સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણને છુટકારાની જરૂર છે

આપણને છુટકારાની જરૂર છે

આપણને છુટકારાની જરૂર છે

અમેરિકાના પિટ્‌સબર્ગ શહેર નજીક એક કોલસાની ખાણ આવેલી છે. માણસો કામ કરતા હતા ત્યારે ખાણમાં અચાનક પાણી ભરાઈ ગયું. નવ ખાણિયા ૨૪૦ ફૂટ ઊંડી ખાણમાં ફસાઈ ગયા. ત્રણ દિવસ પછી તેઓને બહાર કાઢવામાં આવ્યા. પણ તેઓનો વાળેય વાંકો થયો ન હતો. તેઓને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા?

તેઓને બહાર કાઢવા માટે ખાણનો નકશો અને ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. એની મદદથી બચાવ ટુકડીએ ૩૦ ઇંચ પહોળું ભોંયરું કર્યું જ્યાં માણસો ફસાયેલા હતા. પછી એમાં પીંજરું ઉતારીને એક પછી એક ખાણિયાઓને ઉપર લાવવામાં આવ્યા. મોતના મોંમાંથી બચી જવાથી તેઓનો આનંદ માતો ન હતો.

મોટા ભાગનાને એ ખાણિયાઓ જેવો અનુભવ થયો નહિ હોય. તેમ છતાં આપણને બધાને બચાવની, છુટકારાની જરૂર છે. શામાંથી? બીમારી, ઘડપણ અને મોતમાંથી. લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાં ઈશ્વરભક્ત અયૂબે કહ્યું કે ‘મનુષ્યનું જીવન ટૂંકું અને સંકટથી ભરપૂર છે. તે ફૂલની જેમ ખીલે છે, અને તેને કાપી નાખવામાં આવે છે; વળી તે પડછાયાની જેમ જતું રહે છે.’ (અયૂબ ૧૪:૧, ૨) આપણે શરીરની ગમે એટલી કાળજી રાખીએ છતાં શું બીમારી, ઘડપણ અને મોતથી આઝાદ થઈ શકીએ?

વૈજ્ઞાનિકો જાત-જાતના પ્રયોગો કરે છે જેથી માણસ લાંબું જીવે. એને લગતી એક સંસ્થા જણાવે છે કે ‘અમારી ઇચ્છા એ જ છે કે માણસ ઘડપણને લીધે મરી ન જાય પણ હંમેશ માટે જીવે. એટલે અમે જાત-જાતના પ્રયોગો કરીએ છીએ.’ ભલે વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે, માણસો ગમે એટલું ચાહતા હોય તોપણ માણસની જીવાદોરીને તેઓ લંબાવી શક્યા નથી. ઈશ્વરભક્ત મુસાએ ૩,૫૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું કે મનુષ્યનું જીવન ૭૦ કે ૮૦ વર્ષનું જ છે.—ગીતશાસ્ત્ર ૯૦:૧૦.

તમે અયૂબની સાથે સહમત થાવ કે ના થાવ, મોતને કોઈ રોકી શકતું નથી. એક પળમાં આપણે કુટુંબ અને મિત્રો સાથે હરતા-ફરતા હોઈએ અને બીજી જ પળે આપણું જીવન ‘પડછાયાની જેમ જતું રહે.’ એટલે જ બુદ્ધિશાળી રાજા સુલેમાને લખ્યું, ‘જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે પણ મૂએલા કંઈ જાણતા નથી, તેઓને હવે પછી કંઈ બદલો મળવાનો નથી; કેમ કે તેમની યાદ ભૂલાઈ ગઈ છે.’—સભાશિક્ષક ૯:૫.

બાઇબલ જણાવે છે કે માણસ પર મરણ ‘રાજ’ કરે છે. મરણ આપણો ખતરનાક દુશ્મન છે. (રૂમી ૫:૧૪; ૧ કોરીંથી ૧૫:૨૬) ભલે ગમે એટલા સારા બચાવનાર હોય કે સૌથી સારા સાધનો હોય તોપણ કોઈ આપણને મોતમાંથી હંમેશ માટે બચાવી શકતું નથી. ફક્ત આપણા બનાવનાર યહોવાહ પરમેશ્વર જ ઇન્સાનને મોતના મોંમાંથી છુટકારો અપાવશે. ( wp08 3/1)

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

Photo by Gene J. Puskar-Pool/​Getty Images