સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર જેવા ગુણો કેળવતા રહીએ

ઈશ્વર જેવા ગુણો કેળવતા રહીએ

ઈશ્વર જેવા ગુણો કેળવતા રહીએ

“ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.”—૧ તીમો. ૬:૧૧.

૧. ‘પાછળ પડવાના’ અમુક બનાવ બાઇબલમાંથી જણાવો.

 બાઇબલમાં ‘કશાની પાછળ પડવાના’ અમુક દાખલા આપેલા છે. કદાચ મુસાના સમયના ઇજિપ્તના લોકો યાદ આવે. તેઓ ઈસ્રાએલીઓની “પૂઠે લાગ્યા” કે પાછળ પડ્યા હતા ને લાલ સમુદ્રમાં માર્યા ગયા. (નિર્ગ. ૧૪:૨૩) અથવા ઈસ્રાએલની કોઈ વ્યક્તિનો ખ્યાલ આવે, જેના હાથે અજાણતા કોઈનું ખૂન થઈ જાય. જીવ બચાવવા તે તરત જ આશ્રયનગરમાં નાસી છૂટે. જો એમ ન કરે તો ‘ખૂનનો બદલો લેનારનો મિજાજ તપી જાય ને તેની પાછળ પડીને તેને મારી નાખે.’—પુન. ૧૯:૬.

૨. (ક) ૧,૪૪,૦૦૦ને કયો મોકો મળ્યો છે? (ખ) મોટા ભાગના ભક્તોને કયો આશીર્વાદ મળશે?

ઈશ્વરભક્ત પાઊલે કહ્યું કે ‘ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય ઈનામને માટે હું આગળ ધસું છું.’ (ફિલિ. ૩:૧૪) બાઇબલ બતાવે છે કે પાઊલની જેમ કુલ ૧,૪૪,૦૦૦ને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો છે. તેઓ ઈસુ સાથે પૃથ્વી પર હજાર વર્ષ રાજ કરશે. બાકીના ભક્તો સ્વર્ગ જેવી પૃથ્વી પર જીવશે. આદમ અને હવાએ ગુમાવેલા બધા આશીર્વાદ યહોવાહ આપશે. કોઈ બીમાર નહિ થાય, ઘરડા નહિ થાય, બધાય અમર જીવશે.—પ્રકટી. ૭:૪, ૯; ૨૧:૧-૪.

૩. યહોવાહની અપાર કૃપા માટે કઈ રીતે કદર બતાવી શકીએ?

આપણે પોતાની જાતે અમર જીવન મેળવી શકતા નથી. (યશા. ૬૪:૬) યહોવાહે કરેલી ગોઠવણ પ્રમાણે, ઈસુ ખ્રિસ્તમાં પૂરી શ્રદ્ધા મૂકીએ તો જ, અમર જીવન પામીશું. એ અપાર કૃપાની કદર બતાવવા, પૂરા દિલથી આવા ગુણો કેળવીએ: “ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા.” (૧ તીમો. ૬:૧૧) એના પર જેટલો “વધારે ને વધારે” વિચાર કરીએ, એટલા એ કેળવવાનું મન થશે.—૧ થેસ્સા. ૪:૧.

‘ન્યાયીપણા’ પાછળ લાગ્યા રહીએ

૪. “ન્યાયીપણું” કેળવવું કેમ મહત્ત્વનું છે? એમ કરવા શું કરવું જોઈએ?

પાઊલે તીમોથીને જ્યારે સદ્‍ગુણો કેળવવા કહ્યું ત્યારે, “ન્યાયીપણું” પહેલા મૂક્યું. (૧ તીમો. ૬:૧૧; ૨ તીમો. ૨:૨૨) ન્યાયીપણું કેળવવા બાઇબલમાં બીજે પણ વારંવાર ઉત્તેજન મળે છે. (નીતિ. ૧૫:૯; ૨૧:૨૧; યશા. ૫૧:૧) ન્યાયીપણું કેળવવા કરવા આપણે શું કરવું જોઈએ? ‘એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેમણે મોકલ્યા છે તેમને ઓળખીએ.’ (યોહા. ૧૭:૩) આપણાં પાપોનો પસ્તાવો કરવો જોઈએ. ખોટાં કામોથી પાછા ‘ફરીએ.’ યહોવાહના માર્ગે જ ચાલીએ.—પ્રે.કૃ. ૩:૧૯.

૫. ન્યાયીપણા પાછળ લાગ્યા રહેવા બીજું શું કરવું જોઈએ?

ન્યાયીપણું કેળવવા લાખો લોકો યહોવાહની ભક્તિ કરવાનું વચન લે છે. બાપ્તિસ્મા લઈને યહોવાહના ભક્તો બને છે. જો તમે બાપ્તિસ્મા પામ્યા હોવ તો શું તમારા જીવનમાં ન્યાયીપણું દેખાઈ આવે છે? જ્યારે નિર્ણય લેવાનો થાય, ત્યારે શું તમે યહોવાહની નજરે “ખરૂંખોટું” પારખો છો? (હેબ્રી ૫:૧૪ વાંચો.) માનો કે તમે કુંવારા હોવ કે લગ્‍ન કરવા ઉંમરલાયક હોવ. શું તમે નક્કી કર્યું છે કે તમે એવા કોઈના પ્રેમમાં નહિ પડો, જે યહોવાહના ભક્ત નથી? તમે ન્યાયીપણા પાછળ લાગ્યા રહેશો તો એવો જ નિર્ણય લેશો.—૧ કોરીં. ૭:૩૯.

૬. ન્યાયીપણું કેળવીશું તો કેવા બનીશું?

જોકે આપણે ‘ઝાઝા નેક અને દોઢડાહ્યા’ પણ ન બનીએ. (સભા. ૭:૧૬) એવો દેખાડો કરનારાને ઈસુએ ચેતવણી આપી. (માથ. ૬:૧) ન્યાયીપણું તો દિલમાંથી નીકળે છે. એ ખોટા વિચારો સુધારે છે. સારો સ્વભાવ કેળવે છે. સાચી ભાવના રાખે છે. આપણે એવા હોઈશું તો, કોઈ મોટું પાપ નહિ કરીએ. (નીતિવચનો ૪:૨૩ વાંચો; વધારે માહિતી: યાકૂબ ૧:૧૪, ૧૫.) યહોવાહ આપણને બીજા ગુણો કેળવવા પણ મદદ કરશે.

‘ભક્તિભાવ’ પાછળ લાગ્યા રહો

૭. ભક્તિભાવનો અર્થ શું થાય?

ભક્તિભાવનો અર્થ શું થાય? એ જ કે તન-મનથી ઈશ્વરની ભક્તિ કરીએ. ‘ભક્તિભાવ’ માટેના ગ્રીક શબ્દ વિષે એક ડિક્શનરી કહે છે કે ‘ઈશ્વરનો ડર રાખવો.’ ઈસ્રાએલીઓએ એમ ન કર્યું. અરે, ઈશ્વરે ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા પછી પણ, તેઓ બેવફા બન્યા.

૮. (ક) આદમના પાપને લીધે કયો પ્રશ્ન ઊભો થયો? (ખ) યહોવાહે પવિત્ર “મર્મ” દ્વારા કઈ રીતે જવાબ આપ્યો?

આદમે પાપ કર્યા પછી આ પ્રશ્ન ઊભો થયો: “શું કોઈ ઇન્સાન ઈશ્વરના ધોરણ પ્રમાણે સો ટકા ભક્તિ કરી શકે?” ભલે સદીઓ સુધી એમ બન્યું ન હતું, પણ યહોવાહે પોતાના સમયે પવિત્ર “મર્મ” પ્રગટ કરીને એનો જવાબ આપ્યો. તેમણે ચમત્કાર કરીને ઈસુનું જીવન મરિયમની કૂખમાં મૂક્યું. ઈસુએ ધરતી પર આવીને બતાવી આપ્યું કે યહોવાહના ધોરણ પ્રમાણે તેમની સો ટકા ભક્તિ કઈ રીતે કરાય. તેમની પ્રાર્થનામાં યહોવાહ માટેનો પ્રેમ નીતરતો હતો. અરે એ માટે તો તે મરણ પામ્યા. (માથ. ૧૧:૨૫; યોહા. ૧૨:૨૭, ૨૮) તેથી ‘ભક્તિભાવ’ વિષે સમજાવવા પાઊલે ઈસુનો દાખલો આપ્યો.—૧ તીમોથી ૩:૧૬ વાંચો.

૯. આપણે કઈ રીતે ભક્તિભાવ કેળવી શકીએ?

યહોવાહના ધોરણ પ્રમાણે કોઈ સો ટકા ભક્તિ કરી શકતું નથી. પણ પ્રયત્ન તો કરવો જ જોઈએ. એ માટે ઈસુને પગલે ચાલવા બનતું બધું જ કરીએ. (૧ પીત. ૨:૨૧) આપણે એવા ઢોંગી ન બનીએ, જેઓ ‘ભક્તિભાવનો ડોળ દેખાડે’ છે. (૨ તીમો. ૩:૫) આપણા જીવનમાં ‘ભક્તિભાવ’ દેખાઈ આવશે. દાખલા તરીકે, આપણો પહેરવેશ હંમેશાં યહોવાહના ભક્તોને શોભે એવો હોવો જોઈએ. ભલે પછી આપણે લગ્‍નના કપડાંની પસંદગી કરતા હોઈએ. શૉપિંગમાં કે પછી બીજે ક્યાંય જવા માટેનાં કપડાંની પસંદગી કરતા હોઈએ. (૧ તીમો. ૨:૯, ૧૦) આપણે યહોવાહનાં ધોરણો પ્રમાણે જીવવા બનતું બધું જ કરીએ.

‘વિશ્વાસ’ વધારતા રહીએ

૧૦. યહોવાહ સાથે પાકો નાતો બાંધવા શું કરવું જોઈએ?

૧૦ રૂમી ૧૦:૧૭ વાંચો. યહોવાહ સાથે પાકો નાતો બાંધવા આપણે શું કરવું જોઈએ? બાઇબલ વાંચીને એના પર મનન કરવું જોઈએ. ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ આપેલાં પુસ્તકો વાંચવા જોઈએ. એમાંનાં ખાસ આ પુસ્તકો છે: કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ, લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર અને “કમ બી માય ફોલોઅર.” એનાથી આપણે ઈસુને સારી રીતે ઓળખીને, તેમના પગલે ચાલી શકીશું. (માથ. ૨૪:૪૫-૪૭) આપણા માટે મિટિંગો અને સંમેલનોની પણ ગોઠવણ કરવામાં આવે છે. એનો લાભ લેવાથી આપણે વધુ સારી રીતે “ખ્રિસ્તના વચન” પાળી શકીશું. યહોવાહે પૂરા પાડેલા જ્ઞાન પર ‘વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવા,’ તમે કેવા ફેરફારો કરવા તૈયાર છો?—હેબ્રી ૨:૧.

૧૧. બીજી કઈ રીતે આપણી શ્રદ્ધા વધી શકે?

૧૧ યહોવાહ સાથે પાકો નાતો બાંધવા પ્રાર્થના ખૂબ જ મહત્ત્વની છે. એક વખત ઈસુના શિષ્યોએ તેમને અરજ કરી, “અમારો વિશ્વાસ વધાર.” આપણે પણ એવી જ પ્રાર્થના કરવી જોઈએ. (લુક ૧૭:૫) આપણો વિશ્વાસ વધે એ માટે પ્રાર્થનામાં યહોવાહની મદદ માગીએ. તે આપણને તેમના જેવા ગુણો કેળવવા મદદ કરશે. (ગલા. ૫:૨૨) ઈશ્વરની આજ્ઞાઓ પાળવાથી પણ દિવસે દિવસે આપણી શ્રદ્ધા વધતી રહેશે. જેમ કે પ્રચાર કરવાની આજ્ઞા પાળવા, આપણે કદાચ વધારે સમય આપીએ. આ રીતે ‘પહેલાં તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધીશું.’ એટલે આપણો આનંદ અને શ્રદ્ધા વધતા જ જશે.—માથ. ૬:૩૩.

“પ્રેમ” બતાવતા રહીએ

૧૨, ૧૩. (ક) ઈસુએ કઈ નવી આજ્ઞા આપી? (ખ) આપણે ઈસુ જેવો પ્રેમ કઈ રીતે કેળવવો જોઈએ?

૧૨ ઈસુએ નવી આજ્ઞા આપી કે “એકબીજા પર પ્રેમ રાખો.” યહોવાહના ભક્તો તરીકે આપણે એમ કરીએ. (યોહા. ૧૩:૩૪) પાઊલે જણાવ્યું કે આપણે કઈ રીતે એમ કરી શકીએ. (૧ તીમોથી ૫:૧, ૨ વાંચો.) યોહાને પણ જણાવ્યું: “જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય, ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે, તો તેનામાં દેવની પ્રીતિ શી રીતે રહી શકે?” (૧ યોહા. ૩:૧૭) વિચારો કે શું તમે કોઈને મદદ કરી છે?

૧૩ પ્રેમ બતાવવા આપણે એકબીજાને દિલથી માફ કરવા જોઈએ. કોઈ આપણી સાથે ખરાબ રીતે વર્ત્યું હોય, તોપણ મનમાં ઝેર ન ભરી રાખીએ. (૧ યોહાન ૪:૨૦ વાંચો.) એને બદલે, ‘એકબીજાનું સહન કરીએ, ને જો કોઇને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરીએ, જેમ યહોવાહે ક્ષમા આપી તેમ આપણે પણ કરીએ.’ (કોલો. ૩:૧૩) શું તમે એ સલાહ પાળશો?

‘ધીરજથી’ સહન કરતા રહો

૧૪. ફિલાડેલ્ફિયા મંડળ પાસેથી શું શીખી શકીએ?

૧૪ થોડો સમય સહન કરવાનું સહેલું છે, પણ લાંબો સમય સહેવાનું ઘણું કઠિન છે. અમર જીવન મેળવવા તો ધીરજથી ઘણું સહન કરવું પડે છે. ઈસુએ ફિલાડેલ્ફિયા મંડળને કહ્યું કે ‘તેં મારા ધૈર્યનું વચન પાળ્યું છે, તેટલા જ માટે હું પણ તને બચાવીશ.’ (પ્રકટી. ૩:૧૦) ‘ધૈર્યનું વચન પાળવું’ એટલે કે ઈસુએ શીખવેલી રીતે સહન કરવું. એનાથી કોઈ પણ કસોટી કે લાલચમાં ટકી રહેવા મદદ મળે છે. ફિલાડેલ્ફિયાના ભાઈ-બહેનોએ પણ એવી જ રીતે કસોટીઓ સહન કરી હશે. એટલે ઈસુએ આકરી કસોટીમાં પણ તેઓને મદદ કરવાનું વચન આપ્યું.—લુક ૧૬:૧૦.

૧૫. ધીરજથી સહન કરવા વિષે ઈસુએ શું શીખવ્યું?

૧૫ ઈસુ જાણતા હતા કે તેમના શિષ્યો પર સગાં-વહાલાં કે બીજા લોકો પાસેથી સતાવણી આવશે જ. તેમણે અનેક વાર ઉત્તેજન આપ્યું: “અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.” (માથ. ૧૦:૨૨; ૨૪:૧૩) આપણને સતાવણીમાં કઈ રીતે મદદ મળી શકે? ઈસુએ એક ઉદાહરણ આપ્યું. અમુક લોકોને પથ્થરવાળી જમીન સાથે સરખાવ્યા. તેઓ ઈશ્વરનાં “વચન સાંભળીને હરખથી તેને માની લે છે.” પણ કસોટીમાં ઈશ્વરનો માર્ગ છોડી દે છે. જ્યારે કે ઈસુના શિષ્યો સારી જમીન જેવા છે. તેઓ વચન સાંભળીને “ગ્રહણ કરે છે, ને ધીરજથી ફળ આપે છે.”—લુક ૮:૧૩, ૧૫.

૧૬. લાખો ભક્તોને સહન કરવા શામાંથી મદદ મળે છે?

૧૬ ધીરજથી સહન કરવાનો ઇલાજ એ છે કે ઈશ્વરનાં વચન ‘ગ્રહણ કરીએ.’ એ આપણા દિલોદિમાગમાં જીવંત રાખીએ. એ માટે દરરોજ બાઇબલ વાંચીને એના પર વિચાર કરીએ. અનેક ભાષાઓમાં ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ પણ છે. એમાં ખરા વિચારો છે. એ સીધીસાદી ભાષામાં લખાયા છે. સહન કરીને “ધીરજથી ફળ” આપતા રહેવા, બાઇબલ આપણને શક્તિ આપશે.—ગીત. ૧:૧, ૨.

“નમ્રતા” અને શાંતિ પાછળ મંડ્યા રહીએ

૧૭. (ક) કેમ ‘નમ્ર’ બનીને ઠંડું મગજ રાખવું જોઈએ? (ખ) ઈસુએ કઈ રીતે નમ્ર રહીને ઠંડું મગજ રાખ્યું?

૧૭ કોઈ વાંકગુના વગર દોષ મૂકવામાં આવે તો કોને ગમે? કોઈને નહિ. મોટા ભાગે આપણે તપી ઊઠીશું. પણ આપણે “નમ્રતા” બતાવીએ તો કેવું સારું! (નીતિવચનો ૧૫:૧ વાંચો.) ખોટા આરોપ મૂકવામાં આવે, ત્યારે મગજ ઠંડું રાખવું સહેલું નથી. એવા સંજોગોમાં પણ ઈસુએ ‘નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ; દુઃખો સહન કરીને ધમકી આપી નહિ; પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા.’ (૧ પીત. ૨:૨૩) આપણે બધા જ ઈસુ જેવા નથી. તોયે તેમની જેમ નમ્રતા અને ઠંડું મગજ રાખવા બનતો પ્રયત્ન કરવો જ જોઈએ.

૧૮. (ક) નમ્ર સ્વભાવ કેળવીશું તો શું નહિ કરીએ? (ખ) બાઇબલ બીજા શાની પાછળ લાગ્યા રહેવા ઉત્તેજન આપે છે?

૧૮ આપણે પણ ઈસુની જેમ, ‘કોઈ ખુલાસો માગે તો નમ્રતાથી તથા સત્યતાથી જવાબ આપવાને સદા તૈયાર રહેવું’ જોઈએ. (૧ પીત. ૩:૧૫) નમ્ર સ્વભાવ હશે તો આપણે પ્રચારમાં કે મંડળમાં ઝઘડીશું નહિ. (૨ તીમો. ૨:૨૪, ૨૫) પાઊલે તીમોથીને બીજા ગુણોની સાથે “શાંતિ” કેળવવાનું પણ કહ્યું. નમ્ર સ્વભાવ શાંતિ રાખવા પણ મદદ કરે છે. (૨ તીમો. ૨:૨૨; વધારે માહિતી: ૧ તીમોથી ૬:૧૧.) બાઇબલ આપણને “શાંતિ” પાછળ લાગ્યા રહેવા ઉત્તેજન આપે છે.—ગીત. ૩૪:૧૪; હેબ્રી ૧૨:૧૪.

૧૯. સાત ગુણો કેળવવાની ચર્ચા કર્યા પછી, આપણે શું કરીશું અને શા માટે?

૧૯ આપણે આ લેખમાં શું શીખી ગયા? ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ, નમ્રતા અને શાંતિ પાછળ લાગ્યા રહીએ. મંડળમાં આપણે બધા ઈશ્વર જેવા ગુણો બતાવીએ ત્યારે, કેટલો ફરક પડે છે! આપણે યહોવાહના હાથે ઘડાઈએ છીએ અને તેમનું નામ રોશન કરીએ છીએ. (w08 6/15)

વિચારવા માટેના પ્રશ્નો

• આપણે ભક્તિભાવ અને ન્યાયીપણા પાછળ કઈ રીતે મંડ્યા રહેવું જોઈએ?

• શ્રદ્ધા અને ધીરજ કેળવવા શું મદદ કરી શકે?

• પ્રેમ હશે તો આપણે બધા સાથે કઈ રીતે વર્તીશું?

• નમ્રતા ને શાંતિની પાછળ કેમ લાગ્યા રહેવું જોઈએ?

[Study Questions]

[Picture on page 16]

ઈસુએ કહ્યું કે ન્યાયીપણાનો દેખાડો ન કરો

[Picture on page 17]

આપણી શ્રદ્ધા વધારવા

બાઇબલ પર રોજ વિચાર કરીએ

[Picture on page 19]

આપણે પ્રેમ અને નમ્રતા કેળવવા જોઈએ