સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘નકામી વાતોને’ નફરત કરીએ

‘નકામી વાતોને’ નફરત કરીએ

‘નકામી વાતોને’ નફરત કરીએ

‘નકામી વાતોને વળગી રહેનાર મૂર્ખ છે.’—નીતિવચનો ૧૨:૧૧.

૧. મોટા ભાગે આપણા બધા પાસે શું છે? એનો આપણે શામાં ઉપયોગ કરીએ છીએ?

 આપણા બધા પાસે અમુક હદે સારી તંદુરસ્તી છે. શક્તિ છે. આવડતો છે. માલ-મિલકત છે. આપણે યહોવાહને દિલોજાનથી ચાહીએ છીએ. એટલે આપણે તેમની ભક્તિમાં એનો ઉપયોગ કરીએ છીએ. બાઇબલ જણાવે છે, ‘તારા દ્રવ્યથી યહોવાહનું સન્માન કર.’—નીતિવચનો ૩:૯.

૨. બાઇબલ કઈ ચેતવણી આપે છે? એનો શું અર્થ થાય?

પરંતુ નકામી વાતોમાં સમય, આવડત, શક્તિ અને ધન-દોલત ન વાપરવા બાઇબલ આપણને ચેતવે છે: ‘પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્‍ન મળશે; પણ નકામી વાતોને વળગી રહેનાર મૂર્ખ છે.’ (નીતિવચનો ૧૨:૧૧) જે માણસ પોતાના કુટુંબની સંભાળ રાખવા સખત મહેનત કરે છે, તેના કુટુંબને રોટી, કપડાં ને મકાન મળી રહેશે. (૧ તીમોથી ૫:૮) પણ જે માણસ નકામી વાતોમાં પોતાનો સમય અને શક્તિ બગાડે છે, એ ‘મૂર્ખ’ છે. એવા માણસને જીવનની જરૂરિયાતો મેળવવાના ફાંફાં પડી જશે.

૩. નીતિવચન ૧૨:૧૧નો સિદ્ધાંત આપણે ભક્તિમાં કઈ રીતે લાગુ પાડી શકીએ?

ચાલો આપણે નીતિવચન ૧૨:૧૧નો સિદ્ધાંત ભક્તિમાં લાગુ પાડીએ. જો યહોવાહની ભક્તિ પૂરા દિલથી કરીએ, તો તેમની કૃપા આપણને મળે છે. અમર જીવનની આશા પણ મળે છે. (માત્થી ૬:૩૩; ૧ તીમોથી ૪:૧૦) પણ જે કોઈ નકામી વાતો પાછળ ટાઇમ બગાડે છે, તે યહોવાહની કૃપા ગુમાવે છે. તે અમર જીવનની આશા પણ ગુમાવી શકે. એટલે આપણે જાણવાની જરૂર છે કે કઈ વાતો નકામી છે, જેથી એવી વાતોમાં ન ફસાઈએ.—તીતસ ૨:૧૧, ૧૨ વાંચો.

૪. નકામી વાતો કોને કહેવાય?

નકામી વાતો કોને કહેવાય? એવું કંઈ પણ જે આપણને યહોવાહથી દૂર લઈ જાય, તેમની ભક્તિમાં ધીમા પાડી દે. ચાલો મનોરંજન વિષે વિચારીએ. આપણે અમુક સમય મોજશોખ પાછળ કાઢીએ એમાં વાંધો નથી. પણ જો એ યહોવાહની ભક્તિનો સમય ખાઈ જાય, તો એમાં વાંધો છે. એનાથી આપણે યહોવાહની ભક્તિમાં ધીમા પડી જઈશું. તેમની કૃપા ગુમાવીશું. (સભાશિક્ષક ૨:૨૪; ૪:૬) એટલે ધ્યાન રાખવું જોઈએ કે આપણો સમય ક્યાં જાય છે.—કોલોસી ૪:૫ વાંચો.

નકામા દેવોની ભક્તિ ન કરીએ

૫. યહોવાહે મૂર્તિઓ વિષે શું કહ્યું?

મોજશોખ કરતાં પણ મૂર્તિઓની ભક્તિ વધારે જોખમી છે. યહોવાહે પોતાના ભક્તોને કહ્યું: “તમે પોતાને સારૂ કોઈ મૂર્તિઓ ન કરો, ને પોતાને સારૂ કોઈ કોતરેલું પૂતળું કે સ્તંભ ઊભો ન કરો, ને પોતાને સારૂ તમારા દેશમાં આકૃતિઓ કોતરી કાઢેલો કોઇ પથ્થર તેની આગળ નમવા સારૂ તમે ઊભો કરશો નહિ.” (લેવીય ૨૬:૧) ઈશ્વરભક્ત દાઊદે પણ લખ્યું: ‘યહોવાહ મોટા છે, સર્વ દેવો કરતાં તે પરમપૂજ્ય છે. કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં છે.’—૧ કાળવૃત્તાંત ૧૬:૨૫, ૨૬.

૬. યહોવાહ સિવાય બીજા દેવ-દેવીઓ કેમ નકામા છે?

દાઊદે જણાવ્યું તેમ યહોવાહ મહાન છે. તેમની આખી સૃષ્ટિ એની સાબિતી આપે છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪; ૧૪૮:૧-૧૦) યહોવાહે ઈસ્રાએલીઓને પસંદ કર્યા, એ કેટલો મોટો આશીર્વાદ હતો! તેઓ મૂર્ખ હતા કે યહોવાહને છોડીને મૂર્તિઓને પગે પડ્યા ને એની ભક્તિ કરી. મુશ્કેલ સમયમાં દેવ-દેવીઓ સાવ નકામા સાબિત થયા. તેઓ પોતાને જ બચાવી શકતા નથી તો પોતાના ભક્તોને ક્યાંથી બચાવે!—ન્યાયાધીશો ૧૦:૧૪, ૧૫; યશાયાહ ૪૬:૫-૭.

૭, ૮. કઈ રીતે ‘પૈસો’ પરમેશ્વર બની શકે છે?

પહેલાંની જેમ આજે પણ લોકો મૂર્તિને પગે પડે છે. આજેય તે નકામી જ સાબિત થાય છે. (૧ યોહાન ૫:૨૧) મૂર્તિ સિવાય બીજી બાબતો વિષે પણ બાઇબલ ચેતવે છે. ઈસુએ કહ્યું, ‘કોઈથી બે ધણીની ચાકરી કરાય નહિ; કેમ કે તે એકને નફરત કરશે, ને બીજા પર પ્રીતિ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે; ઈશ્વરની તથા પૈસાની સેવા તમારાથી કરાય નહિ.’—માત્થી ૬:૨૪.

‘પૈસો’ કઈ રીતે પરમેશ્વર બને છે એ સમજવા માટે એક દાખલો લઈએ. ઈસ્રાએલના સમયમાં લોકો પથ્થરની દીવાલ બાંધતા. પથ્થરનાં ઘર બાંધતાં. પણ જો એ જ પથ્થરમાંથી મૂર્તિ કે ‘કોરેલો સ્તંભ’ બનાવે તો શું? એ ખોટું કહેવાય, કેમ કે હવે તેઓ યહોવાહને બદલે એ પથ્થરને પરમેશ્વર માનશે. (લેવીય ૨૬:૧) એ જ રીતે પૈસો જીવવા માટે જરૂરી છે. એને યહોવાહની ભક્તિમાં પણ વાપરી શકીએ. (સભાશિક્ષક ૭:૧૨; લુક ૧૬:૯) પણ જો આપણે યહોવાહની ભક્તિને બદલે પૈસા પાછળ પડી જઈએ, તો પૈસો આપણો પરમેશ્વર બની જશે. (૧ તીમોથી ૬:૯, ૧૦ વાંચો.) આજે દુનિયામાં લોકો માટે પૈસો જ પરમેશ્વર છે, પણ આપણા માટે યહોવાહ જ પરમેશ્વર છે.—૧ તીમોથી ૬:૧૭-૧૯.

૯, ૧૦. (ક) સારી રીતે ભણવાથી શું ફાયદો થશે? (ખ) કૉલેજ-યુનિવર્સિટીમાં જવામાં કયું જોખમ છે?

હવે આપણે ભણતરનો દાખલો લઈએ. બાળક સારું ભણે-ગણે ને જીવનમાં આગળ વધે એ કોને ન ગમે! બાળક સારું ભણશે તો યહોવાહની ભક્તિમાં પણ આગળ વધશે. સારી રીતે બાઇબલ વાંચશે. એના સિદ્ધાંતો સમજીને સારા નિર્ણયો લેશે. બીજાને બાઇબલમાંથી સારી રીતે શીખવશે. બાળક ભણવા પાછળ જે વર્ષો કાઢે છે, એ નકામા નથી જતાં.

૧૦ હવે સવાલ થાય કે ભણવું તો કેટલું ભણવું? ઘણા માને છે કે કૉલેજ-યુનિવર્સિટીમાં તો જવું જ જોઈએ. જીવનમાં આગળ વધવા બે-ત્રણ ડિગ્રીઓ તો જોઈએ જ. જેઓ વધારે ભણવા કૉલેજ-યુનિવર્સિટીમાં જાય છે, તેઓ જ્ઞાનનો ભંડાર તો મેળવી લે છે, પણ પછી ભાગ્યે જ ઈશ્વરને યાદ કરે છે. તેઓમાંના ઘણા દુનિયાની ફિલસૂફીમાં ખોવાઈ જાય છે. આપણા યુવાનો વિષે શું? તેઓએ પોતાનાં કીમતી વર્ષો એવા ભણતર પાછળ બગાડવાને બદલે, યહોવાહની ભક્તિમાં વાપરવાં જોઈએ. (સભાશિક્ષક ૧૨:૧) કૉલેજ-યુનિવર્સિટીમાં જવાથી કદાચ કોઈ થોડાં વર્ષો સુખી થાય. પણ આપણા યુવાનો હંમેશાં સુખી થવા માટે યહોવાહમાં ભરોસો મૂકે છે.—નીતિવચનો ૩:૫.

મન ફાવે તેમ ન કરો

૧૧, ૧૨. પાઊલે કેમ અમુક વિષે કહ્યું કે ‘પેટ તેઓનો દેવ’ છે?

૧૧ ઈશ્વરભક્ત પાઊલે એવા લોકો વિષે જણાવ્યું, જેઓએ યહોવાહને છોડી દીધા હતા. તે કહે છે: ‘એવી રીતે ચાલનારા ઘણા છે, કે જેઓના વિષે મેં ઘણી વાર કહ્યું, ને હમણાં પણ રડતાં રડતાં કહું છું, કે તેઓ ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓ છે: વિનાશ તેઓનો અંત, પેટ તેઓનો દેવ, અને શરમમાં તેઓનું અભિમાન છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.’ (ફિલિપી ૩:૧૮, ૧૯) અહીં પાઊલ જણાવે છે કે અમુક લોકોનો ભગવાન તેઓનું પેટ હતું. એ કઈ રીતે?

૧૨ એવા લોકો યહોવાહની ભક્તિને બદલે, ખાઈ-પીને જલસા કરવામાં માનતા હતા. અમુક તો ખાઉધરા અને દારૂડિયા હતા. (નીતિવચનો ૨૩:૨૦, ૨૧; વધુ માહિતી: પુનર્નિયમ ૨૧:૧૮-૨૧) જ્યારે કે બીજાઓ યહોવાહની ભક્તિને બાજુએ મૂકીને, મોજશોખમાં ડૂબી ગયા. આપણે ધ્યાન રાખીએ કે આપણે એવા મોજશોખમાં ખોવાઈ ન જઈએ. પણ યહોવાહની ભક્તિ હંમેશાં જીવનમાં પહેલી રાખીએ.—કોલોસી ૩:૨૩, ૨૪.

૧૩. (ક) લોભ એટલે શું? એ વિષે પાઊલે શું જણાવ્યું? (ખ) લોભી ન બનવા આપણે શું કરવું જોઈએ?

૧૩ આપણે લોભથી પણ દૂર રહેવું જોઈએ. લોભ એટલે કે પારકી વસ્તુ પોતાની કરી લેવાની ઇચ્છા. ભલે પછી એ ધન-દોલત કે પારકી પત્ની માટેની ઇચ્છા હોય. (નિર્ગમન ૨૦:૧૭) પાઊલે લખ્યું, ‘એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વાસના, ભૂંડી ઇચ્છા તથા લોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.’ (કોલોસી ૩:૫) લોભ મૂર્તિપૂજા કરવા બરાબર છે. આપણે એવી ઇચ્છા મનમાં પણ ન લાવીએ. ઈસુએ સાફ સાફ જણાવ્યું કે કોઈ પણ કિંમતે આવી ઇચ્છાઓથી દૂર રહીએ.—માર્ક ૯:૪૭ વાંચો; ૧ યોહાન ૨:૧૬.

નકામી વાતોમાં ન ફસાઈએ

૧૪, ૧૫. (ક) કઈ ‘નકામી વાતોને’ લીધે યિર્મેયાહના સમયમાં લોકો માર્યા ગયા? (ખ) મુસાની વાત કેમ નકામી ન હતી?

૧૪ યહોવાહે યિર્મેયાહને કહ્યું, ‘પ્રબોધકો મારે નામે અસત્ય પ્રબોધ કરે છે; મેં તેઓને મોકલ્યા નથી, ને તેઓને આજ્ઞા આપી નથી, ને હું તેઓની સાથે બોલ્યો નથી; તેઓ ખોટું સંદર્શન, શકુન, નકામી વાત, તથા પોતાના હૃદયનું કપટ તમને પ્રબોધ તરીકે કહે છે.’ (યિર્મેયાહ ૧૪:૧૪) અમુક પ્રબોધકો યહોવાહને નામે પ્રબોધ કરવાનો દાવો કરતાʼતા. પણ તેઓ પોતાના વિચારો ફેલાવતા હતા. એ ‘નકામી વાત’ યહોવાહના લોકો માટે ખતરો હતી. ઈ.સ. પૂર્વે ૬૦૭માં જેઓ બાબેલોનના હાથે માર્યા ગયા, તેઓમાંના ઘણા એવી નકામી વાતોમાં આવી ગયા હતા.

૧૫ પણ બધા જ પ્રબોધકો નકામી વાત કરતા ન હતા. મુસાએ ઈસ્રાએલીઓને કહ્યું, ‘જે સર્વ વાતોની હું આજે તમારી આગળ સાક્ષી પૂરું છું તે પર તમારૂં મન લગાડો; કેમ કે તે તમારે માટે નકામી વાત નથી; તેમાં તો તમારૂં જીવન છે, ને જે દેશનો કબજો લેવા તમે યરદન પાર જાઓ છો તેમાં રહીને તમે એ વાતથી લાંબું જીવશો.’ (પુનર્નિયમ ૩૨:૪૬, ૪૭) યહોવાહના આ વિચારો મુસાએ લખ્યા હતા. ઈસ્રાએલી પ્રજા માટે એ શબ્દો અનમોલ હતા. એ માનીને તેઓ સુખી થયા. ચાલો આપણે પણ ફક્ત યહોવાહના શબ્દો જ માનીએ, નકામી વાતોથી દૂર રહીએ.

૧૬. માણસ અને ઈશ્વરની સમજણ વિષે વાત કરીએ ત્યારે, હંમેશાં કોણ સાચું હોય છે?

૧૬ આજે લોકો કેવી નકામી વાતોમાં માને છે? એક તો વૈજ્ઞાનિકો ઉત્ક્રાંતિમાં માને છે. તેઓને પોતાની શોધખોળનું અભિમાન છે. તેઓનું કહેવું છે કે બધું આપમેળે કુદરતી રીતે જ થાય છે. એટલે અમુક વૈજ્ઞાનિકો કહે છે કે ભગવાનની કોઈ જરૂર નથી. પણ તેઓ ભલે ગમે એ કહે, ઈશ્વરના જ્ઞાનની આગળ માણસનું જ્ઞાન કંઈ જ નથી. (૧ કોરીંથી ૨:૬, ૭) માણસ અને ઈશ્વરની સમજણ વિષે વાત કરીએ તો ઈશ્વર જ હંમેશાં સાચા હોય છે. (રૂમી ૩:૪ વાંચો.) ખરું કે સાયન્સે પ્રગતિ કરી છે, પણ એ ‘ઈશ્વરની આગળ મૂર્ખતા જ છે.’—૧ કોરીંથી ૩:૧૮-૨૦.

૧૭. બીજા કોણ નકામી વાત ફેલાવે છે? તેઓનું માનનારાનું શું થશે?

૧૭ વૈજ્ઞાનિકો સિવાય પાદરીઓ પણ નકામી વાતો કરે છે. તેઓ ઈશ્વર વિષે શીખવવાનો દાવો તો કરે છે, પણ બાઇબલ પ્રમાણે શીખવતા નથી. જેઓ યહોવાહને છોડી ગયા છે, તેઓમાંના અમુક પણ નકામી વાતો કરે છે. તેઓ પોતાને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” કરતાં વધારે જ્ઞાની માને છે. (માત્થી ૨૪:૪૫-૪૭) એવા લોકો નકામી ફિલસૂફીઓ શીખવે છે. તેઓનું માનનારા પણ તેઓની જેમ જ ભટકી જશે. (લુક ૧૭:૧, ૨) ચાલો જોઈએ કે કઈ રીતે તેઓની નકામી વાતોમાં આપણે ન આવીએ.

નકામી વાત ન માનીએ

૧૮. ૧ યોહાન ૪:૧ની સલાહ કેવી રીતે લાગુ પાડી શકીએ?

૧૮ નકામી વાતો વિષે યોહાને પણ સલાહ આપી હતી. (૧ યોહાન ૪:૧ વાંચો.) એ આપણે પ્રચારમાં પણ લાગુ પાડી શકીએ. વ્યક્તિને આપણે ઉત્તેજન આપીએ કે તેની માન્યતા ખરી છે કે કેમ, એ બાઇબલમાંથી તપાસે. આપણે પણ એમ જ કરવું જોઈએ. માનો કે કોઈ સત્ય પર શંકા ઉઠાવે, મંડળ વિષે ખોટી વાતો ફેલાવે, વડીલો કે ભાઈઓ પર આરોપ મૂકે. એ આપણે આંખો મીંચીને માની ન લઈએ. પહેલા વિચારીએ કે ‘વ્યક્તિ જે વાતો ફેલાવે છે એ શું બાઇબલ પ્રમાણે છે? એ વાતો યહોવાહનું નામ રોશન કરે છે? શું એનાથી મંડળમાં સંપ વધશે?’ ભાઈઓનો સંપ તોડાવતી કોઈ પણ વાત નકામી છે.—૨ કોરીંથી ૧૩:૧૦, ૧૧.

૧૯. વડીલો સલાહ આપતી વખતે શું ધ્યાનમાં રાખશે?

૧૯ વડીલોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે. તેઓએ પોતાની બુદ્ધિ પ્રમાણે સલાહ ન આપવી જોઈએ. વડીલો બધું જ જાણતા નથી. એટલે તેઓએ બાઇબલ પ્રમાણે જ સલાહ આપવી જોઈએ. બાઇબલ કહે છે: “જે લખેલું છે તેની હદ ઓળંગીને જવું નહિ.” (૧ કોરીંથી ૪:૬) વડીલો બાઇબલની આ સલાહ માને છે. સંસ્થા પાસેથી આવતા માર્ગદર્શન પ્રમાણે જ મંડળને દોરે છે.

૨૦. નકામી વાતોમાં ન ફસાવા આપણને ક્યાંથી મદદ મળે છે?

૨૦ આપણે જોઈ ગયા તેમ, અનેક નકામી બાબતો આપણને ફસાવી શકે છે. એવી નકામી બાબતોમાં ન ફસાવા આપણે શું કરવું જોઈએ? ‘નકામી વાતો’ પારખવા યહોવાહની મદદ માગીએ. તેમનું માર્ગદર્શન લઈએ. તેમને પ્રાર્થના કરીએ કે ‘નકામી વાતોથી મારી દૃષ્ટિ ફેરવ; તારા માર્ગ વિષે મને આતુર કર.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭) આવતા લેખમાં આપણે ચર્ચા કરીશું કે યહોવાહના માર્ગમાં ચાલવું કેમ મહત્ત્વનું છે. ( w08 4/15)

તમે સમજાવી શકો?

• નકામી વાતો કોને કહેવાય?

• પૈસો પરમેશ્વર ન બને માટે શું કરવું જોઈએ?

• મનની ઇચ્છાઓ કઈ રીતે મૂર્તિપૂજા બને છે?

• નકામી વાતો ન માનવા શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૧ પર ચિત્ર]

યહોવાહની ભક્તિને આડે કોઈ લાલચ આવવા ન દો