સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ પોતાના ભક્તોને તજશે નહિ

યહોવાહ પોતાના ભક્તોને તજશે નહિ

યહોવાહ પોતાના ભક્તોને તજશે નહિ

‘યહોવાહ પોતાના ભક્તોને તજી દેતો નથી; તે તેઓનું સદા રક્ષણ કરે છે.’—ગીત. ૩૭:૨૮.

૧, ૨. (ક) ઈ.સ. પૂર્વે દસમી સદીમાં યહોવાહના ભક્તોની કઈ રીતે કસોટી થઈ? (ખ) યહોવાહે કેવા સંજોગોમાં પોતાના ભક્તોને છોડી દીધા નહિ?

 ઈસવીસન પૂર્વે દસમી સદીમાં ઈસ્રાએલના લોકો અંદરોઅંદર લડી પડવાની તૈયારીમાં હતા. પણ રાજ્યના ભાગલા કરવાથી એ અટકી ગઈ. ઈ.સ. પૂર્વે ૯૯૭માં યરોબઆમ ઉત્તરના રાજ્યનો રાજા બન્યો. તેણે પોતાના રાજ્યમાં નવા ધર્મની શરૂઆત કરી. યહોવાહના ખરા ભક્તોએ શું કર્યું? હજારો ભક્તો યહોવાહને વળગી રહ્યા. યહોવાહે પણ તેઓનો સાથ ન છોડ્યો.—૧ રાજા. ૧૨:૧-૩૩; ૨ કાળ. ૧૧:૧૩, ૧૪.

આજના વિષે શું? બાઇબલ કહે છે: “સાવચેત થાઓ, જાગતા રહો; કેમકે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.” શું આપણે ‘વિશ્વાસમાં દૃઢ રહીને તેની સામા થઈશું’? (૧ પીત. ૫:૮, ૯) યરોબઆમના રાજમાં જે બન્યું એમાંથી આપણને શું શીખવા મળે છે? એક કે સતાવણીમાં પણ યહોવાહે પોતાના ભક્તોને છોડી દીધા નહિ. બીજું કે બેવફા ભક્તોના દબાણ છતાં, યહોવાહે ખરા ભક્તોને વફાદાર રહેવા હિંમત આપી. ત્રીજું કે યહોવાહે પોતાના ભક્તોને સોંપેલું અઘરું કામ પૂરું કરવા પણ સાથ આપ્યો. આ બતાવે છે કે યહોવાહે પોતાના ખરા ભક્તોને સાથ આપ્યો હતો અને આપતા રહેશે.—ગીત. ૩૭:૨૮.

યહોવાહ આપણને સતાવણીમાં તજી નહિ દે

૩. દાઊદ કેવા રાજા હતા? શા માટે?

યરોબઆમ જુલમી રાજા હતો. નીતિવચન ૨૯:૨કહે છે: “દુષ્ટ માણસ અધિકાર ધારણ કરે છે ત્યારે લોક નિસાસા નાખે છે.” ઈસ્રાએલના રાજા દાઊદે ભૂલો કરી, પણ તે જુલમી ન હતા. તે યહોવાહને વળગી રહ્યા. એ કારણથી યહોવાહે તેમની સાથે કરાર કર્યો હતો કે ‘તારૂં કુટુંબ તથા તારૂં રાજ્ય સદા રહેશે; તારૂં રાજ્યાસન સદાને માટે કાયમ થશે.’—૨ શમૂ. ૭:૧૬.

૪. યહોવાહની કૃપા પામવા લોકોએ શું કરવાનું હતું?

દાઊદ પછી તેમનો દીકરો સુલેમાન રાજા બન્યો. તેના રાજમાં શાંતિ હતી, બધા સુખી હતા. પૃથ્વી પર ઈસુનું હજાર વર્ષનું રાજ પણ એવું જ હશે. (ગીત. ૭૨:૧, ૧૭) સુલેમાનના રાજમાં ઈસ્રાએલનાં બારેય કુળોને કોઈ ફરિયાદ ન હતી. યહોવાહની કૃપા પામવા સુલેમાન અને પ્રજાએ શું કરવાનું હતું? યહોવાહે કહ્યું: “જો તું મારા વિધિઓ પ્રમાણે ચાલશે, મારા હુકમો અમલમાં લાવશે, ને મારી સર્વ આજ્ઞા પાળીને તેમાં ચાલશે; તો તારા બાપ દાઊદને મેં જે વચન આપ્યું છે, તે હું તારે માટે કાયમ કરીશ. અને હું ઈસ્રાએલપુત્રો મધ્યે રહીશ, ને મારા લોક ઈસ્રાએલને તજી દઈશ નહિ.”—૧ રાજા. ૬:૧૧-૧૩.

૫, ૬. સુલેમાન બેવફા બન્યો ત્યારે શું થયું?

દુઃખની વાત છે કે સુલેમાન ઘડપણમાં યહો-વાહને બેવફા બન્યો. તે મૂર્તિપૂજા કરવા લાગ્યો. (૧ રાજા. ૧૧:૪-૬) પછી તે એટલો જુલમી બન્યો કે પ્રજા ફરિયાદ કરવા લાગી. તેના મરણ પછી પણ તેના દીકરા રહાબઆમને ફરિયાદ કરી. (૧ રાજા. ૧૨:૪) સુલેમાન બેવફા બન્યો ત્યારે યહોવાહને કેવું લાગ્યું?

બાઇબલ જણાવે છે: ‘યહોવાહ સુલેમાન પર ગુસ્સે થયા. તેમણે તેને બે વાર દર્શન દીધું હતું તોપણ, તેમની તરફથી તેનું મન ભટકી ગયું. માટે યહોવાહે સુલેમાનને કહ્યું, કે “મારો કરાર તથા મારા વિધિઓ જે મેં તને ફરમાવ્યા હતા તે તેં પાળ્યા નથી, માટે જરૂર હું તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈને તારા ચાકરને તે આપીશ.”’—૧ રાજા. ૧૧:૯-૧૧.

૭. સુલેમાનની બેવફાઈ છતાં યહોવાહે શું કર્યું?

પછી યહોવાહે પોતાના પ્રબોધક અહીયાહને નવો રાજા પસંદ કરવા મોકલ્યો. એ નવો રાજા સુલેમાનના રાજ-દરબારમાં સેવા આપતો યરોબઆમ હતો. પણ યહોવાહે દાઊદ સાથે જે કરાર કર્યો હતો તે ભૂલ્યા ન હતા. એટલે તેમણે બાર કુળમાંથી બે કુળ દાઊદના પૌત્ર રહાબઆમને આપ્યાં. બાકીનાં દસ કુળ યરોબઆમને આપ્યાં. (૧ રાજા. ૧૧:૨૯-૩૭; ૧૨:૧૬, ૧૭, ૨૧) યહોવાહે યરોબઆમને કહ્યું: ‘જેમ મારા સેવક દાઊદે કર્યું તેમ જે સર્વ આજ્ઞાઓ હું તને આપીશ તે પર જો તું કાન દેશે, ને મારા માર્ગોમાં ચાલશે, ને મારી નજરમાં જે સારૂં છે તે કરીને મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળશે, તો એમ થશે કે હું તારી સાથે રહીશ. મેં દાઊદને માટે બાંધ્યું તેમ તારે માટે કાયમ ટકે એવું ઘર બાંધીશ, ને ઈસ્રાએલને તારે સ્વાધીન કરીશ.’ (૧ રાજા. ૧૧:૩૮) યહોવાહે જુલમમાં પણ પોતાના ભક્તોને તજી દીધા નહિ.

૮. આજે યહોવાહના ભક્તોને શું સહેવું પડે છે?

આજેય પણ યહોવાહના ભક્તો એવી દુનિયામાં જીવે છે, જ્યાં ખૂણે ખૂણે જુલમ રાજ કરે છે. સભાશિક્ષક ૮:૯કહે છે: એક “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” મોટા મોટા લોકો અને ગુરુઓને પગલે ચાલવાથી લોકોનું કંઈ ભલું થયું નથી. તેમ જ ભ્રષ્ટ સરકારો ને લોભિયા વેપારીઓ દરેકનું જીવન કઠણ બનાવે છે. ખાસ કરીને યહોવાહના ભક્તો અમુક સરકારોના જુલમનો શિકાર બને છે. (૨ તીમો. ૩:૧-૫, ૧૨) લોતની જેમ જ આપણે ‘અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામીએ છીએ.’—૨ પીત. ૨:૭.

૯. (ક) યહોવાહે આપણને જુલમમાંથી છોડાવવા શું કર્યું છે? (ખ) ઈસુ બેવફા નહિ બને એનો શું પુરાવો છે?

તોપણ ગભરાશો નહિ, યહોવાહ આપણને કદીયે તજી નહિ દે. જલદી જ તે આપણને જુલમી માણસોના હાથમાંથી છોડાવશે. ત્યારે યહોવાહના ભક્તોને મનની શાંતિ મળશે. એ માટે યહોવાહે ઈસુના હાથમાં પોતાનું રાજ સોંપ્યું છે. તે નેવું કરતાં વધારે વર્ષોથી સ્વર્ગમાં રાજ કરી રહ્યા છે. (પ્રકટીકરણ ૧૧:૧૫-૧૮ વાંચો.) ઈસુ સુલેમાન જેવા બેવફા નહિ બને. તેમણે પૃથ્વી પર છેલ્લા શ્વાસ સુધી યહોવાહનું માનીને એનો પુરાવો આપ્યો છે.—હેબ્રી ૭:૨૬; ૧ પીત. ૨:૬.

૧૦. (ક) યહોવાહના રાજ્યમાં રહેવા આપણે શું કરવું જોઈએ? (ખ) આપણી શ્રદ્ધાની કસોટી થાય ત્યારે શું ન ભૂલીએ?

૧૦ યહોવાહના રાજ્યમાં રહેવા આપણે શું કરવું જોઈએ? આપણે દુનિયાના રંગે ન રંગાઈએ, પણ ઈશ્વરના ભક્તોને શોભે એવાં કામ કરીએ. યહોવાહના રાજ્ય પર જ ભરોસો મૂકીએ. મનમાં ગાંઠ વાળીએ કે યહોવાહ સિવાય બીજા કોઈને નહિ ભજીએ. (તીત. ૨:૧૨-૧૪; ૨ પીત. ૩:૧૪) શ્રદ્ધાની કોઈ પણ કસોટીમાં યહોવાહ આપણને છોડશે નહિ. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦ વાંચો.) બાઇબલ કહે છે, “યહોવાહની દૃષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે.” (ગીત. ૧૧૬:૧૫) તેથી યહોવાહ પોતાના ભક્તોના સંગઠનનો નાશ થવા નહિ દે.

વિરોધીઓ સામે યહોવાહ હિંમત આપે છે

૧૧. યરોબઆમ કઈ રીતે બેવફા બન્યો?

૧૧ યરોબઆમ યહોવાહને બેવફા બન્યો. યહોવાહે જે માન-મોભ્ભો આપ્યો, એનાથી તેને સંતોષ ન હતો. ‘યરોબઆમે ધાર્યું કે જો આ લોક યરૂશાલેમમાં યહોવાહના ઘરમાં યજ્ઞ કરવા સારૂ જશે, તો તેઓનું મન યહુદાહના રાજા રહાબઆમ તરફ પાછું ફરી જશે; તેઓ મને મારી નાખીને રહાબઆમ પાસે પાછા જતા રહેશે.’ એટલે યરોબઆમે સોનાનાં બે વાછરડાં ઘડાવ્યાં. ‘એકને તેણે બેથેલમાં ઊભો કર્યો, ને બીજાને તેણે દાનમાં મૂક્યો. આ વાત પાપરૂપ થઈ પડી. લોકો એકની પૂજા કરવા સારૂ છેક દાન લગી જતા હતા. વળી તેણે ઉચ્ચસ્થાનોનાં ઘર બંધાવ્યાં, ને લેવીપુત્રોના ન હતા એવા સર્વ લોકમાંથી તેણે યાજક ઠરાવ્યા.’ યરોબઆમે પોતાની રીતે ‘ઈસ્રાએલપુત્રોને સારૂ પર્વ ઠરાવ્યું, ને ધૂપ બાળવા સારૂ તે વેદી પાસે ગયો.’—૧ રાજા. ૧૨:૨૬-૩૩.

૧૨. યરોબઆમે મૂર્તિપૂજા શરૂ કરી ત્યારે યહોવાહના ખરા ભક્તોએ શું કર્યું?

૧૨ ઉત્તરના રાજ્યમાં રહેતા યહોવાહના ખરા ભક્તોએ શું કર્યું? ત્યાંના લેવીઓએ પોતાના બાપ-દાદાની જેમ, તરત જ પગલાં લીધાં. (નિર્ગ. ૩૨:૨૬-૨૮; ગણ. ૩૫:૬-૮; પુન. ૩૩:૮, ૯) યહોવાહને વળગી રહેવા ઘરબાર, જમીન, બધુંય મૂકીને દક્ષિણ રાજ્યમાં ગયા. (૨ કાળ. ૧૧:૧૩, ૧૪) તોપણ ઘણા લોકો ત્યાં મૂર્તિપૂજા કરતા રહ્યા. દયાળુ યહોવાહે માર્ગ ખુલ્લો રાખ્યો, જેથી તેઓ તેમની પાસે પાછા ફરે. (૨ કાળ. ૧૫:૯-૧૫) વળી, અમુક ઈસ્રાએલીઓ થોડા વખતથી દક્ષિણ રાજ્યમાં રહેતા હતા. યહોવાહની ભક્તિ કરતા રહેવા તેઓ ત્યાં જ રહ્યા, ઉત્તર રાજ્યમાં પાછા ન ગયા.—૨ કાળ. ૧૦:૧૭.

૧૩. આજે કઈ કઈ રીતે સાચા ભક્તોની કસોટી થાય છે?

૧૩ આજેય અમુક નેતાઓ પોતાને મન ફાવે એવો ધર્મ પ્રજા પર ઠોકી બેસાડે છે. અમુક એવા છે જેઓ યહોવાહને બેવફા બનીને બધી રીતે તેમની ભક્તિનો વિરોધ કરે છે. યહોવાહના ભક્તો પર દબાણ લાવે છે. એમાં વળી પાદરીઓ દાવો કરે છે કે ઈશ્વરે તેઓને સ્વર્ગમાં જવા પસંદ કર્યા છે. જ્યારે કે ‘પસંદ કરેલો રાજમાન્ય યાજકવર્ગ’ તો યહોવાહના ભક્તોમાં જ જોવા મળે છે.—૧ પીત. ૨:૯; પ્રકટી. ૧૪:૧-૫.

૧૪. બેવફા ભક્તોની સરખામણીમાં ખરા ભક્તો શું કરે છે?

૧૪ ઈ.સ. પૂર્વે દસમી સદીમાં યહોવાહના ખરા ભક્તો બેવફા ભક્તો સાથે જોડાયા નહિ. આજે પણ યહોવાહના ખરા ભક્તો એમ જ કરે છે. (રૂમી ૧૬:૧૭ વાંચો.) જ્યારે કે ઘણા લોકો ઈશ્વરના માર્ગે ચાલવાનો દાવો કરે છે. પણ તેઓનાં કામ કંઈ બીજું જ બતાવે છે. આપણે તેઓ જેવા ન બનીએ. (તીત. ૧:૧૬) પણ આપણે દેશના નિયમો પાળીએ. રાજકારણમાં માથું ન મારીએ. આપણી વફાદારી ફક્ત યહોવાહની સરકારને જ જાય છે.—યોહા. ૧૮:૩૬; રૂમી ૧૩:૧-૮.

૧૫. આપણે કેમ ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને’ છોડવા ન જોઈએ?

૧૫ હજુયે દુષ્ટ જગતમાંથી જે કોઈ સત્ય જાણવા ચાહે, તેઓ માટે યહોવાહે માર્ગ ખુલ્લો રાખ્યો છે. (૨ કોરીં. ૧૨:૧-૪) કઈ રીતે? ઈસુએ ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને પોતાના ઘરના કારભારી ઠરાવ્યા છે.’ તેઓ “વખતસર” સત્ય જણાવે છે. એટલે ઈસુએ તેઓને ‘પોતાની બધી સંપત્તિના કારભારી ઠરાવ્યા’ છે. (માથ. ૨૪:૪૫-૪૭) તેઓના શિક્ષણમાંથી જો કંઈ ન સમજાય તો શું કરવું જોઈએ? આપણે યહોવાહને વળગી રહીએ. એ ‘ચાકરને’ છોડી ન દઈએ, પણ વધારે સમજણની રાહ જોઈએ.

સોંપેલું કામ પૂરું કરવા યહોવાહ સાથ આપશે

૧૬. યહોવાહે એક પ્રબોધકને કયું કામ સોંપ્યું?

૧૬ યરોબઆમ યહોવાહને બેવફા બન્યો ત્યારે, તેમણે ચલાવી ન લીધું. તેમણે યહુદાહથી એક પ્રબોધકને બેથેલ મોકલ્યો. તેણે યરોબઆમને ન્યાયચુકાદો આપવાનો હતો. એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું.—૧ રાજા. ૧૩:૧-૩.

૧૭. યહોવાહે કઈ રીતે પ્રબોધકનું રક્ષણ કર્યું?

૧૭ અર્પણ ચડાવી રહેલા યરોબઆમને પ્રબોધક મળે છે. તેનું સાંભળીને યરોબઆમ રાતો-પીળો થઈ ગયો. તેણે પ્રબોધક તરફ હાથ લંબાવીને બૂમ પાડી: “એને પકડો.” કોઈ કંઈ કરે એ પહેલાં, ‘તેણે જે હાથ લાંબો કર્યો હતો તે સુકાઈ ગયો, ને તે પાછો ખેંચી શક્યો નહિ. વેદી પણ ફાટી ગઈ, ને વેદી પરથી રાખ વેરાઈ ગઈ.’ યરોબઆમે એ પ્રબોધકને જ વિનંતી કરવી પડી કે યહોવાહને મનાવે. પ્રબોધકે પ્રાર્થના કરી ત્યારે યરોબઆમનો હાથ સારો થયો. એ બધામાં યહોવાહે પ્રબોધકનું રક્ષણ કર્યું.—૧ રાજા. ૧૩:૪-૬.

૧૮. આપણે ડર્યા વગર પ્રચાર કરીશું તો યહોવાહ શું કરશે?

૧૮ એ પ્રબોધકની જેમ, આપણે પણ ડર્યા વગર “ન્યાયીપણાથી” અને પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરીએ. * (લુક ૧:૭૪, ૭૫) માનો કે પ્રચાર કરીએ ત્યારે, કોઈ લોકો બહુ ગુસ્સે થાય કે વિરોધ કરે. (માથ ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) એવા સંજોગમાં આપણે ડરીને પ્રચાર બંધ કરી ન દઈએ. એવું પણ માની ન લઈએ કે યહોવાહ ચમત્કાર કરીને આપણને બચાવશે. પણ ખાતરી રાખીએ કે તે આપણને શક્તિ આપશે અને સ્વર્ગદૂતો દ્વારા મદદ કરશે. (યોહાન ૧૪:૧૫-૧૭; પ્રકટીકરણ ૧૪:૬ વાંચો.) જો ડર્યા વગર પ્રચાર કરતા રહીશું તો યહોવાહ કદી આપણને તજી દેશે નહિ.—ફિલિ. ૧:૧૪, ૨૮.

યહોવાહ આપણું રક્ષણ કરે છે

૧૯, ૨૦. (ક) યહોવાહ કઈ ગૅરંટી આપે છે? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૯ “યહોવાહ પોતાના લોકને તજશે નહિ, તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.” (ગીત. ૯૪:૧૪) તે ‘પોતાના ભક્તોના માર્ગનું રક્ષણ કરવાની’ ગૅરંટી આપે છે. (નીતિ. ૨:૮) કઈ કઈ રીતે? સતાવણીમાં યહોવાહ આપણને છોડી દેતા નથી. બેવફા ભક્તોના દબાણ છતાં, તે આપણને વફાદાર રહેવા હિંમત આપે છે. તેમણે સોંપેલું અઘરું કામ પૂરું કરવા પણ સાથ આપે છે. તેમણે ખરા ભક્તોને સાથ આપ્યો છે અને આપતા રહેશે.

૨૦ હવે પછીના લેખમાં આપણે આ સવાલો પર વિચાર કરીશું: યહોવાહ સાથેનો નાતો પાકો કરવા શું કરવું જોઈએ? કસોટી કે લાલચમાં યહોવાહને વળગી રહેવા શું કરવું જોઈએ? (w 08 8/15)

[Footnotes]

^ હવે પછીના લેખમાં જોઈશું કે એ પ્રબોધક યહોવાહને વફાદાર રહ્યો કે નહિ.

આપણે શું શીખ્યા?

• વફાદાર ભક્તો પર સતાવણી આવી ત્યારે યહોવાહે શું કર્યું?

• બેવફા ભક્તોની સરખામણીમાં ખરા ભક્તો શું કરે છે?

• પ્રચારમાં યહોવાહ કઈ રીતે મદદ કરે છે?

[Study Questions]

[Picture on page 11]

યરોબઆમ બેવફા બન્યો ત્યારે યહોવાહે વફાદાર ભક્તોને તજી ન દીધા

દાન

ઉત્તરનું રાજ્ય

(યરોબઆમ)

શખેમ

બેથેલ

યરૂશાલેમ

દક્ષિણનું રાજ્ય

(રહાબઆમ)