સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સર્વને ઈશ્વરનો સંદેશો જણાવીએ

સર્વને ઈશ્વરનો સંદેશો જણાવીએ

સર્વને ઈશ્વરનો સંદેશો જણાવીએ

“તેણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો.”—પ્રે.કૃ. ૧૦:૪૨.

૧. બધા પ્રેરિતોને કઈ આજ્ઞા મળી હતી?

 કરનેલ્યસ ઇટાલીના લશ્કરના અધિકારી હતા. તે ભલે યહુદી ન હતા, પણ બહુ ધાર્મિક હતા. એક દિવસ તેમણે ઈશ્વરની ભક્તિ કરવા પોતાના ઘરે સગાં-સંબંધીઓને ભેગા કર્યા. પીતરે તેઓને કહ્યું કે પ્રેરિતોને આ આજ્ઞા મળી છે: ઈસુ વિષે “લોકોને ઉપદેશ કરો અને [પૂરેપૂરી] સાક્ષી આપો.” પીતરના ઉપદેશને લીધે કરનેલ્યસ જેવા લોકો પણ યહોવાહના પાકા ભક્ત બની શક્યા. તેઓએ બાપ્તિસ્મા લીધું. યહોવાહે તેઓને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા. પીતરે પૂરેપૂરી રીતે સાક્ષી આપી, એના કેવા સરસ આશીર્વાદ મળ્યા!—પ્રે.કૃ. ૧૦:૨૨, ૩૪-૪૮.

૨. સાક્ષી આપવાની આજ્ઞા પ્રેરિતોને જ મળી ન હતી, એ શાના પરથી કહી શકાય?

એ બનાવ ૩૬ની સાલમાં બન્યો. એના બેએક વર્ષ પહેલાં, તાર્સસના શાઊલ ખ્રિસ્તીઓની સતાવણી કરવા દમસ્ક જતા હતા. રસ્તામાં ચમત્કાર થયો. ઈસુએ તેમને કહ્યું: “શહેરમાં જા, અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.” ઈસુએ પોતાના શિષ્ય અનાન્યાને ચમત્કારથી જણાવ્યું કે શાઊલ ‘વિદેશીઓ, રાજાઓ તથા ઈસ્રાએલપુત્રોની આગળ તેમનું નામ પ્રગટ’ કરશે. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૩-૬, ૧૩-૨૦ વાંચો.) શાઊલને મળીને અનાન્યાએ કહ્યું: ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તને પસંદ કર્યો છે. કેમકે સર્વ લોકોની આગળ તું ઈશ્વરનો સાક્ષી થશે.’ (પ્રે.કૃ. ૨૨:૧૨-૧૬) શાઊલ પછીથી પાઊલ તરીકે ઓળખાયા. ઈસુએ આપેલી આજ્ઞા પાઊલે કેટલી હદે પૂરી કરી?

પાઊલે પૂરેપૂરી સાક્ષી આપી

૩. (ક) આ લેખમાં કયો બનાવ વિચારીશું? (ખ) પાઊલનો સંદેશો સાંભળીને વડીલોએ શું કર્યું? આપણે એમાંથી શું શીખી શકીએ?

પ્રચારમાં પાઊલની ધગશનો ફક્ત એક દાખલો વિચારીએ. એ પ્રેરિતોનાં કૃત્યો વીસમા અધ્યાયમાં છે. આશરે ૫૬ની સાલમાં પાઊલ ત્રીજી મિશનરિ ટૂરના અંતે, એજિયન સમુદ્રના મીલેતસ બંદરે આવ્યા. તેમણે એફેસસના વડીલોને મળવા માટે બોલાવ્યા. એફેસસ ત્રીસેક માઈલ (૫૦ કિલોમીટર) દૂર હતું, પણ વાંકા-ચૂંકા રસ્તાને કારણે મુસાફરી લાંબી થઈ જતી. તોયે પાઊલનો સંદેશો સાંભળીને વડીલોને ઘણી ખુશી થઈ. (વધુ માહિતી: નીતિવચનો ૧૦:૨૮.) પાઊલને મળવા ભાઈઓએ અનેક ગોઠવણો કરી હશે. જેમ કે, નોકરી પરથી રજા લીધી હશે. દુકાન બંધ કરી હશે. આજે પણ ભાઈ-બહેનો ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં ત્રણેય દિવસ જવા એમ જ કરે છે.

૪. વર્ષો પહેલાં પાઊલ એફેસસમાં હતા ત્યારે શું કર્યું?

ત્રણ-ચાર દિવસ પછી ભાઈઓ મીલેતસ પહોંચ્યા, ત્યાં સુધી પાઊલે શું કર્યું? (વધુ માહિતી: પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૬, ૧૭.) પ્રચાર માટે પાઊલની હોંશ પરથી એનો જવાબ મળે છે. વડીલોને પાઊલે છેલ્લાં અમુક વર્ષોના પ્રચાર વિષે વાતો કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૧૮-૨૧ વાંચો.) પાઊલે કહ્યું: ‘આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને બધો વખત મેં સાક્ષી આપી, તે તમે જાણો છો.’ લુક જણાવે છે કે આશરે ૫૨-૫૫ની સાલમાં પાઊલ એફેસસમાં હતા. તેમણે યહુદીઓને ‘સભાસ્થાનમાં વાદવિવાદ કરીને, ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.’ પણ ‘કેટલાએકે પ્રભુની વાત’ ન માની. એટલે પાઊલ શહેરમાં બીજી બાજુ પ્રચાર કરવા માંડ્યા. આમ પાઊલે યહુદી અને ગ્રીક બંનેને જોર-શોરથી પ્રચાર કર્યો. આપણે શું કર્યું હોત?—પ્રે.કૃ. ૧૯:૧, ૮, ૯.

૫, ૬. પાઊલે ઘરેઘરે જઈને શું કર્યું? બાઇબલ એના વિષે શું કહે છે?

પાઊલના એ પ્રચારને લીધે એફેસસમાં અમુક લોકો ખ્રિસ્તી બન્યા. તેઓમાંના અમુક વડીલો પણ બન્યા, જેઓ હવે પાઊલને મીલેતસમાં મળવા આવ્યા. પાઊલે તેઓને કહ્યું: “જે કંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરેઘેર તમને બોધ કર્યો.” આજે અમુકનું કહેવું છે કે પાઊલ ભાઈ-બહેનોની મુલાકાત લેવાની (શેપર્ડિંગ કોલની) વાત કરે છે. પણ પાઊલે કહ્યું કે તેમણે ‘પ્રગટ રીતે તથા ઘેરેઘેર બોધ કર્યો.’ એટલે કે પ્રચાર કર્યો. પાઊલે પછીથી કહ્યું: “પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહુદીઓને તથા ગ્રીકોને આપી.” જેઓ યહોવાહના ભક્તો ન હતા, તેઓ ઈસુની કુરબાનીમાં વિશ્વાસ રાખીને પાપોનો પસ્તાવો કરે, એ માટે પાઊલે તેઓને પ્રચાર કર્યો.—પ્રે.કૃ. ૨૦:૨૦, ૨૧.

ગ્રીક શાસ્ત્રની સ્ટડી કરનાર એક સ્કૉલરે પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦ વિષે આમ કહ્યું: ‘પાઊલે એફેસસમાં ત્રણ વર્ષ રહીને, દરેક ઘરે અથવા સર્વ લોકોને પ્રચાર કર્યો હશે. (કલમ ૨૬) એ બતાવે છે કે ઘરેઘરે પ્રચાર કરવો જોઈએ. સભાઓમાં પણ શીખવવું જોઈએ.’ આપણે જાણતા નથી કે પાઊલે દરેક ઘરે પ્રચાર કર્યો કે નહિ. પણ પાઊલે જણાવ્યું કે પોતે પૂરા ઉમંગથી આપેલી સાક્ષી એફેસસના વડીલો ન ભૂલે. લુકે કહ્યું: “આસિયામાં રહેનાર સર્વ યહુદીઓએ તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.” (પ્રે.કૃ. ૧૯:૧૦) “સર્વ” લોકોએ કઈ રીતે સાંભળ્યું હોય શકે? એમાંથી શું શીખી શકીએ?

૭. પાઊલે દરેકને પ્રચાર નહિ કર્યો હોય, તોપણ સત્ય કઈ રીતે ફેલાયું?

પાઊલે ઘરેઘરે અને જ્યાં પણ તક મળે ત્યાં ઘણાને પ્રચાર કર્યો. એફેસસમાં લોકો કુટુંબ, ધંધા કે ફરવા માટે આવતા-જતા, જેમ આજે પણ થાય છે. તેઓએ પાઊલ કે બીજા કોઈ પાસેથી સત્ય જાણ્યું હોય શકે. જેઓએ સત્ય સ્વીકાર્યું, તેઓ એફેસસથી પાછા ઘરે જઈને કદાચ પ્રચાર કરવા લાગ્યા. જેઓ ખ્રિસ્તી ન બન્યા, તેઓએ પણ એના વિષે ઘરે પાછા ફરીને, બીજાઓને જણાવ્યું હોય શકે. તેઓના સગા, પડોશી કે બીજા કોઈએ સત્ય સ્વીકાર્યું હોય શકે. (વધુ માહિતી: માર્ક ૫:૧૪.) આજે પણ એવું જ બની શકે છે.

૮. આસિયામાં સત્યનો સંદેશો કઈ રીતે ફેલાયો હોય શકે?

આસિયાના એફેસસમાંના પ્રચાર વિષે પાઊલે કહ્યું: ‘એક મહાન દ્વાર મારે સારૂ ઉઘાડવામાં આવ્યું છે.’ (૧ કોરીં. ૧૬:૮, ૯) પાઊલે એફેસસમાં કરેલા પ્રચારથી એની આજુબાજુ પણ સત્ય ફેલાયું. જેમ કે કોલોસે, લાઓદીકિયા અને હિયરાપોલીસ શહેરોમાં પાઊલ ગયા ન હતા. તોપણ ત્યાં સત્ય ફેલાયું. એપાફ્રાસ એ વિસ્તારના હતા. (કોલો. ૨:૧; ૪:૧૨, ૧૩) શું તેમણે એફેસસમાં સત્ય સાંભળ્યું અને શિષ્ય બન્યા? બાઇબલ એ જણાવતું નથી. પણ પછીથી પાઊલના માર્ગદર્શન પ્રમાણે એપાફ્રાસે પોતાના એરિયામાં સત્ય ફેલાવ્યું હોય શકે. (કોલો. ૧:૭) પાઊલે એફેસસમાં કરેલા પ્રચારની અસર ફિલાદેલ્ફીઆ, સાર્દિસ અને થુઆતૈરામાં થઈ હોય શકે.

૯. (ક) પાઊલની કઈ તમન્‍ના હતી? (ખ) ૨૦૦૯ના વર્ષનું વચન કયું છે?

એફેસસના વડીલોને પાઊલે કહ્યું: ‘હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરૂં.’ વડીલોને એમાં કોઈ શંકા ન હતી. પાઊલ જેવા બનવા આપણને ૨૦૦૯નું વચન મદદ કરશે, જે કહે છે: ‘સર્વ લોકોને ઈશ્વરનો સંદેશો જણાવીએ.’—પ્રે.કૃ. ૨૦:૨૪.

પાઊલની જેમ પ્રચાર કરીએ

૧૦. આપણને કઈ આજ્ઞા મળી છે?

૧૦ ઈસુએ સજીવન થયા પછી, ગાલીલમાં આશરે ૫૦૦ શિષ્યોને આજ્ઞા આપી: “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” ‘લોકોને ઉપદેશ કરવાની અને સાક્ષી આપવાની’ એ આજ્ઞા આપણને પણ લાગુ પડે છે. ઈસુએ આ ખાતરી આપી: “જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”—માથ. ૨૮:૧૯, ૨૦.

૧૧. યહોવાહના સાક્ષીઓ કયા કામથી ઓળખાય છે?

૧૧ પાઊલની જેમ આજે યહોવાહના સાક્ષીઓ ઘરેઘરે જઈને ‘સર્વને ઈશ્વરનો સંદેશો જણાવે’ છે. ડેવિડ જી. સ્ટુઅર્ટ જુનિયરે ૨૦૦૭માં મિશનરિ કામ વિષેના પુસ્તકમાં લખ્યું: ‘મોટા ભાષણો આપીને શીખવવાને બદલે, યહોવાહના સાક્ષીઓ એકબીજાને સારા મિશનરિ બનતા શીખવે છે. તેઓને પ્રચારમાં જવું ગમે છે. ૧૯૯૯માં મેં પૂર્વ યુરોપનાં બે શહેરોમાં સર્વે કર્યો. ફક્ત બેથી ચાર ટકા લોકો સાથે જ ચર્ચના મિશનરીઓએ (લેટર ડે સેઇન્ટ્‌સ અને મોર્મન) બાઇબલની વાત કરી હતી. જ્યારે કે ૭૦ ટકાથી વધારે લોકો સાથે યહોવાહના સાક્ષીઓએ અનેક વાર બાઇબલની ચર્ચા કરી હતી.’

૧૨. (ક) આપણે કેમ લોકોને ‘અનેક વાર’ પ્રચાર કરીએ છીએ? (ખ) કોઈ પહેલાં ન સાંભળે, પણ પછી સાંભળ્યું હોય, એવો અનુભવ જણાવો.

૧૨ આપણા એરિયામાં પણ લોકોએ એવું કંઈક કહ્યું હોય શકે. આપણે ‘સર્વ લોકોને ઈશ્વરનો સંદેશો જણાવવા’ ઘરેઘરે પ્રચાર કરીએ છીએ. ‘અનેક વાર બાઇબલની ચર્ચા કરીએ’ છીએ. અમુક સાંભળે છે. અમુક વધારે જાણવા સ્ટડી કરે છે. જ્યારે કે અમુક લોકો સાથે ‘અનેક વાર’ વાત કર્યા છતાં સાંભળતા નથી. પણ અચાનક સંજોગો બદલાય ત્યારે તેઓ સાંભળે છે. જેમ કે, કોઈ ગુજરી જાય કે બીજો કોઈ ખરાબ અનુભવ થાય. એવા અમુક હવે આપણા ભાઈ-બહેનો છે. ભલે બધા જ યહોવાહના સાક્ષી ન બને, તોપણ હિંમત ન હારો. યહોવાહ એ જ ચાહે છે કે આપણે ‘સર્વ લોકોને તેમનો સંદેશો’ જણાવતા રહીએ.

પ્રચારની અસર વિષે ખબર ન પણ પડે

૧૩. આપણે પ્રચાર કર્યો એના વિષે શું હંમેશાં ખબર પડતી નથી?

૧૩ પાઊલની જેવું જ આપણા કિસ્સામાં પણ બની શકે. આપણે ઘરેઘરે, પડોશીને, નોકરીધંધે, સ્કૂલે કે સગાંવહાલાંને સત્ય વિષે વાત કરીએ. તરત સાંભળીને એનો સ્વીકાર કરે તેઓની આપણને ખબર પડે છે. પણ મોટે ભાગે વ્યક્તિના દિલમાં સત્યનાં બી એમને એમ પડી રહી શકે. કદાચ પછીથી એ ઊગે અને વધે. જો એમ ન થાય તોપણ, તેઓ કદાચ એના વિષે બીજા કોઈને વાત કરે. એમ સત્યનાં બી બીજા કોઈનાં દિલમાં રોપી શકે.

૧૪, ૧૫. એક ભાઈએ સત્યની વાત કરી પછી શું બન્યું?

૧૪ અમેરિકાના ફ્લોરિડામાં રહેતા પતિ-પત્ની, રાયન અને મૅન્ડીનો વિચાર કરો. રાયને નોકરી પર એક હિંદુ ભાઈ સાથે સત્ય વિષે વાત કરી. રાયનના બોલવા-ચાલવાથી અને જે રીતે સ્માર્ટ દેખાતા, એની એ હિંદુ ભાઈ પર અસર પડી હતી. રાયને વાતવાતમાં જણાવ્યું કે ગુજરી ગયેલા સજીવન થશે. જાન્યુઆરીની એક સાંજે પેલા ભાઈએ પોતાની પત્ની જૉડીને પૂછ્યું, ‘તું યહોવાહના સાક્ષીઓ વિષે કંઈ જાણે છે?’ જૉડી કૅથલિક હતી. તેણે કહ્યું, ‘યહોવાહના સાક્ષીઓ ઘરેઘરે પ્રચાર કરે છે, બસ એ જ જાણું છું.’ જૉડીએ ઇન્ટરનેટ પર અંગ્રેજીમાં ‘યહોવાહના સાક્ષીઓ’ ટાઇપ કર્યું. પછી આપણી વેબ સાઇટ (www.watchtower.org) પર ગઈ. બે-ત્રણ મહિના સુધી બાઇબલ અને અમુક લેખો વાંચ્યા.

૧૫ જૉડી નર્સ હતી. રાયનની પત્ની મૅન્ડી પણ નર્સ હતી. તેઓ એકબીજાને મળ્યા. મૅન્ડીએ જૉડીના ઘણા સવાલોના જવાબ આપ્યા. જૉડીએ કહ્યું કે જાણે ‘આદમથી આર્માગેદનની’ ચર્ચા કરી. જૉડીએ સ્ટડી શરૂ કરી ને મિટિંગમાં જવા લાગી. ઑક્ટોબરથી પ્રચાર કરવા લાગી અને ફેબ્રુઆરીમાં બાપ્તિસ્મા પામી. તે કહે છે કે “સત્ય જાણ્યા પછી હું બહુ જ ખુશ છું.”

૧૬. પ્રચાર કામ વિષે રાયનનો અનુભવ શું શીખવે છે?

૧૬ ‘સાક્ષી આપવાને’ લીધે આવું બનશે, એવું રાયને ધાર્યું પણ ન હતું. જોકે દરેકને જાણ થતી નથી કે આખરે શું બને છે. “આસિયામાં” સત્ય સ્વીકારનાર બધા વિષે પાઊલને ખબર પડી નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧૧; ૨૮:૨૩ વાંચો.) એ જ રીતે, તમે પણ કોઈને ઘરેઘરે, નોકરીધંધે, સ્કૂલે કે બીજે ક્યાંય સત્યની વાત કરી હોય. એના દ્વારા બીજાને સત્ય વિષે જાણવા મળ્યું હોય. એની જાણ તમને ન પણ થાય. તોપણ મહત્ત્વનું એ જ છે કે પ્રચાર કરતા રહીએ!

૧૭. ૨૦૦૯ના વર્ષમાં તમે શું કરશો?

૧૭ ચાલો આપણે ૨૦૦૯ના વર્ષમાં, ઘરેઘરે અને જ્યાં પણ તક મળે ત્યાં લોકોને સત્ય વિષે જણાવીએ. આપણે પણ પાઊલની જેમ કહી શકીશું: ‘હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરૂં.’ (w08 12/15)

આપણે કેવી રીતે સમજાવીશું?

• પહેલી સદીમાં પીતર, પાઊલ અને બીજાઓએ કઈ રીતે ઈશ્વરનો સંદેશો સર્વને જણાવ્યો?

• પ્રચારની અસર આપણા ધારવા કરતાં કેમ વધારે થઈ શકે છે?

• ૨૦૦૯નું વચન કયું છે? તમને એ કેમ ગમે છે?

[Study Questions]

[Picture on page 24]

૨૦૦૯નું વચન છે કે ‘સર્વ લોકોને ઈશ્વરનો સંદેશો જણાવીએ.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૪.