ઈશ્વરનો માર્ગ, જીવનનો માર્ગ!
ઈશ્વરનો માર્ગ, જીવનનો માર્ગ!
‘યહોવાહ આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ સુધી આપણા દોરનાર થશે.’—ગીતશાસ્ત્ર ૪૮:૧૪.
૧, ૨. શા માટે આપણે યહોવાહનું જ માર્ગદર્શન શોધવું જોઈએ? કેવા સવાલ ઊભા થાય છે?
આપણું દિલ કપટી છે. (યિર્મેયાહ ૧૭:૫, ૯) જે સારું હોય એ ખરાબ અને ખરાબ હોય એ સારું માનવા, મન હજારો બહાનાં શોધી કાઢશે. (નીતિવચનો ૧૨:૧૧) એટલે એક ઈશ્વરભક્તે યહોવાહને પ્રાર્થના કરી: “તારૂં અજવાળું તથા સત્ય મોકલ, કે તેઓ મને દોરે.” (ગીતશાસ્ત્ર ૪૩:૩) તેમણે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો મૂક્યો. યહોવાહ કરતાં સારું માર્ગદર્શન બીજું કોણ આપી શકે! એ ઈશ્વરભક્તની જેમ જ આપણે પણ યહોવાહનો હાથ પકડી લઈએ. યહોવાહનું માર્ગદર્શન શોધીએ.
૨ હવે સવાલ થાય કે શા માટે ફક્ત યહોવાહનું જ માર્ગદર્શન શોધીએ? ક્યારે શોધીએ? એમાંથી લાભ મેળવવા આપણે શું કરવું જોઈએ? આજે યહોવાહ કેવી રીતે માર્ગદર્શન આપે છે? આવો આ સવાલોના જવાબ જોઈએ.
શા માટે ફક્ત યહોવાહનું જ માર્ગદર્શન શોધીએ?
૩-૫. શા માટે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો મૂકવો જોઈએ?
૩ યહોવાહ આપણા પિતા છે. (૧ કોરીંથી ૮:૬) તે આપણી રગેરગ જાણે છે. (૧ શમૂએલ ૧૬:૭; નીતિવચનો ૨૧:૨) દાઊદ રાજાએ ઈશ્વરને કહ્યું, ‘મારું બેસવું તથા ઊઠવું તું જાણે છે; તું મારો વિચાર દૂરથી સમજે છે. કેમ કે હે યહોવાહ, તું મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણે છે.’ (ગીતશાસ્ત્ર ૧૩૯:૨, ૪) યહોવાહ જાણે છે કે આપણા માટે સારું શું અને ખરાબ શું. બીજું કે યહોવાહ સૌથી બુદ્ધિશાળી છે. તેમના જેવું બીજું કોઈ જ નથી. (યશાયાહ ૪૬:૯-૧૧; રૂમી ૧૧:૩૩) ‘તે એકલા જ જ્ઞાની ઈશ્વર છે.’—રૂમી ૧૬:૨૭.
૪ યહોવાહ પ્રેમના સાગર છે. તે હંમેશાં આપણું ભલું જ ચાહે છે. (યોહાન ૩:૧૬; ૧ યોહાન ૪:૮) તે દિલ ખોલીને આપણને આશીર્વાદો આપે છે. ઈશ્વરભક્ત યાકૂબે લખ્યું: ‘દરેક ઉત્તમ દાન, દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે. પ્રકાશોનો પિતા જેનામાં ફેરફાર થતો નથી, તેની પાસેથી ઊતરે છે.’ (યાકૂબ ૧:૧૭) યહોવાહના હાથમાં જીવન સોંપી દેનારાને તે ઘણા આશીર્વાદો આપે છે.
૫ યહોવાહ શક્તિશાળી છે. એક ઈશ્વરભક્તે કહ્યું, યહોવાહના હાથ નીચે ‘જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. હું યહોવાહ વિષે કહીશ, કે તે મારો આશ્રય અને કિલ્લો છે; એ જ મારો ઈશ્વર છે, તેના પર હું ભરોસો રાખું છું.’ (ગીતશાસ્ત્ર ૯૧:૧, ૨) આપણે પણ યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. આપણા પર દુઃખ-તકલીફ આવે, કસોટીઓ આવે, તોપણ ડરવાની કોઈ જરૂર નથી. યહોવાહ આપણને કદીયે છોડી દેશે નહિ. (ગીતશાસ્ત્ર ૭૧:૪, ૫; નીતિવચનો ૩:૧૯-૨૬ વાંચો.) યહોવાહ જ જાણે છે કે આપણા માટે સૌથી સારો માર્ગ કયો છે. તે દિલથી ચાહે છે કે આપણે એના પર ચાલીએ. હવે એ આપણા પર છે કે આપણે શું કરવું, શું ન કરવું.
એ માર્ગદર્શન ક્યારે શોધવું જોઈએ?
૬, ૭. યહોવાહના માર્ગદર્શનની ક્યારે ક્યારે જરૂર પડે છે?
૬ નાના-મોટા બધાને ઈશ્વરના માર્ગદર્શનની જરૂર છે. એક ઈશ્વરભક્તે કહ્યું, ‘આપણા યહોવાહ સનાતન છે; તે મરણ સુધી આપણા દોરનાર થશે.’ (ગીતશાસ્ત્ર ૪૮:૧૪) આ ઈશ્વરભક્તની જેમ આપણે પણ હંમેશાં ઈશ્વર પાસે માર્ગદર્શન મેળવીએ.
૭ અમુક વખતે “સંકટમાં” હોઈએ ત્યારે પણ આપણને માર્ગદર્શનની જરૂર હોય છે. જેમ કે, આપણી નોકરી જતી રહે, બીમારી આવે અથવા આપણી સતાવણી થાય. (ગીતશાસ્ત્ર ૬૯:૧૬, ૧૭) આવા સમયે યહોવાહ આપણને સહનશક્તિ આપે છે. હિંમત આપે છે અને ખરા નિર્ણય લેવા મદદ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૦૨:૧૭ વાંચો.) બીજા અમુક સંજોગોમાં પણ આપણને મદદની જરૂર પડે છે. જ્યારે આપણે પ્રચારમાં હોઈએ, ત્યારે સંદેશાને લોકોનાં દિલ સુધી પહોંચાડવા યહોવાહ જ મદદ કરી શકે છે. યહોવાહ આપણને જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માર્ગદર્શન આપે છે. જેમ કે મનોરંજન, પહેરવેશ, સોબત, ભણતર, નોકરી અથવા આવી બીજી બાબતોમાં સલાહ આપે છે. આમ યહોવાહ આપણને જીવનમાં ડગલેને પગલે માર્ગદર્શન આપે છે.
ઈશ્વરનું ન માનવામાં જોખમ રહેલું છે
૮. હવાએ મના કરેલું ફળ ખાધું, એ શું બતાવે છે?
૮ આપણે હંમેશાં યહોવાહના માર્ગદર્શનને રાજી-ખુશીથી પાળીએ. યહોવાહ આપણને તેમના માર્ગમાં ચાલવા કદીયે બળજબરી કરતા નથી. આદમ ને હવાનો વિચાર કરો. સૌથી પહેલાં હવાએ યહોવાહના માર્ગદર્શનથી મોં ફેરવી લીધું. તેણે મના કરેલું ફળ ખાવું હતું અને ‘ઈશ્વરના જેવા ભલુંભૂંડું જાણનાર’ થવું હતું. (ઉત્પત્તિ ૩:૫) તેણે ઈશ્વર જેવા બનવું હતું. યહોવાહના માર્ગદર્શનને બદલે પોતાની બુદ્ધિ પ્રમાણે જીવવું હતું. તેણે વિશ્વના માલિક યહોવાહને છોડીને, પોતાના મનના માલિક થવું હતું. તેના પતિ આદમે પણ એ ખોટા માર્ગે ચાલવાનું પસંદ કર્યું. (રૂમી ૫:૧૨) તેઓ યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ન ચાલ્યા અને યહોવાહને છોડી દીધા.
૯. યહોવાહનું ન માનીએ તો એ શું બતાવે છે? એ શા માટે મૂર્ખતા છે?
૯ આજે આપણે પણ યહોવાહનું ન માનીએ તો, આદમ ને હવાની જેમ યહોવાહથી મોં ફેરવી લઈએ છીએ. એ સમજવા એક દાખલો જોઈએ. કોઈને પોર્નોગ્રાફી જોવાની ખરાબ આદત છે. જો કે તે મિટિંગમાં આવે છે, એટલે તેને ખબર છે કે યહોવાહની નજરમાં આ ખોટું છે. તે જાણે છે કે આવી બાબતોની વાત કરવી પણ ખોટી છે, પછી એને જોવાની વાત તો દૂર રહી. (એફેસી ૫:૩) પણ જો આ વ્યક્તિ પોતાની આદત ન છોડે, તો તે વિશ્વના માલિક યહોવાહથી મોં ફેરવી લે છે. (૧ કોરીંથી ૧૧:૩) તે પોતાની મરજી પ્રમાણે ચાલે છે. પણ બાઇબલ જણાવે છે: “પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”—યિર્મેયાહ ૧૦:૨૩.
૧૦. સ્વતંત્ર ઇચ્છાથી નિર્ણય લેવાની સાથે સાથે કેમ મોટી જવાબદારી આવે છે?
૧૦ અમુકને થશે કે યહોવાહે આપણને સ્વતંત્ર ઇચ્છા આપી છે. તો પછી કેમ આપણે પોતાનાં પગલાં ગોઠવી શકતાં નથી? ખરું કે સ્વતંત્ર ઇચ્છાથી નિર્ણય લેવો એ એક આશીર્વાદ છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે એની સાથે સાથે મોટી જવાબદારી આવે છે. આપણે શું બોલીએ અને શું કરીએ એનો યહોવાહ આપણી પાસે જવાબ માંગશે. (રૂમી ૧૪:૧૦) ઈસુએ કહ્યું, ‘મનના વિચારોમાંથી મોં બોલે છે. ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ અને નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.’ (માત્થી ૧૨:૩૪; ૧૫:૧૯) યહોવાહ ‘જેઓનું હૃદય સારું છે, તેઓનું ભલું કરે’ છે. (ગીતશાસ્ત્ર ૧૨૫:૪) વ્યક્તિના દિલમાં શું છે એ તેના વાણી-વર્તન પરથી દેખાઈ આવે છે. એટલે યહોવાહ ચાહે છે એ પ્રમાણે જીવવા આપણે કાયમ તેમનું માર્ગદર્શન લઈએ.
૧૧. ઈસ્રાએલના ઇતિહાસમાંથી આપણે શું શીખીએ છીએ?
૧૧ ચાલો ઈસ્રાએલનો ઇતિહાસ જોઈએ. જ્યારે તેઓએ યહોવાહના નિયમો પાળીને સારા નિર્ણયો લીધા, ત્યારે યહોવાહે તેઓને રક્ષણ આપ્યું. (યહોશુઆ ૨૪:૧૫, ૨૧, ૩૧) પણ મોટે ભાગે તેઓએ મન ફાવે તેમ કર્યું. સમય જતાં યહોવાહે તેઓ વિષે કહ્યું, ‘તેઓએ સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ પોતાની મરજી પ્રમાણે અને પોતાના દુષ્ટ હૃદય પ્રમાણે તેઓ ચાલ્યા; તેઓ પાછળ હઠ્યા, પણ આગળ ગયા નહિ.’ (યિર્મેયાહ ૭:૨૪-૨૬) ઈસ્રાએલની જેમ આપણે હઠીલા ન બનીએ. આપણે કદીયે યહોવાહના માર્ગદર્શનને ઠોકર ન મારીએ. પોતાની મરજી પ્રમાણે ન ચાલીએ. ‘આપણે પાછળ હઠીએ નહિ, પણ આગળ વધીએ.’
યહોવાહના માર્ગે ચાલવા કેવા ગુણોની જરૂર છે?
૧૨, ૧૩. (ક) યહોવાહના માર્ગે ચાલવા કયા ગુણો આપણને મદદ કરે છે? (ખ) વિશ્વાસ કેમ બહુ જરૂરી છે?
૧૨ યહોવાહના માર્ગે ચાલવા સૌથી પહેલા તો પ્રેમનો ગુણ જરૂરી છે. (૧ યોહાન ૫:૩) એની સાથે બીજા એક ગુણ વિષે પાઊલે કહ્યું, “અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ.” (૨ કોરીંથી ૫:૬, ૭) શા માટે વિશ્વાસ પણ મહત્ત્વનો છે? યહોવાહ આપણને “ન્યાયીપણાને માર્ગે” ચલાવે છે. પણ એ માર્ગે ચાલવાથી કંઈ ધન-દોલત કે માન-મોભો નહિ મળે. (ગીતશાસ્ત્ર ૨૩:૩) આ કારણથી આપણે જીવન-જરૂરી ચીજોથી જ સંતોષી રહેવું પડશે. (૧ તીમોથી ૬:૮) એમ કરવા આપણને યહોવાહમાં પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. તેમના આશીર્વાદોમાં પૂરો ભરોસો હોવો જોઈએ. એ આશીર્વાદો આપણને તેમની ઇચ્છા પ્રમાણે કરવાથી જ મળે છે.—૨ કોરીંથી ૪:૧૭, ૧૮ વાંચો.
૧૩ ઈસુએ પણ જણાવ્યું કે યહોવાહના માર્ગમાં ચાલવા આપણે ઘણું જતું કરવું પડશે. એ માટે પણ યહોવાહમાં વિશ્વાસ જરૂરી છે. (લુક ૯:૨૩, ૨૪) અમુક ભાઈ-બહેનોએ ઘણી તકલીફો વેઠી છે. ગરીબી, જુલમ, ભેદભાવ, અરે સખત સતાવણી પણ સહન કરી છે. (૨ કોરીંથી ૧૧:૨૩-૨૭; પ્રકટીકરણ ૩:૮-૧૦) યહોવાહમાં તેઓની પૂરી શ્રદ્ધાને લીધે જ તેઓ એ બધું ખુશીથી સહન કરી શક્યા છે. (યાકૂબ ૧:૨, ૩) આપણને પણ યહોવાહમાં પૂરેપૂરી શ્રદ્ધા હોવી જ જોઈએ. એનાથી આપણને ખાતરી થશે કે તેમનો જ માર્ગ આપણા માટે સૌથી સારો છે. હમણાં આપણે ભલે ગમે એ સહન કરવું પડે પણ એના ઘણા આશીર્વાદ મળશે.—હેબ્રી ૧૧:૬.
૧૪. હાગાર કેમ નમ્ર બની?
૧૪ યહોવાહના માર્ગે ચાલવા નમ્ર સ્વભાવ રાખવો જરૂરી છે. સારાહની દાસી હાગારનો વિચાર કરો. સારાહ વાંઝણી હતી. એટલે તેણે એ સમયના રિવાજ પ્રમાણે કર્યું. તેણે ઈબ્રાહીમને પોતાની દાસી સોંપી, જેથી એના દ્વારા તેઓને બાળક થાય. હાગારને ઈબ્રાહીમથી બાળક રહ્યું. તેને ઘમંડ ચડ્યું, કેમ કે તેની શેઠાણીને ઈબ્રાહીમથી કોઈ બાળક થયું ન હતું. હાગારના ઘમંડને કારણે “સારાયે તેને દુઃખ દીધું.” હાગાર પોતાની શેઠાણી પાસેથી નાસી છૂટી. પછી એક સ્વર્ગદૂત હાગારને દેખાયો અને તેણે કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા, ને તેને આધીન રહે.” (ઉત્પત્તિ ૧૬:૨, ૬, ૮, ૯) કદાચ હાગારને એ ગમ્યું નહિ હોય. તેની શેઠાણી પાસે પાછી જવું હોય તો તેણે પોતાનું ઘમંડ છોડવું પડે. હાગારે એમ જ કર્યું. તે નમ્ર બનીને પોતાની શેઠાણી પાસે પાછી ગઈ. તેનો દીકરો ઈશ્માએલ તેના પિતા ઈબ્રાહીમની છાયામાં મોટો થયો.
૧૫. કેવા સંજોગોમાં આપણે નમ્ર બનવું પડે?
૧૫ કદાચ આપણે પણ નમ્ર સ્વભાવ કેળવવો પડે. જેમ કે પહેલાં આપણે જે રીતે મોજશોખ કરતાʼતા, એમાં ફેરફાર કરવો પડે. આપણે કોઈને ખોટું લગાડ્યું હોય તો, તેની પાસે જઈને માફી માંગવી પડે. આપણે કોઈ ભૂલ કરી હોય, જે કબૂલ કરવાની જરૂર હોય. અથવા તો આપણે કોઈ પાપ કર્યું હોય, જેના વિષે વડીલોને જણાવવાની જરૂર હોય. કદાચ એને માટે આપણને મંડળમાંથી કાઢી મૂકવામાં પણ આવે. તોપણ જો નમ્રતાથી પસ્તાવો કરીશું, તો મંડળ આપણને પાછું સ્વીકારશે. આ શું બતાવે છે? એ જ કે ‘માણસનું અભિમાન તેને નીચો પાડી નાખશે; પણ નમ્ર મનવાળો માન પામશે.’—નીતિવચનો ૨૯:૨૩.
યહોવાહ કેવી રીતે માર્ગદર્શન આપે છે?
૧૬, ૧૭. યહોવાહ બાઇબલ દ્વારા માર્ગદર્શન આપે છે, એનો આપણે કઈ રીતે લાભ લઈ શકીએ?
૧૬ યહોવાહ બાઇબલ દ્વારા માર્ગદર્શન આપે છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭ વાંચો.) કોઈ તકલીફ આવે ત્યારે જ બાઇબલ વાંચવાને બદલે, રોજ બાઇબલ વાંચીએ. દિલમાં ઉતારીએ. (ગીતશાસ્ત્ર ૧:૧-૩) એમ કરવાથી યહોવાહના વિચારો આપણા દિલો-દિમાગ પર છવાયેલા રહેશે. પછી ભલે ગમે એવી તકલીફો આવે, આપણે તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલવા તૈયાર હોઈશું.
૧૭ બાઇબલ વાંચવાની સાથે સાથે એના પર વિચાર કરીએ કે એ જીવનમાં કઈ રીતે લાગુ પાડીએ. (૧ તીમોથી ૪:૧૫) એ માટે આપણે પ્રાર્થના કરીએ. કોઈ પણ તકલીફમાં કયો સિદ્ધાંત લાગુ પાડવો, એ માટે યહોવાહની મદદ માગીએ. બાઇબલ કે આપણાં પુસ્તકોમાં વાંચેલો સિદ્ધાંત યાદ રાખવા, યહોવાહ આપણને ચોક્કસ મદદ કરશે.—ગીતશાસ્ત્ર ૨૫:૪, ૫ વાંચો.
૧૮. યહોવાહ આપણા ભાઈ-બહેનો દ્વારા કઈ રીતે માર્ગદર્શન આપે છે?
૧૮ યહોવાહ આપણને ભાઈ-બહેનો દ્વારા પણ માર્ગદર્શન આપે છે. એમાં ખાસ તો “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” છે, જેઓમાં ગવર્નિંગ બોડી આગેવાની લે છે. તેઓ આપણને પુસ્તક-પુસ્તિકાઓ, મિટિંગો, સંમેલનો દ્વારા ભરપૂર માર્ગદર્શન આપે છે. (માત્થી ૨૪:૪૫-૪૭; વધુ માહિતી: પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૬, ૨૨-૩૧) મંડળમાં પણ અનુભવી ભાઈ-બહેનો છે. યહોવાહે વડીલોને જવાબદારી સોંપી છે કે તેઓ દરેકને સાથ આપે, બાઇબલમાંથી મદદ આપે. (યશાયાહ ૩૨:૧) કુટુંબમાં યહોવાહે માબાપને જવાબદારી સોંપી છે, જેઓ પાસેથી બાળકો વધારે માર્ગદર્શન મેળવી શકે.—એફેસી ૬:૧-૩.
૧૯. યહોવાહના માર્ગ પર ચાલવાથી કયા આશીર્વાદો મળશે?
૧૯ યહોવાહ ઘણી રીતે આપણને માર્ગદર્શન આપે છે. એ પ્રમાણે જીવવામાં જ આપણું ભલું છે. યહોવાહનું કહેવું માનીને ઈસ્રાએલીઓને આશીર્વાદ મળ્યા. એ વિષે દાઊદે કહ્યું: ‘તારા પર અમારા બાપદાદાઓએ ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો, અને તેં તેઓને છોડાવ્યા. તેઓએ તને અરજ કરી, અને તેઓ બચી ગયા; તેઓએ તારા પર ભરોસો રાખ્યો, અને નિરાશ થયા નહિ.’ (ગીતશાસ્ત્ર ૨૨:૩-૫) આપણે પણ યહોવાહમાં પૂરા દિલથી શ્રદ્ધા રાખીશું તો, ‘નિરાશ થઈશું નહિ.’ આપણે પોતાના પર ભરોસો ન રાખીએ, પણ ‘આપણા માર્ગો યહોવાહને સોંપીએ.’ (ગીતશાસ્ત્ર ૩૭:૫) હમણાં પણ આપણને યહોવાહ પાસેથી ઘણા આશીર્વાદો મળશે. યહોવાહનો સાથ કદી ન છોડીએ તો આપણને અમર જીવનની આશા રહેલી છે. દાઊદ રાજાએ કહ્યું કે ‘યહોવાહ ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દેતા નથી; તે તેઓનું સદા રક્ષણ કરે છે. ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૮, ૨૯. ( w08 4/15)
તમે સમજાવી શકો?
• આપણે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે કેમ જીવીએ છીએ?
• જો આપણે યહોવાહનું ન માનીએ તો શું બતાવીએ છીએ?
• કેવા સંજોગોમાં આપણે નમ્ર બનવાની જરૂર છે?
• આજે યહોવાહ કઈ રીતે માર્ગદર્શન આપે છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૫ પર ચિત્ર]
હવાએ વિશ્વના માલિક યહોવાહને છોડી દીધા