સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું સાચે જ નુહના જમાનામાં આખી પૃથ્વી પર પ્રલય આવ્યો હતો?

શું સાચે જ નુહના જમાનામાં આખી પૃથ્વી પર પ્રલય આવ્યો હતો?

વાચકો તરફથી પ્રશ્ન

શું સાચે જ નુહના જમાનામાં આખી પૃથ્વી પર પ્રલય આવ્યો હતો?

આજથી ચારેક હજાર વર્ષ પહેલાં નુહના જમાનામાં પ્રલય આવ્યો હતો. ખરું કે એના વિષે જણાવવા એ જમાનાના કોઈ લોકો આજે જીવતા નથી, પણ બાઇબલમાં લેખિત પુરાવો છે. એ એવા પ્રલય વિષે જણાવે છે, જેમાં ઊંચામાં ઊંચો પર્વત પણ ડૂબી ગયો હતો.

બાઇબલ કહે છે કે ‘પૃથ્વી પર ચાળીસ દહાડા લગી જળપ્રલય હતો. અને પૃથ્વી પર પાણી ઘણું ચઢ્યું; અને આખા આકાશ તળેના સર્વ ઊંચા પર્વત ઢંકાઇ ગયા. પર્વતો પર પંદર હાથ (૬.૫ મીટર) સુધી પાણી ચઢ્યું; અને પહાડો ઢંકાઇ ગયા.’—ઉત્પત્તિ ૭:૧૭-૨૦.

અમુકને શંકા છે કે શું પૃથ્વી સાચે જ પાણીથી ઢંકાઈ ગઈ હતી? કે પછી મીઠું-મરચું ભભરાવીને વાર્તા બનાવી દીધી છે? પ્રલય આવ્યો હતો એ વાર્તા નથી, પણ હકીકત છે! આજેય ૭૧ ટકા જેટલી પૃથ્વીની સપાટી પાણીથી ઢંકાયેલી છે. બીજા શબ્દોમાં, એ પ્રલયનું પાણી હજુયે પૃથ્વી પર છે. વિચારો કે ઉત્તર અને દક્ષિણમાં આવેલા બરફના દેશોનો બરફ પણ ઓગળે તો શું થાય? તો પછી ન્યૂ યૉર્ક અને ટોકિયો જેવાં શહેરો પાણીમાં ડૂબી જાય.

અમુક ભૂસ્તરશાસ્ત્રીઓએ ઉત્તર-પશ્ચિમ યૂનાઇટેડ સ્ટેટ્‌સની જમીનનો અભ્યાસ કર્યો. તેઓને જાણવા મળ્યું કે અમુક સમયગાળામાં સોએક જેટલાં મોટાં પૂર એ એરિયામાં આવ્યાં હતાં. એક એવા પૂરનાં પાણી ૧૦૫ કિલોમીટરની ઝડપે, ૬૦૦ મીટર જેટલાં ઊંચાં ચડ્યાં. એનું વજન બે લાખ કરોડ ટનથી પણ વધારે થાય. બીજા વૈજ્ઞાનિકોને પણ એવા પુરાવા મળ્યા છે. એટલે તેઓને લાગે છે કે આખી પૃથ્વી પર પ્રલય આવ્યો હોઈ શકે.

બાઇબલમાં માનનારાઓ માટે નુહના જમાનાનો પ્રલય વાર્તા નહિ, પણ હકીકત છે. ઈસુએ યહોવાહ ઈશ્વરને કહ્યું કે “તારૂં વચન સત્ય છે.” (યોહાન ૧૭:૧૭) ઈશ્વરભક્ત પાઊલે કહ્યું કે ઈશ્વરની ઇચ્છા છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમોથી ૨:૩, ૪) જો બાઇબલમાં ખોટી વાર્તાઓ હોય, તો શું પાઊલ એમાંથી ઈસુના શિષ્યોને સત્ય શીખવી શકે?

ઈસુના માનવા પ્રમાણે પ્રલય આવ્યો હતો, આખી પૃથ્વી પર આવ્યો હતો. દુષ્ટ જગતના અંત અને પોતે ઈશ્વરના રાજ્યના રાજા બનશે, એની વાત કરતા ઈસુએ અમુક નિશાની આપી. એ નિશાનીના બનાવોને નુહના જમાના સાથે સરખાવ્યા. (માત્થી ૨૪:૩૭-૩૯) ઈશ્વરભક્ત પીતરે પણ નુહના જમાનામાં આવેલા પ્રલયની વાત કરી: “તે વેળાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું.”—૨ પીતર ૩:૬.

હવે જો એ બધી ફક્ત વાર્તા જ હોય, તો ઈસુ અને પીતરે આપેલી ચેતવણી શું કામની? આ દુનિયાના આવનાર અંત વિષેની ચેતવણી આપવાને બદલે, એ તો લોકોને વધારે મૂંઝવી નાખે. લોકોનું જીવન જોખમમાં આવી જાય.—૨ પીતર ૩:૧-૭.

ઈશ્વરને પોતાના લોકો પર અપાર પ્રેમ છે. તેમણે કહ્યું: “જે પ્રમાણે મેં સમ ખાધા હતા, કે નુહનો જળપ્રલય ફરી ભૂમિ પર થનાર નથી, તેમ મેં સમ ખાધા છે કે હું તારા પર ફરીથી ક્રોધાયમાન થઇશ નહિ, ને તને ધમકાવીશ નહિ.” નુહના જમાનામાં આખી પૃથ્વી પર પ્રલય આવ્યો હતો, એમાં કોઈ શંકા જ નથી. એટલે જ ગૅરંટી સાથે કહી શકાય કે ઈશ્વર પોતાના ભક્તોને અપાર કૃપા બતાવશે.—યશાયાહ ૫૪:૯. (w08 6/1)