સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યોહાનના મુખ્ય વિચારો

યોહાનના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

યોહાનના મુખ્ય વિચારો

‘જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા,’ એ યોહાન હતા. ઈસુના જીવન અને પ્રચાર કામ વિષે લખનાર તે સૌથી છેલ્લા હતા. તેમનું લખાણ આજે બાઇબલમાં જોવા મળે છે. (યોહાન ૨૧:૨૦) યોહાનનું પુસ્તક ૯૮ની સાલમાં લખવામાં આવ્યું. આ પુસ્તકમાં ઈસુ વિષે જે લખાયું છે, એ માત્થી, માર્ક અને લુકનાં લખાણો કરતાં ઘણું અલગ છે.

આ પુસ્તક કેમ લખાયું એ વિષે યોહાને જણાવ્યું, “ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરનો દીકરો છે, એવો તમે વિશ્વાસ કરો; અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે.” (યોહાન ૨૦:૩૧) આજે પણ એમાંથી ઘણું શીખવા મળે છે.—હેબ્રી ૪:૧૨.

‘જુઓ, ઈશ્વરનું હલવાન’

(યોહાન ૧:૧–૧૧:૫૪)

યોહાન બાપ્તિસ્મકે ઈસુને જોઈને કહ્યું, ‘જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ હરણ કરે છે!’ (યોહાન ૧:૨૯) ઈસુ સમરૂન, ગાલીલ, યહુદા અને યરદનની પૂર્વમાં આવેલાં ગામોમાં ગયા. ત્યાં તેમણે પ્રચાર કર્યો અને ચમત્કારો પણ કર્યા. એટલે ઘણા ‘તેમની પાસે આવ્યા અને તેમના પર વિશ્વાસ કર્યો.’—યોહાન ૧૦:૪૧, ૪૨.

ઈસુએ લાજરસને સજીવન કર્યો એ એક મોટો ચમત્કાર હતો. લાજરસ ચાર દિવસથી મરણ પામ્યો હતો. તોપણ ઈસુએ તેને સજીવન કર્યો. એ જોઈને ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો. પણ મુખ્ય યાજકો અને ફરોશીઓને એ જરાય ન ગમ્યું. તેઓ ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા માંડ્યા. એ ખબર પડતા જ ઈસુ ત્યાંથી ‘રાનની પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા.’—યોહાન ૧૧:૫૩, ૫૪.

સવાલ-જવાબ:

૧:૩૫, ૪૦—યોહાન બાપ્તિસ્મક પોતાના બે શિષ્યો સાથે ઊભા રહેલા હતા. એક આંદ્રિયા હતા તો બીજું કોણ હતું? આ પુસ્તક લખનાર જ્યારે યોહાન બાપ્તિસ્મકની વાત કરતા હોય તો “યોહાન” કહે છે. પણ પોતાની વાત હોય તો પોતાનું નામ લખતા નથી. એટલે અહીં બીજી વ્યક્તિ આ પુસ્તક લખનાર યોહાન પોતે જ હતા.

૨:૨૦—કયા મંદિરને બાંધતા “છેંતાળીસ વર્ષ લાગ્યાં” હતા? યહુદીઓ ઝરૂબ્બાબેલના મંદિરની વાત કરતા હતા, જેનું સમારકામ રાજા હેરોદે કર્યું હતું. ઇતિહાસકાર જોસેફસ પ્રમાણે એ કામ લગભગ ઈસવીસન પૂર્વે ૧૮/૧૭માં અથવા હેરોદની સત્તાના ૧૮માં વર્ષે શરૂ થયું. એ મંદિરનું સમારકામ લગભગ ૮ વર્ષમાં પૂરું થયું. પરંતુ મંદિરની ચારે બાજુની દીવાલો, આંગણું વગેરે લગભગ ઈસવીસન ૩૦માં પૂરા થયા. એટલે યહુદીઓએ કહ્યું કે એ મંદિર ૪૬ વર્ષમાં બંધાયું હતું.

૫:૧૪—શું પાપ કરવાથી બીમારી આવે છે? ના, એવું નથી. ઈસુએ જેને સાજો કર્યો એ ૩૮ વર્ષથી બીમાર હતો. એ બીમારી તેના પાપને કારણે નહીં, પણ આદમથી મળેલા વારસાને લીધે હતી. (યોહાન ૫:૧-૯) તો પછી શા માટે ઈસુએ કહ્યું કે “તું પાપ ન કર?” કેમ કે જે કોઈ જાણીજોઈને પાપ કરે છે, તે યહોવાહની કૃપા ગુમાવે છે. તે મરણ પામે તો તેને સજીવન ન પણ કરવામાં આવે. એટલે પેલા માણસે ઈશ્વરના માર્ગમાં જ ચાલવાની જરૂર હતી.—માત્થી ૧૨:૩૧, ૩૨; લુક ૧૨:૧૦; હેબ્રી ૧૦:૨૬, ૨૭.

૫:૨૪, ૨૫—‘મરણમાંથી નીકળીને જીવનમાં આવનારા’ કોણ છે? ઈસુ એવા લોકોની વાત કરતા હતા, જેઓ ઈશ્વરને ઓળખતા ન હતા. પણ જ્યારે તેઓએ ઈસુનો સંદેશો સાંભળ્યો, ત્યારે તેમના પર વિશ્વાસ મૂક્યો. તેઓએ ખોટા માર્ગો છોડી દીધા. ઈશ્વરના માર્ગ પર ચાલ્યા. એટલે તેઓને અમર જીવનની આશા મળી. (૧ પીતર ૪:૩-૬) આ રીતે તેઓ જાણે ‘મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા.’

૫:૨૬; ૬:૫૩—‘પોતામાં જીવન રાખવાનો’ અર્થ શું થાય? અહીં ઈસુ, સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો અને પૃથ્વી પરના ભક્તોની વાત થાય છે. ઈસુને ‘પોતામાં જીવન રાખવાની’ શક્તિ યહોવાહે આપી છે. એનાથી ઈસુ બીજાઓને સજીવન કરી શકે છે. તેમ જ, ઈસુ દ્વારા જ આપણે યહોવાહ સાથે સંબંધ બાંધી શકીએ છીએ. સ્વર્ગમાં જનારા એ રીતે ‘પોતામાં જીવન રાખે’ છે કે તેઓ સજીવન થઈને સ્વર્ગમાં જાય, ત્યારે તેઓને અમર જીવન મળે છે. પૃથ્વી પરના ભક્તો ક્યારે ‘પોતામાં જીવન રાખી’ શકશે? ઈસુનું હજાર વર્ષનું રાજ પૂરું થયા પછી, જ્યારે તેઓ આખરી કસોટીમાંથી પસાર થઈ જશે, પછી જ તેઓને અમર જીવન મળશે.—૧ કોરીંથી ૧૫:૫૨, ૫૩; પ્રકટીકરણ ૨૦:૫, ૭-૧૦.

૬:૬૪—ઈસુએ બાર શિષ્યો પસંદ કર્યા ત્યારે, શું તે જાણતા હતા કે યહુદા ઈસકારીઓત દગો કરશે? ના, એવું લાગતું નથી. પણ ૩૨ની સાલમાં તેમણે શિષ્યોને કહ્યું, “તમારામાંનો એક જણ તો શેતાન છે.” કદાચ એ સમયથી ઈસુએ જોયું હશે કે યહુદા ઈસકારીઓતે ખોટા માર્ગે જવાનું શરૂ કર્યું હતું.—યોહાન ૬:૬૬-૭૧.

આપણે શું શીખી શકીએ?

૨:૪. ઈસુ કહેતા હતા કે પોતે ઈશ્વરના દીકરા હોવાથી તેમના જ માર્ગદર્શન પ્રમાણે જીવશે. ખરું કે ઈસુએ પોતાને સોંપેલું કામ હજુ શરૂ જ કર્યું હતું. તેમણે પોતાનું બલિદાન પણ આપવાનું હતું. પણ તેમની પાસે ઘણો સમય ન હતો. એટલે ઈસુ ચાહતા ન હતા કે યહોવાહે સોંપેલા કામની આડે કોઈ પણ આવે, ભલેને પછી એ પોતાની મા હોય. આપણે પણ ઈસુ જેવું જ વલણ રાખીએ.

૩:૧-૯. નિકોદેમસ યહુદીઓના અધિકારી હતા. ઈસુ સુથારના દીકરા હતા તોપણ, નિકોદેમસ યહોવાહ વિષે ચર્ચા કરવા તેમની પાસે જાય છે. તે માનતા હતા કે યહોવાહે ઈસુને મોકલ્યા છે. છતાંયે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે એ તેમના શિષ્ય ન બન્યા. કદાચ તેમને માણસની બીક હતી. તેમની સત્તા જતી રહેવાની બીક હતી અથવા ધન-દોલત પર વધારે પ્રેમ હતો. આમાંથી શીખીએ છીએ કે આપણે નિકોદેમસ જેવી નમ્રતા કેળવીએ, પણ ઈસુ ‘પાછળ ચાલવા’ કોઈની બીક ન રાખીએ.—લુક ૯:૨૩.

૪:૨૩,૨૪. આપણે બાઇબલના નીતિ-નિયમો પ્રમાણે જીવીએ. યહોવાહની શક્તિથી તેમના માર્ગ પર ચાલીએ. એમ કરવાથી આપણા પર યહોવાહના આશીર્વાદ રહેશે.

૬:૨૭. જે “અન્‍ન અનંતજીવન સુધી ટકે છે,” એને માટે “મહેનત” કરવાનો અર્થ શું થાય? એ જ કે યહોવાહને ઓળખીએ. મન લગાડીને તેમના વિષે શીખીએ. એનાથી આપણે સુખી થઈશું.—માત્થી ૫:૩.

૬:૪૪. યહોવાહે પ્રચાર કામ દ્વારા આપણને ઈસુ વિષે શીખવ્યું છે. તેમની શક્તિથી નીતિ-નિયમો શીખવ્યા છે. આ રીતે યહોવાહ આપણી ભક્તિની તરસ છીપાવે છે.

૧૧:૩૩-૩૬. આપણી લાગણીઓ વ્યક્ત કરીએ, એનો અર્થ એ નથી કે આપણે કમજોર છીએ.

“મારી પાછળ આવ”

(યોહાન ૧૧:૫૫–૨૧:૨૫)

૩૩ની સાલનું પાસ્ખાપર્વ પાસે આવ્યું તેમ, ઈસુ બેથાનીઆમાં આવ્યા. નવમી નીસાને ઈસુ ગધેડાના વછેરા પર બેસીને યરૂશાલેમમાં આવ્યા. દસમી નીસાને તે મંદિરમાં આવ્યા. તેમણે પ્રાર્થના કરી કે યહોવાહના નામનો મહિમા ચારેય બાજુ ફેલાય. એના જવાબમાં સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે “મેં તેનો મહિમા પ્રગટ કર્યો છે, અને ફરી કરીશ.”—યોહાન ૧૨:૨૮.

ઈસુએ શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું. પછી તેમણે શિષ્યોને સલાહ આપીને તેઓ માટે પ્રાર્થના કરી. ઈસુને ગિરફતાર કરીને ન્યાયસભામાં લઈ જવાયા. તેમને ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યા. છેલ્લે ઈસુને સજીવન કરવામાં આવ્યા.

સ્વાલ-જવાબ:

૧૪:૨—ઈસુ કેવી રીતે સ્વર્ગમાં જનારા માટે ‘જગ્યા તૈયાર કરવાના’ હતા? સૌથી પહેલા તો ઈસુએ પોતાનું બલિદાન આપ્યું. પછી સ્વર્ગમાં જઈને પોતાના કીમતી રક્તનું મૂલ્ય યહોવાહને ધર્યું. ૧૯૧૪માં યહોવાહે ઈસુને રાજા બનાવ્યા. ત્યાર પછી સ્વર્ગમાં જવાની આશાવાળા જે ભાઈ-બહેનો ગુજરી ગયા હતા, તેઓને સજીવન કરવામાં આવ્યા.—૧ થેસ્સાલોનીકી ૪:૧૪-૧૭; હેબ્રી ૯:૧૨, ૨૪-૨૮; ૧ પીતર ૧:૧૯; પ્રકટીકરણ ૧૧:૧૫.

૧૯:૧૧—ઈસુએ પીલાતને કહ્યું કે “જેણે મને સોંપ્યો” ત્યારે, શું તે યહુદા ઈસકારીઓતની વાત કરતા હતા? ઈસુને મારી નાખવા પાછળ એકલો યહુદા ઈસકારીઓત જ ન હતો. બીજા પણ હતા. જેમ કે ‘મુખ્ય યાજકો, આખી ન્યાયસભા’ અને બારાબસને છોડાવવાનું કહેતા લોકોનું ટોળું. ઈસુ આ બધાની વાત કરતા હતા.—માત્થી ૨૬:૫૯-૬૫; ૨૭:૧, ૨, ૨૦-૨૨.

૨૦:૧૭—શા માટે ઈસુ મરિયમ માગદાલેણને કહે છે કે “મને સ્પર્શ ન કર”? મૂળ ગ્રીક ભાષામાં સ્પર્શ કરવાનો અર્થ થાય કે વળગી રહેવું અથવા પકડી રાખવું. મરિયમને લાગે છે કે ઈસુ સ્વર્ગમાં જવાની તૈયારીમાં છે. એટલે તે તેમને પકડી રાખે છે. તેને દુઃખ છે કે ઈસુ સ્વર્ગમાં ગયા પછી તેને જોવા નહિ મળે. એટલે ઈસુ મરિયમને કહે છે કે તેમને પકડી ન રાખે. એને બદલે, જઈને શિષ્યોને ઈસુના સજીવન થવાની ખબર આપે. એનાથી ઈસુ કહેવા માગતા હતા કે તેમને સ્વર્ગમાં જવાને હજુ વાર હતી.

આપણે શું શીખી શકીએ?

૧૨:૩૬. ‘પ્રકાશના દીકરા થવાનો’ શું અર્થ થાય? એ જ કે આપણે બાઇબલનું પૂરેપૂરું જ્ઞાન લઈએ. જે શીખીએ એ બીજાને જણાવીએ, જેથી તેઓ પણ અંધારામાંથી બહાર આવે.

૧૪:૬. ઈસુમાં વિશ્વાસ રાખીને તેમને પગલે ચાલીએ તો જ, યહોવાહ આપણી ભક્તિ સ્વીકારશે.—૧ પીતર ૨:૨૧.

૧૪:૧૫, ૨૧, ૨૩, ૨૪; ૧૫:૧૦. આપણે યહોવાહની આજ્ઞાઓ પાળીએ તો તેમના અને ઈસુના પ્રેમમાં રહીશું.—૧ યોહાન ૫:૩.

૧૪:૨૬; ૧૬:૧૩. આપણે બાઇબલમાંથી જે શીખીએ છીએ, એ યાદ રાખવા યહોવાહ પોતાની શક્તિ આપે છે. એનાથી બાઇબલના ઊંડા વિચારો પણ સમજી શકીએ છીએ. યહોવાહની શક્તિ જ્ઞાન આપે છે, સમજશક્તિ આપે છે અને ખરા નિર્ણયો લેવા મદદ કરે છે. આપણે એ મદદ માટે યહોવાહને દિલથી પ્રાર્થના કરીએ.લુક ૧૧:૫-૧૩.

૨૧:૧૫, ૧૯. ઈસુએ પીતરને પૂછ્યું કે “શું તું મારા ઉપર એઓના [માછલીઓ] કરતાં વધારે પ્રેમ રાખે છે?” ઈસુ ચાહતા હતા કે પીતર માછલી પકડવા કરતાં યહોવાહનું કામ વધારે પસંદ કરે. આપણે માત્થી, માર્ક, લુક અને યોહાનનાં પુસ્તકો પર ચર્ચા કરી. એમાંથી શીખ્યા કે ઈસુએ આપણા માટે ઘણું કર્યું છે. ચાલો આપણે પણ બીજું બધું જતું કરીને, ઈસુને પગલે ચાલવાની મનમાં ગાંઠ વાળીએ. ( w08 4/15)

[પાન ૩૧ પર ચિત્ર]

નિકોદેમસ પાસેથી આપણે શું શીખી શકીએ?