સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નમ્ર બનીને એકબીજાનો વિચાર કરીએ

નમ્ર બનીને એકબીજાનો વિચાર કરીએ

નમ્ર બનીને એકબીજાનો વિચાર કરીએ

‘તેઓના સ્મરણમાં લાવ કે સર્વ માણસોની સાથે નમ્ર રહીને વર્તે.’—તીતસ ૩:૧, ૨.

૧, ૨. બાઇબલ આપણને કેવી સલાહ આપે છે? અને શા માટે એ માનવી જોઈએ?

 ઈશ્વરના જ્ઞાનનો કોઈ પાર નથી. આપણે તેમના બાળકો છીએ. એટલે તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૪૮:૧૪) બાઇબલ જણાવે છે કે “જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારૂં, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.”—યાકૂબ ૩:૧૭.

બાઇબલ એમ પણ જણાવે છે કે “તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે.” * (ફિલિપી ૪:૫) ઈસુને મંડળ પર અધિકાર આપવામાં આવ્યો છે. (એફેસી ૫:૨૩) એટલે આપણે તેમને માન આપવું જોઈએ. તેમ જ, બીજાઓ સાથે નમ્ર બનવું જોઈએ.

૩, ૪. (ક) બીજાનો વિચાર કરવાથી શું આપણને ફાયદો થાય છે? દાખલાથી સમજાવો. (ખ) આપણે આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આપણે અમુક સંજોગોમાં બીજાનો વિચાર કરીએ ને જતું કરવાની ભાવના બતાવીએ તો ફાયદો થશે. ચાલો બે દાખલા લઈએ. આતંકવાદીઓ હુમલો કરવાના છે એની જાણ થઈ ત્યારે, બ્રિટનની સરકારે નવા કાયદા બહાર પાડ્યા. એમાં જણાવ્યું કે પેસેન્જરોએ વિમાનમાં શું ન લઈ જવું. પેસેન્જરોએ પોતાની ને બીજાની સુરક્ષા ધ્યાનમાં રાખીને નવા કાયદા અપનાવ્યાં અને ઘણું બધું જતું કર્યું. બીજો દાખલો લઈએ. આપણે ગાડી ચલાવીએ ત્યારે બીજાઓનું પણ ધ્યાન રાખીએ છીએ. ચાર રસ્તા કે સર્કલે આપણે બીજાને પહેલાં જવા દઈએ છીએ. એનાથી આપણી અને બીજાની પણ સુરક્ષા થાય છે. આ બંને કિસ્સામાં આપણે બીજાનો વિચાર કરીને જતું કરીએ છીએ.

હર વખત બીજાનો વિચાર કરવો સહેલું નથી. તોપણ શા માટે જતું કરવું જોઈએ? આપણે શા માટે યહોવાહનું માનવું જોઈએ, વડીલોનું માનવું જોઈએ? બીજા કોનું માનવું જોઈએ? કઈ હદ સુધી સરકારને આધીન રહેવું જોઈએ? આપણે લેખમાં આ સવાલો પર ચર્ચા કરીશું.

શા માટે જતું કરવું જોઈએ

૫. શા માટે ગુલામ માલિક સાથે રહેવા ચાહે છે?

યહોવાહે મુસાને નિયમ આપ્યો હતો. એ નિયમ પ્રમાણે કોઈ પણ યહુદી ગુલામને એના માલિક પાસેથી સાતમે વર્ષે અથવા જુબિલી વર્ષે આઝાદી મળતી. પણ જો ચાકરને લાગે કે મારો માલિક સારો છે. મારે ક્યાંય જવું નથી, માલિક સાથે જ રહેવું છે, તો એ રહી શકતો. (નિર્ગમન ૨૧:૫, ૬ વાંચો.) અહીં ચાકરનો માલિક માટે પ્રેમ જોવા મળે છે. આપણે પણ એવો પ્રેમ બતાવીશું તો, અનેક સંજોગોમાં નમ્ર રહેવા મદદ મળશે.

૬. યહોવાહ અને લોકો માટેનો પ્રેમ શું કરવા પ્રેરે છે?

આપણે પણ આપણા માલિક યહોવાહને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. એટલે આપણે બાપ્તિસ્મા પામીએ છીએ. આખી જિંદગી યહોવાહની ભક્તિ કરીએ છીએ. (રૂમી ૧૪:૭, ૮) આ સાચા પ્રેમનું બંધન કદીએ તૂટતું નથી. પ્રેમને લીધે ‘આપણે દેવની આજ્ઞાઓ પાળીએ છીએ, અને તેની કોઈ આજ્ઞા આપણને ભારે લાગતી નથી.’ (૧ યોહાન ૫:૩) આપણે કોઈ સ્વાર્થ વિના યહોવાહ અને એકબીજાને પણ પ્રેમ બતાવીએ છીએ. આમ કરવાથી આપણને એકબીજા સાથે હળીમળીને રહેવા મદદ મળે છે.—૧ કોરીંથી ૧૩:૪, ૫; ફિલિપી ૨:૨, ૩.

૭. પ્રચારમાં કેવી રીતે સામેવાળાનો વિચાર કરી શકીએ?

આપણે એવું કંઈ ન કરવું જોઈએ, જેનાથી બીજી નાતજાત કે સમાજના લોકોને ઠોકર લાગે. આપણમાં પ્રેમ હશે તો, હંમેશા સામેવાળાનો વિચાર કરીશું. (એફેસી ૪:૨૯) દાખલા તરીકે, મિશનરી બહેનો એક દેશમાં સેવા કરવા ગઈ. એ દેશની છોકરીઓ ત્યાંના રિવાજ પ્રમાણે મેકઅપ કરતી ન હતી. આપણી મિશનરી બહેનોને મેકઅપ કરવાનું ગમતું હતું. પણ બીજાને ઠોકર ન લાગે એટલે તેઓ મેકઅપ કરતા નહિ. આમ તેઓએ જતું કરીને સામેવાળાનો વિચાર કર્યો.—૧ કોરીંથી ૧૦:૩૧-૩૩.

૮. યહોવાહ માટે પ્રેમ હશે તો કેવા બનીશું?

આપણને યહોવાહ માટે પ્રેમ હશે તો, ‘હું કંઈક છું’ એવું વિચારીશું નહિ. એક વખત શિષ્યો ઝઘડતા હતા કે તેઓમાં મોટું કોણ છે. ઈસુએ તેઓને કહ્યું કે ‘કોઈ મારે નામે આ બાળકને સ્વીકારે છે, તે મને સ્વીકારે છે. અને જે કોઈ મને સ્વીકારે છે, તે મારા મોકલનારને પણ સ્વીકારે છે. કેમ કે તમારામાં જે સૌથી નમ્ર છે તે જ સૌથી મહત્ત્વનો છે.’ (લુક ૯:૪૮; માર્ક ૯:૩૬) આપણામાં જન્મથી જ જરા-તરા અહંકાર, જરા-તરા અહંમ હોય છે. પણ આપણે નમ્રતા કેળવીશું તો નમી શકીશું.—રૂમી ૧૨:૧૦.

૯. આપણે દરેકે કોનું માનવું જોઈએ?

આપણે દરેકે કોનું માનવું જોઈએ? યહોવાહની ગોઠવણ વિષે પાઊલે કહ્યું કે ‘એક બાબત વિષે હું તમારું ધ્યાન દોરવા માગું છું: પત્ની પોતાના પતિને આધીન છે, પતિ ખ્રિસ્તને આધીન છે અને ખ્રિસ્ત ઈશ્વરને આધીન છે.’—૧ કરિંથી ૧૧:૩, IBSI.

૧૦. યહોવાહનું કહ્યું કરવાનો શું અર્થ થાય?

૧૦ યહોવાહ વિશ્વના માલિક છે. આપણે તેમનું કહ્યું કરવું જોઈએ ને માનવું જોઈએ. તેમનામાં પૂરેપૂરો ભરોસો મૂકવો જોઈએ. તેથી કોઈ આપણું અપમાન કરે તોપણ અપમાનને ગળી જવું જોઈએ. કોઈ ગુસ્સાથી વાત કરે તોપણ આપણે શાંત રહેવું જોઈએ. યહોવાહ જાણે છે કે આપણા પર શું વીતે છે. બાઇબલ જણાવે છે કે “બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો. ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારૂ માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, કે પ્રભુ કહે છે, કે વૈર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ.”—રૂમી ૧૨:૧૮, ૧૯.

૧૧. આપણે ઈસુને કેવી રીતે આધીન રહી શકીએ?

૧૧ બાઇબલ જણાવે છે કે ઈસુના ‘જમણા હાથમાં સાત તારા છે.’ (પ્રકટીકરણ ૧:૧૬, ૨૦) આ સાત તારા મંડળના વડીલોને રજૂ કરે છે. આપણે વડીલોનું માનવું જોઈએ. યહોવાહે દરેક વડીલોને જવાબદારી સોંપી છે. ઈસુની જેમ તેઓ ભાઈ-બહેનોને પ્રેમ કરે છે. તેઓ પોતાનું ધાર્યું નથી કરતા પણ ઈસુના માર્ગદર્શન પ્રમાણે કરે છે. તેમણે માર્ગદર્શન આપવાની જવાબદારી ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને’ સોંપી છે. આપણે તેઓનું માનવું જોઈએ. (માત્થી ૨૪:૪૫-૪૭) આજે તેઓ પુસ્તકો દ્વારા માર્ગદર્શન આપે છે. આપણે એ પુસ્તકો વાંચીએ છીએ, દિલમાં ઉતારીએ છીએ, ત્યારે ઈસુને રાજા તરીકે સ્વીકારીએ છીએ. એકબીજા સાથે સંપીને રહીએ છીએ.—રૂમી ૧૪:૧૩, ૧૯.

કઈ હદ સુધી આધીન રહેવું જોઈએ?

૧૨. કેવા કિસ્સામાં સરકાર આગળ નમવું ન જોઈએ? શા માટે?

૧૨ પહેલી સદીમાં ધર્મગુરુઓએ પ્રચાર બંધ કરવાનો હુકમ આપ્યો. પણ ભાઈ-બહેનો તેઓની આગળ નમી ન ગયા. પીતર તથા પ્રેરિતોએ ધર્મગુરુઓને ઉત્તર આપ્યો કે “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૮-૨૦; ૫:૨૮, ૨૯) આજે પણ સરકાર આપણને ઈશ્વરનો સંદેશો ફેલાવવાની ના પાડે ત્યારે આપણે નમવું ન જોઈએ. દાખલા તરીકે, કોઈ સરકાર ઘરે ઘરે પ્રચાર કરવાની મનાઈ કરે છે. એ વખતે આપણે બીજી અનેક રીતે પ્રચાર કરી શકીએ. અથવા સરકાર આપણી મિટિંગો બંધ કરવાનો હુકમ આપે તો, નાના નાના ગ્રુપમાં ભેગા મળીને મિટિંગ રાખી શકીએ. પણ સરકાર આગળ નમવું ન જોઈએ.—રૂમી ૧૩:૧; હેબ્રી ૧૦:૨૪, ૨૫.

૧૩. સરકારનું માનવા વિષે ઈસુએ શું કહ્યું?

૧૩ આપણે ક્યારે સરકારનું માનવું જોઈએ? મોટે ભાગે સરકારના નિયમો સારા હોય છે, એ નિયમો પાળવા જોઈએ. ઈસુએ કહ્યું કે ‘તમારા ખમીસ માટે જો કોઈ તમને કોર્ટમાં ઘસડી જાય તો તેને તમારો કોટ પણ આપી દો. જો કોઈ સૈનિક તમને તેની સાથે એક કિલોમીટર ચાલવા બળજબરી કરે તો તમે તેની સાથે બે કિલોમીટર ચાલો.’ (માથ્થી ૫:૪૦, ૪૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન) * અહીં એક નહિ પણ બે કિલોમીટર ચાલવાનો અર્થ એ થાય કે આપણે સરકારના નિયમો પાળવા બનતી બધી જ કોશિશ કરવી જોઈએ.—૧ કોરીંથી ૧૩:૫; તીતસ ૩:૧, ૨.

૧૪. યહોવાહ વિષે ખોટું શિક્ષણ ફેલાવે છે તેઓનું કેમ સાંભળવું ન જોઈએ?

૧૪ આપણે નમ્ર બનીએ, બને ત્યાં સુધી નમીએ. એક બીજાનું સાંભળીએ. પણ જે ભાઈઓ યહોવાહ વિષે ખોટું શિક્ષણ ફેલાવે છે તેઓનું આપણે સાંભળવું ન જોઈએ. સત્યનો સંદેશો ચોખ્ખો, શુદ્ધ અને પવિત્ર છે. એ સંદેશો એવો જ રહેવો જોઈએ. એમાં કોઈ ભેળસેળ ન કરે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. પાઊલે જણાવ્યું કે “જૂઠા ભાઈઓ જે માંગતા હતા, તેવી કોઈ પણ બાબત અંગે અમે સહમત થયા નહિ! તમારા માટે સુવાર્તાનું સત્ય સતત રહે તેવું અમે ઇચ્છતા હતા.”—ગલાતીઓ ૨:૪, ૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

વડીલો નમ્ર હોવા જોઈએ

૧૫. કેવી રીતે વડીલો નમતું જોખે છે?

૧૫ વડીલો નમ્ર હોય છે. બીજાઓનું સાંભળે છે. પાઊલે કહ્યું કે વડીલો “સહનશીલ” હોવા જોઈએ. (૧ તીમોથી ૩:૨, ૩) ખાસ કરીને વડીલો ભેગા મળે ત્યારે એ જરૂરી છે. વડીલોની મિટિંગમાં પહેલા તેઓ યહોવાહને પ્રાર્થના કરે છે. પછી મંડળને લગતી ચર્ચા કરે છે. દરેક વડીલ બાઇબલ સિદ્ધાંતો પર પોતાના વિચારો જણાવે છે. બધાયનાં વિચારો અલગ અલગ હોઈ શકે. ચર્ચા દરમિયાન કદાચ એક વડીલ નમતું જોખીને બીજા વડીલોના સારા વિચારો સ્વીકારે છે. આ રીતે બધા વડીલો સંપીને નિર્ણયો લે છે.—૧ કોરીંથી ૧:૧૦; એફેસી ૪:૧-૩ વાંચો.

૧૬. વડીલોએ કેવી રીતે વર્તવું જોઈએ?

૧૬. વડીલોએ હંમેશા યહોવાહનાં નિયમ પ્રમાણે ચાલવું જોઈએ. તેમણે પ્રેમથી ભાઈ-બહેનોને સલાહ આપવી જોઈએ, દયા બતાવવી જોઈએ. તેમ જ, પ્રેમથી ઉત્તેજન, શિખામણ અને માર્ગદર્શન આપવું જોઈએ. બાઇબલ વડીલોને જણાવે છે કે “ઈશ્વરના ટોળાનું પાલન પોષણ કરો. અને તે ફરજ પડ્યાથી નહિ પણ ખરા દિલથી કરો.”—૧ પિતર ૫:૨, IBSI.

૧૭. મંડળમાં બધા કઈ રીતે એકબીજાને સથવારો આપી શકે? કઈ સલાહ દિલમાં ઉતારવી જોઈએ?

૧૭ યુવાનો મોટી ઉંમરના ભાઈઓને અનેક રીતે સથવારો આપે છે, તેઓનું ધ્યાન રાખે છે. મોટી ઉંમરનાં ભાઈઓ પાસે સત્યનો ઘણો અનુભવ હોય છે. એમાંથી યુવાનો ઘણું શીખે છે. આ રીતે નાના-મોટા એકબીજાને સથવારો આપે છે. એકબીજાને માન આપે છે. (૧ તીમોથી ૫:૧, ૨) વડીલો બીજા ભાઈઓને મંડળની જવાબદારી ઉપાડતા શીખવે છે. (૨ તીમોથી ૨:૧, ૨) મંડળમાં નાના મોટા, બધાએ એક સલાહ દિલમાં ઉતારવી જોઈએ કે ‘તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો. કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા જીવનની ચોકી કરે છે. એ માટે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ. કેમ કે એથી તમને ગેરલાભ થશે.’—હેબ્રી ૧૩:૧૭.

કુટુંબમાં નમ્રતા બતાવીએ

૧૮. કુટુંબમાં દરેકની શું જવાબદારી છે?

૧૮ કુટુંબમાં દરેકની જવાબદારી હોય છે. (કોલોસી ૩:૧૮-૨૧ વાંચો.) પતિની જવાબદારી પત્ની અને બાળકોની સંભાળ રાખવાની છે. તેઓને માર્ગદર્શન આપવાની છે. પત્નીની જવાબદારી પતિને આદર અને માન આપવાની છે. બાળકોની જવાબદારી માતા-પિતાનું સાંભળવાની છે. કુટુંબમાં સંપીને રહેવા દરેકે એકબીજાને માન આપવું જોઈએ. દરેકે પોતપોતાની જવાબદારી નિભાવવી જોઈએ. એ વિષે બાઇબલમાં અમુક દાખલાઓ છે.

૧૯, ૨૦. (ક) એલી તેમની જવાબદારી નિભાવવામાં કઈ રીતે નિષ્ફળ ગયા? યહોવાહે કેવી રીતે જવાબદારી નિભાવી? (ખ) આ દાખલાઓમાંથી માબાપ શું શીખી શકે છે?

૧૯ એલી એક મુખ્ય યાજક હતા. તેમને બે દીકરાઓ હતા. હોફની અને ફીનહાસ. તેઓ નકામા હતા અને યહોવાહનું જરાય સાંભળતા ન હતા. એક વાર એલીને ખબર પડી કે તેમના દીકરા મુલાકાત મંડપના દ્વાર આગળ કામ કરનારી સ્ત્રીઓ સાથે કુકર્મ કરે છે. મુખ્ય યાજક એલીએ દીકરાઓને પંપાળીને કહ્યું કે તમે પાપ કર્યું છે. હવે તમારા માટે કોઈ પ્રાર્થના નહિ કરે. એલીએ એટલું જ કહ્યું અને એના લાડલાઓને સુધારવા કંઈ શિક્ષા ન કરી. પછી તો બેય દીકરા વધારે ને વધારે બગડ્યા. આ બધું યહોવાહે ચલાવી ન લીધું. છેવટે યહોવાહે તેઓને મારી નાખ્યા. એ આઘાતથી એલી પણ મરી ગયા. એલીને એમ કે દીકરાઓનું થોડું ઘણું તો ખોટું ચલાવી લેવાય, એમાં શું વાંધો. પણ મોટો વાંધો હતો. એ પાપ હતું. યહોવાહની નજરે એક મોટું પાપ.—૧ શમૂએલ ૨:૧૨-૧૭, ૨૨-૨૫, ૩૪, ૩૫; ૪:૧૭, ૧૮.

૨૦ એલી પોતાની જવાબદારી નિભાવી ન શક્યા. હવે આપણે યહોવાહ વિષે જોઈએ. બાઇબલ જણાવે છે કે, એક વખત ખુદ યહોવાહે બીજા સ્વર્ગદૂતોને પૂછ્યું કે, રાજા આહાબને છેતરવા માટે શું કરવું જોઈએ. યહોવાહે બધા સ્વર્ગદૂતોનાં વિચારો સાંભળ્યા. પછી એક સ્વર્ગદૂતે જે કહ્યું એ કરવાની તેને રજા આપી. (૧ રાજાઓ ૨૨:૧૯-૨૩) આ દાખલામાંથી માતા-પિતા અને છોકરાઓ જોઈ શકે છે કે તેઓએ એકબીજાનું સાંભળવું જોઈએ. ખાસ કરીને પતિએ યહોવાહની જેમ પત્ની અને છોકરાંનાં વિચારો જાણવા જોઈએ, તેઓનું સાંભળવું જોઈએ. પછી પતિ પોતાના વિચારો જણાવે ત્યારે પત્ની અને છોકરાંઓએ તેમનું સાંભળવું જોઈએ એને માનવું જોઈએ. આમ બધાએ એકબીજાનું સાંભળવું જોઈએ.

૨૧. હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?

૨૧ આપણે જોઈ ગયા કે યહોવાહ ચાહે છે કે આપણે એક બીજાને નમ્રતા બતાવીએ, નમતું પણ જોખીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૯) હવે પછીના લેખમાં આપણે શીખીશું કે પતિ-પત્ની કેવી રીતે એકબીજાને માન આપી શકે. (w08 3/15)

[Footnotes]

^ આ કલમ અને બીજી અમુક કલમોમાં ગ્રીક ભાષામાંથી ભાષાંતર થયેલા શબ્દ “સહનશીલ” અને “નમ્ર” છે. એનો અર્થ આવો પણ થાય છે: બીજાનો વિચાર કરીને જતું કરીએ, નમતું જોખવું. તેમ જ અધિકારીઓને આધીન રહીએ અને માન આપીએ.

^ “તમે કેટલા કિલોમીટર ચાલશો?” ચોકીબુરજ ફેબ્રુઆરી ૧૫, ૨૦૦૫, પાન ૨૩-૨૬ જુઓ.

તમે શું જવાબ આપશો?

• જતું કરતા શીખીશું તો કેવા આશીર્વાદો મળશે?

• વડીલો કેવી રીતે નમતું જોખે છે?

• કુટુંબમાં કઈ રીતે નમ્રતા બતાવી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૨ પર ચિત્ર]

વડીલો ઈસુની જેમ બીજાને પ્રેમથી ઉત્તેજન આપે છે