સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યોહાન અને યહુદાના પત્રોના મુખ્ય વિચારો

યોહાન અને યહુદાના પત્રોના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

યોહાન અને યહુદાના પત્રોના મુખ્ય વિચારો

યોહાને લગભગ ૯૮ની સાલમાં એફેસસથી ત્રણ પત્રો લખ્યા હોય શકે. એ બાઇબલના છેક છેલ્લા ભાગમાં આવે છે. પહેલા બે પત્રોમાં યોહાને ભાઈ-બહેનોને કયું ઉત્તેજન આપ્યું? એ જ કે તેઓ સત્યના પ્રકાશમાં ચાલતા રહે. યહોવાહને બેવફા લોકોની ચાલમાં ફસાય નહિ. ત્રીજા પત્રમાં મંડળોને સંપથી સત્યના માર્ગમાં ચાલતા રહેવા ઉત્તેજન આપે છે.

યહુદા ઈસુના સાવકા ભાઈ હતા. તેમણે પેલેસ્તાઈનથી લગભગ ૬૫ની સાલમાં એક પત્ર લખ્યો. યહોવાહના અમુક વિરોધીઓ મંડળમાં છાનીછૂપી રીતે આવી ગયા હતા. એટલે યહુદાએ ભાઈ-બહેનોને સાવધ રહેવાનું કહ્યું. તેમણે એમ પણ જણાવ્યું કે બધી બૂરાઈથી કઈ રીતે દૂર રહેવું. યોહાનના ત્રણ પત્રો અને યહુદાનો પત્ર આપણને તકલીફોમાં પણ શ્રદ્ધા અડગ રાખવા મદદ કરશે.—હેબ્રી ૪:૧૨.

પ્રેમ અને શ્રદ્ધાથી સત્યના પ્રકાશમાં ચાલીએ

(૧ યોહાન ૧:૧–૫:૨૧)

યોહાનનો પહેલો પત્ર સર્વ મંડળો માટે હતો. એમાં તેમણે સલાહ આપી કે યહોવાહનો વિરોધ કરનારા લોકોથી દૂર રહો. સત્યમાં અડગ રહો. યહોવાહની નજરમાં જે સારું છે, એ કરતા રહો. તેમણે ઉત્તેજન આપ્યું કે એકબીજા પર પ્રેમ રાખો. શ્રદ્ધાથી સત્યના પ્રકાશમાં ચાલતા રહો.

યોહાને લખ્યું: “જેમ તે [ઈશ્વર] પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત [સંબંધ] છે.” યહોવાહમાંથી પ્રેમની ધારા વહે છે. એટલે યોહાને કહ્યું: “આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.” પછી તેમણે કહ્યું: ‘આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે.’ યહોવાહ, ઈસુ અને બાઇબલ પર “વિશ્વાસ” મૂકવાથી, આપણે દુનિયા પર જીત મેળવીએ છીએ.—૧ યોહા. ૧:૭; ૪:૭; ૫:૩, ૪.

સવાલ-જવાબ:

૨:૨; ૪:૧૦—ઈસુ કઈ રીતે “આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત છે”? ‘પ્રાયશ્ચિત્તનો’ અર્થ થાય ‘પસ્તાવો કરવો, માંગ પૂરી કરવી.’ આપણાં પાપોની માફી માટે ઈસુએ પોતાનું જીવન કુરબાન કરી દીધું. આમ ઈશ્વરના અદલ ઇન્સાફની માંગ પૂરી થઈ. ઈસુની કુરબાની દ્વારા યહોવાહ આપણને અપાર દયા બતાવે છે. એનો લાભ લેવા આપણે ઈસુમાં શ્રદ્ધા રાખવી જ જોઈએ.—યોહા. ૩:૧૬; રૂમી ૬:૨૩.

૨:૭, ૮—યોહાને કઈ ‘જૂની અને નવી આજ્ઞાની’ વાત કરી? યોહાને સ્વાર્થ વગરનો પ્રેમ બતાવવાની આજ્ઞાની વાત કરી. (યોહા. ૧૩:૩૪) એ કઈ રીતે “જૂની આજ્ઞા” હતી? યોહાને પહેલો પત્ર લખ્યો એના આશરે ૬૦ વર્ષ પહેલાં, ઈસુએ એ આજ્ઞા આપી હતી. ‘આરંભથી’ અથવા લોકો ખ્રિસ્તી બન્યા ત્યારથી તેઓને એ આજ્ઞા આપવામાં આવી હતી. તો પછી એ “નવી આજ્ઞા” કેમ કહેવાઈ? ઈસ્રાએલીઓને મળેલી આજ્ઞા પ્રમાણે, એ ફક્ત ‘પોતા પર તેમ જ પોતાના પડોશી પર પ્રીતિ’ રાખવાનું કહેતી ન હતી. પણ સ્વાર્થ વગરનો બેહદ પ્રેમ બતાવવાનું કહેતી હતી.—લેવી. ૧૯:૧૮; યોહા. ૧૫:૧૨, ૧૩.

૩:૨—સ્વર્ગમાં જનારાઓને શું “પ્રગટ થયું નથી”? તેઓ કોને ‘જેવા છે તેવા જોશે’? સ્વર્ગમાં જનારાઓને ખબર નથી કે તેઓ સજીવન થશે ત્યારે કેવા હશે. તેઓને એ “હજી સુધી પ્રગટ થયું નથી.” (ફિલિ. ૩:૨૦, ૨૧) પણ તેઓને ખબર છે કે તેઓ સ્વર્ગમાં યહોવાહને મળશે ત્યારે ‘તેમના જેવાં થશે; કેમકે જેવા તે છે તેવા તેમને જોઈ શકશે.’ યહોવાહ “આત્મા છે” એટલે કે અદૃશ્ય છે.—૨ કોરીં. ૩:૧૭, ૧૮.

૫:૫-૮—પાણી, લોહી અને આત્મા કે યહોવાહની શક્તિએ કઈ રીતે પુરાવો આપ્યો કે ‘ઈશ્વરના પુત્ર ઈસુ છે’? ઈસુના બાપ્તિસ્મા વખતે યહોવાહે તેમને પોતાના પુત્ર તરીકે ઓળખાવ્યા. પાણીએ જાણે કે એની સાક્ષી પૂરી. (માથ. ૩:૧૭) ‘સઘળાં માણસોના ઉદ્ધાર કરવા’ ઈસુએ પોતાનું લોહી વહેવડાવ્યું. એનાથી સાબિત થયું કે તે યહોવાહના પુત્ર છે. (૧ તીમો. ૨:૫, ૬) બાપ્તિસ્મા વખતે યહોવાહનો આશીર્વાદ ને શક્તિ ઈસુ પર આવ્યા. એનાથી પણ સાબિત થયું કે તે યહોવાહના પુત્ર છે. એ શક્તિથી જ ઈસુ ‘ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વેને સાજા કરતા.’—યોહા. ૧:૨૯-૩૪; પ્રે.કૃ. ૧૦:૩૮.

આપણે શું શીખી શકીએ?

૨:૯-૧૧; ૩:૧૫. મંડળમાં એકબીજા વચ્ચે ખરો પ્રેમ હોવો જોઈએ. જો ન હોય તો યહોવાહનો પ્રકાશ ગુમાવીશું અને જાણે અંધકારમાં ફાંફાં મારીશું.

“સત્યમાં ચાલતાં” રહીએ

(૨ યોહાન ૧-૧૩)

બીજા પત્રની શરૂઆતમાં યોહાને લખ્યું: ‘પસંદ કરેલી બાઈ અને તેનાં છોકરાંને લખનાર વડીલ.’ પછી તેમણે કહ્યું: “સત્યમાં ચાલતાં તારાં [તે સ્ત્રીનાં] કેટલાંએક બાળકને મેં જોયાં છે, તેથી મને ઘણો આનંદ થાય છે.”—૨ યોહા. ૧,.

એકબીજા પર વધારે પ્રેમ રાખવાનું ઉત્તેજન આપીને યોહાને કહ્યું: “આપણે તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તેજ પ્રેમ છે.” પછી “ભમાવનાર તથા ખ્રિસ્તવિરોધી” વિષે પણ યોહાને ચેતવણી આપી.—૨ યોહા. ૫-૭.

સવાલ-જવાબ:

, ૧૩—“પસંદ કરેલી બાઈ” કોણ હતી? અહીં વપરાયેલા ગ્રીક શબ્દ કીર્યાનો અર્થ “બાઈ” થાય છે. યોહાન કોઈ એક બહેનની વાત કરતા હોય શકે. અથવા તો વિરોધીઓને ખબર ન પડે, એ માટે કોઈ મંડળ વિષે એવું કહેતા હોય શકે. એ બાઈનાં છોકરાં મંડળના ભાઈ-બહેનો હોય શકે. “તારી પસંદ કરેલી બહેનનાં બાળકો” બીજાં મંડળોના ભાઈ-બહેનો હોય શકે.

—ઈસુના કયા ‘આવવા’ વિષે યોહાને વાત કરી? સત્યના વિરોધીઓ શું ‘કબૂલ કરતા ન હતા’? અહીં ઈસુના ‘આવવાનો’ એ અર્થ નથી કે તે સ્વર્ગમાંથી રાજ કરશે. પણ ઈસુ પૃથ્વી પર આવ્યા ને યહોવાહે તેમને ખ્રિસ્ત તરીકે પસંદ કર્યા, એ બતાવે છે. (૧ યોહા. ૪:૨) પણ સત્યના વિરોધીઓ એવું માનતા ન હતા. કદાચ તેઓ કબૂલ કરતા ન હતા કે ઈસુ પૃથ્વી પર આવ્યા. અથવા જો આવ્યા હોય, તો યહોવાહે તેમને ખ્રિસ્ત તરીકે પસંદ કર્યા એ માનવા તૈયાર ન હતા.

આપણે શું શીખી શકીએ?

, . “સત્ય” શું છે? એ બાઇબલનું શિક્ષણ છે. એમાંથી શીખીને, એ પ્રમાણે જીવીએ તો જ, આવનાર વિનાશમાંથી બચીશું.—૩ યોહા. ૩, ૪.

૮-૧૧. ‘ઈશ્વરથી અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તથી કૃપા, દયા તથા શાંતિ’ મળે છે. મંડળમાં ખરો પ્રેમ મળે છે. એ આશીર્વાદો ગુમાવીએ નહિ, માટે ‘સાવધ રહીએ.’ ‘ખ્રિસ્તના બોધને વળગી ન રહેનારાથી’ દૂર રહીએ. યહોવાહ સાથેનો નાતો પાક્કો રાખીએ.—૨ યોહા. ૩.

આપણે પણ ‘સત્ય ફેલાવીએ’

(૩ યોહાન ૧-૧૪)

યોહાને ત્રીજો પત્ર તેમના મિત્ર ગાયસને લખ્યો. તેમણે લખ્યું: “જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી.”—૩ યોહા. ૪.

મંડળની મુલાકાત લેનારા ભાઈઓને ગાયસ મદદ કરતા હતા. તેમને શાબાશી આપતા યોહાને કહ્યું, ‘તું વિશ્વાસથી કામ કરે છે.’ પછી યોહાને કહ્યું કે “આપણે સત્ય ફેલાવવામાં તેઓના સહકારીઓ થઈએ, માટે આપણે એવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ.”—૩ યોહા. ૫-૮.

સવાલ-જવાબ:

૧૧—અમુક લોકો શા માટે ખોટાં કામો કરે છે? તેઓને યહોવાહમાં પૂરી શ્રદ્ધા નથી. તેઓ માને છે કે જેમ પોતે યહોવાહને જોઈ શકતા નથી, એમ યહોવાહ પણ તેઓનાં ખોટાં કામો જોઈ શકતા નથી.—હઝકી. ૯:૯.

૧૪—“મિત્રો” કોણ હતા? એ મંડળના ભાઈ-બહેનો હતા. તેઓમાં ફક્ત હળવા-મળવા કરતાં વધારે પાકો સંબંધ હતો.

આપણે શું શીખી શકીએ?

. મંડળમાં નવા ભાઈ-બહેનો ‘સત્યમાં ચાલવા લાગે’ ત્યારે, અનુભવી ભક્તો ખૂબ ખુશ થાય છે. તેમ જ, જ્યારે બાળકો સત્યના માર્ગ પર ચાલવા લાગે છે, ત્યારે માબાપને પણ ઘણો આનંદ થાય છે!

૫-૮. યહોવાહ અને ભાઈ-બહેનો માટેના પ્રેમને લીધે સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસિયર, મિશનરીઓ, બેથેલમાં કામ કરનારા અને પાયોનિયરો દિલથી મહેનત કરે છે. તેઓને આપણે સાથ આપવો જોઈએ. તેઓના જેવી જ શ્રદ્ધા કેળવીએ.

૯-૧૨. આપણે દિયત્રેફેસ જેવા ન બનીએ, જેણે ભાઈ-બહેનોની ચુગલી અને નિંદા કરી. એના બદલે દેમેત્રિઅસ જેવા બનીએ.

‘ઈશ્વરની પ્રીતિમાં સ્થિર રહો’

(યહુદા ૧-૨૫)

મંડળમાં દુષ્ટ લોકો છાનીછૂપી રીતે આવી ગયા હતા. યહુદાએ કહ્યું: “તેઓ બડબડ કરનારા, અસંતોષી, અને પોતાની દુર્વાસના [ઇચ્છા] પ્રમાણે ચાલનારા છે. તેઓ મોઢે ગર્વિષ્ઠ વચનો બોલે છે; તેઓ પોતાના સ્વાર્થને સારૂ ખુશામત કરનારા છે.”—યહુ. ૪, ૧૬.

ખોટી અસરથી બચવા આપણે શું કરવું જોઈએ? યહુદાએ કહ્યું: “વહાલાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોથી જે વચનો અગાઉ કહેવામાં આવ્યાં છે, તેઓને તમે સંભારો.” પછી તેમણે કહ્યું: “દેવની પ્રીતિમાં પોતાને સ્થિર રાખો.”—યહુ. ૧૭-૨૧.

સવાલ-જવાબ:

૩, ૪—યહુદાએ કેમ કહ્યું કે વિશ્વાસની “ખાતર તમારે ખંતથી યત્ન કરવો” જોઈએ? મંડળમાં ‘એવા કેટલાએક માણસો ગુપ્ત રીતે અંદર આવ્યા હતા. તેઓ અધર્મી હતા, ને ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરતા હતા.’

૨૦, ૨૧—આપણે કઈ રીતે ‘ઈશ્વરની પ્રીતિમાં સ્થિર રહી’ શકીએ? (૧) “પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા” જઈએ. એ માટે બાઇબલમાંથી શીખીએ અને દિલથી પ્રચાર કરીએ. (૨) “પવિત્ર આત્મામાં પ્રાર્થના” કરીએ ને એના માર્ગદર્શન પ્રમાણે જીવીએ. (૩) ઈસુની કુરબાની પર શ્રદ્ધા રાખીએ, કેમ કે એના દ્વારા જ અમર જીવન છે.—યોહા. ૩:૧૬, ૩૬.

આપણે શું શીખી શકીએ?

૫-૭. શું દુષ્ટો યહોવાહના ઇન્સાફથી છટકી શકે છે? ના. યહુદાએ આપેલા ત્રણ દાખલા એ બતાવે છે.

૮-૧૦. “મીખાએલ પ્રમુખ દૂતે” સારો દાખલો બેસાડ્યો. આપણે પણ યહોવાહે પસંદ કરેલા ભાઈઓને માન આપીએ.

૧૨. દરિયામાં છૂપા પથ્થરો વહાણો માટે ખતરનાક છે તેમ, યહોવાહને બેવફા લોકો આપણી શ્રદ્ધા માટે ખતરનાક છે. તેઓ ઉદાર હોવાનો દેખાડો કરવા મીઠું મીઠું બોલશે. પણ તેઓ નકામાં વાદળ જેવાં છે, જે વરસતાં નથી. પાનખર મોસમનાં વૃક્ષોની જેમ, તેઓ ફળ વગરના છે. મરેલું વૃક્ષ કાપીને મૂળિયાં સાથે બાળી નંખાય છે, તેમ તેઓનો નાશ થશે. આપણે તેઓથી દૂર રહીએ.

૨૨, ૨૩. આપણે બધી બૂરાઈને નફરત કરીએ. મંડળમાં અમુક “શંકાશીલ છે.” (યહૂદા ૨૨, IBSI) તેઓને મદદ કરવા અનુભવી વ્યક્તિઓ અને ખાસ કરીને વડીલો પ્રયત્ન કરે છે, જેથી એ વ્યક્તિ આવનાર વિનાશમાંથી બચે. (w08 12/15)

[Pictures on page 30]

પાણી, યહોવાહની શક્તિ અને લોહીએ પુરાવો આપ્યો કે ઈસુ ‘ઈશ્વરના પુત્ર છે’