સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સંજોગો પ્રમાણે નિર્ણય લો, જિંદગીની મજા લો

સંજોગો પ્રમાણે નિર્ણય લો, જિંદગીની મજા લો

સંજોગો પ્રમાણે નિર્ણય લો, જિંદગીની મજા લો

“આપણને યહોવાહની ભક્તિમાં ઘણું કરવું છે. પણ સંજોગોને લીધે ઘણું કરી શકતા નથી ત્યારે નિરાશ થઈ જઈએ છીએ. ચાલો અમુક ભાઈ-બહેનોનો વિચાર કરીએ. એક બહેન યહોવાહની ભક્તિમાં ઘણું કરતા. પણ બાળક થયું એટલે તેની પાછળ જ ઘણો સમય જતો રહે છે. હવે તે યહોવાહની ભક્તિમાં પહેલાં જેટલું નથી કરી શકતા, એટલે નિરાશ થઈ જાય છે. બીજા એક યુવાન ભાઈનો વિચાર કરો. તેના માબાપ નાનપણથી જ તેની પાસે વધારે પડતી અપેક્ષા રાખતા હતા. એટલે તે યહોવાહની ભક્તિમાં ગમે એટલું કરે પણ તેને સંતોષ નથી થતો. એક બહેન મોટી ઉંમરને લીધે યહોવાહની ભક્તિમાં પહેલાં જેટલું કરી શકતા નથી. એનાથી તે ઘણા નિરાશ થઈ જાય છે. ક્રિસ્ટીયાન બહેન કુટુંબની જવાબદારીને લીધે પાયોનિયરીંગ નથી કરી શકતી. તે જણાવે છે, ‘જ્યારે મંડળમાં પાયોનિયરીંગ કરવાનું ઉત્તેજન આપવામાં આવે છે ત્યારે મારી આંખો ભરાઈ આવે છે.’

આપણને પણ આવી લાગણી થાય તો શું કરવું જોઈએ? અમુક ભાઈ-બહેનો પોતાના સંજોગો ધ્યાનમાં રાખીને કેવા નિર્ણય લે છે? આપણે પણ તેઓની જેમ સંજોગો તપાસીને નિર્ણય લઈશું તો શું ફાયદો થશે?

સંજોગો પ્રમાણે નિર્ણય લો

યહોવાહની ભક્તિમાં સંતોષ રાખવા પાઊલે સલાહ આપી કે ‘તમે નિર્બુદ્ધની જેમ નહિ, પણ ડાહ્યા માણસની જેમ ચાલો.’ (એફે. ૫:૧૫) આપણા સંજોગો તપાસીને ડાહ્યા કે સમજુ માણસની જેમ ધ્યેયો બાંધવા જોઈએ. સંજોગો તપાસ્યા વગર ગોલ બાંધીશું તો એને પૂરા નહિ કરી શકીએ, અને ટેન્શનમાં આવી જઈશું. આપણે ગોલ બાંધીએ ત્યારે એ પણ ધ્યાન રાખીએ કે જેટલું કરી શકીએ એના કરતાં ઓછું ના કરીએ. સંજોગો તપાસીને ગોલ બાંધીશું તો આપણે યહોવાહની ભક્તિમાં ઠંડા નહિ પડીએ.

આપણે સંજોગો પ્રમાણે જેટલું પણ કરી શકીએ એ દિલથી કરીએ, એવું યહોવાહ ચાહે છે. (કોલો. ૩:૨૩, ૨૪) આપણે બાપ્તિસ્મા લેતી વખતે વચન આપ્યું હતું કે યહોવાહની ભક્તિ પૂરાં દિલથી કરીશું. (રૂમી ૧૨:૧) જો આપણે તન-મનથી ભક્તિ કરીશું તો સંતોષ મળશે, અને આશીર્વાદ પણ મળશે.—નીતિ. ૧૦:૨૨.

તન-મનથી ભક્તિ કરવા આપણે ‘સમજુ’ બનીને પોતાના સંજોગો તપાસવા જોઈએ. (યાકૂ. ૩:૧૭) અમુક વખતે આપણે બીજાઓના સંજોગો સમજીને તેઓને મદદ કરીએ છીએ. દાખલા તરીકે, આપણો એક મિત્ર એવા નિર્ણયો લે જેના લીધે તેણે ઘણું બધું કામ કરવું પડે. તે થાકીને લોથપોથ થઈ જાય. આપણે તેને સંજોગો તપાસવા મદદ કરીએ છીએ જેથી તે થાકી ન જાય. જે રીતે આપણે મિત્રને સંજોગો તપાસવા મદદ કરી એવી જ રીતે આપણે પોતાના સંજોગો પણ તપાસવા જોઈએ. (નીતિ. ૧૧:૧૭) આપણા નિર્ણયને જક્કીપણે વળગી રહેવું ના જોઈએ. એને બદલે આપણે સમજુ માણસની જેમ પોતાના નિર્ણયમાં બાંધ-છોડ કરવા તૈયાર રહેવું જોઈએ.

અમુક લોકોને પોતાના સંજોગો તપાસવા અઘરું લાગે છે. એનું એક કારણ તેઓનો ઉછેર હોઈ શકે. તેઓના માબાપ હંમેશાં તેઓ પાસે મોટી મોટી આશાઓ રાખે છે. એવા લોકોને લાગે છે, કે યહોવાહ પણ માબાપની જેમ વધારે પડતી અપેક્ષા રાખે છે. પણ એ વિચાર સાવ ખોટો છે. યહોવાહ જાણે છે કે “આપણે ધૂળનાં છીએ.” એટલે આપણે વધારે નહિ કરી શકીએ. (ગીત. ૧૦૩:૧૪) યહોવાહ એટલું જ ચાહે છે કે આપણે પોતાની શક્તિ પ્રમાણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ. યહોવાહ આપણી ક્ષમતા જાણે છે, એટલે આપણી ક્ષમતા પ્રમાણે બનતું બધું જ કરીએ.—મીખા. ૬:૮.

તોપણ અમુક લોકો ગજા ઉપરાંત કરવાની કોશિશ કરે છે. જો તમારા વિચારો પણ આવા હોય તો તમે કોઈ અનુભવી ભાઈની સાથે વાત કરો. તે ભાઈ તમારા સંજોગો તપાસવા મદદ કરશે અને યોગ્ય સલાહ આપશે. (નીતિ. ૨૭:૯) એક દાખલો લઈએ. એક ભાઈને રેગ્યુલર પાયોનિયર બનવું છે. તેમને કુટુંબની જવાબદારીઓ પણ છે. એ ભાઈનો મિત્ર તેમની મદદે આવે છે. મિત્ર તેમની સાથે ચર્ચા કરે છે કે હાલના સંજોગોમાં તે પાયોનિયરીંગ કરી શકશે કે નહિ. ભાઈને લાગે છે કે નહિ કરી શકે. હવે મિત્ર સમજાવે છે કે તે પ્રચારમાં કેવી રીતે વધારે કરી શકે. બીજી એક સ્થિતિનો વિચાર કરો. જો પત્નીએ પાયોનિયરીંગ કરવું હોય તો પતિ કુટુંબના સંજોગોની તપાસ કરશે. પછી નક્કી કરશે કે પત્ની પાયોનિયરીંગ કરી શકશે કે નહિ. જો સંજોગો પરવાનગી આપે તો પત્ની પાયોનિયરીંગ કરી શકે. પતિ, પત્નીને મદદ કરશે જેથી તેને પ્રચારમાં ખુશી મળે. આ બે દાખલામાંથી જોઈ શકીએ છીએ કે પાયોનિયરીંગ કરવું એ સારો ગોલ છે. પણ એ પ્રમાણે કરવા સાદું જીવન આપણને મદદ કરશે.

જેટલું કરી શકો એમાં સંતોષી રહો

આપણે યહોવાહની ભક્તિમાં જે નથી કરી શકતા એના પર ધ્યાન આપીશું તો નિરાશ થઈ જઈશું. ઘડપણ કે તબિયતના લીધે કેટલાક યહોવાહની ભક્તિ વધારે કરી શકતા નથી. અમુકને બાળકોની સંભાળ રાખવી પડે. તેઓનો સમય અને શક્તિ બાળકોમાં જ જતા રહેતા હોવાથી તેમને એવું લાગી શકે કે મિટિંગમાંથી કે પર્સનલ સ્ટડીમાંથી વધારે ફાયદો નથી થતો. આવી વ્યક્તિઓ યહોવાહની ભક્તિમાં જે નથી કરી શકતા એ પર જ ધ્યાન આપશે તો કંઈ ફાયદો નહિ થાય. આપણે પણ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણાથી જે થઈ શકે એ કરીએ. એનાથી આપણને ઘણી ખુશી મળશે.

એના વિષે બાઇબલ સમયના એક લેવીનો વિચાર કરો. તે દર છ મહિને ફક્ત એક અઠવાડિયું મંદિરમાં સેવા કરી શકતો. એની ઇચ્છા તો કાયમ મંદિરમાં સેવા કરવાની હતી. પણ એ શક્ય ન હતું. (ગીત. ૮૪:૧-૩) કેવી રીતે આ લેવીએ સંતોષ રાખ્યો? તેને અહેસાસ થયો કે યહોવાહના મંદિરમાં એક દિવસ રહેવું એ પણ એક લહાવો છે. (ગીત. ૮૪:૪, ૫, ૧૦) આ લેવીની જેમ જ આપણે જે નથી કરી શકતા એના પર ધ્યાન ન આપીએ, પણ જેટલું કરી શકીએ છીએ એને એક લહાવો ગણીએ.

હવે કૅનેડાના નરલૅન્ડ બહેનનો અનુભવ જોઈએ. તે અપંગ હોવાથી કાયમ વ્હિલચૅરને સહારે રહેવું પડે છે. તેમને લાગ્યું કે તે પ્રચારમાં વધારે નથી કરી શકતા. પણ એના પર ધ્યાન આપવાને બદલે તેમણે નક્કી કર્યું કે શૉપિંગ મૉલમાં પ્રચાર કરશે. તે જણાવે છે, ‘હું મૉલમાં એક બેન્ચ પાસે મારી વ્હિલચૅરને લઈ જઉં છું. જે પણ વ્યક્તિ આરામ કરવા એ બેન્ચ પર બેસે છે, તેને હું સંદેશો જણાવું છું. આમ કરવાથી મને ઘણી ખુશી મળે છે.’ આ બહેનના દાખલામાંથી શીખવા મળે છે કે જે કરી શકીએ છીએ એના પર ધ્યાન આપીએ. એનાથી જીવનમાં સંતોષ મળશે.

જરૂરી હોય એવા ફેરફાર કરો

જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે શું કરી શકીએ, એ સમજવા એક દાખલો લઈએ. માની લો કે એક બોટ પૂર ઝડપે જઈ રહી છે. કૅપ્ટનને દેખાય છે કે દરિયામાં તોફાન આવી રહ્યું છે. ત્યારે તે શું કરશે? બોટની દિશા બદલી નાખશે અને સ્પીડ ઓછી કરશે, જેથી તોફાનમાં પણ બોટ સારી રીતે ચલાવી શકે. એવી જ રીતે જ્યારે જીવનમાં તોફાન આવે ત્યારે આપણે પણ અમુક ફેરફાર કરવા પડશે. આપણે પોતાના સંજોગો તપાસીને ફેરફાર કરવા તન-મનથી પ્રયત્ન કરીએ. આમ કરીશું તો જીવનમાં સંતોષ મળશે. અને ઈશ્વરની ભક્તિ કરવાનો આનંદ પણ મળશે.—નીતિ. ૧૧:૨.

હવે ત્રણ સંજોગોનો વિચાર કરો જે બતાવે છે કે જીવનમાં ફેરફાર કરવાથી આપણને કેવો ફાયદો થશે. પહેલા સંજોગમાં એક વ્યક્તિ દિવસમાં ઘણું કામ કરવાથી થાકી જાય છે. એના લીધે તે સાંજે મિટિંગમાં જઈ શકતી નથી. પણ જો પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરશે તો તે થાકી નહિ જાય. તે સાંજે મિટિંગમાં જઈ શકશે. ભાઈ-બહેનો પાસેથી ઉત્તેજન પણ મેળવી શકશે. બીજા સંજોગમાં એક મા પોતાનું બાળક બીમાર હોવાથી પ્રચારમાં જઈ શકતી નથી. આવા સમયે તે કોઈ બેનને પોતાના ઘરે બોલાવી શકે. તેઓ બન્‍ને ભેગા મળીને ટેલિફોનથી પ્રચાર કરી શકે.

ત્રીજા સંજોગમાં કોઈ ભાઈ કે બહેન સંજોગોને લીધે મિટિંગની તૈયારી કરી શકતા નથી. તે બિલકુલ તૈયારી ના કરે એના બદલે જેટલી પણ થઈ શકે એટલી તૈયારી કરે. અને એમાંથી પૂરેપૂરો લાભ ઉઠાવે. આ ત્રણેય સંજોગો બતાવે છે કે જીવનમાં થોડોક ફેરફાર કરીશું તો યહોવાહની ભક્તિમાં આપણો ઉત્સાહ જળવાઈ રહેશે.

ખરું કે આપણા જીવનમાં જે ગોલ બાંધ્યા છે એમાં ફેરફાર કરવા સહેલું નથી. પણ જ્યારે ફેરફાર કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે મોટે ભાગે સારા પરિણામો આવે છે. સર્જ અને આગ્‍નેશનો અનુભવ જોઈએ. તેઓ ફ્રાન્સમાં રહે છે. તેઓએ લગ્‍ન કર્યા ત્યારે ગોલ બાંધ્યો કે મિશનરી બનશે. પણ તેઓને બાળક થયું. એના વિષે સર્જ કહે છે, ‘જ્યારે ખબર પડી કે બાળક આવવાનું છે ત્યારે મિશનરી બનવાનો અમારો ગોલ માત્ર સપનું જ રહી ગયું.’ પછી તેઓએ બીજો ગોલ બાંધ્યો. સર્જે એના વિષે કહ્યું કે ‘અમે મિશનરી ન બની શક્યા. પણ પોતાના વિસ્તારમાં બીજી ભાષા બોલતા લોકોને મદદ કરવાનો ગોલ બાંધ્યો. આજે અમે બીજી ભાષાના ગ્રૂપમાં સેવા આપીએ છીએ.’ આજે સર્જ અને આગ્‍નેશ બે દીકરીઓ સાથે આ ગ્રૂપમાં સેવા આપે છે. એના વિષે સર્જ કહે છે કે ‘અમારા વિસ્તારમાં પરદેશીઓને મદદ કરવાથી અમને બહુ ખુશી મળે છે.’

હવે ૭૧ વર્ષના ઓડાઇલ બહેનનો વિચાર કરો. જીવનમાં ફેરફાર કરવાથી તેમને પ્રચારમાં આનંદ મળે છે. ઘૂંટણમાં આથ્રાઈટિસને લીધે તે લાંબો સમય ઊભા રહી શકતા નથી. જ્યારે તેમને ખબર પડી કે આ બીમારીને લીધે ઘરઘરનો પ્રચાર નહિ કરી શકે ત્યારે તે નિરાશ થઈ ગયા. પછી તેમણે નક્કી કર્યું કે ટેલિફોનથી પ્રચાર કરશે. એના વિષે બહેન કહે છે કે ‘આ રીતે પ્રચાર કરવો સહેલું છે. અને મને બહુ મજા આવે છે.’

ક્ષમતા પ્રમાણે કરવાથી ખુશી મળે છે

પોતાના સંજોગો તપાસીને નિર્ણય લઈશું તો ઘણો ફાયદો થશે. આપણે પોતાની શક્તિ પ્રમાણે ગોલ બાંધીએ. ભલે એ ગોલ ગમે તેટલો નાનો હોય એને પૂરો કરવાથી આપણને ઘણી ખુશી મળશે.—ગલા. ૬:૪.

આપણે પોતાના સંજોગો તપાસીને નિર્ણયો લઈએ. એમ કરીશું તો બીજાઓના સંજોગો સમજી શકીશું. સાથે સાથે બીજાઓ આપણા માટે જે પણ મદદ કરે છે એની કદર કરી શકીશું. અને આપણે ભેગા મળીને યહોવાહની ભક્તિ કરી શકીશું. (૧ પીત. ૩:૮) યાદ રાખીએ કે યહોવાહ પ્રેમાળ પિતા છે, એટલે આપણી પાસે વધારે પડતી આશા નથી રાખતા. જ્યારે આપણે યોગ્ય ગોલ બાંધીશું તો ઈશ્વરની સેવામાં બનતું બધું કરી શકીશું. આમ, કરવાથી આપણને સંતોષ અને ખુશી મળશે. (w08 7/15)

[Blurb on page 30]

આપણે પોતાનો સંજોગો તપાસીએ. એ પ્રમાણે નિર્ણયો લઈએ. પૂરા કરી શકીએ એવા ગોલ રાખીએ. એમ કરીશું તો યહોવાહની ભક્તિમાં આનંદ મળશે.

[Picture on page 32]

જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ફેરફાર કરો

[Credit Line]

© Wave Royalty Free/age fotostock