સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની સલાહથી લગ્‍નજીવન સુખી થાય છે

ઈશ્વરની સલાહથી લગ્‍નજીવન સુખી થાય છે

ઈશ્વરની સલાહથી લગ્‍નજીવન સુખી થાય છે

“જ્ઞાન વડે ઘર બંધાય છે; બુદ્ધિ વડે તે સ્થિર થાય છે.”—નીતિવચનો ૨૪:૩.

૧. યહોવાહ શું ચાહતા હતા?

 આપણા પ્રેમાળ પિતા ઈશ્વરના જ્ઞાનનો કોઈ પાર નથી. તે જાણે છે કે આપણા માટે સારું શું ને ખરાબ શું. તેથી એદન બાગમાં આદમ એકલો જ હતો ત્યારે, યહોવાહે કહ્યું કે “માણસ એકલો રહે તે સારું નથી.” તે ચાહતા હતા કે પોતાનો મકસદ પૂરો થાય માટે માણસ લગ્‍ન કરીને ‘પૃથ્વીને ભરપૂર કરે.’—ઉત્પત્તિ ૧:૨૮; ૨:૧૮.

૨. યહોવાહે આદમ ને હવા બનાવ્યા ત્યારે શું કર્યું?

યહોવાહનો મકસદ પૂરો થાય માટે તેમણે કહ્યું ‘હું તેને યોગ્ય એવી એક સહાયકારી બનાવીશ.’ યહોવાહે આદમને ભર ઊંઘમાં નાખ્યો. તેના શરીરની એક પાંસળીમાંથી સ્ત્રીને બનાવી. આદમે એ સ્ત્રી, હવાને જોઈને કહ્યું: “આ મારાં હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે; તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે.” યહોવાહે, આદમ અને હવાને બનાવ્યા. તેમણે પોતાના ગુણો તેઓમાં મૂક્યા હતા. તેઓના લગ્‍ન કરાવ્યાં. શા માટે? એનાથી તેઓ એકબીજાને સાથ આપી શકે. મદદ કરી શકે.—ઉત્પત્તિ ૧:૨૭; ૨:૨૧-૨૩.

૩. આજે ઘણા લોકો લગ્‍નને કેવું ગણે છે? કેવા પ્રશ્નો ઊભાં થાય છે?

ઈશ્વરે લગ્‍નની સુંદર ભેટ આપી છે એને ઘણા લોકો ગણકારતા નથી. તેઓ પોતાની રીતે જીવવા માગે છે. તેઓ લગ્‍નને ઓલ્ડ-ફૅશન ગણે છે. અને જેઓ લગ્‍ન કરે છે તેઓમાં છૂટાછેડા આપવા સામાન્ય વાત છે. ઘણા મા-બાપ શાંતિ અને એકતા જાળવવા માટે પણ સાથે રહેવા રાજી નથી. એટલે ઘણા બાળકોને માબાપનો પ્રેમ મળતો નથી. અરે ઘણી વાર તો માતા કે પિતા બાળકોને સાથે રાખીને પૈસા કે માલમિલકત પડાવે છે. (૨ તીમોથી ૩:૩) તો પછી આ મુશ્કેલીના સમયમાં કેવી રીતે લગ્‍ન જીવનમાં આનંદ જાળવી શકીએ? યહોવાહની સલાહ પાળવાથી કેવી રીતે લગ્‍ન બંધનને અતૂટ રાખી શકીએ? આજે લગ્‍ન જીવનથી ખુશ છે તેઓ પાસેથી શું શીખી શકીએ?

યહોવાહની સલાહ દિલથી પાળીએ

૪. (ક) લગ્‍ન વિષે પાઊલે શું સલાહ આપી? (ખ) આપણે કેવી રીતે પાઊલની સલાહ માનવી જોઈએ?

પ્રેરિત પાઊલે, વિધવાઓને બાઇબલમાંથી સલાહ આપી કે, તેઓ લગ્‍ન કરવા ચાહે તો ફક્ત “પ્રભુમાં” લગ્‍ન કરે. એટલે કે યહોવાહના ભક્ત સાથે જ લગ્‍ન કરે. (૧ કોરીંથી ૭:૩૯) યહુદીમાંથી ખ્રિસ્તી બન્યા તેઓ આ નિયમ જાણતા હતા. વર્ષો પહેલા યહોવાહે, ઈસ્રાએલીઓને નિયમ આપ્યો હતો કે તેઓએ આજુ-બાજુના દેશો સાથે “લગ્‍નવ્યવહાર રાખવો નહિ.” કેમ કે એ દેશો યહોવાહને ભજતા ન હતા. ઈસ્રાએલીઓ ન સાંભળે તો, તેઓના કેવા હાલ થશે એ પણ યહોવાહે જણાવ્યું. ‘આજુ-બાજુના દેશોના લોકો તારા દીકરાને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, અને તેઓ બીજા દેવદેવીઓની ભક્તિ કરવા લાગશે. એનાથી હું તમારા પર કોપાયમાન થઈશ, ને હું જલદી તમારો નાશ કરીશ.’ (પુનર્નિયમ ૭:૩, ૪) લગ્‍નસાથીની પસંદગી કરીએ ત્યારે યહોવાહ આપણી પાસેથી શું ઇચ્છે છે? આપણે એવા લગ્‍નસાથીને પસંદ કરીએ, જેણે સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું હોય.

૫. લગ્‍નમાં આપેલાં વચનોને યહોવાહ કેવા ગણે છે? આપણે પણ કેવા ગણીએ છીએ?

લગ્‍ન વખતે આપેલાં વચનોને ઈશ્વર ખૂબ કીમતી ગણે છે. ઈસુએ પણ લગ્‍ન વિષે કહ્યું: ‘ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’ (માત્થી ૧૯:૬) આ વચનો પાળવા કેટલા જરૂરી છે એ વિષે ગીત રચનાર કહે છે: “તમે સ્તુતિરૂપી અર્પણ ચડાવો, અને સર્વોચ્ચ ઈશ્વરને આપેલાં તમારાં વચનો પૂર્ણ કરો.” (ગીતશાસ્ત્ર ૫૦:૧૪, કોમન લેંગ્વેજ) લગ્‍નમાં આપેલાં વચનોથી ઘણી જવાબદારી આવે છે. એ વચનો મન ને દિલમાં ઉતારીશું તો, એને સારી રીતે નિભાવી શકીશું.—પુનર્નિયમ ૨૩:૨૧.

૬. યિફતાહ પાસેથી આપણે શું શીખી શકીએ?

ઈ.સ. પૂર્વે ૧૨મી સદીમાં થઈ ગયેલા યિફતાહની વાત કરીએ. તે ઈસ્રાએલમાં ન્યાયાધીશ હતા. તેમણે યહોવાહને વચન આપ્યું હતું: “જો તું આમ્મોનપુત્રોને મારા હાથમાં જરૂર સોંપે, તો હું સલાહ કરીને આમ્મોનપુત્રો પાસેથી શાંતિએ પાછો આવું ત્યારે એમ થશે કે મને મળવા સારૂ જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાહનું થાય, અને હું તેનું દહનીયાર્પણ કરીશ.” જ્યારે યિફતાહ પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે તેમની એકની એક દીકરી તેમને મળવા આવે છે. આ જોઈને તેમનું દિલ ચિરાઈ ગયું. પણ શું યિફતાહે પોતાનું વચન તોડ્યું? ના. તેમણે કહ્યું કે “યહોવાહની આગળ મેં મારું મુખ ઉઘાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહિ.” (ન્યાયાધીશો ૧૧:૩૦, ૩૧, ૩૫) યિફતાહે પોતાનું વચન પાળ્યું. તેમની એકની એક દીકરી યહોવાહની ભક્તિ માટે કુંવારી રહી. એટલે યિફતાહનો વંશ આગળ વધારવા કોઈ જ ન હતું. યિફતાહ પાસેથી આપણે શું શીખી શકીએ? વચન પાળવા મહત્ત્વના છે. એટલે લગ્‍નમાં આપેલાં વચનો પાળવા પણ ખૂબ મહત્ત્વનાં છે.

સફળ લગ્‍નજીવનની ચાવી

૭. લગ્‍ન પછી જીવનમાં કેવા ફેરફાર કરવા પડે?

ઘણાં યુગલો પોતાના લગ્‍ન પહેલાંના દિવસો યાદ કરે છે. તેઓ માટે એ દિવસો ગુલાબી હતા. તેઓ એકબીજાને મળતા, ઘણી બધી વાતો કરતા. એકબીજાને જાણવાની કોશિશ કરતા. જોકે યુગલે લવ મૅરેજ કર્યા હોય કે પછી ઘરવાળાએ તેઓનું લગ્‍ન કરાવ્યું હોય, પણ લગ્‍ન પછી જીવનમાં ફેરફાર કરવા જ પડે. એક પતિ કહે છે: ‘શરૂઆતમાં અમે કુંવારા નથી એ યાદ રાખવાનું હતું. બધી બાબતોમાં સાથીનો પણ વિચાર કરવાનો હતો. પણ એ સહેલું ન હતું. મિત્રો અને સગાં સાથે સમય કાઢવો મુશ્કેલ હતો. એટલે સંબંધ જાળવી રાખવામાં પણ મુશ્કેલી પડી.’ બીજા એક પતિ કહે છે છેલ્લા ૩૦ વર્ષથી તેમનું લગ્‍ન જીવન સુખી છે. તેમને લગ્‍નની શરૂઆતથી જ લાગ્યું કે હવે પોતાના માટે જ નહીં પણ ‘બન્‍ને માટે વિચારવું પડશે.’ કોઈ પણ આમંત્રણ સ્વીકારતા પહેલાં કે કોઈને વચન આપતા પહેલાં તે પત્ની સાથે વાત કરે છે. કોઈ પણ બાબતમાં બન્‍ને સહમત થાય પછી જ નિર્ણય લે છે.—નીતિવચનો ૧૩:૧૦.

૮, ૯. (ક) શા માટે પતિ-પત્નીએ દિલ ખોલીને વાત કરવી જરૂરી છે? (ખ) પતિ-પત્નીએ યહોવાહની ભક્તિમાં વધારો કરવા શું કરવું પડશે?

અમુક વખતે બે અલગ દેશ કે ભાષાના લોકો લગ્‍ન બંધનમાં જોડાય છે. એ કિસ્સામાં પતિ-પત્ની દિલ ખોલીને વાત કરે એ જરૂરી છે. સાથીને સમજવું પણ ખૂબ જરૂરી છે. લગ્‍નસાથી સગાંઓ સાથે વાત કરે અને જે રીતે વર્તે છે એનાથી સાથીને સમજવામાં મદદ મળશે. (નીતિવચનો ૧૬:૨૪; કોલોસી ૪:૬) સુખી લગ્‍ન જીવન માટે સાથીને સમજવું ખૂબ જરૂરી છે.—નીતિવચનો ૨૪:૩ વાંચો.

લગ્‍ન પહેલાં કદાચ વ્યક્તિ રમત-ગમત કે બીજા મનોરંજનમાં ઘણો સમય પસાર કરતી હોય. પણ લગ્‍ન પછી એવી બાબતોમાં વ્યક્તિએ ઓછો સમય આપવો જોઈએ. (૧ તીમોથી ૪:૮) મિત્રો અને સગાંઓને પણ ઓછો સમય આપે તો સારું. કેમ કે પતિ-પત્નીએ સાથે બાઇબલ વાંચવા ને ફૅમિલી સ્ટડી માટે ટાઇમ કાઢવો પડશે. તેઓએ જીવનમાં ફેરફારો કરવો પડશે જેથી સાથે મળીને યહોવાહની ભક્તિમાં વધારો કરી શકે.—માત્થી ૬:૩૩.

૧૦. પતિ-પત્નીની પહેલી જવાબદારી શું છે? માબાપે શું સમજવું જોઈએ?

૧૦ અમુક દેશોમાં સ્ત્રી લગ્‍ન કરે ત્યારે તે મા-બાપને છોડીને સાસરીમાં જાય છે. બહુ ઓછા કિસ્સામાં પતિ, ઘર-જમાઈ બને છે. અમુક કિસ્સામાં પતિ-પત્ની માબાપથી અલગ રહીને ઘર-સંસાર માંડે છે. ગમે તે હોય, પતિ-પત્નીએ એક બીજાના માતા-પિતા માટે અમુક સમય કાઢવો જોઈએ. પણ કેટલો સમય કાઢવો જોઈએ? (ઉત્પત્તિ ૨:૨૪ વાંચો.) એના વિષે ચાલો લગ્‍નના ૨૫ વર્ષ પૂરા કરેલા એક પતિનો વિચાર લઈએ. તે કહે છે કે ‘ઘણી વાર માતા-પિતા, સાસુ-સસરા અને સગાંઓની સંભાળ રાખવા સમય જોઈએ. પણ કેટલો સમય આપવો એ વિષે ઉત્પત્તિ ૨:૨૪માંથી મને ઘણી મદદ મળી. એમાંથી મને શીખવા મળ્યું કે મારી પહેલી જવાબદારી પત્નીની સંભાળ રાખવાની છે.’ પતિ-પત્નીની પહેલી જવાબદારી છે કે તેઓ એકબીજાની સંભાળ રાખે. તેઓના માબાપે એ સિદ્ધાંત દિલમાં ઉતારવો જોઈએ. માબાપે સમજવું જોઈએ કે હવે નવા યુગલમાં પતિની જવાબદારી કુટુંબની સંભાળ રાખવાની છે.

૧૧, ૧૨. પતિ-પત્ની માટે ફૅમિલી સ્ટડી અને પ્રાર્થના કરવી કેમ જરૂરી છે?

૧૧ નિયમિત ફૅમિલી સ્ટડી કરવી ખૂબ જરૂરી છે. ઘણા કુટુંબોને એમ કરવાથી ઘણા આશીર્વાદો મળ્યા છે. પણ સ્ટડી શરૂ કરવી અને એને ચાલુ રાખવી સહેલી નથી. એક પતિ કહે છે. ‘કાશ અમે લગ્‍નની શરૂઆત જ ફૅમિલી સ્ટડી નિયમિત રાખી હોત. જોકે હમણાં અમે નિયમિત સ્ટડી કરીએ છીએ. અમને સ્ટડી કરતા કોઈ નવો મુદ્દો મળે ત્યારે, મારી પત્ની ઘણી ખુશ થાય છે. તેને ખુશ જોઈને મને પણ ખુશી મળે છે.’

૧૨ પતિ-પત્ની સાથે પ્રાર્થના કરવી જોઈએ. (રૂમી ૧૨:૧૨) એનાથી તેઓ યહોવાહને વધારે ઓળખશે. તેઓનું લગ્‍ન બંધન ગાઢ થશે. (યાકૂબ ૪:૮) એક પતિ જણાવે છે: ‘પતિ-પત્નીમાં નાની ભૂલ થાય તોપણ તરત માફી માંગો. સાથે પ્રાર્થના કરો ત્યારે પણ યહોવાહ પાસે માફી માંગો. આ રીતે તમે દિલથી પસ્તાવો કરો છો.’—એફેસી ૬:૧૮.

લગ્‍નસાથીને માન આપો

૧૩. પાઊલે પતિ-પત્નીને જાતીય સંબંધ વિષે શું સલાહ આપી?

૧૩ આજે દુનિયાના ઘણા લોકો સેક્સ પાછળ ગાંડા છે. જેમ કે, ઑરલ સેક્સ કે એના જેવા ખોટા કામો. પણ આપણે એવી બાબતોથી દૂર રહેવું જોઈએ. કેમ કે એ લગ્‍ન સંબંધને ખોખલો બનાવે છે. આ વિષે પાઊલે લખ્યું: “પતિએ પત્નીની જાતીય જરૂરિયાત સંતોષવી જોઈએ. તેવી જ રીતે પત્નીએ પતિની જાતીય જરૂરિયાત સંતોષવી જોઈએ. એમ બંનેએ એકબીજા પ્રત્યેની ફરજ અદા કરવી જોઈએ. પત્નીના શરીરનો માલિક પતિ છે, પત્ની નહિ એજ પ્રમાણે પતિના શરીરની માલિક પત્ની છે, પતિ નહિ. તેથી જાતીય સંબંધ માટે એકબીજાને ના પાડશો નહિ, સિવાય કે એકબીજાની સંમતિ હોય અને તે પણ અમુક સમય પ્રાર્થનામાં ગાળવા માટે જ. પણ, ત્યાર પછી, શેતાન તમને પરીક્ષણમાં નાખી ન દે માટે તમારો સ્વાભાવિક જાતીય સંબંધ ફરીથી ચાલુ કરો.” (૧ કોરીંથી ૭:૩-૫, પ્રેમસંદેશ) આ કલમમાં પાઊલે કહ્યું કે લગ્‍નમાં જાતીય સંબંધ બાંધવા જરૂરી છે. પતિ-પત્નીની જવાબદારી છે કે એકબીજાને જાતીય સંબંધમાં સંતોષ આપે. તેમ જ, તેઓએ એકબીજાની લાગણીને સમજવી જોઈએ.

૧૪. જાતીય સંબંધની બાબતમાં પતિ-પત્ની કઈ રીતે બાઇબલના સિદ્ધાંતો પાળી શકે?

૧૪ પતિ-પત્નીએ જાતીય સંબંધ વિષે ખુલ્લા દિલે વાત કરવી જોઈએ. એનાથી તેઓ એકબીજાને માન આપશે, લાગણીઓને સમજી શકશે. (ફિલિપી ૨:૩, ૪ વાંચો; વધુ માહિતી: માત્થી ૭:૧૨) પણ બેમાંથી કોઈ એક જ યહોવાહનો ભક્ત હોય અને તેઓ દિલ ખોલીને વાત ન કરે ત્યારે મોટે ભાગે મુશ્કેલીઓ આવે છે. એ વખતે સત્યમાં છે તે પોતાના સારા વાણી-વર્તનથી બાબતોને સુધારી શકે છે. (૧ પીતર ૩:૧, ૨ વાંચો.) યહોવાહ અને સાથી માટે પ્રેમ હશે, તો જાતીય સંબંધમાં પતિ-પત્ની એકબીજાને માન આપશે અને મુશ્કેલીઓ નહિ હોય.

૧૫. લગ્‍ન સાથીએ કેમ એકબીજાને માન આપવું જોઈએ?

૧૫ નમ્ર પતિ પોતાની પત્નીને માન આપશે. જેમ કે તે પત્નીની નાની-મોટી દરેક બાબતોમાં તેની લાગણીનું ધ્યાન રાખશે. લગ્‍નના ૪૭ વર્ષ પછી પણ એક પતિ કહે છે કે ‘હજુ પણ મારી પત્નીની લાગણીઓને સમજવાના મારા પ્રયત્ન ચાલુ જ છે.’ પત્નીઓને આગ્રહ કરવામાં આવે છે કે તે પોતાના પતિને ઊંડું માન આપે. (એફેસી ૫:૩૩) જો પત્ની લોકો વચ્ચે પતિની ભૂલોનો ઢંઢેરો પીટે તો, શું પત્ની પોતાના પતિનું માન રાખી રહી છે? નીતિવચનો ૧૪:૧ પત્નીને સલાહ આપે છે, “દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે; પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે.”

શેતાન સામે હાર ન માનો

૧૬. એક યુગલે કેવી રીતે એફેસી ૪:૨૬, ૨૭ને પોતાના જીવનમાં લાગુ પાડી?

૧૬ ‘ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને તક ન આપો.’ (એફેસી ૪:૨૬, ૨૭) પતિ-પત્નીએ આ સલાહ લાગુ પાડવી જોઈએ. કેમ કે ઝઘડો ઊભો થાય ત્યારે એ સલાહથી શાંતિ લાવી શકાય છે. એક યુગલે લગ્‍નની શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે ઝઘડાનો હલ એ જ દિવસે લાવવો. એ બહેન જણાવે છે, ‘અમારામાં ઝઘડો થાય ત્યારે અમે એ જ દિવસે વાત કરીને એનો ઉકેલ લાવતા. અમે નક્કી કર્યું હતું કે હંમેશાં એકબીજાને માફ કરીશું. એ વાતને ભૂલી જઈશું.’ આમ તેઓ શેતાનને જરા પણ તક આપતા નથી.

૧૭. એવું લાગે કે સાથી યોગ્ય નથી તો, શું યાદ રાખવું જોઈએ?

૧૭ પણ લગ્‍ન પછી લાગે કે હવે મઝા રહી નથી, રોમાન્સ રહ્યો નથી. એવું પણ લાગે કે સાથી યોગ્ય નથી. એવા સમયે યાદ રાખો કે ઈશ્વર લગ્‍નને કેવું ગણે છે. બાઇબલ જણાવે છે: “સર્વમાં લગ્‍ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે; કેમકે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.” (હેબ્રી ૧૩:૪) “ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી.” (સભાશિક્ષક ૪:૧૨) યહોવાહે લગ્‍ન બંધન શરૂ કર્યું છે. લગ્‍નમાં લીધેલા વચનને યહોવાહ બહુ કિંમતી ગણે છે. પતિ-પત્ની એ યાદ રાખે તો, તેઓ સાથે રહી શકશે. તેઓના સંબંધ ગાઢ થશે. આમ તેઓ યહોવાહનું નામ રોશન કરશે.—૧ પીતર ૩:૧૧.

૧૮. લગ્‍ન જીવનમાં સુખ મેળવવા શું કરવું જોઈએ?

૧૮ આજે આખી દુનિયાના યહોવાહના સાક્ષીઓના મંડળમાં ઘણા યુગલો છે. તેઓનું લગ્‍ન જીવન સુખી છે. કેમ કે તેઓ લગ્‍ન વિષે બાઇબલમાં આપેલી સલાહ પ્રમાણે જીવે છે. તમે પણ એમ કરશો તો તમારું લગ્‍ન જીવન સુખી થશે. (w08 3/15)

તમે કેવો જવાબ આપશો?

• શું લગ્‍નમાં સુખ મેળવી શકાય?

• લગ્‍ન જીવન સફળ બનાવવા શું મદદ કરી શકે?

• લગ્‍ન સાથીએ કેવા ગુણો કેળવવા જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

કોઈ આમંત્રણ સ્વીકારતા પહેલાં કે કોઈને વચન આપતાં પહેલાં પતિ-પત્નીએ વાત કરવી જોઈએ