સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર જ વૃદ્ધિ આપે છે

ઈશ્વર જ વૃદ્ધિ આપે છે

ઈશ્વર જ વૃદ્ધિ આપે છે

‘રોપનાર કંઈ નથી, ને પાનાર પણ કંઈ નથી; પણ વૃદ્ધિ આપનાર ઈશ્વર જ સર્વ છે.’—૧ કોરીં. ૩:૭.

૧. આપણે કયા અર્થમાં ‘ઈશ્વરની સાથે કામ કરનારા છીએ’?

 ઈશ્વરભક્ત પાઊલે કહ્યું કે આપણે ‘ઈશ્વરની સાથે કામ કરનારા છીએ.’ (૧ કોરીંથી ૩:૫-૯ વાંચો.) પાઊલ અહીં પ્રચાર કરવા અને શિષ્યો બનાવવા વિષે જણાવતા હતા. એ કામ ઈશ્વર તરફથી મોટો આશીર્વાદ છે. એ જાણે કે બી વાવનાર અને પાણી પાનારના કામ જેવું છે. એમાં સફળ થવા માટે ઈશ્વરનો સાથ જોઈએ. એટલે પાઊલે કહ્યું કે ‘વૃદ્ધિ આપનાર ઈશ્વર જ છે.’

૨. ‘ઈશ્વર વૃદ્ધિ આપનાર છે’ એ જાણીને આપણે શું કરવું જોઈએ?

આપણે મન મૂકીને પ્રચાર કરતા રહીએ. ચિંતા ન કરીએ કે કેટલો વધારો થાય છે. એ તો યહોવાહના હાથમાં છે. આપણે કોઈ જાણતા નથી કે કઈ રીતે વ્યક્તિની શ્રદ્ધા વધે છે. સુલેમાન રાજાએ કહ્યું, “ઈશ્વર જે કંઇ કાર્ય કરે છે તે સઘળું તું જાણતો નથી.” (સભા. ૧૧:૫) એ ધ્યાનમાં લઈને સફળતાનો જશ યહોવાહને જ આપીએ, પોતાને નહિ.

૩. શિષ્યો બનાવવામાં અને બી વાવવામાં કઈ બાબત સરખી છે?

પ્રચારમાં આપણને સફળતા ન મળે ત્યારે, શું નિરાશ થવું જોઈએ? ના, કેમ કે બાઇબલ કહે છે: “સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમ કે આ સફળ થશે, કે તે સફળ થશે, અથવા તે બન્‍ને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.” (સભા. ૧૧:૬) આપણે જમીનમાં કોઈ બી વાવીએ ત્યારે જાણતા નથી કે કયું બી ઊગશે. અનેક એવી બાબતો છે જે આપણા હાથમાં નથી. શિષ્યો બનાવવા વિષે પણ એવું જ છે. ઈસુએ એ સમજાવવા બે દાખલા આપ્યા. માર્કના ચોથા અધ્યાયમાં એ જોવા મળે છે.

જુદી જુદી જમીન

૪, ૫. બી વાવનારનું ઉદાહરણ ટૂંકમાં જણાવો.

માર્ક ૪:૧-૯માં ઈસુએ બી વાવનારનું એક ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું: “સાંભળો; જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. અને એમ થયું, કે તે વાવતો હતો ત્યારે કેટલાંક બી રસ્તાની કોરે પડ્યાં, ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં. અને બીજાં પથ્થરવાળી ભોંયમાં પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; અને ભોંય ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યાં; અને સૂરજ ઊગ્યો ત્યારે તે ચિમળાઈ ગયાં; અને તેને જડ ન હતી માટે તે સુકાઈ ગયાં. અને બીજાં કાંટાનાં જાળાંમાં પડ્યાં; અને કાંટાંનાં જાળાંએ વધીને તેને દાબી નાખ્યાં; અને તેણે ફળ ન આપ્યું. અને બીજાં સારી ભોંયમાં પડ્યાં; અને તેણે ઊગનારૂં તથા વધનારૂં ફળ આપ્યું; ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં.”

બાઇબલના જમાનામાં ખેડૂત ચાલતો જતો અને બી છાંટતો જતો. આ ઉદાહરણમાં બતાવે છે તેમ, તે જાણીજોઈને જુદી જુદી જમીનમાં બી વાવતો નથી. પણ તે જેમ બી છાંટે, તેમ એ જુદી જુદી જમીનમાં પડે છે.

૬. ઈસુએ બી વાવનારનું ઉદાહરણ કઈ રીતે સમજાવ્યું?

આ ઉદાહરણનો અર્થ શું થાય? માર્ક ૪:૧૪-૨૦માં ઈસુ સમજાવે છે: ‘વાવનાર વચન વાવે છે. રસ્તાની કોર પરનાં એ છે કે જ્યાં વચન વવાય છે, ને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાએલું હતું તે લઈ જાય છે. અને એમ જ જેઓ પથ્થરવાળી ભોંયમાં વવાએલાં તેઓ એ છે, કે જેઓ વચન સાંભળીને તરત હરખથી તે માની લે છે; અને તેમના પોતામાં જડ હોતી નથી, પણ તેઓ થોડી વાર ટકે છે; પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે. અને બીજાં જે કાંટાઓમાં વવાએલાં છે તે એ છે કે જેઓએ વચન સાંભળ્યું; પણ ચિંતાઓ તથા દોલતની માયા તથા બીજી વસ્તુઓનો લોભ તેઓમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થાય છે. અને જેઓ સારી ભોંયમાં વવાએલાં તેઓ એ છે, કે જેઓ વચન સાંભળે છે ને તેને ગ્રહણ કરે છે, ને ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ આપે છે.’

૭. જમીન અને બીનો શું અર્થ થાય?

ઈસુએ એમ નʼતું કહ્યું કે જુદાં જુદાં બી વાવવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે બી જુદી જુદી જમીન પર પડે છે. દરેક જમીન પોતપોતાની રીતે પેદાશ આપે છે. પહેલી જમીન કઠણ, બીજી પથ્થરવાળી, ત્રીજી કાંટાવાળી અને ચોથી સારી જમીન હતી. (લુક ૮:૮) આ જુદી જુદી જમીન વ્યક્તિઓનાં દિલને રજૂ કરે છે. (લુક ૮:૧૨, ૧૫ વાંચો.) તો પછી બી શું છે? એ યહોવાહના રાજ્યનો સંદેશો છે, જે બાઇબલમાંથી મળે છે.—માથ. ૧૩:૧૯.

૮. (ક) બી વાવનાર કોણ છે? (ખ) કોઈ સંદેશો સાંભળે કે નહિ એ શાના પર આધારિત છે?

બી વાવનાર કોણ છે? એ પ્રચાર કરતા ઈશ્વરભક્તો છે, જેઓ ઈશ્વર સાથે કામ કરનારા છે. પાઊલ અને આપોલસની જેમ તેઓ પણ સત્યનાં બી વાવે છે અને જાણે કે પાણી પાય છે. તેઓ પ્રચારમાં મહેનત કરે છે, પણ જુદા જુદા પરિણામ આવે છે. કેમ એવું? દરેક વ્યક્તિનું દિલ જુદું છે. યહોવાહના રાજ્યનો સંદેશો અમુક સાંભળે છે, અમુક નથી સાંભળતા. આપણે એમાં કંઈ કરી શકતા નથી. ઘણા ભાઈ-બહેનોએ વર્ષો સુધી પ્રચારમાં તનતોડ મહેનત કરી છે, છતાંય અમુક જ લોકો યહોવાહના ભક્તો બન્યા છે. *

૯. પાઊલ અને ઈસુના શબ્દોમાંથી કયું ઉત્તેજન મળે છે?

પાઊલે કહ્યું, “દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે.” (૧ કોરીં. ૩:૮) ઈસુએ પણ એવું જ કહ્યું. તેમના શિષ્યો પ્રચાર કરીને આવ્યા ત્યારે, તેઓનો આનંદ સમાતો ન હતો. દુષ્ટ દૂતો પણ ઈસુના નામથી તેઓને આધીન થયા હતા. તોપણ ઈસુએ તેઓને કહ્યું, “આત્માઓ [દુષ્ટ દૂતો] તમારે તાબે થયા, તેને લીધે હરખાઓ મા; પણ તમારાં નામ આકાશમાં લખેલાં છે, તેને લીધે હરખાઓ.” (લુક ૧૦:૧૭-૨૦) આ બતાવે છે કે સફળતા તેના પરિણામથી મપાતી નથી. પ્રચારમાં ખૂબ જ મહેનત કરવા છતાં, અમુક જ લોકો યહોવાહના ભક્તો બને છે. એનો અર્થ એવો નથી કે આપણે મન મૂકીને પ્રચાર નʼતો કર્યો. લોકો યહોવાહના ભક્ત બનશે કે નહિ, એ તેઓનાં દિલ પર આધારિત છે. આખરે તો યહોવાહ દિલ જોઈને તેઓને મદદ કરશે. પણ આપણને મહેનત પ્રમાણે બદલો જરૂર મળશે.

સત્ય શીખનારની જવાબદારી

૧૦. યહોવાહના માર્ગે કોઈ ચાલશે કે નહિ એ શાના પર આધારિત છે?

૧૦ શું યહોવાહના માર્ગે કોઈ ચાલશે કે નહિ એ એના નસીબમાં લખેલું છે? ના, એ વ્યક્તિના દિલ પર આધાર રાખે છે. તે પોતે ચાહે તો બદલાઈ શકે છે. (રૂમી ૬:૧૭) ઈસુએ બી વાવનારના ઉદાહરણમાં જણાવ્યું કે અમુક વ્યક્તિ ‘સાંભળે કે તરત’ શેતાન એ વચન લઈ જશે. પણ યાકૂબ ૪:૭ જણાવે છે કે “શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.” પછી ઈસુએ એવા લોકો વિષે જણાવ્યું, જેઓએ સત્યનું વચન સાંભળ્યું. પણ ‘તેમના પોતામાં જડ ન હોવાથી,’ એ વચન મરી પરવાર્યું. એટલે આપણને પણ કહેવામાં આવે છે કે સત્યમાં ‘તમારાં મૂળ ઘાલીને, તેમાં પાયો નાખો.’ એમ કરવાથી ‘ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકીશું.’—એફે. ૩:૧૭-૧૯; કોલો. ૨:૬, ૭.

૧૧. ચિંતા અને દોલતની માયામાં ન ફસાવા માટે શું કરવું જોઈએ?

૧૧ ઘણા લોકો સત્યનું વચન સાંભળે છે, પણ ‘ચિંતાઓ અને દોલતની માયામાં’ ફસાઈ જાય છે. (૧ તીમો. ૬:૯, ૧૦) એવું ન બને માટે આપણે શું કરી શકીએ? પાઊલે કહ્યું, ‘લોભી ન બનો; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો; કેમ કે ઈશ્વરે કહ્યું છે, કે હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.’—હેબ્રી ૧૩:૫.

૧૨. “ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ” આપવાનો શું અર્થ થાય?

૧૨ ઈસુએ એમ પણ જણાવ્યું કે અમુક બી સારી જમીન પર પડ્યાં. એ “ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ આપે છે.” એનો શું અર્થ થાય? એ નહિ કે સત્યનું વચન સ્વીકારનાર કેટલા શિષ્યો બનાવે છે. પણ એ અર્થ થાય કે તે પ્રચારમાં કેટલું કરી શકે છે. દરેક પોતાના ગજા પ્રમાણે લોકોને સત્ય શીખવે છે. અમુક ઘણો પ્રચાર કરી શકે છે. જ્યારે કે ઘડપણ કે બીમારીને લીધે અમુક બહુ કરી શકતા નથી. (વધુ માહિતી: માર્ક ૧૨:૪૩, ૪૪.) યહોવાહના ભક્ત બન્યા પછી, કોણ કેટલું કરશે એ શીખવનારના હાથમાં નથી. પણ વૃદ્ધિ થવાથી તે હરખાય છે.—ગીતશાસ્ત્ર ૧૨૬:૫, ૬ વાંચો.

બી વાવનાર આળસુ નથી

૧૩, ૧૪. (ક) બી વાવનાર વિષે ટૂંકમાં જણાવો. (ખ) બી વાવનાર કોણ છે? બી શું છે?

૧૩ માર્ક ૪:૨૬-૨૯માં બી વાવનારનું બીજું ઉદાહરણ છે. ઈસુ કહે છે: ‘ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ ભોંયમાં બી નાખે; અને રાતદહાડો ઊંઘે તથા જાગે, અને તે બી ઊગે ને વધે, પણ તે શી રીતે એ તે જાણતો નથી. ભોંય તો પોતાની મેળે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલામાં પૂરા દાણા. પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું લગાડે છે, કેમ કે કાપણીનો વખત થયો છે.’

૧૪ ચર્ચના લોકોનું માનવું છે કે ઈસુ પોતે બી વાવનાર હતા. પણ બી કઈ રીતે ઊગે છે એની તેમને ખબર ન હોય એવું તો બને જ નહિ. ઈસુ સારી રીતે જાણે છે કે બી કઈ રીતે વૃદ્ધિ પામે છે. તો પછી બી વાવનાર કોણ છે? યહોવાહના ભક્તો. તેઓ પૂરા જુસ્સાથી પ્રચાર કરે છે. સત્યનાં બી ફેલાવે છે. *

૧૫, ૧૬. ઈસુએ બી વાવવા વિષે અને શિષ્યો બનાવવા વિષે શું કહ્યું?

૧૫ ઈસુએ જણાવ્યું કે બી વાવનાર “રાતદહાડો ઊંઘે તથા જાગે” છે. બી વાવનાર આળસુ નથી, પણ એ તેનું રોજનું જીવન છે: દિવસે કામ અને રાત્રે આરામ! ઈસુએ એ પણ જણાવ્યું કે એ સમયમાં “તે બી ઊગે ને વધે” છે. ‘શી રીતે એ વાવનાર જાણતો નથી.’ પછી ઈસુએ જણાવ્યું કે વૃદ્ધિ “પોતાની મેળે” થતી હતી. *

૧૬ ઈસુ કહેતા હતા કે વૃદ્ધિ ધીમે ધીમે થાય છે: “ભોંય તો પોતાની મેળે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલામાં પૂરા દાણા.” (માર્ક ૪:૨૮) આ વૃદ્ધિમાં કોઈ ઉતાવળ કરી ન શકે. એ જ રીતે કોઈને યહોવાહના ભક્ત બનવા મદદ કરીએ ત્યારે, ઉતાવળ કે બળજબરી થઈ ન શકે. તેઓનાં દિલ જોઈને યહોવાહ તેઓને સત્ય સ્વીકારવા મદદ કરશે.—પ્રે.કૃ. ૧૩:૪૮; હેબ્રી ૬:૧.

૧૭. વ્યક્તિ યહોવાહની ભક્ત બને ત્યારે કોણ હરખાય છે?

૧૭ “દાણા પાક્યા પછી” બી વાવનાર કઈ રીતે કાપણી કરે છે? નમ્ર લોકોનાં દિલમાં યહોવાહની ભક્તિ માટેનો પ્રેમ જાગવાથી તેઓ પ્રગતિ કરે છે. યહોવાહ તેઓને સત્ય સ્વીકારવા મદદ કરે છે. પછી તેઓ પ્રાર્થનામાં યહોવાહને ભજવાનું વચન આપે છે અને બાપ્તિસ્મા લે છે. ભાઈઓ યહોવાહની ભક્તિમાં પ્રગતિ કરે તેમ, તેઓને વધારે જવાબદારી મળે છે. વ્યક્તિને સત્ય જણાવનારે અને બીજાઓએ કદાચ તેની પ્રગતિમાં સીધેસીધો ભાગ ન લીધો હોય. તોપણ, વ્યક્તિ યહોવાહની ભક્ત બને એમાં બધાય હરખાય છે. (યોહાન ૪:૩૬-૩૮ વાંચો.) આમ, “વાવનાર તથા કાપનાર બન્‍ને સાથે હર્ષ પામે” છે.

આપણે શું શીખ્યા?

૧૮, ૧૯. (ક) ઈસુએ આપેલાં બે ઉદાહરણોમાંથી તમને કયું ઉત્તેજન મળ્યું? (ખ) હવે પછીના લેખમાં શું શીખીશું?

૧૮ માર્કના ચોથા અધ્યાયમાંથી આપણે બે ઉદાહરણો જોયાં. આપણે એમાંથી શીખ્યા કે સત્યનાં બી વાવતાં રહીએ. કોઈ મુશ્કેલીઓનો ડર ન રાખીએ. કોઈ બહાનાં ન કાઢીએ. (સભા. ૧૧:૪) યહોવાહ સાથે કામ કરવું એ મોટો આશીર્વાદ છે. તે આપણી મહેનતનો બદલો જરૂર આપશે. સાંભળનારને પણ તે આશીર્વાદ આપશે. યહોવાહના ભક્ત બનવા આપણે કોઈને બળજબરી કરતા નથી. જો લોકો કંઈ ન કરે તો આપણે નિરાશ થવાની જરૂર નથી. આપણી સફળતા શાનાથી મપાય છે? યહોવાહના કામમાં મંડ્યા રહેવાથી. ચાલો આપણે “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા” ફેલાવતા રહીએ.—માથ. ૨૪:૧૪.

૧૯ ઈસુએ નવા શિષ્યો વિષે અને પ્રચાર કામ વિષે બીજું શું શીખવ્યું? એનો જવાબ ઈસુએ આપેલા બીજા દાખલાઓમાંથી મળશે. હવે પછીના અભ્યાસ લેખમાં એના વિષે વધારે શીખીશું. (w08 7/15)

[Footnotes]

^ ભાઈ ગાઓર્ગ ફાઈઓલનર લીન્ડેલનો અનુભવ લઈએ. તેમણે આઇસલૅન્ડમાં ઘણાં વર્ષો પ્રચાર કર્યો. યહોવાહના સાક્ષીઓની યરબુક ૨૦૦૫, પાન ૨૧૦-૨૧૧ જુઓ. તેમ જ આયરલૅન્ડના ભાઈ-બહેનોએ પણ એવી જ મહેનત કરી.—યહોવાહના સાક્ષીઓની ૧૯૮૮ની યરબુક, પાન ૮૨-૯૯ જુઓ.

^ અંગ્રેજી ચોકીબુરજમાં પહેલાં જણાવાયું હતું કે બી તો વ્યક્તિના ગુણો છે. એને તે પોતે કેળવે છે. આજુબાજુનું વાતાવરણ પણ એ ઘડે છે. જોકે ઈસુના ઉદાહરણમાં બી કંઈ સારું કે ખરાબ બનતું નથી. એ ફક્ત વૃદ્ધિ પામે છે.—જૂન ૧૫, ૧૯૮૦નું ધ વૉચટાવર પાન ૧૭-૧૯ જુઓ.

^ એ શબ્દો ફરી એકવાર પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧૦માં જોવા મળે છે. એ જણાવે છે કે લોખંડનો દરવાજો “પોતાની મેળે ઊઘડી ગયો.”

આપણને શું યાદ રહ્યું?

• બી વાવવા અને પ્રચાર કરવામાં કઈ બાબતો સરખી છે?

• યહોવાહ બી વાવનારની સફળતા શાનાથી માપે છે?

• બી ઊગે અને શિષ્યો બને એના વિષે ઈસુએ શું કહ્યું?

• કઈ રીતે “વાવનાર તથા કાપનાર બન્‍ને સાથે હર્ષ પામે” છે?

[Study Questions]

[Picture on page 19]

ઈસુએ કેમ પ્રચાર કરનારને બી વાવનાર સાથે સરખાવ્યા?

[Picture on page 21]

નમ્ર લોકો સારી જમીન જેવા છે, જેઓ પોતાના ગજા પ્રમાણે પ્રચાર કરે છે