સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઊલની જેમ તન-મનથી ઈશ્વરની ભક્તિ કરીએ

પાઊલની જેમ તન-મનથી ઈશ્વરની ભક્તિ કરીએ

પાઊલની જેમ તન-મનથી ઈશ્વરની ભક્તિ કરીએ

“હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે.”—૨ તીમોથી ૪:૭.

૧, ૨. શાઊલે પોતાના જીવનમાં કેવા ફેરફારો કર્યા? તેમણે કયું મહત્ત્વનું કામ શરૂ કર્યું?

 પહેલી સદીની વાત છે. એક માણસ બહુ જ હોશિયાર હતો. પણ તે ‘દેહની વાસનાઓ પ્રમાણે ચાલતો હતો.’ (એફેસી ૨:૩) સમય જતાં તેણે જણાવ્યું કે ‘હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા જુલમી હતો.’ (૧ તીમોથી ૧:૧૩) એ માણસ તાર્સસનો શાઊલ હતો.

સમય જતાં શાઊલે જીવનમાં ઘણા ફેરફારો કર્યા. તેણે સ્વભાવ સુધાર્યા પછી કહ્યું કે “મારું પોતાનું નહિ, પણ ઘણાનું હિત જોઉં છું.” (૧ કોરીંથી ૧૦:૩૩) તે લોકોને સતાવવાને બદલે તેઓને પ્રેમ કરવા લાગ્યા. (૧ થેસ્સાલોનીકી ૨:૭, ૮ વાંચો.) તેમણે ઈશ્વરનો સંદેશો જણાવવાનું શરૂ કર્યું. એટલે જ તેમણે લખ્યું કે ‘હું એકદમ અયોગ્ય અને સંતોમાં નાનામાં નાનો હોવા છતાં ઈશ્વરે મને પસંદ કર્યો. હું બિનયહુદીઓને આનંદના સમાચાર પ્રગટ કરી શકું, જેથી તેઓ પણ ખ્રિસ્તમાં મળતા અખૂટ ખજાનાના હકદાર બની શકે.’—એફેસી ૩:૭, ૮ IBSI.

૩. પાઊલના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

શાઊલ, પાઊલ તરીકે પણ ઓળખાતા. પાઊલે સત્યમાં પ્રગતિ કરવા ઘણી મહેનત કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૯) આપણે પણ સત્યમાં આગળ વધવું હોય તો પાઊલના પગલે ચાલીએ. તેમણે લખેલા પત્રોનો અભ્યાસ કરીએ. પાઊલને યહોવાહ પર પૂરો ભરોસો હતો. એવો આપણે પણ રાખીએ. (૧ કોરીંથી ૧૧:૧; હેબ્રી ૧૩:૭ વાંચો.) એમ કરવાથી આપણે નિયમિત બાઇબલ અભ્યાસ કરી શકીશું. બીજા લોકોને પ્રેમ બતાવી શકીશું. અને નમ્રતા કેળવી શકીશું.

પાઊલ નિયમિત અભ્યાસ કરતા

૪, ૫. પાઊલને શાસ્ત્રનું જ્ઞાન હોવાથી કેવા ફાયદા થયા?

શાઊલ “ગમાલીએલના ચરણમાં ઊછરેલો” હતો. ગમાલીએલ કાયદાનો પંડિત હતો. એટલે શાઊલ “પૂર્વજોના નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલો” હતો. તે ફરોશી હતો, તેથી તેને શાસ્ત્રનું જ્ઞાન પણ હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧-૩; ફિલિપી ૩:૪-૬) બાપ્તિસ્મા લીધા પછી તે ‘અરબસ્તાન ચાલ્યા ગયા.’ ત્યાંની શાંત જગ્યાએ જઈને મનન કર્યું. (ગલાતી ૧:૧૭) ઈસુ જ મસીહા છે એ વિષેના વચનો પર પાઊલે મનન કર્યું. તેમ જ પ્રચાર કરવા પોતાને તૈયાર કર્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૫, ૧૬, ૨૦, ૨૨ વાંચો.) આ બતાવે છે કે પાઊલે ઈશ્વરનાં વચનો પર મનન કરવા સમય કાઢ્યો.

પાઊલે શાસ્ત્રમાંથી જ્ઞાન લીધું. એના પર મનન કર્યું, જેથી બીજાઓને સારી રીતે શીખવી શકે. જેમ કે પાઊલે પીસીદીઆના અંત્યોખ શહેરના સભાસ્થાનમાં, ઈસુ જ મસીહા છે એ વિષે ઓછામાં ઓછી પાંચ કલમો લોકોને બતાવી. અરે પાઊલને તો ઘણી કલમો મોઢે હતી, એનાથી બીજાઓને સારી રીતે શીખવી શકતા. પાઊલ એટલું સરસ શીખવતા કે ઘણા ‘યહુદીઓ તથા યહુદી થએલા ધાર્મિક માણસોમાંના તેમની પાછળ’ જતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૧૪-૪૪) એક વખત રોમના અમુક યહુદીઓ પાઊલને મળવા ગયા. પાઊલે તેઓને “દેવના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને સવારથી સાંજ સુધી મુસાના નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત તેઓને સમજાવી.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૭, ૨૨, ૨૩.

૬. સતાવણીનો સામનો કરવા પાઊલને શામાંથી મદદ મળી?

પાઊલે સતાવણીમાં પણ શાસ્ત્રને વાંચવાનું છોડ્યું નહિ. એમાંથી તેમને સહન કરવાની શક્તિ મળી. (હેબ્રી ૪:૧૨) પાઊલ જ્યારે રોમની જેલમાં હતા ત્યારે તીમોથી પાસે વીંટાઓ અને ‘પત્રો’ મંગાવ્યા. (૨ તીમોથી ૪:૧૩) એ લખાણ હેબ્રી શાસ્ત્રવચનો હોઈ શકે. હિંમત મેળવવા પાઊલ રોજ એમાંથી કંઈક ને કંઈક શીખતા રહેતા.

૭. બાઇબલ વાંચવાથી આપણને શું ફાયદો થશે?

પાઊલની જેમ આપણે પણ રોજ બાઇબલ વાંચવું જોઈએ. એના પર મનન કરવું જોઈએ. એમ કરવાથી આપણે યહોવાહની ભક્તિમાં આગળ ને આગળ વધી શકીશું. (હેબ્રી ૫:૧૨-૧૪) એક ઈશ્વરભક્તે કહ્યું “હજારો સોનારુપા કરતાં તારા [યહોવાહના] મુખનો નિયમ મારે વાસ્તે વધારે મૂલ્યવાન છે. તારી આજ્ઞાઓ મારા શત્રુઓના કરતાં મને બુદ્ધિમાન કરે છે; કેમ કે તેઓ સદા મારી પાસે છે. હું તારું વચન પાળું માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગથી પાછા હઠાવ્યા છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૭૨, ૯૮, ૧૦૧) શું તમે દરરોજ બાઇબલ વાંચો છો? એના પર મનન કરો છો? એમ કરવાથી યહોવાહ જે પણ જવાબદારી સોંપે એ કરવા તમે તૈયાર હશો.

શાઊલે સ્વભાવ સુધાર્યો

૮. યહુદી ન હતા એ લોકો સાથે શાઊલે કેવું વર્તન કર્યું?

ખ્રિસ્તી બન્યા પહેલાં, શાઊલ પોતાના ધર્મ માટે ઘણો ઝનૂની હતો. એટલે જેઓ યહુદી ન હતા તેઓની તેને કંઈ પડી ન હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૪, ૫) લોકો સ્તેફનને પથ્થરે મારતા હતા ત્યારે શાઊલ ત્યાં જ ઊભો હતો. તેને લાગ્યું કે સ્તેફન યહુદી નથી એટલે તેને મારી નાખવામાં કોઈ વાંધો નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૬:૮-૧૪; ૭:૫૪–૮:૧) બાઇબલ જણાવે છે કે ‘શાઊલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો. તેણે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને બંદીખાનામાં નાખ્યાં.’ (પ્રેરિતોનાં કૃત્યો ૮:૩) અરે તેણે તો ‘બીજા રાજ્યનાં શહેરો સુધી લોકોને સતાવ્યા.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૧૧.

૯. શાઊલ કેવી રીતે સુધરી ગયો?

ખ્રિસ્તના શિષ્યોને સતાવવા શાઊલ દમસ્ક જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં પ્રકાશનો એક મોટો ઝબકારો થયો. અને ઈસુએ તેને દર્શન દીધું. એ ઝબકારાથી શાઊલ આંધળો થઈ ગયો. યહોવાહે ત્રણ દિવસ પછી, અનાન્યાને શાઊલ પાસે મોકલ્યો. અનાન્યાએ તેને દેખતો કર્યો. એ ત્રણ દિવસમાં શાઊલ ઈસુનો શિષ્ય બન્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧-૩૦) પછી શાઊલે સ્વભાવ સુધારવા ઘણાં પ્રયત્નો કર્યા. તેણે પણ ઈસુની જેમ ‘સઘળાં માણસો સાથે હળીમળીને ચાલવું’ હતું.—રૂમી ૧૨:૧૭-૨૧ વાંચો.

૧૦, ૧૧. પાઊલે કઈ રીતે લોકો માટે પ્રેમ બતાવ્યો?

૧૦ પાઊલ બીજા લોકો સાથે હળીમળીને રહેતા હતા. પણ તેમને તો લોકો માટે હજુ વધુ કરવું હતું. એ માટે તેમણે પહેલી મિશનરી મુસાફરીમાં એશિયા માયનોરના લોકોને ઈશ્વરનો સંદેશો જણાવ્યો. સખત વિરોધ છતાં, પાઊલે અને તેમના સાથીદારોએ નમ્ર લોકોને ખ્રિસ્તી બનવા મદદ કરી. લુસ્ત્રા અને ઈકોનીમાં પાઊલને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો પણ તે ત્યાં ફરી વાર સંદેશો જણાવવા ગયા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૧-૩; ૧૪:૧-૭, ૧૯-૨૩.

૧૧ પાઊલ અને તેમના સાથીઓ મકદોનિયાના ફિલિપી શહેરમાં ગયા. ત્યાં તેઓ નેકદિલ લોકોને શોધે છે. યહુદી લુદિયા એ સંદેશો સાંભળે છે અને ખ્રિસ્તી બને છે. પાઊલ અને સીલાસનું પ્રચાર કામ અધિકારીઓને ગમતું નથી. એટલે અધિકારીઓ તેઓને ખૂબ મારે છે અને જેલમાં પૂરી દે છે. અહીં પણ તેઓ પ્રચાર કરવાનું મૂકતા નથી. આમ કરવાથી જેલર અને તેનું કુટુંબ બાપ્તિસ્મા લઈને યહોવાહના ઉપાસક બને છે. આ રીતે પાઊલે યહોવાહનો સંદેશો જણાવીને લોકો માટે પ્રેમ બતાવ્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૧-૩૪.

૧૨. એક વખતનો પથ્થરદિલ શાઊલ કયા કારણથી ઈસુનો નમ્ર શિષ્ય બન્યો?

૧૨ એક વખતનો પથ્થર દિલ શાઊલ કેવી રીતે નમ્ર બન્યો? ઈશ્વર અને ખ્રિસ્ત વિષે બીજાઓને શીખવવા કેમ પાઊલ જીવ જોખમમાં મૂકવા તૈયાર હતા? પાઊલે પોતે જ કહ્યું: ‘ઈશ્વરે પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો, જેથી પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે.’ (ગલાતી ૧:૧૫, ૧૬) પાઊલે તીમોથીને લખ્યું કે “અનંતજીવનને સારુ જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓને માટે હું નમૂનારૂપ થાઉં, માટે મારા પર દયા કરવામાં આવી, કે તેથી તે પોતાની પૂરી સહનશીલતા મારા સંબંધમાં પ્રગટ કરે.” (૧ તીમોથી ૧:૧૬) યહોવાહે શાઊલને માફ કર્યા, દયા બતાવી. એ કારણથી તે નમ્ર બન્યા. પછી પાઊલ બીજાઓને ઈશ્વરનો સંદેશો જણાવીને પ્રેમ બતાવવા લાગ્યા.

૧૩. શા માટે લોકોને પ્રેમ બતાવવો જોઈએ? આપણે એમ કેવી રીતે કરી શકીએ?

૧૩ આપણા પાપો અને ભૂલોને યહોવાહ માફ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૪) ગીતકર્તાએ પૂછ્યું: “હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે, તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે?” (ગીતશાસ્ત્ર ૧૩૦:૩) ઈશ્વર આપણા પર દયા બતાવે છે, એટલે આપણે તેમની ભક્તિ કરી શકીએ છીએ. અને આપણને હંમેશ માટેના જીવનની આશા પણ મળે છે. ઈશ્વર હંમેશાં આપણા પર પ્રેમ બતાવે છે, તેથી આપણે પણ પાઊલની જેમ બીજા લોકોને પ્રેમ બતાવીએ. તેમને યહોવાહ વિષે શીખવીએ. ભાઈ-બહેનોનો વિશ્વાસ મજબૂત કરવા મદદ કરીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૧-૨૩ વાંચો.

૧૪. આપણે કેવી રીતે પ્રચારમાં વધારો કરી શકીએ?

૧૪ ઈસુએ પ્રચાર દ્વારા લોકોને ખૂબ જ પ્રેમ બતાવ્યો. ઈસુએ કહ્યું: “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારુ મજૂરો મોકલે.” (માત્થી ૯:૩૫-૩૮) પાઊલને પણ ઈસુના પગલે ચાલવું હતું. તે ચાહતા હતા કે વધારેને વધારે લોકો પ્રચારમાં ભાગ લે. એટલે તે ઉત્સાહથી પ્રચાર કરતા હતા. લોકોના દિલ સુધી સંદેશો પહોંચે એ રીતે પાઊલ શીખવતા હતા. તમારા વિષે શું? શું તમે પ્રચાર કરવાની રીતમાં સુધારો કરી શકો? તમારા પ્રચારના કલાકો વધારી શકો? શું તમે જીવનમાં થોડા ઘણા ફેરફાર કરીને પાયોનિયર બની શકો? ચાલો આપણે લોકો માટે ખરો પ્રેમ બતાવીએ અને તેઓને ‘જીવનનું વચન પ્રગટ કરીએ.’—ફિલિપી ૨:૧૫.

પાઊલની નમ્રતા

૧૫. પાઊલનો સ્વભાવ કેવો હતો?

૧૫ પાઊલને મંડળમાં ઘણી જવાબદારી હતી. એ જવાબદારી પોતાની આવડતથી નહિ, પણ યહોવાહની કૃપાથી ઉપાડી શક્યા. તે જાણતા હતાં કે બીજા ભાઈ-બહેનો પણ લોકોને સારી રીતે શીખવી શકે છે, એટલે પોતાને બીજા કરતાં ઊંચા ગણતા ન હતા. પાઊલ પાસે ઘણી જવાબદારી હતી તો પણ તે નમ્ર રહ્યા.—૧ કોરીંથી ૧૫:૯-૧૧ વાંચો.

૧૬. સુન્‍નતની બાબતમાં પાઊલે કેવી રીતે નમ્રતા બતાવી?

૧૬ ચાલો એક દાખલો લઈએ જેમાં પાઊલે નમ્રતાથી ભાઈ-બહેનો વચ્ચેના મતભેદને દૂર કર્યો. પાઊલ સીરિયાના અંત્યોખ મંડળમાં ગયા. ત્યાંના ભાઈ-બહેનોને વચ્ચે મતભેદ ઊભો થયો હતો કે સુન્‍નત કરાવવી જોઈએ કે નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૬–૧૫:૨) એ સમયે પાઊલને બેસુન્‍નતી લોકોને પ્રચાર કરવાની ઈશ્વરે જવાબદારી સોંપી હતી. એટલે તે પોતે તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવી શકત. પણ તેમણે એવું ન કર્યું. (ગલાતી ૨:૮, ૯ વાંચો.) તેમણે નમ્ર રહીને બધા ભાઈ-બહેનોના વિચારો સાંભળ્યા. જ્યારે તેમને લાગ્યું કે પ્રશ્નનો હલ કરી શકે એમ નથી, ત્યારે યરૂશાલેમની ગવર્નિંગ બૉડી સાથે એની ચર્ચા કરવા ગયા. ગવર્નિંગ બૉડીએ ચર્ચા કરીને નિર્ણય લીધો કે સુન્‍નત કરાવવી જરૂર નથી. પાઊલે એ નિર્ણયને માની લીધો. એના વિષે બીજા મંડળને જણાવવા માટે ગવર્નિંગ બૉડીએ પાઊલ અને બીજા અમુક ભાઈઓને જવાબદારી સોંપી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૨-૩૧) આમ પાઊલે નમ્રતા બતાવીને ‘માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણ્યા.’—રૂમી ૧૨:૧૦.

૧૭, ૧૮. (ક) મંડળના ભાઈ-બહેનો માટે પાઊલને કેવી લાગણી હતી? (ખ) વડીલોએ પાઊલ માટે કેવી લાગણી બતાવી? શા માટે?

૧૭ પાઊલ મંડળના ભાઈ-બહેનોને દિલથી ચાહતા હતા. રોમને લખેલા પત્રના અંતમાં તે વીસ ભાઈ-બહેનોના નામ લઈને તેઓને સલામ કહે છે. એમાંના ઘણા ભાઈ-બહેનોના નામ બાઇબલમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. એમાંના થોડાં જ એવા હતા, જેમને ખાસ જવાબદારીઓ હતી. પણ એ બધાં જ યહોવાહના વિશ્વાસુ ભક્તો હતા. તેઓ બધાં જ પાઊલના ખૂબ વહાલા હતા.—રૂમી ૧૬:૧-૧૬.

૧૮ પાઊલ નમ્ર અને પ્રેમાળ હતા. તેમને જોઈને ભાઈ-બહેનોને ખૂબ ઉત્તેજન મળ્યું. તે છેલ્લી વાર એફેસસના વડીલોને મળ્યા ત્યારે “તેઓ સઘળા બહુ રડ્યા, અને પાઊલની કોટે વળગીને તેઓએ તેને ચુંબન કર્યું. તમે મારું મોં ફરી જોનાર નથી એ વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા.” આ બતાવે છે કે પાઊલ નમ્ર હતા, એટલે ભાઈઓને તેમનાથી દૂર જવું ન હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૭, ૩૮.

૧૯. આપણે કેવી રીતે ભાઈ-બહેનો સાથે ‘નમ્ર ભાવ’ રાખી શકીએ?

૧૯ ઈશ્વરભક્તિમાં આગળ વધવું હોય તો આપણે પાઊલ જેવા નમ્ર બનવું પડશે. તેમણે કહ્યું: ‘પક્ષાપક્ષીથી કે અભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.’ (ફિલિપી ૨:૩) આપણે આ સલાહને કેવી રીતે જીવનમાં ઉતારી શકીએ? એક રીત છે મંડળના વડીલોને સહકાર આપીએ. તેઓ જે કહે એ પ્રમાણે કરીએ. તેઓના નિર્ણયોને માન આપીએ. (હેબ્રી ૧૩:૧૭ વાંચો.) બીજી રીત છે ભાઈ-બહેનોને માન આપીએ. મંડળ અલગ-અલગ નાત-જાત અને જુદી જુદી ભાષા બોલતા લોકોથી બનેલું છે. એટલે આપણે કોઈ પણ જાતનો ભેદભાવ ન રાખીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬; રૂમી ૧૨:૧૦) આપણને ઉત્તેજન આપવામાં આવે છે કે ‘ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો સ્વીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો સ્વીકાર કરો.’—રૂમી ૧૫:૭.

જીવનની “દોડ પૂરી કરી છે”

૨૦, ૨૧. જીવનની દોડ પૂરી કરવા આપણને શું મદદ કરશે?

૨૦ આપણાં જીવનને મૅરેથૉન દોડ સાથે સરખાવી શકાય. એના માટે પાઊલે લખ્યું: “મેં મારી દોડનું નિયત અંતર પૂરું કર્યું છે. વિશ્વાસમાં હું અડગ રહ્યો છું. હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇનસાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે.”—૨ તિમોથી ૪:૭, ૮ કોમન લેંગ્વેજ.

૨૧ પાઊલના દાખલામાંથી આપણને ઘણું શીખવા મળે છે. એ પર વિચાર કરવાથી આપણે હંમેશ માટેના જીવનની દોડ પૂરી કરી શકીશું. (હેબ્રી ૧૨:૧) તેથી ચાલો આપણે નિયમિત બાઇબલ અભ્યાસ કરીએ. પ્રચાર કરીને બીજાઓને પ્રેમ બતાવીએ. નમ્ર બનીએ અને પાઊલની જેમ તન-મનથી ઈશ્વરની ભક્તિમાં આગળ વધીએ. (w08 5/15)

તમે સમજાવી શકો?

• શાસ્ત્રનો નિયમિત અભ્યાસ કરવાથી પાઊલને કેવો ફાયદો થયો?

• લોકોને પ્રેમ બતાવવો કેમ આપણા માટે જરૂરી છે?

• પક્ષપાત ન રાખવા કયા ગુણો આપણને મદદ કરશે?

• કેવી રીતે પાઊલનો દાખલો આપણને મંડળના વડીલોને સહકાર આપવા મદદ કરે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૭ પર ચિત્ર]

પાઊલની જેમ આપણે પણ બાઇબલમાંથી હિંમત મેળવીએ

[પાન ૨૮ પર ચિત્ર]

ઈશ્વરનો સંદેશો જણાવીને બીજાને પ્રેમ બતાવીએ

[પાન ૨૯ પર ચિત્ર]

પાઊલ કેમ બધાના વહાલા બની ગયા