સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લગ્‍ન અને માબાપ બનવા વિષે શું વિચારવું જોઈએ?

લગ્‍ન અને માબાપ બનવા વિષે શું વિચારવું જોઈએ?

લગ્‍ન અને માબાપ બનવા વિષે શું વિચારવું જોઈએ?

‘સમય થોડો છે.’—૧ કોરીંથી ૭:૨૯.

૧. (ક) ‘અંતના સમયમાં’ શું જોવા મળે છે? (ખ) આપણે શા માટે દુનિયાના વિચારોથી સાવધ રહેવું જોઈએ?

 વર્ષો પહેલાં બાઇબલમાં લખવામાં આવ્યું હતું કે દુષ્ટ જગતના “અંત સમયે” લડાઈઓ, ધરતીકંપો, દુકાળ અને બીમારીઓ થશે. (દાનીયેલ ૮:૧૭, ૧૯; લુક ૨૧:૧૦, ૧૧) એ પણ લખવામાં આવ્યું હતું કે એ સમયમાં લોકોનો સ્વભાવ બગડી જશે. બાઇબલ એને ‘સંકટનો સમય’ કહે છે. ત્યારે કુટુંબોને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. (૨ તીમોથી ૩:૧-૪) આપણે કેમ આ બાબતો ધ્યાનમાં રાખીને પગલાં લેવા જોઈએ? સાવચેત ન રહીએ તો જગતના વિચારો આપણને ભ્રષ્ટ કરી શકે. પતિ-પત્ની અને માબાપ તરીકેની જવાબદારી ઉપાડવામાં મુશ્કેલી ઊભી થઈ શકે. કઈ રીતે?

૨. લગ્‍ન અને છૂટાછેડા વિષે દુનિયાના લોકો શું કરે છે?

આજે લોકો બહુ સહેલાઈથી છૂટાછેડા લે છે. ઘણા દેશોમાં છૂટાછેડા બહુ જ વધી રહ્યા છે. દુનિયા મનફાવે એમ લગ્‍ન કરે છે, છૂટાછેડા લે છે. એના વિષે યહોવાહને કેવું લાગે છે?

૩. યહોવાહ અને ઈસુએ લગ્‍ન વિષે શું કહ્યું?

યહોવાહ ઇચ્છે છે કે જેઓએ લગ્‍ન કર્યા છે તેઓ પોતાના સાથીને વફાદાર રહે. તેમણે જ્યારે પ્રથમ પુરુષ અને સ્ત્રીના લગ્‍ન કરાવ્યા ત્યારે આમ કહ્યું હતું: ‘માણસ પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.’ ઈસુએ પણ એવું જ કહ્યું હતું: “એ માટે દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.” “જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે.” (ઉત્પત્તિ ૨:૨૪; માત્થી ૧૯:૩-૬,) યહોવાહ અને ઈસુ માને છે કે લગ્‍નજીવન એ જીવનભરનું બંધન છે. લગ્‍નસાથીમાંથી કોઈ એક ગુજરી જાય ત્યારે જ એ બંધન તૂટે છે. (૧ કોરીંથી ૭:૩૯) લગ્‍નબંધન પવિત્ર છે, તેથી મનફાવે એમ છૂટાછેડા ના લઈ શકાય. જેઓ યહોવાહના નિયમ વિરુદ્ધ છૂટાછેડા લે છે એ તેમની નજરમાં પાપ છે. *માલાખી ૨:૧૩-૧૬; ૩:૬ વાંચો.

લગ્‍નની જવાબદારી સમજો

૪. નાની ઉંમરે લગ્‍ન કરનાર ભાઈ-બહેનો શા માટે પાછળથી પસ્તાય છે?

આ દુષ્ટ જગત સેક્સ પાછળ પાગલ છે. રોજ આપણી સામે ગંદા ચિત્રો અને પોર્નોગ્રાફી લાવે છે. એની બધાં પર અસર પડી શકે, ખાસ કરીને મંડળના યુવાન ભાઈ-બહેનો પર. આવાં ચિત્રો આપણા દિલમાં ખોટી લાગણીઓ પેદા કરી શકે. એવી લાગણીઓ સંતોષવા ઘણા યુવાનો શું કરે છે? તેઓ નાની ઉંમરે લગ્‍ન કરે છે, જેથી વ્યભિચાર ન કરી બેસે. યુવાનો લગ્‍ન કરે છે, ત્યારે તો જીવન ગુલાબી હોય છે. પણ મોટા ભાગે અમુક સમય પછી તેઓને એકબીજા સાથે બનતું નથી. અને તેઓનું જીવન ઝેર જેવું બની જાય છે. આ રીતે જેઓએ જલદી લગ્‍ન કર્યા છે તેઓમાંના ઘણા પાછળથી પસ્તાય છે.

૫. લગ્‍નજીવનમાં એકબીજાને વફાદાર રહેવા શું મદદ કરી શકે? (ફૂટનોટ પણ જુઓ.)

આપણે ભલે યહોવાહના ભક્ત સાથે લગ્‍ન કર્યા હોય તોપણ જીવનમાં મુશ્કેલીઓ આવી શકે. ઘણી વખત મતભેદો ઊભા થઈ શકે. (૧ કોરીંથી ૭:૨૮) ભલે ગમે એટલી મુશ્કેલી આવે તોપણ યહોવાહનો નિયમ તોડીને છૂટાછેડા લેવા એ યોગ્ય નથી. જેઓ લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ છતાં યહોવાહના નિયમો પ્રમાણે જીવે છે, તેઓની કદર કરવી જોઈએ. તેઓને મદદ કરવી જોઈએ. *

૬. યુવાન ભાઈ-બહેનોએ લગ્‍ન કરતાં પહેલાં શું વિચારવું જોઈએ?

શું તમે યુવાન છો, છતાં હજી કુંવારા છો? એમ હોય તો તમે લગ્‍ન વિષે શું વિચારો છો? ઉતાવળે પ્રેમમાં પડવાને બદલે થોડી રાહ જુઓ. તો પછી ક્યારે લગ્‍ન કરવા જોઈએ? જ્યારે તમે પુખ્ત ઉંમરના થાવ અને સારા નિર્ણય લઈ શકતા હો ત્યારે. યહોવાહ સાથે તમારો નાતો પાકો હોય એ પણ જરૂરી છે. બાઇબલ કહેતું નથી કે કેટલી ઉંમરે લગ્‍ન કરવા જોઈએ. * બાઇબલ એવું કહે છે કે યુવાનીમાં સેક્સની લાગણીઓ વધારે હોય છે, ત્યારે લગ્‍ન ના કરવા જોઈએ. જો સેક્સની લાગણીઓને વશ થશો તો આવતા દિવસોમાં કદાચ પસ્તાવું પડે. યહોવાહનું કહેવું સાંભળશો તો તમને ફાયદો થશે અને સુખી થશો.—યશાયાહ ૪૮:૧૭, ૧૮ વાંચો.

માબાપની જવાબદારી નિભાવો

૭. નાની ઉંમરે લગ્‍ન કરવાથી ઘણાં યુગલો શું અનુભવે છે? તેઓના સંબંધ પર કેવી અસર પડે છે?

માની લો કે તમે નાની ઉંમરે લગ્‍ન કર્યા છે. હજી તમે એકબીજાને ઓળખતા શીખો છો, એવામાં તમે માબાપ બનો છો. બાળક આવ્યું હોવાથી એકબીજા માટે બહુ ઓછો સમય રહે છે. માતા બાળકની સંભાળ રાખતી હોવાથી પતિ એમ કહેશે કે ‘મારી માટે ટાઇમ જ કાઢતી નથી.’ બાળકને કારણે ઘણી વખત રાત્રે જાગવું પણ પડે. એનાથી પતિ અને પત્નીનું ટેન્સન વધે છે અને સંબંધો પર પણ અસર પડે છે. હવે તમને લાગશે કે પહેલાં તમે આઝાદ હતા, પણ હવે નથી. પણ જીવનમાં જે ફેરફાર આવ્યો છે એનો તમારે હિંમતથી સામનો કરવો જોઈએ.

૮. માબાપની જવાબદારી વિષે આપણને કેવું લાગવું જોઈએ?

લગ્‍ન કરવા કે નહિ એ વિચારવું બહુ જ મહત્ત્વનું છે. એ જ રીતે માબાપ બનવું કે નહિ એ પણ વિચારવું ખૂબ જ જરૂરી છે. “છોકરાં તો યહોવાહનું આપેલું ધન છે.” (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) સાથે એ જવાબદારી પણ લાવે છે. કુટુંબમાં બાળકો આવે ત્યારે જીવનમાં ઘણા ફેરફાર કરવા પડે છે. એવા સમયે કુટુંબની જવાબદારી સારી રીતે ઉપાડવી જોઈએ. યહોવાહે આપણને કુટુંબ ઉછેરવાની ક્ષમતા આપી છે. માબાપે બાળકોને ‘પ્રભુના’ શિક્ષણમાં ઉછેરવા જોઈએ.—એફેસી ૬:૧.

૯. (ક) બાળકોને મોટા કરવામાં શાનો સમાવેશ થાય છે? (ખ) પત્નીની શ્રદ્ધા નબળી ન પડે માટે પતિ શું કરી શકે?

બાળકોના ઉછેરમાં વર્ષો લાગે છે. માબાપે ઘણું જતું કરવું પડે છે. પતિએ એ સમજવાની જરૂર છે કે બાળકના જન્મ પછી એની મા મિટિંગમાં પૂરતું ધ્યાન નહિ આપી શકે. બાઇબલ વાંચવામાં અને મનન કરવામાં પૂરતો સમય નહિ આપી શકે. એ કારણથી યહોવાહ સાથેનો તેનો નાતો નબળો બની શકે. એવું ન થાય એ માટે પતિએ બાળકની સંભાળ રાખવામાં પત્નીને બનતી બધી જ મદદ કરવી જોઈએ. કોઈ કારણથી પત્ની મિટિંગમાં બેસીને સાંભળી ન શકે તો પતિએ મુખ્ય વિચારો જણાવવા જોઈએ. કોઈ વાર પતિએ બાળકને રાખવું જોઈએ જેથી પત્ની પ્રચારમાં પૂરતો ભાગ લઈ શકે.—ફિલિપી ૨:૩, ૪ વાંચો.

૧૦, ૧૧. (ક) બાળકોને ‘યહોવાહના શિક્ષણમાં તથા બોધમાં ઉછેરવાંનો’ શું અર્થ થાય? (ખ) કેવા માબાપને શાબાશી આપવી જોઈએ?

૧૦ માબાપની જવાબદારી એટલી જ નથી કે બાળકો માટે રોટી, કપડાં અને મકાન પૂરાં પાડે. આજે આપણે સંકટના સમયમાં જીવી રહ્યા છીએ, એટલે બાળકોને નાનપણથી જ સારા સંસ્કારની જરૂર છે. માબાપે ‘બાળકોને યહોવાહના શિક્ષણમાં તથા બોધમાં ઉછેરવાં જોઈએ.’ (એફેસી ૬:૪) આ કલમનો અર્થ શું થાય? એ જ કે નાનપણથી જ માબાપે બાળકોનાં દિલમાં યહોવાહના વિચારો ઉતારવા જોઈએ. તેઓ મોટા થાય ત્યાં સુધી એમ કરતા રહેવું જોઈએ.—૨ તીમોથી ૩:૧૪, ૧૫.

૧૧ ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે “સર્વ દેશનાઓને શિષ્ય કરો.” (માત્થી ૨૮:૧૯, ૨૦) આ આજ્ઞા માબાપને પણ લાગુ પડે છે. તેઓએ બાળકોને ઈસુના પગલે ચાલવાનું શીખવવું જોઈએ. એમ કરવું માબાપ માટે ઘણું જ અઘરું છે, કેમ કે જગત બાળકો પર ઘણા દબાણ લાવે છે. તેમ છતાં ઘણા માબાપોએ બાળકોને યહોવાહના માર્ગમાં ઉછેર્યા છે. તેમને શાબાશી આપવી જોઈએ. તેઓએ જે રીતે પોતાની જવાબદારી ઉપાડી છે અને યહોવાહમાં શ્રદ્ધા રાખી છે એનાથી તેઓએ ‘જગતને જીતી લીધું છે.’—૧ યોહાન ૫:૪.

યહોવાહની ભક્તિ માટે જતું કરતા ભાઈ-બહેનો

૧૨. કેમ અમુક મોડેથી લગ્‍ન કરવાનું પસંદ કરે છે?

૧૨ આપણે જાણીએ છીએ કે ‘આ દુનિયા હાલની સ્થિતિમાં લાંબું ટકવાની નથી.’ (૧ કોરીંથી ૭:૨૯-૩૧, પ્રેમસંદેશ) એટલે અમુકે વિચાર્યું છે કે તેઓ થોડાંક વર્ષો રાહ જોશે અને પછી લગ્‍ન કરશે. વળી અમુકે કુંવારા રહેવાનું નક્કી કર્યું છે, જેથી યહોવાહની ભક્તિ વધારે કરી શકે. એવી વ્યક્તિઓની કદર કરવી જોઈએ, કેમ કે તેઓએ મોજશોખમાં નહિ પણ યહોવાહની ભક્તિમાં પોતાનું જીવન વાપર્યું છે. તેઓ “એકાગ્ર ચિત્તે” એટલે તન-મનથી પ્રભુની સેવા કરી રહ્યા છે. (૧ કોરીંથી ૭:૩૨-૩૫ વાંચો.) ઘણા કુંવારા ભાઈ-બહેનો પાયોનિયરીંગ કરે છે અથવા બેથેલમાં સેવા આપે છે. ઘણા કુંવારા ભાઈઓ મિનિસ્ટ્રીયલ ટ્રેનિંગ સ્કૂલમાં ગયા છે. આ રીતે અમુક ભાઈ-બહેનો વરસો સુધી ફૂલટાઇમ સેવા કરી રહ્યા છે. તેઓમાંના ઘણા કહે છે કે લગ્‍ન પહેલાં તેઓને મળેલી કેળવણીથી લગ્‍નજીવનમાં ઘણાં જ આશીર્વાદો મળ્યા છે.

૧૩. અમુક યહોવાહના ભક્તો કેમ માબાપ બનવાનું ટાળે છે?

૧૩ આજે ઘણા યુગલો ગરીબીને લીધે કે પછી કૅરિયર બનાવવા માબાપ બનવાનું ટાળે છે. જોકે યહોવાહના અમુક ભક્તો પણ માબાપ બનવાનું ટાળે છે, કેમ કે તેઓ યહોવાહની ભક્તિમાં વધારે સમય આપવા ચાહે છે. તેઓ પોતાની ઇચ્છા પૂરી કરવાને બદલે યહોવાહની ભક્તિને પ્રથમ મૂકે છે. તેઓને બાળકો નથી છતાં સુખી કુટુંબનો આનંદ માણી રહ્યા છે. (૧ કોરીંથી ૭:૩-૫) તેઓમાંના ઘણા પાયોનિયર તરીકે, અમુક સરકીટ કે ડિસ્ટ્રીક્ટ ઓવરસિયર તરીકે સેવા આપી રહ્યા છે. ઘણા બેથેલમાં કે મિશનરી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ યહોવાહની ભક્તિમાં જે ભોગ આપે છે, એ યહોવાહ કદી ભૂલશે નહિ.—હેબ્રી ૬:૧૦.

માબાપે મુશ્કેલીઓ વેઠવી પડશે

૧૪, ૧૫. માબાપે કેવું ‘દુઃખ’ સહેવું પડે છે?

૧૪ પ્રેરિત પાઊલે યુગલોને કહ્યું કે જેઓ લગ્‍ન કરે છે તેઓના જીવનમાં ‘દુઃખ-તકલીફો’ આવશે. (૧ કોરીંથી ૭:૨૮) જેમ કે લગ્‍નસાથી, માબાપ કે બાળકો બીમાર થઈ શકે. બાળકોને ઉછેરવાની પણ ચિંતા હોય. આ રીતે કુટુંબ પર ટેન્શન આવે. આપણે જોયું તેમ બાઇબલ કહે છે કે આપણે દુષ્ટ જગતના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. એ ‘સંકટના વખતોમાં’ બાળકો “માબાપનું સન્માન નહિ રાખનારા” થશે.—૨ તીમોથી ૩:૧-૩.

૧૫ બાળકોને મોટા કરવા એ માબાપ માટે સહેલું નથી, કારણ કે આ દુનિયાનો રંગ તેઓને લાગી શકે. એનાથી કુટુંબનું રક્ષણ કરવા તેઓએ સખત મહેનત કરવી પડે છે. માબાપ બાળકોને મદદ કરે છે, જેથી તેઓ “આ જગતના ધોરણ પ્રમાણે” ન ચાલે. (એફેસી ૨:૨, ૩) અમુક વખત માબાપ ઘણી કોશિશ કરે, છતાં બાળક સારા-સંસ્કાર સ્વીકારતા નથી. છેવટે તેઓ યહોવાહને ભજવાનું છોડી દે છે. આવા સમયે માબાપનું જીવન દુઃખી દુઃખી થઈ જાય છે.—નીતિવચનો ૧૭:૨૫.

‘મોટી વિપત્તિ આવી પડશે’

૧૬. ઈસુએ દુષ્ટ જગતના અંત વિષે શું કહ્યું?

૧૬ ખરું કે લગ્‍ન કરવા અને બાળકો ઉછેરવામાં ‘દુઃખ-તકલીફો’ આવી શકે. પણ એનાથીયે વધારે દુઃખ નજીકમાં એટલે કે જગતના અંતના સમયે સર્વ પર મહાદુઃખો આવી પડશે. એના વિષે ઈસુએ કહ્યું કે “તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.” (માત્થી ૨૪:૩, ૨૧) મોટી વિપત્તિ દરમિયાન શેતાન યહોવાહના ભક્તોનું નામ-નિશાન મિટાવવા બનતું બધું જ કરશે. ત્યારે નાના-મોટા દરેક પર આ મુશ્કેલભર્યો સમય હશે. પણ ઈસુએ જણાવ્યું હતું કે યહોવાહના ભક્તો એ ‘મોટી વિપત્તિમાંથી’ બચી જશે.

૧૭. (ક) ભાવિની આપણે કેમ ખોટી ચિંતા ન કરવી જોઈએ? (ખ) લગ્‍ન કરવા અને માબાપ બનવા વિષે આપણે કેમ વિચારવું જોઈએ?

૧૭ એ કારણથી આપણે આવતા દિવસોની ખોટી ચિંતા ન કરવી જોઈએ. જે માબાપ અને બાળકો યહોવાહના માર્ગે ચાલે છે તેઓ મોટી વિપત્તિમાંથી બચવાની આશા રાખી શકે. (યશાયાહ ૨૬:૨૦, ૨૧ વાંચો; સફાન્યાહ ૨:૨, ૩; ૧ કોરીંથી ૭:૧૪) આપણે લગ્‍ન વિષે કે બાળકો વિષે વિચારતા હોઈએ તો, એ પણ યાદ રાખીએ કે આપણે દુષ્ટ જગતના છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ. (૨ પીતર ૩:૧૦-૧૩) એમ કરીશું તો ભલે આપણે કુંવારા હોઈએ કે પરણેલા, ભલે આપણને બાળકો હોય કે ન હોય, આપણે યહોવાહના મંડળ સાથે રહીશું અને તેમના ગુણ-ગાન ગાતા રહીશું. ( w08 4/15)

[ફુટનોટ્‌સ]

^ લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ હોય તો સપ્ટેમ્બર ૧૫, ૨૦૦૩નું ચોકીબુરજ અને એપ્રિલ-જૂન ૨૦૦૧નું સજાગ બનો! જુઓ.

^ પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છેજવાબો જે સફળ થાય છે પુસ્તકનું પ્રકરણ ૩૦ “શું હું લગ્‍ન માટે તૈયાર છું?” જુઓ.

આપણે શું શીખ્યા

• યુવાનોએ કેમ લગ્‍નની ઉતાવળ ન કરવી જોઈએ?

• બાળકોનો કેવી રીતે ઉછેર કરવો જોઈએ?

• ઘણા ભાઈ-બહેનો કેમ કુંવારા રહેવાનું કે માબાપ બનવાનું ટાળે છે?

• માબાપ પર કેવા ‘દુઃખો’ આવી શકે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર ચિત્ર]

યુવાન ભાઈ-બહેનોએ કેમ લગ્‍નની ઉતાવળ ન કરવી જોઈએ?