સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોરીંથીઓને પત્રોના મુખ્ય વિચારો

કોરીંથીઓને પત્રોના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

કોરીંથીઓને પત્રોના મુખ્ય વિચારો

ઈશ્વરભક્ત પાઊલને કોરીંથ મંડળની હાલત વિષે ચિંતા હતી. તેમણે સાંભળ્યું હતું કે એ મંડળના ભાઈઓ ઝઘડે છે. તેઓ વ્યભિચાર ચાલવા દે છે. આવી બાબતો વિષે મંડળે પાઊલને લખીને પૂછાવ્યું હતું. પાઊલ તેમની ત્રીજી મિશનરિ મુલાકાતે એફેસસમાં હતા. અહીંથી લગભગ ૫૫ની સાલમાં તેમણે કોરીંથ મંડળને બે પત્રો લખ્યા.

પહેલો પત્ર લખ્યાને અમુક મહિના પછી, તેમણે બીજો પત્ર લખ્યો. એ જમાનામાં કોરીંથ મંડળની અંદર અને બહાર જે બનતું હતું, એવું જ આજે પણ બને છે. એ પત્રોમાંથી આપણને શિખામણ મળે છે.—હેબ્રી ૪:૧૨.

‘સાવધ રહો, વિશ્વાસમાં દૃઢ રહો, બળવાન થાઓ’

(૧ કોરીં. ૧:૧–૧૬:૨૪)

પાઊલે કહ્યું કે “તમે સર્વે એક સરખી વાત કરો.” (૧ કોરીં. ૧:૧૦) સદ્‍ગુણો કેળવવા માટે ‘ઈસુ ખ્રિસ્ત સિવાય બીજો પાયો કોઈ નથી.’ (૧ કોરીં. ૩:૧૧-૧૩) મંડળમાંના વ્યભિચારી વિષે પાઊલે આમ કહ્યું: “તમે તમારામાંથી તે દુષ્ટને દૂર કરો.” (૧ કોરીં. ૫:૧૩) તેમણે એમ પણ કહ્યું: “શરીર વ્યભિચારને સારૂ નથી. પણ પ્રભુને સારૂ છે.”—૧ કોરીં. ૬:૧૩.

કોરીંથ મંડળે પાઊલને ‘જે બાબતો સંબંધી લખ્યું,’ એના વિષે તેમણે શું કર્યું? તેમણે કુંવારા અને પરણેલાને સલાહ આપી. (૧ કોરીં. ૭:૧) એ પણ જણાવ્યું કે યહોવાહની ગોઠવણ પ્રમાણે દરેકે કોને આધીન રહેવું જોઈએ. સભાઓ ગોઠવણ પ્રમાણે ચાલવી જોઈએ. ગુજરી ગયેલા સજીવન થશે જ. પછી તેમણે લખ્યું: ‘સાવધ રહો, વિશ્વાસમાં દૃઢ રહો, બળવાન થાઓ.’—૧ કોરીં. ૧૬:૧૩.

સવાલ-જવાબ:

૧:૨૧—શું યહોવાહ “મૂર્ખતા વડે” પોતાના ભક્તોને બચાવે છે? ના એવું નથી. “જગતે પોતાના જ્ઞાન વડે દેવને ઓળખ્યો નહિ.” પણ યહોવાહ પોતાના ભક્તોને જે શીખવે છે, એ જગતને મૂર્ખતા લાગે છે.—યોહા. ૧૭:૨૫.

૫:૫—‘દુષ્ટ માણસને દેહના નાશને સારૂ શેતાનને સોંપી દો. જેથી આત્મા તારણ પામે.’ એનો અર્થ શું થાય? વ્યક્તિ જાણીજોઈને પાપ કર્યા કરે ત્યારે, એને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે. તે ફરીથી શેતાનના જગતનો ભાગ બને છે, જાણે કે તેને સોંપી દેવામાં આવે છે. (૧ યોહા. ૫:૧૯) આમ, મંડળ વ્યક્તિની ખરાબ અસરથી બચે છે. મંડળનો ‘આત્મા તારણ પામે’ છે, એટલે કે એનું વાતાવરણ યહોવાહની નજરમાં પવિત્ર રહે છે.—૨ તીમો. ૪:૨૨.

૭:૩૩, ૩૪—પતિ કે પત્નીને કઈ રીતે “દુનિયાદારીની ચિંતા” હોય છે? યહોવાહને ભજતા પરિણીત યુગલોને રોટી, કપડાં ને મકાનની ચિંતા હોય છે. પણ એનો એ અર્થ નથી કે તેઓ દુનિયાની મોહ-માયામાં ડૂબી જાય છે, કેમ કે એનાથી આપણે દૂર રહેવું જોઈએ.—૧ યોહા. ૨:૧૫-૧૭.

૧૧:૨૬—ઈસુનું મરણ ‘કેટલી વાર’ અને ‘ક્યાં સુધી’ ઊજવવું જોઈએ? પાઊલ એવું નʼતા કહેતા કે એ વર્ષમાં વારંવાર ઊજવવું જોઈએ. “જેટલી વાર” માટે વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય, ‘દરેક વખતે’ અથવા ‘જ્યારે જ્યારે.’ વર્ષમાં એક વાર એટલે નીસાન ૧૪ના રોજ, પસંદ થયેલા ખ્રિસ્તીઓ રોટલી ખાય અને વાઇન પીએ છે. એ સમયે તેઓ ઈસુના ‘મરણને પ્રગટ કરે છે.’ “પ્રભુના આવતાં સુધી” એટલે કે તેઓ બધા સજીવન થઈને, સ્વર્ગમાં ઈસુ સાથે જોડાય ત્યાં સુધી એ ચાલુ રહેશે.—૧ થેસ્સા. ૪:૧૪-૧૭.

૧૩:૧૩—પ્રેમ કઈ રીતે વિશ્વાસ અને આશા કરતાં ચડિયાતો છે? જેની “આશા આપણે રાખીએ છીએ” એ પૂરી થાય ત્યારે, એની “ખાતરી” કે વિશ્વાસ પણ પૂરો થાય છે. (હેબ્રી ૧૧:૧) જ્યારે કે પ્રેમ કાયમ રહે છે, એટલે એ આશા અને વિશ્વાસ કરતાં ચડિયાતો છે.

૧૫:૨૯—‘મૂએલાંને સારૂ બાપ્તિસ્મા પામવાનો’ અર્થ શું થાય? એવું નથી કે બાપ્તિસ્મા લીધા પહેલાં ગુજરી ગયેલાને માટે, જીવતા ખ્રિસ્તીઓએ બાપ્તિસ્મા લેવું જોઈએ. પણ પાઊલ કહેતા હતા કે સ્વર્ગમાં જવાની આશા રાખે છે, તેઓ બાપ્તિસ્મા પામે છે. ઈસુની જેમ જીવીને મરણ પામે છે. પછી તેઓને સજીવન કરાશે.

આપણે શું શીખી શકીએ?

૧:૨૬-૩૧; ૩:૩-૯; ૪:૭. આપણે પોતાની બડાઈ ન હાંકવી જોઈએ. આપણે જે કંઈ કરીએ એ માટે ઈશ્વરને જશ આપવો જોઈએ. આમ મંડળમાં સંપ રહેશે.

૨:૩-૫. કોરીંથ શહેર વિદ્વાનો અને ફિલસૂફોનું શહેર હતું. પાઊલને થયું હશે કે તેઓને સત્ય સમજાવી શકાશે કે કેમ. તોપણ કોઈ નબળાઈ કે ડરના ગુલામ થયા વગર તેમણે હિંમતથી પ્રચાર કર્યો. આપણે પણ પ્રચાર કરતા ગભરાવું ન જોઈએ. પાઊલની જેમ યહોવાહ પાસેથી મદદ માગવી જોઈએ.

૨:૧૬. “ખ્રિસ્તનું મન” કેળવવાનો અર્થ શું થાય? ઈસુના જીવન અને પ્રચારકામનો અભ્યાસ કરીને, તેમને સારી રીતે ઓળખીએ. તેમની જેમ વિચારીએ. તેમના જેવો સ્વભાવ કેળવીએ.—૧ પીત. ૨:૨૧; ૪:૧.

૩:૧૦-૧૫; ૪:૧૭. આપણી શીખવવાની કળાઓ સુધારતા રહેવું જોઈએ. એનાથી લોકોને યહોવાહનું સત્ય સારી રીતે શીખવી શકીશું. (માથ. ૨૮:૧૯, ૨૦) જો લોકોને બરાબર નહિ શીખવીએ, તો કદાચ તેઓ કસોટીમાં ટકી શકશે નહિ. એનાથી આપણને દુઃખ થશે, આપણું તારણ પણ “જાણે કે અગ્‍નિમાંથી બચેલા” જેવું થશે.

૬:૧૮. ‘વ્યભિચારથી નાસવા’ માટે પોર્નિયા જેવાં કામો અને પોર્નોગ્રાફીથી પણ દૂર રહેવું જોઈએ. ગંદા વિચારો ન કરવા જોઈએ. ફક્ત મજા માટે કોઈની સાથે ચેનચાળા કે પ્રેમના લફરા પણ ન કરવા જોઈએ.—માથ. ૫:૨૮; યાકૂ. ૩:૧૭.

૭:૨૯. લગ્‍ન-સાથીઓએ એકબીજામાં એટલા ડૂબી જવું ન જોઈએ કે યહોવાહની ભક્તિ માટે સમય જ ન હોય.

૧૦:૮-૧૧. ઈસ્રાએલીઓએ મુસા અને હારુન સામે કચકચ કરી. એનાથી યહોવાહને બહુ જ દુઃખ થયું. આપણે ઈસ્રાએલીઓની જેમ કચકચ ન કરીએ.

૧૬:૨. આપણે પહેલેથી નક્કી કરીએ કે નિયમિત કેટલું દાન આપીશું. એનાથી આપણે પ્રચારકામને ટેકો આપતા રહીશું.

“સંપૂર્ણ થાઓ”

(૨ કોરીં. ૧:૧–૧૩:૧૪)

પાઊલે કોરીંથ મંડળને બીજો પત્ર લખ્યો. એમાં કહ્યું કે પાપી વ્યક્તિએ પસ્તાવો કર્યો હોવાથી, “તેને માફી આપીને દિલાસો” આપવો જોઈએ. (૨ કોરીં. ૨:૬, ૭) ખરું કે પાઊલે લખેલા પહેલા પત્રથી કોરીંથ મંડળને દુઃખ થયું. પણ એના લીધે તેઓએ “પસ્તાવો કર્યો”. બીજા પત્રમાં પાઊલ તેમને એનાથી થયેલા આનંદ વિષે જણાવે છે.—૨ કોરીં. ૭:૮, ૯.

કોરીંથના ભાઈઓ “સર્વ બાબતોમાં” આગળ વધ્યા હતા. પાઊલે તેઓને ‘ઉદાર’ બનવા ઉત્તેજન આપ્યું. વિરોધીઓને જવાબ આપ્યા પછી, તેમણે બધાને આ સલાહ આપી: “આનંદ કરો. સંપૂર્ણ થાઓ; હિંમત રાખો; એક દિલના થાઓ; શાંતિમાં રહો.”—૨ કોરીં. ૮:૭; ૧૩:૧૧.

સવાલ-જવાબ:

૨:૧૫, ૧૬—આપણે કઈ રીતે ‘ખ્રિસ્તને સુગંધરૂપ છીએ’? આપણે બાઇબલમાં માનીએ છીએ અને એનો સંદેશો જણાવીએ છીએ. દુષ્ટ લોકો માટે આ ‘સુગંધ’ વાસરૂપ લાગી શકે. પણ એ યહોવાહ અને નમ્ર લોકો માટે સુગંધરૂપ છે.

૫:૧૬—સ્વર્ગમાં જનારા કયા અર્થમાં કોઈને ‘બહારના દેખાવથી’ ઓળખતા નથી? તેઓ લોકોનું મોં જોઈને વર્તતા નથી. ભલે કોઈ ગરીબ હોય કે અમીર, ગમે એ નાત-જાતના હોય, કોઈની સાથે ભેદભાવ રાખતા નથી. તેઓના મને એ જ મહત્ત્વનું કે ભાઈ-બહેનો વચ્ચે સંપ રહે.

૧૧:૧, ૧૬; ૧૨:૧૧—અહીં શું પાઊલ પોતાની બડાઈ હાંકતા હતા? ના જરાય નહિ. પણ તેમણે પોતાના પ્રેરિત હોવા વિષે જે કહ્યું, એનાથી અમુકને લાગ્યું હોઈ શકે કે તે પોતાની જ વાહ વાહ કરતાʼતા.

૧૨:૧-૪—કોને “પારાદૈસમાં ઉપાડી લેવામાં આવ્યો”? બાઇબલમાં બીજા કોઈ વ્યક્તિને એવું સંદર્શન થયું નથી. એટલે પાઊલ કદાચ પોતાના જ અનુભવની વાત કરતા હોવા જોઈએ. એ સંદર્શનની વાત કર્યા પહેલાં પાઊલે પોતાના પ્રેરિત હોવાનો પુરાવો આપ્યો. પાઊલનું સંદર્શન એમ બતાવતું હોઈ શકે કે ‘અંતના સમયમાં’ ખ્રિસ્તી મંડળો હળી-મળીને યહોવાહને ભજતા હશે.—દાની. ૧૨:૪.

આપણે શું શીખ્યા?

૩:૫. યહોવાહ પોતાના ભક્તોને સોંપેલું કામ પૂરું કરવા ટ્રેનિંગ આપે છે. કઈ રીતે? બાઇબલથી, તેમની શક્તિથી અને પૃથ્વી પરની તેમની સંસ્થાથી. (યોહા. ૧૬:૭; ૨ તીમો. ૩:૧૬, ૧૭) આપણે બાઇબલ અને બાઇબલ સમજાવતાં પુસ્તકો તન-મનથી સ્ટડી કરવા જોઈએ. પ્રાર્થનામાં યહોવાહની મદદ માગવી જોઈએ. એકેય મિટિંગ ચૂકવી ન જોઈએ. મિટિંગમાં દરેક રીતે ભાગ લેવો જોઈએ.—ગીત. ૧:૧-૩; લુક ૧૧:૧૦-૧૩; હેબ્રી ૧૦:૨૪, ૨૫.

૪:૧૬. “રોજ રોજ” આપણી શ્રદ્ધા નવી કરવા શું કરવું જોઈએ? યહોવાહ જે શિક્ષણ પૂરું પાડે છે, એનો પૂરો લાભ લઈએ. રોજ એવી રીતે જીવીએ કે યહોવાહ સાથેનો નાતો પાકો બનતો જાય.

૪:૧૭, ૧૮. આપણી કસોટીઓ “ક્ષણિક” છે. એ યાદ રાખવાથી, યહોવાહને વળગી રહેવા મદદ મળશે.

૫:૧-૫. સ્વર્ગમાં જનારાઓની આશા વિષે પાઊલે કેટલી સુંદર રીતે વર્ણન કર્યું છે!

૧૦:૧૩. મોટા ભાગે આપણા મંડળની ટેરેટરીમાં જ પ્રચાર કરવો જોઈએ. સિવાય કે બીજી કોઈ ખાસ ગોઠવણ કરવામાં આવી હોય.

૧૩:૫. આપણામાં “વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા” કરવા શું કરવું જોઈએ? એ જોવું જોઈએ કે બાઇબલના શિક્ષણ પ્રમાણે આપણે જીવીએ છીએ કે નહિ. ઈશ્વર સાથેનો આપણો નાતો કેવો છે એ જોવા “પોતાની પરીક્ષા” કરીએ. “ખરૂંખોટું” પારખનાર બનીએ. (હેબ્રી ૫:૧૪; યાકૂ. ૧:૨૨-૨૫) પાઊલની સલાહ દિલમાં ઉતારવાથી, આપણે યહોવાહના માર્ગમાં હંમેશાં ચાલતા રહીશું. (w08 7/15)

[Picture on page 22]

“જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો, અને પ્યાલો પીઓ છો,” એનો શું અર્થ થાય?—૧ કોરીં. ૧૧:૨૬.