સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું યહોવાહના સાક્ષીઓ એમ માને છે કે તેઓ જ બચી જશે ને બીજા બધાનો નાશ થશે?

શું યહોવાહના સાક્ષીઓ એમ માને છે કે તેઓ જ બચી જશે ને બીજા બધાનો નાશ થશે?

વાચકો તરફથી પ્રશ્ન

શું યહોવાહના સાક્ષીઓ એમ માને છે કે તેઓ જ બચી જશે ને બીજા બધાનો નાશ થશે?

યહોવાહના સાક્ષીઓ માને છે કે તેઓ સાચા ઈશ્વરને ભજે છે. જો એમ ન હોત, તો તેઓ કંઈ બીજું જ માનતા હોત. તેઓ એમ પણ માને છે કે દુનિયાની દુષ્ટતાનો નાશ કરતી વખતે, ઈશ્વર તેઓને બચાવશે. પણ એ ખુદ ઈશ્વર જ નક્કી કરશે.—યશાયાહ ૩૩:૨૨.

બાઇબલ બતાવે છે કે જેણે બચવું હોય, તેણે ઈશ્વરના કહેવા મુજબ જીવવું જોઈએ. ધારો કે તમે જંગલમાં ભૂલા પડ્યા. બહાર નીકળવાનો રસ્તો જ દેખાતો નથી. ચિંતા થાય છે કે આમાંથી નીકળાશે કે કેમ? એવામાં કોઈ તમને મદદ કરવા આવે છે. તમે શું કરશો? મદદ સ્વીકારશો કે ઇન્કાર કરશો? જો મદદ લેશો તો ચોક્કસ જંગલમાંથી નીકળશો.

દુષ્ટતાના અંતમાંથી બચવા પણ, ઈશ્વર યહોવાહ બધાને માર્ગદર્શન આપે છે. અફસોસ કે બધા એ સ્વીકારતા નથી. એ સ્વીકારવું બહુ જ જરૂરી છે, કેમ કે ઈસુએ કહ્યું, “જેઓ મને પ્રભુ, પ્રભુ, કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.”—માત્થી ૭:૨૧.

યહોવાહના સાક્ષીઓ માને છે કે દુનિયાના અંતમાંથી બચવા ઈસુની કુરબાનીમાં શ્રદ્ધા રાખવી જોઈએ. ઈસુના પગલે ચાલવું જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૦-૧૨) બીજું શું કરવાની જરૂર છે? ચાલો બીજી ત્રણ બાબતો જોઈએ.

(૧) ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) ઈસુએ ઇન્સાનને બચાવવા પોતાનું જીવન આપી દીધું. એ ખરા પ્રેમની નિશાની છે. આપણે પણ એવો જ પ્રેમ બતાવવો જોઈએ.

(૨) ઈસુએ પ્રાર્થનામાં ઈશ્વરને કહ્યું: “મેં તેઓને તારૂં નામ જણાવ્યું છે.” (યોહાન ૧૭:૨૬) ઈશ્વરનું નામ યહોવાહ છે. તેમની નજરમાં એ નામ ખૂબ મહત્ત્વનું છે. ઈસુ એ જાણતા હતા. એટલે તેમણે પ્રાર્થના કરી કે એ ‘નામ પવિત્ર મનાવવામાં’ આવે. (માત્થી ૬:૯) કઈ રીતે? એક તો યહોવાહને સારી રીતે ઓળખીએ. તેમને માન આપીએ. બીજા લોકોને એ નામ જાહેર કરીએ. તેઓને શીખવીએ કે યહોવાહ કેવા છે. (માત્થી ૨૮:૧૯, ૨૦) જેઓ યહોવાહને ભજશે, તેઓ જ નાશમાંથી બચશે.—રૂમી ૧૦:૧૩.

(૩) આજે લોકો કોઈને કોઈ સરકાર કે રાજા પર ભરોસો મૂકે છે. પણ ઈસુએ કહ્યું: “મારૂં રાજ્ય આ જગતનું નથી.” (યોહાન ૧૮:૩૬) ઈસુ અહીં ઈશ્વરના રાજ્યની વાત કરતા હતા. આપણે એ રાજ્યને પૂરેપૂરો ટેકો આપીને, લોકોને એના વિષે જણાવીએ.—માત્થી ૪:૧૭.

ઈસુના શિષ્યોએ પૂછ્યું હતું: “કોણ તારણ પામી શકે?” ઈસુએ કહ્યું: ‘માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.’ (લુક ૧૮:૧૮-૩૦) યહોવાહના સાક્ષીઓ ઈશ્વરના માર્ગે ચાલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. બીજાઓને પણ એના વિષે શીખવે છે. આમ, જે ચાહે એ બચી શકે છે. (w08 11/1)