સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના માર્ગે ચાલીએ

યહોવાહના માર્ગે ચાલીએ

યહોવાહના માર્ગે ચાલીએ

‘જેઓ યહોવાહથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે તે સર્વ સુખી છે.’—ગીતશાસ્ત્ર ૧૨૮:૧.

૧, ૨. સુખી થવા શું કરવું જોઈએ?

 આપણે બધાય સુખની પાછળ દોડીએ છીએ. જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હોય એવું ચાહીએ છીએ. પણ જાણે કે એ આપણા હાથમાં આવી આવીને છટકી જાય છે.

તોપણ એવું નથી કે સુખી થવું અશક્ય છે. ગીતશાસ્ત્ર ૧૨૮:૧ જણાવે છે કે ‘જેઓ યહોવાહથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે તે સર્વ સુખી છે.’ સુખની ચાવી એ જ છે કે ઈશ્વરનો ડર રાખીને ચાલીએ. તેમની મરજી પ્રમાણે જીવીએ. એટલે ચાલો વિચારીએ કે ઈશ્વરનો માણસ કેવો હોવો જોઈએ?

વચન પાળો

૩. યહોવાહની દિલથી ભક્તિ કરવા આપેલું વચન કેમ પાળવું જ જોઈએ?

યહોવાહનો ડર રાખનારા તેમની જેમ જ વચન આપીને પાળે છે. ઈસ્રાએલને આપેલાં હરેક વચન યહોવાહે પાળ્યાં. (૧ રાજાઓ ૮:૫૬) આપણે યહોવાહને જ ભજવાનું વચન લીધું છે. પ્રાર્થનામાં વારંવાર યહોવાહની મદદ માંગીએ. તેમની મદદથી આપણે એ પૂરેપૂરું પાળી શકીશું. ઈશ્વરભક્ત દાઊદે કહ્યું, ‘હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તેં સાંભળી છે; દરરોજ મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને અર્થે હું સદા તારા નામની સ્તુતિ કરીશ.’ (ગીતશાસ્ત્ર ૬૧:૫, ૮; સભાશિક્ષક ૫:૪-૬) યહોવાહની દિલથી ભક્તિ કરવા માટે આપણે કદીયે વચન આપીને ફરી ન જઈએ.—ગીતશાસ્ત્ર ૧૫:૧,.

૪. યિફ્તાહ અને તેની દીકરીએ યહોવાહને આપેલા વચનને કેવું ગણ્યું?

ચાલો આપણે ઈસ્રાએલના ન્યાયાધીશોના સમયનો વિચાર કરીએ. યિફ્તાહ આમ્મોનીઓ સામે લડવા જાય છે. તે યહોવાહને જણાવે છે કે જો તે જીતશે, તો તેને મળવા જે કોઈ તેના ઘરમાંથી પહેલું બહાર આવશે તે યહોવાહનું થશે. તે વ્યક્તિ આખું જીવન યહોવાહની ભક્તિમાં જ આપશે. જ્યારે યિફ્તાહ લડાઈ જીતીને પાછો ફર્યો, ત્યારે તેની એકની એક દીકરી તેને મળવા પહેલી આવી. એ જમાનામાં લગ્‍ન થાય, બાળકો થાય એ સુખી જીવન કહેવાતું. છતાં યહોવાહમાં શ્રદ્ધા રાખીને, યિફ્તાહ અને તેની કુંવારી દીકરી બંનેએ વચન પાળ્યું. યિફ્તાહની દીકરીએ કુંવારી રહીને, રાજી-ખુશીથી મંદિરમાં સેવા આપી.—ન્યાયાધીશો ૧૧:૨૮-૪૦.

૫. હાન્‍નાહે કઈ રીતે પોતાનું વચન પાળ્યું?

ઈશ્વરભક્ત હાન્‍નાહ પણ વચનની પાક્કી હતી. તે પોતાના લેવી પતિ એલ્કાનાહ અને તેની બીજી પત્ની, પનિન્‍નાહ સાથે રહેતી હતી. તેઓનું ઘર એફ્રાઈમના પહાડી મુલકમાં હતું. પનિન્‍નાહને બાળકો હતાં, જ્યારે હાન્‍નાહ વાંઝણી હતી. એલ્કાનાહ યહોવાહના મંદિરે જતા ત્યારે પનિન્‍નાહ, હાન્‍નાહને બહુ ટોણાં મારતી. એક વાર હાન્‍નાહે યહોવાહને વચન આપ્યું કે જો પોતાને દીકરો થશે તો તેને આખી જિંદગી યહોવાહની સેવામાં આપી દેશે. જલદી જ તે મા બની અને શમૂએલને જન્મ આપ્યો. છોકરાનું ધાવણ છોડાવ્યા પછી, તે તેને શીલોહમાં યહોવાહના મંદિરમાં લઈ ગઈ. હાન્‍નાહે શમૂએલને “આખી જિંદગી” યહોવાહની સેવા કરવા ત્યાં મૂક્યો. (૧ શમૂએલ ૧:૧૧) એ વખતે હાન્‍નાહને ખબર ન હતી કે તેને બીજાં બાળકો થશે કે નહિ. તોપણ તેણે પોતાનું વચન પાળ્યું.—૧ શમૂએલ ૨:૨૦, ૨૧.

૬. તુખીકસ કઈ રીતે વિશ્વાસુ માણસ સાબિત થયા?

પહેલી સદીમાં તુખીકસ નામે એક ઈશ્વરભક્ત હતા. તે “વિશ્વાસુ સેવક” હતા. (કોલોસી ૪:૭) તે પાઊલ સાથે ગ્રીસથી મકદોનિયા થઈને આસિયા સુધી ગયા. કદાચ યરૂશાલેમ પણ ગયા હોય શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨-૪) યહુદાહના ભાઈ-બહેનો માટે દાન ભેગું કરવાના કામમાં તીતસની મદદ કરનાર ‘એક ભાઈ’ તુખીકસ હોઈ શકે. (૨ કોરીંથી ૮:૧૮-૨૦; ૧૨:૧૮) પાઊલને રોમમાં પહેલી વાર જેલ થઈ ત્યારે, એફેસસ અને કોલોસી મંડળમાં પત્રો લઈ જનાર તુખીકસ હતા. (એફેસી ૬:૨૧, ૨૨; કોલોસી ૪:૮, ૯) રોમમાં બીજી વાર પાઊલને કેદ થઈ ત્યારે તેમણે તુખીકસને એફેસસ મોકલ્યા. (૨ તીમોથી ૪:૧૨) તુખીકસના દાખલાથી જોઈ શકીએ કે તે વિશ્વાસુ હતા. એટલે પાઊલને તેમના પર ભરોસો હતો. આપણે પણ તુખીક્સની જેમ વિશ્વાસુ બનીએ. પછી આપણે પણ યહોવાહની ભક્તિમાં વધારે કામ કરી શકીશું.

૭, ૮. કઈ રીતે કહી શકીએ કે દાઊદ અને યોનાથાન જિગરી દોસ્તો હતા?

યહોવાહ ચાહે છે કે આપણે વિશ્વાસુ દોસ્ત બનીએ. (નીતિવચનો ૧૭:૧૭) પહેલાના જમાનામાં રાજા શાઊલ થઈ ગયા. તેમનો દીકરો યોનાથાન અને દાઊદ બંને જિગરી દોસ્ત બન્યા. યોનાથાને સાંભળ્યું કે દાઊદે ગોલ્યાથને મારી નાખ્યો ત્યારે, “યોનાથાનનો જીવ દાઊદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણસમાન પ્રીતિ કરવા લાગ્યો.” (૧ શમૂએલ ૧૮:૧,) શાઊલ જ્યારે દાઊદને મારી નાખવાનો હતો, ત્યારે યોનાથાને તેમને ચેતવ્યા. દાઊદ નાસી ગયા. પછી યોનાથાન દાઊદ સાથે મળ્યા અને દોસ્તી નિભાવવાના એકબીજાને વચન આપ્યાં. યોનાથાને પોતાના પિતા શાઊલ સાથે દાઊદ વિષે વાત કરી. એનાથી શાઊલને એટલો ગુસ્સે ચડ્યો કે યોનાથાનને મારવા ભાલો ફેંક્યો. તોપણ, યોનાથાન અને દાઊદે ભેગા મળીને પોતાની દોસ્તીની યાદો તાજી કરી. (૧ શમૂએલ ૨૦:૨૪-૪૧) દાઊદ સાથેની છેલ્લી મુલાકાતમાં, યોનાથાને ‘યહોવાહમાં દાઊદનો હાથ મજબૂત કર્યો.’—૧ શમૂએલ ૨૩:૧૬-૧૮.

પલિસ્તીઓ સાથે લડતા લડતા યોનાથાનનું મોત થયું. (૧ શમૂએલ ૩૧:૬) દાઊદે એના શોકગીતમાં કહ્યું, “હે મારા બાંધવ યોનાથાન, તારે લીધે મને ખેદ થાય છે; તું મને બહુ પ્રિય હતો; મારા પર તારો પ્યાર અદ્‍ભુત હતો, સ્ત્રીઓના પ્યાર કરતાં પણ વિશેષ હતો.” (૨ શમૂએલ ૧:૨૬) યોનાથાનના મરતા સુધી દાઊદ અને યોનાથાન જિગરી દોસ્તો રહ્યા.

હંમેશાં ‘નમ્ર રહીએ’

૯. ન્યાયાધીશોનો નવમો અધ્યાય નમ્ર રહેવા વિષે શું શીખવે છે?

યહોવાહની દિલથી ભક્તિ કરવા આપણે ‘નમ્ર રહેવું’ જોઈએ. (૧ પીતર ૩:૮; ગીતશાસ્ત્ર ૧૩૮:૬) એ સમજવા ન્યાયાધીશોનો નવમો અધ્યાય જોઈએ. ઈશ્વરભક્ત ગિદઓનના દીકરા યોથામે કહ્યું, “એકવાર વૃક્ષોએ પોતાને માટે રાજા પસંદ કરવાનું નક્કી કર્યું.” (ન્યાયાધીશો ૯:૮, IBSI.) એમાં જૈતવૃક્ષ, અંજીરી અને દ્રાક્ષવેલો સારા માણસને રજૂ કરતા હતા. એ ત્રણેવ ઈસ્રાએલી પ્રજા પર રાજ કરવા યોગ્ય હતા, તોપણ તેઓએ ના પાડી. પછી ઝાંખરાની વાત થાય છે, જે નકામું છે. ફક્ત બાળવાના કામમાં આવે છે. એ અભિમાની અબીમેલેખને રજૂ કરે છે, જે ખૂની હતો અને બીજા પર રાજ કરવાનો લાગ શોધતો હતો. ભલે અબીમેલેખે “ઈસ્રાએલ પર ત્રણ વર્ષ રાજ કર્યું,” તોયે તે બેહાલ માર્યો ગયો. (ન્યાયાધીશો ૯:૯-૧૫, ૨૨, ૫૦-૫૪) એના કરતાં ‘નમ્ર રહેવું’ કેટલું સારું છે!

૧૦. હેરોદે ‘ઈશ્વરને મહિમા આપ્યો નહિ,’ એના પરથી આપણે શું શીખીએ છીએ?

૧૦ પહેલી સદીમાં યહુદાહનો રાજા હેરોદ આગ્રીપા ભારે અભિમાની હતો. તૂર અને સીદોનના લોકો તેની સાથે દોસ્તી ચાહતા હતા. એક પ્રસંગે હેરોદે ભાષણ આપ્યું ત્યારે તેઓ પોકારી ઊઠ્યા: “આ વાણી તો દેવની છે, માણસની નથી.” એ સાંભળીને હેરોદ તો પોતે કંઈક છે એવું માનવા લાગ્યો. ‘તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ,’ માટે સ્વર્ગદૂતે તેને માર્યો. તે તરત મરી ગયો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨૦-૨૩) હેરોદની જેમ આપણે કદાચ જોરદાર ટૉક આપી શકતા હોઈએ. બીજાને સારી રીતે બાઇબલ શીખવી શકતા હોઈએ. તોપણ, એ યહોવાહનું કામ છે. તેમની મદદ માટે ચાલો તેમનો જ જયજયકાર કરીએ!—૧ કોરીંથી ૪:૬, ૭; યાકૂબ ૪:૬.

ડરો નહિ, હિંમત ના હારો

૧૧, ૧૨. હનોખના દાખલામાંથી આપણે શું શીખીએ છીએ? હનોખનો દાખલો કઈ રીતે બતાવે છે કે યહોવાહ પોતાના ભક્તોને હિંમત રાખવા મદદ કરે છે?

૧૧ જો આપણે નમ્ર રહીને યહોવાહને માર્ગે ચાલીએ તો તે આપણને હિંમત રાખવા મદદ કરશે. (પુનર્નિયમ ૩૧:૬-૮, ૨૩) આપણે હનોખનો વિચાર કરીએ. તે યહોવાહની સાથે ચાલ્યા. લોકો બહુ ખરાબ હતા, તોયે તે યહોવાહનો ડર રાખીને ચાલ્યા. (ઉત્પત્તિ ૫:૨૧-૨૪) હનોખે દુષ્ટ લોકોને યહોવાહનો કડક સંદેશો કહેવાનો હતો. એ માટે યહોવાહે તેમને હિંમત આપી. (યહુદા ૧૪, ૧૫ વાંચો.)

૧૨ યહોવાહે હનોખ દ્વારા જણાવ્યું હતું તેમ, દુષ્ટ લોકોનો વિનાશ થયો. કેવી રીતે? નુહના જમાનામાં પાણીનો પ્રલય લાવીને દુષ્ટ લોકોનો નાશ કર્યો. આપણા સમયમાં પણ યહોવાહ દુષ્ટ લોકોનો જલદી જ વિનાશ કરશે. (પ્રકટીકરણ ૧૬:૧૪-૧૬; ૧૯:૧૧-૧૬) હનોખની જેમ આપણે યહોવાહને મદદ માટે પ્રાર્થના કરીએ. તે આપણને પણ સંદેશો જણાવવા હિંમત આપશે.

૧૩. આપણને તકલીફો અને ચિંતાઓમાં પણ જોઈતી મદદ યહોવાહ આપશે, એની કેમ ખાતરી રાખી શકીએ?

૧૩ આપણા પર તકલીફો આવી પડે તો આપણે ચિંતાઓમાં ડૂબી જઈએ. નિરાશ થઈ જઈએ. એવા સમયે આપણને યહોવાહની મદદની જરૂર પડે છે. ઈસ્હાક અને રિબકાહનો વિચાર કરો. તેમનો દીકરો એસાવ બે સ્ત્રીઓને પરણ્યો. એ બંને હિત્તી હતી. “તેઓ ઈસ્હાક તથા રિબકાહના જીવને સંતાપરૂપ હતી.” રિબકાહે તોબા પોકારીને કહ્યું, “હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું: આ હેથની દીકરીઓ જેવી જો યાકૂબ દેશની દીકરીઓમાંથી સ્ત્રી લે, તો મારે જીવવું શા કામનું?” (ઉત્પત્તિ ૨૬:૩૪, ૩૫; ૨૭:૪૬) ઈસ્હાકે પોતાના બીજા દીકરા યાકૂબને હારાનમાં મોકલ્યો. જેથી યહોવાહને ભજતી હોય એવી સ્ત્રીને પરણે. ઈસ્હાક અને રિબકાહ સંજોગો બદલી શકતા ન હતા. તોપણ, યહોવાહે તેઓને હિંમત ને માર્ગદર્શન આપ્યું. તેઓ યહોવાહને વળગી રહ્યા. આપણે જો યહોવાહને મદદનો પોકાર કરીશું, તો તે જરૂર મદદ કરશે.—ગીતશાસ્ત્ર ૧૧૮:૫.

૧૪. ઈસ્રાએલની નાનકડી છોકરીએ કેવી હિંમત બતાવી?

૧૪ પહેલાંના જમાનાની એક ઈસ્રાએલી છોકરીનો વિચાર કરીએ. અરામીઓ તેને પકડીને લાવ્યા. તે અરામી લશ્કરના ઉપરી નાઅમાનને ત્યાં દાસી થઈ. નાઅમાન કોઢિયો હતો. પેલી ઈસ્રાએલી છોકરીએ સાંભળ્યું કે યહોવાહ એલીશા દ્વારા કેવા કેવા ચમત્કારો કરે છે. એટલે છોકરીએ હિંમત કરીને નાઅમાનની પત્નીને કહ્યું, ‘મારા શેઠ જો ઈસ્રાએલ જાય તો કેવું સારું! યહોવાહના ઈશ્વરભક્ત તેમનો કોઢ જરૂર મટાડી દેશે.’ નાઅમાન ઈસ્રાએલ ગયો અને યહોવાહે તેનો કોઢ મટાડ્યો. (૨ રાજાઓ ૫:૧-૩) એ ઈસ્રાએલી છોકરીએ આપણા યુવાનો માટે કેવો સરસ દાખલો બેસાડ્યો! આજે યુવાનોએ પણ ટીચરને, ફ્રેન્ડ-સર્કલમાં કે કોઈ બીજાને યહોવાહ વિષે જણાવવા હિંમતની જરૂર પડે છે.

૧૫. ઓબાદ્યાહે હિંમતથી શું કર્યું?

૧૫ આપણી કસોટીઓ થાય ત્યારે પણ યહોવાહ હિંમત આપે છે. રાજા આહાબના કારભારી ઓબાદ્યાહનો વિચાર કરો. તે ઈશ્વરભક્ત એલીયાહના જમાનામાં થઈ ગયા. ઇઝેબેલ રાણીએ યહોવાહના સર્વ પ્રબોધકોની કતલનો હુકમ કર્યો ત્યારે ઓબાદ્યાહે તેઓમાંના “સો માણસોને પચાસ પચાસની ટોળી કરીને ગુફામાં” સંતાડી દીધા. (૧ રાજાઓ ૧૮:૧૩; ૧૯:૧૮) શું આપણે ઓબાદ્યાહ જેવી હિંમત બતાવીશું? કસોટી સહેતા ભાઈ-બહેનોને મદદ કરીશું?

૧૬, ૧૭. આરીસ્તાર્ખસ અને ગાયસની સતાવણી થઈ ત્યારે તેઓએ શું કર્યું?

૧૬ આપણી કસોટી થાય તો હિંમત ન હારીએ. યહોવાહ આપણને છોડી દેશે નહિ. (રૂમી ૮:૩૫-૩૯) પાઊલના સાથીદારો ગાયસ અને આરીસ્તાર્ખસનો વિચાર કરો. એફેસસમાં હજારોનું ટોળું તેમને ફરી વળ્યું. તેઓને પકડીને અખાડામાં લઈ જવાયા. એ ટોળાને ચાવી ચડાવનાર દેમેત્રિઅસ નામે એક સોની હતો. બીજા સોનીઓની સાથે તે આર્તેમિસ દેવીની મૂર્તિઓ બનાવતો. તેઓનો ધંધો ધમધોકાર ચાલતો. એવામાં પાઊલના પ્રચારને લીધે શહેરના ઘણા લોકોએ મૂર્તિપૂજા બંધ કરી. તેઓનો ધંધો ચોપટ થવા લાગ્યો. એટલે તેઓએ આરીસ્તાર્ખસ અને ગાયસને પકડ્યા. તેઓને અખાડામાં ઘસડી જઈને લોકો બૂમો પાડવા લાગ્યા, “એફેસીઓની આર્તેમિસની જે!” આરીસ્તાર્ખસ અને ગાયસને થયું કે હવે મર્યા જ સમજો. પણ ખરા સમયે નગરશેઠે આવીને ટોળાંને શાંત પાડ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૩-૪૧.

૧૭ આપણને એવો અનુભવ થાય તો? શું આપણે એમ કહીશું કે ‘ના બાબા ના, મારાથી આવું સહન ન થાય.’ આરીસ્તાર્ખસ અને ગાયસે એવું કંઈ વિચાર્યું નહિ. શા માટે? આરીસ્તાર્ખસને ખબર હતી કે પ્રચાર કરવાને લીધે સતાવણી તો આવશે જ. કેમ કે જ્યારે થેસ્સાલોનીકીમાં હતા ત્યારે પાઊલે પ્રચાર કર્યો. અને એનાથી ધમાલ થઈ હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૫; ૨૦:૪) આરીસ્તાર્ખસ અને ગાયસ યહોવાહના માર્ગે ચાલનારા હતા. તેઓએ યહોવાહની મદદથી હિંમત રાખીને કસોટીઓ સહી.

બીજાનું ભલું કરીએ

૧૮. પ્રિસ્કા તથા આકુલાએ કઈ રીતે ‘બીજાઓનું હિત’ જોયું?

૧૮ આપણી સતાવણી થતી ન હોય, છતાં તકલીફમાં હોય એવા ભાઈ-બહેનોનો વિચાર કરવો જોઈએ. પ્રિસ્કા તથા આકુલા ‘બીજાઓનું હિત’ જોનારા હતા. (ફિલિપી ૨:૪ વાંચો.) તેઓએ કદાચ એફેસસમાં પાઊલને પોતાને ઘરે રાખ્યા હશે. અહીં જ સોની દેમેત્રિઅસે ધમાલ કરાવી હતી. એવા સંજોગોમાં જ કદાચ આકુલા અને પ્રિસ્કાએ પાઊલને માટે ‘પોતાની ગરદનો ધરી’ હોય શકે. (રૂમી ૧૬:૩, ૪; ૨ કોરીંથી ૧:૮) આજે પણ સતાવણીમાં આપણા ભાઈ-બહેનોની સલામતી માટે “સાપના જેવા હોશિયાર” બનીએ. (માત્થી ૧૦:૧૬-૧૮) આપણું કામ ચેતીને ચાલુ રાખીએ. કોઈને પણ ભાઈ-બહેનોનાં નામ કે બીજી કોઈ પણ માહિતી આપીએ નહિ.

૧૯. દરકાસ બહેને કઈ રીતે બીજાઓનું ભલું કર્યું?

૧૯ આપણે ઘણી રીતોએ બીજાનું ભલું કરી શકીએ. અમુક ભાઈ-બહેનોને કોઈ ચીજ-વસ્તુઓની જરૂર હોય તો આપી શકીએ. (એફેસી ૪:૨૮; યાકૂબ ૨:૧૪-૧૭) પહેલી સદીમાં જોપ્પાના મંડળમાં દરકાસ નામે એક બહેન હતાં. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૬-૪૨ વાંચો.) તે ‘કામ કરવામાં આગળ પડતાં, પુષ્કળ દાનધર્મ કરતા’ હતાં. તે ગરીબ વિધવાઓને કપડાં બનાવીને આપતાં. ૩૬ની સાલમાં દરકાસ બહેન ગુજરી ગયા. વિધવા બહેનો ઘણી દુઃખી થઈ. યહોવાહે પીતરને એવી શક્તિ આપી કે તેમણે દરકાસને મોતની ઊંઘમાંથી પાછાં બેઠાં કર્યાં. એમાં કોઈ શંકા નથી કે દરકાસે એ પછી પણ લોકોનું ભલું કરવા અને પ્રચાર કરવા રાજી-ખુશીથી બનતું બધું જ કર્યું. આવી ઈશ્વરભક્ત બહેનો આપણા માટે કેટલો મોટો આશીર્વાદ છે!

૨૦, ૨૧. (ક) કોઈને ઉત્તેજન આપીશું તો કઈ રીતે તેમનું ભલું થશે? (ખ) બધાની હોંશ વધારવા આપણે શું કરી શકીએ?

૨૦ બીજાની હોંશ વધારીને ભલું કરીએ. (રૂમી ૧:૧૧, ૧૨) પાઊલના સાથીદાર સીલાસ એવા જ હતા. આશરે ૪૯ની સાલમાં સુનત વિષે નિર્ણય લેવાયો. એના વિષે બધાને જાણ કરવા યરૂશાલેમની ગવર્નિંગ બૉડીએ ભાઈઓને પત્ર લઈને મોકલ્યા. સીલાસ, યહુદાહ અને પાઊલ અંત્યોખ ગયા. ત્યાં સીલાસ અને યહુદાહે ‘ભાઈઓને ઘણી વાતો સમજાવીને તેઓનાં મન દૃઢ કર્યાં.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૨.

૨૧ પછીથી પાઊલ અને સીલાસને ફિલિપીમાં જેલ થઈ. પણ ધરતીકંપ થયો અને તેઓ આઝાદ થયા. તેઓએ જેલરને યહોવાહ વિષે શીખવ્યું. તે અને તેનું કુટુંબ યહોવાહની ભક્તિ કરવા લાગ્યું. એ શહેર છોડ્યા પહેલાં, પાઊલ અને સીલાસે ભાઈઓને ઉત્તેજન આપ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૨, ૪૦) તેઓની જેમ આપણે પણ ભાઈ-બહેનોની હોંશ વધારીએ. વાતચીતમાં, ટૉકમાં, પ્રચારમાં બધાને શાબાશી આપીએ. ગમે ત્યારે ઉત્તેજનના બે બોલ કહેવાનું મન થાય તો જરૂર કહો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૧૫.

યહોવાહના માર્ગમાં ચાલતા રહો

૨૨, ૨૩. બાઇબલમાં લખેલા અનુભવોનો આપણે કઈ રીતે ફાયદો ઉઠાવી શકીએ?

૨૨ ‘સર્વ દિલાસાના ઈશ્વર’ યહોવાહે પોતાના ભક્તોના દાખલા બાઇબલમાં લખાવી લીધા એ કેવું સારું કર્યું! (૨ કોરીંથી ૧:૩) એ અનુભવોમાંથી શીખવું હોય તો, આપણે પણ બાઇબલના સિદ્ધાંતો જીવનમાં ઉતારીએ. એ માટે યહોવાહની મદદ માગીએ.—ગલાતી ૫:૨૨-૨૫.

૨૩ બાઇબલમાં લખેલા બનાવો પર વિચાર કરવાથી આપણે સારા સંસ્કાર કેળવી શકીશું. એનાથી ‘બુદ્ધિ, જ્ઞાન અને આનંદ આપનાર’ ઈશ્વર યહોવાહ સાથે પાકો નાતો બાંધી શકીશું. (સભાશિક્ષક ૨:૨૬) તેમના દિલને આપણે આનંદથી ભરી દઈશું. (નીતિવચનો ૨૭:૧૧) તો ચાલો આપણે દરરોજ યહોવાહના માર્ગમાં ચાલતા રહીએ. (w08 2/15)

આપણે કેવી રીતે સમજાવીશું?

• કોઈ આપણા પર ભરોસો કરે, એવા બનવા શું કરવું જોઈએ?

• આપણે કઈ રીતે નમ્ર બની શકીએ?

• બાઇબલના બનાવો આપણને હિંમત રાખવા કઈ રીતે મદદ કરે છે?

• આપણે કઈ કઈ રીતે બીજાનું ભલું કરી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૪ પર ચિત્રો]

યિફ્તાહ અને તેમની દીકરીએ મુશ્કેલ સંજોગોમાં પણ વચન પાળ્યું

[પાન ૧૬ પર ચિત્રો]

યુવાનો, તમે ઈસ્રાએલી છોકરી પાસેથી શું શીખ્યા?