સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો, યહોવાહની ભક્તિ કરો

યુવાનો, યહોવાહની ભક્તિ કરો

યુવાનો, યહોવાહની ભક્તિ કરો

‘જે વાતો તું શીખ્યો ને જેના વિષે તને ખાતરી થઈ છે એને વળગી રહે.’—૨ તીમોથી ૩:૧૪.

૧. યુવાન ભાઈ-બહેનોની ભક્તિને યહોવાહ કેવી ગણે છે?

 યહોવાહે પહેલેથી જણાવ્યું હતું કે ઈસુની ‘સત્તાના સમયમાં લોકો ખુશીથી અર્પણ થશે. તેમની પાસે ઘણા યુવાનો હશે.’ (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) યહોવાહ પહેલેથી જ જાણતા હતા કે “છેલ્લા સમયમાં” લોકો તેમની દિલોજાનથી સેવા કરશે. આજે એમાં યુવાનો પણ છે. આવા યુવાનોની ભક્તિને યહોવાહ બહુ જ કીમતી ગણે છે.

૨. લોકો યુવાનો પર કેવું દબાણ લાવે છે?

યુવાનો શું તમે આખી જિંદગી યહોવાહની ભક્તિ કરવાનું નક્કી કર્યું છે? ઘણા યુવાનોને આવો નિર્ણય લેવો અઘરું લાગે છે. શા માટે? કેમ કે ઉપરી અધિકારીઓ, શિક્ષકો, મિત્રો તેમ જ અમુક સગાં-વહાલાં, યુવાનોને જીવનમાં નામ કમાવા દબાણ કરે છે. જ્યારે યુવાનો ઈશ્વરની ભક્તિ કરવાનો ધ્યેય રાખે છે ત્યારે તેઓની મજાક ઉડાવવામાં આવે છે. પણ યુવાનો તમે એવી વાતોમાં ફસાતા ના. યહોવાહની ભક્તિ કરવા સિવાય જીવનમાં બીજું કશું જ મહત્ત્વનું નથી. (ગીતશાસ્ત્ર ૨૭:૪) યુવાનો, ચાલો આપણે ત્રણ સવાલો પર વિચાર કરીએ: શા માટે આપણે યહોવાહની ભક્તિ કરવી જોઈએ? લોકો આપણી મજાક-મશ્કરી કરે ત્યારે કઈ રીતે યહોવાહને વળગી રહીએ? યહોવાહની ભક્તિ કરવાથી આપણને કેવી તકો મળશે?

યુવાનો તમે કયો માર્ગ પસંદ કરશો?

૩. યહોવાહની રચના જોઈને આપણે શું કરવું જોઈએ?

શા માટે યુવાનોએ યહોવાહની ભક્તિ કરવી જોઈએ? એનો જવાબ પ્રકટીકરણ ૪:૧૧ આપે છે: “ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમ કે તેં સર્વેને ઉત્પન્‍ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.” સુંદર ઝાડ-પાન, રંગ-બેરંગી ફૂલો, તેમ જ જાત-જાતના પ્રાણીઓ, ભવ્ય પહાડો, ધોધ તેમ જ વિશાળ સાગર યહોવાહના હાથની કરામત છે. એટલે જ ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪ કહે છે કે ‘પૃથ્વી તારી રચનાથી ભરપૂર છે.’ યહોવાહે આપણને એવી રીતે બનાવ્યા છે, જેથી તેમની રચનાનો ભરપૂર આનંદ ઉઠાવી શકીએ. આ બધું જોઈને શું આપણે યહોવાહની ભક્તિ ના કરવી જોઈએ!

૪, ૫. યહોશુઆએ કયા બનાવો જોયા જેથી યહોવાહમાં તેમનો ભરોસો મજબૂત થયો?

યહોવાહ જે કહે છે એ હંમેશાં સાચું પડે છે. એટલે આપણે તેમની ભક્તિ કરવી જોઈએ. ચાલો એ માટે યહોશુઆનો દાખલો લઈએ. યહોશુઆએ ઈસ્રાએલીઓને કહ્યું: ‘તમારાં મનમાં તમે સહુ જાણો છો, કે જે સારાં વચનો ઈશ્વર યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં પૂર્ણ થયા છે.’ યહોશુઆએ કેમ આમ કહ્યું?—યહોશુઆ ૨૩:૧૪.

યહોવાહે, જે વચન આપ્યાં હતાં એમાંના અમુક યહોશુઆએ પૂરાં થતાં જોયાં હતાં. યહોશુઆ મિસરમાં મોટા થયા હતા. ત્યાં યહોવાહે ઈસ્રાએલીઓને મિસરીઓના (ઇજિપ્ત) હાથમાંથી છોડાવાનું વચન આપ્યું હતું. (ઉત્પત્તિ ૧૨:૭; ૫૦:૨૪, ૨૫; નિર્ગમન ૩:૮) એ વચન પૂરું કરવા યહોવાહ મિસર પર દસ આફતો લાવ્યા. આમ, ફારુનના પંજામાંથી ઈસ્રાએલીઓને છોડાવ્યા. યહોવાહે લાલ સમુદ્રમાંથી પોતાના લોકોને બચાવ્યા, પણ ફારુનનાં લશ્કરનો નાશ કર્યો. તેઓ સિનાઈ પર્વત પર જતા હતા ત્યારે એનો રસ્તો ‘વિશાળ તથા ભયંકર અરણ્યવાળો’ હતો. ત્યારે પણ ઈસ્રાએલીઓની દરેક જરૂરિયાત યહોવાહે પૂરી કરી. તેઓ ભૂખે મર્યાં નહિ. (પુનર્નિયમ ૮:૩-૫, ૧૪-૧૬; યહોશુઆ ૨૪:૫-૭) ઈસ્રાએલીઓએ વચનના દેશમાં જવા માટે કનાનીઓ સાથે લડવું પડ્યું. એમાં યહોવાહે તેઓને સાથ આપ્યો. (યહોશુઆ ૧૦:૧૪, ૪૨) આ બધાં જ બનાવોને યહોશુઆએ પોતાની નજરે જોયા, જેથી યહોવાહમાં તેમનો ભરોસો મજબૂત થયો.

૬. આપણે કેમ યહોવાહની જ ઉપાસના કરવી જોઈએ?

યહોશુઆએ કહ્યું: “હું ને મારા ઘરનાં તો યહોવાહની જ સેવા કરીશું.” (યહોશુઆ ૨૪:૧૫) યહોશુઆએ એમ કહ્યું, કેમ કે યહોવાહના દરેક વચનો સાચા પડ્યા. આપણે પણ યહોવાહે આપેલા અમુક વચનો પૂરા થતા જોયા છે, અને અમુક વચનો પૂરા થવાની તૈયારીમાં છે. શું આપણે પણ યહોશુઆની જેમ યહોવાહની ઉપાસના કરવાની મનમાં ગાંઠ વાળી છે?

૭. શા માટે બાપ્તિસ્મા લેવું જરૂરી છે?

યહોવાહના હાથની કરામત અને તેમના વચનો પર આપણે વિચાર કરવો જોઈએ. એનાથી યહોવાહને સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા મદદ મળશે. ઈશ્વરની દિલથી ભક્તિ કરવા માગે છે તેઓએ બાપ્તિસ્મા લેવું જરૂરી છે. ઈસુએ પણ એમ જ કર્યું હતું. પ્રચાર કામ શરૂ કરતાં પહેલાં તેમણે યોહાન પાસે બાપ્તિસ્મા લીધું. ઈસુએ કહ્યું: “હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂરી કરવાને આકાશથી ઊતર્યો છું.” (યોહાન ૬:૩૮) યહોવાહની ઇચ્છા પૂરી કરવા ઈસુની જેમ આપણે પણ બાપ્તિસ્મા લેવું જોઈએ.—માત્થી ૩:૧૩-૧૭.

૮. શા માટે તીમોથીએ ઈશ્વરની સેવા કરવાનો નિર્ણય લીધો? યુવાનો તમે શું કરશો?

હવે આપણે તીમોથીનો વિચાર કરીએ. તેમણે કેમ યુવાનીમાં ઈશ્વરની સેવા કરવાનો નિર્ણય લીધો? બાઇબલ જણાવે છે કે ‘જે વાતો તે શીખ્યા ને જેના વિષે તેમને ખાતરી થઈ છે એને તે વળગી રહ્યા.’ (૨ તીમોથી ૩:૧૪) યહોવાહે તીમોથીને ખાસ લહાવાઓ અને જવાબદારી આપી. યુવાનો તમારા વિષે શું? જો તમને બાઇબલના વચનોમાં ભરોસો હોય, તો તમારે કઈંક કરવું જોઈએ. તીમોથીની જેમ નિર્ણય લો કે યહોવાહની જ ભક્તિ કરશો. બાપ્તિસ્મા લેવા વિષે તમારા માબાપને જણાવો. તેઓ અને મંડળના વડીલો તમને બાપ્તિસ્મા લેવા જરૂરી માર્ગદર્શન આપશે.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૧૨ વાંચો.

૯. જ્યારે તમે બાપ્તિસ્મા લો છો ત્યારે બીજાઓને કેવું લાગે છે?

યહોવાહની સેવા કરવા બાપ્તિસ્મા સૌથી પહેલું પગલું છે. આ પગલું લેવાથી ઈશ્વરના માર્ગે ચાલવાનું શરૂ કરી શકશો. એનાથી તમને ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાનો આનંદ મળશે અને ભવિષ્યમાં હંમેશ માટેનું જીવન મળશે. (હેબ્રી ૧૨:૨, ૩) કુટુંબીજનો અને મિત્રો જેઓ ઘણા સમયથી ઈશ્વરની સેવા કરી રહ્યા છે તેઓને પણ ખુશી થશે. સૌથી વધારે તો યહોવાહ ખુશ થશે. (નીતિવચનો ૨૩:૧૫ વાંચો.) જોકે ઘણા લોકો આ નિર્ણયને સમજી નહિ શકે. તેઓ કહેશે કે તમે ખોટો નિર્ણય લીધો. કદાચ તમારો વિરોધ પણ કરે. પણ યહોવાહની મદદથી તમે આ બધા વિરોધનો સામનો કરી શકશો.

જ્યારે કોઈ તમારો વિરોધ કરે

૧૦, ૧૧. (ક) યહોવાહની ભક્તિ કરવાના નિર્ણયથી બીજાઓ કેવો સવાલ ઉઠાવી શકે? (ખ) ઈસુએ જે રીતે જવાબો આપ્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૦ યહોવાહની ભક્તિ કરવાનો તમારો નિર્ણય ઘણાને નહિ ગમે. જેમ કે સ્કૂલના મિત્રો, પડોશીઓ તેમ જ અમુક સગાં-વહાલાં. કદાચ તેઓ તમારી માન્યતા સામે શંકા કરે. તેઓ તમને પૂછી શકે કે કેમ આવો નિર્ણય લીધો. તેઓને તમે કેવો જવાબ આપશો? પહેલાં તો તમારા નિર્ણય પર વિચાર કરો. પછી સમજી-વિચારીને જવાબ આપો. એમ કરવા આપણને ઈસુના દાખલામાંથી વધારે મદદ મળશે.

૧૧ જ્યારે યહુદી આગેવાનોએ પુનરુત્થાન વિષે ઈસુને સવાલો પૂછ્યા ત્યારે તેમણે શાસ્ત્રમાંથી એના જવાબો આપ્યા. (નિર્ગમન ૩:૬; માત્થી ૨૨:૨૩, ૩૧-૩૩) જ્યારે એક સાદુકીએ સૌથી મોટી આજ્ઞા કઈ એ વિષે સવાલ ઉઠાવ્યો, ત્યારે ઈસુએ એનો જવાબ શાસ્ત્રમાંથી જ આપ્યો. એ માણસને ઈસુનો જવાબ સારો લાગ્યો. (લેવીય ૧૯:૧૮; પુનર્નિયમ ૬:૫; માર્ક ૧૨:૨૮-૩૪) ઈસુએ શાસ્ત્રમાંથી જે જણાવ્યું અને જે રીતે બોલ્યા એનાથી ‘લોકોમાં ફૂટ પડી.’ વિરોધીઓ તેમને કંઈ જ ન કરી શક્યા. (યોહાન ૭:૩૨-૪૬) જ્યારે આપણી માન્યતા વિષે કોઈને જવાબ આપીએ ત્યારે બાઇબલનો ઉપયોગ કરીએ. “નમ્રતાથી તથા સત્યતાથી” જવાબ આપીએ. (૧ પીતર ૩:૧૫) જો તમને જવાબ ખબર ના હોય તો સાફ કહો કે મને ખબર નથી. હું એનો જવાબ શોધીને તમને જણાવીશ. જવાબ મેળવવા માટે તમે વોચટાવર પબ્લિકેશન ઇન્ડેક્સ અથવા વોચટાવર લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકો. સારી તૈયારી કરવાથી ‘દરેકને યોગ્ય જવાબ’ આપી શકશો.—કોલોસી ૪:૬.

૧૨. વિરોધ થાય ત્યારે આપણે શા માટે નિરાશ ના થવું જોઈએ?

૧૨ કોઈ આપણી માન્યતા પર સવાલ ઉઠાવે, તો તેને સમજાવીએ. પણ દરેક આપણા વખાણ નહિ કરે. અમુક ‘આપણી નિંદા કરશે,’ કારણ કે આ દુનિયા શેતાનની મુઠ્ઠીમાં છે. (૧ પીતર ૪:૪; ૧ યોહાન ૫:૧૯ વાંચો.) પણ યાદ રાખીએ કે આપણા એકલા પર જ સતાવણી આવતી નથી, ઈસુ પણ સતાવણીનો ભોગ બન્યા હતા. પ્રેરિત પીતરે પણ વિરોધનો સામનો કર્યો હતો. એટલે તેમણે લખ્યું કે “વહાલાઓ, તમારી કસોટી કરવાને સારુ તમારા પર જે અગ્‍નિરૂપી દુઃખ પડે છે, તેમાં, જાણે તમને કંઈ નવું થયું હોય, એમ સમજીને આશ્ચર્ય ન પામો; પણ એને બદલે ખ્રિસ્તનાં દુઃખોના તમે ભાગીદાર છો, એને લીધે હરખાઓ.”—૧ પીતર ૪:૧૨, ૧૩.

૧૩. આપણો વિરોધ કે સતાવણી થાય તો શા માટે હરખાવું જોઈએ?

૧૩ આપણો વિરોધ કે સતાવણી થાય તો શા માટે હરખાવું જોઈએ? કેમ કે આપણે યહોવાહના નીતિ-નિયમો પ્રમાણે જીવીએ છીએ. અને સતાવણી બતાવે છે કે શેતાન અને તેનું જગત આપણા પર ક્રોધે ભરાયેલું છે. (માત્થી ૫:૧૧, ૧૨ વાંચો.) બાઇબલ જણાવે છે કે “ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે.” (૧ પીતર ૪:૧૪) જો આપણો વિરોધ ના થાય તો જાણે આપણે શેતાનની મુઠ્ઠીમાં છીએ. એટલે જ ઈસુએ આપણને ચેતવ્યા હતા કે “જ્યારે સર્વ માણસો તમારું સારું બોલશે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના બાપદાદાઓ જૂઠા પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા.”—લુક ૬:૨૬.

૧૪. વિરોધ છતાં યહોવાહના માર્ગે ચાલવાથી કેવા સારા પરિણામો આવે છે?

૧૪ વિરોધ છતાં યહોવાહને માર્ગે ચાલવાના ઓછામાં ઓછા ચાર સારા પરિણામો આવે છે. આપણે યહોવાહ અને ઈસુનું નામ રોશન કરીએ છીએ. આપણા ભાઈ-બહેનોને ઘણું ઉત્તેજન મળે છે. યહોવાહના સાક્ષી ન હોય તેઓમાંના અમુક આપણા સારા વાણી-વર્તન જોઈને યહોવાહ વિષે શીખવા તૈયાર થઈ શકે. (ફિલિપી ૧:૧૨-૧૪ વાંચો.) યહોવાહ માટેનો આપણો પ્રેમ વધતો જાય છે, કેમ કે તે સતાવણીમાં પણ હિંમત આપે છે.

આપણા માટે “ઘણી તક” રહેલી છે

૧૫. પાઊલ માટે કઈ તક કે આશીર્વાદ હતો?

૧૫ પ્રેરિત પાઊલે એફેસસના પ્રચાર કામ વિષે લખ્યું કે “પ્રચાર અને શિક્ષણ માટે અહીં ઘણી તકો છે.” (૧ કરિંથી ૧૬:૮, ૯, IBSI) એ શહેરમાં લોકોને યહોવાહ વિષે શીખવવું, પાઊલ માટે એક મોટો આશીર્વાદ હતો. તેમણે પૂરાં દિલથી લોકોને શીખવ્યું. એનાથી ઘણા લોકો યહોવાહની ભક્તિ કરવા લાગ્યા.

૧૬. અભિષિક્ત ભાઈ-બહેનો માટે ૧૯૧૯માં કેવી રીતે ‘બારણું ઉઘાડું મૂકાયું’?

૧૬ ઈસુએ સ્વર્ગમાંથી ૧૯૧૯માં અભિષિક્ત ભાઈ-બહેનો માટે “બારણું ઉઘાડું મૂક્યું છે.” એટલે કે તેઓને એક તક આપી છે. (પ્રકટીકરણ ૩:૮) એ તક યહોવાહ વિષે બીજાઓને શીખવવાની છે. એને તેઓ એક આશીર્વાદ ગણે છે. આજે તેઓ પૂરાં દિલથી યહોવાહ વિષે બીજાઓને શીખવી રહ્યા છે. આમ, આખી દુનિયામાં યહોવાહના રાજ્યનો સંદેશો ફેલાઈ રહ્યો છે. પરિણામે લગભગ સિત્તેર લાખ લોકો યહોવાહની તન-મનથી ભક્તિ કરી રહ્યા છે. તેઓને હંમેશાંના જીવનની આશા છે.

૧૭. યુવાનો તમારી પાસે કેવા આશીર્વાદો રહેલા છે? તમે કેવા પગલાં લેશો?

૧૭ આજે આપણા માટે ‘પ્રચાર અને શિક્ષણ માટે ઘણી તકો’ રહેલી છે. જ્યારે બીજાઓને બાઇબલ વિષે શીખવીએ છીએ ત્યારે આપણને જીવનમાં સંતોષ અને આનંદ મળે છે. યુવાનો શું તમે પ્રચારને એક આશીર્વાદ ગણો છો? શું તમે બીજાઓને “સુવાર્તા પર વિશ્વાસ” કરવા મદદ કરો છો? (માર્ક ૧:૧૪, ૧૫) શું તમે રેગ્યુલર કે ઓક્ઝિલરી પાયોનિયરીંગ કરવાનો વિચાર કર્યો છે? શું તમે કિંગ્ડમ હૉલ કન્સ્ટ્રકશનમાં, બેથેલ સેવામાં કે મિશનરી બનવાનો વિચાર કર્યો છે? યુવાનો આવા આશીર્વાદોમાં ભાગ લો, એનાથી વધારેને વધારે લોકો યહોવાહ વિષે શીખી શકશે. એ બહુ જ જરૂરી છે, કેમ કે શેતાનની દુનિયાની ઘડીઓ ગણાઈ રહી છે.

“અનુભવ કરો અને જુઓ કે યહોવાહ ઉત્તમ છે”

૧૮, ૧૯. (ક) શા માટે દાઊદે યહોવાહની તન-મનથી ભક્તિ કરી? (ખ) શું બતાવે છે કે દાઊદે હંમેશાં ઈશ્વરને પ્રથમ રાખ્યા?

૧૮ રાજા દાઊદે કહ્યું કે “અનુભવ કરો અને જુઓ કે યહોવાહ ઉત્તમ છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૮) જ્યારે દાઊદ નાના અને ઘેટાંપાળક હતા ત્યારે યહોવાહે તેમને જંગલી જાનવરોથી બચાવ્યા. ગોલ્યાથ સામે પણ જીત અપાવી. બીજી મુશ્કેલીઓમાં પણ તેમને બચાવ્યા. (૧ શમૂએલ ૧૭:૩૨-૫૧; ગીતશાસ્ત્ર ૧૮ની ઉપરનું લખાણ) ઈશ્વરના અપાર પ્રેમને લીધે જ દાઊદે લખ્યું: ‘હે યહોવાહ મારા ઈશ્વર, તમારાં અજોડ કાર્યો, તથા અમારા સંબંધી તમારા વિચારો એટલાં બધાં છે, કે તેઓને તમારી આગળ ગણી પણ શકાય નહિ.’—ગીતશાસ્ત્ર ૪૦:૫.

૧૯ દાઊદને યહોવાહ માટે ખૂબ જ પ્રેમ હતો. તે પૂરા તન-મનથી ભક્તિ કરવા માગતા હતા. (ગીતશાસ્ત્ર ૪૦:૮-૧૦ વાંચો.) દાઊદે આખી જિંદગી યહોવાહની ભક્તિ કરી. બીજા બધા કામો તેમને માટે નકામા હતા. ઈશ્વરના નીતિ-નિયમો પ્રમાણે ચાલવામાં જ તેમને ખુશી મળતી હતી. દાઊદે ઘડપણમાં કહ્યું કે “હે પ્રભુ યહોવાહ, તું મારી આશા છે; મારી જુવાનીથી હું તારો ભરોસો રાખું છું. હે દેવ, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તું મને મૂકી દેતો નહિ.” (ગીતશાસ્ત્ર ૭૧:૫, ૧૮) દાઊદની ઉંમર વધતી ગઈ તેમ તેમનો યહોવાહમાં ભરોસો પણ વધતો ગયો.

૨૦. આપણે શા માટે આખી જિંદગી યહોવાહની ભક્તિ કરવી જોઈએ?

૨૦ યહોશુઆ, દાઊદ અને તીમોથીના જીવનનો વિચાર કરો. એમાંથી શીખવા મળે છે કે યહોવાહની ભક્તિ જ જીવનનો સૌથી સારો માર્ગ છે. દુનિયામાં સફળ થવાથી થોડાં સમયની ખુશી મળશે, પણ ‘ખરા મનથી ને ખરા જીવથી’ યહોવાહની સેવા કરવાથી હંમેશ માટેની ખુશી મળશે. (યહોશુઆ ૨૨:૫) જો તમે હજુ સુધી યહોવાહને પ્રાર્થનામાં સમર્પણ કર્યું નથી, તો તમારે પોતાને આ સવાલ પૂછવો જોઈએ: ‘યહોવાહના સાક્ષી બનવા મને શું રોકી રહ્યું છે?’ જો તમે બાપ્તિસ્મા લીધેલું હોય તો પ્રચાર કામમાં વધારે કરો. મંડળના કામોમાં ઉત્સાહથી ભાગ લો. આમ કરવાથી તમને જીવનનો ખરો આનંદ મળશે. હવે પછીના લેખમાં જોઈશું કે પાઊલના પગલે ચાલીને આપણે કેવી રીતે ભક્તિમાં આગળ વધી શકીએ. (w08 5/15)

તમે સમજાવી શકો?

• યહોવાહની ભક્તિ કરવાના બે કારણો જણાવો.

• ઈશ્વરની ભક્તિ કરવામાં તીમોથીને શામાંથી મદદ મળી?

• આપણો વિરોધ કે સતાવણી થાય તો શા માટે હરખાવું જોઈએ?

• ઈશ્વરની સેવા કરવા માટે આપણી પાસે કઈ તકો રહેલી છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૨ પર ચિત્ર]

યહોવાહની ભક્તિ જ જીવનનો સૌથી સારો માર્ગ છે

[પાન ૨૩ પર ચિત્ર]

શું તમે તમારી માન્યતા વિષે બીજાઓને જવાબ આપી શકો?