સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ રાજ કરે છે—એ તમને કઈ રીતે અસર કરે છે?

ઈસુ રાજ કરે છે—એ તમને કઈ રીતે અસર કરે છે?

ઈસુ રાજ કરે છે—એ તમને કઈ રીતે અસર કરે છે?

“તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે?”—માત્થી ૨૪:૩.

૧. ઈસુના ચાર શિષ્યોએ શું પૂછ્યું?

 લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાંની વાત છે. ઈસુ અને તેમના ચાર શિષ્યો જૈતુનના પહાડ પર હતા. ત્યારે એ શિષ્યોએ ઈસુને પૂછ્યું: “એ બધું ક્યારે થશે? અને તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે?” (માત્થી ૨૪:૩) નોંધ લો કે શિષ્યો અહીંયા બે મહત્ત્વની બાબત પૂછી રહ્યા હતા. એક, ઈસુ ક્યારે ‘આવશે?’ બીજું, “જગતના અંતની શી નિશાની” હશે? આ બંને બાબતોનો શું અર્થ થાય?

૨. ગુજરાતી બાઇબલમાં સિંટેલિયાનો કેવો અનુવાદ થયો છે? એ મૂળ શબ્દનો અર્થ શું છે?

ચાલો આપણે “જગતના અંત” શબ્દોની ચર્ચા કરીએ. મૂળ ગ્રીક ભાષામાં સિંટેલિયા અને ટેલોસ એવા બે શબ્દો છે, જેનો ગુજરાતી બાઇબલમાં ‘અંત’ તરીકે અનુવાદ થયો છે. પણ એ બે શબ્દો, સિંટેલિયા અને ટેલોસના અર્થ એકબીજાથી થોડા અલગ છે. મૂળ ભાષામાં માત્થી ૨૪:૩માં સિંટેલિયા છે. એનો અર્થ થાય, ‘અંતનો સમય,’ “છેલ્લો ભાગ” કે “સમાપ્તિ.” જ્યારે કે મૂળ ગ્રીક ભાષામાં ટેલોસ શબ્દોનો અર્થ “અંત” થાય છે. આ બે શબ્દોમાં ફરક છે. એને સમજવા આ દાખલાનો વિચાર કરો. માની લો કે કિંગ્ડમ હૉલમાં ભાઈ ટૉક આપી રહ્યા છે. તે ટૉકના છેલ્લા ભાગમાં કે સમાપ્તિમાં જણાવે છે કે ટૉકમાં કઈ માહિતીની ચર્ચા થઈ હતી અને એ માહિતી આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ. અને ભાઈ સ્ટેજ પરથી ઊતરે ત્યારે ટૉક પૂરી થાય છે, કે એનો ‘અંત’ આવે છે. એ જ રીતે, બાઇબલ સિંટેલિયા શબ્દ વાપરે છે ત્યારે એનો અર્થ થાય કે કોઈ પણ યુગ કે બાબતનો છેલ્લો ભાગ, અંત પહેલાનો સમય અને એમાં અંત પણ આવી જાય છે.

૩. ઈસુ સ્વર્ગમાં રાજ કરતા હશે એ દરમિયાન બીજું શું બનશે?

હવે આપણે ઈસુનું ‘આવવું’ શબ્દ પર વિચાર કરીએ, જેના વિષે શિષ્યોએ પૂછ્યું હતું. એ માટેનો મૂળ ગ્રીક શબ્દ પરુસિયા છે. એનો ગુજરાતી બાઇબલમાં ‘આવવું’ કે “આગમન” તરીકે અનુવાદ થયો છે. એનો શું અર્થ થાય? ઈસુએ ૧૯૧૪માં સ્વર્ગમાં રાજ શરૂ કર્યું ત્યારથી તેમનું “આગમન” થઈ ચૂક્યું છે. એ ક્યાં સુધી રહેશે? છેક “મોટી વિપત્તિ” સુધી, જ્યારે તે દુષ્ટોનો નાશ કરવા આવશે. * (માત્થી ૨૪:૨૧) ઈસુના આ આગમન દરમિયાન બીજા બનાવો પણ બને છે. જેમ કે એમાં દુષ્ટ દુનિયાનો ‘છેલ્લો સમય’ હશે. બાકી રહેલા થોડા અભિષિક્તોને ભેગા કરવામાં આવશે. વળી, તેઓના મરણ પછી યહોવાહ તેઓને સ્વર્ગમાં સજીવન કરશે. આ બધું ઈસુના “આગમન” દરમિયાન થશે. (૨ તીમોથી ૩:૧; ૧ કોરીંથી ૧૫:૨૩; ૧ થેસ્સાલોનીકી ૪:૧૫-૧૭; ૨ થેસ્સાલોનીકી ૨:૧) તેથી એમ કહી શકાય કે ઈસુનું ‘આગમન’ (પરુસિયા) થયું એટલે કે તે સ્વર્ગમાં રાજા બન્યા ત્યારે, ‘જગતના અંતના’ સમયની (સિંટેલિયા) પણ શરૂઆત થઈ ગઈ હતી.

લાંબો સમયગાળો

૪. નુહના જમાનામાં બનેલા બનાવો કઈ રીતે ઈસુના રાજ સાથે મળતા આવે છે?

પરુસિયા શબ્દ એક લાંબા સમયગાળાને બતાવે છે. એ સમજણ ઈસુના શબ્દોમાં પણ જોવા મળે છે. (માત્થી ૨૪:૩૭-૩૯ વાંચો.) નોંધ કરો કે ઈસુએ એમ ન કહ્યું કે જેમ જળપ્રલય આવ્યો ને ટૂંકા સમયમાં ચાલ્યો ગયો, તેમ તેમનું આગમન કે રાજ પણ થોડા સમયમાં આવીને ચાલ્યું જશે. એના બદલે, તેમણે પોતાના રાજની સરખામણી જળપ્રલય આવ્યા પહેલાંના લાંબા સમયગાળા સાથે કરી. પ્રલય પહેલાંના એ સમયમાં નુહે વહાણ બાંધ્યું ને પ્રચાર કર્યો. એ કામ પચાસથી વધારે વર્ષો ચાલ્યું હશે પછી જળપ્રલય આવ્યો. એવી જ રીતે ૧૯૧૪ પછી ખ્રિસ્તના રાજ દરમિયાન મોટી વિપત્તિ અને એ પહેલાં થનાર બધી જ ઘટનાઓ બનશે. એ મોટી વિપત્તિમાં ઈસુ પોતે આવીને દુષ્ટોને સજા કરશે.—૨ થેસ્સાલોનીકી ૧:૬-૯.

૫. પ્રકટીકરણના છઠ્ઠા અધ્યાયની ભવિષ્યવાણી કઈ રીતે બતાવે છે કે ઈસુનું રાજ લાંબો સમય ચાલશે?

બાઇબલની બીજી ભવિષ્યવાણીઓ પણ બતાવે છે કે ખ્રિસ્તનું આગમન કે રાજ, ફક્ત દુષ્ટોનો નાશ કરવાને જ બતાવતું નથી. પણ એ લાંબા સમયગાળાને બતાવે છે. દાખલા તરીકે, પ્રકટીકરણના પુસ્તકમાં એક દર્શન પ્રમાણે ઈસુ સફેદ ઘોડા પર સવારી કરે છે ને તેમને મુગટ આપવામાં આવે છે. (પ્રકટીકરણ ૬:૧-૮ વાંચો.) ૧૯૧૪માં રાજા બન્યા પછી ‘તે જીતતા તથા જીતવા સારૂ નીકળ્યા.’ ઈસુ પછી પણ બીજા ઘોડેસવારો જુદા જુદા રંગના ઘોડા પર સવાર થઈને આવે છે. તેઓ યુદ્ધો, ભૂખમરો ને બીમારીઓને રજૂ કરે છે. આ આપત્તિઓ દુનિયાના “છેલ્લા સમયમાં” ઇન્સાન પર લાખો તકલીફો લાવી છે. આપણે જોઈએ છીએ કે પ્રકટીકરણની ભવિષ્યવાણી આપણા દિવસોમાં સાચી પડી રહી છે.

૬. પ્રકટીકરણનો બારમો અધ્યાય ઈસુના રાજ વિષે શું સમજવા મદદ કરે છે?

પ્રકટીકરણનો બારમો અધ્યાય સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યની સ્થાપના વિષે બીજી વિગતો પણ જણાવે છે. એ કલમો પ્રમાણે સ્વર્ગમાં એક યુદ્ધ થાય છે. સ્વર્ગમાં મીખાએલ તરીકે ઓળખાતા ઈસુ અને તેમના દૂતો, શેતાન ને તેના ચેલાઓ સાથે લડે છે. શેતાન ને તેના ચેલાઓ હારી જાય છે. તેઓને પૃથ્વી પર ફેંકવામાં આવે છે. બાઇબલ કહે છે કે આના લીધે શેતાન “ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.” (પ્રકટીકરણ ૧૨:૭-૧૨ વાંચો.) આ અહેવાલ બતાવે છે કે ઈસુ રાજા બન્યા ત્યારથી એવો યુગ શરૂ થયો જે ઇન્સાન માટે ભારે ‘અફસોસનો’ સમય છે.

૭. બીજા ગીતમાં શાની ભવિષ્યવાણી કરવામાં આવી છે? એ કેવી તક વિષે જણાવે છે?

ગીતશાસ્ત્રનો બીજો અધ્યાય એ પણ બતાવે છે કે ઈસુને સ્વર્ગીય પર્વત સિયોનની રાજગાદી પર બેસાડવામાં આવશે. (ગીતશાસ્ત્ર ૨:૫-૯; ૧૧૦:૧, ૨ વાંચો.) આ અધ્યાય એ પણ જણાવે છે કે દુનિયાના નેતાઓ ને લોકોને, ઈસુને પોતાના રાજા માનવા ને તેમને આધીન થવા મોકો આપવામાં આવશે. તેઓને ઉત્તેજન આપવામાં આવે છે કે તેઓ ‘સમજણ રાખે’ ને ‘શિખામણ લે.’ આ સમય દરમિયાન “જેઓ [યહોવાહ ને ઈસુ] પર ભરોસો રાખે છે તે સઘળાને ધન્ય છે!” આનો અર્થ થાય કે ઈસુ ૧૯૧૪માં રાજા બન્યા ત્યારથી દુનિયાના નેતાઓ ને તેમની પ્રજાને જીવનમાં જરૂરી ફેરફારો કરવાનો મોકો મળ્યો છે.—ગીતશાસ્ત્ર ૨:૧૦-૧૨.

ઈસુ રાજ કરે છે, એ પારખો

૮, ૯. કોણ એ પારખી શક્યું કે ઈસુનું રાજ શરૂ થયું છે?

ફરોશીઓએ ઈસુને પૂછ્યું હતું કે ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે. ઈસુએ કહ્યું કે તેઓ માટે “દેવનું રાજ્ય દૃશ્ય રીતે” આવશે નહિ, જેમ તેઓ વિચારતા હતા. (લુક ૧૭:૨૦, ૨૧) જેઓ યહોવાહ પર શ્રદ્ધા રાખતા ન હતા તેઓ ઈશ્વરના રાજ્ય વિષે કંઈ સમજવાના ન હતા. કેમ કે તેઓ તો ઈસુને પોતાના ભાવિ રાજા તરીકે સ્વીકારતા જ ન હતા. તો પછી કેવા લોકો પારખી શક્યા કે ઈસુનું રાજ શરૂ થયું છે? કેવા લોકો એનું મહત્ત્વ સમજી શક્યા?

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે જેમ ‘આકાશમાં એક છેડેથી બીજા છેડા સુધી ચમકતી વીજળી’ સાફ દેખાય છે તેમ તેઓ પારખી શકશે કે તેમનું રાજ શરૂ થયું છે. (લુક ૧૭:૨૪-૨૯ વાંચો.) માત્થી ૨૪:૨૩-૨૭ પણ આના વિષે જણાવે છે. એ કલમો સ્પષ્ટ જણાવે છે કે પોતાના રાજ દરમિયાન શું થશે એની જ ઈસુ વાત કરી રહ્યા હતા.

એક પેઢી પારખશે કે ઈસુ રાજ કરે છે

૧૦, ૧૧. (ક) અમુક વર્ષો પહેલાં, માત્થી ૨૪:૩૪માં જણાવેલ “પેઢી” વિષે શું સમજાવવામાં આવ્યું હતું? (ખ) આ ‘પેઢીમાં’ કયા લોકોનો સમાવેશ થાય છે? એ વિષે ઈસુના શિષ્યો શું સમજ્યા હતા?

૧૦ ચોકીબુરજ મૅગેઝિને પહેલાં સમજાવ્યું હતું કે માત્થી ૨૪:૩૪માં જણાવેલી “આ પેઢી” ઈસુના જમાનાના ‘અવિશ્વાસી યહુદીઓને’ બતાવતી હતી. * એ સમજણ ઠીક લાગતી હતી કેમ કે બાઇબલમાં જ્યારે પણ ઈસુ “પેઢી” વિષે વાત કરતા, ત્યારે તે “દુષ્ટ” જેવા શબ્દોથી એનું વર્ણન કરતા. (માત્થી ૧૨:૩૯; ૧૭:૧૭; માર્ક ૮:૩૮) તેથી એવું લાગે છે કે આજના જમાનામાં એ “પેઢી” એવા લોકોને રજૂ કરે છે જેઓ દુષ્ટ છે, એટલે કે યહોવાહમાં માનતા નથી. તેઓ આ યુગના છેલ્લા ભાગમાં (સિંટેલિયા) જીવશે ને એનો ‘અંત’ (ટેલોસ) પણ જોશે.

૧૧ ખરું કે જ્યારે ઈસુએ દુષ્ટ “પેઢી” વિષે વાત કરી, ત્યારે તે પોતાના જમાનાના દુષ્ટ લોકોને કે તેઓ વિષે વાત કરતા હતા. પરંતુ શું તે માત્થી ૨૪:૩૪માં પણ એ જમાનાના દુષ્ટ લોકો વિષે વાત કરતા હતા? ઈસુના ચાર શિષ્યોએ “એકાંતમાં” તેમની પાસે આવીને જે વાત કરી એનો વિચાર કરો. (માત્થી ૨૪:૩) વાતચીતમાં ઈસુએ “આ પેઢી” વિષે વાત કરી, પણ તેમણે એમ ન કહ્યું કે એ દુષ્ટ છે. એટલે શિષ્યો સમજી ગયા કે એ ‘પેઢીમાં’ તેઓ અને ઈસુના બીજા શિષ્યોનો પણ સમાવેશ થાય છે. તેઓ એ પણ સમજ્યા હતા કે “એ બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહિ જશે.”

૧૨. ઈસુએ “પેઢી” શબ્દનો ઉલ્લેખ કર્યો ત્યારે, તે કયા લોકો વિષે વાત કરતા હતા એ આપણે માત્થી ૨૪:૩૨, ૩૩થી કેવી રીતે જાણી શકીએ?

૧૨ આપણે કેમ આમ કહી શકીએ? માત્થી ૨૪:૩૨, ૩૩ એ સ્પષ્ટ કરે છે. ત્યાં ઈસુએ કહ્યું: “હવે અંજીરી પરથી તેનું દૃષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કૂમળી થઈ હોય છે, ને પાંદડાં ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઊનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે.” (વધુ માહિતી: માર્ક ૧૩:૨૮-૩૦; લુક ૨૧:૩૦-૩૨) પછી માત્થી ૨૪:૩૪માં તે કહે છે: “હું તમને ખચીત કહું છું, કે એ બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહિ જશે.”

૧૩, ૧૪. આપણે કેમ કહી શકીએ કે ઈસુએ જે ‘પેઢીનો’ ઉલ્લેખ કર્યો એમાં તેમના શિષ્યો હશે?

૧૩ ઈસુએ કહ્યું કે તેમના શિષ્યો, જેઓ યહોવાહના આશીર્વાદથી જલદી જ અભિષિક્ત થવાના હતા, તેઓ ‘એ બધું પૂરું’ થતા જોઈને પારખી જશે કે ઈસુનું રાજ શરૂ થયું છે. તેથી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “એ બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહિ જશે.” એટલે અહીંયા ઈસુ તેમના શિષ્યો વિષે જ વાત કરી રહ્યા હતા.

૧૪ જેઓ યહોવાહમાં માનતા ન હતા, તેઓ કંઈ પારખવાના ન હતા. પણ ઈસુના શિષ્યો તો નિશાની પારખશે. એનું મહત્ત્વ પણ સમજી શકશે. તેઓ નિશાનીમાંથી ‘શીખશે’ ને એનો પૂરો અર્થ ‘જાણશે.’ તેઓ સમજી જશે કે ઈસુ “બારણા આગળ જ છે.” ખરું કે ઈસુના જમાનાના અભિષિક્ત જનો અને અવિશ્વાસી યહુદીઓએ પણ ઈસુના શબ્દોને અમુક હદે પૂરા થતા જોયા હતા. પણ ફક્ત અભિષિક્તો જ એ બનાવો જોઈને પાઠ શીખી શક્યા. ફક્ત તેઓ જ સમજી શક્યા કે ખરેખર શું ચાલી રહ્યું હતું.

૧૫. (ક) ઈસુએ જે ‘પેઢીનો’ ઉલ્લેખ કર્યો એ આજે કોને બતાવે છે? (ખ) આ “પેઢી” કેટલી લાંબી હશે એ વિષે આપણે કેમ ચોક્કસ કહી શકતા નથી? (પાન ૨૫ પર આપેલું બૉક્સ જુઓ.)

૧૫ ઈસુ હમણાં સ્વર્ગમાં રાજ કરી રહ્યા છે. પણ જેઓ યહોવાહ ને તેમના શિક્ષણ વિષે કંઈ જાણતા નથી, તેઓ વિચારે છે કે ઈસુ ‘દૃશ્ય રીતે’ આવ્યા નથી. તેઓ માને છે કે બધું પહેલાંની જેમ જ ચાલી રહ્યું છે. કંઈ બદલાયું નથી. (૨ પીતર ૩:૪) પણ અભિષિક્ત ખ્રિસ્તીઓ બધું પારખી શક્યા છે. આકાશમાં ચમકતી વીજળીની જેમ તેઓ સાફ જોઈ શક્યા છે કે ઈસુ રાજ કરવા લાગ્યા છે. તેઓ એનો અર્થ પણ સમજી શક્યા છે. આ અભિષિક્ત જનોનું ટોળું આજના જમાનાની “પેઢી” બને છે. આ પેઢી ‘એ બધું પૂરું’ નહિ થાય ત્યાં સુધી જતી રહેશે નહિ. * આ કારણે આપણે અંદાજો લગાવી શકીએ કે મોટી વિપત્તિ શરૂ થાય ત્યારે અમુક અભિષિક્ત જનો હજી પૃથ્વી પર જીવતા હશે.

“જાગતા રહો”

૧૬. ઈસુને પગલે ચાલનારા સર્વએ શું કરવું જોઈએ?

૧૬ ઈસુ રાજ કરે છે એ નિશાની પારખીએ એટલું જ પૂરતું નથી. ઈસુએ કહ્યું: “જે હું તમને કહું છું તે સર્વને કહું છું, કે જાગતા રહો.” (માર્ક ૧૩:૩૭) આ ખૂબ અગત્યનું છે. પછી ભલેને આપણે અભિષિક્ત હોઈએ કે મોટી સભાના હોઈએ. ઈસુએ ૧૯૧૪માં સ્વર્ગમાં રાજ શરૂ કર્યું એને હવે ૯૦થી વધારે વર્ષ થઈ ગયા છે. એટલે આપણા માટે એ બહુ જરૂરી છે કે આપણે તૈયાર રહીએ ને જાગતા રહીએ, પછી ભલેને એ ગમે એટલું મુશ્કેલ કેમ ન હોય. જો આપણે પૂરી રીતે સમજીએ કે ઈસુ હમણાં સ્વર્ગમાં રાજ કરે છે, તો આપણે જાગતા રહીશું. આ જ્ઞાન આપણને ભાવિ માટે સાવધાન રહેવા પણ મદદ કરશે, કેમ કે નજીકમાં ‘આપણે ધારતા પણ નહિ હોઈએ એવી ઘડીએ” ઈસુ તેમના દુશ્મનોનો નાશ કરવા આવશે.—લુક ૧૨:૪૦.

૧૭. ઈસુના રાજ વિષે સમજણ મેળવીને આપણને કેવું લાગે છે અને આપણે શું કરવું જોઈએ?

૧૭ આપણને ખબર છે કે ઈસુ ૧૯૧૪થી સ્વર્ગમાં રાજ કરે છે. આ હકીકત જાણીને આપણને પૂરી ખાતરી થાય છે કે આ દુનિયાનો અંત હવે નજીક છે. હવે જલદી જ ઈસુ દુષ્ટોનો નાશ કરવા આવશે ને આખી પૃથ્વીની રોનક બદલી નાખશે. એને સુંદર બનાવશે. તો ચાલો આપણે ઈસુએ જે ભવિષ્યવાણી કરી હતી એમાં ભાગ લેવા તન-મનથી બનતું બધું જ કરીએ: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત [ટેલોસ] આવશે.”—માત્થી ૨૪:૧૪. (w08 2/15)

[ફુટનોટ્‌સ]

^ વધુ માહિતી માટે ઇનસાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ બીજો ગ્રંથ, પાન ૬૭૬-૯ જુઓ.

^ ચોકીબુરજ, નવેમ્બર ૧, ૧૯૯૫ પાન ૧૧-૧૫, ૧૯, ૩૦ અને ૩૧ જુઓ.

^ એવું લાગે છે કે પ્રકટીકરણનું પહેલું સંદર્શન આજના જમાનાની ‘પેઢીમાં’ પૂરું થાય છે. (પ્રકટીકરણ ૧:૧૦–૩:૨૨) પ્રભુના દિવસ સાથે જોડાયેલી આ “પેઢી” ૧૯૧૪થી લઈને છેલ્લા અભિષિક્ત જન ગુજરી જઈને સ્વર્ગમાં સજીવન થાય ત્યાં સુધી રહેશે.—પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પાન ૨૪, ફકરો ૪ જુઓ.

તમે જવાબમાં શું કહેશો?

• આપણને કેમ ખબર છે કે ઈસુના રાજનો સમયગાળો લાંબો છે?

• ઈસુ રાજ કરવા લાગ્યા છે એ નિશાની કોણ પારખે છે અને એનું મહત્ત્વ સમજે છે?

માત્થી ૨૪:૩૪માં ઉલ્લેખ કરેલી પેઢી આજે કોને બતાવે છે?

• આપણે કેમ ચોક્કસ કહી શકતા નથી કે “આ પેઢી” ક્યારે શરૂ થઈ ને ક્યારે પૂરી થશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન २७ પર બૉક્સ]

“આ પેઢી” કેટલી લાંબી છે? આપણે જાણી શકીએ?

સામાન્ય રીતે “પેઢી” શબ્દનો અર્થ થાય, કોઈ એક યુગ, સમય કે બનાવમાં જીવતા જુદી જુદી ઉંમરના લોકો. દાખલા તરીકે, નિર્ગમન ૧:૬ કહે છે: “પછી યુસફ તથા તેના સર્વ ભાઈઓ તથા તે પેઢીનાં સર્વ માણસો મરી ગયાં.” યુસફ ને તેમના ભાઈઓ કંઈ એક સરખી ઉંમરના ન હતા. પણ તેઓ બધા એક સમયગાળામાં જીવ્યા. ‘તે પેઢીમાં’ યુસફના મોટા ભાઈઓ પણ હતા જે યુસફ કરતાં વધારે લાંબો સમય જીવ્યા. (ઉત્પત્તિ ૫૦:૨૪) એ “પેઢી”માંથી બિન્યામીન જેવા અમુક બીજા ભાઈઓ યુસફ પછી જન્મ્યા ને કદાચ યુસફ ગુજરી ગયા પછી પણ થોડો સમય વધારે જીવ્યા.

તેથી જ્યારે “પેઢી” શબ્દ કોઈ સમય કે યુગમાં જીવતા લોકો માટે વપરાયો હોય ત્યારે ચોકસાઈથી કહી ન શકાય કે એ પેઢી કેટલી લાંબી હશે. પણ એક વાત ચોક્કસ છે કે એ પેઢી હદ બહાર લાંબી નહિ હોય, અને એનો અંત જરૂર હોય છે. એટલે જ ઈસુએ માત્થી ૨૪:૩૪માં “આ પેઢી” વિષે વાત કરી ત્યારે શિષ્યોને એવું કંઈ જણાવ્યું નહિ કે જેનાથી તેઓને ચોક્કસ ખબર પડે કે દુનિયાનો ‘છેલ્લો સમય’ ક્યારે પૂરો થશે. એને બદલે ઈસુએ ભાર દઈને કહ્યું કે “તે દહાડા તથા તે ઘડી” વિષે તેઓ જાણી નહિ શકે.—૨ તીમોથી ૩:૧; માત્થી ૨૪:૩૬.

[પાન ૨૮, ૨૯ પર ચિત્રો]

૧૯૧૪માં રાજા બન્યા પછી ઈસુ દુશ્મનો પર “જીતવા” નીકળ્યા