હંમેશાં યહોવાહની આજ્ઞા પાળીએ
હંમેશાં યહોવાહની આજ્ઞા પાળીએ
“આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એ જ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.”—૧ યોહા. ૫:૩.
૧, ૨. (ક) આજે શા માટે ઘણાને કોઈના હાથ નીચે કામ કરવું ગમતું નથી? (ખ) શું લોકો પોતાની મરજી પ્રમાણે જીવી રહ્યા છે? સમજાવો.
આજે કોઈને પણ કોઈના હાથ નીચે કામ કરવું ગમતું નથી. ઘણા કહે છે કે ‘મારે શું કરવું એ મને કોઈએ કહેવાની જરૂર નથી.’ તેઓને એવું લાગે છે કે તેમને કોઈની સલાહની જરૂર નથી. આજે બધાને મનફાવે એમ જીવવું છે. એક લેખક કહે છે, ‘મારે શું કરવું શું ના કરવું એનો નિર્ણય હું પોતે જ લઉં છું. હું મારા માબાપ, ધાર્મિક ગુરુઓ અને બાઇબલની સલાહ લેતો નથી.’ પણ પ્રશ્ન થાય કે શું ખરેખર આવા લોકો પોતાની મરજી પ્રમાણે જીવી રહ્યા છે? જરાય નહિ. હકીકતમાં તેઓ પોતાની મરજી પ્રમાણે નહિ પણ ‘આ જગતના રૂપ’ પાછળ ગાંડા છે. એટલે કે ઘણા લોકો જેવું કરે એવું જ તેઓ કરવા માંગે છે.—રૂમી ૧૨:૨.
૨ પીતરના કહ્યા પ્રમાણે ખરેખર તેઓ મનના માલિક નહિ પણ “પાપ”ના ગુલામ છે. (૨ પીત. ૨:૧૯) તેઓ ‘દુનિયાની સત્તાના અધિપતિ શેતાનની આધીનતામાં’ હોવાથી ખોટે માર્ગે ચઢી ગયા છે. (એફે. ૨:૨, IBSI) તેઓને કોઈના સલાહ-સૂચનો સ્વીકારવા ગમતા નથી. એનાથી તેઓને ખરાબ પરિણામો ભોગવવા પડે છે. ન્યૂઝ પેપર પર નજર નાખતા જોવા મળે છે કે લોકોને માર્ગદર્શનની જરૂર છે. પણ લોકો બીજા પાસેથી માર્ગદર્શન લેવા તૈયાર નથી. એનાથી ખરાબ પરિણામો ભોગવે છે. ખરેખર આ દુઃખની વાત કહેવાય.
યહોવાહના નિયમો પાળીએ
૩. શા માટે પહેલી સદીના ભાઈ-બહેનોએ આગેવાનોની વાત માની લીધી નહિ?
૩ આપણે ઈશ્વરભક્ત હોવાથી મનફાવે એમ જીવતા નથી. આપણે કાયદા-કાનૂન પ્રમાણે જીવીએ છીએ. શું એનો અર્થ એ થાય કે આપણે આંખો મીંચીને દરેક કાયદા પાળવા જોઈએ? ના એવું નથી. જ્યારે યહોવાહના નિયમો તૂટતા હોય ત્યારે આપણે દુનિયાના અધિકારીઓનું કહ્યું કરતા નથી. પહેલી સદીના ભાઈ-બહેનોએ પણ એવું જ કર્યું. દાખલા તરીકે જ્યારે આગેવાનોએ પ્રેરિતોને પ્રચાર બંધ કરવા કહ્યું ત્યારે તેઓએ એ માન્યું નહિ. તેઓએ ડર્યા વગર પ્રચાર કામ ચાલુ રાખ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૭-૨૯ વાંચો.
૪. બીજા ઈશ્વરભક્તોએ કેવી રીતે બતાવ્યું કે તેઓએ હંમેશાં ઈશ્વરનું જ કહ્યું કર્યું?
૪ બીજા ઈશ્વરભક્તોએ પણ યહોવાહનું જ કહ્યું કર્યું. દાખલા તરીકે મુસાના સમયમાં ફારૂન રાજા અને તેના લોકો જૂઠ્ઠા દેવોની ભક્તિ કરતા હતા. એટલે જ મુસાએ ‘ફારૂનની દીકરીનો પુત્ર ગણાવાની ના પાડી. પણ ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું વિશેષ પસંદ કર્યું.’ આમ કરવામાં તે ‘રાજાના ક્રોધથી બીધા નહિ.’ (હેબ્રી ૧૧:૨૪, ૨૫, ૨૭) યુસફ પણ યહોવાહના નિયમો પ્રમાણે જીવ્યો. પોટીફારની પત્ની તેને વારંવાર અનૈતિક સંબંધ બાંધવા દબાણ કરતી હતી. યુસફે તેને સાફ ના પાડી. તે જાણતો હતો કે પોટીફારની પત્ની તેને સખત સજા કરી શકતી હતી. પણ તેનાથી તે ડરી ના ગયો. (ઉત. ૩૯:૭-૯) હવે દાનીયેલનો વિચાર કરીએ. “દાનીયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો, કે રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાળીશ નહિ.” દાનીયેલ જાણતા હતા કે તેમનો આ નિર્ણય બાબેલોનના અધિકારીઓને ગમશે નહીં. તો પણ તેમણે શા માટે એવો નિર્ણય લીધો? કેમ કે બાબેલોનનું ખાવાનું, યહોવાહના નિયમો પ્રમાણે ન હતું. (દાની. ૧:૮-૧૪) આ ત્રણેય દાખલાઓ બતાવે છે કે તેઓ હંમેશાં યહોવાહના નિયમો પ્રમાણે જ ચાલ્યા. પછી ભલે એનું પરિણામ ગમે તે આવે. અધિકારીઓને ખુશ રાખવા તેઓએ હાજી હા કરી નહિ. આપણે પણ એ ઈશ્વરભક્તોની જેમ યહોવાહનું જ કહ્યું કરીએ.
૫. સરકારના નિયમો પાળવાની બાબતમાં આપણે દુનિયાના લોકો કરતાં કેવી રીતે અલગ છીએ?
૫ આજે સરકારે ઘણા નિયમો બનાવ્યા છે. પણ લોકોને મનફાવે એમ જીવવું છે. તેઓ સરકારના અમુક નિયમો તોડે છે અને એને રાજનીતિક ઇસ્યુ બનાવે છે. પરંતુ આપણો કિસ્સો એકદમ અલગ છે. આપણે ફક્ત યહોવાહના નિયમો તૂટતા હોય ત્યારે જ સરકારના નિયમો પાળતા નથી. આપણે હિંમતથી જે નિર્ણય લઈએ છીએ એનો અર્થ એવો નથી કે સરકારની સામે બંડ કરીએ છીએ. આપણે તો પહેલી સદીના પ્રેરિતોની જેમ માણસોના કરતાં યહોવાહનું વધારે માનીએ છીએ.
૬. શા માટે આપણે હંમેશાં યહોવાહની આજ્ઞા પાળવી જોઈએ?
૬ શા માટે આપણે યહોવાહની આજ્ઞા પાળવી જોઈએ? એનો જવાબ આપણને નીતિવચનો ૩:૫, ૬માં મળે છે. એમાં કહ્યું છે કે “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” યહોવાહનું કહ્યું કરવામાં જ આપણું ભલું છે. (પુનર્નિયમ ૧૦:૧૨, ૧૩ વાંચો.) યહોવાહે આપણને જણાવ્યું છે કે ‘તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તું મારી આજ્ઞાઓ ધ્યાનમાં લે તો કેવું સારું! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારું ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થશે.’ (યશા. ) આપણે એ વચનોમાં પૂરો ભરોસો રાખવો જોઈએ. આપણને પૂરી ખાતરી છે કે યહોવાહનું માનવામાં આપણું જ ભલું છે. ૪૮:૧૭, ૧૮
૭. આપણને યહોવાહના અમુક નિયમો ના સમજાય તોપણ એ કેમ પાળવા જોઈએ?
૭ હવે સવાલ થાય કે યહોવાહના અમુક નિયમો ના સમજાય તોપણ શું એ પાળવા જોઈએ? હા પાળવા જોઈએ, કેમ કે યહોવાહ કાયમ આપણું ભલું જ ચાહે છે. તે આપણને ખોટા માર્ગે નહિ દોરે. ભલે તેમના નિયમો સમજાય કે ના સમજાય આપણે એ પાળવા જોઈએ. એનાથી સાબિત થશે કે આપણે યહોવાહને પ્રેમ કરીએ છીએ. બાઇબલ પણ એ જ પુરાવો આપે છે કે “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એ જ દેવ પરનો પ્રેમ છે.”—૧ યોહા. ૫:૩.
યહોવાહના નિયમો દિલમાં ઉતારીએ
૮. ખરું-ખોટું પારખવા શું કરવું જોઈએ?
૮ યહોવાહ ચાહતા નથી કે આપણે તેમના નિયમો આંખો મીંચીને માની લઈએ. એટલે તેમણે જણાવ્યું છે કે આપણી ‘ઇંદ્રિયો ખરુંખોટું પારખવા કેળવાએલી’ હોવી જોઈએ. (હેબ્રી ૫:૧૪) ખરું-ખોટું પારખવા યહોવાહના નિયમો સમજવા પ્રયત્ન કરવો જોઈએ. યહોવાહનું જ્ઞાન લેવું જોઈએ. એમ કરીશું તો ગીતકર્તાની જેમ કહી શકીશું કે “તારો નિયમ મારા હૃદયમાં છે.”—ગીત. ૪૦:૮.
૯. કેવી રીતે યહોવાહના નિયમો હૃદયમાં રાખી શકીએ? આમ કરવું કેમ જરૂરી છે?
૯ કેવી રીતે આપણે યહોવાહના નિયમો હૃદયમાં રાખી શકીએ? બાઇબલમાં જે વાંચીએ એના પર મનન કરીએ. દાખલા તરીકે જ્યારે આપણે બાઇબલમાંથી યહોવાહની આજ્ઞા વિષે શીખીએ ત્યારે આ સવાલો પર વિચાર કરીએ: ‘શા માટે આ આજ્ઞા પાળવી મારા ભલા માટે છે? જે લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળી નહિ તેઓએ કેવા ખરાબ પરિણામો ભોગવવા પડ્યા?’ આ સવાલો પૂછવાથી આપણે ‘પ્રભુની ઇચ્છા શી છે તે સમજી’ શકીશું. અને તેમનું કહ્યું કરીશું. (એફે. ૫:૧૭) આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે નિર્ણય લઈશું તો તેમને ખુશ કરી શકીશું.
યહોવાહ સામે શેતાન આંગળી ચીંધે છે
૧૦. કઈ એક રીતે શેતાને યહોવાહ સામે આંગળી ચીંધી છે?
૧૦ આપણે યહોવાહની આજ્ઞા તોડીએ એ માટે શેતાન હંમેશાં પ્રયત્ન કરે છે. લગ્નબંધનની બાબતમાં પણ તે એમ જ કરે છે. યહોવાહની નજરમાં લગ્ન એક પવિત્રબંધન છે. તે ચાહે છે કે પતિ-પત્ની લગ્ન કરીને હંમેશાં સાથે રહે. પણ શેતાને લગ્નની બાબતમાં યહોવાહની સામે આંગળી ચીંધી છે. તે પવિત્ર બંધનને તોડવા પૂરા પ્રયત્નો કરી રહ્યો છે. તે ચાહે છે કે પતિ-પત્ની મનફાવે એમ જીવે. અમુકને લાગે છે કે છુટાછેડા લેવામાં કંઈ વાંધો નથી. અરે આજે લોકો લગ્નમાં માનતા નથી, એટલે લગ્ન કર્યા વગર સાથે રહે છે. એક જાણીતી હીરોઈન કહે છે કે ‘આજની દુનિયામાં એક જ પતિને વળગી રહેવું શક્ય નથી. આખી જિંદગી એકની જ સાથે રહેવાથી જીવન કંટાળાજનક બની જશે.’ એક મશહૂર હીરો કહે છે કે ‘અરે આજે માણસનો સ્વભાવ એવો થઈ ગયો છે કે એકની જ જોડે આખી જિંદગી રહી શકતો નથી.’ આપણા વિષે શું? શું આપણે લગ્નને આ હીરો-હીરોઈન જેવું ગણીએ છીએ? કે પછી યહોવાહની જેમ લગ્નને પવિત્ર ગણીએ છીએ?
૧૧, ૧૨. (ક) યહોવાહની આજ્ઞા પાળવી યુવાનો માટે કેમ સહેલી નથી? (ખ) યહોવાહની આજ્ઞા ન પાળવાથી કેવું ખરાબ પરિણામ આવી શકે, એનો દાખલો આપો.
૧૧ શેતાન આજે યુવાનોને ખાસ નિશાન બનાવે છે. એટલે યહોવાહે આજ્ઞા આપી છે કે ‘યુવાનીની વાસનાથી દૂર રહો.’ (૨ તિમો. ૨:૨૨, કોમન લેંગ્વેજ) પણ શેતાન નથી ચાહતો કે તમે આ આજ્ઞા પ્રમાણે ચાલો. એટલે તે મિત્રો દ્વારા તમારા પર દબાણ લાવશે. ખોટાં કામો કરવા તમને લલચાવશે. પણ બાઇબલ ચેતવે છે કે “વ્યભિચારથી નાસો.” (૧ કોરીં. ૬:૧૮) યુવાનો એમાં ફસાવ નહિ માટે આ સવાલો પર વિચાર કરો. ‘યહોવાહે શા માટે આ બધી આજ્ઞા આપી છે? એ પાળવાથી મને શું ફાયદો થશે?’ કદાચ તમે અમુકને ઓળખતા હશો, જેમણે પરમેશ્વરની આજ્ઞાઓથી મોં ફેરવી લીધું હોય અને ખરાબ પરિણામો ભોગવી રહ્યા છે. અત્યારે શું તેઓ ખરેખર સુખી છે? ઈશ્વરના ભક્તો કરતાં શું તેઓ વધારે સુખી છે?—યશાયાહ ૬૫:૧૪ વાંચો.
૧૨ ચાલો શેરોનનો દાખલો લઈએ. તેણે એક પત્રમાં જણાવ્યું કે ‘મેં ઘણા વરસો સુધી યહોવાહની સેવાનો આનંદ માણ્યો છે. પણ મેં મોટી ભૂલ કરી. યહોવાહની આજ્ઞા ન પાળવાથી મને એઇડ્ઝ થયો.’ આ પત્ર લખ્યાના બે મહિનાની અંદર જ તે એઇડ્ઝને લીધે ગુજરી ગઈ. શેરોને કબૂલ્યું કે જો તેણે યહોવાહના નિયમો પાળ્યા હોત તો આવું ના થાત. આપણા વિષે શું? જો યહોવાહની આજ્ઞા નહિ પાળીએ તો શેતાન આપણને ખોટા માર્ગે દોરશે. તે ઘણા વચનો આપે છે પણ એકેય પાળતો નથી, કેમ કે તે “જૂઠાનો બાપ છે.” (યોહા. ૮:૪૪) હવાના દાખલામાં પણ એવું જ થયું. ચાલો આપણે યહોવાહના નિયમો દિલમાં ઉતારીએ. એમ કરવાથી યહોવાહ આપણને સાથ આપશે અને રક્ષણ કરશે.
‘મારી મરજી’ પ્રમાણે ના કરીએ
૧૩. આપણે શા માટે મનના માલિક ન બનવું જોઈએ?
૧૩ આપણને માર્ગદર્શન આપવા યહોવાહે વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરની ગોઠવણ કરી છે. (માથ. ૨૪:૪૫-૪૭) યહોવાહે મંડળમાં અમુક ભાઈઓને પણ એ જવાબદારી સોંપી છે. પણ જો આપણે દુનિયાના લોકોની જેમ મનના માલિક હોઈશું તો એ માર્ગદર્શન પ્રમાણે નહિ ચાલીએ. ચાલો આપણે નમ્ર બનીને યહોવાહ તરફથી મળતું માર્ગદર્શન સ્વીકારીએ. પહેલી સદીના ઈસુના બાર શિષ્યોએ આ માટે સારો દાખલો બેસાડ્યો. જ્યારે ઈસુએ લોકોને માર્ગદર્શન આપ્યું ત્યારે અમુકને એ ગમ્યું નહિ. તેઓ ઈસુને છોડીને ચાલ્યા ગયા. એ જોઈને “ઈસુએ બાર શિષ્યોને પૂછ્યું, કે શું તમે પણ જતા રહેવા ચાહો છો? સીમોન પીતરે તેને ઉત્તર દીધો, કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તારી પાસે છે.”—યોહા. ૬:૬૬-૬૮.
૧૪, ૧૫. આપણે શા માટે બાઇબલની સલાહ પાળવી જોઈએ?
૧૪ યહોવાહમાં પૂરો ભરોસો રાખવા બાઇબલની સલાહ પાળીએ. એને જીવનમાં લાગુ પાડીએ. દાખલા તરીકે વિશ્વાસુ ને બુદ્ધિમાન ચાકર આપણને બાઇબલમાંથી સલાહ આપે છે કે “જાગીએ અને સાવધ રહીએ.” (૧ થેસ્સા. ૫:૬) આ સલાહ પાળવી બહુ જ જરૂરી છે, કેમ કે આજે ‘માણસો સ્વાર્થી ને પૈસાના લોભી’ છે. (૨ તીમો. ૩:૧, ૨) શું તેઓની અસર આપણા પર થઈ શકે? હા, ચોક્કસ. દુન્યવી બાબતોમાં ડૂબેલા રહેવાથી આપણે પરમેશ્વરની ભક્તિમાં ઢીલા પડી શકીએ. ધન-દોલતની લાલચમાં પરમેશ્વરને ભૂલી શકીએ. (લુક ૧૨:૧૬-૨૧) એટલા માટે જરૂરી છે કે આપણે બાઇબલની સલાહ પાળીએ, એને જીવનમાં લાગુ પાડીએ. દુનિયાના લોકોની જેમ મનની મરજી પ્રમાણે ના કરીએ.—૧ યોહા. ૨:૧૬.
૧૫ મંડળની સંભાળ રાખવા બુદ્ધિમાન ચાકર વડીલોને માર્ગદર્શન આપે છે. એટલે બાઇબલ જણાવે છે કે ‘તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમ કે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારી સંભાળ રાખે છે; એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ; કેમ કે એથી તમને ગેરલાભ થાય.’ (હેબ્રી ૧૩:૧૭) વડીલો આપણને સારું માર્ગદર્શન આપે છે. જોકે તેઓ પણ ભૂલો કરે છે. યહોવાહ એ ભૂલો જોઈ શકે છે. તોપણ યહોવાહ ચાહે છે કે આપણે વડીલોનું કહ્યું કરીએ, તેમને સાથ આપીએ. આમ કરવાથી આપણે યહોવાહનું માર્ગદર્શન સ્વીકારીએ છીએ.
અભિમાની ન બનીએ
૧૬. આપણે ઈસુને કેવી રીતે માન આપી શકીએ?
૧૬ ઈસુ મંડળના આગેવાન છે. (કોલો. ૧:૧૮) તેમણે, વડીલોને મંડળની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી છે. એટલે મંડળના વડીલોએ નમ્ર રહેવું જોઈએ. તેઓએ ફક્ત ઈશ્વરનો જ સંદેશો જણાવવો જોઈએ. તેઓએ “જે લખેલું છે તેની હદ ઓળંગીને જવું નહિ.” (૧ કોરીં. ૪:૬) હવે આપણી જવાબદારી છે કે વડીલોને માન આપીએ. તેઓના માર્ગદર્શન પ્રમાણે કરીએ. “તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિઘણું માન” આપીએ. આ રીતે આપણે ઈસુને માન આપીએ છીએ.—૧ થેસ્સા. ૫:૧૨, ૧૩.
૧૭. ‘હું કંઈક છું’ એવું કેમ ના વિચારવું જોઈએ?
૧૭ મંડળમાં દરેકે ‘હું કંઈક છું’ એવું ના વિચારવું જોઈએ. (નીતિ. ૨૫:૨૭) એક શિષ્ય એ ફાંદામાં ફસાયો હતો. એના વિષે પ્રેરિત યોહાને લખ્યું કે ‘દિયત્રેફેસ, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે, તે અમારો સ્વીકાર કરતો નથી. એ માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ; તે અમારી વિરુદ્ધ ભૂંડું બોલીને બકબક કરે છે.’ (૩ યોહા. ૯, ૧૦) આમાંથી આપણને શું શીખવા મળે છે? પોતે કંઈક છે એ વિચાર મનમાં આવે તો એને તરત જ કાઢી નાખવો જોઈએ. અને આપણે નમ્રતા કેળવીએ. બાઇબલ આપણને સલાહ આપે છે કે “અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ટ સ્વભાવનું છેવટ પાયમાલી છે.”—નીતિ. ૧૧:૨; ૧૬:૧૮.
૧૮. આપણે શું ન ભૂલવું જોઈએ?
૧૮ આપણે મનમાં ગાંઠ વાળીએ કે દુનિયાના લોકોની જેમ ‘મારી મરજી’ પ્રમાણે ના જીવીએ. એને બદલે યહોવાહના નીતિ-નિયમો પાળીએ. તેમના માર્ગદર્શન પ્રમાણે જીવીએ. ખરું કે તેમની ભક્તિ કરવી હંમેશાં સહેલું નથી. પણ યહોવાહ આપણને શક્તિ આપે છે, જેથી તેમની ઇચ્છા પૂરી કરી શકીએ. (યોહા. ૬:૪૪) ફક્ત આપણને જ યહોવાહે ભક્તિ કરવાનો ખાસ લહાવો આપ્યો છે, એ કદી ન ભૂલીએ. યહોવાહના માર્ગમાં ચાલીશું તો હંમેશાં આપણા પર તેમનો આશીર્વાદ રહેશે. તો ચાલો આપણે હંમેશાં યહોવાહની આજ્ઞા પાળીએ. (w08 6/15)
તમે સમજાવી શકો?
• યહોવાહના નિયમો પ્રમાણે ચાલવા શું કરવું જોઈએ?
• ખરું-ખોટું પારખવા શું કરવું જોઈએ?
• કઈ બાબતોમાં યહોવાહ સામે શેતાને આંગળી ચીંધી છે?
• યહોવાહનું માર્ગદર્શન સ્વીકારવા કેમ નમ્ર બનવું જોઈએ?
[Study Questions]
[Picture on page 20]
“માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ”
[Picture on page 22]
પરમેશ્વરના નિયમો આપણા ભલા માટે છે