સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ આપણો પોકાર સાંભળે છે

યહોવાહ આપણો પોકાર સાંભળે છે

યહોવાહ આપણો પોકાર સાંભળે છે

‘ન્યાયીઓ પર યહોવાહની કૃપા છે, તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે.’—ગીતશાસ્ત્ર ૩૪:૧૫.

૧, ૨. (ક) આજે ઘણા લોકોનું જીવન કેવું છે? (ખ) આપણા જમાનામાં મહાદુઃખો આવશે એ કેમ નવાઈની વાત નથી?

 શું તમે હેરાન-પરેશાન છો? આપણે બધા અમુક હદ સુધી હા કહીશું. આ દુષ્ટ દુનિયામાં આપણા જેવા લાખો લોકો માંડ-માંડ જીવે છે. અમુક તો સાવ હિંમત હારી ગયા છે. તેઓ ગીત રચનાર દાઊદની જેમ આવું કંઈક પોકારે છે: “હું બેહોશ થયો છું તથા ઘણો કચડાઈ ગયો છું; મારા હૃદયના ગભરાટને લીધે મેં બૂમાબૂમ કરી મૂકી છે. મારૂં હૈયું ધડકે છે, મારૂં બળ ઘટી ગયું છે; અને મારી આંખોનું તેજ પણ જતું રહ્યું છે.”—ગીતશાસ્ત્ર ૩૮:૮, ૧૦.

બાઇબલમાં જણાવ્યું હતું કે ઈસુ સ્વર્ગમાં રાજ શરૂ કરશે. તે વખતે આપણા પર ‘મહાદુઃખો’ આવવાની ભવિષ્યવાણી પૂરી થશે. (માર્ક ૧૩:૮; માત્થી ૨૪:૩) તેથી યહોવાહના ભક્તો માટે આ કંઈ નવાઈની વાત નથી. મૂળ ભાષામાં ‘મહાદુઃખોનો’ અર્થ શાને માટે વપરાતો? એ બાળકને જન્મ આપતી સ્ત્રીનું અતિ દુઃખ બતાવતું હતું. એ બતાવે છે કે આપણા જમાનામાં દુઃખનો પાર નહિ હોય. ખરેખર “સંકટના વખતો” હશે, હા “મુશ્કેલીના દિવસો!”—૨ તીમોથી ૩:૧; કોમન લેંગ્વેજ.

યહોવાહ આપણા હમદર્દ છે

૩. યહોવાહના ભક્તો પર કેમ વધારે દુઃખો આવે છે?

ઇન્સાન પર મહાદુઃખો તો આવવાના જ. યહોવાહના ભક્તોને ખબર છે કે એ વધતા ને વધતા જશે. કેમ તેઓ પર વધારે દુઃખો આવે છે? કારણ કે આપણો “વૈરી શેતાન” આપણી શ્રદ્ધા તોડી નાખવા પ્રયત્ન કરે છે. (૧ પીતર ૫:૮) તેથી આપણે બધાયે અમુક વખત દાઊદની જેમ આમ કહ્યું હશે: “નિંદાએ મને હૃદયભંગ કર્યો છે, અને હું મરણતોલ થયો છું; મેં કરૂણા કરનારની વાટ જોઈ, પણ કોઈ જડ્યો નહિ; દિલાસો દેનારની રાહ જોઈ, પણ કોઈ મળ્યો નહિ.”—ગીતશાસ્ત્ર ૬૯:૨૦.

૪. દુઃખો સહેતી વખતે શાનાથી દિલાસો મળે છે?

શું દાઊદ એમ કહેતા હતા કે તેમને કોઈ આશા જ નથી? જરાય નહિ. એ કલમ પછી તેમણે આમ કહ્યું: “યાહવે દરિદ્રીઓની વિનંતી સાંભળે છે. વળી તેમના જે લોકો બંદીવાન છે તેઓનાથી તે પોતાનું મુખ અવળું ફેરવતા નથી.” (ગીતશાસ્ત્ર ૬૯:૩૩, IBSI) અમુક વખત લાગી શકે કે આપણી ચિંતા ને દુઃખ જાણે ફાંદા જેવા છે. એ આપણને કદીયે આઝાદ થવા દેશે નહિ. ઘણી વાર એવું લાગે કે બીજાઓ આપણા દુઃખોને જાણતા નથી કે સમજતા નથી. પણ દાઊદની જેમ આપણને દિલાસો મળે છે કે યહોવાહ આપણા દુઃખ પૂરી રીતે સમજે છે.—ગીતશાસ્ત્ર ૩૪:૧૫.

૫. રાજા સુલેમાનને કઈ ખાતરી હતી?

દાઊદના દીકરા સુલેમાન જાણતા હતા કે યહોવાહ આપણા દુઃખ-તકલીફો સમજે છે. (૨ કાળવૃત્તાંત ૬:૨૯-૩૧ વાંચો.) યરૂશાલેમનું મંદિર અર્પણ કરતી વખતે તેમણે યહોવાહને વિનંતી કરી કે નમ્ર લોકો ‘પોતાની પીડા અને પોતાનાં દુઃખ’ વિષે પ્રાર્થના કરે, ત્યારે એનું સાંભળજો. સુલેમાનને પૂરી ખાતરી હતી કે તે ફક્ત સાંભળશે જ નહિ, મદદ પણ કરશે. કારણ કે, યહોવાહ “સર્વ મનુષ્યોનાં અંતઃકરણો જાણે છે.”

૬. આપણે કઈ રીતે ચિંતા ને દુઃખો સહી શકીએ?

આપણે પણ દિલ ઠાલવીને યહોવાહને ‘પોતાની પીડા અને પોતાનાં દુઃખ’ જણાવી શકીએ. તે આપણા દુઃખોને સમજે છે ને હમદર્દી પણ બતાવે છે. પ્રેરિત પીતરે પણ એ સાબિત કરતા કહ્યું: “તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૭) ઈસુએ પોતે કહ્યું કે યહોવાહ આપણને બહુ ચાહે છે. તેમણે લોકોને કહ્યું: ‘પૈસાની બે ચકલી વેચાતી નથી શું? તોપણ તમારા બાપની ઇચ્છા વગર તેમાંથી એકે ભોંય પર પડનાર નથી. અને તમારા માથાના નિમાળા પણ બધા ગણેલા છે. તે માટે બીહો મા; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.’—માત્થી ૧૦:૨૯-૩૧.

યહોવાહમાં ભરોસો રાખો

૭. આપણે કેવી ખાતરી રાખી શકીએ?

આપણને પૂરી ખાતરી છે કે દુઃખ-તકલીફો વખતે યહોવાહ આપણને મદદ કરશે જ. ‘પરમેશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે મદદગાર છે.’ (ગીતશાસ્ત્ર ૩૪:૧૫-૧૮; ૪૬:૧) વિચાર કરો કે ૧ કોરીંથી ૧૦:૧૩ શું કહે છે: “દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.” યહોવાહ કઈ રીતે મદદ કરશે? કદાચ તે તકલીફ દૂર કરે. અથવા એને સહન કરવાની શક્તિ આપે. યહોવાહ ગમે તે કરે, એક બાબત તો ખરી, તે મદદ તો કરશે જ!

૮. આપણે યહોવાહની મદદ કઈ રીતે મેળવી શકીએ?

જો આપણે પોતાની શક્તિ કે બુદ્ધિ પર નભીશું તો યહોવાહ મદદ નહિ કરે. પણ આપણે નમ્ર બનીને “દેવના સમર્થ હાથ નીચે” રહીએ. (૧ પીતર ૫:૬ વાંચો.) બાઇબલ આ સલાહ આપે છે: “તમારી સર્વ ચિંતા તેના પર નાખો.” એટલે કે આપણે બધી ચિંતા ને તકલીફો યહોવાહના હાથમાં સોંપીએ. તેમના પર પૂરો ભરોસો મૂકીએ કે તે આપણને મદદ કરશે. (માત્થી ૬:૨૫-૩૨) જો આપણે અનેક વાર પ્રાર્થના કરીએ કે યહોવાહ તરત જ આપણી તકલીફ દૂર કરે, પણ કંઈ ન થાય તો શું? તોપણ તેમના પર ભરોસો રાખો. યહોવાહ આપણા દુઃખો સહન કરવાની શક્તિ આપે છે. તે પોતાના સમયે ને પોતાની રીતે તકલીફ સુધારશે.—ગીતશાસ્ત્ર ૫૪:૭; યશાયાહ ૪૧:૧૦.

૯. દાઊદે કેવી ચિંતા ને તકલીફોમાં પણ યહોવાહ પર ભરોસો રાખ્યો?

દાઊદે ગીતશાસ્ત્ર ૫૫:૨૨માં કહ્યું: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” દાઊદે આ કહ્યું ત્યારે તે ખૂબ પરેશાન હતા. (ગીતશાસ્ત્ર ૫૫:૪) આ કલમો લખી ત્યારે કદાચ તેમના દીકરા આબ્શાલોમે તેમનું રાજ્ય ઝૂંટવી લેવા કાવતરું રચ્યું હતું. અરે, દાઊદના સૌથી નજીકના મંત્રી અહીથોફેલે પણ તેમને દગો કર્યો હતો. દાઊદે જીવ લઈને યરૂશાલેમ છોડવું પડ્યું. (૨ શમૂએલ ૧૫:૧૨-૧૪) આ ખૂબ આકરા સંજોગમાં પણ દાઊદની શ્રદ્ધા ડગી નહિ, તે હિંમત હાર્યા નહિ.

૧૦. કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે શું કરવું જોઈએ?

૧૦ કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે મહત્ત્વનું છે કે એના વિષે પ્રાર્થના કરીએ. ચાલો જોઈએ કે પાઊલે આપણને કેવી અરજ કરી. (ફિલિપી ૪:૬, ૭ વાંચો.) જો આપણે દિલથી પોકાર કરીશું, તો શું પરિણમશે? “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.”

૧૧. “દેવની શાંતિ” આપણાં મન અને હૃદયની કઈ રીતે સંભાળ રાખે છે?

૧૧ શું પ્રાર્થના કરવાથી તકલીફ સુધરી જશે? કદાચ સુધરે. પણ ન સુધરે તો? ત્યારે સમજી લેવાનું કે આપણે ચાહીએ એ મુજબ યહોવાહ જવાબ આપતા નથી. ગમે તે થાય, પ્રાર્થના કરતા રહેવું જ જોઈએ. એનાથી આપણે નિરાશામાં ડૂબી જઈશું નહિ. “દેવની શાંતિ” આપણને સ્થિર રાખશે. જેમ ફોજ કોઈ શહેરનું રક્ષણ કરે, તેમ “દેવની શાંતિ” આપણા મન અને હૃદયને સંભાળી રાખશે. એનાથી આપણે શંકા, ખોટી ચિંતા ને નિરાશામાંથી બહાર આવી શકીશું. એ આપણને ખોટા અને ભૂલ ભરેલા નિર્ણયો ટાળવા પણ મદદ કરશે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮.

૧૨. દાખલાથી સમજાવો કે આપણે કઈ રીતે મનની શાંતિ રાખી શકીએ?

૧૨ દુઃખ-તકલીફો સહન કરતી વખતે કઈ રીતે મનની શાંતિ રાખી શકીએ? ચાલો એક દાખલો લઈએ. એક કંપનીમાં એક ભાઈ કામ કરે છે. તેના મૅનેજરમાં દયા નથી. તેને જાણી જોઈને ખૂબ હેરાન કરે છે. તે ભાઈ કંપનીના માલિકને મળીને બધું જણાવે છે. માલિક બહુ સારો છે, બધું સમજી જાય છે. તે ભાઈને કહે છે, ‘હિંમત ન હાર. નજીકમાં એ મૅનેજરે રાજીનામું આપવું પડશે.’ હવે એ ભાઈનો બોજો કેટલો હળવો થઈ ગયો! તેને હિંમત મળે છે. તેને ખબર છે કે આ તકલીફ થોડા જ સમય માટે જ છે. શેતાન એ ખરાબ મૅનેજર જેવો છે. યહોવાહ એ માલિક જેવા છે. યહોવાહ આપણને ખાતરી આપે છે કે નજીકમાં “આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે.” (યોહાન ૧૨:૩૧) આ જાણીને આપણને કેટલી મનની શાંતિ મળે છે!

૧૩. પ્રાર્થનાની સાથે બીજું શું કરવું જોઈએ?

૧૩ તો શું એટલું જ પૂરતું છે કે યહોવાહને પ્રાર્થનામાં તકલીફો વિષે જણાવીએ? ના. આપણે પ્રાર્થનામાં જે કહીએ એ મુજબ પગલાં પણ લેવા જોઈએ. જ્યારે રાજા શાઊલે અમુક માણસોને દાઊદને મારી નાખવા મોકલ્યા ત્યારે દાઊદે પ્રાર્થનામાં કહ્યું: “હે મારા દેવ, મારા શત્રુઓથી મને છોડાવ; મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગાર. અન્યાય કરનારાઓથી મને છોડાવ, અને ખૂની માણસોથી મને બચાવ.” (ગીતશાસ્ત્ર ૫૯:૧, ૨) દાઊદ ફક્ત પ્રાર્થના કરીને બેસી રહ્યા નહિ, પણ બચવા માટે ત્યાંથી નાસી છૂટ્યા. (૧ શમૂએલ ૧૯:૧૧, ૧૨) એવી જ રીતે આપણે પણ પ્રાર્થના મુજબ પગલાં લેવા જોઈએ.—યાકૂબ ૧:૫.

ધીરજ કેવી રીતે રાખી શકીએ?

૧૪. ધીરજ રાખવા શું કરવું જોઈએ?

૧૪ આપણે ચાહીએ છીએ કે દુઃખ-તકલીફોનો અંત આવે. પણ એ કદાચ લાંબા સમય સુધી ચાલે તો કઈ રીતે ધીરજ રાખી શકીએ? એના માટે આપણે ધીરજ રાખવાના પાંચ મુદ્દા યાદ રાખી શકીએ. પહેલો કે આકરા સંજોગો દરમિયાન પણ યહોવાહને વળગી રહીએ. આ રીતે તેમના પ્રત્યે પ્રેમની સાબિતી આપીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૨) એ પણ યાદ રાખીએ કે શેતાને અયૂબ વિષે યહોવાહને શું કહ્યું: “શેતાને કહ્યું, ‘તમે તેને સર્વ વાનાં ભરપૂરપણે આપ્યાં છે તેથી એવું કરે એમાં શી નવાઈ? તમે તેનું, તેના ઘરનું અને તેની માલમિલકતનું હંમેશાં રક્ષણ કર્યું છે. તે જે કાંઈ કરે છે તેમાં તમે તેને સફળતા આપો છો. જુઓ તે કેટલો શ્રીમંત છે! પછી તે તમારું “ભજન” કરે એમાં શી નવાઈ? એક વાર તેની સંપત્તિ પાછી લઈ લો પછી જુઓ, તે તમને તમારી સામે જ શાપ આપે છે કે નહિ!’” (યોબ [અયૂબ] ૧:૯-૧૧, IBSI) યહોવાહને વળગી રહીને અયૂબે પુરાવો આપ્યો કે શેતાનના આરોપમાં કોઈ જ માલ નથી. યહોવાહને વળગી રહીને આપણે પણ શેતાનને જૂઠો ઠરાવીએ છીએ. વળી ધીરજ રાખવાથી આપણી શ્રદ્ધા વધે છે ને ભાવિ માટેની આશા વધુ ઢ થાય છે.—યાકૂબ ૧:૪.

૧૫. સહન-શક્તિ ક્યાંથી મળી શકે?

૧૫ બીજું આપણે યાદ રાખવું જોઈએ કે ‘પૃથ્વી પરના આપણા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે.’ (૧ પીતર ૫:૯) જે “પરીક્ષણ આપણને” થાય છે એ સર્વ ‘માણસને’ પણ થાય છે. (૧ કોરીંથી ૧૦:૧૩) તેથી પોતાની જ ચિંતા કરવાને બદલે, બીજા ભાઈ-બહેનોનો વિચાર કરો. એમાંથી તમને હિંમત ને શક્તિ મળશે. (૧ થેસ્સાલોનીકી ૧:૫-૭; હેબ્રી ૧૨:૧) ઘણા ભાઈ-બહેનો અનેક જાતના મહાદુઃખ સહન કરે છે. તમે એવા ભાઈ-બહેનોને ઓળખતા હશો. તેઓના દાખલામાંથી જરૂર દિલાસો મેળવી શકો છો. આપણાં સાહિત્યમાં ભાઈ-બહેનોની જીવન કહાણી પણ વાંચી શકો. એમાં કોઈ અનુભવ હોય જે તમારા જેવો જ હોય. બીજાઓના દાખલા પર વિચાર કરવાથી તમને સહન-શક્તિ મળશે.

૧૬. મુશ્કેલીઓમાં ઈશ્વર કઈ રીતે મદદ કરે છે?

૧૬ ત્રીજું, આ હકીકત યાદ રાખો: ‘ઈશ્વર આપણા દયાળુ પિતા જેમની પાસેથી સર્વપ્રકારે અમને દિલાસો મળે છે. અમને અમારા સર્વ દુઃખોમાં દિલાસો આપે છે, જેથી તેમણે અમને આપેલા દિલાસાને આધારે જેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય તેમને અમે દિલાસો આપી શકીએ.’ (૨ કોરીંથી ૧:૩, ૪, કોમન લેંગ્વેજ) પાઊલને એવો અનુભવ થયો હતો જાણે યહોવાહે બાજુમાં ઊભા રહી તેમનો હાથ પકડી રાખ્યો. યહોવાહ આપણને પણ એવો જ સાથ આપશે. તે ફક્ત હાલની તકલીફો દરમિયાન જ નહિ, પણ આપણાં “સર્વ દુઃખોમાં” મદદ કરશે. આથી આપણે પણ બીજાઓને દિલાસો આપી શકીએ. પછી ભલેને તેઓ “કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં હોય.”૨ કોરીંથી ૪:૮, ૯; ૧૧:૨૩-૨૭.

૧૭. મુશ્કેલ સંજોગો સહન કરવા બાઇબલ કઈ રીતે મદદ કરી શકે?

૧૭ ચોથું એ છે કે આપણી પાસે ઈશ્વરનું વચન બાઇબલ છે. એ “બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર થાય.” (૨ તીમોથી ૩:૧૬, ૧૭) બાઇબલ આપણને ફક્ત “કામ કરવાને માટે તૈયાર” કરતું જ નથી, પણ દુઃખ-તકલીફો સહન કરવા માર્ગદર્શન આપે છે. એ આપણને “સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર” કરે છે. મૂળ ભાષામાં ‘સર્વ સારાં કામનો’ અર્થ થાય કે ‘પૂરી રીતે તૈયાર.’ કદાચ એ જમાનામાં લોકો વહાણ કે કોઈ યંત્રો માટે એ શબ્દો વાપરતા. એ બરાબર ને પૂરી રીતે તૈયાર થતું પછી કામમાં આવતું. એવી રીતે, બાઇબલ આપણને કોઈ પણ સંજોગનો સામનો કરવા પૂરી રીતે તૈયાર કરે છે. એ કારણથી આપણે હિંમતથી કહી શકીએ ‘ગમે તે થાય હું ઈશ્વરની મદદથી ચોક્કસ સહન કરી શકીશ.’

સર્વ દુઃખ-તકલીફમાંથી આઝાદી!

૧૮. ભાવિમાં યહોવાહ શું કરશે?

૧૮ પાંચમું યાદ રાખવું જોઈએ કે નજીકમાં યહોવાહ આપણને સર્વ દુઃખ-તકલીફમાંથી આઝાદ કરશે. એ આશા ઝાંખી થવા ન દો. (ગીતશાસ્ત્ર ૩૪:૧૯; ૩૭:૯-૧૧; ૨ પીતર ૨:૯) યહોવાહ આપણને આઝાદી જ નહિ, પણ હંમેશ માટે જીવવાનો મોકો આપશે. પછી ભલેને આપણી આશા સ્વર્ગમાં હોય કે પૃથ્વી પરની.

૧૯. તકલીફો છતાં આપણે શું કરવું જોઈએ?

૧૯ આપણી આશા છે કે આ દુષ્ટ દુનિયા બહુ વાર નહિ ચાલે. પણ નવો યુગ આવે ત્યાં સુધી આપણે આ દુનિયામાં ટકી રહેવું પડશે. (ગીતશાસ્ત્ર ૫૫:૬-૮) એ દિવસ આવે ત્યાં સુધી યહોવાહને વળગી રહીએ. આમ આપણે શેતાનને જૂઠો સાબિત કરીએ. ચાલો આપણે પ્રાર્થના કરીને સહનશક્તિ મેળવીએ. દિલાસો મેળવીએ કે બીજા ભાઈ-બહેનો પણ હિંમતથી દુઃખો સહન કરે છે. બાઇબલનું માર્ગદર્શન સ્વીકારીએ. એ આપણને સર્વ સારા કામ માટે તૈયાર કરશે. કદીયે ‘સર્વ દિલાસાના ઈશ્વર’ પર શંકા ન કરો. હંમેશાં યાદ રાખો કે ‘ન્યાયીઓ પર યહોવાહની કૃપા છે, તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે.’—ગીતશાસ્ત્ર ૩૪:૧૫. (w08 3/15)

જવાબમાં શું કહેશો?

• દુઃખો સહેવા પડ્યાં ત્યારે દાઊદને કેવું લાગ્યું?

• રાજા સુલેમાનને કેવી ખાતરી હતી?

• દુઃખ-તકલીફો આવે ત્યારે કઈ રીતે સહન કરી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૧ પર ચિત્ર]

તકલીફો આવી ત્યારે દાઊદે પ્રાર્થના કરી અને એ મુજબ પગલાં લીધાં