સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રેરિતોનાં કૃત્યોના મુખ્ય વિચારો

પ્રેરિતોનાં કૃત્યોના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

પ્રેરિતોનાં કૃત્યોના મુખ્ય વિચારો

બાઇબલમાં પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાંથી આપણને ખ્રિસ્તી મંડળનો ઇતિહાસ જોવા મળે છે. ઈશ્વરભક્ત લુકે એમાં ઈ.સ. ૩૩-૬૧ સુધીના, ૨૮ વર્ષના જોરદાર બનાવો લખ્યા છે.

આ પુસ્તકનો પહેલો ભાગ પીતરના પ્રચાર કાર્ય વિષે ને બીજો ભાગ પાઊલના પ્રચાર કાર્ય વિષે જણાવે છે. “આપણને” અને “અમે” શબ્દો વાપરીને, લુક બતાવે છે કે અમુક પ્રસંગે તે પણ હાજર હતા. એ પુસ્તક ઈશ્વરની શક્તિથી લખાયું છે. એનો સંદેશો દિલમાં ઉતારવાથી બાઇબલમાં આપણી શ્રદ્ધા વધશે. (હેબ્રી ૪:૧૨) યહોવાહના રાજ્યમાં આપણી શ્રદ્ધા વધશે. આપણે કોઈ સ્વાર્થ વગર તેમની ભક્તિ કરી શકીશું.

પીતરે “આકાશના રાજ્યની કૂંચીઓ” વાપરી

(પ્રેરિતોનાં કૃત્યો ૧:૧–૧૧:૧૮)

ઈશ્વરની શક્તિ મળ્યા પછી, શિષ્યો જોરશોરથી પ્રચાર કરવા લાગ્યા. અહીં પીતરે પહેલી વાર “આકાશના રાજ્યની કૂંચીઓ” કે ચાવીઓ વાપરી. તેમણે યહુદીઓ અને યહુદી ધર્મ સ્વીકારનારાઓ માટે, યહોવાહના રાજ્યમાં પેસવા જ્ઞાનનો ભંડાર ખોલ્યો. તેઓએ “એની વાત સ્વીકારી.” (માત્થી ૧૬:૧૯; પ્રેરિતોનાં કૃત્યો ૨:૫, ૪૧) સતાવણી થવાથી, ઈસુના શિષ્યો વિખેરાઈ ગયા. જોકે એનાથી બધી બાજુ પ્રચાર થતો ગયો.

યરૂશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું કે સમરૂનમાં લોકોએ યહોવાહનું સત્ય સ્વીકાર્યું છે. એટલે તેઓએ પીતર અને યોહાનને ત્યાં મોકલ્યા. સમરૂનના લોકોને ઈશ્વરના રાજ્યના આશીર્વાદ મેળવવાની તક આપીને, પીતરે બીજી ચાવી વાપરી. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧૪-૧૭) એવું લાગે છે કે ઈસુ સજીવન થયા, એના એકાદ વર્ષમાં તાર્સસના શાઊલના જીવનમાં જોરદાર સુધારો થયો. ૩૬ની સાલમાં પીતરે ત્રીજી ચાવી વાપરી. એનાથી પરદેશીઓને પણ યહોવાહની શક્તિનું દાન મળ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૫.

સવાલ-જવાબ:

૨:૪૪-૪૭; ૪:૩૪, ૩૫—ખ્રિસ્તીઓએ કેમ પોતાની મિલકત વેચીને પૈસા દાનમાં આપ્યા? ઘણા લોકો દૂર દૂરથી યરૂશાલેમ આવ્યા હતા. યહોવાહનું સત્ય જાણ્યા પછી, તેઓ વધુ શીખવા અને બીજાને જણાવવા માગતા હતા. પણ ત્યાં વધારે રોકાવાની તેઓ પાસે સગવડ ન હતી. તેઓને મદદ કરવા અમુક ખ્રિસ્તીઓએ માલ-મિલકત વેચીને દાન કર્યું.

૪:૧૩—શું પીતર અને યોહાન અભણ અને અજ્ઞાની હતા? ના. પણ તેઓ ધર્મગુરુઓની સ્કૂલમાં ભણ્યા ન હોવાથી, અમુકે તેઓને ‘અભણ અને અજ્ઞાન’ ગણ્યા.

૫:૩૪-૩૯—યહુદી સભામાં (સાન્હેડ્રીનમાં) બધાને જવા ન મળતું. તો પછી લુકને કઈ રીતે ખબર પડી કે ગમાલીએલે શું કહ્યું? લુકને કદાચ આ રીતે ખબર પડી હોઈ શકે: (૧) પાઊલ ગમાલીએલના હાથ નીચે ભણ્યા હતા. તેમણે લુકને જણાવ્યું હોઈ શકે. (૨) નીકોદેમસ જેવા યહુદી સભાના કોઈ સભ્યને લુકે પૂછ્યું હોઈ શકે. (૩) અથવા તો યહોવાહે લુકને જણાવ્યું હોઈ શકે.

૭:૫૯—શું સ્તેફને ઈસુને પ્રાર્થના કરી હતી? ના. જે યહોવાહને ભજે છે તે ફક્ત તેમને જ પ્રાર્થના કરે છે. (લુક ૪:૮; ૬:૧૨) સામાન્ય સંજોગોમાં સ્તેફને ઈસુના નામે યહોવાહને પ્રાર્થના કરી હોત. (યોહાન ૧૫:૧૬) પણ આ સંજોગમાં તેમણે સંદર્શનમાં ‘ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલા’ જોયા. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૬) તે માનતા હતા કે ગુજરી ગયેલાને સજીવન કરવાનો હક્ક ઈસુને આપવામાં આવ્યો છે. એટલે તે બોલી ઊઠ્યા કે ઈસુ જાણે તેમને યાદ રાખીને સજીવન કરે.—યોહાન ૫:૨૭-૨૯.

આપણે શું શીખી શકીએ?

૧:૮. યહોવાહનો આશીર્વાદ ન હોય તો તેમના ભક્તો આખી દુનિયામાં પ્રચાર કરી જ ન શકે.

૪:૩૬–૫:૧૧. યુસફ સૈપ્રસના વતની હતા. તેમની અટક બાર્નાબાસ હતી. એનો અર્થ થાય, દિલાસાનો કે “સુબોધનો દીકરો.” એટલે પ્રેરિતો તેમને બાર્નાબાસ નામથી ઓળખતા, કેમ કે તે બહુ દયાળુ હતા. બીજાને મદદ કરતા. આપણે તેમના જેવું બનવું જોઈએ. અનાન્યા અને સાફીરા જેવું નહિ, જેઓ પોતાની વાહ વાહ કરાવવા જૂઠું બોલ્યા.

૯:૨૩-૨૫. પ્રચાર કરવા દુશ્મનોના હાથમાંથી છટકી જવાનો અર્થ ડરપોક થતો નથી.

૯:૨૮-૩૦. અમુક એરિયામાં કે અમુક વ્યક્તિને સંદેશો જણાવતી વખતે સમજી-વિચારીને પ્રચાર કરવો જોઈએ. ખાસ કરીને જ્યારે જીવનને ખતરો લાગે, ખોટાં કામમાં ફસાવાનું જોખમ લાગે, કે યહોવાહ સાથેનો નાતો જોખમમાં આવે.

૯:૩૧. બધું ઠીક-ઠીક ચાલતું હોય ત્યારે, આપણે મન લગાડીને બાઇબલનું જ્ઞાન લેવું જોઈએ, દિલમાં ઉતારવું જોઈએ. એનાથી આપણી શ્રદ્ધા વધશે. યહોવાહના કહેવા પ્રમાણે ચાલીશું. જોરશોરથી પ્રચાર કરીશું.

પાઊલે પૂરી હોંશથી પ્રચાર કર્યો

(પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૧૯–૨૮:૩૧)

૪૪ની સાલમાં આગાબસ અંત્યોખ આવ્યો. બાર્નાબાસ અને પાઊલ “આખું વરસ” ત્યાં પ્રચાર કરતા હતા. આગાબસે કહ્યું કે “મોટો દુકાળ પડશે.” એના બે વરસ પછી દુકાળ પડ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૬-૨૮) “બાર્નાબાસ તથા શાઊલ દાનસેવા પૂરી કરીને” યરૂશાલેમથી અંત્યોખ પાછા આવ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨૫) શાઊલને ઈસુના શિષ્ય બન્યાને બારેક વર્ષ થયાં હતાં. એ ૪૭ની સાલ હતી, જ્યારે યહોવાહની દોરવણીથી શાઊલ અને બાર્નાબાસને મિશનરી તરીકે મોકલવામાં આવ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૧-૪) ૪૮ની સાલમાં તેઓ અંત્યોખ પાછા આવ્યા, ‘જ્યાં તેઓને ઈશ્વરની કૃપાને સોંપવામાં આવ્યા હતા.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૬.

નવેક મહિના પછી, શાઊલ એટલે કે પાઊલ સીલાસની સાથે બીજી વાર મિશનરી તરીકે નીકળ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૪૦) તીમોથી અને લુક તેઓ સાથે પછીથી જોડાયા. લુક ફિલિપ્પીમાં રોકાયો, પણ પાઊલ એથેન્સ અને કોરીંથ સુધી પહોંચ્યા. ત્યાં તે પ્રિસ્કીલા અને આકુલા સાથે દોઢ વરસ રહ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧૧) પછી બાવનની સાલમાં પાઊલ તીમોથી અને સીલાસને કોરીંથમાં છોડીને, પ્રિસ્કીલા અને આકુલાની સાથે સિરિયા ઊપડી ગયા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧૮) પાઊલ, પ્રિસ્કીલા અને આકુલા એફેસસ સુધી સાથે આવ્યા. પછી પાઊલ ત્યાંથી એકલા આગળ ગયા.

પાઊલ સિરિયાના અંત્યોખમાં અમુક સમય રહ્યા. પછી એ જ વર્ષે એટલે બાવનની સાલમાં ત્રીજી વાર મિશનરી તરીકે નીકળી પડ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૩) એફેસસમાં ‘પ્રભુની વાત પ્રસરતી ગઈ ને પ્રબળ થઈ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૦) પાઊલ ત્યાં ત્રણેક વર્ષ રોકાયા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૧) ૫૬ની સાલના પેન્તેકોસ્તના દિવસ સુધી તે યરૂશાલેમ આવી પહોંચ્યા. ત્યાં તેમને ગિરફતાર કરવામાં આવ્યા. તોપણ ગભરાયા વગર અધિકારીઓને પ્રચાર કર્યો. રોમમાં પાઊલને બે વર્ષ (લગભગ ઈ.સ. ૫૯-૬૧) સુધી સૈનિકના પહેરા હેઠળ ઘરમાં રહેવાની રજા મળી. ત્યાંથી તે કોઈને કોઈ રીતે યહોવાહ અને ‘પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે બોધ કરતા.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૩૦, ૩૧.

સવાલ-જવાબ:

૧૪:૮-૧૩—લુસ્ત્રાના લોકોએ કેમ ‘બાર્નાબાસને ઝૂસ અને પાઊલને હેર્મેસ કહ્યા?’ ગ્રીકની દંતકથા પ્રમાણે ઝૂસ દેવોનો રાજા હતો. તેનો દીકરો હેર્મેસ બોલવામાં ચપળ હતો. પાઊલ પ્રચાર કરવામાં આગેવાની લેતા હોવાથી લુસ્ત્રાના લોકોએ તેમને હેર્મેસ અને બાર્નાબાસને ઝૂસ કહ્યા.

૧૬:૬, ૭—યહોવાહે પાઊલ અને તેમના મિત્રોને કેમ આસિયા અને બીથુનીઆમાં પ્રચાર કરવાની મના કરી? પ્રચાર કરનારાઓ થોડા જ હતા. એટલે યહોવાહે તેઓને એવી જગ્યાએ દોર્યા, જ્યાં વધારે લોકો સત્યમાં આવે.

૧૮:૧૨-૧૭—લોકો સોસ્થેનેસને મારતાʼતા ત્યારે, અધિકારી ગાલીઓ કેમ વચ્ચે પડ્યો નહિ? ગાલીઓને લાગ્યું હશે કે પાઊલની સામા થનારાનો આગેવાન સોસ્થેનેસ હતો, એટલે ભલે માર પડ્યો. પણ આ બનાવથી સારા પરિણામ આવ્યા. સોસ્થેનેસ પોતે ખ્રિસ્તી બન્યો. સમય જતાં પાઊલે તેને આપણો “ભાઈ” કહ્યો.—૧ કોરીંથી ૧:૨.

૧૮:૧૮—પાઊલે શાની માનતા લીધી હતી? અમુક પંડિતોનું કહેવું છે કે પાઊલે નાઝીરી રહેવાની માનતા લીધી હતી. (ગણના ૬:૧-૨૧) પણ બાઇબલ એ જણાવતું નથી કે તેમણે કેવી માનતા લીધી હતી. એ પણ જણાવતું નથી કે ખ્રિસ્તી બન્યા પહેલાં કે પછી એ માનતા લીધી હતી. તેમ જ એ માનતા શરૂ કરતા કે પૂરી કરતા હતા. ભલે જે હોય એ, પણ પાઊલ એનાથી પાપ કરતા ન હતા.

આપણે શું શીખી શકીએ?

૧૨:૫-૧૧. આપણે ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવી જોઈએ.

૧૨:૨૧-૨૩; ૧૪:૧૪-૧૮. ઈશ્વરને આપવો જોઈએ એ જશ હેરોદે લીધો. જ્યારે કે પાઊલ અને બાર્નાબાસને મળતો જશ તરત જ ઈશ્વરને આપ્યો. યહોવાહની ભક્તિમાં આપણે જે કંઈ કરીએ એનો જશ તેમને જ આપવો જોઈએ.

૧૪:૫-૭. આપણે ચેતીને ચાલીશું તો પ્રચાર કરતા રહી શકીશું.—માત્થી ૧૦:૨૩.

૧૪:૨૨. દુઃખ-તકલીફો કે સતાવણી તો જરૂર આવશે. પણ એમાંથી છટકવા યહોવાહના નિયમ ન તોડીએ.—૨ તીમોથી ૩:૧૨.

૧૬:૧, ૨. યુવાનોએ હોંશથી યહોવાહની ભક્તિ કરવી જોઈએ. સારી શાખ બેસાડવા યહોવાહની મદદ લેવી જોઈએ.

૧૬:૩. લોકો સત્ય સ્વીકારે એ માટે, યહોવાહના નિયમ તોડ્યા વગર બનતું બધું જ કરવું જોઈએ.—૧ કોરીંથી ૯:૧૯-૨૩.

૨૦:૨૦, ૨૧. પ્રચાર કરવાની એક મહત્ત્વની રીત ઘરથી ઘરનો પ્રચાર છે.

૨૦:૨૪; ૨૧:૧૩. પોતાનું જીવન બચાવવાને બદલે યહોવાહને વળગી રહેવું વધારે મહત્ત્વનું છે.

૨૧:૨૧-૨૬. સારી સલાહ લેવા માટે આપણે હંમેશાં તૈયાર રહેવું જોઈએ.

૨૫:૮-૧૨. “સુવાર્તાની હિમાયત [બચાવ] કરવામાં તથા તેને સાબિત કરવામાં,” આપણે કોઈ પણ કાનૂની રીત વાપરી શકીએ.—ફિલિપી ૧:૭.

૨૬:૨૪, ૨૫. આપણે “સત્યની તથા ડહાપણની વાતો” લોકોને જણાવવી જોઈએ, ભલેને લોકોને એ વાતો ‘ઘેલી’ લાગે.—૧ કોરીંથી ૨:૧૪. (w08 5/15)

[પાન ૩૦ પર ચિત્ર]

પીતરે “આકાશના રાજ્યની કૂંચીઓ” ક્યારે વાપરી?

[પાન ૩૧ પર ચિત્ર]

યહોવાહના આશીર્વાદ વગર આખી દુનિયામાં પ્રચાર થઈ જ ન શકે