સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વરે આપણને રચ્યાં છે?

શું ઈશ્વરે આપણને રચ્યાં છે?

શું ઈશ્વરે આપણને રચ્યાં છે?

શા માટે એ જાણવું જોઈએ? કેમ કે ઘણા લોકોને શીખવવામાં આવ્યું છે કે માણસ ઉત્ક્રાંતિથી આવ્યો છે. તેઓ માને છે કે ઉત્ક્રાંતિમાં જે મોટા ફેરફાર થયા એના લીધે માનવમાં આવડતો છે. લાગણીઓ છે. વિચાર શક્તિ છે.

જો આપણે ઉત્ક્રાંતિમાં માનીએ તો આપણે એમ પણ માનવું પડે કે સર્જનહાર નથી. જો એમ હોય તો માનવ જાણે અનાથ છે. અનાથ માનવને સારું માર્ગદર્શન આપનારું જાણે કોઈ જ નથી. પણ આજે આપણને એવું માર્ગદર્શન બહુ જ જરૂરી છે. કેમ કે, દુનિયામાં ચારેબાજુ તકલીફો જોવા મળે છે. લોકો પૃથ્વીને બગાડે છે. યુદ્ધો ચાલે છે. અરે, દરેકે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો સર્જનહાર ન હોય તો આ બધી તકલીફો માણસે પોતે દૂર કરવી પડે.

પણ તમને લાગે છે કે માનવ પોતે તકલીફો દૂર કરી શકે? મોટે ભાગે લોકો ના પાડશે. પણ જો આપણે માનીએ કે સર્જનહાર છે, તો તેમના માર્ગદર્શનથી આપણું જીવન સુખી થશે. તેમ જ, આ પૃથ્વીની હાલત પણ સુધરશે.

સર્જનહાર વિષે બાઇબલ શું જણાવે છે?

બાઇબલ સીધેસીધું જણાવે છે કે માણસ આપમેળે આવ્યો નથી. પણ ઈશ્વરે માનવને બનાવ્યો છે. આપણે ઈશ્વરના બાળકો છીએ. ચાલો આપણે એની સાબિતી બાઇબલમાંથી જોઈએ.

ઉત્પત્તિ ૧:૨૭. ‘ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું, તેમના સ્વરૂપ પ્રમાણે તેને ઉત્પન્‍ન કર્યું; તેણે તેઓને સ્ત્રી-પુરુષ ઉત્પન્‍ન કર્યાં.’

ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪. “હું તમારી સ્તુતિ કરું છું કેમ કે તમે મારું અદ્‍ભુત સર્જન કર્યું છે. એ વિષે વિચાર કરતાં હું આશ્ચર્ય અનુભવું છું. તમારી કારીગરી અતિસુંદર છે એ હું બહુ સારી રીતે જાણું છું.”—IBSI.

માત્થી ૧૯:૪-૬. ‘શું તમે એમ નથી વાંચ્યું, કે ઈશ્વરે તેઓને ઉત્પન્‍ન કર્યાં. તેણે તેઓને આરંભથી સ્ત્રી-પુરુષ ઉત્પન્‍ન કર્યાં, ને કહ્યું, કે તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે; અને બન્‍ને એક થશે. માટે તેઓ હવેથી બે નથી, પણ એક છે. એ માટે ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’

પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪, ૨૫. ‘ઈશ્વરે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્‍ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલાં મંદિરોમાં રહેતો નથી; તેને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેને કશાની ગરજ નથી; જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે.’

પ્રકટીકરણ ૪:૧૧. ‘ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા તથા માન પામવાને તું જ યોગ્ય છે; કેમ કે તેં સર્વને ઉત્પન્‍ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.’

બાઇબલના સંદેશાથી આપણને જીવનમાં સંતોષ મળશે

આ બધી કલમોમાંથી શીખવા મળે છે કે ‘પૃથ્વી પરનાં બધાં કુટુંબના પિતા ઈશ્વર છે.’ (એફેસી ૩:૧૫) એ માનીએ તો આપણે બધા સાથે હળી-મળીને રહીશું. સર્જનહારની મદદથી જીવનને સાચા માર્ગે દોરી શકીશું. ચાલો જોઈએ કે એનાથી જીવનમાં કેવા ફેરફારો થશે.

આપણે જીવનમાં સારા નિર્ણયો લઈ શકીશું. કેવી રીતે? માણસની સલાહ કરતાં ઈશ્વરે બાઇબલમાં આપેલી સલાહને ધ્યાન આપીશું. “પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જે સત્ય છે તે શીખવવામાં, ખોટે માર્ગે જતા અટકાવવામાં, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અને ન્યાયીપણાનું શિક્ષણ આપવામાં તે આપણને અતિ ઉપયોગી છે. પ્રત્યેકનું ભલું કરવા માટે આપણને સંપૂર્ણ સુસજ્જ કરવા અને પ્રત્યેક પરિસ્થિતિ માટે પૂરા તૈયાર કરવા અર્થે તે ઈશ્વરનું સાધન છે.”—૨ તિમોથી ૩:૧૬,૧૭, IBSI.

બાઇબલની સલાહ દિલમાં ઉતારીશું તો જીવનમાં અનેક સારા ફેરફારો કરી શકીશું. જોકે ફેરફાર કરવા સહેલા નથી. (ઉત્પત્તિ ૮:૨૧) પણ આપણા કરતાં સર્જનહારને વધારે ખબર છે કે કયા માર્ગમાં ચાલવું જોઈએ. એટલે તે જ જીવનમાં સારું માર્ગદર્શન આપી શકે છે. (યશાયાહ ૫૫:૯) બાઇબલ કહે છે કે ‘તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આજ્ઞા સ્વીકાર, એટલે તે તને સીધે માર્ગે દોરશે.’ (નીતિવચનો ૩:૫, ૬) એ સલાહને પૂરા દિલથી માનવાથી તકલીફોમાં પણ સહેલાઈથી નિર્ણય લઈ શકીશું.

લોકો ભેદભાવ રાખે ત્યારે આપણે શું કરીશું? આપણે એવું નહિ વિચારીએ કે ઈશ્વર અમુક જાતિને આશીર્વાદ આપે છે. અથવા અમુક જાતિને નફરત કરે છે. પણ આપણે બધાને માન આપીશું. કેમ કે બાઇબલ જણાવે છે કે ‘ઈશ્વર પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેનો ડર રાખે છે, ને ભલાઈ કરે છે, તે તેને માન્ય છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.

એ યાદ રાખીશું તો આપણે બીજી જાતિને નફરત નહિ કરીએ. બધા સાથે હળી-મળીને રહીશું. ઈશ્વરે ‘માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વી પર રહેવા માટે એકમાંથી ઉત્પન્‍ન કરી છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬.

બાઇબલ જણાવે છે કે યહોવાહ ઈશ્વરે આપણને રચ્યાં છે. એ સચ્ચાઈ દિલમાં ઉતારીશું તો સુખી થઈશું. તોપણ સવાલ થાય છે કે ઈશ્વરે માણસને કેમ રચ્યો? એનો જવાબ હવે પછીના લેખમાં છે. (w08 2/1)

[પાન ૪ પર બ્લર્બ]

શું માનવ આપમેળે આવ્યો?

[પાન ૫ પર બ્લર્બ]

ઈશ્વર આપણા સર્જનહાર છે એ જાણીને દિલને ઠંડક મળે છે