સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારી યુવાનીમાં યહોવાહને યાદ કરો

તમારી યુવાનીમાં યહોવાહને યાદ કરો

તમારી યુવાનીમાં યહોવાહને યાદ કરો

‘તારી યુવાનીમાં તારા સરજનહારને યાદ કર.’—સભાશિક્ષક ૧૨:૧.

૧. યહોવાહ કઈ રીતે યુવાનો પર ભરોસો બતાવે છે?

 આજે મોટા ભાગના લોકો ઈશ્વરમાં માનતા નથી. સ્વાર્થી અને પૈસાના પ્રેમી છે. પણ યહોવાહને ભજતા યુવાનો સાવ અલગ છે. એટલે જ યહોવાહે પહેલેથી જણાવ્યું હતું કે ઈસુની “સત્તાના સમયમાં” તેમના લોક દિલોજાનથી તેમની સેવા કરશે, જેમાં યુવાનિયાઓ પણ છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) યુવાન ભાઈ-બહેનો, આ ભવિષ્યવાણી તમારામાં પૂરી થાય છે. યહોવાહને તમારામાં પૂરો ભરોસો છે. એ તમને અનમોલ ગણે છે, ઝાકળબિંદુ જેવા તાજગી આપનાર ગણે છે.

૨. યહોવાહને ‘યાદ કરવાનો’ અર્થ શું થાય?

તમે યુવાનીમાં યહોવાહને ‘યાદ કરો’ છો, એ જોઈને તેમને કેટલી ખુશી થતી હશે! (સભાશિક્ષક ૧૨:૧) શું યહોવાહને ‘યાદ કરવાનો’ અર્થ એ થાય કે તેમને મનમાં યાદ કરીએ કે તેમના નામનો જપ કરીએ? ના, પણ એનો અર્થ થાય કે યહોવાહની પૂરા તન-મનથી ભક્તિ કરવી. તેમને ગમે એ જ પ્રમાણે જીવવું. પૂરા દિલથી તેમના પર ભરોસો મૂકવો. (ગીતશાસ્ત્ર ૩૭:૩; યશાયાહ ૪૮:૧૭, ૧૮) શું તમારું દિલ પણ એવી જ લાગણીઓથી ઊભરાય છે?

“તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ”

૩, ૪. ઈસુએ કઈ રીતે યહોવાહ પર દિલોજાનથી ભરોસો મૂક્યો? આજે આપણે કેમ યહોવાહ પર પૂરો ભરોસો મૂકવો જોઈએ?

ઈસુ દિલોજાનથી યહોવાહ પર ભરોસો રાખતા હતા. તે આ શબ્દો પ્રમાણે જીવ્યા: ‘તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેનો અધિકાર સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.’ (નીતિવચનો ૩:૫, ૬) ઈસુ બાપ્તિસ્મા પામ્યા પછી, શેતાન તેમની પાછળ પડી ગયો. તે તેમને દુનિયા પર સત્તા ચલાવવાની લાલચ આપવા માગતો હતો. (લુક ૪:૩-૧૩) ઈસુ તેની જાળમાં ફસાયા નહિ. ઈસુ જાણતા હતા કે ખરા આશીર્વાદ યહોવાહ પાસેથી જ આવે છે. બાઇબલ જણાવે છે કે “ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાહના ભયનાં ફળ છે.”—નીતિવચનો ૨૨:૪.

આપણે પણ ઈસુના પગલે જ ચાલીએ, કેમ કે શેતાનની દુનિયા સ્વાર્થી છે. લોભી છે. આપણે યહોવાહને છોડી દઈએ અને નાશ પામીએ, એ માટે શેતાન ધમપછાડા કરે છે. પણ જોજો, તેની જાળમાં ફસાતા નહિ. આપણા સર્જનહાર યહોવાહને જ વળગી રહો. તેમના પર જ ભરોસો રાખો. તે આપણને “ખરેખરૂં જીવન” આપશે. એ જલદી જ આપશે, એમાં કોઈ શંકા નથી.—૧ તીમોથી ૬:૧૯.

યુવાનો, સમજુ બનો

૫. યુવાનોને આ દુનિયાની આવતી કાલ કેવી લાગે છે?

યુવાનો, તમે પણ જોયું હશે કે દુનિયામાં કેટલી ચિંતા છે. કેટલું ટેન્શન છે. સ્કૂલમાં તમે પ્રદૂષણ, જંગલોનો નાશ અને પૃથ્વીના બગાડ જેવી તકલીફો વિષે શીખ્યા હશો. લોકો એ બધાની ચિંતામાં ડૂબી જાય છે. પણ ફક્ત યહોવાહના ભક્તો જાણે છે કે આ બધું તો શેતાનની દુનિયાના અંતની નિશાની છે. (પ્રકટીકરણ ૧૧:૧૮) યહોવાહને ભજતા યુવાનો તેમના ફ્રેન્ડ્‌ઝ કરતાં વધુ સમજુ હોય છે, કેમ કે તેઓ જાણે છે કે આ દુનિયાની ઝાકઝમાળ થોડા જ સમયમાં જતી રહેવાની છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૯૯, ૧૦૦ વાંચો.

૬. અમુક યુવાનો કેવી રીતે શેતાનની ચાલમાં ફસાઈ ગયા છે?

ઘણા દુઃખની વાત છે કે આપણા અમુક યુવાનો શેતાનની ચાલમાં ફસાઈ ગયા છે. બૂરી સોબત અને પોર્નોગ્રાફીના રવાડે ચડી જઈને પાપ કરી બેઠા છે. (નીતિવચનો ૧૩:૨૦) શેતાનની દુનિયાનો અંત આટલો નજીક છે ત્યારે, તેઓ યહોવાહની કૃપા ગુમાવી બેઠા છે! (૨ પીતર ૩:૩, ૪) આપણે એવા ન બનીએ એ માટે ચાલો ઈસ્રાએલી લોકો પાસેથી શીખીએ.

છેલ્લી ઘડીએ યહોવાહની કૃપા ન ગુમાવો

૭, ૮. (ક) ઈસ્રાએલીઓને ફસાવવા શેતાને શું કર્યું? (ખ) આપણને પણ ફસાવવા શેતાન આજે શું કરે છે?

ચાલો આપણે ઈસવીસન પૂર્વે ૧૪૭૩ના જમાનામાં જઈએ. ઈસ્રાએલીઓ મોઆબના મેદાનોમાં હતા. યહોવાહે વચન આપ્યું હતું, એ દેશમાં તેઓ જવાની તૈયારીમાં જ હતા. શેતાન કોઈ પણ ભોગે તેઓને અટકાવવા માગતો હતો. તેથી તેણે બલઆમને મોકલ્યો કે તે ઈશ્વરના લોકોને શાપ આપે. પણ શેતાન એમાં સફળ ના થયો. તે બીજી ચાલ રમે છે. તેણે મોઆબની સ્ત્રીઓને મોકલી, જેથી તે ઈશ્વરના લોકોને ફસાવે. એમાં શેતાન સફળ થયો. અમુકે મોઆબની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો અને તેઓના દેવોને પૂજવા લાગ્યા. ઘણા દુઃખની વાત કહેવાય કે આશરે ૨૪,૦૦૦ લોકોએ વચનના દેશના બારણે આવીને, ઈશ્વરની કૃપા ગુમાવી અને માર્યા ગયા!—ગણના ૨૫:૧-૩,.

આજે પણ યહોવાહે વચન આપ્યું છે કે તે આપણને બહુ જલદી જ નવી દુનિયામાં લઈ જશે. શેતાન કોઈ પણ ભોગે આપણને અટકાવવા માગે છે. વ્યભિચાર જેવાં ખોટાં કામોમાં ફસાવવા માંગે છે. દુનિયાના મોટા ભાગના લોકો એમાં ફસાઈ ગયા છે. તેઓને સંસ્કારની કંઈ પડી નથી. અરે, ઘણાને તો સજાતીય સંબંધોમાં પણ કંઈ વાંધો નથી લાગતો. એક બહેન જણાવે છે: ‘ફક્ત ઘર અને કિંગ્ડમ હૉલમાં જ મારાં બાળકો શીખે છે કે સજાતીય સંબંધ અને વ્યભિચાર ઈશ્વરની નજરમાં પાપ છે. બાકી દુનિયામાં તો બધું જ ચલાવી લેવાય છે.’

૯. યુવાનીમાં કેવી લાગણીઓ જાગી શકે? એને કઈ રીતે કાબૂમાં રાખી શકાય?

યહોવાહના ભક્તો જાણે છે કે જાતીય સંબંધ એક આશીર્વાદ છે. યુવાનો જાણે છે કે લગ્‍ન કરેલા પતિ-પત્નીને યહોવાહે એ આશીર્વાદ આપ્યો છે. (હેબ્રી ૧૩:૪) એ સંબંધથી પતિ-પત્નીને બાળકનો આશીર્વાદ મળે છે. યુવાનીમાં જાતીય સંબંધ બાંધવાની ઇચ્છા ખૂબ તીવ્ર હોય છે. એવી લાગણીઓ કાબૂમાં રાખવી મુશ્કેલ હોય છે. (૧ કોરીંથી ૭:૩૬) એવી લાગણી પર કાબૂ મેળવવા યુવાનો શું કરી શકે? સૌથી પહેલા તો પ્રાર્થના કરો. ખરા દિલથી કરેલી પ્રાર્થના યહોવાહ સાંભળે છે. (લુક ૧૧:૯-૧૩ વાંચો.) બીજું કે સારી સોબત રાખો. તમારી શ્રદ્ધા વધે એવી વાતો સારા ફ્રેન્ડ્‌ઝ સાથે કરો. એનાથી તમને યુવાનીની લાગણીઓ કાબૂમાં રાખવા મદદ મળશે.

સમજી-વિચારીને જીવનમાં આગળ વધો

૧૦. યુવાનોએ કોના જેવા ન બનવું જોઈએ? યુવાનોએ શાનો વિચાર કરવો જોઈએ?

૧૦ આજે દુનિયામાં ઘણા યુવાનો પાસે યહોવાહનું માર્ગદર્શન નથી. એટલે તેઓ મન ફાવે તેમ જીવે છે. (નીતિવચનો ૨૯:૧૮) એવા યુવાનો યશાયાહના જમાનાના અમુક ઈસ્રાએલીઓ જેવા છે, જેઓ બસ ‘ખાય-પીને આનંદ માણવા જ’ જીવતા હતા. (યશાયાહ ૨૨:૧૩) યહોવાહના ભક્તોમાંના યુવાનો એવા નથી. તેઓ યહોવાહના માર્ગદર્શન પ્રમાણે જીવે છે. યહોવાહે આપેલી સુંદર આશાને વળગી રહે છે. યુવાનો, આનો વિચાર કરો: શું તમે નવી દુનિયાની રાહ જોઈ રહ્યા છો? શું તમે બનતી કોશિશ કરીને “ઠાવકાઈથી” એટલે કે સમજી-વિચારીને જીવો છો? (તીતસ ૨:૧૨, ૧૩) આ સવાલોના જવાબ બતાવશે કે તમે જીવનમાં શું કરવા માગો છો.

૧૧. શા માટે આપણા યુવાનોએ મન લગાડીને ભણવું જોઈએ?

૧૧ દુનિયાના લોકો તો એમ જ ચાહે કે યુવાનો ભણે-ગણે, નોકરી-ધંધામાં આગળ વધે. પણ યુવાનો, તમારે ફક્ત રોજી-રોટી કમાવાની જ નથી, યહોવાહની ભક્તિમાં ઘણું બધું કરવાનું છે. એટલે તમે મન લગાડીને ભણો, જેથી સારું સમજી-વિચારી શકો. સારી રીતે પ્રચાર કરી શકો. બીજા લોકો સાથે સારી રીતે વાતચીત કરીને, સારો વહેવાર રાખતા શીખી શકો. જે યુવાનો બાઇબલમાંથી શીખે છે અને તે પ્રમાણે જીવે છે, તેઓ સૌથી સારું ભણતર મેળવે છે. તેઓનું ભાવિ ઉજ્જવળ છે.—ગીતશાસ્ત્ર ૧:૧-૩ વાંચો. *

૧૨. આજે માબાપે કોનો દાખલો લેવો જોઈએ?

૧૨ જૂના જમાનામાં ઈસ્રાએલીઓ પોતાનાં બાળકોને પોતે જ ભણાવતા. એ ભણતરમાં તેઓ જીવનનાં અલગ અલગ પાસાંઓ વિષે શીખવતા. ખાસ તો યહોવાહના નિયમો વિષે શીખવતા. (પુનર્નિયમ ૬:૬, ૭) પોતાનાં માબાપ અને અનુભવી ભક્તોનું માનનાર યુવાનોને ઘણું જ્ઞાન મળતું. તેઓ વધારે સમજુ બનતા, અનુભવી બનતા. (નીતિવચનો ૧:૨-૪; ૨:૧-૫, ૧૧-૧૫) આજે પણ માબાપે બાળકોના ભણતરમાં બહુ જ ધ્યાન આપવું જોઈએ.

યહોવાહનું અને માબાપનું સાંભળો

૧૩. આજે યુવાનોને કેવી કેવી સલાહ મળે છે? તેઓએ શું ધ્યાન રાખવું જોઈએ?

૧૩ આજે યુવાનોને ચારે બાજુથી જાતજાતની સલાહ મળે છે કે તેઓએ કેટલું ભણવું જોઈએ, કઈ લાઇન લેવી જોઈએ. પણ યુવાનો, તમે એ સલાહ માનતા પહેલાં ઈશ્વરને પ્રાર્થના કરજો. બાઇબલ અને આપણાં પુસ્તકોની સલાહ લેજો. બાઇબલ સ્ટડી પરથી તમને ખબર છે કે શેતાન આજે યુવાનોને નિશાન બનાવી રહ્યો છે. દાખલા તરીકે, એદન બાગમાં શેતાને હવાને છેતરી, કેમ કે તે આદમ કરતાં ઓછી અનુભવી હતી. હવાએ સાવ અજાણી વ્યક્તિનું સાંભળ્યું. તેને હવાની કંઈ પડી ન હતી. યહોવાહે હવા માટે શું ન કર્યું હતું! યહોવાહ તેઓને બહુ જ ચાહતા હતા. જો હવાએ યહોવાહનું સાંભળ્યું હોત તો આજે દુનિયા કંઈક જુદી જ હોત!—ઉત્પત્તિ ૩:૧-૬.

૧૪. શા માટે યહોવાહનું અને માબાપનું માનવું જોઈએ?

૧૪ યુવાનો, ઈશ્વર તમને ખૂબ જ ચાહે છે. તે ચાહે છે કે તમે કાયમ ખુશ રહો. એટલે તે જણાવે છે: “માર્ગ આ છે, તે પર તમે ચાલો.” (યશાયાહ ૩૦:૨૧) જો તમારાં મમ્મી-પપ્પા યહોવાહમાં માનતા હોય, તો એ મોટો આશીર્વાદ છે. જીવનમાં આગળ વધવા તેઓ તમને જે સલાહ-સૂચન આપે, એ ધ્યાનથી સાંભળો. (નીતિવચનો ૧:૮, ૯) તેઓ તમારું જ ભલું ચાહે છે. તમે માન-મોભા કે ધન-દોલતના કરતાં અમર જીવન મેળવો, એ તેઓના દિલની તમન્‍ના છે.—માત્થી ૧૬:૨૬.

૧૫, ૧૬. (ક) યહોવાહમાં આપણે કેવો ભરોસો મૂકવો જોઈએ? (ખ) બારુખનો દાખલો શું શીખવે છે?

૧૫ આજે દુનિયાના લોકો રાત-દિવસ જીવનની ચિંતામાં જ ડૂબેલા હોય છે. (એફેસી ૨:૨) પણ ઈશ્વરને ભજતા યુવાનો એવી ખોટી ચિંતા કરતા નથી. તેઓને યહોવાહમાં પૂરો ભરોસો છે કે ‘તે તેઓને કદી મૂકી દેશે નહિ અને તજશે પણ નહિ.’ (હેબ્રી ૧૩:૫ વાંચો.) યિર્મેયાહના સહાયક, બારુખનો દાખલો એ જ બતાવે છે. ઈસવીસન પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો નાશ થયો, એ જમાનામાં બારુખ થઈ ગયા.

૧૬ કદાચ બારુખને પૈસેટકે સુખી થવું હતું. યહોવાહે એ જોયું અને તેમને પ્રેમથી ચેતવ્યા કે એની પાછળ ફાંફાં ન મારે. બારુખે યહોવાહની સલાહ માની. એનાથી તેમનું જ ભલું થયું, કેમ કે તે યરૂશાલેમના વિનાશમાંથી બચી ગયા. (યિર્મેયાહ ૪૫:૨-૫) જે લોકોએ યહોવાહને બાજુ પર મૂકીને ધન-દોલત મેળવ્યા હતા, તેઓનું શું થયું? તેઓની ધન-દોલત તો ખાલદીઓ (બાબેલોનીઓ) લૂંટી ગયા. અરે, ઘણાએ તો જીવ પણ ગુમાવ્યા. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૫-૧૮) બારુખનો દાખલો શું શીખવે છે? એ જ કે જીવનની આગળ ધનદોલત નકામી છે, ફક્ત યહોવાહ સાથેનો પાકો નાતો જ આપણું જીવન બચાવે છે.

આપણે કોના પગલે ચાલવું જોઈએ?

૧૭. આપણા માટે ઈસુ, પાઊલ અને તીમોથીએ કેવો દાખલો બેસાડ્યો છે?

૧૭ જીવનની રાહ પર ચાલવા બાઇબલ આપણને ઘણા સારા દાખલા આપે છે. ઈસુનો દાખલો લઈએ. તેમની પાસે એવી આવડતો હતી, જેનાથી તે નામ કમાઈ શક્યા હોત. પણ તેમણે લોકોને હંમેશનું જીવન મળે, એ માટે રાજ્યનો સંદેશો જણાવવાનું પસંદ કર્યું. (લુક ૪:૪૩) ઈશ્વરભક્ત પાઊલ પુષ્કળ પૈસો કમાઈ શક્યા હોત. એને બદલે તેમણે પોતાનું જીવન ઈશ્વરનો સંદેશો જાહેર કરવામાં જ આપી દીધું. તીમોથી ‘વિશ્વાસમાં ખરા દીકરાની’ જેમ પાઊલને પગલે ચાલ્યા. (૧ તીમોથી ૧:૧) શું ઈસુ, પાઊલ અને તીમોથીને પોતે લીધેલા નિર્ણયનો પસ્તાવો થયો? જરાય નહિ. પાઊલે કહ્યું કે ઈશ્વરની ભક્તિ સામે દુનિયાની કોઈ પણ સફળતા “કચરો જ” છે.—ફિલિપી ૩:૮-૧૧.

૧૮. એક યુવાન ભાઈએ જીવનમાં કેવા ફેરફાર કર્યા? શું એનો તેમને કોઈ અફસોસ છે?

૧૮ આજે આપણા ઘણાય યુવાનો ઈસુ, પાઊલ અને તીમોથીને પગલે ચાલી રહ્યા છે. એક યુવાનનો દાખલો લઈએ. તેમની પાસે બહુ સારી નોકરી હતી. તે કહે છે કે ‘હું બાઇબલ પ્રમાણે જીવતો હોવાથી, મને જલદી જલદી પ્રમોશન મળતું. તોપણ જીવન ખાલી ખાલી લાગતું. મને પાયોનિયર બનવું હતું. મેં મારા બૉસને એના વિષે વાત કરી. તેમણે મને વધારે પગારની ઑફર કરી, જેથી હું નોકરી ન છોડું. પણ મેં મનમાં ગાંઠ વાળી હતી કે હું તો બસ પાયોનિયર જ બનીશ. ઘણાને સમજાતું નʼતું કે મેં આટલી સારી નોકરી કેમ છોડી દીધી. પણ મેં ઈશ્વરને જે વચન આપ્યું હતું, એ જ પ્રમાણે મારે જીવવું હતું. મારા જીવનમાં ઈશ્વર જ સૌથી પહેલા છે. હવે મને જીવનમાં સંતોષ અને ખુશી મળ્યા છે. એ મને પૈસા કે સિદ્ધિ કદી આપી શક્યા ન હોત.’

૧૯. યુવાનોએ કેવી પસંદગી કરવી જોઈએ?

૧૯ યુવાનો તમે શું પસંદ કરશો? તમે જાણો છો કે શેતાનની દુનિયાની ઘડીઓ ગણાઈ રહી છે. (૨ પીતર ૩:૧૧, ૧૨) જે લોકો રાત-દિવસ પૈસા બનાવે છે, તેઓની ઈર્ષા ન કરો. પણ યહોવાહનું સાંભળો. તમારા મમ્મી-પપ્પાનું સાંભળો, જેઓ તમારું ભલું જ ચાહે છે. “આકાશમાં દ્રવ્ય” ભેગું કરો. એટલે કે તમારા જીવનમાં યહોવાહને જ પહેલા રાખો. અમારી એ જ દિલની તમન્‍ના છે. પછી યહોવાહ તમને કાયમ સાથ આપશે. અમર જીવન પણ આપશે.—માત્થી ૬:૧૯, ૨૦; ૧ યોહાન ૨:૧૫-૧૭ વાંચો.w08 4/15)

[ફુટનોટ]

તમે કેવી રીતે સમજાવશો?

• આપણે કેમ યહોવાહ પર પૂરો ભરોસો મૂકવો જોઈએ?

• સૌથી સારું ભણતર કયું કહેવાય?

• બારુખના દાખલામાંથી આપણે શું શીખીએ છીએ?

• કોણ કોણ આપણા માટે સરસ દાખલો બેસાડે છે અને શા માટે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૯ પર ચિત્ર]

યહોવાહ સૌથી સારું ભણતર આપે છે