩:૨૩) એ બધાથી ઈસુએ કંટાળી જવાને બદલે, લોકોને યહોવાહ વિષે શીખવવાનું ચાલુ રાખ્યું.

૮. ઈસુ આપણને કેમ ચોક્કસ સહાય કરી શકે?

ઈસુને લોકો પર ઘણો પ્રેમ હતો. તે રાજી-ખુશીથી લોકોને મદદ કરવા તૈયાર હતા. તેમણે લોકોને ખુશખબર જણાવવામાં કદીયે આળસ કરી નહિ. એટલા માટે જ ઈસુ ‘આજ્ઞા પાળનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયા.’ ‘પરીક્ષણ થવાથી તેમણે દુઃખો સહન કર્યાં, તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓ બધાને સહાય કરવાને તે શક્તિમાન છે.’—હેબ્રી ૨:૧૮; ૫:૮, ૯.

ઈસુ કોની પાસેથી શીખ્યા?

૯, ૧૦. પૃથ્વી પર આવ્યા એ પહેલાં, ઈસુને કેવું શિક્ષણ આપવામાં આવ્યું?

આજે મિશનરીઓને કોઈ દેશમાં મોકલતા પહેલાં, તેઓને ગિલયડ સ્કૂલમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. મસીહ થવા પહેલાં તે ન તો ધર્મગુરુઓ માટેની કોઈ શાળામાં ગયા હતા. ન તો કોઈ ધર્મગુરુને ચરણે શિક્ષણ લીધું હતું. (યોહાન ૭:૧૫; વધુ માહિતી: પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૩.) તો પછી ઈસુ આટલું સરસ કેવી રીતે શીખવી શક્યા?

૧૦ ઈસુ પોતાની મા મરિયમ અને દત્તક પિતા યુસફ પાસેથી થોડું-ઘણું તો શીખ્યા જ. પરંતુ તેમને પૂરેપૂરું શિક્ષણ તો યહોવાહ પાસેથી મળ્યું. એટલે ઈસુએ કહ્યું, “મેં મારા પોતાના તરફથી કહ્યું નથી; પણ મારે શું કહેવું, અને મારે શું બોલવું, એ વિષે જે બાપે મને મોકલ્યો છે તેણે મને આજ્ઞા આપી છે.” (યોહાન ૧૨:૪૯) ઈસુ પૃથ્વી પર આવ્યા પહેલાં, યહોવાહ પાસેથી ઘણું શીખ્યા. યહોવાહ કરતાં વધારે સારું કોણ શીખવી શકે!

૧૧. યહોવાહના સ્વભાવમાંથી ઈસુ શું શીખ્યા?

૧૧ ઈસુનું સર્જન થયું ત્યારથી તેમનો ઈશ્વર સાથે પાકો નાતો! સ્વર્ગમાં યહોવાહના સ્વભાવમાંથી ઈસુએ શીખવાનું ચાલુ કર્યું હતું. મનુષ્ય પરનો યહોવાહનો પ્રેમ, તેમનું વર્તન ઈસુ જોતા ને શીખતા. એટલે સુધી કે તેમણે કહ્યું, “મનુષ્યોમાં મને આનંદ થતો હતો.”—નીતિવચનો ૮:૨૨, ૩૧.

૧૨, ૧૩. (ક) ઈસ્રાએલી લોકો સાથેના યહોવાહના વર્તન પરથી ઈસુ શું શીખ્યા? (ખ) ઈસુ જે શીખ્યા એનો કેવી રીતે ઉપયોગ કર્યો?

૧૨ ઈસુએ એ પણ જોયું કે યહોવાહ મુશ્કેલ સંજોગોમાં શું કરતા. જેમ કે હઠીલા ઈસ્રાએલી લોકોનો વિચાર કરો. નહેમ્યાહ ૯:૨૮ જણાવે છે: ‘તેઓનો બચાવ થયો, એટલે ફરી તેઓએ તારી સામે દુષ્ટતા બતાવી; તે માટે તેં તેઓને શત્રુઓના હાથમાં રહેવા દીધા, અને તેઓએ તેમના ઉપર ધણીપણું કર્યું; તો પણ જ્યારે તેઓએ પાછા ફરીને તારી આગળ પોકાર કર્યો, ત્યારે તેં આકાશમાંથી સાંભળીને, અને તેમના પર દયા લાવીને તેઓને તેં વારંવાર છોડાવ્યા.’ આ રીતે યહોવાહ પાસેથી બીજાઓ સાથે કેવી રીતે વર્તવું એ પણ ઈસુ શીખ્યા. તેમણે પોતે પણ લોકોને એવો જ પ્રેમ બતાવ્યો.—યોહાન ૫:૧૯.

૧૩ ઈસુએ પોતાના શિષ્યોને પણ પ્રેમથી શીખવ્યું. તે તેઓને દિલોજાનથી ચાહતાʼતા. તોયે ઈસુના મરણની આગલી રાતે ‘બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.’ (માત્થી ૨૬:૫૬; યોહાન ૧૩:૧) અરે, પીતરે તો ત્રણ ત્રણ વાર કહ્યું કે તે ઈસુને ઓળખતા નથી! પણ ઈસુએ તેઓને માફ કરી દીધા. તેમણે પીતરને જણાવ્યું: “મેં તારે સારૂ વિનંતી કરી, કે તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.” (લુક ૨૨:૩૨) ઈસુના બાર શિષ્યોએ ઈશ્વરનો સંદેશો ફેલાવીને ઘણા લોકોને મદદ કરી હતી. એનાથી એ બાર શિષ્યોને અને બીજાઓને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાનો આશીર્વાદ મળ્યો. સ્વર્ગમાં જનારા અને બીજા ભાઈ-બહેનો આજે પણ યહોવાહના રાજ્ય વિષે જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે. ઈસુ તેઓના આગેવાન છે અને યહોવાહનો આશીર્વાદ તેઓ પર છે.—એફેસી ૨:૨૦; યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૨૧:૧૪.

ઈસુની શીખવવાની રીત

૧૪, ૧૫. ઈસુની અને યહુદી ગુરુઓની શીખવવાની રીતમાં શું ફરક હતો?

૧૪ ઈસુની શીખવવાની રીત અને યહુદી ગુરુઓની રીતમાં આસમાન-જમીનનો ફરક હતો. ઈસુની રીત સૌથી સારી હતી. ધર્મગુરુઓએ ‘પોતાના સંપ્રદાય કે રિવાજોથી ઈશ્વરની આજ્ઞા રદ કરી હતી.’ જ્યારે કે ઈસુએ મન ફાવે એમ શીખવ્યું નહિ. પણ યહોવાહના શિક્ષણને વળગી રહ્યા. (માત્થી ૧૫:૬; યોહાન ૧૪:૧૦) આપણે પણ એમ જ કરવું જોઈએ.

૧૫ બીજી કઈ રીતે ઈસુની શીખવવાની રીત અલગ હતી? યહુદી ગુરુઓ વિષે ઈસુએ કહ્યું, “જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કામ પ્રમાણે ન કરો, કેમ કે તેઓ કહે છે ખરા, પણ કરતા નથી.” (માત્થી ૨૩:૩) ઈસુ જે કહેતા એ પોતે પણ કરતા. ચાલો એનો એક દાખલો લઈએ.

૧૬. ઈસુ કઈ રીતે માત્થી ૬:૧૯-૨૧ પ્રમાણે જીવ્યા?

૧૬ ઈસુએ પોતાના દોસ્તોને કહ્યું કે “આકાશમાં દ્રવ્ય એકઠું કરો.” (માત્થી ૬:૧૯-૨૧ વાંચો.) શું ઈસુએ પોતે એમ કર્યું? હા, ચોક્કસ! તેમણે જીવનમાં યહોવાહની ઇચ્છા જ પૂરી કરી. તેમના રાજ્ય વિષે લોકોને જણાવવા સાવ સાદું જીવન જીવ્યા. ચીજ-વસ્તુઓની ચિંતા ન કરી. એટલે જ તેમણે ક્હ્યું: “લોંકડાંને દર હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામઠેકાણું નથી.” (લુક ૯:૫૮) ઈસુએ પોતાના દાખલાથી બતાવ્યું કે માલ-મિલકત કરતાં, ઈશ્વર સાથેનો નાતો કેટલો મહત્ત્વનો છે. એ સંબંધનો ખજાનો ‘કીડા અથવા કાટ નાશ નથી કરી શકતા, ને ચોરો ચોરી નથી શકતા.’ શું આપણે પણ એમ કરીએ છીએ?

લોકોને ઈસુ કેમ ગમતા?

૧૭. ઈસુ કેમ સૌને ગમી જાય એવા મિશનરી હતા?

૧૭ ઈસુ કેમ સૌને ગમી જાય એવા મિશનરી હતા? તેમનામાં યહોવાહ જેવા જ ગુણો હતા. લોકો પર તેમને બહુ જ પ્રેમ. તે સ્વભાવે સાવ નરમ. તેમનું દિલ દરિયા જેવું! એનાથી લોકો પર કેવી અસર થઈ?

૧૮. ઈસુની નમ્રતા શામાંથી દેખાઈ આવે છે?

૧૮ ઈસુએ કેવી રીતે નમ્રતા બતાવી? પૃથ્વી પર આવવા, ઈસુએ “દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી” કર્યા. (ફિલિપી ૨:૭) ઈસુએ લોકોને નીચા પાડ્યા નહિ, પણ માન આપ્યું. તેમણે લોકો પર રોફ જમાવ્યો નહિ કે ‘હું છેક સ્વર્ગમાંથી તમારે માટે આવ્યો છું. તમારે મારું સાંભળવું જ પડશે.’ મસીહ હોવા છતાં, ઈસુએ કોઈ દેખાડો કર્યો નહિ. અરે, ચમત્કાર કરવા છતાં તેમણે બીજાઓને કહેવાની ના પાડી. (માત્થી ૧૨:૧૫-૨૧) ઈસુએ લોકોને પોતાની મરજી પ્રમાણે નિર્ણય લેવા દીધો. ભલે ઈસુ સ્વર્ગદૂતો સાથે રહેતા હતા છતાં, શિષ્યો પાસે દૂતો જેવા વર્તનની આશા રાખી નહિ.

૧૯, ૨૦. દરિયાદિલ ઈસુએ લોકોને કેવી મદદ કરી?

૧૯ યહોવાહ પ્રેમથી ભરપૂર છે. (૧ યોહાન ૪:૮) ઈસુએ લોકોને એવો જ પ્રેમ બતાવ્યો. એક યુવાન ધનવાનનો દાખલો વિચારો. (માર્ક ૧૦:૧૭-૨૨ વાંચો.) “ઈસુને તેના પર હેત આવ્યું,” તે તેને મદદ કરવા માગતા હતા. પણ પેલા યુવાન ધનવાનને માલ-મિલકત વધારે વહાલા હતા. એટલે તે ઈસુને છોડીને ચાલ્યો ગયો.

૨૦ ઈસુ દરિયાદિલ હતા. તેમને ખબર હતી કે તેમની સાથે ચાલનારામાંના ઘણા દુઃખી હતા. તકલીફોના બોજા નીચે દબાયેલા હતા. ઈસુ લોકોનાં દુઃખે દુઃખી થયા અને તેઓને દિલાસો આપવા કંઈ પણ કરવા તૈયાર હતા. જેમ કે, એકવાર ઈસુ અને શિષ્યો લોકોને શીખવતા હતા. તેઓને કંઈક ખાવાનો સમય પણ મળ્યો ન હતો. તેમણે ફરીથી લોકોનું ટોળું ભેગું થયેલું જોયું ત્યારે શું કર્યું? ‘તેમને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યા.’ (માર્ક ૬:૩૪) લોકોની આવી હાલત જોઈને ઈસુએ પોતાનો વિચાર ન કર્યો, પણ લોકોને શીખવવા લાગ્યા. લોકોના ભલા માટે ચમત્કારો પણ કર્યા. અમુક લોકોને તેમનો સ્વભાવ અને શિક્ષણ બહુ ગમ્યા. તેઓ ઈસુના શિષ્ય બન્યા.

૨૧. હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?

૨૧ ઈસુએ જે રીતે પ્રચાર કર્યો એમાંથી હજુયે ઘણું શીખી શકીએ છીએ. હવે પછીનો લેખ બતાવશે કે બીજી કઈ કઈ રીતે આપણે તેમને પગલે ચાલી શકીએ? (w08 2/15)

આપણે શું કહીશું?

• પૃથ્વી પર આવવા પહેલાં ઈસુએ કેવું શિક્ષણ લીધું?

• ઈસુની અને યહુદી ગુરુઓની શીખવવાની રીતમાં શું ફરક હતો?

• લોકોને કેમ ઈસુ ગમતા હતા?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૯ પર ચિત્રો]

ઈસુએ લોકોને કઈ રીતે શીખવ્યું?