સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરનાં કુટુંબમાં આવો

પરમેશ્વરનાં કુટુંબમાં આવો

પરમેશ્વરનાં કુટુંબમાં આવો

અમુક વર્ષો પહેલાં કોરિયામાં લડાઈ થઈ હતી. એના લીધે અનેક કુટુંબો વિખૂટાં પડી ગયાં. એના લગભગ ત્રીસેક વર્ષ પછી કોરિયાની બ્રોડકાસ્ટિંગ સંસ્થાએ કુટુંબોને ભેગાં કરવા એક યોજના કરી. પરિણામે લગભગ ૧૧,૦૦૦ લોકો પોતાના સગાં-વહાલાંને ફરી મળી શક્યા. હજારો લોકો ખુશીના આંસુ રોકી ન શક્યા. કોરિયા ટાઇમ્સ ન્યૂઝ પેપરે આમ કહ્યું: ‘હજારો લોકો એકબીજાને ખુશીથી ભેટી પડ્યા. કોરિયાના ઇતિહાસમાં પહેલી વખત આવ્યું બન્યું.’

બ્રાઝિલમાં એક માએ દેવું ચૂકવવા પોતાના દીકરા સેઝારને વેચી દીધો. તેના પાલક માબાપ ખૂબ અમીર હતા. તેમ છતાં તેઓ સાથે ૧૦ વર્ષ રહ્યા પછી સેઝારે પોતાની સગી માતાને શોધી કાઢી, અને સાથે રહેવા ગયો.

વિખૂટા પડી ગયેલા કુટુંબના સભ્યો જ્યારે પાછા મળે છે ત્યારે તેમની ખુશીનો પાર રહેતો નથી. બાઇબલ જણાવે છે કે ઇન્સાન પણ ઈશ્વરથી દૂર ચાલ્યો ગયો છે. ઈશ્વરથી વિખૂટો પડી ગયો છે. તોપણ અમુક વ્યક્તિઓ ઈશ્વર સાથે ફરીથી નાતો બાંધી શકે છે. કઈ રીતે?

કેવી રીતે પરમેશ્વરનું કુટુંબ વેર-વિખેર થઈ ગયું

ગીતશાસ્ત્રના એક લેખકે ઈશ્વર યહોવાહ વિષે કહ્યું કે “જીવનનો ઝરો તારી પાસે છે.” (ગીતશાસ્ત્ર ૩૬:૯) યહોવાહે વિશ્વને રચ્યું છે. સ્વર્ગમાં તેમણે કરોડો-કરોડો દૂતો બનાવ્યા હતા, જેમને પોતાના દીકરાઓ તરીકે ગણે છે. પૃથ્વી પર તેમણે ઇન્સાનને બનાવ્યો હતો. તેને પણ પોતાના સંતાન તરીકે ગણ્યો.

અગાઉના લેખમાં આપણે જોઈ ગયા કે પૃથ્વી પરના પ્રથમ દીકરા આદમે જાણીજોઈને ઈશ્વરની આજ્ઞા તોડી. એને લીધે આખી માણસજાત આપણા સર્જનહાર અને પિતા યહોવાહથી દૂર ચાલી ગઈ. (લુક ૩:૩૮) આદમના પાપને લીધે તેણે અને તેના સર્વ સંતાનોએ યહોવાહના બાળકો તરીકે ઓળખાવાનો હક ગુમાવ્યો. યહોવાહે ઈશ્વરભક્ત મુસા દ્વારા આદમના પાપના પરિણામ વિષે કહ્યું કે “તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, તેઓ [ઈશ્વરના] છોકરાં રહ્યા નથી, એ તેઓની એબ [ખામી] છે.” તેઓની એ ‘ખામી’ કે પાપને લીધે ઇન્સાન પરમપવિત્ર ઈશ્વરથી દૂર ચાલ્યો ગયો. (પુનર્નિયમ ૩૨:૪, ૫; યશાયાહ ૬:૩) ઇન્સાન જાણે અનાથ થઈ ગયો.—એફેસી ૨:૧૨.

માણસજાત ઈશ્વરથી એટલી દૂર ચાલી ગઈ કે બાઇબલ તેઓને “શત્રુ” તરીકે ગણે છે. (રૂમી ૫:૮, ૧૦) ઈશ્વરથી દૂર હોવાથી માણસજાત શેતાનના રાજમાં ખૂબ જ દુઃખ સહન કરે છે. પાપને લીધે તેઓ પર મોત પણ આવ્યું છે. (રૂમી ૫:૧૨; ૧ યોહાન ૫:૧૯) શું ઇન્સાન ફરીથી ઈશ્વર સાથે નાતો બાંધી શકે? પાપ કર્યા પહેલાં આદમ ઈશ્વરના દીકરા તરીકે ગણાતો હતો. શું આપણે પણ કદી એમના સંતાનો તરીકે ઓળખાઈશું?

વિખૂટાં પડેલાં કુટુંબને ઈશ્વર ભેગું કરે છે

યહોવાહે ગોઠવણ કરી છે જેથી જે વ્યક્તિઓ તેમને ચાહે છે તેઓ તેમની સાથે નાતો બાંધી શકે. (૧ કોરીંથી ૨:૯) ઈશ્વરભક્ત પાઊલે કહ્યું: ‘ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ ધ્યાનમાં લેતો નથી.’ (૨ કોરીંથી ૫:૧૯) અગાઉના લેખમાં જોઈ ગયા તેમ ઈસુની કુરબાની અપાવીને યહોવાહે આપણાં પાપોને માફ કરવાનાં પગલાં લીધાં છે. (માત્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬) એટલે પ્રેરિત યોહાને યહોવાહ વિષે કહ્યું હતું: “જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવનાં છોકરાં કહેવાઈએ.” (૧ યોહાન ૩:૧) જેઓ ઈશ્વરના કહ્યા પ્રમાણે જીવવા ચાહે છે, તેઓ માટે ઈશ્વર સાથે નાતો બાંધવાનો માર્ગ ખુલ્યો છે.

જેઓ ઈશ્વર સાથે નાતો બાંધશે તેઓ ખૂબ જ આનંદ અનુભવશે. બાઇબલ જણાવે છે કે ઈશ્વરનું કુટુંબ બે ભાગમાં વહેચાયેલું છે. બાઇબલ આ પ્રમાણે કહે છે ‘ઈશ્વરે પોતાનો નિર્ણય ખ્રિસ્ત દ્વારા પૂરો કરવાનું નક્કી કર્યું હતું. એ રીતે તે સ્વર્ગ અને પૃથ્વી પરનાં સર્વ સર્જનને એક કરવાના છે; એ હેતુ તે યોગ્ય સમયે પૂર્ણ કરશે.’ (એફેસી ૧:૯, ૧૦, કોમન લેંગ્વેજ) ઈશ્વરે શા માટે આવી ગોઠવણ કરી છે?

ઈશ્વરનું કુટુંબ એક મોટી પ્રજા જેવું છે. જેમ પ્રજામાંથી અમુક જણને સરકારમાં કામ કરવાનો મોકો મળે છે, એવી જ રીતે યહોવાહની પ્રજામાંથી પણ અમુકને સ્વર્ગમાં રાજ કરવાનો મોકો મળ્યો છે. કોઈ માનવીય સરકાર સુખ-શાંતિ લાવી શકી નથી, પણ ઈશ્વર પોતાની સરકાર દ્વારા એ લાવશે. ઈશ્વરના કુટુંબમાં બે ગ્રૂપ છે. એમાં કોનો સમાવેશ થાય છે? પહેલું ગ્રૂપ સ્વર્ગમાં હશે. અને એમાં યહોવાહ એવી વ્યક્તિઓને પસંદ કરશે જે તેમની સરકારમાં કામ કરશે. ‘તેઓ પૃથ્વી પર રાજા તરીકે રાજ કરશે.’ (પ્રકટીકરણ ૫:૧૦) ભલે યહોવાહે તેમના સંતાનોને જુદા-જુદા બે ગ્રૂપમાં વહેંચ્યાં છે, છતાં આખા કુટુંબમાં સંપ છે.

પૃથ્વી પરનું ઈશ્વરનું કુટુંબ

હવે ઈશ્વરના પૃથ્વી પરના કુટુંબ વિષે જોઈએ. એમાં કોનો સમાવેશ થાય છે? એમાં પૃથ્વી પરના લાખો લોકો આવી જાય છે. ઈશ્વર પૃથ્વી પરનાં’ લાખો લોકોને ભેગાં કરે છે, જેથી તેમનાં બાળકો બની શકે. ઈશ્વર પ્રેમના સાગર છે, તે તેઓને પ્રેમ વિષે શીખવે છે. જેથી સર્વ એકરાગમાં યહોવાહની ભક્તિ કરતા રહે. એમાં કેવા કેવા લોકોનો સમાવેશ થાય છે? જેઓ પહેલાં ક્રૂર, સ્વાર્થી અને વ્યભિચારી હતા તેઓ આજે બદલાઈને ‘ઈશ્વરની સાથે સમાધાન કરી’ રહ્યા છે.—૨ કોરીંથી ૫:૨૦.

જેઓ ઈશ્વર સાથે સમાધાન કરવા ચાહતા નથી તેઓનું શું થશે? યહોવાહ પોતાના કુટુંબમાં શાંતિ જાળવવા ચોક્કસ પગલાં લેશે. યહોવાહે ‘ન્યાયકરણનો દિવસ નક્કી કર્યો છે. ત્યારે અધર્મી માણસનો નાશ કરશે.’ (૨ પીતર ૩:૭) પણ યહોવાહના ભક્તો ખરી શાંતિ અનુભવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.

દુષ્ટોના નાશ પછી એક હજાર વર્ષ સુધી સુખ-શાંતિ હશે. જેઓ એ સમયે તેમના માર્ગે ચાલતા હશે, તેઓમાંથી ધીરે ધીરે બધી ખામીઓ દૂર થશે. તેઓ આદમને શરૂઆતમાં બનાવ્યો હતો એવા બનશે. ત્યારે ગુજરી ગયેલાઓને પાછા જીવતા કરવામાં આવશે. (યોહાન ૫:૨૮, ૨૯; પ્રકટીકરણ ૨૦:૬; ૨૧:૩, ૪) ઈશ્વર પોતાનું આ વચન પૂરું કરશે: “સૃષ્ટિ [માણસ] પોતે પણ એક દિવસ વિનાશીપણાની ગુલામીમાંથી મુક્ત થશે, અને ઈશ્વરના પુત્રો સાથે મહિમાવંત સ્વતંત્રતાની ભાગીદાર થશે.”—રૂમી ૮:૨૧.

ઈશ્વરની સાથે એકતામાં આવો

કોરિયાની બ્રોડકાસ્ટિંગ સંસ્થાની ગોઠવણ પ્રમાણે લોકોએ પગલાં લીધાં ત્યારે જ તેઓ કુટુંબ સાથે ફરી ભેગા થઈ શક્યા. એ જ રીતે સેઝારે પણ પોતાના અસલી માબાપને શોધી કાઢ્યા ત્યારે જ પોતાનાં કુટુંબનો પ્રેમ અનુભવ્યો. એવી જ રીતે આપણે પણ ઈશ્વરને ઓળખવા પગલાં લેવાં જોઈએ. તેમની સાથે નાતો બાંધવો જોઈએ. તો જ તેમનાં કુટુંબનો પ્રેમ અનુભવી શકીશું. એમ કરવા શું કરવું જોઈએ?

ઈશ્વર સાથે નાતો બાંધવા આપણે બાઇબલમાંથી શીખવું જોઈએ. એમ કરવાથી ઈશ્વર પર આપણી શ્રદ્ધા વધશે. ભરોસો વધશે. એનાથી ઈશ્વર સાથે આપણો નાતો પાકો થશે. બાઇબલ કહે છે કે “જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે દેવ વર્તે છે; કેમ કે એવો કયો દીકરો છે, કે જેને બાપ શિક્ષા કરતો નથી?”—હેબ્રી ૧૨:૭.

બાઇબલમાંથી શીખવાથી તમારા જીવનમાં સુધારો થશે. બાઇબલ કહે છે: “હવે તમારાં વલણો અને વિચારોમાં સતત નવીનતા આવે એ જરૂરી છે. તમે પવિત્ર, ન્યાયી અને નવી વ્યક્તિ બનો અને આ નવો સ્વભાવ પહેરી લો.” (એફેસી ૪:૨૩, ૨૪, IBSI) ઈશ્વરભક્ત પીતરે પણ એવું જ ઉત્તેજન આપ્યું: “ઈશ્વરને આધીન થાઓ કેમ કે તમે તેમનાં સંતાન છો; ભૂંડાઈના જે માર્ગો તમે છોડી દીધા છે ત્યાં પાછા જાઓ નહિ, કારણ કે તે વખતે તમે અજ્ઞાન હતા.”—૧ પિતર ૧:૧૪, IBSI.

પરમેશ્વરનાં કુટુંબને શોધી કાઢવું

જ્યારે સેઝાર તેની મમ્મી અને ભાઈ-બહેનને મળ્યો ત્યારે તેનો આનંદ માતો ન હતો. એ જ રીતે આપણે યહોવાહને ઓળખીએ, તેમના ભક્તો સાથે સંગત રાખીએ. પછી આપણે પણ એવો જ આનંદ અનુભવીશું. આપણે તેઓ સાથે સંગત રાખીશું તેમ તેઓને ઓળખી શકીશું અને પોતાના કુટુંબ જેવું અનુભવીશું.—પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૪, ૧૫; હેબ્રી ૧૦:૨૪, ૨૫.

હા, તમે પણ યહોવાહ અને તેમના ભક્તો સાથે નાતો બાંધીને ખરો પ્રેમ અનુભવી શકો. એમ કરવાથી તમે સેઝાર અને કોરિયાના લોકોની જેમ ખરો પ્રેમ મેળવી શકશો. ( wp08 3/1)

[પાન ૭ પર ચિત્ર]

૧૯ વર્ષનો સેઝાર તેની મમ્મી સાથે