આવતી કાલે શું થશે એ કોણ જણાવી શકે?
આવતી કાલે શું થશે એ કોણ જણાવી શકે?
“હું દેવ છું. . .આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું.”—યશાયાહ ૪૬:૯, ૧૦.
આજે લોકોનું જીવન અઘરું બની રહ્યું છે, તેથી બધાને ચિંતા છે કે ભવિષ્યમાં શું થશે. અમુકનું માનવું છે કે ઇતિહાસના બનાવો પર નજર નાખીશું તો ભવિષ્યનો અંદાજ લગાવી શકીશું. અમુક લોકો જ્યોતિષીઓ પાસે દોડી જાય છે. જોકે તેઓનું કહેલું ભાગ્યે જ સાચું પડે છે. એટલે સવાલ થાય કે કોઈ એવું છે જે આવતી કાલે જ નહિ, પણ હજાર વર્ષો પછી પણ દુનિયામાં શું થશે એ જણાવી શકે?
હા, ફક્ત ઈશ્વર યહોવાહ જ એ જણાવી શકે છે. એની સાબિતી આપણને બાઇબલમાં મળે છે. એમાં લખ્યું છે કે ઈશ્વર પહેલેથી જ કોઈ પણ બાબતનું પરિણામ જણાવી શકે છે. પુરાવા માટે ચાલો આજથી લગભગ ૨,૫૦૦ વર્ષ પહેલાંની વાત કરીએ. એ વખતે બાબેલોન અને ઈરાન વચ્ચે યુદ્ધ થયું હતું. એમાં બાબેલોન હારી ગયું હતું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ યુદ્ધ થયું એના બસો વર્ષ પહેલાં એક પ્રબોધક દ્વારા ઈશ્વરે જણાવ્યું હતું કે ઈરાનનો રાજા કોરેશ આ યુદ્ધ જીતશે. એ પણ જણાવ્યું હતું કે તે યુદ્ધ જીતવા કેવી યોજના બનાવશે. એ બધી માહિતી ઈશ્વરે પહેલેથી લખાવી હતી.—યશાયાહ ૪૪:૨૪–૪૫:૭.
ભાવિમાં શું થશે એ ફક્ત ઈશ્વર જ કેમ જણાવી શકે? કેમ કે તે આપણા સર્જનહાર છે. તે આખા વિશ્વના માલિક છે. તે સર્વશક્તિમાન છે. તેમની સરખામણીમાં તો આપણે કંઈ જ નથી. એટલે જ ઈશ્વરે બાઇબલમાં જણાવ્યું છે કે આપણે ‘આવતી કાલ વિષે ફુલાશ ન મારીએ, કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે આપણે જાણતા નથી.’ (નીતિવચનો ૨૭:૧) પણ ઈશ્વર જ્યારે કોઈ માણસ દ્વારા ભવિષ્યવાણી કરે છે ત્યારે એ પૂરી થાય છે. તેમણે બાઇબલમાં જણાવ્યું છે કે ‘મારા સેવકોનાં ભવિષ્યકથનોને હું સાચા ઠરાવું છું, અને મારા સંદેશવાહકોએ ભાખેલી ભાવિ યોજનાઓ પાર પાડું છું.’—યશાયા ૪૪:૨૬, કોમન લેંગ્વેજ.
એ પુરાવા માટે ચાલો એક જૂના જમાનાના પ્રબોધકની વાત કરીએ. તેમનું નામ યશાયાહ છે. તે ઈસુ ખ્રિસ્તના જન્મથી લગભગ સાતસો વર્ષ પહેલાં થઈ ગયા. ઈસુ ખ્રિસ્તના જીવનમાં શું થશે એના વિષે તેમણે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. એમાંની દરેક ભવિષ્યવાણી સાચી પડી હતી. એ માહિતી એટલી સચોટ હતી કે અઢારમી સદીમાં ઘણાએ દાવો કર્યો કે યશાયાહે એ લખાણ ઈસુના મરણ પછી લખ્યું હતું. પણ ૧૯૪૭માં અમુક આર્કિઑલજિસ્ટને મૃત સરોવર પાસેની ગુફામાંથી અમુક વીંટા મળી આવ્યા. એ વીંટા યશાયાહના લખાણની હુબહુ નકલ હતી. આર્કિઑલજિસ્ટે એ વીંટાઓ પર અભ્યાસ કર્યો. એનાથી તેમને જાણવા
મળ્યું કે એ વીંટા ઈસુના જન્મથી લગભગ સો વર્ષ પહેલાં લખાયા હતા. એ સાબિતી આપે છે કે ઈસુના જીવનમાં શું થશે એની ભવિષ્યવાણી યશાયાહ દ્વારા ઈશ્વરે અગાઉથી કરી હતી.યશાયાહ અને બીજા પ્રબોધકની ભવિષ્યવાણીઓ બાઇબલમાં જોવા મળે છે. તેઓ ‘ઈશ્વરની પ્રેરણાથી ભવિષ્યવચન બોલ્યાં છે.’ (૨ પીતર ૧:૨૧) તો ચાલો પ્રબોધક યશાયાહે, ઈસુ વિષે શું ભાખ્યું હતું એ વિષે બીજા લેખમાં જોઈએ. (w08 10/1)