સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઘર-ઘરના પ્રચારમાં આગળ વધીએ

ઘર-ઘરના પ્રચારમાં આગળ વધીએ

ઘર-ઘરના પ્રચારમાં આગળ વધીએ

‘વિરોધ છતાં તમારી આગળ સુવાર્તા પ્રગટ કરવાને ઈશ્વરથી હિંમતવાન થયા.’—૧ થેસ્સા. ૨:૨.

૧. ઈશ્વરનો સંદેશો જણાવવામાં યિર્મેયાહ પર કેવી મુશ્કેલીઓ આવી? એ કામ તેમણે કેવી રીતે પાર પાડ્યું?

 યહોવાહે ઈશ્વરભક્ત યિર્મેયાહને ‘પ્રબોધક નીમ્યા હતા.’ એટલે યિર્મેયાહે કહ્યું કે “ઓ પ્રભુ યહોવાહ! મને તો બોલતાં આવડતું નથી; કારણ કે હું હજી બાળક છું.” પરંતુ યિર્મેયાહને યહોવાહ પર પૂરો ભરોસો હતો, માટે એ જવાબદારી ઉપાડી શક્યા. (યિર્મે. ૧:૪-૧૦) યિર્મેયાહે લોકોને ચેતવણી આપી. પણ ઈસ્રાએલી લોકોએ તેમની વાત ન સાંભળી, અને મશ્કરી કરી. અરે અમુક વખતે તેમને મારવામાં આવ્યા. છતાં તે ૪૦ કરતાં વધારે વર્ષો સુધી ઈશ્વરનો સંદેશો જણાવતા રહ્યા. (યિર્મે. ૨૦:૧, ૨) અમુક વખતે તેમને એ કામ છોડી દેવાનું મન થયું, કેમ કે લોકો સંદેશો સાંભળવા તૈયાર ન હતા. પણ યહોવાહની મદદથી યિર્મેયાહે એ કામ પાર પાડ્યું.—યિર્મેયાહ ૨૦:૭-૯ વાંચો.

૨, ૩. યિર્મેયાહની જેમ ઘણા ભાઈ-બહેનોને આજે કયું કામ અઘરું લાગે છે?

સત્ય શીખવાનું શરૂ કર્યું ત્યારે ઘરે ઘરે જઈને પ્રચાર કરવા વિષે તમને કેવું લાગ્યું? તમને લાગ્યું કે યિર્મેયાહની જેમ ‘હું એ કામ કદી પણ નહિ કરી શકું.’ પણ તમે જાણ્યું કે પ્રચાર કરવો એ યહોવાહની આજ્ઞા છે, ત્યારે તમે હિંમતથી પ્રચાર કરવા લાગ્યા. ખરું કે શરૂઆતમાં પ્રચાર કામ કરવું તમારા માટે સહેલું ન હતું. આજે પણ આપણા માટે અંત સુધી ઘર-ઘરનો પ્રચાર કરવો સહેલું નથી.—માથ. ૨૪:૧૩.

શું તમે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ સ્ટડી કરો છો? તમે નિયમિત મિટિંગમાં જઈ રહ્યા છો? છતાં શું તમે ઘરે ઘરે જઈને પ્રચાર કરતા અચકાવ છો? વરસોથી સત્યમાં હોવા છતાં પણ શું તમને ઘર-ઘરનું પ્રચાર કામ અઘરું લાગે છે? તમે નવા હો કે ઘણા વર્ષોથી સત્યમાં હો, આખી દુનિયાના ઘણા ભાઈ-બહેનોને એ કામ અઘરું લાગે છે. પણ યહોવાહની મદદથી તમે એ કામ હિંમતથી પાર પાડી શકો છો.

હિંમતથી સંદેશો જણાવો

૪. પાઊલ કેવી રીતે હિંમતથી પ્રચાર કરી શક્યા?

યહોવાહની શક્તિથી જ આજે આખી દુનિયામાં પ્રચાર થઈ રહ્યો છે. (ઝખા. ૪:૬) આપણે પણ યહોવાહની મદદથી જ સંદેશો જણાવી શકીએ છીએ. (૨ કોરીં. ૪:૭) ઈશ્વરભક્ત પાઊલે પણ યહોવાહની મદદથી જ પ્રચાર કર્યો. પાઊલ અને તેમના સાથીનો વિરોધ થયો ત્યારે યહોવાહની મદદથી જ એને સહન કરી શક્યા. એ વખતે મિશનરી મુસાફરી વિષે તેમણે લખ્યું કે ‘અમે ફિલિપીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, વિરોધ છતાં તમારી આગળ સુવાર્તા પ્રગટ કરવાને ઈશ્વરથી હિંમતવાન થયા.’ (૧ થેસ્સા. ૨:૨; પ્રે.કૃ. ૧૬:૨૨-૨૪) હિંમતથી સંદેશો જણાવવા પાઊલની જેમ આપણને પણ યહોવાહની મદદની જરૂર છે. (એફેસી ૬:૧૮-૨૦ વાંચો.) ચાલો આપણે પાઊલને અનુસરીએ.

૫. હિંમતથી પ્રચાર કરવા શું કરવું જોઈએ?

હિંમતથી પ્રચાર કરવા આપણે યહોવાહને પ્રાર્થના કરીએ. એક પાયોનિયર બહેને કહ્યું કે ‘પ્રચાર કરવો એ યહોવાહનું કામ છે, એટલે હું એ કરવા તેમની પાસે મદદ માંગું છું. હિંમતથી લોકો સાથે વાત કરવા અને તેઓના દિલ સુધી સંદેશો પહોંચાડવા માટે હું યહોવાહને વિનંતી કરું છું. પ્રચારમાં મને આનંદ મળે એ માટે પણ હું પ્રાર્થના કરું છું.’ (૧ થેસ્સા. ૫:૧૭) આ બહેનની જેમ આપણે પણ પ્રાર્થનામાં યહોવાહ પાસે મદદ માગીએ, જેથી હિંમતથી સંદેશો જણાવી શકીએ.—લુક ૧૧:૯-૧૩.

૬, ૭. (ક) હઝકીએલને કેવું સંદર્શન થયું? એનો અર્થ શું થાય? (ખ) હઝકીએલના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

બાઇબલના હઝકીએલના પુસ્તકમાં એક સંદર્શન જોવા મળે છે. એનો અર્થ સમજીએ તો પ્રચાર કરવા હિંમત મળશે. એ સંદર્શનમાં યહોવાહ હઝકીએલને એક ઓળિયું આપે છે. એમાં બંને બાજુ સંદેશો લખેલો હતો. એ સંદેશો લોકો માટે “વિલાપ તથા શોક”નો હતો. યહોવાહે હઝકીએલને કહ્યું કે “હે મનુષ્યપુત્ર, આ ઓળિયું જે હું તને આપું છું તે ગળી જઈને પાચન કર.” શા માટે યહોવાહે આવું કહ્યું? ઓળિયું ખાવું એટલે કે એ સંદેશાને દિલમાં ઉતારવો. હઝકીએલ એમ કરીને પૂરા દિલથી લોકોને સંદેશો જણાવ્યો. હઝકીએલ જણાવે છે કે “મેં તે ખાધું; અને મારા મોંમાં તે મધ જેવું મીઠું લાગ્યું.” જેમ મધ ખાવું સારું લાગે એવી જ રીતે ઈશ્વરનો સંદેશો જણાવવો તેમને સારો લાગ્યો. ખરું કે હઝકીએલના સમયમાં લોકો સાંભળવા તૈયાર ન હતા તોપણ સંદેશો જણાવવાને તે એક લહાવો ગણતા હતા.—હઝકીએલ ૨:૮–૩:૪; ૩:૭-૯ વાંચો.

હઝકીએલના સમયની જેમ જ આજે પણ અમુક લોકો ઈશ્વરનો સંદેશો સાંભળવા તૈયાર નથી. તોપણ એ કામને એક લહાવો ગણવો જોઈએ. આપણે કદી ના ભૂલીએ કે યહોવાહે એ જવાબદારી સોંપી છે. એ માટે આપણે નિયમિત બાઇબલ વાંચીએ. વાંચવાની સાથે સાથે બીજા સાહિત્યમાંથી રિસર્ચ કરીએ. એ વિચારોને પૂરી રીતે સમજીએ. જે શીખ્યા છીએ એના પર મનન કરતા રહીએ. આમ કરીને આપણે હઝકીએલની જેમ એ સંદેશાને દિલમાં ઉતારી શકીશું.—ગીત. ૧:૨, ૩.

વાતચીત કેવી રીતે શરૂ કરવી?

૮. ઘરમાલિક સાથે વાતચીત શરૂ કરવા ભાઈ-બહેનો કેવી રીતો અપનાવે છે?

અમુક દેશોમાં અજાણ્યા સાથે વાત શરૂ કરવી સહેલું નથી. એટલે કેટલાક ભાઈ-બહેનો ઘર-ઘરનો પ્રચાર કરતા અચકાય છે. અમુક ભાઈ-બહેનો વાત શરૂ કરવા અલગ-અલગ રીતો વાપરે છે. તેઓ પ્રચારમાં જતા પહેલાં રજૂઆત મનમાં તૈયાર રાખે છે. તેઓ રજૂઆત કરીને ઘરમાલિકને એક પત્રિકા આપશે. પત્રિકાનો વિષય અને ચિત્ર ઘરમાલિકનું ધ્યાન ખેંચશે, અને આમ ચર્ચા શરૂ થશે. પછી ઘરમાલિકને પ્રશ્નો પૂછશે. બીજી એક રીતમાં તેઓ ઘરમાલિકને ત્રણ-ચાર અલગ-અલગ પત્રિકાઓ બતાવે છે. પછી પૂછશે કે તેમને કયો વિષય ગમે છે. આમ વાતચીત શરૂ કરશે. વધારે સૂચનો માટે બૉક્સ જુઓ. જોકે આપણો ધ્યેય ફક્ત પત્રિકા આપવાનો જ નહિ પણ બાઇબલ સ્ટડી શરૂ કરવાનો છે. *

૯. પ્રચારમાં જતા પહેલાં શા માટે સારી તૈયારી કરવી જોઈએ?

આપણે વાતચીત શરૂ કરવાની ગમે એ રીત અપનાવીએ, સારી તૈયારી કરવી ખૂબ જરૂરી છે. એમ કરવાથી આપણે અચકાયા વગર પૂરા ઉત્સાહથી વાત કરી શકીશું. એક પાયોનિયર ભાઈ કહે છે જ્યારે ‘હું સારી તૈયારી કરું છું ત્યારે મને પ્રચારમાં મજા આવે છે. અને દરેક વ્યક્તિ સાથે વાત કરવાનું મન થાય છે.’ બીજા એક પાયોનિયર ભાઈ જણાવે છે કે ‘હું જે પણ સાહિત્ય પ્રચારમાં આપવા માગું છું એને પૂરેપૂરું વાંચીને તૈયાર કરું છું. એમ કરવાથી મને બીજા લોકોને સાહિત્ય આપવાનું મન થાય છે.’ ઘણા ભાઈ-બહેનો પ્રચારમાં જતાં પહેલાં જે રજૂઆત કરવાના છે એની મોટેથી પ્રૅક્ટિસ કરે છે. આમ કરવાથી તેઓને ઘણો ફાયદો થયો છે. આપણે પણ એવું કરીશું તો ઈશ્વરનો સંદેશો સારી રીતે જણાવી શકીશું.—કોલો. ૩:૨૩; ૨ તીમો. ૨:૧૫.

૧૦. પ્રચારની મિટિંગ લેનાર ભાઈએ શું કરવું જોઈએ? એનાથી શું લાભ થશે?

૧૦ પ્રચારની મિટિંગમાં પૂરું ધ્યાન આપીશું તો આપણે પ્રચારમાં સારી રીતે વાત કરી શકીશું. પ્રચારની મિટિંગમાં રોજનું વચન પ્રચારને લગતું હોય તો ભાઈ એમાંથી ચર્ચા કરવાનું પસંદ કરી શકે. ભાઈએ વિસ્તારમાં લાગુ પડે એવી અમુક રજૂઆતની ચર્ચા કરવી જોઈએ. અથવા તો એનું દૃશ્ય બતાવવું જોઈએ. એમ કરવાથી ભાઈ-બહેનો વ્યક્તિ સાથે સારી રજૂઆત કરી શકશે. મિટિંગ લેનાર ભાઈએ સારી તૈયારી કરી હશે તો એને સમયસર પૂરી કરી શકશે. અને ભાઈ-બહેનો એમાંથી પૂરેપૂરો લાભ ઊઠાવી શકશે.—રૂમી ૧૨:૮.

બીજાઓની વાત ધ્યાનથી સાંભળો

૧૧, ૧૨. પ્રચારમાં બીજાઓનું ધ્યાનથી સાંભળવાથી શું ફાયદો થાય છે? અનુભવ જણાવો.

૧૧ વ્યક્તિ સાથે વાત કરીએ ત્યારે તેને ઓળખવાનો પ્રયત્ન કરીએ. એ માટે તેની વાત ધ્યાનથી સાંભળીએ. એક સરકીટ ઓવરસિયરે કહ્યું કે ‘આપણે લોકોનું ધ્યાનથી સાંભળીશું તો, તેઓ પર પ્રેમ બતાવી શકીશું. અને લોકો આપણો સંદેશો સાંભળશે.’ જો લોકોનું ધ્યાનથી સાંભળીશું તો તેઓ પણ આપણો સંદેશો સાંભળશે.

૧૨ એ માટે ચાલો એક અનુભવ જોઈએ. ફ્રાન્સના લી પ્રોગ્રે નામના છાપામાં એક પત્ર છપાયો હતો. જે સ્ત્રીએ એ પત્ર લખ્યો હતો તેની ત્રણ મહિનાની નાની બાળકી ગુજરી ગઈ હતી. તે સ્ત્રી દુઃખમાં ડૂબી ગઈ હતી. એ સમયે તેના ઘરે બે વ્યક્તિઓ આવ્યા હતા. એ મુલાકાત વિષે સ્ત્રીએ લખ્યું કે ‘હું તરત જ તેઓને ઓળખી ગઈ કે તેઓ યહોવાહના સાક્ષીઓ છે. હંમેશની જેમ હું કંઈ સાંભળ્યા વગર શાંતિથી તેઓને પાછા જવાનું કહેવાની જ હતી. પરંતુ, મેં તેઓના હાથમાં એક બ્રોશર જોયું. એનો વિષય હતો કે પરમેશ્વર શા માટે દુઃખો ચાલવા દે છે. મેં તરત તેઓને અંદર બોલાવ્યા. હું તેઓને જૂઠા સાબિત કરવા માંગતી હતી કે પરમેશ્વરને આપણી કંઈ પડી નથી. એ બે સાક્ષીઓ એકાદ કલાક જેટલું રોકાયા. તેઓએ ખૂબ જ ધ્યાનથી અને પ્રેમથી મારું સાંભળ્યું. એનાથી મને એટલું તો સારું લાગ્યું કે તેઓ જવા લાગ્યા ત્યારે, મેં તેઓને ફરીથી આવવા કહ્યું.’ (રૂમી ૧૨:૧૫) સમય જતાં આ સ્ત્રીએ બાઇબલ સ્ટડી શરૂ કરી. આ અનુભવમાંથી શીખવા મળે છે કે વ્યક્તિનું ધ્યાનથી સાંભળવાથી અને તેને પ્રેમ બતાવવાથી સારા પરિણામો આવે છે.

૧૩. લોકોના દિલ સુધી સંદેશો પહોંચાડવા શું કરવું જોઈએ?

૧૩ આપણે વ્યક્તિનું ધ્યાનથી સાંભળીશું તો જાણવા મળશે કે તેને કેવા દિલાસાની જરૂર છે. તેની જરૂરિયાત પ્રમાણે આપણે સંદેશો જણાવી શકીશું. જેઓ વ્યક્તિનું ધ્યાનથી સાંભળે છે, તેઓ સારી રીતે સંદેશો જણાવી શકે છે. (નીતિ. ૨૦:૫) તેઓ વ્યક્તિની નાની નાની વાતો પણ ધ્યાનમાં લે છે. જેમ કે તેઓનું નામ અને સરનામું લખી લે છે. તેઓને શું ગમે છે, અને શાની જરૂર છે એ પણ લખી લે છે. જ્યારે વ્યક્તિ કોઈ સવાલ ઉઠાવે તો જવાબ મેળવવા સંશોધન કરે છે. પછી બની શકે એટલા જલદી એ માહિતી તેઓને જણાવે છે. તેઓ પ્રેરિત પાઊલની જેમ દરેક વ્યક્તિ સાથે અલગ-અલગ રીતે વાત કરે છે. (૧ કોરીંથી ૯:૧૯-૨૩ વાંચો.) આવી રીતે પ્રચાર કરીશું તો “દેવની ઘણી દયા” લોકો માટે બતાવી શકીશું. અને તેઓના દિલ સુધી સંદેશો પહોંચાડી શકીશું.—લુક ૧:૭૮.

બધાને સંદેશો જણાવીએ

૧૪. પ્રચારમાં આપણે યહોવાહ જેવા ગુણો કેવી રીતે બતાવી શકીએ?

૧૪ યહોવાહ સર્વશક્તિમાન હોવાથી લોકોને પોતાના ભક્તો બનવા બળજબરી કરી શકે છે. પણ તે એમ કરતા નથી. તેમણે બધાને પસંદગી કરવાની છૂટ આપી છે. એમાં તેમનો પ્રેમ અને કૃપા જોવા મળે છે. જેઓ તેમની આજ્ઞા પાળે છે તેઓને આશીર્વાદ આપે છે. (રૂમી ૨:૪) આપણે સંદેશો જણાવીએ ત્યારે લોકોને બળજબરી ના કરીએ, પણ પસંદગી કરવાની છૂટ આપીએ. આ રીતે યહોવાહ જેવો જ પ્રેમ અને કૃપા લોકોને બતાવીએ. (૨ કોરીં. ૫:૨૦, ૨૧; ૬:૩-૬) એમ કરીશું તો બધા લોકોને સંદેશો જણાવવાનું મન થશે.

૧૫. (ક) ઈસુએ શિષ્યોને કેવી સલાહ આપી? (ખ) નેકદિલ લોકોને શોધવા આપણે શું કરવું જોઈએ?

૧૫ જ્યારે અમુક લોકો આપણું ન સાંભળે ત્યારે બધાને સંદેશો જણાવવાનું મન થતું નથી. પણ ઈસુએ સલાહ આપી કે લોકો સંદેશાનો નકાર કરે ત્યારે નિરાશ ન થાવ. એવા લોકોને બદલે નેકદિલ લોકોને શોધો. (માત્થી ૧૦:૧૧-૧૫ વાંચો.) નેકદિલ લોકોને શોધવા માટે આપણે અમુક નાના ધ્યેય બાંધીએ. એક ભાઈએ કહ્યું કે હું બાઇબલ વિષે વધારે જાણવા માગતી ઓછામાં ઓછી એક વ્યક્તિને શોધું છું. એ મળે ત્યારે મારો ધ્યેય પૂરો થાય છે. આ રીતે પ્રચારમાં મને બહુ મજા આવે છે. બીજા એક ભાઈએ પોતાના ધ્યેય વિષે કહ્યું કે ‘એક વ્યક્તિ સંદેશામાં થોડો પણ રસ બતાવે તો એની હું તરત જ ફરી મુલાકાત લઉં છું. એનો રસ વધે એવા મુદ્દાઓ જણાવું છું. દર અઠવાડિયા આ રીતે એક વ્યક્તિ પણ મળે તો મારો ધ્યેય પૂરો થયો છે એમ સમજુ છું.’ અમુક ભાઈ-બહેનો પણ ઘરમાલિકને બાઇબલમાંથી એક કે બે કલમો બતાવી શકે એવો ધ્યેય બાંધે છે. હવે તમારા વિષે શું? તમે પ્રચાર માટે કેવા ધ્યેય બાંધો છો?

૧૬. કયા કારણોને લીધે આપણે પ્રચાર કરીએ છીએ?

૧૬ પ્રચાર કરવાના ઘણા કારણો છે. જેમ કે લોકો આપણો સંદેશો સ્વીકારશે તો તેઓને અમર જીવનનો આશીર્વાદ મળશે. આપણને યહોવાહ માટે પ્રેમ હોવાથી લોકોને સંદેશો જણાવીએ છીએ. (૧ યોહા. ૫:૩) જેઓને ઈશ્વરની કઈ પડી નથી તેઓને ‘પરમેશ્વરના ન્યાયકરણનો સમય આવ્યો છે’ એવી ચેતવણી આપીએ છીએ. (પ્રકટી. ૧૪:૬, ૭) પ્રચાર નહિ કરીએ તો યહોવાહ આપણી પાસેથી હિસાબ લેશે. (પ્રે.કૃ. ૨૦:૨૬, ૨૭) પ્રચાર કરવાનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે યહોવાહનું નામ આખી દુનિયામાં રોશન થાય છે. (ગીત. ૧૧૩:૩) લોકો સંદેશો સાંભળે કે નહિ આપણી જવાબદારી છે કે પૂરા દિલથી એ કામ કરીએ. એમ કરીશું તો યહોવાહ આપણને અનમોલ ગણશે.—રૂમી ૧૦:૧૩-૧૫.

૧૭. યહોવાહ, દુષ્ટ જગતનો નાશ કરશે ત્યારે લોકોને શું જાણવા મળશે?

૧૭ ઈશ્વરભક્ત હઝકીએલે ઈસ્રાએલીઓને ચેતવણી આપી હતી કે યરૂશાલેમનો નાશ થશે. યહોવાહે હઝકીએલને વચન આપ્યું કે જ્યારે એવું થશે ત્યારે “તેઓ [ઇસ્રાએલીઓ] જાણશે કે તેઓમાં એક પ્રબોધક થઈ ગયો છે.” (હઝકી. ૨:૫) હઝકીએલની જેમ જ આપણે પણ બીજાને ચેતવણી આપીએ છીએ કે આ દુષ્ટ જગતને નાશ થશે. (માથ. ૨૪:૩૭-૩૯) જ્યારે યહોવાહ નાશ લાવશે ત્યારે લોકોને જાણવા મળશે કે એ સંદેશો સાચો હતો. તેઓએ માનવું પડશે કે આપણે જ યહોવાહના સાચા ભક્તો છીએ. એટલે ઘણા લોકો સંદેશો ન સાંભળે તો ચિંતા ન કરવી જોઈએ. એને બદલે યહોવાહનો સંદેશો ફેલાવવાને એક આશીર્વાદ ગણીએ. ખરું કે ઘર-ઘરનો પ્રચાર કરવો હંમેશાં સહેલું નથી. પણ એમ કરતા રહેવા યહોવાહ આપણને સાથ આપશે. (w08 7/15)

[Footnote]

^ અમુક ટેરેટરીમાં પ્રચાર કરતા હોઈએ ત્યારે, આપણી રાજ્ય સેવા સંજોગો જોઈને રજૂઆત કરવા ઉત્તેજન આપી શકે.

તમે સમજાવી શકો?

• હિંમતથી પ્રચાર કરવા આપણે શું કરવું જોઈએ?

• ઘર-ઘરના પ્રચારમાં કેવી રીતે વાતચીત શરૂ કરી શકીએ?

• વ્યક્તિને સારી રીતે ઓળખવા શું કરવું જોઈએ?

• બધા લોકોને સંદેશો જણાવવાનું મન થાય એ માટે શું કરવું જોઈએ?

[Study Questions]

[Box/Picture on page 15]

વાતચીત શરૂ કરવાનાં અમુક સૂચનો

વાતચીત શરૂ કરવા માટે:

▪ ઘરમાલિકને કેમ છો કહો, અને પત્રિકા આપો. પછી જણાવો કે ‘અમે લોકોને આ પત્રિકામાંથી અમુક સારા વિચારો જણાવીએ છીએ.’

▪ અથવા વ્યક્તિને પત્રિકા બતાવીને જણાવો કે ‘અમે બધાને મળીએ છીએ અને આ પત્રિકા આપીએ છીએ. શું તમારે આ વિષે વધારે જાણવું છે?’

વ્યક્તિ પત્રિકા લે ત્યારે:

▪ પત્રિકાનો વિષય બતાવીને તેમને પૂછો કે આ વિષય પર તમારું શું માનવું છે?

▪ તેમના જવાબને ધ્યાનથી સાંભળો. સાચા કે ખોટા જે પણ વિચારો જણાવે એ માટે તેમનો આભાર માનો.

વ્યક્તિ રસ બતાવે તો:

▪ બાઇબલમાંથી એક-બે કલમો વાંચીને એના પર ચર્ચા કરો. વાતચીત પરથી જોઈ શકશો કે વ્યક્તિને કયો વિષય પસંદ છે. પછી એ વિષય પર વાત કરો.

▪ વ્યક્તિ વધારે જાણવા માંગે તો તેને સાહિત્ય આપો. પછી શક્ય હોય તો ટૂંકમાં બતાવો કે કેવી રીતે બાઇબલ સ્ટડી કરી શકાય. ફરી મુલાકાતની ગોઠવણ કરો.