બીજાઓને યહોવાહની નજરે જુઓ
બીજાઓને યહોવાહની નજરે જુઓ
“શરીરમાં ફાટફૂટ ન પડે; પણ બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે.”—૧ કોરીંથી ૧૨:૨૫.
દુનિયામાં લોકો કેટલા ઝઘડાખોર છે. કેટલી નફરત છે. આ છે શેતાનની દુનિયા. પણ આપણે યહોવાહના મંડળમાં આવ્યા ત્યારે કેટલી શાંતિ મળી. એકબીજા વચ્ચે ખરો પ્રેમ અનુભવ્યો. બધાય કેટલા સંપથી યહોવાહની ભક્તિ કરે છે.—યશાયાહ ૪૮:૧૭, ૧૮; ૬૦:૧૮; ૬૫:૨૫.
૨ પણ સમય જતા, આપણા વિચારો બદલાઈ શકે છે. મંડળને સુખ-શાંતિનો આશ્રય ગણવાને બદલે કદાચ આપણે બસ ભાઈ-બહેનોની ભૂલો જ કાઢીએ. ખોટા વિચારોને લીધે આપણે ભાઈ-બહેનોની શ્રદ્ધા ને સારા ગુણો જોઈ જ ન શકીએ. બસ તેઓનો વાંક જ કાઢીએ. આવું થાય ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે યહોવાહની નજરમાં તેઓ કીમતી છે. આપણે પણ તેઓને કીમતી ગણવા જોઈએ.—નિર્ગમન ૩૩:૧૩.
યહોવાહ સર્વમાં સારું જ જુએ છે
૩પહેલો કોરીંથી ૧૨:૨-૨૬માં પાઊલે કહ્યું કે અભિષિક્ત ખ્રિસ્તીઓનું મંડળ, શરીર જેવું છે. જેમ શરીરના “અવયવો ઘણા છે” તેમ મંડળ પણ ઘણા ભાઈ-બહેનોથી બનેલું છે. જેમ પાંચેય આંગળીઓ સરખી નથી, તેમ ભાઈ-બહેનોના સ્વભાવ ને આવડત સરખા નથી. તોપણ યહોવાહ સર્વને ખૂબ ચાહે છે. સર્વની ભક્તિ સ્વીકારે છે. તેથી પાઊલ આપણને કહે છે કે “એકબીજાને માટે એક સરખી ચિંતા” રાખો.
૪ એક દાખલાનો વિચાર કરો. એક સરસ પોસ્ટર છે. પણ આપણે આખું દ્રશ્ય જોવાને બદલે ફક્ત એનો એક જ ભાગ જોઈએ છીએ. અને એમાં જે ભૂલો છે એના પર જ ધ્યાન આપીએ છીએ. આ રીતે આપણે આખા પોસ્ટરની સુંદરતા જોવાનું ચૂકી જઈએ છીએ. પણ બીજી વ્યક્તિ આખું પોસ્ટર જુએ છે. અને એની સુંદરતાના વખાણ કરે છે. કદાચ આપણે પેલી વ્યક્તિ જેવા છીએ જે ભૂલો પર જ ધ્યાન આપે છે. પણ યહોવાહ બીજી વ્યક્તિ જેવા છે. તે વ્યક્તિમાં સારું શું છે એ જુએ છે, અને એની સુંદરતાના વખાણ કરે છે. આપણે પણ ભાઈ-બહેનોને યહોવાહની નજરથી જોવા જોઈએ. એમ કરીશું તો મંડળમાં પ્રેમ ને સંપ વધશે.—એફેસી ૪:૧-૩; ૫:૧, ૨.
૫ ઈસુ જાણતા હતા કે આપણે તો સામાન્ય માણસો જ છીએ, એટલે એકબીજાની ભૂલો તો કાઢવાના જ. એટલે તેમણે આ સલાહ આપી: “તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે.” (માત્થી ૭:૧) તેમણે શા માટે આમ કહ્યું? કેમ કે તે પારખી શક્યા કે ત્યાં ભેગા થયેલા લોકો એકબીજાની ભૂલો જ કાઢતા હતા. શું આપણે એવા છીએ? માની લો કે મંડળમાં એક ભાઈ પાસે જવાબદારી છે. તેમનામાં અમુક નબળાઈઓ છે, છતાં યહોવાહે તેમને એ કામ સોંપ્યું છે. તેમની ભક્તિ ને સેવા સ્વીકારે છે. પણ આપણને એ ભાઈ ગમતા નથી. એટલે કહીએ કે તેમને કાંઈ ન મળવું જોઈએ. અરે તે મંડળમાં પણ ન હોવા જોઈએ. શું આપણે એ ભાઈનો ન્યાય કરવો જોઈએ? (યોહાન ૬:૪૪) મંડળ યહોવાહના હાથમાં છે. તેથી જો મંડળમાં કંઈ ફેરફાર કરવાની જરૂર પડે તો યહોવાહ જરૂર કરશે. ચાલો આપણે યહોવાહની જેમ વિચારીએ. જો આપણામાં બીજાની ભૂલો કાઢવાની ટેવ હોય, તો એને ચોક્કસ બદલીએ.—રૂમી ૧૪:૧-૪ વાંચો.
ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨ કહે છે: “પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેણે આપણાં ઉલ્લંઘન આપણાથી દૂર કર્યાં છે.” આના માટે આપણે યહોવાહના કેટલા આભારી છીએ!—ગીતશાસ્ત્ર ૧૩૦:૩.
૬ યહોવાહ ફક્ત એટલું જ જોતા નથી કે એ વ્યક્તિ હમણાં કેવી છે. તે એ પણ જુએ છે કે વ્યક્તિ સત્યના માર્ગમાં કેવી છે, અને તે નવી દુનિયામાં કેવી હશે. તે ભૂલો અને નબળાઈઓ જોવાને બદલે આપણા સુંદર ગુણો પર વધુ ધ્યાન આપે છે.૭ બાઇબલમાં અનેક દાખલા છે, જે બતાવે છે કે યહોવાહ વ્યક્તિના સારા ગુણો પર ધ્યાન આપે છે. તેમણે દાઊદ વિષે કહ્યું: ‘મારા સેવક દાઊદ જેણે મારી આજ્ઞાઓ પાળી. તેણે મારી નજરમાં જે સારૂં હતું તે જ કર્યું. તેણે પોતાના સંપૂર્ણ હૃદયથી મારી ઉપાસના કરી.’ (૧ રાજાઓ ૧૪:૮) દાઊદે મોટી ભૂલ કરી હતી છતાં યહોવાહે તેમના સારા ગુણો જ જોયા.—૧ કાળવૃત્તાંત ૨૯:૧૭.
યહોવાહની જેમ સર્વ ભાઈ-બહેનોને ચાહો
૮ બીજાનો ન્યાય ન કરવાનું એક મહત્ત્વનું કારણ શું છે? આપણને ખબર નથી કે વ્યક્તિએ કેમ એવો નિર્ણય લીધો છે. આપણે જાણતા નથી કે વ્યક્તિનાં દિલમાં શું છે. જ્યારે કે યહોવાહ બધું જોઈ શકે છે. તેમને ખબર છે કે નવી દુનિયામાં આપણામાં એ નબળાઈ હશે જ નહિ. તેથી આપણે પણ હમણાં યહોવાહની જેમ વિચારવું જોઈએ. જો એમ કરીશું તો મંડળમાં એકબીજા વચ્ચેનો નાતો સારો હશે.—એફેસી ૪:૨૩, ૨૪.
૯ કલ્પના કરો કે તમે એક ઘર જુઓ છો. બારીઓ ભાંગેલી છે. પાણીના લીધે છત પણ ખરી પડવાની તૈયારીમાં છે. ઘણાને લાગશે કે આ ઘર ખંડેર જેવું છે. એને પાડી નાખવું જોઈએ. પણ બીજી વ્યક્તિ એ ઘરને સાવ અલગ રીતે જુએ છે. તેને ખબર છે કે એ ઘર સુંદર બની શકે છે. તે એ ઘરને ખરીદીને રિપૅર કરાવે છે. ફરી વાર એ ઘર જોઈને તમને નવાઈ લાગે છે. એ ખંડેર તો હવે મહેલ જેવું દેખાય છે. આપણે કેવી વ્યક્તિ જેવા છીએ? શું આપણે ઉપર-ઉપરથી ભાઈ-બહેનોમાં ભૂલો જ જોઈએ છીએ? કે પછી તેમનામાં સારું શું છે એ પારખીએ છીએ? શું આપણે જોઈ શકીએ છીએ કે એ ભાઈ કે બહેન સમય જતા યહોવાહના માર્ગ પર ચાલવાથી કેવી બની શકશે? જો એમ કરીશું તો આપણે પણ યહોવાહની જેમ એ વ્યક્તિને ચાહીશું ને કીમતી ગણીશું.—હેબ્રી ૬:૧૦ વાંચો.
૧૦ મંડળમાં એકબીજા સાથે સારો નાતો બાંધવા પાઊલે આપણને આ સલાહ આપી: “પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી [ઘમંડથી] કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ રાખો.” (ફિલિપી ૨:૩, ૪) આપણે કઈ રીતે બીજાઓને યહોવાહની નજરે જોઈ શકીએ? જો નમ્ર હોઈશું તો એકબીજા વિષે સારું વિચારીશું. દિલથી એકબીજાનો ખ્યાલ રાખીશું અને તેઓના સારા ગુણો જોઈશું.
૧૧ છેલ્લાં અમુક વર્ષમાં લાખો લોકો બીજા દેશોમાં રહેવા ગયા છે. અમુક શહેરોમાં અનેક જાતિના લોકો રહેતા હોય છે. તમારા વિસ્તારમાં પણ ઘણા બીજી ભાષાના કે પરદેશના લોકો રહેતા હોય. આવા લોકોને હવે સત્ય સાંભળવાનો મોકો મળ્યો છે. અરે, અમુક યહોવાહના ભક્તો પણ બન્યા છે. એટલે ઘણા મંડળોમાં હવે અનેક જાતિના લોકો મિટિંગમાં આવે છે. ખરેખર યહોવાહના ભક્તો ‘સર્વ દેશોમાંથી, સર્વ કુળના, લોકના તથા ભાષામાંથી’ આવે છે.—પ્રકટીકરણ ૭:૯.
૧૨ જો આપણા મંડળમાં અનેક જાતિના ભાઈ-બહેનો હોય, તો તેઓને યહોવાહની નજરથી જોવા જોઈએ. સર્વએ પીતરની આ સલાહ દિલમાં ઉતારવી જોઈએ: ‘તમે સત્યને આધીન રહીને ભાઈઓ પર નિષ્કપટ પ્રીતિ બતાવો. ખરા અંતઃકરણથી એકબીજા ઉપર આગ્રહથી ૧ પીતર ૧:૨૨) દિલથી આવો પ્રેમ બતાવવો સહેલો નથી, ખાસ કરીને જ્યારે મંડળમાં અનેક જાતિના ભાઈ-બહેનો હોય. શા માટે? કેમ કે તેઓની સંસ્કૃતિ આપણાથી અલગ છે. તેઓ આપણાથી વધારે કે ઓછું ભણેલા છે. તેમની રહેણી-કરણી જુદી છે. શું તમને બીજી જાતિના ભાઈ-બહેનોની લાગણી અને વિચારોને સમજવા અઘરું લાગ્યું છે? કદાચ તેઓને પણ તમારા વિષે એવું જ લાગે છે. એટલે જરૂરી છે કે બધાએ આ સલાહ પાળવી જોઈએ: “બંધુમંડળ પર પ્રીતિ રાખો.”—૧ પીતર ૨:૧૭.
પ્રીતિ કરો.’ (૧૩ સર્વ જાતિના ભાઈ-બહેનોને દિલથી ચાહવા માટે આપણે કદાચ વિચારો ને લાગણીમાં ફેરફાર કરવા પડે. (૨ કોરીંથી ૬:૧૨, ૧૩ વાંચો.) શું તમે કદી કહ્યું છે કે ‘મારી નજરે બધી જ નાત-જાત લોકો સરખા છે. પણ આ જાતિના લોકો કદી બદલાવાના નથી!’ આના પર પણ વિચાર કરો: ‘શું હું બીજી જાતિમાંથી આવેલા ભાઈ-બહેનો સાથે દોસ્તી બાંધુ છું? કે પછી હંમેશાં મારી જાતિના ભાઈ-બહેનો સાથે જ રહુ છું?’ આ પ્રશ્નો પર વિચાર કરવાથી તરત જ ખબર પડશે કે આપણા દિલમાં શું છે. જો ભેદભાવ હોય તો એને મનમાંથી કાઢી નાખો. એમ કરીશું તો જગતભરના ભાઈચારાને એક આશીર્વાદ ગણીશું.
૧૪ બાઇબલ બતાવે છે કે અમુક ભક્તોને પણ પોતાના વિચારો બદલવા પડ્યા, જેમ કે પીતર. તે યહુદી હોવાથી તેમણે બિનયહુદીના ઘરે કદીયે પગ મૂક્યો ન હતો. પણ કરનેલ્યસને ઘરે જવું પડ્યું ત્યારે તેમને કેવું લાગ્યું હશે? કરનેલ્યસે તો સુન્નત પણ કરાવી ન હતી તોપણ યહોવાહ ચાહતા હતા કે એવા લોકોને ખ્રિસ્તી બનવાનો મોકો મળે. એ સમજીને પીતરે પોતાના વિચારોમાં ફેરફાર કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૯-૩૫) હવે શાઊલનો વિચાર કરો. તે ખ્રિસ્તીઓને ખૂબ નફરત કરતો હતો. “દેવની મંડળીને બેહદ સતાવતો હતો, અને તેની પાયમાલી કરતો હતો.” પણ ઈસુએ તેમની સાથે વાત કરી ત્યારે તે ભેદભાવ છોડીને ખ્રિસ્તી બન્યા. અરે, તે જે ભાઈઓને પહેલા સતાવતા હતા, તેઓ પાસેથી માર્ગદર્શન ને સલાહ પણ સ્વીકારવા લાગ્યા!—ગલાતી ૧:૧૩-૨૦.
૧૫ જો આપણા દિલમાં હજી ભેદભાવના બી હોય, તો એને કાઢવા બનતું બધું કરો. યહોવાહની મદદથી આપણે વિચારો કે લાગણીઓમાં ફેરફાર કરી શકીએ છીએ. ‘શાંતિના બંધનમાં ઐક્ય રાખવાને યત્ન કરો.’ (એફેસી ૪:૩-૬) બાઇબલ આપણને આ અરજ કરે છે: “પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.”—કોલોસી ૩:૧૪.
પ્રચારમાં પણ યહોવાહની જેમ વિચારો
૧૬ યહોવાહ ચાહે છે કે દરેક નાત-જાતના લોકો તેમની ભક્તિ કરે. (૧ તીમોથી ૨:૩, ૪ વાંચો.) એટલે પાઊલે લખ્યું: “દેવની પાસે પક્ષપાત નથી.” (રૂમી ૨:૧૧) એટલા માટે યહોવાહે “સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં” તેમની “સનાતન સુવાર્તા” પ્રગટ કરવાની ગોઠવણ કરી છે. (પ્રકટીકરણ ૧૪:૬) એ કારણે ઈસુએ કહ્યું કે “ખેતર જગત છે.” (માત્થી ૧૩:૩૮) તમે જાણો છો કે આ કામ ખરેખર બહુ મોટું છે. એથી તમને અને તમારા કુટુંબને એ કઈ રીતે અસર કરે છે?
૧૭ આપણામાંના ઘણા ભાઈ-બહેનો બીજા દેશમાં પ્રચાર કરવા જઈ શકતા નથી. તોપણ તેઓ પોતાના વિસ્તારમાં જે પરદેશી લોકો છે, તેઓને સાક્ષી આપવા કોશિશ કરે છે. શું તમે એમ કરો છો? કે પછી તમારી જાતિના જ લોકોને પ્રચાર કરો છો? ઘણા પરદેશી લોકોએ સત્ય વિષે કંઈ જ સાંભળ્યું નથી. કેમ નહિ કે તમે અમુક ફેરફારો કરો ને આવા લોકોને સત્ય સાંભળવાનો મોકો આપો.—રૂમી ૧૫:૨૦, ૨૧.
૧૮ ઈસુ દિલથી ચાહતા હતા કે સર્વ જાતિના લોકોને સત્ય વિષે શીખવે. એટલે તેમણે ફક્ત એક જ જગ્યાએ નહિ, પણ બધી બાજુ પ્રચાર કર્યો. એક બનાવ વિષે બાઇબલ કહે છે કે ઈસુ ‘સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતો ગયો. લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી’ ને તરત જ તેઓને મદદ કરવા લાગ્યા.—માત્થી ૯:૩૫-૩૭.
૧૯ આપણે કઈ રીતે ઈસુ જેવા બની શકીએ? મંડળની એવી ટેરેટરીમાં પ્રચાર કરી શકીએ જ્યાં બહુ ઓછો પ્રચાર થયો હોય. એમાં બજાર, પાર્ક, રેલવે કે બસ સ્ટેશન હોય શકે જ્યાં તમે પ્રચાર કરી શકો. ઘણા ફ્લૅટ એવા હોય જેમાં તમે અંદર જઈ ના શકો તો શું કરશો? ફ્લૅટમાંથી આવતા-જતા લોકોને પ્રચાર કરી શકો. અમુક ભાઈ-બહેનો તેઓના વિસ્તારમાં રહેતા પરદેશી લોકોની ભાષા શીખે છે જેથી તેઓને પ્રચાર કરી શકે. તેઓની ભાષામાં ફક્ત “કેમ છો?” કહેવાથી વ્યક્તિ પર ઊંડી અસર પડી શકે! પરદેશીઓ જોઈ શકશે કે તમે ખરેખર તેઓમાં રસ લો છો. જો તમે બીજી ભાષા શીખી ન શકો તો જેઓ શીખતા હોય તેઓને ઉત્તેજન આપો. આપણે કદીયે એવું કહેવું ન જોઈએ કે આ બધું કરવાની કંઈ જરૂર નથી. યહોવાહની નજરમાં સર્વ લોકો કીમતી છે. આપણે પણ પૂરા દિલથી એ માનવું જોઈએ.—કોલોસી ૩:૧૦, ૧૧.
૨૦ જો યહોવાહની નજરે લોકોને જોઈશું, તો આપણે સર્વને પ્રચાર કરીશું. પછી ભલેને તેઓ ગમે તેવા રંગના હોય, ગમે તેવી હાલતમાં જીવતા હોય. અમુક કંગાળ હોય, બીજા થોડા ગંદા હોય, કે અમુક પાપી જીવન જીવતા હોય શકે. કદાચ અમુકને આપણા પર નફરત હોય, તો આપણે એમ ન ધારવું જોઈએ કે એ જાતિના લોકો બધા સરખા જ છે. પાઊલ પ્રચાર કરતા ત્યારે અમુક લોકોએ તેમની ખૂબ નફરત કરી. તેમ છતાં પાઊલે એમ ન કહ્યું કે હવે ‘હું એ જાતિના લોકોને જરાય પ્રચાર કરીશ નહિ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૫-૭, ૧૯-૨૨) તેમને ખાતરી હતી કે એ જાતિના લોકોમાંથી અમુક તો સાંભળશે જ.
૨૧ હવે આપણે પૂરી રીતે સમજીએ છીએ કે આપણે લોકોને યહોવાહની નજરે જોવા જોઈએ. તે સર્વને ચાહે છે. આપણે પણ તેમના જેમ જ કરવું જોઈએ. પછી ભલેને એ બીજી જાતિના ભાઈ-બહેનો હોય, કે પછી જગતભરના ભાઈ-બહેનો હોય કે દુનિયાના બીજા લોકો હોય. યહોવાહની નજરથી લોકોને જોઈશું તેમ, મંડળમાં શાંતિ ને સંપ વધશે. વળી બીજાઓને પણ સમજાવીશું કે યહોવાહ કોઈને બીજા કરતા ‘વધારે નથી ગણતા.’ તેમની નજરે સર્વ સરખા છે. તે સર્વને ચાહે છે કેમ કે “સર્વ તેના હાથનાં કૃત્યો છે.”—અયૂબ ૩૪:૧૯. (w08 3/15)
જવાબમાં શું કહેશો?
• આપણા ભાઈ-બહેનો વિષે શું ન વિચારવું જોઈએ?
• કઈ રીતે યહોવાહની નજરથી ભાઈ-બહેનોને જોઈ શકીએ?
• આપણા જગતભરના ભાઈ-બહેનો વિષે તમે શું શીખી શક્યા?
• પ્રચારમાં કઈ રીતે લોકોને યહોવાહની નજરથી જોઈ શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. યહોવાહના મંડળમાં આવ્યા ત્યારે તમને કેવું લાગ્યું?
૨. (ક) ભાઈ-બહેનો વિષે આપણે શું વિચારવા લાગી શકીએ? (ખ) આપણે શું કરવાની જરૂર છે?
૩. પાઊલ મંડળને શાની સાથે સરખાવે છે?
૪. દાખલાથી સમજાવો કે આપણે કોના જેવા બનવું જોઈએ?
૫. આપણે કેમ બીજાની ભૂલો ન કાઢવી જોઈએ?
૬. યહોવાહ આપણામાં શું જુએ છે?
૭. યહોવાહે દાઊદને જે રીતે જોયા એમાંથી આપણે શું શીખી શકીએ?
૮, ૯. (ક) આપણે કઈ રીતે યહોવાહની જેમ બની શકીએ? (ખ) દાખલાથી સમજાવો કે આપણે શું શીખી શકીએ છીએ?
૧૦. ફિલિપી ૨:૩, ૪ની સલાહ આપણને કઈ રીતે મદદ કરી શકે?
૧૧. અમુક મંડળોમાં શું જોવા મળે છે?
૧૨. મંડળમાં અનેક જાતિના ભાઈ-બહેનો હોય તો કેવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે? આપણે શું કરવું જોઈએ?
૧૩. આપણે કદાચ વિચારોમાં કેવા ફેરફારો કરવા પડે?
૧૪, ૧૫. (ક) કોણે પોતાના વિચારોમાં ફેરફાર કરવા પડ્યા? (ખ) આપણે કઈ રીતે તેઓને અનુસરી શકીએ?
૧૬. યહોવાહ લોકો માટે શું ચાહે છે?
૧૭. પરદેશીઓ માટે શું કરી શકીએ?
૧૮. ઈસુ દિલથી શું ચાહતા હતા? તેમણે શું કર્યું?
૧૯, ૨૦. આપણે કઈ રીતે યહોવાહ અને ઈસુ જેવા બની શકીએ?
૨૧. લોકોને યહોવાહની નજરથી જોવા માટે તમે શું કરી શકો?
[પાન ૨૮ પર ચિત્ર]
તમે કઈ રીતે બીજી સંસ્કૃતિના લોકોને ઓળખી શકો?