સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં ઈસુ અજોડ છે

યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં ઈસુ અજોડ છે

યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં ઈસુ અજોડ છે

‘માર્ગ તથા સત્ય તથા જીવન હું છું; મારા વિના બાપની પાસે કોઈ આવતું નથી.’—યોહા. ૧૪:૬.

૧, ૨. આપણે કેમ ઈસુ વિષે જાણવું જોઈએ?

 સદીઓથી ઘણાએ પ્રયત્નો કર્યા છે કે પોતે કંઈક બને. અમુક સફળ થયા છે. પણ અજોડ તો ભાગ્યે જ કોઈક હશે. જ્યારે કે ઈસુ ઘણી રીતે અજોડ છે.

ઈસુએ પોતાના વિષે કહ્યું: ‘માર્ગ તથા સત્ય તથા જીવન હું છું; મારા વિના બાપની પાસે કોઈ આવતું નથી.’ (યોહા. ૧૪:૬; ૧૭:૩) એ બતાવે છે કે ઈસુ અજોડ છે. તેમના દ્વારા જ આપણે યહોવાહની ભક્તિ કરી શકીએ. તેમની સાથે નાતો બાંધી શકીએ. ઈસુ કઈ રીતે અજોડ છે? યહોવાહની ઇચ્છા પૂરી કરવા તેમણે શું કર્યું? ચાલો જોઈએ.

“એકાકીજનિત દીકરો”

૩, ૪. (ક) ઈસુ કયા અર્થમાં એકના એક દીકરા છે? (ખ) સૃષ્ટિનું સર્જન કરવામાં ઈસુએ કયો અજોડ ભાગ ભજવ્યો?

ઈસુની કસોટી કરતી વખતે, શેતાને તેમને ‘ઈશ્વરના દીકરા’ કહ્યા. (માથ. ૪:૩,) જોકે ઈસુ ફક્ત ‘ઈશ્વરના દીકરા’ નહિ, પણ “એકાકીજનિત” છે. (યોહા. ૩:૧૬, ૧૮) “એકાકીજનિત” માટે વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય, ‘એવા એક જ, કુટુંબના ફક્ત એક જ’ અથવા ‘અજોડ.’ યહોવાહના કરોડો ને કરોડો સ્વર્ગદૂતો પણ તેમના દીકરાઓ છે. તો પછી ઈસુ કયા અર્થમાં ‘કુટુંબના ફક્ત એક જ કે અજોડ’ છે?

બાઇબલ કહે છે કે ઈસુ “સર્વ સૃષ્ટિનો પ્રથમજનિત” છે. (કોલો. ૧:૧૫) એ ઈસુને “સૃષ્ટિનું આદિકરણ” કે શરૂઆત પણ કહે છે. (પ્રકટી. ૩:૧૪) એટલે કે યહોવાહે પોતે ઈસુને ઉત્પન્‍ન કર્યા. પછી યહોવાહ અને ઈસુએ સાથે મળીને આખી સૃષ્ટિનું સર્જન કર્યું. આ રીતે ઈસુ અજોડ હતા. (યોહાન ૧:૩ વાંચો.) ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: ‘આપણો તો એક જ ઈશ્વર એટલે બાપ છે, જેનાથી સર્વ છે, અને આપણે તેને અર્થે જીવીએ છીએ; અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેને આશરે છીએ.’—૧ કોરીં. ૮:૬.

૫. આપણે શાની ચર્ચા કરીશું?

ઈસુ બીજી અનેક રીતે અજોડ છે. બાઇબલમાં તેમને બીજાં અનેક નામ આપવામાં આવ્યાં છે. એ નામો બતાવે છે કે યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં તે કઈ રીતે અજોડ છે. ચાલો આપણે ગ્રીક શાસ્ત્રવચનોમાંથી એવાં પાંચ નામની ચર્ચા કરીએ.

“શબ્દ”

૬. ઈસુને કેમ “શબ્દ” કહેવામાં આવે છે?

યોહાન ૧:૧૪ વાંચો. ઈસુને કેમ “શબ્દ” કહેવામાં આવે છે? એ બતાવે છે કે ઈસુ યહોવાહનો સંદેશો આપનાર છે. બીજા સ્વર્ગદૂતોનું સર્જન થયા પછી, તેઓને શિક્ષણ આપવાનું કામ યહોવાહે ઈસુને સોંપ્યું. યહોવાહે પોતાના ભક્તોને શિક્ષણ આપવાનું કામ પણ ઈસુને સોંપ્યું. ઈસુએ કહ્યું: ‘મારો બોધ તો મારો પોતાનો નથી, જેણે મને મોકલ્યો તેનો છે. જો કોઈ તેની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે, કે એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.’ (યોહા. ૭:૧૬, ૧૭) સ્વર્ગમાં પાછા ગયા પછી પણ, ઈસુ ‘શબ્દ’ તરીકે ઓળખાય છે.—પ્રકટી. ૧૯:૧૧, ૧૩, ૧૬.

૭. ઈસુ જેવા બનવા આપણે શું કરવું જોઈએ?

યહોવાહના બધા સ્વર્ગદૂતો અને ઇન્સાન કરતાં ઈસુ બુદ્ધિશાળી છે. તોય તે પોતાની જ અક્કલ પર આધાર રાખતા નથી. યહોવાહના કહેવા પ્રમાણે જ સંદેશો આપે છે. તે પોતાની તરફ નહિ, પણ યહોવાહ તરફ જ ધ્યાન દોરે છે. (યોહા. ૧૨:૫૦) આપણને પણ યહોવાહના રાજ્યની “સુવાર્તા” કે ખુશખબર જણાવવાનું કામ સોંપાયું છે. (રૂમી ૧૦:૧૫) એમ કરવા આપણે મન ફાવે એમ લોકોને ન શીખવીએ. પણ ઈસુના પગલે ચાલીએ. બાઇબલમાં ‘જે લખેલું છે તેની હદ ઓળંગીએ નહિ.’—૧ કોરીં. ૪:૬.

“આમેન”

૮, ૯. (ક) ‘આમેનનો’ શું અર્થ થાય? ઈસુને કેમ “આમેન” કહેવામાં આવે છે? (ખ) ઈસુએ કઈ રીતે પુરાવો આપ્યો કે પોતે “આમેન” છે?

પ્રકટીકરણ ૩:૧૪ વાંચો. “આમેન” હિબ્રૂ શબ્દ છે. એનો અર્થ થાય તથાસ્તુ, ‘એમ જ થાઓ.’ મૂળ હિબ્રૂ શબ્દનો અર્થ થાય, ‘વિશ્વાસુ’ અથવા ‘ભરોસાપાત્ર’ બનવું. યહોવાહ “વિશ્વાસુ” છે, એમ કહેવા માટે એ જ હિબ્રૂ શબ્દ વપરાયો છે. (પુન. ૭:૯; યશા. ૪૯:૭) ઈસુને કેમ “આમેન” કહેવામાં આવે છે? બીજો કરિંથી ૧:૧૯, ૨૦ (IBSI) એનો જવાબ આપે છે: ઈસુ ખ્રિસ્તે “કદી ‘નાʼનું ‘હા’ કહ્યું નથી અને ‘હાʼનું ‘ના’ કહ્યું નથી. તે જે કહે છે તે જ પ્રમાણે કરે છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનાં તમામ વચનોને પ્રગટ કરી પૂર્ણ કરે છે, અને એ દ્વારા આપણે પણ ઈસુ ખ્રિસ્તમાં આમેન કહીને ઈશ્વરના નામને ગૌરવ આપીએ છીએ.”

યહોવાહનાં દરેક વચન માટે ઈસુ “આમેન” છે. ઈસુએ એ પોતાના જીવનથી પુરવાર કર્યું. અરે, પોતાની કુરબાની આપીને પણ તે યહોવાહને વળગી રહ્યા. અયૂબના જમાનામાં, શેતાને બધા ભક્તો પર આરોપ મૂક્યો કે તેઓ કસોટીમાં યહોવાહને છોડી દેશે. પણ ઈસુએ શેતાનને તદ્દન જૂઠો સાબિત કર્યો. (અયૂ. ૧:૬-૧૨; ૨:૨-૭) મોટા દીકરા તરીકે ઈસુએ સૌથી સારો પુરાવો આપ્યો કે યહોવાહ જ વિશ્વના માલિક છે.

૧૦. ઈસુ “આમેન” હોવાથી તેમના પગલે ચાલવા શું કરવું જોઈએ?

૧૦ ઈસુ “આમેન” હોવાથી, તેમના પગલે ચાલવા શું કરવું જોઈએ? યહોવાહને આપણા માલિક માનીએ. તેમને જ વળગી રહીએ. નીતિવચન ૨૭:૧૧ પ્રમાણે, યહોવાહની ઇચ્છા પૂરી કરીએ: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.”

‘નવા કરારના મધ્યસ્થ’

૧૧, ૧૨. મધ્યસ્થ તરીકે ઈસુ કેમ અજોડ છે?

૧૧ પહેલો તીમોથી ૨:૫, ૬ વાંચો. “ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ” ઈસુ છે. યહોવાહનો નિયમ-કરાર ઈસ્રાએલીઓને આપવા મુસા વચ્ચે હતા, એવી જ રીતે ઈસુ ‘નવા કરારના મધ્યસ્થ’ છે.—ગલા. ૩:૧૯; હેબ્રી ૯:૧૫; ૧૨:૨૪.

૧૨ “મધ્યસ્થ” માટે વપરાયેલો શબ્દ મૂળ ભાષામાં કાયદાને લગતો હતો. યહોવાહે ‘તેમના ઈસ્રાએલ’ સાથે નવો કરાર કર્યો, એમાં ઈસુ વકીલ કે એજન્ટ બન્યા. (ગલા. ૬:૧૬) નવા કરારની પ્રજાના દરેકને યહોવાહે પસંદ કર્યા છે. તેઓ સ્વર્ગમાં “રાજમાન્ય યાજકવર્ગ” બનશે. (૧ પીત. ૨:૯; નિર્ગ. ૧૯:૬) મુસાના નિયમ-કરારની ગોઠવણ પ્રમાણે એમ બન્યું નહિ. એ રીતે પણ ઈસુ અજોડ છે.

૧૩. ઈસુ નવા કરારના મધ્યસ્થ હોવાથી, કોને લાભ થાય છે?

૧૩ ઈસુ નવા કરારના “મધ્યસ્થ” હોવાથી, કોને લાભ થાય છે? ઈસુના લોહીની કિંમતને આધારે, યહોવાહે જેઓ સાથે નવો કરાર કર્યો, તેઓને ન્યાયી ગણે છે. (રૂમી ૩:૨૪; હેબ્રી ૯:૧૫) તેઓ સ્વર્ગમાં રાજા અને યાજક બને છે. ઈસુ દ્વારા તેઓ યહોવાહની નજરમાં શુદ્ધ રહી શકે છે.—હેબ્રી ૨:૧૬.

૧૪. આપણે કેમ ઈસુની ખૂબ કદર કરીએ છીએ?

૧૪ જેઓ નવા કરારમાં નથી, તેઓ વિષે શું? તેઓને પણ નવા કરારથી ફાયદો થાય છે. કઈ રીતે? ઈસુ દ્વારા તેઓને પોતાનાં પાપોની માફી મળી શકે છે. એ રીતે યહોવાહ તેઓને શુદ્ધ ગણીને પોતાના મિત્રો બનાવે છે. (યાકૂ. ૨:૨૩; ૧ યોહા. ૨:૧, ૨) તેઓને સુંદર પૃથ્વી પર જીવવાની આશા પણ છે. એટલે આપણે નવા કરારના “મધ્યસ્થ” ઈસુની ઘણી કદર કરીએ છીએ.

“પ્રમુખ યાજક”

૧૫. પ્રમુખ યાજક તરીકે ઈસુ કઈ રીતે અજોડ છે?

૧૫ ઘણાએ પ્રમુખ યાજક તરીકે સેવા આપી છે. પણ ઈસુ પ્રમુખ યાજક તરીકે અજોડ છે. પાઊલે કહ્યું: ‘પ્રથમ પ્રમુખ યાજકોની જેમ પોતાનાં પાપોને માટે, અને પછી લોકોનાં પાપોને માટે બલિદાન આપવાની દરરોજ તેને અગત્ય રહેતી નથી; કેમકે તેણે પોતાનું અર્પણ કરીને એ કામ એક જ વખત કર્યું. કેમકે નિયમશાસ્ત્ર માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછીના સમનું વચન તો સદાકાળ સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે.’—હેબ્રી ૭:૨૭, ૨૮. *

૧૬. ઈસુની કુરબાની કઈ રીતે અજોડ છે?

૧૬ ઈસુની જેમ આદમને કોઈ ખોટ વિના ઉત્પન્‍ન કરવામાં આવ્યો હતો. (૧ કોરીં. ૧૫:૪૫) પણ પછી આદમે યહોવાહની આજ્ઞા તોડીને પાપ કર્યું. એટલે ઈસુ જ એવી કુરબાની આપી શકે, જે એક જ વાર આપવી પડે. મુસાના નિયમ પ્રમાણે, રોજ બલિદાનો અને અર્પણો ચડાવવાં પડતાં, જે યાજકો ચડાવતાં. પણ એ બધું તો ઈસુ જે કરવાના હતા, એની તરફ ચીંધતું હતું. (હેબ્રી ૮:૫; ૧૦:૧) ઈસુની કુરબાની કાયમી આશીર્વાદો લાવે છે. આમ, પ્રમુખ યાજક તરીકે પણ ઈસુ અજોડ છે.

૧૭. આપણે કેમ ઈસુની કદર કરવી જોઈએ? એ કઈ રીતે બતાવી શકીએ?

૧૭ યહોવાહ સાથે નાતો બાંધવા ઈસુ આપણને ખૂબ મદદ કરે છે. પાઊલે લખ્યું: ‘આપણી નિર્બળતા પર જેને દયા ન આવે એવા નહિ, પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામવા છતાં કોઈ પાપ કર્યું નહિ, એવા આપણા પ્રમુખ યાજક છે.’ (હેબ્રી ૪:૧૫) તેથી ચાલો આપણે ‘હવેથી પોતાને અર્થે નહિ, પણ જે આપણી માટે મરણ પામ્યા તેમને અર્થે જીવીએ.’—૨ કોરીં. ૫:૧૪, ૧૫; લુક ૯:૨૩.

વચનનું ‘સંતાન’

૧૮. આદમ બધું ગુમાવી બેઠો પછી, યહોવાહે કયું વચન આપ્યું? તેમણે સમય જતાં શું જણાવ્યું?

૧૮ આદમે યહોવાહની આજ્ઞા તોડીને પાપ કર્યું. યહોવાહની સાથેનો નાતો કપાઈ ગયો અને અમર જીવન ગુમાવી બેઠો. યહોવાહે ઇન્સાનને એ પાપના વારસામાંથી છોડાવનાર ‘સંતાનનું’ વચન આપ્યું. (ઉત. ૩:૧૫) એના વિષે બાઇબલમાં અનેક ભવિષ્યવાણીઓ લખાઈ. તે સંતાન ઈબ્રાહીમ, ઇસ્હાક, યાકૂબ અને દાઊદના કુટુંબમાંથી આવ્યું.—ઉત. ૨૧:૧૨; ૨૨:૧૬-૧૮; ૨૮:૧૪; ૨ શમૂ. ૭:૧૨-૧૬.

૧૯, ૨૦. (ક) યહોવાહે વચન આપેલું સંતાન કોણ છે? (ખ) બાઇબલ કઈ રીતે બતાવે છે કે બીજાઓ પણ એ સંતાનનો ભાગ છે?

૧૯ એ સંતાન કોણ છે? (ગલાતી ૩:૧૬ વાંચો.) સ્વર્ગમાં જનારાને પાઊલ એ જ અધ્યાયમાં જણાવે છે: “જો તમે ખ્રિસ્તનાં છો, તો તમો ઈબ્રાહીમનાં સંતાન, અને વચન પ્રમાણે વારસ પણ છો.” (ગલા. ૩:૨૯) એમ કઈ રીતે બની શકે કેમ કે ઈસુ એ સંતાન છે?

૨૦ લાખો લોકોનો દાવો છે કે તેઓ ઈબ્રાહીમના વંશમાંથી આવે છે. અમુક ધર્મો માને છે કે તેઓના પ્રબોધકો ઈબ્રાહીમના વંશમાંથી આવનાર સંતાન છે. શું એ ખરું છે? ના. પાઊલે ઈશ્વરની દોરવણીથી સમજાવ્યું કે ઈબ્રાહીમના વંશમાંથી આવનારા બધા જ કંઈ એ સંતાન ન હોય શકે. ઈબ્રાહીમના બીજા દીકરાઓ દ્વારા નહિ, પણ ફક્ત ઇસ્હાકથી જ એ સંતાન આવવાનું હતું. (હેબ્રી ૧૧:૧૮) ઈબ્રાહીમના વંશમાંથી આવનાર ઈસુ જ એ સંતાનનો મુખ્ય ભાગ છે. * તેમની વંશાવળી બાઇબલમાં લખાયેલી છે. ઈબ્રાહીમના સંતાનનો બીજો ભાગ બનનારા “ખ્રિસ્તનાં” હોવાને લીધે, એમાં જોડાય છે. સંતાન વિષેનું વચન પૂરું કરનાર ઈસુ ખરેખર અજોડ છે.

૨૧. ઈસુ પાસેથી આપણે શું શીખ્યા?

૨૧ યહોવાહની ઇચ્છા પૂરી કરવા ઈસુએ અજોડ ભાગ ભજવ્યો. ઈસુનું સર્જન થયું ત્યારથી, તેમણે યહોવાહના કહેવા પ્રમાણે જ કર્યું. યહોવાહનું નામ રોશન કર્યું, કદીયે પોતાની વાહ વાહ કરી નહિ. (યોહા. ૫:૪૧; ૮:૫૦) તે હંમેશાં નમ્ર રહ્યા. ચાલો આપણે પણ ઈસુની જેમ બધુંય ‘ઈશ્વરના મહિમાને માટે કરીએ.’—૧ કોરીં. ૧૦:૩૧. (w08 12/15)

[Footnotes]

^ બાઇબલના એક સ્કૉલર પ્રમાણે “એક જ વખત” ભાષાંતર થયેલો શબ્દ, મહત્ત્વનો વિચાર જણાવે છે. એ બતાવે છે કે ‘ખ્રિસ્તના મરણ જેવું એકેય નથી.’

^ પહેલી સદીમાં પણ યહુદીઓ ફક્ત એક જ મસીહ કે ખ્રિસ્તની રાહ જોતા હતા. ઈબ્રાહીમના વંશજ તરીકે તેઓ તેના દ્વારા મળનારા આશીર્વાદની રાહ જોતા હતા.—યોહા. ૧:૨૫; ૭:૪૧, ૪૨; ૮:૩૯-૪૧.

આપણે શું કહીશું?

• ઈસુનાં જુદાં જુદાં નામ વિષે આપણે શું શીખ્યા? (બૉક્સ જુઓ.)

• ઈસુના પગલે ચાલવા શું કરવું જોઈએ?

[Study Questions]

[Picture on page 19]

ઈસુનાં અજોડ નામ અને કામ

એકાકીજનિત દીકરો. (યોહા. ૧:૩) ખુદ યહોવાહે ઈસુને ઉત્પન્‍ન કર્યા.

શબ્દ. (યોહા. ૧:૧૪) ઈસુ યહોવાહનો સંદેશો સ્વર્ગ દૂતોને અને ઇન્સાનને આપે છે.

આમેન. (પ્રકટી. ૩:૧૪) ઈશ્વરનાં સર્વ વચનો ઈસુ પૂરાં કરે છે. તેમના જીવન અને કુરબાનીથી એ સાબિત થાય છે.

નવા કરારના મધ્યસ્થ. (૧ તીમો. ૨:૫, ૬) યહોવાહે ‘તેમના ઈસ્રાએલ’ સાથે નવો કરાર કર્યો, એમાં ઈસુ વકીલ કે એજન્ટ બન્યા. એ પ્રજાના દરેક જણ સ્વર્ગમાં “રાજમાન્ય યાજકવર્ગ” બનશે.—ગલા. ૬:૧૬; ૧ પીત. ૨:૯.

પ્રમુખ યાજક. (હેબ્રી ૭:૨૭, ૨૮) આદમના પાપના વારસામાંથી છોડાવી શકે, એવું બલિદાન ફક્ત ઈસુ જ આપી શક્યા. તેમણે એ એક જ વાર આપવાની જરૂર પડી.

વચનનું સંતાન. (ઉત. ૩:૧૫) યહોવાહે આપેલા વચનના સંતાનનો મુખ્ય ભાગ ઈસુ છે. ઈબ્રાહીમના સંતાનનો બીજો ભાગ બનનારા “ખ્રિસ્તનાં” હોવાને લીધે, એમાં જોડાય છે.—ગલા. ૩:૨૯.