સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહને સદા સામે રાખો

યહોવાહને સદા સામે રાખો

યહોવાહને સદા સામે રાખો

‘મેં મારી સામે યહોવાહને સદા રાખ્યા છે.’—ગીતશાસ્ત્ર ૧૬:૮.

૧. બાઇબલના બનાવો આપણને કેવી રીતે મદદ કરે છે?

 બાઇબલમાં અનેક ઈશ્વરભક્તોના બનાવો છે. એ બતાવે છે કે યહોવાહ તેઓ સાથે કેવી રીતે વર્ત્યા. યહોવાહે અમુક ઈશ્વરભક્તોને પોતાની ઇચ્છા પૂરી કરવાનું કામ સોંપ્યું. તેઓએ કેવી રીતે યહોવાહની ઇચ્છા પૂરી કરી, એ વાંચવાની મઝા આવે છે. એ ફક્ત વાર્તાઓ જ નથી, પણ એનાથી યહોવાહ સાથેનો આપણો નાતો મજબૂત થાય છે.—યાકૂબ ૪:૮.

૨, ૩. ગીતશાસ્ત્ર ૧૬:૮નો શું અર્થ થાય?

બાઇબલમાં ઈબ્રાહીમ, સારાહ, મુસા, રૂથ, દાઊદ, એસ્તેર અને પાઊલ વિષે જણાવેલું છે. આપણે તેઓ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. પરંતુ, બાઇબલ અમુક એવા ઈશ્વરભક્તો વિષે પણ જણાવે છે, જેઓ વિષે આપણે બહુ જાણતા નથી. તેઓ પાસેથી પણ આપણે ઘણું શીખી શકીએ છીએ. એના પર વિચાર કરીને, આપણે આ સલાહ દિલમાં ઉતારીએ કે ‘મેં મારી સામે યહોવાહને સદા રાખ્યા છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.’ (ગીતશાસ્ત્ર ૧૬:૮) પણ આનો અર્થ શું થાય? ચાલો જોઈએ.

પહેલાંના સમયમાં સૈનિક પોતાના ડાબા હાથમાં ઢાલ અને જમણા હાથમાં તરવાર રાખતો. પણ એ રીતે તેને જમણી બાજુ પૂરતું રક્ષણ મળતું ન હતું. પણ જો તેની જમણી બાજુ કોઈ બીજો સૈનિક હોય તો તેને રક્ષણ મળતું. એવી જ રીતે જો યહોવાહ આપણે જમણે હાથે હોય તો, તે આપણું રક્ષણ કરશે. એટલે કે દરેક બાબતમાં તેમનું કહ્યું જ કરીશું તો દુઃખ-તકલીફોમાં પણ તે આપણો હાથ પકડી રાખશે. ચાલો આપણે બાઇબલમાંથી અમુક બનાવો જોઈએ, જેનાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે. પછી આપણે પણ કહીશું કે ‘હું હંમેશાં યહોવાહની મરજી પ્રમાણે વિચારું છું.’

યહોવાહ પ્રાર્થનાના સાંભળનાર

૪. યહોવાહ આપણી પ્રાર્થનાઓ જરૂર સાંભળે છે. એનો દાખલો આપો.

યહોવાહ પર પૂરો ભરોસો રાખીશું તો તે આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. (ગીતશાસ્ત્ર ૬૫:૨; ૬૬:૧૯) ચાલો આપણે અલીએઝેરનો દાખલો લઈએ. તે ઈબ્રાહીમના વિશ્વાસુ ચાકર હતા. ઈબ્રાહીમે તેમને મેસોપોટેમિયા મોકલ્યા, જેથી તે ઈસ્હાક માટે પત્ની શોધે. એ મોટી જવાબદારી હતી, કેમ કે યહોવાહને ભજતી હોય એવી પત્ની શોધવાની હતી. એટલે અલીએઝેરે યહોવાહને પ્રાર્થના કરી. તરત જ રિબકાહ તેમને મળી અને તેમના ઊંટોને પાણી પાયું. તેના વર્તનથી અલીએઝેરે જાણ્યું કે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી છે. તેમને પ્રાર્થનાના જવાબમાં ઈસ્હાક માટે સારી પત્ની મળી. અલીએઝેરની જેમ જ આપણે ખાતરી રાખીએ કે યહોવાહ આપણી પ્રાર્થના સાંભળે છે.

૫. મનમાં કરેલી ટૂંકી પ્રાર્થના પણ યહોવાહ સાંભળે છે. દાખલો આપો.

હવે નહેમ્યાહનો દાખલો લઈએ. તે ઈરાનના રાજા આર્તાહશાસ્તાના દરબારમાં કામ કરતા હતા. યરૂશાલેમની હાલત જોઈને નહેમ્યાહ બહુ ઉદાસ હતા. રાજાએ તેમને પૂછ્યું, “તારી અરજ શી છે?” “[નહેમ્યાહે] આકાશના દેવને પ્રાર્થના કરી.” તેમણે મનમાં ટૂંકી પ્રાર્થના કરી. પરમેશ્વરે તેમની પ્રાર્થના સાંભળી. રાજાએ તેમને યરૂશાલેમની દીવાલને ફરી બાંધવા માટે મદદ પૂરી પાડી. (નહેમ્યાહ ૨:૧-૮ વાંચો.) મનમાં કરેલી ટૂંકી પ્રાર્થના પણ યહોવાહ જરૂર સાંભળે છે.

૬, ૭. (ક) પ્રાર્થના કરવાની બાબતમાં એપાફ્રાસે કેવો દાખલો બેસાડ્યો? (ખ) આપણે શા માટે એકબીજા માટે પ્રાર્થના કરવી જોઈએ?

આપણને વિનંતી કરવામાં આવે છે કે “એકબીજાને સારૂ પ્રાર્થના કરો.” (યાકૂબ ૫:૧૬) અમુક વખતે એનો જવાબ તરત જ નહિ મળે. “ખ્રિસ્તના વિશ્વાસુ સેવક” એપાફ્રાસનો દાખલો લઈએ. તેમણે ભાઈ-બહેનો માટે દિલથી પ્રાર્થના કરી. તેમના વિષે પાઊલે કહ્યું: ‘એપાફ્રાસ જે તમારામાંનો એક છે, અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને યાદ કરે છે; તે હંમેશાં તમારે માટે દિલથી પ્રાર્થના કરે છે, કે દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દૃઢ રહો. કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદીકિયામાં તથા હિયરાપોલીસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે, એ વિષે હું સાક્ષી આપું છું.’—કોલોસી ૧:૭; ૪:૧૨, ૧૩.

એશિયા માઈનોરમાં કોલોસી, લાઓદીકિયા અને હિયરાપોલીસ શહેરો આવેલાં હતાં. એ ત્રણેવ શહેરમાં કંઈક ખોટાં કામ ચાલતાં હતાં. હિયરાપોલીસમાં લોકો મૂર્તિપૂજા કરતા હતા. લાઓદીકિયામાં લોકો માલ-મિલકત પાછળ પડેલા હતા. કોલોસીમાં લોકો ફિલોસોફી પાછળ પડેલા હતા. ભાઈ-બહેનો એવા લોકોથી ઘેરાયેલા હતા. (કોલોસી ૨:૮) એટલે કોલોસીના એપાફ્રાસે ભાઈ-બહેનો માટે દિલથી પ્રાર્થના કરી. જોકે એપાફ્રાસની પ્રાર્થનાનો શું જવાબ મળ્યો, એ બાઇબલ જણાવતું નથી. પણ તેમના દાખલાથી આપણે શીખીએ છીએ કે બીજાઓ માટે પ્રાર્થના કરવી જોઈએ. એમ કરીએ ત્યારે ધ્યાન રાખીએ કે ‘બીજા માણસોના કામમાં દખલ’ ન કરીએ. (૧ પીતર ૪:૧૫) જ્યારે સગાં-વહાલાં કે મિત્રોના વિશ્વાસની કસોટી થતી હોય ત્યારે તેઓ માટે પ્રાર્થના કરવી જોઈએ. પણ ખરેખર તેઓને મદદ મળશે? હા, જરૂર. બીજા ભાઈ-બહેનોએ પાઊલ માટે પ્રાર્થના કરી. તેમને મદદ મળી. આપણે પણ એકબીજા માટે દિલથી પ્રાર્થના કરવી જોઈએ.—૨ કોરીંથી ૧:૧૦, ૧૧.

૮. (ક) આપણે કેવી રીતે કહી શકીએ કે એફેસસના વડીલોએ પ્રાર્થના કરવાને એક આશીર્વાદ ગણ્યો? (ખ) આપણે તેઓની જેમ કેવી રીતે બની શકીએ?

એફેસસના વડીલો પાઊલને મળ્યા ત્યારે “તેણે ઘૂંટણે પડીને તેઓ સર્વેની સાથે પ્રાર્થના કરી. તેઓ સઘળા બહુ રડ્યા, અને પાઊલની કોટે વળગીને તેઓએ તેને ચુંબન કર્યું. તમે મારૂં મોં ફરી જોનાર નથી એ વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૬-૩૮) એ બધા વડીલોના નામ તો આપણને ખબર નથી. પણ તેઓએ પ્રાર્થના કરવાને એક આશીર્વાદ ગણ્યો. તેઓની જેમ આપણે પણ પ્રાર્થના કરવાને એક આશીર્વાદ ગણીએ. જ્યારે પણ તક મળે આપણે યહોવાહને પ્રાર્થના કરીએ. વિશ્વાસ રાખીએ કે પરમેશ્વર આપણી પ્રાર્થનાઓ જરૂર સાંભળશે.—૧ તીમોથી ૨:૮.

યહોવાહની આજ્ઞા પૂરેપૂરી પાળો

૯, ૧૦. (ક) સલોફહાદની દીકરીઓએ કેવો દાખલો બેસાડ્યો? (ખ) કુંવારા ભાઈ-બહેનો કેવી રીતે તેઓના જેવા બની શકે?

આપણે હંમેશાં વિચારીએ કે યહોવાહને શું ગમે છે ને શું નથી ગમતું. એમ કરવાથી તેમની આજ્ઞાઓ પાળીશું અને આશીર્વાદો મેળવીશું. (પુનર્નિયમ ૨૮:૧૩; ૧ શમૂએલ ૧૫:૨૨) ચાલો મુસાના જમાનાના સલોફહાદનો દાખલો લઈએ. તે મનાશ્શેહના કુળના હતા. તેમને પાંચ દીકરીઓ જ હતી. એ દુઃખની વાત હતી, કેમ કે ઈસ્રાએલી રિવાજ પ્રમાણે પિતાનો વારસો પુત્રને મળતો. યહોવાહે પાંચેય દીકરીઓને આજ્ઞા આપી કે તેઓ મનાશ્શેહના વંશજો સાથે લગ્‍ન કરે. પછી તેઓને પિતાનો વારસો મળશે અને એ વારસો મનાશ્શેહના કુળમાં જ રહેશે.—ગણના ૨૭:૧-૮; ૩૬:૬-૮.

૧૦ સલોફહાદની દીકરીઓ જાણતી હતી કે યહોવાહ જે કહે એ તેમના ભલા માટે જ હતું. એટલે, “યહોવાહે મુસાને આજ્ઞા કરી હતી તેમ જ સલોફહાદની દીકરીઓએ કર્યું. કેમ કે સલોફહાદની દીકરીઓ, માહલાહ, તિર્સાહ તથા હોગ્લાહ તથા મિલ્કાહ તથા નોઆહ, પોતાના કાકાના દીકરાઓની સાથે પરણી. તેઓ યુસફના દીકરા મનાશ્શેહના પુત્રોનાં કુટુંબોમાં પરણી, ને તેઓનો વારસો તેઓના બાપના કુટુંબના કુળમાં કાયમ રહ્યો.” (ગણના ૩૬:૧૦-૧૨; યહોશુઆ ૧૭:૩, ૪) એવી જ રીતે કુંવારા ભાઈ-બહેનો “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરે તો, તેઓ પણ ઈશ્વરની આજ્ઞા પાળે છે.—૧ કોરીંથી ૭:૩૯.

૧૧, ૧૨. કાલેબે કેવી રીતે યહોવાહમાં ભરોસો બતાવ્યો?

૧૧ ઈશ્વરભક્ત કાલેબે યહોવાહની આજ્ઞા પાળી. (પુનર્નિયમ ૧:૩૬) ઈસ્રાએલીઓ મિસરની ગુલામીમાંથી છૂટ્યા પછી, મુસાએ કનાન દેશમાં ૧૨ જાસૂસો મોકલ્યા. એમાંથી ફક્ત કાલેબ અને યહોશુઆએ જ યહોવાહમાં ભરોસો મૂક્યો. તેમણે લોકોને કહ્યું કે આપણે એ દેશમાં જઈએ. (ગણના ૧૪:૬-૯) એ પછીના લગભગ ચાળીશ વર્ષમાં યહોશુઆ અને કાલેબ સિવાય બીજા ૧૦ જાસૂસો અરણ્યમાં જ મરણ પામ્યા. ફક્ત કાલેબ અને યહોશુઆ જ યહોવાહને વફાદાર રહ્યા. અરે ઈસ્રાએલીઓને વચનના દેશમાં લઈ જવા માટે યહોવાહે યહોશુઆને આગેવાન બનાવ્યા.—ગણના ૧૪:૩૧-૩૪.

૧૨ કાલેબે યહોવાહનું કહ્યું માન્યું એટલે બચી ગયા. તેમણે યહોશુઆને કહ્યું: ‘હું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાહની આજ્ઞા પ્રમાણે વર્ત્યો.’ (યહોશુઆ ૧૪:૬-૯ વાંચો.) યહોવાહે વચન આપ્યું હતું એ મુજબ ૮૫ વર્ષના કાલેબને પર્વતોવાળો પ્રદેશ મળ્યો. એ મોટાં અને કોટવાળાં નગરો દુશ્મનોના હાથમાં હતાં.—યહોશુઆ ૧૪:૧૦-૧૫.

૧૩. કસોટીમાં પણ શું કરવાથી આપણને આશીર્વાદ મળશે?

૧૩ આખી જિંદગી કાલેબ યહોવાહને વફાદાર રહ્યા. જો કાલેબની જેમ ‘સંપૂર્ણ રીતે યહોવાહની આજ્ઞા પ્રમાણે વર્તીશું’ તો આપણા પર યહોવાહની કૃપા રહેશે. પણ જો યહોવાહની આજ્ઞા નહિ પાળીએ તો સુલેમાન જેવા બની જઈશું. સુલેમાન રાજા બન્યા ત્યારે તે યહોવાહનું કહ્યું કરતા હતા. પરંતુ પાછલી જિંદગીમાં તેમની પત્નીઓએ તેમનું મન જૂઠા દેવો તરફ વાળી દીધું. એટલે સુલેમાન ‘તેના બાપ દાઊદની જેમ સંપૂર્ણ રીતે યહોવાહની પાછળ ચાલ્યો નહિ.’ (૧ રાજાઓ ૧૧:૪-૬) આપણે તેના જેવા ન બનીએ. પણ હંમેશાં વિચારીએ કે યહોવાહને શું ગમે છે, ને શું નથી ગમતું. તેમને જે ગમે એ જ કરીને, તેમની આજ્ઞાઓ પાળીએ.

હંમેશાં યહોવાહ પર ભરોસો રાખો

૧૪, ૧૫. નાઓમીના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૪ જ્યારે આપણે નિરાશ હોઈએ અને કોઈ રસ્તો ના દેખાતો હોય ત્યારે પણ યહોવાહ પર ભરોસો રાખીએ. નાઓમીનો દાખલો લઈએ. તેમના પતિ અને બે દીકરાઓ મૃત્યુ પામ્યાં હતાં. તે મોઆબથી યહુદાહ પાછા ફરતા શોક કરે છે: “મને નાઓમી એટલે મીઠી ન કહો, મને તો મારા એટલે કડવી કહો; કેમ કે સર્વસમર્થે મારા પર ઘણી સખતાઈ ગુજારી છે. અહીંથી હું ભરપૂરપણે નીકળી હતી, પણ યહોવાહ મને ખાલી સ્વદેશમાં પાછી લાવ્યો છે; યહોવાહે મારી વિરૂદ્ધ સાક્ષી પૂરી છે, ને સર્વસમર્થે મને વિપત્તિમાં આણી છે, તો તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો?”—રૂથ ૧:૨૦, ૨૧.

૧૫ નાઓમીના દુઃખનો કોઈ પાર ન હતો. છતાં રૂથનું પુસ્તક વાંચવાથી જોવા મળે છે કે તેમને હજુયે યહોવાહ પર ભરોસો હતો. એટલે તેમના જીવનમાં સુખનો સૂરજ ઊગ્યો. તેમની વિધવા વહુ રૂથે બોઆઝ સાથે લગ્‍ન કર્યા. તેઓને દીકરો થયો. નાઓમીએ બાળકની સંભાળ રાખી. બાઇબલ જણાવે છે કે ‘નાઓમીને છોકરો અવતર્યો છે એમ કહીને તેની પડોશણોએ તેનું નામ ઓબેદ પાડ્યું; તે દાઊદના બાપ યિશાઈના પિતા હતા.’ (રૂથ ૪:૧૪-૧૭) દાઊદ ઓબેદના વંશમાંથી આવ્યા. દાઊદના વંશમાંથી મસીહા ઈસુ આવ્યા. નાઓમી સજીવન થશે ત્યારે તેમને એ જાણવા મળશે. તેમના માટે એ કેટલો મોટો આશીર્વાદ! (માત્થી ૧:૫, ૬, ૧૬) નાઓમીના દાખલા પરથી શીખવા મળે છે કે જીવન પલભરમાં બદલાઈ શકે છે. એટલે ચાલો ‘ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખીએ, અને પોતાની જ અક્કલ પર આધાર ન રાખીએ. સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકારીએ, એટલે તે આપણા રસ્તાઓ સીધા કરશે.’—નીતિવચનો ૩:૫, ૬.

યહોવાહની શક્તિ પર આધાર રાખો

૧૬. ઈસ્રાએલના વડીલોને યહોવાહે પોતાની શક્તિથી કેવી રીતે મદદ કરી?

૧૬ યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખીશું તો તે પોતાની શક્તિથી આપણને માર્ગદર્શન આપશે. (ગલાતી ૫:૧૬-૧૮) મુસાએ ઈસ્રાએલી લોકોની આગેવાની લીધી. તેમને મદદની જરૂર હતી. તેથી યહોવાહની પવિત્ર શક્તિની મદદથી ૭૦ વડીલોને પસંદ કરવામાં આવ્યા. એ બધા જ વડીલોને યહોવાહમાં પૂરી શ્રદ્ધા હતી. છતાં બાઇબલમાં એલ્દાદ અને મેદાદના જ નામો જણાવવામાં આવ્યાં છે. પણ તેમની જવાબદારી પૂરી કરવા બધા વડીલોને યહોવાહે મદદ કરી. (ગણના ૧૧:૧૩-૨૯) બધા વડીલો હોશિયાર હતા. પ્રામાણિક હતા. યહોવાહની દિલથી ભક્તિ કરતા હતા. (નિર્ગમન ૧૮:૨૧) આજના વડીલો તેમના જેવા જ ગુણો બતાવે છે.

૧૭. મુલાકાત મંડપના બાંધકામ વખતે યહોવાહે કેવી મદદ પૂરી પાડી?

૧૭ અરણ્યમાં મુલાકાત મંડપ બનાવનારાને પણ યહોવાહે બહુ જ મદદ કરી. યહોવાહે બસાલએલને મુલાકાત મંડપના બાંધકામમાં આગેવાન બનાવ્યો. તેને વચન આપ્યું કે ‘બુદ્ધિ, સમજણ, જ્ઞાન અને સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતમાં મેં તેને મારી શક્તિથી ભરપૂર કર્યો છે.’ (નિર્ગમન ૩૧:૩-૫) યહોવાહે અમુક માણસોને બુદ્ધિ અને સમજણ આપી, જેથી બસાલએલ અને તેના સાથીદાર આહોલીઆબને મુલાકાત મંડપનું કામ પૂરું કરવા મદદ કરી શકે. સાથે જ યહોવાહે લોકોને ઉત્તેજન આપ્યું જેથી જેના મનમાં આપવાની ઇચ્છા હોય એ આપે. (નિર્ગમન ૩૧:૬; ૩૫:૫, ૩૦-૩૪) આજે પણ એ જ શક્તિ આપણને ઈશ્વરની ભક્તિ જીવનમાં પહેલી રાખવા મદદ કરે છે. (માત્થી ૬:૩૩) એનાથી યહોવાહની ઇચ્છા આપણે સારી રીતે પૂરી કરી શકીશું. ભલે આપણામાં અમુક આવડત હોય, તોપણ યહોવાહની મદદ માંગીએ.—લુક ૧૧:૧૩.

યહોવાહને હંમેશાં માન આપો

૧૮, ૧૯. (ક) પવિત્ર શક્તિ આપણને શું કરવા મદદ કરે છે? (ખ) શિમઓન અને આન્‍નાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૮ યહોવાહને માન આપવા પવિત્ર શક્તિ આપણને મદદ કરે છે. યહોવાહના ભક્તોએ કહ્યું, “સૈન્યોના દેવ યહોવાહને પવિત્ર માનો.” (યશાયાહ ૮:૧૩) પહેલી સદીના શિમઓન અને આન્‍નાનો વિચાર કરો. તેઓએ પરમેશ્વરને માન આપ્યું. (લુક ૨:૨૫-૩૮ વાંચો.) શિમઓન ‘ઈસ્રાએલના દિલાસાની વાટ જોતા હતા.’ એટલે તેમણે મસીહાના આવવા વિષેની ભવિષ્યવાણીમાં વિશ્વાસ કર્યો. પરમેશ્વરની પવિત્ર શક્તિ દ્વારા તેમને ભરોસો અપાવ્યો કે મસીહને જોયા પહેલાં તે મરશે નહિ. ઈસવીસન પૂર્વે બીજા વર્ષમાં યુસફ અને મરિયમ નાનકડા ઈસુને મંદિરમાં લઈ આવ્યા. ત્યારે શિમઓને મસીહા ઈસુને પોતાના ખોળામાં લીધા. શિમઓન યહોવાહની શક્તિથી ભરપૂર થયા અને વાતવાતમાં ઈસુ વિષે ભવિષ્યવાણી કહેવા લાગ્યા. પછી કહ્યું કે સમય જતાં મરિયમને દુઃખ થશે. એ શબ્દો સાચા પડ્યા જ્યારે ઈસુ વધસ્તંભે જડાયા અને મરણ પામ્યા. આ બનાવ પરથી આપણને શીખવા મળે છે કે શિમઓને આખી જિંદગી યહોવાહને આદર આપ્યો અને વિશ્વાસ બતાવ્યો. આપણા માટે કેટલો સરસ દાખલો!

૧૯ ચોર્યાસી વર્ષનાં વિધવા આન્‍નાનો વિચાર કરો. તેમણે આખી જિંદગી યહોવાહને માન આપ્યું. ‘તે મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત યહોવાહની ભક્તિ કર્યા કરતા.’ જ્યારે નાનકડા ઈસુને મંદિરમાં લાવવામાં આવ્યા ત્યારે આન્‍ના પણ ત્યાં જ હતાં. તેમણે “પ્રભુની સ્તુતિ કરી, ને જેઓ યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી.” તેમણે આ ખુશીનો સંદેશો બીજાઓને જણાવ્યો. તેમને આ ખુશીનો સંદેશો બીજાઓને જણાવવાનો આશીર્વાદ મળ્યો! આન્‍ના અને શિમઓનની જેમ ભલે ભાઈ-બહેનો વૃદ્ધ થયા હોય છતાં પરમેશ્વરની ભક્તિ કરે છે.

૨૦. આપણે દરેકે શું કરવું જોઈએ? કેમ એમ કરતા રહેવું જોઈએ?

૨૦ આપણે જે કંઈ કરીએ એમાં યહોવાહને શું ગમે છે, શું નથી ગમતું એનો વિચાર કરીએ. તેમનામાં પૂરો ભરોસો રાખીએ. પ્રચારમાં બીજાઓને જણાવીએ કે યહોવાહ વિશ્વના માલિક છે. તેમણે કરેલા સર્જન વિષે જણાવીએ. પછી આપણા પર તેમના આશીર્વાદોનો પાર નહિ રહે. (ગીતશાસ્ત્ર ૭૧:૧૭, ૧૮; ૧૪૫:૧૦-૧૩) આપણે પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરવા બીજું શું કરવું જોઈએ? તેમના જેવા ગુણો કેળવવા જોઈએ. ચાલો જોઈએ કે એવા ગુણો કેળવવા બાઇબલના બીજા બનાવો આપણને કેવી રીતે મદદ કરે છે. (w08 2/15)

તમે કેવો જવાબ આપશો?

• શા માટે ભરોસો રાખી શકીએ કે યહોવાહ આપણી પ્રાર્થના સાંભળે છે?

• યહોવાહની આજ્ઞા કેમ પાળવી જોઈએ?

• શા માટે નિરાશ હોઈએ ત્યારે પણ યહોવાહમાં ભરોસો રાખવો જોઈએ?

• પરમેશ્વરની શક્તિ તેમના ભક્તોને કેવી રીતે મદદ કરે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૧ પર ચિત્રો]

નાઓમીના જીવનમાં થયેલા ફેરફારો આપણને યહોવાહમાં ભરોસો મૂકવા મદદ કરે છે